Tuesday, January 12, 2010

એક રિશ્તા બનાયા ઝમાને લગે,

એક રિશ્તા બનાયા ઝમાને લગે,
તોડને મેં ફક્ત કુછ બહાને લગે.


મેવાલાલની ચાલીના નાકા આગળ આવીને શેઠ મલકચંદ માલપાનીની બીએમડબલ્યૂ કાર ઊભી રહી ગઇ. શોફરે હાથ ઊંચા કરી દીધા, ‘શેઠ સાહેબ, ગાડી અહીંથી આગળ નહીં જાય. તમારે અહીંયા જ ઊતરી જવું પડશે.’


‘કેમ?’ પાછલી સીટ ઉપર યુવાન પુત્ર સંવનનની બાજુમાં બેઠેલા અને પોણી સીટમાં પથરાયેલા મલકચંદે પૂછી લીધું.


‘ચાલી સાંકડી છે અને આપણી ગાડી મોટી છે.’


‘તો પછી ગાડીને પાછી લઇ લો! આ શહેરમાં પગે ચાલવું એ મારી શાનની ખિલાફ છે. ગાડી પાછી વાળ!’


બાજુમાં બેઠેલો સંવનન ‘પપ્પા, પપ્પા’ કરતો રહ્યો અને શોફરે એક ખુલ્લી જગ્યા જોઇને ગાડીનું સ્ટીયિંરગ ઘુમાવી લીધું. દસ મિનિટ બાદ બાપ-દીકરો એમના પેલેસિયલ બંગલાના વાતાનુકૂલિત ખંડમાં ગરમગરમ અંગારા જેવી દલીલબાજી કરતા હતા.


‘પપ્પા, આ તમે શું કર્યું? આપણે છોકરીના ઘરે જઇ રહ્યા હતા. થોડુંક ચાલી નાખવામાં આપણું શું જતું હતું?’


‘શું જતું હતું? અરે મૂરખ, એમ પૂછે કે શું બાકી રહેતું હતું! આખું શહેર શેઠ મલકચંદની સંઘર્ષગાથા જાણે છે. ફૂટપાથ ઉપર રખડતો-ભટકતો મલકો કેવી રીતે કડકામાંથી કરોડપતિ બન્યો એનું દ્રષ્ટાંત હવે તો બિઝનેસ મેનેજમેન્ટના વર્ગખંડોમાં ભણાવાય છે.


આ માથા પરના નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું વાળ બપોરના તડકામાં શેકી-શેકીને કાળામાંથી ધોળા કરી નાખ્યા, ત્યારે મારી તિજોરીમાં ધોળામાંથી કાળાં થયેલાં નાણાં આવ્યાં છે.’


‘પણ આપણા ધનને અને કન્યાના ઘરને શો સંબંધ છે, પપ્પા?’


‘સંબંધ છે, કુંવર, સંબંધ છે. આજે આ શહેરમાં મારું નામ છે. રાજ્યના મોટા-મોટા પ્રધાનો આ શહેરમાં આવે છે ત્યારે હું એમને મળવા નથી જતો, એ લોકો લાલબત્તીવાળી ગાડીમાં બેસીને આપણા ઘરે આવે છે. એવો શેઠ મલકચંદ સામે ચાલીને એક સામાન્ય ચાલીમાં રહેતા ભૂખડી બારશ જેવા બાપના ઘરે જવા તૈયાર થયો.


શા માટે? માત્ર પોતાના દીકરાનું મન રાખવા માટે, સમજ્યો? પણ મને ખબર ન હતી કે એ છોકરી મને રોડ ઉપર લાવી દેશે. ના, મારાથી પગે ચાલીને એના ઘરે નહીં જઇ શકાય. હવે એક પણ શબ્દની દલીલ ન જોઇએ મારે.’


‘પણ પગે ચાલવાની વાત એમાં ક્યાં આવી? આપણે રિક્ષામાં બેસીને જઇ શકતા હતા ને?’


‘એમ તો ઊંધા માથે, શીર્ષાસન કરતાં કરતાં પણ જઇ શકાય છે... જો એટલી બધી ગરજ હોય તો!’ મલકચંદ શેઠની વાણી કટાક્ષમાં ઝબોળાયેલી હતી.


સંવનનને લાગ્યું કે આ સમય સાચવી લેવા જેવો હતો. બાપ નામનો બોમ્બ અત્યારે વિસ્ફોટના આરે આવી ઊભો હતો. એક વાર જો એ બોમ્બ ફાટ્યો તો પછી વાદ-વિવાદ કે સંવાદ માટે કોઇ જ અવકાશ બચતો ન હતો.


માંડમાંડ તો પોતે પપ્પાને પોતાની પ્રેમિકાના ઘરે જવા માટે રાજી કર્યા હતા. ત્યાં આ સાંકડી ચાલીના અપશુકન કાળી બિલાડીની પેઠે આડા ઊતર્યા. સંવનને હાલ પૂરતો યુદ્ધવિરામનો સફેદ ઝંડો ફરકાવી દીધો.


સંવનન પ્રેમમાં હતો. સિફત શ્રીમાળી નામની યુવતી કોઇ સામાન્ય કન્યા નહોતી, પણ કુદરતનો સર્વશ્રેષ્ઠ કરિશ્મા હતી. કોલેજમાં રોજ નવી-નવી કારમાં બેસીને આવતો મલકચંદ શેઠનો આ યુવરાજ પગે ચાલીને આવતી આ ચાલીની રાજકુંવરીનાં પ્રેમમાં પડી ગયો. આંખો બંધ કરીને આગળ-પાછળના કશા જ વિચારો કર્યા વગર એ ઊંધેકાંધ પ્રેમમાં પડ્યો.


સિફતે પહેલી જ મુલાકાતમાં સ્પષ્ટતા કરી દીધેલી, ‘સંવનન, હું ખૂબ ગરીબ ઘરની છોકરી છું. દસ-બાય-દસની એક જ ઓરડીમાં અમારો ચાર જણાનો પરિવાર જીવે છે. મારા ઘર કરતાં તો તારો બાથરૂમ મોટો હશે.’


‘તો શું થઇ ગયું! મારું દિલ મારા ઘર કરતાંયે મોટું છે. એમાં આવી દુન્યવી બાબતોને બાદ કર્યા પછી પણ તારે રહેવા માટે ઘણી બધી ખાલી જગ્યા છે. રૂપાળી છોકરીઓનો વર્તમાન દરિદ્ર હોઇ શકે, પણ એમનું ભવિષ્ય હંમેશાં સમૃદ્ધ હોય છે. તું ચિંતા ન કર. હું મારા પપ્પાને મનાવી લઇશ. પપ્પા જરાક ઘમંડી છે, પણ એ મને ચાહે છે. મને લાગે છે કે પપ્પા માની જશે.’


સંવનનની અડધી ધારણા સાચી પડી, અડધી ખોટી. થોડા દિવસો બાદ જ્યારે એણે પપ્પા આગળ સિફત સાથેના પ્રેમસંબંધ વિશે વાત રજૂ કરી, ત્યારે પહેલો સવાલ શેઠજીએ આ જ પૂછ્યો, ‘છોકરીનાં રૂપની વાત છોડ, એના કુળની વાત જણાવ.


એનો બાપ શું કરે છે? કેટલી ફેક્ટરીઓનો એ માલિક છે. એના બંગલાઓની સંખ્યા કેટલી છે અને એ ક્યાં-ક્યાં આવેલા છે? છોકરી કોલેજમાં કઇ ગાડીમાં બેસીને આવે છે, મર્સિડીઝમાં કે બીએમડબ્લ્યૂમાં?’


સંવનન નિરુત્તર હતો. એ વખતે તો ચર્ચા અધૂરી રહી. પણ થોડાક દિવસ બાદ લાગ જોઇને ફરીથી સંવનને વાત છેડી, ‘પપ્પા, તમે છોકરીના પૈસા વિશે કેમ પૂછ-પૂછ કરો છો? આપણી પાસે મબલક ધન છે, પછી એના બાપના પૈસાનું આપણે શું કામ છે? તમે એક વાર એના ઘરે જઇને એના પપ્પાને મળો તો ખરા! નહીંતર પછી આપણે એ લોકોને આપણા બંગલે બોલાવીએ.’


‘ના, એમાં તો આપણી આબરૂના ધજાગરા થાય. એના કરતાં આપણે જ એના ઘરે જઇ આવીશું.’ કહીને છેવટે શેઠ મલકચંદ સંમત થયા. પણ આખરે છેલ્લે ઘડીએ બધું ઊંધું વળી ગયું. ચાલીમાં દાખલ થવાનો સાંકડો માર્ગ અને શેઠજીની મોટી, લાંબી, પહોળી કાર, આ બે પરિબળોએ સંવનન-સિફતનો બંધાઇ રહેલો માળો વિખેરી નાખ્યો.


ફરી એક વાર સંવનન ગમ ખાઇ ગયો. ઈશ્વર નામના ન્યાયાધીશ પાસેથી જિંદગીની અદાલતમાં મહોબ્બતનો કેસ લડવા માટે ફરી એક વાર એણે મુદત માગી લીધી. પંદરેક દિવસ પસાર કરી નાખ્યા પછી સંવનને નિર્ધાર કરી નાખ્યો કે આજે તો કિસ્મતની ક્રિકેટ મેચની આખરી ઓવર રમી જ નાખવી.


બપોરના સમયે એ પિતાની ઓફિસમાં જઇ પહોંચ્યો. શેઠ મલકચંદ માલપાની લંચ પેટે પાંચ લાખનો ધંધો કરીને વામકુક્ષી કરતાં ખુરશીમાં બેઠા હતા. દીકરાને આવેલો જોઇને એમણે અધખુલ્લી આંખો સાથે પૂછ્યું, ‘બોલ, બેટા! કેટલા રૂપિયાની જરૂર પડી?


દસ-પંદર હજાર જેટલા પરચૂરણ માટે તો તારે મારા સુધી આવવું જ નહીં. બહાર બેઠેલા એકાઉન્ટન્ટ પાસેથી જ...’


‘હું પૈસા માટે નથી આવ્યો, પપ્પાજી! હું પૂછવા માટે આવ્યો છું કે આપણે સિફતના પપ્પાને મળવા ક્યારે જવાના છીએ!’ મલકચંદ ઢળેલા હતા એમાંથી સહેજ બેઠા થયા, ‘તું હજુ સુધી એ છોકરીને ભૂલ્યો નથી? મેં તો તારા માટે એક-એકથી ચડિયાતી કન્યાઓ શોધવાનું શરૂ પણ કરી દીધું છે.’


‘તો એ કામ બંધ કરી દો, પપ્પા! તમારો સંવનન જો લગ્ન કરશે તો માત્ર સિફત સાથે. મેં એને પ્રેમ કર્યો છે, રમત નહીં. અમારો પ્રેમ સાચો છે. એને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે દોલત જોડે જરા પણ નિસ્બત નથી.’


‘મતલબ? જેની શેરીમાં તારી ગાડી ન જઇ શકે ત્યાં તું પોતે..?’


‘મારી ગાડી ન કહો, પપ્પા! એ તમારી ગાડી છે. અને તમને જો તમારી ગાડી વિશે આટલો બધો અહંકાર હોય તો બેસી રહો એને બાથ ભરીને... જિંદગીભર... દીકરા વગર... એકલા...’


‘એટલે તું કહેવા શું માગે છે? તારા બાપની મનાઇની ઉપરવટ જઇને પણ તું એ જ છોકરીની સાથે લગ્ન કરવાનો છે?’ પપ્પા ત્રાડૂક્યા.


‘હા, મેં નિર્ણય કરી નાખ્યો છે. તમે મારા પિતા છો તો એ મારી પ્રેમિકા છે. અડધી જિંદગી મેં તમારી સાથે પસાર કરી, હવે પછીની જિંદગી હું એની સાથે ગુજારીશ.’ સંવનનની જીભ પરથી ખુમારી ટપકતી હતી.


‘ઘર છોડતાં પહેલાં ફરી એક વાર વિચારી લેજે, બાપની મિલકતમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે!’ શેઠ મલકચંદ માલપાનીએ માલપાણીની લાલચ દેખાડી.
‘જોઇતી પણ નથી.


હું જાઉ છું, પપ્પા! તમારી દૌલત તમને મુબારક. હું દુનિયાને બતાવી આપીશ કે પ્રેમ પાત્ર જોઇને થાય છે, પૈસો જોઇને નહીં.’ સંવનન પગ પછાડતો નીકળી ગયો. પાછું વળીને જોવા પૂરતોય ન રોકાયો. મહોબ્બતની ઝૂંપડી આગળ મલકચંદનો મહેલ ઝાંખો પડી ગયો.


બે કલાક પછી સંવનન એની પ્રેમિકાની સાથે એક બગીચામાં બેઠો હતો, ‘સિફત, આખરે હું આવી ગયો છું... તારી પાસે... બધું છોડીને... પપ્પા, પૈસા, પ્રતિષ્ઠાનો દંભ બધું ત્યાગીને! લગ્નપછી આપણે બંને જણાં કામકરીશું, સંઘર્ષ કરીશું, એક-એક તણખલું ભેગું કરીને આપણો સંસાર સજાવીશું.’


એક આંચકા સાથે સિફતે એના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો, શું?! તું તારા બાપની તમામ સંપત્તિને ઠોકર મારીને આવ્યો છે? આપણે લગ્ન કરીને એ મોટા બંગલામાં નથી જવાનું? ભાડાનું ઘર? બે-અઢી હજારની નોકરી? પ્રેમના નામ પર જુવાનીના બે-ત્રણ દાયકાનું બલિદાન?


ઓહ નો! સંવનન, આઇ એમ સોરી! હું આવા મુફલીસીભર્યા પ્રેમમાં તસુભાર પણ વિશ્વાસ ધરાવતી નથી. આવા મુરતિયા તો મારી ચાલીમાંથીયે મળી રહે છે. સંવનન મારું સૌંદર્ય સંઘર્ષ માટે નથી સર્જાયું. એ તો સર્જાયું છે સોદાબાજી માટે. મારું રૂપ અને સામેવાળાના રૂપિયા. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? બાય, સી યુ નેવર ઇન ધીસ લાઇફટાઇમ..!


અને સિફત ઊડી ગઇ. સૌંદર્યને સંકોરતી, સ્વાર્થને વિખેરતી, રસ્તા પર આવી ગયેલા પ્રેમીને ઊભો રાખીને, કોઇ મહેલમાં બેઠેલા માલદાર મુરતિયાની તલાશમાં એ સિફતપૂર્વક ઊપડી ગઇ.


(શીર્ષક પંક્તિ : કિશન સ્વરૂપ)

No comments: