સુકેતુ પહોંચ્યો ત્યારે બસ ઊભી હતી. છેલ્લેથી બીજી સીટ પર એ આરામથી બારી પાસે ગોઠવાઈ ગયો. ‘હજુ અત્યારે બસ ઊપડી..’ પાંત્રીસ વર્ષના સુકેતુએ મોબાઈલ કાઢીને શ્રીમતીજીને જણાવ્યું. ‘રાજપુર પહોંચતા અઢી કલાક થશે. સીધો બટુકના ધેર જઈશ. એના ભાઈ-ભાભીને સમજાવીશ કે પંકજભાઈની ટ્રિટમેન્ટથી ફેર પડશે. એ લોકો સંમતિ આપે તો સવારે એમ્બ્યુલન્સમાં બટુકને સાથે લઈને આવીશ. પંકજભાઈની હોસ્પિટલમાં એડમિટ કરાવી દઈશ... જે હશે એ સવારે ફોન કરીશ..’
પાલડી બસ સ્ટેન્ડે બસ ઊભી રહી. ખાસ્સા ઉતારુંઓ ચઢયા. ‘અહીં કોઈ આવવાનું છે?’ સુકેતુએ બ્રીફકેસ ઉઠાવીને છાજલી પર મૂકી અને પ્રશ્ન પૂછનાર સામે જોયું. ચૌદ-પંદર વર્ષનો કિશોર એકદમ થાકેલો લાગતો હતો. સુકેતુ સહેજ બારી તરફ ખસ્યો એટલે એ છોકરો ત્યાં બેસી ગયો. એના ઘઉવણાર્ ચહેરા પર પરસેવાની સાથે હવે હાશકારાની લાગણી ચમકતી હતી. એની પાસે સામાનમાં માત્ર એક થેલી હતી. સુતરાઉ કાપડની એ થેલીની સાઈઝ એકદમ વિશાળ હતી. એની અંદર જાડા પૂંઠા કે ફાઈલ જેવું કંઇક હતું. પગ વચ્ચે થેલીને દબાવીને એ છોકરાએ બે હાથથી એને બહુ કાળજીપૂર્વક પકડી રાખી હતી.
બસ સડસડાટ આગળ વધતી હતી. સુકેતુએ આંખો બંધ કરી. તંદ્રાવસ્થામાં પણ એની આંખ સામે બટુકનો ચહેરો તરવરતો હતો. એ ભોળિયા મિત્રની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ અને પોતાને કંઇ ખબર પણ નહોતી! એને પોતાની જાત ઉપર શરમ આવતી હતી. પોતે ક્યારેય એની દશા જાણવાનો પણ પ્રયત્ન નહોતો કર્યોએ બહુ મોટી ભૂલ કરી હતી એનો અત્યારે પસ્તાવો થતો હતો. બટુકે પોતાના માટે શું નહોતું કર્યું? કોઈ મિત્ર ના કરે એવી મદદ એણે કરી હતી.
બટુકની તુલનામાં પોતે બહુ વામણો પુરવાર થયો હોય એવી ગુનાઈત લાગણી ડંખતી હતી દયમાં...બસ આગળ વધતી હતી અને સુકેતુ ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ ગયો હતો. એ અને બટુક સરખી ઉમરના બંનેના ઘર પણ નજીક નજીક. બટુકના બાપા દરજીકામ કરે. દુકાન ધમધોકાર ચાલે. બટુકનો મોટોભાઈ બટુકથી છ-સાત વર્ષ મોટો. આઠમું ધોરણ પાસ થઈને એ બાપાની જોડે સંચે બેસી ગયેલો.
‘ભણવાનું તો મનેય નથી ગમતું પણ જો છોડી દઉ તો બાપા દુકાને બેસાડી દે...’ બટુક નાનપણથી જ દિવાસ્વપ્નોમાં ખોવાયેલો રહેતો. તળાવની પાળ પર બેઠા હોય ત્યારે એ સુકેતુને કહેતો. ‘મરી જઈશ તો પણ દરજીકામ નથી કરવું. બીજો કંઇક નાનોમોટો ધંધો શોધી કાઢીશ..’
સુકેતુથી ચાર વર્ષ મોટી એક બહેન અને બાપાનો સ્વભાવ તીખા મરચાં જેવો. બાપાની બીકથી બંને ભાઈ-બહેન ફફડે. સ્કૂલમાં એ ગણિત ભણાવતા હતા. આખી હાઇસ્કૂલના બધા છોકરાંઓ એમનાથી બીવે. માંડ માંડ મેટ્રિક થયા પછી બટુકે આગળ ભણવાનું માંડી વાળ્યું, ઈચ્છા હોય તો દુકાને ગાજ-બટન કરે બાકી આખા ગામમાં રખડ્યાં કરે. સુકેતુ સાથેની એની દોસ્તી અકબંધ. રોજ એકવાર તો મળવા આવે જ.
સુકેતુ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મોટી બહેનનાં લગ્નનું નક્કી થયું. બાપાએ આખી જિંદગીમાં બચાવી બચાવીને જે પંદર-વીસ હજાર ભેગાં કર્યા હતા તેમાંથી જ આ આખો અવસર ઉકેલવાનો હતો. સોનું તો બા પાસે હતું એમાંથી જ આપવાનું હતું એટલે એ જમાનામાં નાના ગામમાં લગ્ન માટે આટલી રકમ પૂરતી હતી.
‘સુકા, અહીં આવ..’ સવારના પહોરમાં બાપાએ ત્રાડ પાડી એટલે સુકેતુની ઊઘ ઊડી ગઈ. એ દોડીને બાપા પાસે ગયો. ‘ઘ્યાનથી સાંભળ’ બાપાએ એને સૂચના આપી. ‘આઠની એસ.ટી.માં મારે ભાવનગર જવાનું છે. આજે સોમવાર થયો. હું ગુરુવારે રાત્રે આવીશ. શુક્રવારથી લગ્નની ખરીદી શરૂ કરવાની છે..’ બાપાએ સહી કરેલો ચેક સુકેતુના હાથમાં આપ્યો.’ અગિયાર વાગ્યે બેંક ઊઘડે એટલે આ ચેક લઈને જજે. પૂરા પંદર હજાર બે વાર ગણીને લેજે અને સીધો ધેર આવજે. અંદરના કબાટમાં પૈસા મૂકી દેજે...’
એસ.ટી.સ્ટેન્ડની સામે લાઈનસર બધી દુકાનો વચ્ચે બેંકનું મકાન હતું. સાડા અગિયાર વાગ્યે સાઈકલ લઈને સુકેતુ બહાર નીકળ્યો. બેંકમાં જઈને ચેક આપ્યો. સો રૂપિયાનું નોટનું એક બંડલ અને પચાસ રૂપિયાની નોટનું બીજું બંડલ-બધી નોટો કડકડતી હતી. કપડાંની થેલીમાં કાળજીપૂર્વક બંને બંડલ મૂકીને થેલીને સાઈકલના ગવર્નર ઉપર ભરાવીને એ બેન્કના કમ્પાઉન્ડમાંથી બહાર રોડ પર આવ્યો.
અચાનક એ ચમક્યો. બુશર્ટની ઉપર સંડાસ જેવું કંઇક ગંધાતું ચોંટ્યું હોય એવું એને લાગ્યું. ‘એ સાહેબ! ઊભા રો...’
દૂબળા-પાતળા અને શામળા ત્રણ ટેણિયાંઓ એની સાઇકલ પાસે ઊભા રહી ગયા હતા.’ બુશર્ટની પાછળ પણ બહુ બગડ્યું છે.’ એક ટેણિયો દોડીને રોડ પરની કીટલી પરથી બોટલમાં પાણી ભરી લાવ્યો. ‘બુશર્ટ કાઢી નાખો...’ બીજાએ કહ્યું અને સુકેતુએ બુશર્ટ કાઢીને એને આપ્યો. પેલાએ પાણીથી બુશર્ટ સાફ કરી નાખ્યો. એ દરમિયાન સુકેતુનું ઘ્યાન સાઈકલ પરની થેલી ઉપર હતું પરંતુ એણે બુશર્ટ કાઢ્યો એટલી વારમાં કરામત થઈ ગઈ હતી એનો એને ખ્યાલ નહોતો. બુશર્ટ પહેરીને એણે સાઈકલ મારી મૂકી.
બટુક એની દુકાનના ઓટલા પાસે ઊભો ઊભો તમાકું મસળી રહ્યો હતો. ‘સુકા...’ એણે બૂમ પાડી એટલે સુકેતુએ એની પાસે જઈને સાઇકલ ઊભી રાખી. ‘બુશર્ટ કેમ ભીનો છે?’ બટુકે પૂછ્યું. ‘બેંકમાંથી પૈસા ઉપાડીને આવતો હતો.’ એ હજુ આટલું બોલ્યો કે તરત બટુકે કહ્યું. ‘મૂંડી નાખ્યો તને.. પૈસા ચેક કર..’ એ એવી રીતે બોલ્યો કે તરત સુકેતુએ ધ્રુજતા હાથે થેલીમાં હાથ નાખ્યો. નોટોની થપ્પી હોય એ રીતે છાપાંના કાગળ કાપીને મૂકવામાં આવ્યા હતાં!
સુકેતુ થીજી ગયો. બટુકે સાઈકલ સંભાળી અને સુકેતુ પાછળ બેસી ગયો. જોર જોરથી પેડલ મારી બટુક એસ.ટી.સ્ટેન્ડ તરફ સાઈકલને ભગાવી રહ્યો હતો. ‘તું ધેર બેસીને ભણ્યા કરે એટલે આવી વાતની તને ખબર ના હોય. આ મહિનામાં આવો આ ત્રીજો કિસ્સો બન્યો. બસ સ્ટેન્ડમાં ઊભેલી બધી બસો ચેક કરી પછી બટુકે કહ્યું. ‘હવે કોઈ કાળે પૈસા પાછા ના આવે. હાઇવે પરથી ખટારો પકડીને એ મવાલીઓ ભાગી ગયા હશે.’
એ બોલતો હતો ત્યારે સુકેતુ રીતસર રડી પડયો. ‘મોટીના લગન છે. બાપા મારી નાખશે મને...બટુકા, આપઘાત સિવાય કોઈ રસ્તો નથી..’ બટુક એનો હાથ પકડીને ચાની કીટલી પર લઈ ગયો. ‘તારા બાપા ગુરુવારે આવવાના છે ને?’ સહેજ વિચારીને બટુકે પૂછ્યું. સુકેતુએ માથું હલાવીને હા પાડી. ‘તું બેફિકર રહે. તારું કામ પતી જશે.’ સહેજ વિચારીને બટુકે સુકેતુનો જમણો હાથ પકડીને પોતાના ગળા પર મુકાવ્યો. ‘તને આખી દુનિયામાં વહાલામાં વહાલી વસ્તુના સોગન છે.
કાલે કે પરમ દિવસે પૈસાની વ્યવસ્થા કરી આપીશ. આ વાત આપણે જીવીએ ત્યાં સુધી કોઈને કહેવાની નહીં. એ શરત કબૂલ હોય તો પૈસા આપીશ. આપણી દોસ્તીના સોગન આપીને કહું છું કે આપણા બંને વચ્ચે પણ આની ચર્ચા નહીં કરવાની. કબૂલ? ‘સાક્ષાત્ પરમેશ્વર જાણે સામે ઊભા હોય એમ સુકેતુ બટુક સામે તાકી રહ્યો. બુધવારે બપોરે બટુક પૈસા આપી ગયો.
બહેનના લગ્ન પછીના વર્ષે માતા-પિતા બંને એકસાથે માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા હતાં. એ વખતે પણ બટુક સતત પડખે ઊભો રહ્યો હતો. એ પછી પોતાને અમદાવાદ નોકરી મળી. એ જ વર્ષે લગ્ન કર્યા અને ટ્રાન્સફર અને પ્રમોશનના ચક્કરમાં ગામમાં આવવાનું કયારેય ના બન્યું. પતિ-પત્ની બંનેની નોકરી એટલે બહુ મોટી તકલીફ હતી. બટુકની બા અવસાન પામ્યા ત્યારે એ એકલો આવેલો.
એના અઠવાડિયા પછી એવા ઊડતા સમાચાર મળ્યા હતા કે બટુકની બા જીવતા હતા ત્યારે એમની પાસે પાંચ તોલાની ચાર બંગડીઓ હતી એ ક્યાંક ગુમ થઈ ગઈ હતી એ વાતની ખબર એમના અવસાન પછી પડી. મોટાભાઈ અને ભાભીએ ચીસો પાડીને કહ્યું કે આ સોનું બટુકડો ચોરી ગયો છે! પોતાને મુશ્કેલીમાંથી ઉગારવા માટે બટુકે પંદર હજારની વ્યવસ્થા કઈ રીતે કરી હતી એનો તાળો એ વખતે સુકેતુને મળ્યો!
છેલ્લે બટુક ચારેક વર્ષ અગાઉ ધોળકામાં એક મિત્રની જનોઈમાં આવ્યો હતો. ‘બાપા ઉપર જતા રહ્યાં. દુકાન મોટાભાઈ સંભાળે છે. હું એકલો ફક્કડ રામ છું.. આંટાફેરા ને આશીર્વાદ સિવાય કોઈ પ્રવૃત્તિ નથી.‘એણે હસીને કહ્યું હતું. સુકેતુએ પેલા પંદર હજાર પાછા આપવાની વાત કહી ત્યારે એની કમાન છટકેલી. ‘સુકા, શરત ભૂલી ગયો? બાની બંગડી આમેય પડી જ રહેતી’તી. બાકીના બધા દાગીના ભાભીએ લઈ લીધા. હું તો એકલો છું. મારા ભાગનો વહીવટ મેં એ વખતે ચોરી કરીને પતાવી દીધેલો એટલે કંઇ હરખ-શોક નથી.’
ગયા અઠવાડિયે ગામનો નટુ ટપાલી સ્ટેશન પર મળી ગયો હતો. એ મુંબઈ જઈ રહ્યો હતો. સુકેતુએ એને બટુક વિશે પૂછ્યું અને એણે જે કહ્યું એ સાંભળ્યાં પછી સુકેતુ હચમચી ઊઠ્યો હતો. ‘બટુકો તો મરવા પડયો છે.’ નટુએ માહિતી આપી. ‘દુકાન અને ઘર બધું મોટાભાઈએ પચાવી પાડ્યું છે. ધાબા ઉપર નાનકડી ઓરડીમાં બટુકો પડ્યો રહે છે. વાંઢો છે અને ભાભી કૂતરાંને રોટલાં નીરતી હોય એ રીતે ખાવા આપે છે. અપમાન, હતાશા ભૂલવા માટે ગુટકાને રવાડે ચડી ગયેલો, એવો બંધાણી થઈ ગયેલો કે ખોરાકને બદલે ચોવીસેય કલાક ગુટકા ખાધા કરે!
ગુટકાના પૈસા માટે ઘરમાંથી તાંબા-પિત્તળના વાસણ ભંગારમાં વેચતા પકડાયેલો ત્યારે ભાઈ-ભાભીએ ઝૂડી નાખેલો! છેલ્લા દોઢ મહિનાથી તો બહુ રિબાય છે. સરકારી દવાખાનાવાળાએ કહી દીધું કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે. કોણ દવા કરાવે ને કોણ ચાકરી કરે?’ ખળભળી ઊઠેલા સુકેતુએ ડોક્ટર પંકજભાઈનો સંપર્ક સાઘ્યો હતો. કેન્સર હોસ્પિટલમાં રાહત દરે સારવાર કરાવી આપવાનું એમણે વચન આપ્યું. એ પછી બટુકે આપેલા સોગન તોડીને સુકેતુએ શ્રીમતીજીને આખી વાત કહી.
એણે સંમતિ આપી અને રજાનો મેળ પડ્યો એટલે આજે સુકેતુ બટુકને લેવા જઈ રહ્યો હતો. રાજપુર બસ ઊભી રહી ત્યારે સુકેતુની પાસે બેઠેલો છોકરો કાળજીપૂર્વક થેલી પકડીને ઊતરવા માટે આગળ વધી રહ્યો હતો. સુકેતુ એની પાછળ હતો. બે હાથમાં બે મોટી સુટકેસ લઈને એક જાડિયો માણસ વચ્ચેની સીટમાંથી ઊભો થઈને એ બંનેની વચ્ચે ધુસ્યો અને ઝડપથી આગળ વધીને નીચે ઊતરવાની લહાયમાં એના હાથમાંથી મોટી સૂટકેસ એ છોકરા સાથે એ રીતે અથડાઈ કે બસના પગથિયાં પરથી એ ગબડ્યો અને એના હાથમાંથી થેલી છૂટી ગઈ. ખિંડગ દઈને કાચ ફૂટવાનો અવાજ આવ્યો.
તરત ઊભા થઈને એ છોકરાએ ઝનૂનથી પેલા જાડિયાની ગરદન પકડી.. બીજા મુસાફરો વચ્ચે પડયા. એ દરમિયાન સુકેતુએ એ છોકરાની થેલી ઉપાડીને એના હાથમાં આપી. ‘છેક અમદાવાદથી જીવની જેમ સાચવીને આ ફોટો લાવ્યો તો અને આ નાલાયકે એનો કાચ ફોડી નાખ્યો!’ રડમસ અવાજે એ છોકરાએ થેલીમાંથી કાચ ફૂટેલી ફ્રેમ બહાર કાઢી. ૧૮ ઘરના ફોટામાં બટુકનો હસતો ચહેરો જોઈને સુકેતુ ચોંકી ઊઠયો!
છોકરાના હાથમાંથી ફ્રેમ આંચકી લઈ સુકેતુ બોલ્યો, ‘આ ફોટો તો...’
‘મારા કાકાનો... બટુકકાકાનો.. ગઈ કાલે ગુજરી ગયા અને આવતી કાલે બેસણું છે. અહીંના કોઈ સ્ટુડિયોવાળા આટલો મોટો અરજન્ટ ના કરી આપે એટલે સવારે અમદાવાદ જઈને ઊભા ઊભા કરાવીને લાવ્યો તોય મહેનત માથે પડી.. કાચ ફૂટી ગયો..!’ છોકરાએ રડમસ અવાજે કહ્યું. એ એની કથા કહેતો હતો અને સુકેતુની આંખ સામે આખું બસ સ્ટેન્ડ ગોળ ગોળ ઘૂમતું હતું.! (શીર્ષક પંકિત : લેખક)