ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે
અખબારના છેલ્લા પાના પર છપાયેલી અવસાનનોંધ વાંચીને નિછાવર હબકી ગયો, ‘ઓહ્ નો! અગમ્યા ગઇ?!! આ ઉંમરે? માન્યામાં નથી આવતું!’ પણ માનવું જ પડે તેમ હતું. છાપામાં મૃત્યુનોંધના ચોકઠામાં જે વિગત છપાયેલી હતી તે એની અગમ્યાને જ લાગુ પડતી હતી. એની અગમ્યા? હા, નિછાવર એને પ્રેમ કરતો હતો માટે એની પોતાની અગમ્યા અને તેના બદલે કુરબાન પેલીને લઇ ગયો હતો માટે કુરબાનની અગમ્યા.
નિછાવર ફરી એક વાર મૃત્યુનોંધ વાંચી ગયો : ‘મારા ધર્મપત્ની અ.સૌ.અગમ્યા કુરબાન કોઠારીનું ટૂંકી બીમારી બાદ ગઇકાલે દુ:ખદ અવસાન થયેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરું. ભાઇઓ તથા બહેનોનું બેસણું બુધવારે સવારે આઠથી દસમાં નીચેના સરનામે રાખેલ છે.’
એ પછી પરિવારજનોના નામ લખેલા હતા. સૌથી ઉપર કુરબાન કોઠારીનું, પછી દીકરા-દીકરીનું અને સામેની બાજુએ અન્ય નિકટના સ્વજનોના નામો લખેલા હતા. છેક નીચે કુરબાન કોઠારીના ઘરનું સરનામું છાપેલું હતું : ‘વિસામો’, રેલવે સ્ટેશન રોડ, પ્રયાગ સ્કૂલની બાજુમાં, વડોદરા.
શબ્દે-શબ્દ વાંચી લીધા પછી નિછાવરે છાપાંમાં છપાયેલા ફોટોગ્રાફ ઉપર ઘ્યાન કેન્દ્રિત કર્યું. મૃત્યુનોંધ જો એ ચોથી વાર વાંચતો હતો, તો અગમ્યાનો ફોટોગ્રાફ કદાચ ચાલીસમી વાર જોઇ રહ્યો હતો. એની આંખો અગમ્યાના ચહેરાને પી રહી હતી અને દિમાગનું કમ્પ્યૂટર એ ચહેરાનું વિશ્લેષણ કરી રહ્યું હતું :
‘એવી ને એવી જ દેખાય છે. એ જ લંબગોળ ઘાટીલું મોં, હસતી આંખો, સહેજ ભરેલા ગાલ, ધનુષ્યની કમાન જેવા નેણ, મરોડદાર હોઠ. બધું એવું ને એવું જ રહ્યું છે હજુ સુધી. જેવી સત્તરમે વરસે લાગતી હતી એવી જ ખૂબસૂરત સુડતાલીસમા વરસે લાગી રહી છે. ચહેરાનો ગુલાબી ઝાંયવાળો રંગ પણ એવો જ બરકરાર રહી શક્યો છે.
કેવી દેખાતી હતી અગમ્યા જ્યારે પોતે એના પ્રેમમાં પડ્યો હતો? નિછાવર સમયની પાંખે સવાર થઇને અતીતની સફરે ઉપડી ગયો. ત્યારે અગમ્યા હજુ મિસિસ કોઠારી બની ન હતી, માત્ર મિસ અગમ્યા પરીખ હતી અને પૂરી કોલેજના તમામ છોકરાઓ આ સૌંદર્યમૂર્તિના નામની પાછળ પોત-પોતાની અટક મૂકવાના તરંગોમાં રાચતા હતા.
નિછાવર નાણાવટીનું નામ એ યાદીમાં સૌથી મોખરે હતું. નિછાવર અગમ્યાની ચાહનામાં પાગલપનની હદ સુધી પહોંચી ગયો હતો. રોજ સવારે ઊઠ્યા પછી એ બબડી જતો હતો : ‘ગુડ મોર્નિંગ, અગમ્યા! હાઉ આર યુ? ફાઇન? આઇ એમ ઓલ્સો ફાઇન. ચાલ ત્યારે! મળીએ છીએ કોલેજમાં.’
સાડા દસ વાગ્યે એ જમવાની થાળી સામે બેસીને બંને આંખો બંધ કરીને હોઠ ફફડાવી લેતો, એની મમ્મી સમજતી કે દીકરો ભોજન શરૂ કરતા પહેલા પ્રભુની પ્રાર્થના કરે છે. શું બબડતો હતો નિછાવર? ‘હે ઈશ્વર! મારી અગમ્યા પણ અત્યારે જમવા માટે બેઠી હશે. હું ઇચ્છું છું કે આજે એની થાળીમાં એને ભાવતી વાનગીઓ પીરસવામાં આવે. એ પેટ ભરીને જમે! એનું મન કચવાય નહીં.’
આટલી પ્રાર્થના કરી લીધા પછી જ નિછાવર જમવાનું શરૂ કરતો. અગિયાર વાગે કોલેજના પ્રાંગણમાં પગ મૂક્યા પછી પહેલું કામ એ અગમ્યાને શોધવાનું કરતો હતો. આજે અગમ્યાએ કયો ડ્રેસ પહેર્યો છે, એનું કલર કોમ્બિનેશન કેવું છે, આજે એ કેવી દેખાય છે આવા બધા પ્રશ્નોમાં એને ભાન પણ ન રહેતું કે અગમ્યા ક્યારે એની બાજુમાંથી પસાર થઇ ગઇ.
એક વાર એણે જબરી હિંમત કરી નાખી. સામે ચાલીને એ અગમ્યાની પાસે પહોંચી ગયો. ત્યાં સુધી એણે ક્યારેય અગમ્યા સાથે વાત કરી ન હતી. આ પહેલો જ મોકો હતો અને એને નિછાવરે કેવો નાટકીય બનાવી દીધો હતો!
‘એક્સક્યુઝ મી, અગમ્યા...’ એણે હાથમાં પકડેલી પેન અગમ્યાની સામે ધરી દીધી, ‘આ તમારી પેન... હમણાં જ તમારા પર્સમાંથી સરકી ગઇ... હું તમારી પાછળ-પાછળ જ ચાલ્યો આવતો હતો. એટલે મારું ઘ્યાન ગયું... નહીંતર...’
‘સોરી! આ પેન મારી નથી.’ અગમ્યાએ કહી દીધું. અલબત્ત, પૂરા વિવેકથી અને હળવા સ્મિત સાથે આ વાક્ય એ બોલી ગઇ. પછી ‘એની વે, થેન્ક યુ!’ કહીને એ નાગણની પેઠે લચકાતી, વળ ખાતી, જોનારને વશીભૂત કરતી ચાલી ગઇ.
નિછાવર ક્યાંય સુધી એનાં સરકતા જતા ગોરા-ગોરા પગની પાની ઉપર નજર ચોંટાડીને ઊભો રહ્યો, પછી નિરાશ થઇને બોલી ઊઠ્યો, ‘આ પેન તારી નથી એ વાતની મનેય ખબર છે. પણ એક વાર પેનને હાથમાં લઇને પછી ના પાડવી’તી ને!
મારે તો આ પેનને તારા ગુલાબી હાથનો સ્પર્શ કરાવીને એની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી હતી. પછી તારી આંગળીઓની ખુશ્બૂને જીવનભર સ્મતિચિહ્ન બનાવીને સાચવી રાખવી હતી. પણ ફટ રે ભૂંડી! તેં તો પેનને અડક્યા વગર બારોબાર જ ના પાડી દીધી. પણ એક વાત સમજી લેજે કે આ નિછાવર પણ જેવી-તેવી માયા નથી. એની પાસે તારો સ્પર્શ પામવાના બીજા હજાર ઉપાયો હજુ બાકી છે.’
પંદર દિવસ પછી નિછાવરે બીજો ઉપાય અમલમાં મૂક્યો. બપોરની રિસેસમાં એણે અગમ્યાને નોટિસ બોર્ડની સામે ઝડપી લીધી, ‘એક્સક્યુઝ મી, આ તમારો હાથરૂમાલ... ક્લાસરૂમમાં તમે જ્યાં બેસો છો... ત્યાં... બેન્ચ ઉપર પડ્યો હતો... કદાચ તમે ભૂલી ગયા. સારું થયું કે મારી નજર પડી ગઇ.’
નિછાવરને ખાતરી હતી કે કમ સે કમ આ વખતે અગમ્યા રૂમાલને પોતાના હાથમાં તો લેશે જ. પછી ભલે ‘મારો નથી’ એવું કહીને પાછો આપી દે! રૂમાલની પ્રાણપ્રતિષ્ઠા તો થઇ જશે ને!
પણ અગમ્યાએ લુચ્ચું સ્મિત ફરકાવીને જાણે નિછાવરની બાઘાઇ ઉપર ટોણો મારતી હોય એમ કહી દીધું, ‘સોરી, ધેટ ઇઝ નોટ માય હેન્કી. તમને એટલીયે ખબર નથી પડતી કે કોઇ યુવતી આટલો મોટો હાથરૂમાલ ન રાખે? આ લેડીઝ રૂમાલ નથી.’
સમય સરકતો રહ્યો અને નિછાવર નવાં-નવાં પેંતરાઓ અજમાવતો ગયો. ક્યારેક બર્થ-ડેનું ગ્રીટિંગ કાર્ડ તો ક્યારેક વાળમાંથી સરી પડેલું ગુલાબ. પણ એની ચાલબાજી ક્યારેય સફળ ન થઇ. કોલેજના તમામ વરસો ડરપોક ચેષ્ટાઓમાં અને વાંઝણા તરફડાટમાં પસાર થઇ ગયા.
છેક છેલ્લા વરસના છેલ્લા દિવસે નિછાવરમાં હિંમતનો ઝરો ફૂટ્યો. એ સાંજના સમયે જ્યારે અગમ્યા કોલેજમાંથી બહાર નીકળતી હતી ત્યારે એની સામે જઇને ઊભો રહ્યો, ‘અગમ્યા, એક વાત કહેવા માગું છું. હું તને ચાહું છું.’
‘હું જાણું છું. કોલેજના પ્રથમ વરસના પ્રથમ દિવસથી હું આ વાત જાણું છું. પણ સોરી! ઇટ્સ ટુ લેઇટ નાઉ.’ અગમ્યાનાં આછા સ્મિતમાં દુ:ખ હતું, દયા હતી અને બહુ ઝાંખો-પાંખો અફસોસ હતો.
‘એમાં મોડું શાનું? તું મારા પ્રેમનો સ્વીકાર અત્યારે પણ કરી શકે છે.’
અગમ્યાએ માત્ર આટલું જ કહ્યું, ‘એનો જવાબ આપનાર તારી પાછળ ઊભો છે.’ વીજળીનો આંચકો લાગ્યો હોય એવા ઝટકા સાથે નિછાવરે ડોકુ ઘૂમાવીને પાછળ જોયું તો એની સાથે જ ભણતો હતો એ કુરબાન કોઠારી ઊભો હતો.
કુરબાન ઊભો હતો અને મગરૂરીભર્યું હસી રહ્યો હતો, ‘તું મોડો પડ્યો, દોસ્ત! તું જ્યારે પેન અને હાથરૂમાલ જેવી ચીજવસ્તુઓની પ્રાણપ્રતિષ્ઠા માટે વલખાં મારતો હતો ત્યારે હું એવી જ વસ્તુઓનું શીલારોપણ કરાવી રહ્યો હતો.’
‘હું સમજ્યો નહીં.’
‘એમાં સમજવા જેવું શું છે, દોસ્ત? તારે થોડીક વધારે હિંમત દાખવવા જેવી હતી. મારી જેમ. મેં અઢીસો રૂપિયાની પેન ખરીદીને ગિફ્ટ પેકમાં બંધ કરીને સીધી જ અગમ્યાના હાથમાં મૂકી દીધી. કહી દીધું - ‘આ મારી પેન છે, પણ હવેથી તારી છે.’ વાત ખતમ થઇ ગઇ. બસ, પરીક્ષાના પરિણામની વાર છે, આ વેકેશનમાં અમે પરણી રહ્યા છીએ. લગ્નમાં તો આવીશ ને?’
નિછાવર પાષાણ જેવો જડ બની ગયો. ભેંકાર અવાજે બોલી ગયો, ‘જરૂર આવીશ... જો તું બોલાવીશ તો... અને... જો હું જીવતો હોઇશ તો...’
આ જવાબ સાંભળીને અગમ્યા ઉદાસ બની ગઇ. એને એ ક્ષણે સમજાયું કે નિછાવર પણ પોતાને કેટલો બધો પ્રેમ કરતો હતો! પણ કુરબાનની મગરૂરી બમણી થઇ ગઇ. પોતે જેને પરણવા જતો હતો એ રૂપસુંદરીને બીજા યુવાનો પણ ચાહતા હતા એ હકીકત એના માટે અભિમાન લેવા જેવી બાબત હતી. વેકેશનમાં અગમ્યા અને કુરબાન પરણી ગયા.
એ દિવસ પછી નિછાવર ક્યારેય અગમ્યાને મળ્યો નહીં. દૂર રો-રો એ એના ખબર-અંતર મેળવતો રહ્યો, પણ એનાથી વિશેષ કશું જ નહીં. આજે અચાનક અખબારી મૃત્યુનોંધ દ્વારા જાણવા મળ્યું કે અગમ્યાનું સરનામુ હવે બદલાઇ ગયું છે. માત્ર સરનામું જ નહીં, માલિકી પણ બદલાઇ ગઇ છે.
નિછાવરે નક્કી કરી લીધું - ‘હું અગમ્યાનાં બેસણામાં જઇશ. જરૂર જઇશ. ભલે એ મારી પત્ની ન બની શકી, પણ મારી પ્રેમિકા તો એ હતી ને! એનું શરીર હજુ ગઇકાલે જ આથમ્યુ છે, એનો આત્મા હજુ બહુ દૂર નહીં ચાલ્યો ગયો હોય. એને છેલ્લી વાર ‘આવજે’ કહેવા માટે તો હું જઇશ જ.’
બુધવારે બેસણામાં જનારાઓમાં નિછાવર સૌથી છેલ્લો હતો. લોકો વિખરાઇ ચૂક્યા હતા. ઊંચા બાજઠ ઉપર ગોઠવેલી લેમિનેટેડ તસવીરમાં અગમ્યા મરોડદાર હોઠોમાંથી સ્મિત વેરતી બેઠી હતી. છબિની આગળ મૂકેલી અગરબત્તી પણ બળી રહેવાની તૈયારીમાં હતી.
અગમ્યાનો યુવાન દીકરો બે નોકરો પાસે ભોંય પરની ચટ્ટાઇઓ ઊપડાવી રહ્યો હતો. તાજો વિધુર થયેલો કુરબાન લમણે હાથ દઇને શૂન્ય નજરે બેસી રહ્યો હતો. ત્યાં નિછાવરે પ્રવેશ કર્યો. એને આવેલો જોઇને કુરબાનની આંખો ફાટેલા તળાવની પેઠે ફાટી નીકળી, ‘આવ, દોસ્ત, આવ! મારી બરબાદીની ચિતા સળગી રહી છે એમાં તાપવા માટે તો નથી આવ્યો ને?’
નિછાવર સ્તબ્ધ થઇને ઊભો રહી ગયો. કુરબાન પાગલની જેમ રડતો જતો હતો અને લવારી કરી રહ્યો હતો, ‘નિછાવર, દોસ્ત! તને શું કહું? અગમ્યા વગર હું જીવી નહીં શકું. એક દિવસ પણ એના વિના કાઢવો એ મારા માટે અશક્ય છે, ભાઇ! માત્ર તું જ અમારા પ્રેમનો સાક્ષી છે. તને તો ખબર છે કે...’
‘હા, મને તો બધી જ વાતની ખબર છે, પણ તને ખબર નથી, કુરબાન! આજે હું એક જ વાત કહેવા માટે આવ્યો છું. યાદ છે તને? કોલેજના આખરી દિવસે જ્યારે તું મારી પાસેથી અગમ્યાને ઝૂંટવી ગયો ત્યારે કેટલો બધો ફુલાતો હતો!
કુરબાન, આજે એ વાતને સત્યાવીસ વર્ષ થવા આવ્યા. તું હવે કહે છે કે અગમ્યાને ગુમાવ્યા પછી જીવવું અશકય છે. હું તને દિલાસો આપવા માટે એક જ સવાલ પૂછું છું- ભાઇ, એના વગર તારે હવે કેટલાં વરસ કાઢવાના છે?
મેં સત્યાવીસ વરસ કાઢી નાખ્યા છે અને હજુ અડધી જિંદગી કાઢવાની બાકી છે. આ જગતમાં પત્નીઓ તો બહુ મોડેથી મરે છે, જે વહેલી મરી જાય છે એ તો પ્રેમિકાઓ હોય છે. હવે બસ કર! અને છાનો રહી જા! બસ, આટલું જ કહેવા આવ્યો હતો. હવે હું જાઉ છું.’
(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)