Friday, November 13, 2009

એક જૂની યાદ ઝીણું ઝળહળી

ભૂમિકા છેલ્લા ઓરડા તરફ દોડી. મામા અને મામી પણ એની પાછળ દોડ્યાં. વર્ષોથી બંધ પડેલા ઓરડામાં બધા સામાન ઉપર ધૂળ જામી ગઇ હતી. ધડાધડ બધું ફેંદીને ભૂમિકાએ રકમડાની મોટી પેટી શોધી કાઢી. પરસેવે રેબઝેબ ભૂમિકા નીચે બેસીને એ પેટી ખોલવા મથી રહી હતી. મામા અને મામી શ્વાસ રોકીને એની સામે તાકી રહ્યાં હતાં. ઝનૂનથી એક પછી એક રમકડાંને બહાર કાઢીને ભૂમિકા બાજુમાં ફેંકતી હતી. અંતે પ્લાસ્ટિકની પંદરેક ઇંચ લાંબી ઢીંગલી એના હાથમાં આવી ત્યારે એની આંખો ચમકી...


એક જૂની યાદ ઝીણું ઝળહળી

ભૂલ નાની ને સજા કેવી મળી?


કેટલાં વર્ષે મોસાળ આવી? અહીં અમે બધા કાયમ યાદ કરીએ પણ ભાણીબહેન તો અમેરિકા જઇને ભણ્યાં અને ત્યાં જ પરણી ગયાં એટલે મામાના ગામડે આવવાનો સમય ક્યાંથી મળે? લગ્નનાં બે વર્ષ પછી મામા-મામીના આશીર્વાદ લેવા પધાર્યાં એ પણ એકલાં... આ કઇ રીતે ચાલે?’


ભાનુમામા ખરા હૃદયના ઉમળકાથી બોલતા હતા. એમની સગી ભાણી ભૂમિકા એમની સામે બેઠી હતી. મામીનું મોં પણ સુખદ આશ્ચર્યથી મલકાતું હતું. હડાળા જેવા નાનકડા ગામમાં મામાનું આ મકાન હવેલી જેવું વિશાળ હતું.


‘મામા-મામી, મારી વાત સાંભળશો?’ ભૂમિકાએ હસીને ખુલાસો કર્યો. ‘એમને કંપનીના કામે બે દિવસ મુંબઇ રોકાવાનું છે. એમણે તો મનેય સાથે રોકાવાનું કહેલું પણ મેં કહી દીધું કે તમે તમારું કામ પતાવીને આવો. હું તો હડાળા પહોંચી જાઉ છું. એ પરમ દિવસે અહીં આવશે.’


ભૂમિકાના અવાજમાં ભીનાશ ઉમેરાઇ. ‘મમ્મી-પપ્પા તો હવે નથી એટલે આખા ઇન્ડિયામાં તમારા ઘર સિવાય પગ મૂકવાનો કોઇ આશરો નથી. આમેય મુસીબતના સમયમાં અમે અહીંયા જ આવેલાને?’


‘એ બધું યાદ નહીં કરવાનું. તારી મમ્મીનો સ્વભાવ લગીર આકરો હતો. મનમાં કોઇ મેલ નહીં, એ છતાં હૈયે હોય એ બધું ધડ દઇને બોલી નાખે. બોલતી વખતે સામા માણસનો વિચાર ના કરે. એમાં ને એમાં મોટા ઘર સાથેના સંબંધો સાવ તોડી નાખેલા. એ વખતે તું તો માંડ ત્રણ વર્ષની હતી. ત્યાં જેઠાણી સાથે ઝઘડો થયો એટલે તને કાખમાં તેડીને તારાં મા-બાપ અહીં આવી ગયેલાં.


તારી નિમુ ભાભુ એટલે કે તારી મમ્મીની જેઠાણી હજી જીવે છે. રંગપુરામાં તમારું મઝિયારું ઘર હતું એ ખંડેર જેવું થઇ ગયું છે. એમાં રહીને દિવસો ટૂંકા કરે છે. છોકરો ને વહુ અમદાવાદ છે. ક્યારેક ક્યારેક પૈસા મોકલે છે એમાંથી નિમુ ઘર ચલાવે છે. મહિના પહેલાં અમે ત્યાં ગયેલાં ત્યારે મને જોઇને રડી પડેલી.


તને ને તારી મમ્મીને પણ બહુ યાદ કરતી હતી. હજુય એના અંતરમાં એક જ પીડા છે. રડી રડીને મને કહેતી હતી કે ખોટું આળ ચઢાવીને મારી દેરાણીએ સંબંધ તોડી નાખ્યા. બહુ ગરીબડી હાલત છે તારા નિમુભાભુની. તબિયત પણ લથડી ગઇ છે. તારી મમ્મીએ એમને ચોર માનેલી એના ડંખથી હજુ પીડાય છે.’


ભૂમિકાએ મામી સામે જોયું. ‘એક્ઝેટ થયેલું શું? મારી મમ્મી અને નિમુભાભી ભયાનક ઝઘડતાં હતાં અને હું રડતી હતી એ ઝાંખું ઝાંખું યાદ છે. બાકી એ દેરાણી-જેઠાણી વચ્ચે શું બનેલું એ કંઇ ખબર નથી’.


‘સ્વર્ગવાસી માણસ માટે ખરાબ ના બોલાય એ છતાં સાચી વાત એ કે તારી મમ્મીનો સ્વભાવ બહુ આકરો અને ઉતાવળો. વગર વિચાર્યે સામા માણસને કોડીનો કરી નાખે. એની જેઠાણી નિમુ એના કરતાં દસ વર્ષ મોટી. ગરીબ ઘરની એટલે આખો દિવસ કામના ઢસરડા કર્યા કરે.


તારી મમ્મીને અમારી ઓથ એટલે એની કેડ બહુ વળે નહીં. તારી મમ્મીએ તો તારો ભાર પણ નિમુ ઉપર નાખી દીધેલો. નિમુ બાપડી હસતાં મોઢે તારાં બાળોતિયાં પણ સાફ કરતી’તી. તારા મામાની તું લાડકી એટલે તારા માટે પેટી ભરાય એટલાં રમકડાં આપેલાં. તું ઘરમાં તારો હજીરો પાથરે અને નિમુ વીણી વીણીને બધું ભેગું કરે.’


ભૂમિકા ઘ્યાનથી સાંભળતી હતી.


‘એમના ઝઘડાની વાતમાં તારી મા જે કહેતી હતી એ સાચું લાગતું હતું પણ તારી નિમુભાભુને ઓળખું એટલે મન હજુ માનતું નથી. એ કજિયાના મૂળમાં જે મુદ્દો હતો એનો ભેદ તો હજુય અકળ છે . દેરાણી અને જેઠાણીમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો ઉપરવાળો જાણે!’


‘સગા બે ભાઇ વચ્ચેના સંબંધ કાયમ માટે કપાઇ જાય એવો ઝઘડો એ દેરાણી-જેઠાણી વચ્ચે કેમ થયેલો?’ ભૂમિકાએ ઉતાવળા અવાજે પૂછ્યું.


‘તારી ભાભુની સ્થિતિ સાવ ગરીબ. દેરાણી હોવા છતાં તારી મમ્મી જેઠાણી જેવો વટ રાખતી હતી. તારી ભાભુ પાસે સમ ખાવા પૂરતી નાકની ચૂની પણ નહીં અને તારા મામા સઘ્ધર એટલે તારી મા દસ તોલાના દાગીના પહેરીને ફરતી હતી. તમારું મઝિયારું ઘર હતું. એક ઓરડામાં તમે લોકો રહેતા હતા અને બીજા ઓરડામાં તારા દાદા અને ભાભુ રહેતાં હતાં. રસોડું ભેગું હતું.


એક દિવસ બાજુના ગામે લગ્નમાં જવાનું હતું. દેરાણી-જેઠાણી તૈયાર થઇને નીકળ્યાં. ભાભુનું ગળું સાવ અડવું હતું એટલે તારી માએ પોતાનો ત્રણ તોલાનો ચેઇન એમને પહેરવા આપ્યો. રાત્રે પાછાં આવ્યાં પછી ઉપાધિનો આરંભ થયો. દેરાણી-જેઠાણી બંનેએ દાગીના ઉતારીને ઘરમાં ખાટલા ઉપર મૂક્યા હતા.


બીજા દિવસે સવારે તારી માએ રડારોળ કરી મૂકી. નિમુભાભુને જે ચેઇન પહેરવા આપેલી એ ગુમ થઇ ગઇ હતી! તારી માએ તો સીધી તલવાર ખેંચી અને જેઠાણીને કહી દીધું કે તમે જ મારી ચેઇન ચોરી લીધી. આખું ફળિયું ભેગું થઇ ગયું. તારી મા ભયાનક ગુસ્સામાં હતી.


એની જીભ એક સેકન્ડ માટે પણ અટકતી નહોતી અને સામે નિમુભાભુ ધ્રુસકે ધ્રુસકે રડે. તારી માના પગ પકડીને એ કરગરી કે ગરીબ છું પણ ચોર નથી. એની એકેય દલીલ સાંભળવા તારી મા તૈયાર નહોતી.


નિમુભાભુનો વર ખાસ કંઇ કમાતો નહોતો ને તારા બાપ પાસે ધંધાની આવડત હતી. તારા બાપે પણ તારી માની વાત સ્વીકારી લીધી. હવે મરીશું ત્યાં સુધી તમારું મોઢું નહીં જોઇએ એમ કહીને એ બંને તને લઇને અહીં આવી ગયાં. બે મહિના અહીં રહ્યાં પછી અમદાવાદમાં નાનકડી રૂમ ભાડે રાખી.


અડધો સામાન અહીં રાખીને તારા બાપે અમદાવાદમાં ધંધો શરૂ કર્યો. એ જ વખતે એમના એક ભાઇબંધે પંચગીનીમાં નવી સ્કૂલ શરૂ કરેલી એટલે તારા બાપે તને ત્યાં ધકેલી દીધી અને મહેનત કરીને ધંધો જમાવ્યો.’ ‘એક મિનિટ.’ વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ ભૂમિકા ઊભી થઇ ગઇ. ‘અમારો જે સામાન અહીં પડ્યો હતો એ હજુ છે?’


ભૂમિકાનો નમણો ચહેરો તંગ બની ગયો હતો અને પાતળાં નસકોરાં ફૂલી ગયાં હતાં. ‘મામી, એ સામાનમાં રમકડાંની ભરેલી મારી પેટી પણ હતી. એ બધું હજુ છે?’ ભૂમિકાનું આ રૂપ જોઇને મામીનું મગજ ચકરાઇ ગયું. અચાનક આ છોકરીને શું થઇ ગયું?


એમણે ઊભાં થઇને ભૂમિકાના ખભે હાથ મૂકયો. ‘છેલ્લા ઓરડામાં બધું અકબંધ પડ્યું છે, પણ તને થયું છે શું?’


એમને કંઇ જવાબ આપ્યા વગર ભૂમિકા છેલ્લા ઓરડા તરફ દોડી. મામા અને મામી પણ એની પાછળ દોડ્યાં. વર્ષોથી બંધ પડેલા ઓરડામાં બધા સામાન ઉપર ધૂળ જામી ગઇ હતી. ધડાધડ બધું ફેંદીને ભૂમિકાએ રકમડાની મોટી પેટી શોધી કાઢી.


પરસેવે રેબઝેબ ભૂમિકા નીચે બેસીને એ પેટી ખોલવા મથી રહી હતી. મામા અને મામી શ્વાસ રોકીને એની સામે તાકી રહ્યાં હતાં.


ઝનૂનથી એક પછી એક રમકડાંને બહાર કાઢીને ભૂમિકા બાજુમાં ફેંકતી હતી. અંતે પ્લાસ્ટિકની પંદરેક ઇંચ લાંબી ઢીંગલી એના હાથમાં આવી ત્યારે એની આંખો ચમકી. ગુલાબી ફ્રોક પહેરેલી એ ઢીંગલીને ભૂમિકાએ બે પગ વચ્ચે દબાવી રાખી અને જોર કરીને એ ઢીંગલીનું માથું ખેંચ્યું.


આખી ગરદન સહિત માથું બહાર આવી ગયું. ભૂમિકાએ ઢીંગલીનું ધડ ઊધું કરીને ખંખેર્યું અને એમાંથી સોનાની ચેઇન સરકીને નીચે પડી!


બીજી જ સેકન્ડે ભૂમિકાએ ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કર્યું. મામા-મામી હવે સ્તબ્ધ હતાં. ‘મારી આ ઢીંગલીને હું કાયમ શણગારતી...’ ધ્રૂજતા અવાજે ભૂમિકા બબડતી હતી. ‘એ દિવસે ઢીંગલીને પહેરાવવા માટે આ હાર લીધેલો પણ એને બહુ મોટો પડતો હતો.


હું આ બધું કરતી હતી એ વખતે પાડોશીની ઢબુ આવી ગઇ. એ જાડીપાડી ઢબુને ખબર ના પડે એટલે મેં ઢીંગલીનું માથું ખોલીને આ હાર એમાં સંતાડી દીધેલો- એ પછી હું અને ઢબુ ફળિયામાં રમવા પહોંચી ગયેલાં અને હુંય આ હારની વાત ભૂલી ગયેલી!’


ભૂમિકા હજુ રડતી હતી. ‘અરેરે... મારી નાનકડી ભૂલમાં કેવું મોટું મહાભારત થઇ ગયું! મામા, મારે અત્યારે જ રંગપુર જવું છે અને નિમુભાભુની માફી માગવી છે. મારી મૂર્ખામીથી એમને કેટલી તકલીફ પડી. એમને મળીને માફી નહીં માગું ત્યાં સુધી મને કંઇ નહીં સૂઝે...’


ગામમાં મામાના મિત્રનો દીકરો હતો એની કારમાં ત્રણેય ગોઠવાયાં. ભૂમિકા હજુ સ્વસ્થ નહોતી થઇ. એ તૂટક તૂટક બબડતી હતી. ‘એ વખતે અહીં આવ્યાં અને પછી અમદાવાદની રૂમમાં રહ્યાં અને એ પછી પપ્પાએ ભણવા માટે પંચગીની મોકલી દીધી એ સમયે આ વાત મગજમાંથી સાવ વિસરાઇ ગઇ હતી. આજે તમે કહ્યું કે તરત એ ઢીંગલી યાદ આવી ગઇ. મામા, મામી બહુ મોટું પાપ થઇ ગયું મારાથી.’


ટેક્સી આગળ વધતી હતી. રંગપુરની ધૂળિયા શેરીઓ વીંધીને કાર નિમુભાભુના ઘર પાસે પહોંચી ત્યારે ઘરની બહાર આખું ટોળું ઊભું હતું. મામા-મામીની સાથે ભૂમિકા કારમાંથી બહાર નીકળી.


‘તમને કોણે સમાચાર આપ્યા ભાનુભાઇ?’ ટોળામાંથી એક માણસે આગળ આવીને મામાને પૂછ્યું. ‘હજુ દસ મિનિટ પહેલાં જ અહીંથી રાજુને મોટરસાઇકલ લઇને તમને સમાચાર આપવા મોકલ્યો. સવારથી નિમુબહેનની તબિયત લથડી ગઇ હતી. હજુ પંદર મિનિટ પહેલાં જ એમણે દેહ મૂક્યો!


બહુ રિબાતી હતી બાપડી... છૂટી ગઇ!’ ભૂમિકા ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.


(શીર્ષક પંક્તિ: લેખક)