Monday, April 6, 2009

થોડું હસી લો….!

[1] મુંબઈની લોકલ ટ્રેનનો એક અનુભવ
મુંબઈના આ માનવ-મહેરામણમાં જો ગામડાની કોઈ અહીંના ધમાલિયા જીવનથી તદ્દન અજાણ અને બિનઅનુભવી વ્યક્તિ આવી ચડે તો તેણે અનેક હાડમારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા જ એક તાજા અનુભવમાં બિચારા એક યુવાનને લોકલ રેલગાડીમાં મુસાફરી કરતા મુંબઈગરાઓના વધુ પડતા ઉત્સાહી અને મદદરૂપ થવાના સ્વભાવનો ભોગ બનવું પડ્યું. આપણો આ હીરો, પુણેનો એક યુવાન, માટુંગા જવા માટે મુંબઈ લોકલ પકડે તો છે, પણ જેમ ટ્રેન અને નસીબનું હંમેશા બનતું હોય છે તેમ જ ભૂલથી એ ટ્રેન ફાસ્ટ નીકળે છે અને તે માટુંગા સ્ટેશને ઊભી રહેતી નથી. આપણો હીરો તેને પોતાની ભૂલ સમજાતાં બેબાકળો બની જાય છે. પણ ટ્રેન તો ચાલુ થઈ ગઈ હોય છે એટલે તે મૂંઝાઈ જાય છે.
તેની દશા જોઈને એક દયાળુ સહમુસાફરે તેને મદદ કરવાનું નક્કી કર્યું. તે મુસાફર છેલ્લાં છ વર્ષથી આ જ ટ્રેનમાં મુસાફરી કરતો હતો તેથી તેને જાણ હતી કે રોજ એ ટ્રેનની ગતિ માટુંગા સ્ટેશન આવતાં અતિશય ધીમી પડી જતી. આથી પોતાના એ સ્વાનુભવ અને નિરીક્ષણ મુજબ તેણે આપણા હીરોને ગાડી માટુંગા પાસે આવે કે તરત ચાલુ ટ્રેને ઊતરી જવા કહ્યું. તેણે પાછી એમ પણ સલાહ આપી કે ચાલુ ટ્રેનમાંથી ભુસ્કો માર્યા બાદ તેણે એકદમ ઊભા ન રહી જવું અને ટ્રેન સાથે જ તેની ગતિની દિશામાં જ થોડું દોડ્યા પછી અટકવું.
જેવું માટુંગા સ્ટેશન આવ્યું કે ખરેખર ટ્રેનની ગતિ ધીમી પડી અને આપણા હીરોએ પેલા મદદગાર મુસાફરની સલાહ મુજબ ચાલુ ગાડીમાંથી ભુસ્કો માર્યો પણ ખરો, ફક્ત ભૂલ એણે એટલી કરી કે ટ્રેનથી થોડે અળગા થઈ દોડવાની જગ્યાએ એણે ટ્રેનની લગોલગ જ દોડ્યા કર્યું. હવે બન્યું એમ કે આપણો હીરો દોડતાં દોડતાં આગળના ડબ્બા સુધી પહોંચી ગયો અને એ ડબ્બાનાં મુસાફરોએ તેને આટલી બધી મહેનત કરતો જોઈ ધારી લીધું કે તેને ટ્રેન પકડવી છે ! આથી એમણે તેને બાવડું ઝાલી ડબ્બામાં અંદર ખેંચી લીધો. તેના બદનસીબે તરત ગાડીએ ઝડપ પકડી લીધી અને માટુંગા પસાર થઈ ગયું. એ નવા ડબ્બાના મુસાફરોએ તો તેને ગાડીમાં સફળતાપૂર્વક ચડી જવા બદલ અભિનંદન પાઠવ્યા. ત્યારે તેણે એ બધાને જણાવ્યું કે કઈ રીતે એ બધાએ તો ઊલટું તેની બધી મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું !
તેના પાછળ ડબ્બાવાળા મુસાફરો, જેમણે આ બધો ‘ડ્રામા’ જોયો તેઓ હસી હસીને બેવડ વળી ગયા જ્યારે આપણો હીરો દાંત કચકચાવતો રહી ગયો !!!.


[2] ચતુરાઈભર્યો જવાબ
એક વાર એક મિકેનિકે તેની ગાડી રિપેર કરવાની દુકાનમાં એક બગડેલી ગાડીમાંથી તેના એન્જિનનું સિલિન્ડર બહાર કાઢી રહ્યો હતો. ત્યાં તેની નજર તેના શહેરના ખ્યાતનામ હૃદયના ડૉક્ટર પર પડી જે તેની દુકાનમાં પોતાની ગાડી સમી કરાવવા આવ્યા હતા. તેઓ સર્વિસ મેનેજરની રાહ જોઈ રહ્યા હતા જે તેમની ગાડીમાં શું ખરાબી છે તે ચકાસવાનો હતો.
મિકેનિકે મોટેથી બૂમ પાડી કહ્યું : ‘અરે, ડૉક્ટર સાહેબ, જરા અહીં આવશો ?’ પ્રખ્યાત ડૉક્ટર, આશ્ચર્ય સાથે, મિકેનિક પાસે ગયા. મિકેનિક સમી કરી રહેલ ગાડીથી અળગો થઈ એક કપડાના ગાભાથી હાથ લૂછતાં લૂછતાં બોલ્યો :‘જુઓ, ડૉક્ટર સાહેબ, હું પણ (બગડેલી ગાડીઓનાં) હૃદય ખોલું છું, વાલ્વ કાઢી નાખું છું, તેમની મરમ્મત કરું છું. નવા ભાગ ફરી પાછા બેસાડું છું અને મારું કામ પત્યા પછી (ગાડીને) નવું સ્વરૂપ, નવું જીવન મળે છે. તો પછી આપણા કામ વચ્ચે આટલી બધી સમાનતા હોવા છતાં તમને આટલા બધા રૂપિયા શી રીતે મળે છે ?!’
ડૉક્ટર ફક્ત થોડું ઝૂક્યા અને બોલ્યા : ‘આ બધું તું (ગાડીના) ચાલુ એન્જિને કરવાનો પ્રયત્ન કરી જોજે ક્યારેક !’.


[3] થોડું હસી લો….! (કાલ્પનિક પ્રસંગ)
માઈક્રોસોફટ યુરોપ માટે નવા વડાની નિમણૂક કરવા માટે બિલ ગેટ્સે એક મોટા પસંદગી-કાર્યક્રમનું આયોજન કર્યું. 5000 ઉમેદવારો એક મોટા ખંડમાં ભેગા થયા. તેમાંના એક હતા આપણા કાંતિભાઈ શાહ.
બિલગેટ્સ : ‘તમારા સૌનો આવવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે અહીં ફક્ત જેને જાવા પ્રોગ્રામિંગનું જ્ઞાન હોય તે જ લોકો બેસે. બાકીના જઈ શકે છે.’ 2000 લોકો ચાલ્યા જાય છે. કાંતિભાઈ વિચારે છે મને જાવા નથી આવડતું પણ જો હું અહીં બેસી રહું તો મને કંઈ નુકશાન થશે નહિ. જોઈએ તો ખરા શું થાય છે ?
બિલગેટ્સ : ‘હવે એવા લોકો જેમને ક્યારેય 100થી વધુ લોકોને સંભાળવાનો અનુભવ નથી તે આ ખંડ છોડી શકે છે.’ બીજા 2000 લોકો ચાલ્યા જાય છે. કાંતિભાઈ વિચારે છે મને કોઈ માણસ સંભાળવાનો બિલકુલ અનુભવ નથી પણ જો હું અહીં બેસી રહું તો મને કંઈ નુકશાન થશે નહિ. જોઈએ તો ખરા શું થાય છે ?
બિલગેટ્સ ; હવે એવા લોકો જેમની પાસે મેનેજમેન્ટની પદવી નથી તે આ ખંડ છોડી શકે છે. 500 જણ ખંડ છોડી ચાલ્યા જાય છે. કાંતિભાઈ વિચારે છે મારી પાસે સ્નાતક સુધીની જ પદવી છે પણ જો હું અહીં બેસી રહું તો મને કંઈ નુકશાન થશે નહિ. જોઈએ તો ખરા શું થાય છે ?
છેવટે બિલગેટ્સ કહે છે : હવે જે લોકો સેર્બો-ક્રેટ ભાષા ન જાણતા હોય તે આ ખંડ છોડી જઈ શકે છે. 498 લોકો ખંડ છોડી ચાલ્યા જાય છે. કાંતિભાઈ વિચારે છે મને સેર્બો-ક્રેટ ભાષાનો એક પણ શબ્દ આવડતો નથી છતાં આટલું બેઠો છું તો હવે અહીં જ બેસી રહેવા દે. જે થાય તે જોઈ લેવાશે. હવે ખંડમાં ફક્ત બિલગેટ્સ અને બીજા બે જણ બાકી રહે છે જેમાંના એક છે આપણા કાંતિભાઈ.બિલગેટ્સ કહે છે ; ‘તો ફક્ત તમે બે જણ છો જે સેર્બો-ક્રેટ ભાષા જાણો છો. તો હવે તમે મને એ ભાષામાં વાતચીત કરી સંભળાવશો ?’શાંતિથી કાંતિભાઈ બીજા ઉમેદવાર તરફ ફરીને બોલે છે : ‘કેમ છો ?’ (!!!)તરત બીજો ઉમેદવાર જવાબ આપે છે : ‘મજામાં….’ (!!!).


[4] એક સંવાદ…
પત્ની : ‘હું મરી જાઉં ત્યાર બાદ તમે શું કરશો ? શું તમે બીજું લગ્ન કરશો ?’પતિ : ‘ના રે ના…’પત્ની : ‘શા માટે નહિ ? શું તમને પરણવું નથી ગમતું ?’પતિ : ‘એવું નથી, લગ્ન તો મને ગમે છે.’પત્ની : ‘તો પછી તમે શા માટે બીજું લગ્ન કરવા નથી ઈચ્છતા ?’પતિ : ‘એમ ? તો હું બીજું લગ્ન કરી લઈશ’ (!!)પત્ની : (દુ:ખના હાવભાવ સાથે) ‘શું ?’પતિ : (સંભળાય તે રીતે કંટાળાભર્યો ખોંખારો ખાય છે.)પત્ની : ‘શું તમે ‘પેલી’ સાથે આ જ ઘરમાં રહેશો ?’પતિ : ‘ચોક્કસ ! આ ઘર કેટલું બધું સુંદર છે !’પત્ની : ‘શું તમે એને ફરવા પણ લઈ જશો ?’પતિ : ‘હા !’પત્ની : ‘આપણી નવી ગાડીમાં ?’પતિ : ‘બેશક એમાં જ લઈ જઈશ.’પત્ની : ‘શું તમે મારી બધી જ તસ્વીરો પણ તમારી એ ‘સગલી’ની તસ્વીરો સાથે બદલી નાંખશો ?’પતિ : ‘એમ કરવું જ યોગ્ય રહેશે !’પત્ની : ‘શું તમે તેને મારા ગોલ્ફ રમવાની પ્રિય લાકડીને પણ અડવા દેશો ?’પતિ : ‘ના…. તેને ગોલ્ફ રમવું જરાય નથી ગમતું…’પત્ની : …..(લાંબી ચુપકીદી)….પતિ : ‘હે ભગવાન !’ (આ મારાથી શું બફાઈ ગયું !)
સાર : પત્નીની ગોળ ગોળ વાતોમાં ના આવશો ! નહિતર ફસાઈ જશો !!.


[5] પૈસા…. પૈસા….. પૈસા…..
પૈસા મકાન ખરીદી શકે છે, ઘર નહિ….પૈસા ખાટલો ખરીદી શકે છે, ઊંઘ નહિ…પૈસા ઘડિયાળ ખરીદી શકે છે, સમય નહિ…પૈસા પુસ્તક ખરીદી શકે છે, જ્ઞાન નહિ…પૈસા હોદ્દો ખરીદી શકે છે, સમ્માન નહિ…પૈસા દવા ખરીદી શકે છે, આરોગ્ય નહિ….પૈસા લોહી ખરીદી શકે છે, જીવન નહિ….
પૈસો સર્વસ્વ નથી. ઊલટું એ ક્યારેક પીડા અને દુ:ખનું કારણ બની રહે છે. હું તમને આ જણાવી રહ્યો છું, કારણ કે હું તમારો મિત્ર છું, શુભચિંતક છું અને મારે તમારાં દુ:ખ અને પીડા હરી લેવાં છે. તો હવે તમારા બધા પૈસા મને મોકલી આપો જોઈએ. હું તમારાં દુ:ખ અને પીડા ભોગવી લઈશ (!) રોકડમાં મોકલાવજો… ઓકે ?.