Thursday, April 29, 2010

ફેરવું પાનું અને મોતી જડે છે શ્વાસમાં

સુકેતુ પહોંચ્યો ત્યારે બસ ઊભી હતી. છેલ્લેથી બીજી સીટ પર એ આરામથી બારી પાસે ગોઠવાઈ ગયો. ‘હજુ અત્યારે બસ ઊપડી..’ પાંત્રીસ વર્ષના સુકેતુએ મોબાઈલ કાઢીને શ્રીમતીજીને જણાવ્યું. ‘રાજપુર પહોંચતા અઢી કલાક થશે. સીધો બટુકના ધેર જઈશ. એના ભાઈ-ભાભીને સમજાવીશ કે પંકજભાઈની ટ્રિટમેન્ટથી ફેર પડશે. એ લોકો સંમતિ આપે તો સવારે એમ્બ્યુલન્સમાં બટુકને સાથે લઈને આવીશ. પંકજભાઈની હોસ્પિટલમાં એડમિટ કરાવી દઈશ... જે હશે એ સવારે ફોન કરીશ..’


પાલડી બસ સ્ટેન્ડે બસ ઊભી રહી. ખાસ્સા ઉતારુંઓ ચઢયા. ‘અહીં કોઈ આવવાનું છે?’ સુકેતુએ બ્રીફકેસ ઉઠાવીને છાજલી પર મૂકી અને પ્રશ્ન પૂછનાર સામે જોયું. ચૌદ-પંદર વર્ષનો કિશોર એકદમ થાકેલો લાગતો હતો. સુકેતુ સહેજ બારી તરફ ખસ્યો એટલે એ છોકરો ત્યાં બેસી ગયો. એના ઘઉવણાર્ ચહેરા પર પરસેવાની સાથે હવે હાશકારાની લાગણી ચમકતી હતી. એની પાસે સામાનમાં માત્ર એક થેલી હતી. સુતરાઉ કાપડની એ થેલીની સાઈઝ એકદમ વિશાળ હતી. એની અંદર જાડા પૂંઠા કે ફાઈલ જેવું કંઇક હતું. પગ વચ્ચે થેલીને દબાવીને એ છોકરાએ બે હાથથી એને બહુ કાળજીપૂર્વક પકડી રાખી હતી.


બસ સડસડાટ આગળ વધતી હતી. સુકેતુએ આંખો બંધ કરી. તંદ્રાવસ્થામાં પણ એની આંખ સામે બટુકનો ચહેરો તરવરતો હતો. એ ભોળિયા મિત્રની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ અને પોતાને કંઇ ખબર પણ નહોતી! એને પોતાની જાત ઉપર શરમ આવતી હતી. પોતે ક્યારેય એની દશા જાણવાનો પણ પ્રયત્ન નહોતો કર્યોએ બહુ મોટી ભૂલ કરી હતી એનો અત્યારે પસ્તાવો થતો હતો. બટુકે પોતાના માટે શું નહોતું કર્યું? કોઈ મિત્ર ના કરે એવી મદદ એણે કરી હતી.


બટુકની તુલનામાં પોતે બહુ વામણો પુરવાર થયો હોય એવી ગુનાઈત લાગણી ડંખતી હતી દયમાં...બસ આગળ વધતી હતી અને સુકેતુ ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ ગયો હતો. એ અને બટુક સરખી ઉમરના બંનેના ઘર પણ નજીક નજીક. બટુકના બાપા દરજીકામ કરે. દુકાન ધમધોકાર ચાલે. બટુકનો મોટોભાઈ બટુકથી છ-સાત વર્ષ મોટો. આઠમું ધોરણ પાસ થઈને એ બાપાની જોડે સંચે બેસી ગયેલો.


‘ભણવાનું તો મનેય નથી ગમતું પણ જો છોડી દઉ તો બાપા દુકાને બેસાડી દે...’ બટુક નાનપણથી જ દિવાસ્વપ્નોમાં ખોવાયેલો રહેતો. તળાવની પાળ પર બેઠા હોય ત્યારે એ સુકેતુને કહેતો. ‘મરી જઈશ તો પણ દરજીકામ નથી કરવું. બીજો કંઇક નાનોમોટો ધંધો શોધી કાઢીશ..’


સુકેતુથી ચાર વર્ષ મોટી એક બહેન અને બાપાનો સ્વભાવ તીખા મરચાં જેવો. બાપાની બીકથી બંને ભાઈ-બહેન ફફડે. સ્કૂલમાં એ ગણિત ભણાવતા હતા. આખી હાઇસ્કૂલના બધા છોકરાંઓ એમનાથી બીવે. માંડ માંડ મેટ્રિક થયા પછી બટુકે આગળ ભણવાનું માંડી વાળ્યું, ઈચ્છા હોય તો દુકાને ગાજ-બટન કરે બાકી આખા ગામમાં રખડ્યાં કરે. સુકેતુ સાથેની એની દોસ્તી અકબંધ. રોજ એકવાર તો મળવા આવે જ.


સુકેતુ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મોટી બહેનનાં લગ્નનું નક્કી થયું. બાપાએ આખી જિંદગીમાં બચાવી બચાવીને જે પંદર-વીસ હજાર ભેગાં કર્યા હતા તેમાંથી જ આ આખો અવસર ઉકેલવાનો હતો. સોનું તો બા પાસે હતું એમાંથી જ આપવાનું હતું એટલે એ જમાનામાં નાના ગામમાં લગ્ન માટે આટલી રકમ પૂરતી હતી.


‘સુકા, અહીં આવ..’ સવારના પહોરમાં બાપાએ ત્રાડ પાડી એટલે સુકેતુની ઊઘ ઊડી ગઈ. એ દોડીને બાપા પાસે ગયો. ‘ઘ્યાનથી સાંભળ’ બાપાએ એને સૂચના આપી. ‘આઠની એસ.ટી.માં મારે ભાવનગર જવાનું છે. આજે સોમવાર થયો. હું ગુરુવારે રાત્રે આવીશ. શુક્રવારથી લગ્નની ખરીદી શરૂ કરવાની છે..’ બાપાએ સહી કરેલો ચેક સુકેતુના હાથમાં આપ્યો.’ અગિયાર વાગ્યે બેંક ઊઘડે એટલે આ ચેક લઈને જજે. પૂરા પંદર હજાર બે વાર ગણીને લેજે અને સીધો ધેર આવજે. અંદરના કબાટમાં પૈસા મૂકી દેજે...’


એસ.ટી.સ્ટેન્ડની સામે લાઈનસર બધી દુકાનો વચ્ચે બેંકનું મકાન હતું. સાડા અગિયાર વાગ્યે સાઈકલ લઈને સુકેતુ બહાર નીકળ્યો. બેંકમાં જઈને ચેક આપ્યો. સો રૂપિયાનું નોટનું એક બંડલ અને પચાસ રૂપિયાની નોટનું બીજું બંડલ-બધી નોટો કડકડતી હતી. કપડાંની થેલીમાં કાળજીપૂર્વક બંને બંડલ મૂકીને થેલીને સાઈકલના ગવર્નર ઉપર ભરાવીને એ બેન્કના કમ્પાઉન્ડમાંથી બહાર રોડ પર આવ્યો.


અચાનક એ ચમક્યો. બુશર્ટની ઉપર સંડાસ જેવું કંઇક ગંધાતું ચોંટ્યું હોય એવું એને લાગ્યું. ‘એ સાહેબ! ઊભા રો...’

દૂબળા-પાતળા અને શામળા ત્રણ ટેણિયાંઓ એની સાઇકલ પાસે ઊભા રહી ગયા હતા.’ બુશર્ટની પાછળ પણ બહુ બગડ્યું છે.’ એક ટેણિયો દોડીને રોડ પરની કીટલી પરથી બોટલમાં પાણી ભરી લાવ્યો. ‘બુશર્ટ કાઢી નાખો...’ બીજાએ કહ્યું અને સુકેતુએ બુશર્ટ કાઢીને એને આપ્યો. પેલાએ પાણીથી બુશર્ટ સાફ કરી નાખ્યો. એ દરમિયાન સુકેતુનું ઘ્યાન સાઈકલ પરની થેલી ઉપર હતું પરંતુ એણે બુશર્ટ કાઢ્યો એટલી વારમાં કરામત થઈ ગઈ હતી એનો એને ખ્યાલ નહોતો. બુશર્ટ પહેરીને એણે સાઈકલ મારી મૂકી.


બટુક એની દુકાનના ઓટલા પાસે ઊભો ઊભો તમાકું મસળી રહ્યો હતો. ‘સુકા...’ એણે બૂમ પાડી એટલે સુકેતુએ એની પાસે જઈને સાઇકલ ઊભી રાખી. ‘બુશર્ટ કેમ ભીનો છે?’ બટુકે પૂછ્યું. ‘બેંકમાંથી પૈસા ઉપાડીને આવતો હતો.’ એ હજુ આટલું બોલ્યો કે તરત બટુકે કહ્યું. ‘મૂંડી નાખ્યો તને.. પૈસા ચેક કર..’ એ એવી રીતે બોલ્યો કે તરત સુકેતુએ ધ્રુજતા હાથે થેલીમાં હાથ નાખ્યો. નોટોની થપ્પી હોય એ રીતે છાપાંના કાગળ કાપીને મૂકવામાં આવ્યા હતાં!


સુકેતુ થીજી ગયો. બટુકે સાઈકલ સંભાળી અને સુકેતુ પાછળ બેસી ગયો. જોર જોરથી પેડલ મારી બટુક એસ.ટી.સ્ટેન્ડ તરફ સાઈકલને ભગાવી રહ્યો હતો. ‘તું ધેર બેસીને ભણ્યા કરે એટલે આવી વાતની તને ખબર ના હોય. આ મહિનામાં આવો આ ત્રીજો કિસ્સો બન્યો. બસ સ્ટેન્ડમાં ઊભેલી બધી બસો ચેક કરી પછી બટુકે કહ્યું. ‘હવે કોઈ કાળે પૈસા પાછા ના આવે. હાઇવે પરથી ખટારો પકડીને એ મવાલીઓ ભાગી ગયા હશે.’


એ બોલતો હતો ત્યારે સુકેતુ રીતસર રડી પડયો. ‘મોટીના લગન છે. બાપા મારી નાખશે મને...બટુકા, આપઘાત સિવાય કોઈ રસ્તો નથી..’ બટુક એનો હાથ પકડીને ચાની કીટલી પર લઈ ગયો. ‘તારા બાપા ગુરુવારે આવવાના છે ને?’ સહેજ વિચારીને બટુકે પૂછ્યું. સુકેતુએ માથું હલાવીને હા પાડી. ‘તું બેફિકર રહે. તારું કામ પતી જશે.’ સહેજ વિચારીને બટુકે સુકેતુનો જમણો હાથ પકડીને પોતાના ગળા પર મુકાવ્યો. ‘તને આખી દુનિયામાં વહાલામાં વહાલી વસ્તુના સોગન છે.


કાલે કે પરમ દિવસે પૈસાની વ્યવસ્થા કરી આપીશ. આ વાત આપણે જીવીએ ત્યાં સુધી કોઈને કહેવાની નહીં. એ શરત કબૂલ હોય તો પૈસા આપીશ. આપણી દોસ્તીના સોગન આપીને કહું છું કે આપણા બંને વચ્ચે પણ આની ચર્ચા નહીં કરવાની. કબૂલ? ‘સાક્ષાત્ પરમેશ્વર જાણે સામે ઊભા હોય એમ સુકેતુ બટુક સામે તાકી રહ્યો. બુધવારે બપોરે બટુક પૈસા આપી ગયો.


બહેનના લગ્ન પછીના વર્ષે માતા-પિતા બંને એકસાથે માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા હતાં. એ વખતે પણ બટુક સતત પડખે ઊભો રહ્યો હતો. એ પછી પોતાને અમદાવાદ નોકરી મળી. એ જ વર્ષે લગ્ન કર્યા અને ટ્રાન્સફર અને પ્રમોશનના ચક્કરમાં ગામમાં આવવાનું કયારેય ના બન્યું. પતિ-પત્ની બંનેની નોકરી એટલે બહુ મોટી તકલીફ હતી. બટુકની બા અવસાન પામ્યા ત્યારે એ એકલો આવેલો.


એના અઠવાડિયા પછી એવા ઊડતા સમાચાર મળ્યા હતા કે બટુકની બા જીવતા હતા ત્યારે એમની પાસે પાંચ તોલાની ચાર બંગડીઓ હતી એ ક્યાંક ગુમ થઈ ગઈ હતી એ વાતની ખબર એમના અવસાન પછી પડી. મોટાભાઈ અને ભાભીએ ચીસો પાડીને કહ્યું કે આ સોનું બટુકડો ચોરી ગયો છે! પોતાને મુશ્કેલીમાંથી ઉગારવા માટે બટુકે પંદર હજારની વ્યવસ્થા કઈ રીતે કરી હતી એનો તાળો એ વખતે સુકેતુને મળ્યો!


છેલ્લે બટુક ચારેક વર્ષ અગાઉ ધોળકામાં એક મિત્રની જનોઈમાં આવ્યો હતો. ‘બાપા ઉપર જતા રહ્યાં. દુકાન મોટાભાઈ સંભાળે છે. હું એકલો ફક્કડ રામ છું.. આંટાફેરા ને આશીર્વાદ સિવાય કોઈ પ્રવૃત્તિ નથી.‘એણે હસીને કહ્યું હતું. સુકેતુએ પેલા પંદર હજાર પાછા આપવાની વાત કહી ત્યારે એની કમાન છટકેલી. ‘સુકા, શરત ભૂલી ગયો? બાની બંગડી આમેય પડી જ રહેતી’તી. બાકીના બધા દાગીના ભાભીએ લઈ લીધા. હું તો એકલો છું. મારા ભાગનો વહીવટ મેં એ વખતે ચોરી કરીને પતાવી દીધેલો એટલે કંઇ હરખ-શોક નથી.’


ગયા અઠવાડિયે ગામનો નટુ ટપાલી સ્ટેશન પર મળી ગયો હતો. એ મુંબઈ જઈ રહ્યો હતો. સુકેતુએ એને બટુક વિશે પૂછ્યું અને એણે જે કહ્યું એ સાંભળ્યાં પછી સુકેતુ હચમચી ઊઠ્યો હતો. ‘બટુકો તો મરવા પડયો છે.’ નટુએ માહિતી આપી. ‘દુકાન અને ઘર બધું મોટાભાઈએ પચાવી પાડ્યું છે. ધાબા ઉપર નાનકડી ઓરડીમાં બટુકો પડ્યો રહે છે. વાંઢો છે અને ભાભી કૂતરાંને રોટલાં નીરતી હોય એ રીતે ખાવા આપે છે. અપમાન, હતાશા ભૂલવા માટે ગુટકાને રવાડે ચડી ગયેલો, એવો બંધાણી થઈ ગયેલો કે ખોરાકને બદલે ચોવીસેય કલાક ગુટકા ખાધા કરે!


ગુટકાના પૈસા માટે ઘરમાંથી તાંબા-પિત્તળના વાસણ ભંગારમાં વેચતા પકડાયેલો ત્યારે ભાઈ-ભાભીએ ઝૂડી નાખેલો! છેલ્લા દોઢ મહિનાથી તો બહુ રિબાય છે. સરકારી દવાખાનાવાળાએ કહી દીધું કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે. કોણ દવા કરાવે ને કોણ ચાકરી કરે?’ ખળભળી ઊઠેલા સુકેતુએ ડોક્ટર પંકજભાઈનો સંપર્ક સાઘ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં રાહત દરે સારવાર કરાવી આપવાનું એમણે વચન આપ્યું. એ પછી બટુકે આપેલા સોગન તોડીને સુકેતુએ શ્રીમતીજીને આખી વાત કહી.


એણે સંમતિ આપી અને રજાનો મેળ પડ્યો એટલે આજે સુકેતુ બટુકને લેવા જઈ રહ્યો હતો. રાજપુર બસ ઊભી રહી ત્યારે સુકેતુની પાસે બેઠેલો છોકરો કાળજીપૂર્વક થેલી પકડીને ઊતરવા માટે આગળ વધી રહ્યો હતો. સુકેતુ એની પાછળ હતો. બે હાથમાં બે મોટી સુટકેસ લઈને એક જાડિયો માણસ વચ્ચેની સીટમાંથી ઊભો થઈને એ બંનેની વચ્ચે ધુસ્યો અને ઝડપથી આગળ વધીને નીચે ઊતરવાની લહાયમાં એના હાથમાંથી મોટી સૂટકેસ એ છોકરા સાથે એ રીતે અથડાઈ કે બસના પગથિયાં પરથી એ ગબડ્યો અને એના હાથમાંથી થેલી છૂટી ગઈ. ખિંડગ દઈને કાચ ફૂટવાનો અવાજ આવ્યો.


તરત ઊભા થઈને એ છોકરાએ ઝનૂનથી પેલા જાડિયાની ગરદન પકડી.. બીજા મુસાફરો વચ્ચે પડયા. એ દરમિયાન સુકેતુએ એ છોકરાની થેલી ઉપાડીને એના હાથમાં આપી. ‘છેક અમદાવાદથી જીવની જેમ સાચવીને આ ફોટો લાવ્યો તો અને આ નાલાયકે એનો કાચ ફોડી નાખ્યો!’ રડમસ અવાજે એ છોકરાએ થેલીમાંથી કાચ ફૂટેલી ફ્રેમ બહાર કાઢી. ૧૮ ઘરના ફોટામાં બટુકનો હસતો ચહેરો જોઈને સુકેતુ ચોંકી ઊઠયો!


છોકરાના હાથમાંથી ફ્રેમ આંચકી લઈ સુકેતુ બોલ્યો, ‘આ ફોટો તો...’

‘મારા કાકાનો... બટુકકાકાનો.. ગઈ કાલે ગુજરી ગયા અને આવતી કાલે બેસણું છે. અહીંના કોઈ સ્ટુડિયોવાળા આટલો મોટો અરજન્ટ ના કરી આપે એટલે સવારે અમદાવાદ જઈને ઊભા ઊભા કરાવીને લાવ્યો તોય મહેનત માથે પડી.. કાચ ફૂટી ગયો..!’ છોકરાએ રડમસ અવાજે કહ્યું. એ એની કથા કહેતો હતો અને સુકેતુની આંખ સામે આખું બસ સ્ટેન્ડ ગોળ ગોળ ઘૂમતું હતું.! (શીર્ષક પંકિત : લેખક)

Thursday, April 22, 2010

મને ડંખ દેતા હતાં - કોણ માને? સુંવાળા ફૂલોએ બનાવટ કરી છે

બપોરનો સમય હતો. સાડા ત્રણ વાગ્યા હતા. હું ભાગ્યે જ આવા સમયે ઘરની બહાર હોઉ છું. સાત-આઠ જેટલાં કામો સામટા ભેગાં થાય ત્યારે જ હું બહાર નીકળું છું અને આ બધાં કામો મોટાભાગે નદી પારનાં હોય છે. એ દિવસે પણ હું ત્રણ-ચાર કલાકનું ધારીને મેદાને પડ્યો હતો, પણ અડધા કલાકમાં જ મારો મોબાઈલ ફોન ગુંજી ઊઠયો. નર્સિંગ હોમ પરથી આયાબહેન બોલી રહ્યાં હતાં, ‘સર, જલદી પાછા આવો. પેશન્ટ છે.’


હું કચવાયો, ‘ખરેખર ઇમરજન્સી કેસ છે? કે પછી સામાન્ય તકલીફ માટે ખોટા સમયે આવ્યા છે?’

‘એ બધું હું ન જાણું... પેશન્ટની સાથે એક શેઠ જેવા ભાઈ પણ છે.... લો, એમની સાથે જ વાત કરો...’ આયાબહેને ફોનનો હાથબદલો કર્યો. હવે સામેના છેડા પર કોઈ પુરુષ હતો. ‘નમસ્તે, ડોકટર સાહેબ! હું ધરમદાસ. ઓળખાણ પડી કે નહીં?’ ‘અરે, ધરમદાસ?! તમારી ઓળખાણ કેમ ન પડે? આ વખતે બહુ લાંબા સમય પછી દેખાયા ને કંઈ? કોને લઈને આવ્યા છો? ઘરેથી તો તબિયત સારી છે ને?’


‘હા, એ પણ આવી છે મારી સાથે. બાજુમાં જ ઊભી છે પણ એને કંઈ તકલીફ નથી. જેને લઈને આવ્યા છીએ ઐ અમારા કારખાનામાં કામ કરતી છોકરી છે. મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે, સાહેબ. ફોનમાં વધારે શું કહું? આપ રૂબરૂ આવી જાવ, પછી વાત કરીએ.’ હું થોડો ઘણો ચિડાયો, પણ ઘણો બધો એમની માગણી સાથે સંમત થઈ ગયો.


ચિડાવાનું કારણ એ કે ધરમદાસે એ વાતનો ફોડ ન પાડયો કે જે કેસ લઈને તેઓ આવ્યા હતા એ ખરેખર ઈમરજન્સી કેસ હતો કે નહીં. જો તેમનાથી બે-ત્રણ કલાકની પ્રતીક્ષા થઈ શકે તેમ હોય તો હું મારા તમામ કામો પાર પાડી શકું અને સંમત એટલા માટે થઈ ગયો કે ધરમદાસ મારા પંદર વર્ષ જૂના પરિચિત હતા. પહેલીવાર એ એમનાં પત્નીને લઈને મારી પાસે આવ્યા હતા. બહુ અઘરો કેસ હતો, જે નોર્મલ ડિલિવરી કરાવીને મેં પાર ઉતારી આપ્યો હતો.


છેલ્લા પંદર વરસમાં ધરમદાસે નહીં- નહીં તોયે પંચોતેર દરદીઓનાં ઓપરેશનો મારા હાથે કરાવ્યાં હશે. એ કહેતા, ‘હું જી.આઈ.ડી.સી.માં કેમિકલની ફેકટરી ધરાવું છું, સાહેબ! બાજુમાં મહિલા ઉધોગ માટે એક વર્કશોપ પણ ચલાવું છું. બંને જગ્યાએ બધું મળીને સો-સો સ્ત્રી-પુરુષો કામ કરે છે. એટલે તમારે ત્યાં આવવાનું તો ચાલ્યા જ કરશે. મારે ત્યાં કામ કરતા માણસો મારા કુટુંબના સભ્યો જેવા જ છે, સાહેબ! એ બિચારાઓને મ્યુનિસિપલ હોસ્પિટલમાં કેવી રીતે ધકેલી દેવાય? જયાં અમે જતા હોઈએ ત્યાં એ બધા પણ...’


પંદર વર્ષ જૂના ગ્રાહકને ના ન પાડી શકાય. તમામ કામો પડતાં મૂકીને હું નીકળી પડ્યો. પાછા આવીને જોયું તો ધરમદાસ અને એમની ધર્મપત્ની કલાબહેન એક માસૂમ કિશોરીની સાથે બેઠા હતાં. ‘બોલો, શા માટે આવવું પડયું, ધરમદાસ?’ મેં ગાડીની ચાવી ટેબલ પર મૂકી અને ટેબલ ઉપર પડેલું સ્ટેથોસ્કોપ ગળામાં વીંટાળ્યું. ‘આ છોકરી અમારે ત્યાં લેધર બેગોની સિલાઈ કરવાનું કામ કરે છે. કુંવારી છે. પાંચમો મહિનો જાય છે.’ કલાબહેને ટૂંકાં વાકયોમાં લાંબી વાત કહી નાખી.


‘કુંવારી છોકરી?!’ મને આઘાત લાગ્યો; એટલા માટે નહીં કે આવી પરિસ્થિતિનો હું પ્રથમવાર સામનો કરી રહ્યો હતો, પણ એટલા માટે કે આવી કમનસીબ છોકરીને ગર્ભપાત માટે કેવી ભયંકર શારીરિક-માનસિક યાતનામાંથી પસાર થવું પડશે. તેનો મને બહોળો અનુભવ હતો. મેં બીજો આનુષંગિક પ્રશ્ન પૂછ્યો, ‘આને પ્રેગ્નન્ટ બનાવવા માટે જવાબદાર પુરુષ કોણ છે?’ આ સવાલ કલાબહેનનાં ખાતામાં ન આવે; માટે એનો ઉત્તર ધરમદાસે આપ્યો, ‘છે એક છોકરો. કાનપુર બાજુનો. બાવીસ-ત્રેવીસની ઉમર. પરણેલો છે. દેશમાં ઘરવાળીને મૂકીને મારા કારખાનામાં નોકરી કરવા આવ્યો છે. આ છોકરી બાજુના મકાનમાં બહેનોની સાથે કામ કરે. એમાં કયારે, કેવી રીતે આ બંનેની આંખો લડી ગઈ એની કોઈને ખબર ન પડી.’

હું વિચારમાં પડી ગયો, ‘ધરમદાસ, આ તો જોખમી કેસ છે. છોકરીનાં મા-બાપ કયાં છે?’


‘અરે, છોડો ને, સાહેબ! આ બાપડીને આપઘાત કરાવવો છે તમારે? આ લોકો ભલે ગરીબ રહ્યાં, પણ એમનામાં ઝનૂનની કમી નથી હોતી. આનાં મા-બાપ ગામડે રહે છે. જો એમને આ વાતની ખબર પડે તો છોડીને જીવતી ન મેલે. તમે જવાબદારીની ચિંતા ન કરશો, સાહેબ. અમે જ આનાં મા-બાપ. લાવો, કયાં સહી કરવાની છે?’


‘જવાબદારીનું તો સમજયા, ધરમદાસ, પણ પૈસાનું શું? હું નથી ઈરછતો કે કોઈના પાપનો દંડ તમારે ભોગવવો પડે. પેલો બદમાશ છોકરો કયાં છે?’

‘એ તો ભાગી ગયો. જેવી એને ખબર પડી કે એનું પાપ હવે છાપરે ચડવાની તૈયારીમાં છે, એવો જ એ પગાર લઈને કાનપુર ભેગો થઈ ગયો. અત્યારે તો જે સો-બસોનો ખર્ચ થાય તે મારે જ...’


‘સોરી, ધરમદાસ! આ કાચી-કુંવારી છોકરીનો ગર્ભપાત છે. એની પીડા આ કુમળી કાયા માટે વેઠવી ભારે મુશ્કેલ છે. કયારેક એમાં જીવ પણ નીકળી જાય. આ કામ સો-બસો રૂપરડીમાં પતી જાય એવું સહેલું નથી. માત્ર દવાઓનો ખર્ચ જ પાંચસો રૂપિયા જેવો થઈ જાય. એકાદ-બે દિવસ નર્સિંગ હોમમાં રહેવું પડે. મારું બિલ તો કામ પતી જાય એ પછી આપવાનું થશે. પણ રકમ તમે ધારો છો એના કરતાં મોટી થશે.’


ધરમદાસ ઢીલા પડી ગયા, ‘સાહેબ, દયા રાખો. આ ધરમદાસનું કામ નથી, પણ ધરમનું કામ છે એમ સમજીને કરી આપો. દવાઓના પૈસા તો હું ચૂકવી આપીશ, બાકીના રૂપિયા હાલ પૂરતા...’ ‘હાલ પૂરતા એટલે કયાં સુધી?’


‘એ વિષે હું કોઈ ચોક્કસ સમયમર્યાદા નહીં આપું. એટલું કહી રાખું છું કે તમારું બિલ જયારે પણ ચૂકવીશ ત્યારે એ હું નહીં ચૂકવું.’ ‘ત્યારે કોણ ચૂકવશે?’


‘પેલો નાલાયક કાનપુરીયો! મારી પાસે એનું કાનપુર ખાતેનું સરનામું છે. મારા કામમાંથી જરાક નવરો પડું કે તરત જ હું કાનપુર બાજુ ચક્કર મારી આવીશ. એ શું એનો બાપ પણ પૈસા ખંખેરી આપશે.’ ધરમદાસ આમ તો સાવ સજજન હતા અને શાંત પણ. આજે પહેલી વાર મેં એમને આટલા જુસ્સા અને ગુસ્સા સાથે બોલતા સાંભળ્યા. છેતરપિંડીનો ભોગ બનેલી એક અબળા કિશોરીની હાલત જોઈને તેઓ ખળભળી ગયા હતા એ દેખાઈ આવતું હતું.


મેં છોકરીનો કેસ હાથમાં લીધો. આવા કેસમાં કયુરેટિંગ થઈ શકતું નથી; માટે એ સમયે જે પ્રચલિત અને વિજ્ઞાન-માન્ય પદ્ધતિ અમલમાં હતી તે મેં વ્યવહારમાં મૂકી. મારો આટલા દાયકાઓનો અનુભવ રહ્યો છે કે જે દરદીમાં તમે રાહતદરે સારવાર આપવાનું સ્વીકારો છો તેમાં સૌથી વધારે મહેનત કરવી પડે છે.


ગરીબ દરદીઓની સામાન્ય સુવાવડોમાં પણ ખર્ચાળ કોમ્પ્લિકેશન્સ ઊભાં થતાં હોય છે. પરિણામે દયા દાખવવી મોંઘી પડી જાય છે. આ છોકરીના કેસમાં પણ આવું જ બન્યું. ગર્ભપાતની સૌથી સરળ, સૌથી અસરકારક અને સૌથી સલામત પદ્ધતિ નિષ્ફળ સાબિત થઈ ગઈ. રાહ જોવામાં ત્રણ દિવસ નીકળી ગયા. ધરમદાસ ચિંતાયુક્ત સ્વરે પૂછતા હતા, ‘હવે શું થશે?’


‘બીજો ઉપાય અજમાવવો પડશે. થોડો ખર્ચાળ છે અને જોખમી પણ.’ મેં કહ્યું. બીજો ઉપાય પણ અસફળ રહ્યો. હવે ત્રીજો અને આખરી ઉપાય બરયો હતો : પેટ ચીરીને મિની સિઝેરિયન જેવું ઓપરેશન કરીને બાળકને કાઢી લેવાનો.


ખર્ચ વધતો જતો હતો, જોખમ પણ અને મારા પરનું માનસિક દબાણ પણ. ખાસ તો છોકરી કુંવારી હતી અને સાથે એનાં મા-બાપ હાજર ન હતાં એટલે મારી ચિંતા વધતી જતી હતી. જો કે ધરમદાસ અને કલાબહેન દિવસ-રાત ખડેપગે હાજર હતાં એ હકીકત મારા માટે હૂંફ બનીને ઊભી હતી.


આખરે બધું સરળ અને સફળ રીતે સંપન્ન થઈ ગયું. છોકરી હવે ગર્ભમુક્ત હતી અને ચિંતામુક્ત પણ. એને રજા આપતી વખતે મેં ધરમદાસને મારી પાસે બોલાવ્યા. કહ્યું, ‘ખર્ચનું શું કરીશું, ધરમદાસ? મેજર ઓપરેશનનું બિલ પણ મેજર થાય તેમ છે. ત્રણેક હજારની મેડિસિન્સ અને એનેસ્થેટિસ્ટના એક હજાર...’


‘એનેસ્થેટિસ્ટના તો હું ચૂકવી આપું છું. દવાઓ બહારથી લાવીને જમા કરાવી દઈશ. બાકી રહ્યું તમારું બિલ. એના માટે મેં તમને વચન આપેલું જ છે કે એ રકમ આ ધરમદાસ નહીં ચૂકવે, પેલો પાપી બળાત્કારી ચૂકવશે. સાલ્લો બદમાશ! પોતે પરણેલો છે એ વાત છુપાવીને આ ભોળી છોકરીને છેતરી ગયો! લગ્ન કરવાનો વાયદો કરીને આ કબૂતરીને પીંખી ગયો. હું એને નહીં છોડું.’


ધરમદાસ પેલાને છોડે કે ન છોડે, પણ મારે તો હાલ પૂરતા બિલના રૂપિયા છોડી દેવા પડ્યા. ધરમદાસ મારા પંદર વરસ જૂના પરિચિત હતા. એમના દ્વારા હું સારું એવું કમાયો હતો. આટલા વરસે એમણે પહેલી વાર મારી પાસે થોડોક સમય માગ્યો હતો. એ સમય આપ્યા વિના મારી પાસે અન્ય કોઈ રસ્તો ન હતો.


આ ઘટનાને આજે આઠ વરસ થઈ ગયાં છે. હજુ સુધી એ પેશન્ટની સારવારના બદલામાં એક પૈસો પણ મારા હાથમાં આવ્યો નથી. મને એ વાતનો રંજ પણ નથી. એક ફસાયેલી છોકરીનો જીવ બચાવ્યાનો મને સંતોષ છે. ધરમદાસ એ પછી પણ મને મળતા રહ્યા છે. એમની બે દીકરીઓની ચાર સુવાવડો મારી જ પાસે કરાવી ગયા છે. પેલા ‘મુકામ પોસ્ટ કાનપુર’ વિષે સહેજ પણ ઉલ્લેખ ન એ કરે છે, ન હું કરું છું. બધું હવે શાંત થઈ ગયું છે. આ શાંતિ કાયમને માટે બની રહી હોત, જો અમારા આયાબહેને એમાં કાંકરો નાખીને સરોવરના શાંત નીરમાં મોટું વમળ ન સર્જી દીધું હોત.


‘એક વાત કહું, સાહેબ? આઠ-આઠ વરસથી મેં છુપાવી રાખી છે. પણ તમે વચન આપો કે આ વાતની ચર્ચા ક્યારેય ધરમદાસ સાથે નહીં કરો. નહીંતર એ માણસ મારી સાથે ઝઘડો કરશે.’ હું હસ્યો, ‘જાવ, મારું વચન છે.’


‘એ છોકરીને પ્રેગ્નન્ટ બનાવનાર ધરમદાસ પોતે જ હતા. છોકરી એટલી બધી ડરી ગઈ હતી કે કોઇને આ વાત કહી શકી ન હતી. એ અઠવાડિયા માટે આપણા દવાખાનામાં હતી, ત્યારે એક દિવસ એણે રડતાં-રડતાં મને બધું જ કહી દીધું હતું. પેલા કાનપુરવાળા બદમાશની વાત તદ્દન ઉપજાવી કાઢેલી હતી.’ આયાબહેનની વાત સાંભળીને મને જે આઘાત લાગ્યો છે તે વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. એના વિરેચન માટે મારે કંઈક તો કરવું ને? છેવટે આ એપિસોડ લખી નાખ્યો. આ વાત કોઈને ન કહેવાનું મારું વચન હતું, ન લખવાનું વચન કયાં હતું?!‘ (શીર્ષક પંક્તિ: દિલહર સંઘવી)

બોલો હવે તો કૈંક કારાગાર ઓગળવા વિશે ને મૌન ખોલીને કહો અવતાર ઓગળવા વિશે.

આખા રોડ પરના આલીશાન મકાનો વચ્ચે બ્રિટીશ સ્થાપત્યના નમૂના જેવું પોલીસ સ્ટેશનનું નાનકડું મકાન અલગ તરી આવતું હતું. ઈન્સ્પેકટર જાડેજાની કાર કમ્પાઉન્ડમાં પ્રવેશી કે સ્ટાફના બધા માણસો એટેન્શનમાં આવી ગયા. પચાસ વર્ષના જાડેજા એમની ચેમ્બરમાં બેઠા. એક કોન્સ્ટેબલે આવીને પંખાની ગતિ વધારી અને ઠંડા પાણીનો જગ એમના ટેબલ પર મૂક્યો. ‘ચા લાવવાની છે?’ એણે પૂછ્યું. જાડેજાએ ડોકું હલાવીને હા પાડી અને એ બહાર ગયો. સાંજે પાંચ વાગ્યે પણ હવામાં ઉકળાટ હતો.

ત્રીજી મિનિટે એ પાછો આવ્યો. એના હાથમાં રહેલું પરબીડિયું એણે જાડેજા તરફ લંબાવ્યું. ‘કોઈ છોકરો સાઇકલ પર આવીને આપી ગયો.’ જાડેજાએ પરબીડિયું હાથમાં લીધું. મોતીના દાણા જેવા અક્ષરે એમનું નામ લખેલું હતું અને મોટા અક્ષરે અંગત લખેલું હતું.

‘ એક કામ કર..’ એમણે કોન્સ્ટેબલને આદેશ આપ્યો.’ હમણાં ચા લાવવાની જરૂર નથી. તું બહાર બેસ. કોઈને ચેમ્બરમાં આવવા દેતો નહીં.’ ‘જી.’ કોન્સ્ટેબલે બહાર નીકળીને બારણું ખાલી બંધ કર્યું. સવારે આઠ વાગ્યે ધેરથી નીકળ્યા ત્યારે જ આવું કંઇક બનશે એવી એમની ધારણા હતી. જાડેજાને સંતાનમાં જે ગણો તે એક માત્ર દીકરી સોનલે આખા ઘરની જવાબદારી સંભાળી લીધી હતી.

છેલ્લા બે દિવસથી ઘરનું વાતાવરણ તંગ હતું. પોતે ધેરથી નીકળ્યા ત્યારે સોનલનો ચહેરો રિસથી તમતમી ઊઠેલો હતો. અત્યારે કવર ઉપર એના અક્ષર જોઈને જાડેજાની આંખ સામે દીકરીનો રિસાયેલો ચહેરો તરવરી ઊઠ્યો. કાળજીપૂર્વક પરબીડિયાની કિનારી કાપીને એમણે પત્ર બહાર કાઢ્યો. બે પાનાં ભરેલું લખાણ જોઈને એમણે વાંચવાના ચશ્માં પહેયાô અને દીકરીનો પત્ર વાંચવાનું શરૂ કર્યું.

‘પૂજય પપ્પા, નમસ્કાર. અત્યારે પૂજ્યનું સંબોધન લખવું ગમતું નથી પણ આદતવશ લખવું પડે છે. આ પત્ર તમારા હાથમાં આવશે ત્યારે હું અમદાવાદથી કયાંય દૂર નીકળી ગઈ હઈશ... મોબાઈલ ઉપર આ બધી વાત તમને કહી શકી હોત પણ મોબાઈલ પરથી મારું લોકેશન શોધીને તમે પકડી પાડો એવી બીક છે. બીજું કારણ એ કે અમુક વાતો મોઢામોઢ કહેવાની હિંમત નથી. બાપ-દીકરીનો સંબંધ નડે અને જીભ અટકી જાય. પત્રમાં કોઈ સંકોચ ના થાય. મન ફાવે એ બધું લખી શકાય...’

જાડેજાએ પાણીનો ગ્લાસ એક ઘૂંટડે ખાલી કર્યો અને આગળ વાંચવાનું શરૂ કર્યું. ‘કાલે આખી રાત રડ્યા કર્યું, જૂનાં આલબમ કાઢીને બધા ફોટા જોયા. ભીની આંખે મમ્મીને યાદ કરતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ નથી એ છતાં સતત મારી સાથે હોય એવી અનુભૂતિ થાય છે. એ જીવતી હોત તો આજે મારી દશા આવી ના હોત. દીકરીની આંખમાં આંસુ છલકાય એવું એકેય કામ કોઈ મા ક્યારેય ના કરે. તમારા શરીરમાં દયની જગ્યાએ પથ્થર છે એટલે આ વાત તમને નહીં સમજાય.

તેજસ ત્રિવેદી વિશે મેં તમને વાત કરી એમાં મેં કોઈ ગુનો કર્યો છે? મને એમ કે આટલો સરસ અને સંસ્કારી છોકરો છે એટલે તમે તરત એને જમાઈ તરીકે સ્વીકારી લેશો. મા વગરની દીકરી આવી વાત ઉત્સાહથી કહે ત્યારે સમજદાર બાપ શું કરે? તરત એ છોકરા વિશે તપાસ કરે અને યોગ્ય લાગે તો દીકરીની પસંદગી ઉપર સંમતિની મહોર મારી દે. પણ તમે શું કર્યું એ યાદ કરો.. મારી વાત શાંતિથી સાંભળવાની તસ્દી પણ ના લીધી.

કોઈ રસ ના દર્શાવ્યો. માત્ર ફિક્કો હોંકારો આપીને મારા ઉમંગ ઉપર પાણી ફેરવી દીધું. માત્ર આટલું કરીને અટકી ગયા હોત તો મને દુ:ખ ના થતું. તમે તો પૂરી ક્રૂરતા બતાવી. બીજા દિવસે સાંજે ધડ દઈને કહી દીધું કે આ સંબંધ નહીં થાય! મેં રડી રડીને કારણ પૂછ્યું તો તમે હિટલરની જેમ કોઈ ચર્ચા કરવાની પણ ના પાડી દીધી! તમારી દીકરી નહીં પણ કારાગારની કેદી જેવું વર્તન હતું તમારું!..’

જાડેજાએ ફરીથી બે ઘૂંટડા પાણી પીધું અને દીકરીના અક્ષરો ઉપર નજર સ્થિર કરી. ‘પપ્પાજી, તમારી દીકરીની પસંદગી ઉપર તમને વિશ્વાસ નથી? અગાઉ પણ નાની-મોટી વાતમાં મારી બહેનપણીઓની હાજરીમાં તમે મને ધમકાવેલી છે એ કદાચ તમે ભૂલી ગયા હશો પણ હું તો જીવીશ ત્યાં સુધી યાદ રહેશે. તેજસ કોઈ આલતુફાલતુ છોકરો નથી. એમ.એ.માં એ આખી યુનિવર્સિટીમાં ફસ્ટર્ આવેલો અને ચારે ચાર ગોલ્ડમેડલ મેળવેલા.

એના પપ્પા સચિવાલયમાં મોટા અધિકારી છે અને મમ્મી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. તેજસને પણ લેકચરરની નોકરી મળી ગઈ છે. ગાંધીનગરના નાનકડાં બંગલામાં એ ત્રણેય આનંદથી રહે છે. આવા સંસ્કારી પરિવાર સામે તમને શું વાંધો છે? અઢારમી સદીના તાલિબાન જેવી વિચારસરણી છે તમારી! સામે હું પણ એટલી જ મક્કમ છું. બીજે કયાંય કયારે પણ લગ્ન નહીં કરું...

અત્યારે હું કયાં જઈશ અને શું કરીશ એ કંઇ નક્કી નથી. તમારી નામના અને ઈજજતને ધબ્બો લાગે એવું કયારેય નહીં કરું. મનમાં જાતજાતના વિચારો આવે છે અને ડામાડોળ મગજ છે એટલે રઘવાટમાં કોઈ નિર્ણય નહીં લઉ એટલી ખાતરી આપું છું. તેજસ કે એના પરિવારમાં કોઈ ખામી હોય તો શોધીને મને જણાવજો. બાકી એટલું નિિશ્ચત છે કે પરણીશ તો એની સાથે જ. તમારી દીકરી છું એટલે વટ રાખીને જીવવાનું તમારી પાસેથી શીખી છું. કોઇ ખોટો નિર્ણય નહીં લઉ અને તમે સાચો નિર્ણય લો ત્યાં સુધી રાહ જોઈશ.

ઘર છોડવાના મારા નિર્ણયથી તમને પીડા થઈ હોય તો દયપૂર્વક માફી માગું છું.. સાંજની રસોઈ બનાવીને મૂકી છે અને તમારી પ્રિય સુખડી પણ ડબ્બો ભરીને બનાવીને ટેબલ પર મૂકી છે.... લિ. સોનલના પ્રણામ.’ જાડેજાએ પત્ર ટેબલ પર મૂક્યો.બીજા પાનાંની છેલ્લી ત્રણ લીટીની વરચે જે બે-ત્રણ ધાબા પડયા હતા એ દીકરીની આંખમાંથી છલકેલા આંસુની નિશાની હતી એ પારખવામાં એમને વાર ના લાગી. દીવાલ પરની ઘડિયાળ સામે જોઈને એમણે મોબાઈલ હાથમાં લીધો.

‘ગુલાબબા, જય માતાજી...’ રાજકોટમાં રહેતી મોટી સાળીની સાથે વાત કરતી વખતે જાડેજાનો અવાજ લગીર ધ્રુજતો હતો. ‘મોટા બહેન, આપને એક તકલીફ આપવાની છે. સોનલનો સ્વભાવ જિદ્દી અને નાદાન છે. હજુ ય એનામાં બાળક બુદ્ધિ છે અને મન અતિશય ચંચળ છે. એના વિવરિંગ માઈન્ડને લીધે ચારેક વાર એને ધમકાવવી પડેલી એને લીધે એ મારાથી નારાજ છે..’

એક પછી એક વાત યાદ કરીને જાડેજા કહેતા હતા. ‘બારમામાં એને બાણું ટકા હતા એટલે એન્જિનિયિંરગની બધી શાખામાં એડમિશન મળતું હતું. ઈ.સી.માં એડમિશન લઈને ફી ભરી દીધી પછી ત્રીજા દિવસે બહેનનો વિચાર બદલાયો. ફીના સાંઠ હજાર ગયા એ તો મૂવા પણ બીજે એડમિશન માટે મારે કેટલાયને ભાઈ-બાપા કરવા પડ્યા. એ વખતે તો તમારા બહેન હયાત હતા પણ એ દીકરીના પક્ષમાં હતા. સોનલે સમજી-વિચારીને નિર્ણય ના લીધો અને પછી ધમાલ કરી મૂકી. આ તો સારું છે કે ઓળખાણો છે એટલે એને જે લાઈન જોઈતી હતી એમાં એડમિશન મળી ગયું અને સોનલબહેન એન્જિનિયર થઈ ગયા. નિર્ણય લેવામાં આવું વિવરિંગ માઈન્ડ કઈ રીતે ચાલે?’

જાડેજા ધીમા અવાજે બોલતા હતા. સામા છેડે ગુલાબબા સાંભળતા હતા. ‘ગયા વર્ષે બહેનને મોબાઈલ બદલવો હતો. એને જે ગમે એ મોબાઈલ લેવાની મેં છૂટ આપેલી. પંદર હજારનો મોબાઈલ લીધા પછી સાંજે બધી બહેનપણીઓ ભેગી થઈ હતી ત્યારે એમાંથી કોઈ કે વાત કરી એટલે સોનલને થયું કે આ લીધો એના કરતાં અઢાર હજારવાળો મોબાઈલ વધુ સારો હતો. તરત હાથમાં મોબાઈલ લઈને એ મારી પાસે આવી.

એકવાર ખરીદીને બે કલાક વાપરેલા મોબાઈલ માટે દુકાનવાળો બીજા કોઈને તો જવાબ પણ ના આપે પણ મારી શરમે એણે બદલી આપ્યો. મોટી બહેન, આવી નાની વાત માટે વેપારીને કરગરવાનું માથાના ઘા જેવું લાગે પણ પંદર હજારનો સવાલ હતો એટલે જાત સાથે સમાધાન કરવું પડ્યું. સવાલ પંદર કે અઢાર હજારનો નહોતો. એણે પાંત્રીસ હજારનો મોબાઈલ ખરીધો હોત તો પણ મને તકલીફ નહોતી પણ વિવરિંગ માઈન્ડને લીધે આવા ગાંડાવેડા કરે એ કેમ ચાલે? બહેનપણીઓની હાજરીમાં મેં એને ધમકાવી એટલે બહેન રિસાઈ ગયેલા. સવાલ પૈસાનો નથી એના વર્તનનો છે. સાડી કે ડ્રેસમાં તો એ આવું અનેકવાર કરે છે પણ એમાં શોરૂમવાળા બદલી આપે છે..’

‘બાળક બુદ્ધિ છે એટલે મોટુ મન રાખીને માફ કરી દેવાની..’ એ અટકયા એટલે મોટી સાળીએ સલાહ આપી. ‘એકની એક દીકરી છે અને અમારા બહેનની હયાતી નથી એટલે એ બાપડી આવા લાડ કરે તો ગુસ્સે નહીં થવાનું..’ પછી ઠાવકાઈથી પૂછ્યું. ‘ અત્યારે ફોન કેમ કરવો પડયો? ભાણી બાએ કોઈ નવું તોફાન કર્યું છે?’

‘સાંભળો, તોફાન નહીં પણ પહેલી વાર ડહાપણનું કામ કર્યું છે. સરસ મજાનો મુરતિયો જાતે શોધીને એણે આપણા બધાની ચિંતા હળવી કરી નાખી! હું કે તમે દીવો લઈને શોધવા નીકળીએ તોય ના મળે એવો છોકરો એણે પસંદ કર્યોછે. બ્રાહ્મણ છે અને ખાનદાન ફેમિલી છે. છોકરાના બાપાને તો હું સારી રીતે ઓળખું છું. બહેને ધડાકો કરીને વધામણી આપી ત્યારે અનહદ આનંદ થયેલો પણ પછી તરત એના વિવરિંગ મગજનો વિચાર આવ્યો એટલે મેં રમત કરી. એને ચોખ્ખી ના પાડી દીધી.

સાચી અને પાક્કી લાગણી હશે તો એ ધૂંધવાશે એની ખાતરી હતી. છોકરાના બાપા સાથે ફોન ઉપર વાત કરીને મેં એમને સંમતિ આપી દીધી હતી પણ સોનલબહેનના મગજનો ઊભરો ક્ષણિક છે કે કેમ એ ચકાસવા માટે નાટક કર્યું એમાં એની કમાન છટકી. બે દિવસ ધૂંધવાટમાં રહ્યાં પછી આજે ઘર છોડીને ભાગી ગઈ!’‘જાડેજા સાહેબ! ધન્ય છે તમને!...’ ગુલાબબાના અવાજમાં વહેરી નાખે એવો તીખો વ્યંગ હતો.’ પચીસ વર્ષની જુવાન છોકરી ઘર છોડીને ભાગી ગઈ અને તમે આટલી લાંબી કથા કહ્યાં પછી આરામથી સમાચાર આપો છો? ખરા છો તમે!..’

‘મારી વાત તો સાંભળો..’ જાડેજાએ શાંતિથી સમજાવ્યું. ‘જાડેજાની દીકરી છે એટલે એ કંઇ આડું અવળું પગલું નહીં ભરે એની ગળા સુધીની ખાતરી હતી. ગઈકાલે રાત્રે એ પાવન ટ્રાવેલ્સમાં ફોન કરીને રાજકોટની બસના ટાઈમ પૂછતી હતી એ મેં સાંભળી લીધેલું. સવારે ઓફિસે આવીને એક ચાલાક સબ ઈન્સ્પેકટરને સાદા ડ્રેસમાં કામે લગાડી લીધો હતો. એણે સમાચાર આપ્યા કે બહેન ચાર વાગ્યાની લકઝરીમાં રાજકોટ જવા માટે બેસી ગયા છે. મા નથી એટલે માસીની પાસે ખોળો પાથરવાનું એણે નક્કી કર્યું હશે.

લીમડાચોક જઈને તમારા ભાણીબાને સાચવીને ધેર લઈ જજો..’ જાડેજા સહેજ અટકયા. પછી હસીને એમણે ઉમેર્યું. ‘સોનલ ચારની બસમાં બેઠી એ માહિતી મળી કે તરત મેં તેજસને ફોન કર્યોઅને કાલાવડ રોડનું તમારું સરનામું સમજાવી દીધું.

એ પણ સાડા પાંચની લકઝરીમાં અત્યારે બેસી ગયો હશે. સોનલ તમારી પાસે આવીને રડીને મન હળવું કરશે ત્યાં સુધીમાં તો જમાઈ રાજા પણ તમારે ઉબરે આવી જશે. સોનલને આ કંઇ ખબર નથી એટલે એને જોરદાર સરપ્રાઈઝ મળશે. મારી કારમાં વેવાઈ અને વેવાણને લઈને હું સવારે નીકળીશ. અગિયાર વાગ્યે અમે લોકો તમારે ત્યાં આવી જઈશું. તમારા બંગલે જ ગોળઘાણાની વિધિ પતાવી દઈશું. પૂરી તૈયારી કરી રાખજો.. જય માતાજી..’

Monday, April 5, 2010

હું તમારા બોલવા હસવામાં અટવાતો રહું, પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો

મહાશંકર પંડ્યાના ઘરમાં દીકરીનો જન્મ થયો એ દિવસે આખાયે ગામમાં વાત ફેલાઇ ગઇ. સૌના હોઠો પર આ જ વાક્યો હતાં, ‘અહોહો...! શું રૂપ લઇને આવી છે દીકરી! જાણે માણસનો આકાર ધરીને મોગરાનું ફૂલ ન જન્મ્યું હોય!’


છોકરીની જનેતા જશુ ગોરાણી ખુદ પોતાના ખોળામાં પોઢેલી અપ્સરાને જોઇને ક્યારેક અફસોસનાં વેણ ઉચ્ચારી બેસતાં હતાં, ‘ગાંડી રે ગાંડી! શું જોઇને અમારા ખાલી ઘરમાં જન્મ લીધો? કો’ક કરોડપતિના ઘરે જવું હતું ને!’


મહાશંકર છીંકણી સૂંઘતાં જવાબ આપતા, ‘દીકરી બધી બાજુનો વિચાર કરીને પછી જ આપણા ઘરમાં આવી હશે. એનેય ખબર હશે કે પોતે જો રૂપાળી નહીં હોય તો કોઇ મુરતિયો હાથ નહીં ઝાલે. મારા જેવા ગરીબ બ્રાહ્મણ પાસે દીકરીની સાથે આપવા જેવું બીજુ શું હોય! પણ હવે મને લેશ માત્ર ચિંતા નથી. મારી દીકરીને વરવા માટે માનવપુત્રો તો બાજુ પર રહ્યા, સ્વર્ગમાંથી દેવકુમારો ધરતી ઉપર હેઠા ઊતરશે અને પહેરેલાં કપડાંમાં મારી કુંવરીને લઇ જશે.’


દીકરીનું નામ પાડ્યું મિસરી. ખરેખર મિસરી ખાંડની મીઠાશને ફિક્કી સાબિત કરી આપે એવી મીઠડી હતી. એ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ રૂપના કેન્વાસ ઉપર જોબનની પીંછી ફરતી રહી અને સત્તરમાં વરસના ઊંબર ઉપર તો મિસરીની મિસાલ એ ગામમાં જ નહીં, પણ આજુબાજુનાં પંદર-પંદર ગામોમાં દંતકથા બનીને પ્રસરી ગઇ.


બોર્ડની પરીક્ષામાં મિસરી ખૂબ સારા ગુણ સાથે ઉત્તિર્ણ થઇ. આડોશી-પાડોશીએ આવીને સલાહ આપી ગયા, ‘મિસરીને કોલેજમાં મોકલો. ડોક્ટર બનાવો. એ આપણા ગામનું નામ ઉજાળશે.’


મહાશંકરે માથું ધુણાવ્યું, ‘ના, બાપા, ના! દીકરી ભલે તેજસ્વી છે, પણ આ બાપ કંગાળ છે એનું શું? આપણને શહેરની કોલેજના ભારે ખર્ચાઓ પોસાય નહીં.’


મિસરીના શિક્ષકે આવીને સલાહ આપી એ મહાશંકરના ગળે કડક મીઠી ચાના ઘૂંટડાની જેમ ઊતરી ગઇ, ‘મારું માનો તો મિસરીને પી.ટી.સી. કોલેજમાં મોકલી આપો. ઓછામાં ઓછો ખર્ચ આવશે ને બે વરસ પછી તો એ શિક્ષિકા બની જશે. પછી કોઇ માસ્તર શોધીને એના હાથ પીળા કરી નાખજો. જિંદગીભરની નિરાંત!’


શિક્ષકે આપેલી સલાહ મહાશંકરને ગમી ગઇ. મિસરીને પ્રાઇમરી ટીચર્સ કોલેજમાં બે વરસની તાલીમ માટે મોકલી આપી. બે વરસ ઝડપથી પસાર થઇ ગયાં. અંતિમ પરીક્ષામાં મિસરી અવ્વલ નંબર લઇ આવી. બીજા જ મહિને એને બીજા એક ગામડામાં સરકારી શાળામાં નોકરી મળી ગઇ.


જે શાળામાં એને નોકરી મળી તે શાળાના આચાર્ય પીઢ અને ભદ્ર પુરુષ હતા. પ્રથમ દિવસે જ એમણે આ નવી શિક્ષિકાને જોઇને કહી દીધું, ‘બેટા, પાંત્રીસ વરસથી હું આ જ શાળામાં નોકરી કરું છું માટે દાવા સાથે કહું છું કે આ મકાને આજ લગી આવું રૂપ દીઠું નથી. બીજું તો શું કહું? તારી જાતને સાચવજે.


મિસરી રોજ પોતાના ગામથી બસમાં બેસીને નોકરીના સ્થળે આવ-જા કરતી હતી. પ્રથમ દિવસના અનુભવે એને કહી આપ્યું કે પીઢ આચાર્યની વાત કેટલી સાચી હતી. બસમાં ટિકિટ આપતો કન્ડક્ટર, બાજુમાં બેઠેલો સહપ્રવાસી, સાથે નોકરી કરતા શિક્ષકો, એના જ હાથ નીચે ભણતાં કેટલાંક બદમાશ વિદ્યાર્થીઓ, પાનના ગલ્લા પાસે કે ચાની લારી આગળ ઊભેલા જુવાનિયાઓ, આ તમામ પુરુષો મિસરીને જોતા અને જોઇને તરત પુરુષ મટીને ભ્રમર બની જતા હતા.


કિશોરથી માંડીને ડોસા સુધીની પુરુષજાત જ્યારે મિસરીને જોઇને લાળ ટપકાવી રહી હતી, ત્યારે મહાશંકર પંડ્યા પોતાની સુકન્યા માટે સુ-વર શોધી રહ્યા હતા.


એક સાંજે એમણે થાકેલી દીકરી પાસે વાત મૂકી, ‘મિસરી! બેટા, હવે ગમે તે સમયે આપણા ફળિયામાં માંડવો રોપાશે. મેં તારા માટે મુરતિયોઓ શોધવાનું શરૂ કરી દીધું છે.’


‘ભલે બાપુ!’ મિસરીને લજ્જાથી પાંપણો ઢાળી દીધી.


‘પણ એક વાતની તકલીફ છે, દીકરી! આપણું આ મકાન સાવ જર્જરિત થઇ ગયું છે. એનું સમારકામ કરાવવું પડશે અને રંગરોગાન પણ.’ બાપે મુદ્દાની વાત કરી, ‘આ બધા માટે નાણાંની જરૂર પડશે. તું તો જાણે છે કે અમારી પાસે બચત નથી. અને બેંકમાં લોન લેવા જઇએ તો બે જામીન રજૂ કરવા પડે. મારા જેવા ગરીબ માણસનો જામીન કોણ થાય?’


‘આવડી અમથી વાતમાં ઢીલા શું પડી ગયા, બાપુ! હવે તો મને સરકારી નોકરી મળી ગઇ છે. તમે કે’તા હો તો હું સરકારી લોન...’


‘હા, બેટા! એ જ ઠીક રહેશે. મોટી રકમની જરૂર નથી. ફક્ત પચીસ હજાર રૂપિયા મળી જાય તો આપણું મકાન નવું બની જાય.’
મિસરીએ લોન માટે અરજી મૂકી દીધી. એક મહિનામાં એને નાણાં મળી ગયાં. બીજા એક મહિનામાં એનાં મકાનનો જીર્ણોદ્ધાર થઇ ગયો.


મહાશંકરભાઇએ પૂછ્યું પણ ખરું, ‘મિસરી, આ તો ચમત્કાર થયો કહેવાય. સરકાર આટલી ઝડપથી તને લોન આપી દે એ વાત માન્યામાં નથી આવતી.’


‘આ ચમત્કાર નથી, બાપુ, પણ મારી સાથે નોકરી કરતા એક જુવાન શિક્ષકે મને આપેલો સાથ અને સહકાર છે. એનું નામ ઉપાસક છે. એ મારાથી ત્રણેક વરસ સિનિયર છે. પણ એનો સ્વભાવ સારો હોવાથી શાળામાં અને અમારી શિક્ષણખાતાની ઓફિસમાં એની ખૂબ સારી ઓળખાણો છે. મેં તો માત્ર કાગળ ઉપર અરજી લખીને હાથ ખંખેરી નાખ્યા, બાકીની બધી દોડાદોડી ઉપાસકે જ કરી છે.’


મહાશંકર શાંતિપૂર્વક દીકરીને સાંભળતા રહ્યા. છેવટે આ વાક્ય સાથે એમણે પૂર્ણવિરામ મૂક્યું, ‘સારું, બેટા ક્યારેક એ ભલા માણસને આપણા ઘરે ચા-પાણી માટે બોલાવજે.’


પણ ઉપાસક મિસરીના ઘરે ચા-પાણી પીવા માટે પધારે એ પહેલાં જ એક ન ધારેલી ઘટના બની ગઇ. મહાશંકરભાઇના મસિયાઇ ભાઇ આવીને એન.આર.આઇ. મુરતિયાનું માગું નાખી ગયા, ‘ભાઇ, છોકરો આપણી જ ન્યાતનો છે. લોસ એન્જેલસમાં રહે છે. ચાર-ચાર મોટેલોનો માલિક છે. આપણા તો નસીબ ઊઘડી ગયા. મિસરી ડોલરના દરિયામાં ધુબાકા મારશે.


કાલે છોકરો મિસરીને જોવા માટે આવશે. જોજો, કૃપાળ ધોવા ન જતા. લક્ષ્મીના હાથે ચાંલ્લો કરાવી લેજો.’ બીજા દિવસે અમેરિકન મુરતિયો સર્કસના જોકર જેવાં કપડાં પહેરીને આવ્યો અને નાટકના વિદૂષકની જેવું વર્તન કરતો મિસરી જોડે વાતચીત કરવા માંડ્યો.


‘હાય! આઇ એમ રોકી. આમ તો મારું રિયલ નેઇમ રાકેશ હતું, પણ ત્યાં સ્ટેટ્સમાં બધા મને રોકી કહીને બોલાવે, યુ નો! એવરીબડી...!
તારે પણ નામ તો ચેન્જ કરવું જ પડશે. નો મિસરી, યુ નો? આઇ વિલ કોલ યુ એઝ મેસ્સી. તું આ નેઇમ લાઇક કરે છે ને?’


મિસરીને કહેવું હતું, નામની વાત રહેવા દે, પહેલાં એ પૂછ કે હું તને લાઇક કરું છું કે નહીં! પણ ગરીબ મા-બાપની દીકરીઓને એન.આર.આઇ. મુરતિયાઓ વિશે એક પણ વિરોધી શબ્દ ઉચ્ચારવાની મનાઇ હોય છે. પદ્મિની જેવી ખૂબસૂરત મિસરીએ મન મારીને આ પરદેશી વાંદરાને હા પાડી દેવી પડી.


ચાર દિવસ પછી લગ્ન થઇ ગયાં. ઝટપટ હનિમૂન પતાવીને રોકી પાછો અમેરિકા ભેગો થઇ ગયો. છએક મહિના પછી એનો ફોન આવ્યો, ‘હાય, હની! તારું અહીં આવવાનું નક્કી થઇ ગયું છે. વિઝા માટે મુંબઇ જઇ આવજે. અને...’


‘એક મિનિટ!’ મિસરીએ પતિને અધવચ્ચે અટકાવ્યાં ‘આમ તો બધું જ તૈયાર છે, પણ એક નાની અડચણ છે. મેં મકાનના રિપેરિંગ માટે સરકારમાંથી લોન લીધી હતી. એ રકમ ચૂકવવાની બાકી છે. જ્યાં સુધી સરકારી દેવું ભરપાઇ ન થાય ત્યાં સુધી મને આ દેશ છોડવાની અને નોકરી છોડવાની પરવાનગી ન મળી શકે.’


રોકી બગડ્યો, ‘એમાં હું શું કરું? લોન તો તારા ડેડીના હાઉસ માટે લીધી હતી ને? એ પણ બિફોર મેરેજ! તો એ તારા ડેડીએ પે કરવી જોઇએ.’


‘તમારી વાત સાચી, પણ બાપુ પાસે જો પચીસ હજાર રૂપિયા હોત તો મારે લોન શા માટે..?’


‘ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ.’ રોકીએ ફોન કાપી નાખ્યો. મિસરી રડી પડી. ત્યાં ઉપાસક આવી ચડ્યો. રડવાનું કારણ જાણ્યું. કલાકની અંદર એ પચીસ હજાર રૂપિયા લઇ આવ્યો. મિસરીના હાથમાં મૂકી દીધાં, ‘હવે રડવાનું બંધ કર. આ રકમ જમા કરી દે અને ઊપડી જા તારા વર પાસે.’


‘પણ આ રૂપિયા હું તને પાછા ક્યારે અને કેવી રીતે આપી શકીશ?’


‘ધેટ ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. જતાં જતાં એક વાર મારી તરફ મીઠી નજર નાખતી જજે. હું માની લઇશ કે મને પચીસ હજાર મળી ગયા.’


એ રાત્રે મિસરીએ હિંમત કરીને બાપુને કહી નાખ્યું, ‘બાપુ, મારે રોકી પાસે નથી જવું. મારે છૂટાછેડા લઇને ઉપાસકની સાથે લગ્ન કરવા છે. એ અમેરિકન કસાઇને બદલે તમારી મિસરી એના દેશી પૂજારીના ઘરમાં વધારે સુખી થશે.’


(સત્ય ઘટના)
(શીર્ષક : ખલીલ ધનતેજવી)