Tuesday, April 14, 2009

મૃગજળની માયા છોડીને, જળ સુધી જવું છે, અમને જે છેતરે છે, એ છળ સુધી જવું છે.

પચીસ વર્ષનો પરિણય પચીસ પગથિયાં ચડીને પહેલા માળે પહોંરયો, ત્યાં જે પહેલી ઓફિસ દેખાણી એના પ્રવેશદ્વાર ઉપર પાટિયું મારેલું હતું એ એણે શાંતિથી વાંરયું. એક, બે વાર નહીં પણ પૂરા પાંચ વાર વાંરયું : જનક જાસૂસ એજન્સી, ઝીરો ઝીરો એઇટ. પાટિયાની નીચે એક મૂછડ આદમીનો બિહામણો ફોટોગ્રાફ લગાડેલો હતો.
પરિણયને એક વાર પાછા વળી જવાનો વિચાર આવી ગયો. પણ પછી એને લાગ્યું કે એ જે સમસ્યાથી ધેરાઇ ગયો છે એમાંથી એક માત્ર આ જાસૂસ જ એને બચાવી શકશે અને કદાચ એ નહીં બચાવી શકે તો પણ બીજું નુકસાન તો નથી જ થવાનું ને! વધુમાં વધુ થોડાક પૈસા પાણીમાં પડી જશે. માટે અહીં સુધી આવ્યો છું તો આ જનક જાસૂસને મળી તો લેવું જ.
એ બારણું હડસેલીને અંદર પ્રવેશ્યો. એ પ્રતીક્ષાકક્ષ હતો. પરિણય એની સજાવટ જોઇને ડઘાઇ ગયો. એક દીવાલ ઉપર પોસ્ટરો જ પોસ્ટર ચોંટાડેલા હતા. જગતભરમાં બનતા તમામ જાતના અપરાધોના ચિત્રો. ખૂન, હત્યા, અકસ્માત, બળાત્કાર, અગ્નિદાહ વગેરે વગેરે. બીજી દીવાલ ઉપર અસ્ત્રો, શસ્ત્રો અને જાત -જાતનાં ઘાતક ઓજારોના ચિત્રો હતા.
સામેની દીવાલ ઉપર જેમ્સ બોન્ડનું વિશાળ પોસ્ટર લગાડેલું હતું. એની છેક નીચે એક ટેબલની પાછળ ખુરશીમાં એક કદરૂપો માણસ રિસેપ્શનિસ્ટ તરીકે બેઠેલો હતો. એના જમણા ગાલ ઉપર રૂઝાયેલા ઝખમનો મોટો ચીરો પડેલો હતો. કમરામાં ખૂબ મંદ ઉજાસ હતો. આને કારણે વાતાવરણ વધારે બિહામણું લાગતું હતું. આ વાતાવરણને વધારે ડરામણું બનાવવાનું કામ પેલા ચીરાયેલા ગાલવાળા રિસેપ્શનિસ્ટે કર્યું, ‘બોસને મળવું છે? એપોઇન્ટમેન્ટ લીધેલી છે?’ એનો ઘોઘરો અવાજ સાંભળીને પરિણયને ત્યાંથી નાસી છૂટવાનું મન થઇ આવ્યું, પણ ફરીથી એની સમસ્યાએ એને અટકાવી લીધો.
‘હા, મારે સાહેબની સાથે ફોન પર વાત થઇ ગઇ છે. તમે ત્યારે ઓફિસમાં હાજર ન હતા, એટલે સીધી એમની સાથે જ.’
‘ઠીક છે, તમે અંદર જઇ શકો છો.’ પરિણય ઝપાટાભેર અંદર ઘૂસી ગયો. વિશાળ કમરાની વચ્ચોવચ જાસૂસ જનકરાય ઝીરો ઝીરો એઇટ બેઠા હતા. એરકન્ડિશન્ડ ઓફિસમાં એ ગરમ કોટ ચડાવીને બેઠા હતા. આંખો પર કાળા રંગના ગોગલ્સ હતા. હોઠો વચ્ચે નાની હોકલી જેવી પાઇપ હતી, જેમાંથી તમાકુની સુગંધ અને ધુમાડાની દુર્ગંધ એક સાથે ઊઠી રહી હતી. એણે પાઇપ પીતાં-પીતાં શબ્દો બહાર ફેંકયા, ‘બી સીટેડ, મિ.પરિણય પુરોહિત. બોલો, હું તમારી શું સેવા કરી શકું?’
‘હું... મને... તમે...’ પરિણય થોથવાઇ ગયો. એ નક્કી કરી શકતો ન હતો કે આ જનક જાસૂસ એની મદદ કરી શકશે કે નહીં.
‘તો તમારા મનમાં અમારી એબિલિટી વિશે શંકા છે, રાઇટ?’ જનક જાસૂસે પહેલા જ ઘા મારીને પરિણયને ચીત્ત કરી દીધો, ‘બટ યુ શૂડ નોટ વરી. મારા નામની પાછળ આ ઝીરો ઝીરો એઇટ એમ ને એમ નથી લગાડયું.’ ‘હું એ જ વિચારતો હતો. જેમ્સ બોન્ડને ઝીરો ઝીરો સેવન કહેવાય છે, એ તો હું જાણું છું, પણ આ એઇટ?’
‘બહુ સીધી વાત છે. અમે જેમ્સ બોન્ડ કરતાં પણ એક ડગલું આગળ છીએ. જે કામ એનાથી ન થાય તે અમે કરી આપીએ છીએ. બોલો, તમારો શું પ્રોબ્લેમ છે?’ આટલું બોલીને જનક જાસૂસે ધુમાડો છોડયો.
‘મારો પ્રોબ્લેમ બહુ અજીબો-ગરીબ છે.’ પરિણયે હિંમત એકઠી કરી, ‘મારું લગ્ન આજથી ત્રણેક મહિના પહેલાં થયું. મારી પત્ની ભીનાશ નખશીખ નિતાંત સુંદર યુવતી હતી. આજે પણ છે. પણ પરણીને એ સાસરે આવી ત્યારથી જ એનું વર્તન કંઇક વિચિત્ર લાગી રહ્યું હતું. એને ઘરકામમાં સહેજ પણ રસ પડતો ન હતો. રસોડું, કચરા-પોતા, કપડાં-વાસણ વગેરે બધું જ મારી મમ્મી સંભાળી લેતી હતી. દિવસની વાત જવા દો, ભીનાશને તો રાત સાચવવામાં પણ રસ ન હતો. ત્રણ મહિનામાં ભાગ્યે જ અમે બે-ચાર વાર...’ પરિણયનો અવાજ મંદ થઇ ગયો.
‘એની ફિઝિકલ પ્રોબ્લેમ વિથ યુ?’ મૂછ્છડે ધુમાડો છોડયો.
‘ના, જરા પણ નહીં. મને જયારે પણ ક્રિકેટમેચમાં રમવાની તક મળી, મેં સેન્ચૂરી જ ફટકારી હતી. પણ ભીનાશ મારા ઘરમાં ખુશ દેખાતી ન હતી. આખરે એ એના મા-બાપના ઘરે ચાલી ગઇ. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એ ગઇ એ ગઇ. પાછી આવી જ નહીં.’
‘તમે એને ફોન કર્યો? એને મનાવવાની કોશિશ કરી?’
‘એ ફોન જ નથી ઉઠાવતી. રૂબરૂ જવાનો તો સવાલ જ પેદા થતો નથી. અમે કેટલાંક વચેટિયા સગાઓને મોકલ્યા, તો જાણવા મળ્યું કે ભીનાશ હવે કયારેય સાસરીમાં આવવા તૈયાર નથી.’
‘તો પછી છૂટાં થઇ જાવ! આવી કોરી નદીમાં ભીનાશ શોધવાનો કોઇ મતલબ નથી.’ ‘પણ એ ડિવોર્સ આપવાનીયે ના પાડે છે.’ પરિણય રડમસ થઇ ગયો, ‘મારી ખરી સમસ્યા આ જ છે. ભીનાશ કશું જ બોલતી નથી. એને મારી સાથે રહેવુંયે નથી અને છૂટા પણ થવું નથી.’
‘આ આખાયે મામલામાં અમારી જરૂર કયાં પડી?’ જાસૂસ જનકે પાયાનો પ્રશ્ન પૂછી નાખ્યો. ‘મને એક બાબતની શંકા જન્મી છે, મારી ભીનાશનો જરૂર કોઇ ભૂતકાળ હોવો જોઇએ. એને કોઇની સામે લફરુ હોય તો જ એ મારી સાથે આવું રુક્ષ વર્તન કરે. આ લગ્ન પણ એણે ઢાલ તરીકે જ કર્યું હોવું જોઇએ. કદાચ એનો પ્રેમી પરણેલો હશે. એટલે ભીનાશ પણ પરણી ગઇ. હવે એ પિયરમાં રહીને પેલા લફરાની સાથે ગુલછરાર્ ઉડાવતી હશે.’
‘મારો સવાલ હજુ પણ એ જ છે : આમાં અમે કયાંથી આવ્યા?’
‘તમારે એ શોધી કાઢવાનું છે કે ભીનાશનાં ટાંકા કોની સાથે ભીડાયેલા છે. તમારો જાસૂસ દિવસ-રાત ભીનાશનો પીછો કરીને, એની આવન-જાવન પર નજર રાખીને, એ કોને-કોને, કયારે અને કયાં એકાંતમાં મળે છે એ વાતની માહિતી એકઠી કરશે. એ બેયનાં મિલનના ફોટા પાડશે અને મારા હાથમાં સોંપશે. એ માટે જે કંઇ ફી થશે તે ચૂકવવા હું તૈયાર છું.’
‘આમ કરવા પાછળનો ઉદ્દેશ?’
‘છૂટાછેડા. જો ભીનાશને મારા ઘરમાં આવવામાં રસ ન હોય તો મને પણ એનામાં રસ નથી. અદાલત પુરાવા માગે છે. જે તમારે મને લાવી આપવાના છે. પછી એ એનાં રસ્તે અને હું મારા રસ્તે.’ પરિણયે વાત પૂરી કરી. જાસૂસ જનકે એનું કામ સ્વીકારવા માટે આગોતરી રકમ માગી લીધી અને પછી એને હૈયાધારણ આપી, ‘આ તો અમારા માટે ડાબા હાથનો ખેલ છે. અઠવાડિયામાં જ કામ પૂરું થઇ જશે. તમે આવતા શનિવારે આવો.’
એક અઠવાડિયું પરિણયે માંડ-માંડ વિતાવ્યું. બીજા શનિવારે જાસૂસ સમ્રાટ જનકની ઓફિસમાં પહોંચી ગયો. ‘તમારું કામ થઇ ગયું છે. અમારા બાહોશ એજન્ટે આખી સી.ડી. ભરાય એટલા ફોટોગ્રાફસ પાડી લીધા છે. તમારી શંકા સાચી પડી છે. રોજ બપોરના સમયે તમારી રૂપાળી પત્ની બની-ઠનીને એનાં પ્રિયતમને મળવા માટે બહાર નીકળે છે. સૂમસામ બગીચામાં, રેસ્ટોરન્ટના એકાંત ખૂણાઓમાં, સિનેમા હોલના અંધારામાં અને બદનામ હોટલોના બંધ કમરાઓમાં.’
‘બસ! બસ! મારાથી વધારે નહીં સાંભળી શકાય. એ સી.ડી. મારા હાથમાં મૂકો અને જે ખર્ચ થયો હોય તે.’ પરિણય તસવીરોવાળી સી.ડી. લઇને ઓફિસના પગથિયાં ઊતરી ગયો. એ એટલો બધો આવેશમાં હતો કે સીધો જ એના સસરાની ઓફિસમાં પહોંચી ગયો. એના સસરા ભવાનીશંકર શેરબજારના બહુ મોટા ખેલાડી હતા. માલદાર હતા. પરિણયે જતાં વેંત પેલી સી.ડી. સસરાજીના ટેબલ પર ફેંકી, પછી લલકાર કર્યો, ‘જુઓ, તમારી રાજકુંવરીનાં પરાક્રમો!’
ભવાનીશંકરનું લેપટોપ એમની બાજુમાં જ પડેલું હતું. એમણે સી.ડી એની અંદર ભરાવીને ફોટોગ્રાફસ જોવાનું શરૂ કર્યું. એ સાથે જ સસરો-જમાઇ ચોંકી ઊઠયા. ‘અરે! આ શું?’ ભવાનીશંકર રાડ પાડી ઊઠયા, ‘આ તો ભાનુ છે! તમારી સાસુ. મારી ઘરવાળી. એ આવી ચારીત્ર્યહીન છે?! ઓહ્, એણે મને આખી જિંદગી છેતર્યો! હું એને નહીં છોડું. જમાઇરાજ, થેન્ક યુ વેરી મચ. આ પુરાવાઓ લાવી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
આના આધાર પર હું ભાનુમતીથી છુટાછેડા મેળવી શકીશ. એની ટાપટીપ અને ફીગર જાળવી રાખવાના ધખારા જોઇને બધાં એના વખાણ કરતા હતા કે મા અને દીકરી જાણે બહેનો હોય એવી જ લાગે છે! હવે મને ખબર પડી કે એની યુવાનીનાં છોડને કોણ પાણી પાતું હતું! હવે એની ખેર નથી.’ ભવાનીશંકર એમના માથાના વાળ ખેંચી રહ્યા હતા અને પરિણય વિચારી રહ્યો હતો કે આ શું થઇ ગયું! પોતાનું ઘર સાંધવાના પ્રયાસોમાં એ સસરાજીનું ઘર ભાંગી બેઠો! (શીર્ષક પંકિત : ‘કાયમ’ હઝારી)