આ ધારદારતાનું જરી ભાન રાખીએ,
તલવાર રાખીએ ભલે પણ મ્યાન રાખીએ
શૈયા સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર નીકળી ત્યાં જ એનાં કાન ચમક્યા. શૃંગાર ડ્રોઇંગરૂમમાં બેસીને કોઇની સાથે વાત કરી રહ્યો હતો. પત્નીની હાજરીથી એ બેખબર હતો એટલે અવાજ પણ એણે ધીમો રાખવાની પરવા કરી ન હતી. શૈયા બારણાંની પાછળ સંતાઇને પતિને ‘રંગે હાથ’ સાંભળતી રહી.
‘યસ, તેજલ ડાર્લિંગ, યસ! આજનો પ્રોગ્રામ પાક્કો એટલે પાંચસો ટકા પાક્કો! તું બપોરના બારના ટકોરે તૈયાર થઇને નહેરુ નગર સર્કલ પાસે ઊભી રે’જે. હું તને પિકઅપ કરી લઇશ. લંચ એસ.જી. હાઇ-વે પરની કોઇ પણ રેસ્ટોરાંમાં પતાવીને આપણે સીધા મારા ફાર્મ હાઉસ પર પહોંચી જઇશું.
પછી હું હોઇશ, તું હોઇશ અને મોજ-મસ્તી-મજાની લૂંટ હશે. મોડેથી રાત્રે બાર વાગ્યે હું તને તારા ઘર પાસે ઉતારી જઇશ. તારાં ઘરે તારે જે બહાનું બતાવવું હોય તે વિચારી રાખજે. મારી વાઇફને ઉલ્લુ બનાવવા માટે મારે દિમાગ લડાવવાની જરૂર નહીં પડે. એ તો સાવ ભોળી છે અને હું રહ્યો નાટકનો માણસ!
એનાં ગળે ગમે તેવું બહાનુ ઉતારી દેવું એ બંદા માટે ચપટીની રમત કે’વાય... કે’વાય... કે’વાય..! સોરી, ડાર્લિંગ... આપણી વાત એ સાંભળી ગઇ છે અને અત્યારે બારણાં પાછળથી બહાર નીકળીને મારી સામે ડોળા કાઢતી, મારો ખુલાસો માગતી, વિફરેલી રણચંડીની જેમ ઊભેલી છે. બાય..! પછી નિરાંતે ફોન કરું છું.’
શૃંગારે જેમ-તેમ કરીને ફોન પૂરો કર્યો. છેલ્લા વાક્યો એણે અત્યંત ધીમા દબાયેલા સ્વરમાં રજૂ કર્યા. રિસીવર મૂક્યા પછી એણે હાથરૂમાલ વડે ચહેરો લૂછ્યો. કોણ જાણે કેમ અચાનક અત્યારે આટલો બધો પરસેવો ફૂટી રહ્યો હતો!
સામે ઊભેલી રણચંડી ઉર્ફે શૈયાએ ઘાંટો પાડ્યો, ‘કોણ હતી તમારી સગલી? કોની સાથે બારથી બાર વાગ્યા સુધીના કાર્યક્રમો બનાવી રહ્યા હતા?’ ‘ઓહ! તો તું એને ‘સિરીયસલી’ લઇ રહી છો, એમ જ ને? એક્ચુઅલી, એ રિયલ ટેલિફોન-ટોક નહોતી, ડાર્લિંગ, પણ મારા હવે પછીના ડ્રામાના સંવાદો હતા.
પતિ, પત્ની અને વોહ જેવી કથાવસ્તુ લઇને અમે એક નાટક બનાવી રહ્યા છીએ. આ તો હું જસ્ટ રિહર્સલ કરતો હતો. યુ સી... જસ્ટ રિહર્સલ!’
‘અને સામા છેડે કોણ હતી?’
‘હતી નહીં, પણ હતો.’ હવે શૃંગારમાં આત્મવિશ્વાસનો સંચાર થઇ ચૂક્યો હતો. હાથરૂમાલની જરૂર હવે રહી ન હતી. સામે છેડે વિપુલ પૂંઠાવાલા હતો. આ નાટકનો ડાયલોગ રાઇટર. યુ નો, હું એને સંભળાવી રહ્યો હતો કે મારા અવાજમાં એણે લખેલા સંવાદો કેવા જામશે.’
શૈયા માની ગઇ. પતિની વાત એણે સાચી માનીને સ્વીકારી લીધી. શૃંગાર સાચો સાબિત થયો. એનો દાવો કે એની પત્ની ભોળી છે અને એ પોતે અચ્છો અદાકાર છે એ સંપૂર્ણપણે સાચો સિદ્ધ થયો.
પત્ની રસોડા તરફ ચાલી ગઇ એ પછી તરત જ શૃંગારે જાત સાથે વાત કરી લીધી, ‘હાશ! બાલ-બાલ બચ્યો છું આજે તો! હવે આટલું કામ કરવું પડશે, પેલા વિપુલિયાને કહીને આ ડાયલોગ કોઇ પણ નાટકમાં ઘુસાડી દેવો પડશે. પછી જખ મારે છે દુનિયા!
અને હા, તેજુ ડાર્લિંગને પણ ફોન કરીને કહેવું પડશે કે ચિંતા કરવાની જરૂર નથી. આજનો કાર્યક્રમ પાંચસો ટકા પાક્કો જ છે. બપોરના બારથી રાતનાં બાર...’
શૃંગાર તન્ના ગુજરાતી તખતા પરનું એક ઝળહળતું નામ બની ગયું હતું. એની દિલફેંક અદાકારી, સંવાદો બોલવાની એની મનમોહક શૈલી, સ્ટેજ પરની એની તેજતરાર્ર મુવમેન્ટ, એના આકર્ષક કોસ્ચ્યૂમ્સ, આ બધું રંગમંચની દુનિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યું હતું.
એનો ઘેરો પૌરુષી અવાજ થિયેટરમાં બેઠેલી સ્ત્રીઓનાં દિલ અને દિમાગ બંનેની ઉપર વશીકરણની જેમ છવાઇ જતા હતા. એના પ્રશંસકોની સંખ્યા આકાશના તારાઓની જેમ ગણી ન શકાય તેટલી હતી. એમાં મોટા ભાગની તો યુવતીઓ હતી.
અંગત જીવનમાં શૃંગાર લફરાબાજ પુરુષ હતો. ઘરમાં શૈયા જેવી સુંદર, સુશીલ અને વફાદાર પત્ની હોવા છતાં છાનગપતિયા કરવામાંથી ઊંચો આવતો ન હતો. અને આજ દિન સુધી એ પત્નીનાં હાથે ક્યારેય પકડાયો ન હતો. આજે પકડાઇ જવાની તૈયારીમાં હતો, પણ એની અભિનય ક્ષમતા એની વહારે ચડી આવી. એ બાલ-બાલ બચી ગયો.
પણ શૃંગારનો શૃંગારરસ કંઇ એકાદ કિસ્સા પૂરતો મર્યાદિત થોડો હતો? એ તો કદિયે ખતમ ન થનારી ધારાવાહિક સિરિયલ હતી. થોડાં દિવસ માંડ ગુજર્યા હશે ત્યાં ફરી એક વાર એ ઝડપાઇ ગયો.
રાતનાં દસેક વાગ્યા હશે. શૃંગાર ફોન ઉપર કહી રહ્યો હતો, ‘વાહ, રચના ડાર્લિંગ! આજે તો જલસો પડી ગયો. તેં બનાવેલી ખાંડવી મને ખૂબ જ ભાવી ગઇ. ઇચ્છા તો એવી થઇ રહી છે કે તારી આંગળીઓ ચાટી જાઉ.’
‘કોની આંગળીઓ એટલી બધી સ્વાદિષ્ટ છે?’ પાછળથી અવાજ સંભળાયો એ શૈયાનો હતો કે જલ્લાદનો એ નક્કી કરવું મુશ્કેલ થઇ પડયું. સોળે કળાએ ખીલેલો શૃંગાર એક કળાનો થઇ ગયો.
‘ઓહ્, તું?! શૈયા, માય હની! તને ખાલી અમથો શક કરવાની આદત પડી ગઇ લાગે છે.’
‘હા, પડી ગઇ છે, પણ સામા છેડે કોણ હતું એટલું જણાવી દો. પછી ખબર પડે કે હું શક કરું છું? કે તમે શકમંદ છો?’
‘સામા છેડે તો અમારી નાટક કંપનીનો રસોઇયો હતો. સુબ્રમણ્યમ સ્વામી હતો. સાઉથ ઇન્ડિયન છે, યુ સી. આજે એણે સ્વાદિષ્ટ ખાંડવી બનાવીને બધાંને જમાડી. હું એના વખાણ કરતો હતો, ડાર્લિંગ!’
‘વખાણ આવા હોતાં હશે? એ સાઉથ ઇન્ડિયન સુબ્બૂની આંગળીઓ ચાટવા જેવા?’ ‘અરે! તારાં સાંભળવામાં ભૂલ થઇ ગઇ, શૈયુ ડાર્લિંગ! હું એની નહીં, પણ મારી આંગળીઓ ચાટવાની વાત કરતો હતો.
ખાંડવી ખાવા માટે ત્યાં ચમચી ક્યાંથી હોય? એટલે આપણે તો હાથ વડે જ ઝાપટવા માંડી. પછી આંગળીઓમાં એનો સ્વાદ તો રહી જ જાય ને, હેં? તું જરા સમજવાની કોશિસ કર, શૈયુ...’
શૈયુ ડાર્લિંગ સમજવાની કોશિશમાં જ હતી. સૌથી પહેલાં તો એને એ વાત સમજાતી નહોતી કે સાઉથ ઇન્ડિયન રસોઇયો ઇડલી-સંભાર કે ઉત્તપમને બદલે ખાંડવી ક્યારથી બનાવવા માંડ્યો? અને એના કરતાંયે વધુ મોટો પ્રશ્ન એ હતો કે શૃંગાર જ્યારે જ્યારે આવી શંગારીક વાતો કરતાં ઝડપાઇ જતો હતો, ત્યારે બીજા કોઇ પણ તાર્કિક કારણો દર્શાવવાને બદલે ‘નાટક’નું નાટક શા માટે આગળ કરતો હતો?
શૈયાની દલીલો તર્કપૂર્ણ હતી. એનો નાટકિયો ભરથાર નાટક કરવામાંથી ઊંચો આવતો ન હતો. પણ એક દિવસ જે થયું એ નાટક નહોતું, પણ નાટકથીયે ઊંચી વાત બની ગઇ.
સાંજનો સમય હતો. શૈયા એની બીમાર માસીની ખબર પૂછવા એમનાં ઘરે ગઇ હતી. રિક્ષામાં બેસીને પાછી ફરી રહી હતી, ત્યાં એની નજર એક કાર ઉપર પડી. એ ચોંકી ગઇ : ‘અરે! આ તો શૃંગારની જ ગાડી છે! અહીં ક્યાંથી?’
એણે આસપાસમાં નજર ઘુમાવી. ક્યાંય એવી એક પણ ઓફિસ નહોતી જ્યાં શૃંગાર કોઇને મળવા માટે આવ્યો હોઇ શકે. કાર જ્યાં ઊભી હતી, ત્યાં જ એક પબ્લિક ગાર્ડનનો ઝાંપો પડતો હતો. શૈયા સ્ત્રી મટીને ઝીરો, ઝીરો, સેવન નંબરની જાસૂસી બની ગઇ. દબાતાં પગલે બગીચામાં દાખલ થઇ ગઇ.
સાંજનો સમય હતો એટલે ભીડ તો હતી જ. વૃક્ષોની ઓથે લપાતી, છુપાતી એ ધીમે ધીમે આખા બગીચામાં ઘૂમી વળી. આખરે ચોર ઝડપાઇ ગયો. દૂરના ખૂણામાં આથમતા સૂરજના ઓસરતા ઉજાસમાં એનો સૌભાગ્યનાથ પરાઇ રૂપસુંદરીનાં કેશમાં ગુલાબનું ફૂલ ખોસતો બેઠો હતો.
શૈયા ઊભી ને ઊભી સળગી ગઇ. જાહેરમાં ભવાડો ન થાય એ ખાતર એ ત્યારે તો પાછી ફરી ગઇ, પણ રાત્રે જ્યારે શૃંગાર ઘરે આવ્યો ત્યારે એણે હંગામો મચાવવાનું શરૂ કર્યું, ‘કોણ હતી એ વંતરી? આજે સાંજે કોનાં માથામાં ગુલાબ ઉગાડી રહ્યા હતા? આપણાં લગ્નના પાંચ વર્ષમાં મારા માટે તો ક્યારેય કપાસનું ઝીંડવું પણ લાવ્યા નથી...’
‘ઓહ્, નો!’ શૃંગાર બંને હાથ હવામાં ફેલાવીને દિલફેંક અદાથી ડાયલોગ ફટકારવા માંડ્યો, ‘મેં મધુકરને કેટલું સમજાવ્યો કે દોસ્ત, આ બગીચાની વાત જવા દે! પણ એ ન જ માન્યો. છેવટે ફસાયો તો હું જ ને?’
‘કોણ મધુકર?’
‘અરે, મધુકર જાની. ગુજરાતી ફિલ્મોનો નામી ડિરેક્ટર. મને મુખ્ય ભૂમિકામાં લઇને એ ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છે. એમાં એક રોમેન્ટિક સીન છે. બગીચાવાળો. મધીયો મને કહે કે આને આપણે બગીચામાં જ શૂટ કરીએ.
મેં બહુ સમજાવ્યો કે દોસ્ત, રે’વા દે! મને આખુ ગુજરાત ઓળખે છે. કોઇને વહેમ પડશે તો મારી ઇજ્જતના ભૂકા બોલી જશે. પણ મધુકર માન્યો જ નહીં.’
‘આઇ સી! તો એ ફિલ્મના દ્રશ્યનું શૂટિંગ હતું! તો પછી કેમેરા, લાઇટ્સ અને બીજા પાંચ-પંદર માણસો કેમ દેખાતા ન હતા?’ ‘એ બધાં સહેજ મોડા પડ્યા. તું કદાચ વહેલી આવી ચડી હોઇશ. થોડી વાર રાહ તો જોવી હતી!
પાંચ-દસ મિનિટ પછી તો આખું યુનિટ આવી પહોચ્યું હતું.’ શૃંગારનો અભિનય જડબેસલાક હતો. શૈયા એની વાત સ્વીકારે કે ન સ્વીકારે, પણ એની પાસે આરોપીને નિર્દોષ બાઇજ્જત બરી કરી દેવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો ન હતો.
‘‘‘
બપોરે રૂપલ નામની પ્રેમિકા જોડે લફરાનો એપિસોડ ભજવીને શૃંગાર ઘરે આવ્યો. ડોરબેલ વગાડી. ખાસ્સી એવી વાર પછી શૈયાએ બારણું ઉઘાડયું. એનાં વાળ વિખરાયેલા નહીં, પણ પીંખાયેલા હતા. કપડાં ચોળાયેલાં નહીં, ચૂંથાયેલા હતા.
આંખોમાં નીંદરનું નહીં, પણ માદકતાનું ઘેન છવાયેલું હતું. શૃંગાર અંદર ધસી ગયો. એના શયનખંડમાં એક અજાણ્યો પુરુષ ચોળાયેલી બેડ ઉપર આડો પડ્યો હતો.
શૃંગારની રાડ ફાટી ગઇ, ‘શૈયા! આ શું ચાલી રહ્યું છે? મારી ગેરહાજરીમાં આપણા બેડરૂમમાં આ અજાણ્યો પુરુષ તારી સાથે..?’
‘ટેક ઇટ ઇઝી, માય ડિયર હસબન્ડ! આ તો ગુજરાતી નાટકનો ઊભરતો ડિરેક્ટર છે. રૂપેશ રાજાણી. એ મને લઇને એક નાટક બનાવી રહ્યો છે. અમે અત્યારે એના જ એક દ્રશ્યનું રિહર્સલ કરતા હતા.
બહુ બોલ્ડ થીમવાળું નાટક છે. અને દ્રશ્યો મોટા ભાગના બેડરૂમના જ છે. વેરી ઇન્ટિમેટ સીન્સ, યુ નો! તારાથી જો અમારો અભિનય જોઇ શકાય તેમ હોય તો તું અંદર આવી શકે છે. અધરવાઇઝ, લીવ અસ અલોન!’ શૈયા લથડતી ચાલે જઇને રૂપેશને વળગી પડી.
શૃંગાર જડવત્ ઊભો હતો અને રૂપેશ રાજાણી શૈયાનાં કાનમાં ગણગણી રહ્યો હતો, ‘વેલ ડન, શૈયાબે’ન! તમે તો જબરદસ્ત એક્ટિંગ કરી બતાવી! પેલો સાચું માની બેઠો છે.
જુઓ, મને તો એમાંથી ઊડતો ધુમાડો પણ દેખાઇ રહ્યો છે. લાગે છે કે તમારે ખરેખર નાટકોમાં કામ કરવું જોઇએ. રંગભૂમિને એક સારી એકટ્રેસ મળશે અને તમારો શૃંગાર પણ સુધરી જશે. શો વિચાર છે?’‘
(શીર્ષક પંક્તિ : કરસનદાસ લુહાર)