Wednesday, May 20, 2009

મહાભારત : જીવનદર્શન

[1] શ્રીકૃષ્ણનું મનોવિજ્ઞાન
મહાભારતની આ જ્ઞાનશ્રેણીમાં વારંવાર શ્રીકૃષ્ણના ઊંડા માનસિક જ્ઞાન અને એમના માનસોપચારનો પરિચય આપણે પ્રાપ્ત કર્યો છે. શ્રીમદ ભગવદગીતાના પ્રથમ અધ્યાય કે જે ગીતાનું પ્રસ્થાન છે એમાં આધુનિક યુગના મહાવ્યાધિ ગણાતા રોગ ‘ડિપ્રેશન’નાં લક્ષણોનું સુરેખ વર્ણન જોયું હતું. ભલે માનસશાસ્ત્રીઓ આ રોગને અત્યારના યુગનો મહાવ્યાધિ ગણતા હોય પણ મહાભારત કાળમાં પણ આ રોગ આજની જેમ જ સર્વ ઈન્દ્રિયોને શોષી લેતો હતો. માનસશાસ્ત્રીઓ જેને ડિપ્રેશન કહે છે તેને ગુજરાતના મનોવિજ્ઞાનના અધ્યાપકો શૈક્ષણિક પરિભાષામાં ‘ઉન્મનસ્ક અવસ્થા’ કહે છે. લોકપ્રિય ભાષાવ્યવહારમાં એને ‘હતાશાના રોગ’ તરીકે ઓળખવામાં આવે છે. માનસ ચિકિત્સકો આ રોગને બે પ્રકારનો માને છે. ‘રીએક્ટીવ ડિપ્રેશન’ અને ‘ઈન્ડોજીનસ ડિપ્રેશન’. જીવનમાં કોઈ દુર્ઘટના ઘટે અને એના પરિણામ-સ્વરૂપે માણસ વિષાદના ઊંડા કળણમાં ખૂંપી જાય એને પ્રથમ પ્રકારનું ડિપ્રેશન કહે છે. વ્યાવહારિકો કહે છે કે ‘દુ:ખનું ઓસડ દહાડા’. દિવસો વીતતાં માણસને ધીમે ધીમે એ વિષાદમાંથી કુદરત જ બહાર કાઢે છે અને આધ્યાત્મિકો કહે છે કે સાંસારિક માયાથી એની હતાશાના ઘા રુઝાય છે.
અલબત્ત, ઘણા ઋજુહૃદયીઓને એમાંથી બહાર નીકળવા માનસોપચારની પણ જરૂર પડે જ અને એ જરૂરી પણ હોય છે જ. બીજા પ્રકારનું ડિપ્રેશન જેને માનસચિકિત્સકો ‘ઈન્ડોજીનસ’ કહે છે તે મનુષ્યના વ્યક્તિત્વ બંધારણનો જ એક ભાગ હોય છે. માનવમસ્તિષ્ક ઈશ્વરનું અદ્દભુત સર્જન છે. મગજમાં ઝરતાં ઉત્સેચકો માણસને સમતોલ જીવન જીવવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવતાં હોય છે એટલે આ અંત:સ્ત્રાવી ગ્રન્થિઓની ઊણપો ઘણી વ્યક્તિઓને કુદરતી રીતે જ વિષાદગ્રસ્ત રાખે છે અથવા સંસારમાં બનતી નાની નાની ઘટનાઓથી પણ તે વિષાદગ્રસ્ત બની જાય છે. ગાંધીગીરીનો સંદેશ આપતી આપણી જાણીતી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’નો સરકીટ જેને ‘કેમીકલ લોચો’ કહે છે એ ‘અંત:સ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા’ એ જ આ ‘ઈન્ડોજીનસ ડિપ્રેશન’ એમ કહી શકાય. મહાભારતના યુધિષ્ઠિર પાપભીરુ ધર્મપુરુષ છે, જેમનો સ્વભાવ જ વારંવાર વિષાદગ્રસ્ત થવાનો છે. અર્જુન રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. એનો વિષાદ ગીતાનો ઉપદેશ સાંભળી મહદંશે દૂર થયો હતો. યુધિષ્ઠિરનો વિષાદ ‘ઈન્ડોજીનસ’ છે. એ વારંવાર વિષાદગ્રસ્ત થાય છે અને એ વિષાદમાંથી એમને બહાર લાવવા મહર્ષિ વ્યાસ, પિતામહ ભીષ્મ અને શ્રીકૃષ્ણને વારંવાર ઉપદેશ, આખ્યાનો અને ઉપાખ્યાનોનો ધોધ વહાવવો પડે છે અને છતાં પ્રસંગોપાત્ત ફરી પાછો એનો એ વિષાદ સામે આવીને ઊભો રહે છે.
યુધિષ્ઠિર રાજા થયા છે પણ જે મહાસંહાર થયો તે ભૂલ્યો ભુલાતો નથી. અર્જુનની જેમ પાયાની ભૂલ એ હતી કે એણે સામે ઊભેલા ગુરુઓ, દાદાઓ, ભાઈઓ અને આચાર્યોને મારવાના છે એમ યુધિષ્ઠિરની પાયાની ભૂલ એ છે કે એમને કારણે જ બધો મહાસંહાર થયો છે. વારંવાર તેઓ એ વાત ભૂલી જાય છે કે કૌરવોનાં દુષ્કૃત્યો અને આડોડાઈ જ આ અનર્થમાં કારણભૂત હતાં અને એમના પર તો આ યુદ્ધ લાદવામાં આવ્યું હતું. શાંતિપર્વ અને અનુશાસનપર્વના લાંબા જ્ઞાનસત્ર પછી પણ એમનો આ સ્થિર વિષાદભાવ વારંવાર ડોકાઈ જાય છે. આશ્વમેઘિકપર્વમાં અશ્વમેઘ કરાવવાના અનુસંધાનમાં દ્રવ્ય અને દાનની વાત આવતાં ફરી પાછા એ વિષાદગ્રસ્ત થયા.
દાન માટેનું દ્રવ્ય કોઈને પણ નુકશાન પહોંચાડ્યા વિના હિમાલયમાંથી મળવાનું હતું અને છતાં યુધિષ્ઠિર શોક કરે છે. આ જ તો માનવમનની મર્યાદા છે. માણસ સો ટકા સલામતી ઈચ્છે છે અને તેથી કાલ્પનિક ભય એનો પીછો છોડતો નથી. યુદ્ધમાં સ્થિર ગણાતા યુધિષ્ઠિર પણ એમાં અપવાદ નથી. મનની રુગ્ણતાથી એ પણ ત્રસ્ત છે. કૃષ્ણ કંઈક ઉપાલંભભર્યા સ્વરમાં કહે છે કે તમે ભલે કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા છો પણ તમારા મનના કુરુક્ષેત્રમાં બેઠેલા મોટામાં મોટા શત્રુને જીતવાનો બાકી છે અને એ છે તમારો આંતરિક શત્રુ-મનનો રોગ. ઈન્દ્રે પોતાના દેહમાં ઘર કરી બેઠેલા વૃત્રાસુરને કેવી રીતે હણ્યો એ વિશેનું ઈન્દ્ર-વૃત્રાસુરનું આખ્યાન કહીને આધુનિક સ્વાસ્થ્ય વિજ્ઞાન જેને સાયકોસોમેટીક ડીસીઝ – મનોદૈહિક રોગો કહે છે એની વિશદ ચર્ચા પ્રસ્તુત કરી છે. આપણા આર્ષદ્રષ્ટાઓએ યુગોપૂર્વે કેટકેટલું ઊંડાણથી દેહ અને મનના સંબંધો વિશે વિચાર્યું હતું એનો વિચાર કરીએ છીએ ત્યારે આનંદ સાથે આશ્ચર્ય થાય છે. મહાભારતકારે આ ચર્ચા શ્રીકૃષ્ણના શ્રીમુખે પ્રસ્તુત કરીને એને શ્રદ્ધેય સ્વરૂપ આપ્યું છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે :द्विविधो जायते व्याधि: शारीरो मानसस्तथा ।परस्परं तयोर्जन्म निर्द्वंन्द्वं नोपलभ्यते ।। (આશ્વમેઘિકપર્વ, 12.1)
ઉપરના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે : ‘માણસને બે પ્રકારના રોગ થાય છે; શારીરિક અને માનસિક. આ બંને રોગો એકબીજાને કારણે થાય છે. શારીરિક રોગો મનને પ્રભાવિત કરે છે અને મનના રોગથી શરીરના રોગ થાય છે. દ્વન્દ્વ વિનાનો કોઈ રોગ જોવા મળતો નથી.’ માણસને મન સાથે લડવામાં અતિશય થાક લાગે છે કારણ કે એ લડાઈ એણે એકલે હાથે લડવી પડે છે. મન જ્યારે વિચારોના વમળમાં કે વિષાદના કળણમાં ફસાય છે ત્યારે માણસનાં ધન, સત્તા, હોશિયારી કે મોભો કંઈ પણ એને કર્ણનાં શસ્ત્રોની પેઠે કામ આવતાં નથી. આ યુદ્ધ ભીષ્મ-દ્રોણના યુદ્ધ કરતાં પણ ભીષણ છે. કૃષ્ણ ઉમેરે છે :यच्च ते द्रोणभीष्माभ्यां युद्धमासीदरिंदम ।मनसैकेन योद्धव्यं तत ते युद्धमुपस्थितम ।।अत्र नैव शरै: कार्य न भृत्यैर्न च बन्धुभि: ।आत्मेनैकेन यैद्धव्यं तत ते युद्धमुपस्थितम ।।ભીષ્મ દ્રોણ કે કર્ણ સાથેના યુદ્ધમાં તો શસ્ત્રો હતાં, સૈનિકો હતા, સ્વજનો હતાં અને વફાદાર ચાકરો હતા, પણ અહીં તો એ કંઈ કામ નહિ આવે. આ તો એકલે હાથે લડવાનો સમય આવ્યો છે.
મહાભારતના મર્મજ્ઞ હરીન્દ્રભાઈ દવે આ પ્રસંગની એટલે કે મનના રોગોની વિષમતા જે યુધિષ્ઠિરને માટે પણ કપરી હતી એની ચર્ચા કરતાં કહે છે : ‘કૃષ્ણ આ શબ્દો માત્ર યુધિષ્ઠિરને જ નથી કહેતા : આપણને સહુને કહે છે. મન સાથેનું આ ઘોર યુદ્ધ સૌ કોઈ સામે ઉપસ્થિત થતું હોય છે. બહારનાં જીતવાં સરળ છે પણ આ મન સાથેનું યુદ્ધ તો વિકટ છે. અને અહીં જ સૌ ગોથાં ખાતા હોય છે. મન સાથેનું યુદ્ધ એ ભીષ્મ સાથે લડવા જેટલું જ દુષ્કર છે અને કદાચ એથી પણ વધારે દુષ્કર છે, કારણ કે ભીષ્મ સાથે લડવામાં તો કૃષ્ણ, અર્જુન, ભીમ અને સાત્યકિ પણ સાથે હોય છે. મન સાથે લડવામાં આપણે માત્ર એકલા જ હોઈએ છીએ. જે આ યુદ્ધ લડી શકે છે એને જ કદાચ કૃષ્ણ મળે છે.’ મન સાથેના યુદ્ધને જીતવાનો માર્ગ બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે : ‘મમ’ – મારું, મમત્વ એ મૃત્યુ છે. ‘ન મમ’ – ‘આમાં કંઈ મારું નથી.’ એમ માનવું અમરત્વ છે. द्वयक्षरस्तु भवेन्मृत्यु: त्रय़क्षरं ब्रह्म शाश्वतम ।। તૃષ્ણાના ત્યાગનો બોધ તો ભગવાન બુદ્ધની પણ પહેલાં યુગોપૂર્વે શ્રીકૃષ્ણે પ્રબોધ્યો હતો એ તો સર્વવિદિત છે..
[2] જીવનસંધ્યાએ કૃષ્ણ
ઘણાં કુટુંબના મોભીને જે પ્રમાણેની કૌટુમ્બિક વિટંબણા વેઠવી પડે છે એવી જ વિટંબણા કૃષ્ણને પણ ઘેરી વળી. પ્રાણપ્રિય પુત્રો કહ્યામાં નહોતા. કોઈ એમને સાંભળતું નહોતું. પરિસ્થિતિને થાળે પાડવા જે નિયમો ઘડાતા એનું પહેલું ઉલ્લંઘન એમનાં સંતાનો જ કરતાં હતાં.
કોઈપણ યુગપ્રવર્તક મહાપુરુષોના જીવનમાં જે પ્રકારની વિટંબણાઓ જોવા મળે એવી વિટંબણા ભગવાન કૃષ્ણને પણ અનુભવવી પડી. યુગકાર્ય કરવાની જવાબદારી કિશોર અવસ્થામાં જ આવી પડી. જે માતા અને પિતાએ અપાર પ્રેમથી ઉછેર્યાં હતા અને જે ભૂમિનાં સંસ્મરણો મનમાં લીલાંછમ હતાં ત્યારે જ બધું છોડીને મથુરા જવું પડ્યું. કિશોરાવસ્થાની મુગ્ધતા છીનવાઈ ગઈ. જે મથુરાવાસીઓના સુખને માટે પોતાનું જીવન હોડમાં મૂકીને, એમને કંસના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા, પોતે રાજા બનવાને બદલે ગણરાજ્યની સ્થાપના કરી હતી, જે જરાસંધ અને કાલયવનના આક્રમક હલ્લાઓ સોળ સોળ વાર ખાળીને મથુરાવાસીઓને બચાવ્યા હતા એ જ મથુરાવાસીઓએ કૃતઘ્ન થઈને કૃષ્ણ-બલરામને કહી દીધું કે તમે અહીં હશો ત્યાં સુધી તો જરાસંધનાં આક્રમણો થતાં જ રહેશે તો તમે અહીંથી જાઓ. અમને સુખે રહેવા દ્યો. કૃષ્ણે કોઈપણ પ્રકારની કટુતા વિના મથુરા છોડ્યું અને દ્વારકા આવી એકલે હાથે એક જુદા જ સામ્રાજ્યનું નિર્માણ કર્યું પણ આર્યાવર્તની એકતાનો ઉદ્યમ નિરંતર કરતા રહ્યા. મિત્ર પાંડવોની સહાયને નિમિત્ત બનાવીને ધર્મસંસ્થાપનાના કાર્યને કાયમ અગ્રતાક્રમ આપ્યો : પોતાના પ્રામાણિક પુરુષાર્થ છતાં મહાયુદ્ધને અટકાવી શક્યા નહિ અને ગાંધારી કે ઉત્તંક જેવા સમકાલીનો પણ એમને સમજી શક્યા નહિ. સંતપ્ત ગાંધરીનો શાપ હસતા મોઢે સ્વીકારીને લોકોત્તર બની રહ્યા. આ અને આવા તો ઝેરના અનેક ઘૂંટડા એમને જીવનમાં પીવા પડ્યા.
યુગકાર્યથી મુક્ત થઈ વૃદ્ધાવસ્થામાં સ્હેજ ઠરીઠામ થવાનો વખત આવ્યો ત્યારે જ સહુ કોઈ મોભીની જેમ એમને પણ કૌટુમ્બિક સમસ્યાઓ ઘેરી વળી. પ્રાણપ્રિય ગણેલા પુત્રો કહ્યામાં નહોતા. કુટુંબમાં કોઈ એમને સાંભળતું નહોતું. રજોગુણ પ્રેરિત ભોગવિલાસ અને તમોગુણજનિત અસામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનાં સંતાનો જ સર્વપ્રથમ ઉલ્લંઘન કરતાં. આગમનાં એંધાણ સ્પષ્ટ દેખાતાં હતાં અને એ નિવારવાના પુરુષાર્થ છતાં પોતાની હાજરીમાં જ જે રીતે પોતાના માનીતા માણસોએ નફટાઈભરી યાદવાસ્થળી ખેલી એ જોઈ હંમેશાં જીવનરસથી છલકાતા આ મહામાનવની જિજીવિષા જ વિલાઈ ગઈ.
યાદવાસ્થળી જેવી અપ્રિય અને અનપેક્ષિત ઘટનાને જાણતાં જ કૃષ્ણ સ્તબ્ધ થયા. ઈશ્વરીય સામર્થ્ય હોવા છતાં જે કંઈ થયું તે થવાનું જ હતું એમ માનીને એમણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. ‘स्थितस्य हि गतिश्चिंतनीया’ હવે શું કરવું એ બાબતે એમણે ત્વરિત નિર્ણય લેવા માંડ્યા. આપત્તિની ક્ષણોમાં પરમ મિત્ર અર્જુનને કોઈક જવાબદારી સોંપી શકાશે એ વિચારે સર્વપ્રથમ દારુકને હસ્તિનાપુર અર્જુનને લેવા રવાના કર્યો. દ્વારકાના મોટા ભાગના યાદવો મૃત્યુ પામતાં દ્વારકામાં નોધારી પડેલી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોના રક્ષણ માટે બભ્રુને દ્વારકા જવા આદેશ આપ્યો. પણ એના ઉપર અણધાર્યો શસ્ત્રપ્રહાર થતાં કૃષ્ણને પોતાને દ્વારકા જવું પડ્યું. નિસ્તેજ દ્વારકામાં જઈને ભારે હૈયે એમણે પિતા વસુદેવને યાદવોના પારસ્પરિક વિનાશના સમાચાર આપ્યા. સ્ત્રીઓના રક્ષણની જવાબદારી સંભાળી લેવા આગ્રહ કર્યો અને અર્જુન આવે ત્યારે એને એ જવાબદારી ભળાવવાની સલાહ આપી. દ્વારકામાં જીવવું હવે કૃષ્ણને અકારું થઈ પડ્યું હતું. વનમાં પોતાની વાટ જોઈ રહેલા બળરામને મળી વનમાં જ તપશ્ચરણના સંકલ્પ સાથે એમણે દ્વારકા છોડ્યું તે છોડ્યું.
વનમાં મોટાભાઈ સાથે કંઈ વિચારવિમર્શ કરે તે પહેલાં તો મોટાભાઈ બળરામને શેષનાગના એમના અસલ સ્વરૂપમાં, સાગરમાં સમાતા જોઈ રહ્યા. હવે કૃષ્ણને પણ લાગ્યું કે એમનું અવતારકાર્ય પૂર્ણ થયું છે. તેઓ વનમાં ફરતા ફરતા સોમનાથ તીર્થને રસ્તે ભાલકા સ્થાને પધાર્યા. તન અને મનથી થાકેલા કૃષ્ણ પોતાના હાથના ટેકે આડા પડ્યા. એક પગ ઉપર બીજો પગ હતો. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે યુગપ્રવર્તનનું સૂચક ચિહ્ન એમના ચરણ કમળને તળિયે ચમકતું હતું. જરા નામના પારધિએ એને મૃગની આંખ માની અને જે બાણ ચલાવ્યું તે એમનાં ચરણમાં ઘૂસી ગયું. શ્રી કૃષ્ણ તો યોગેશ્વર હતા. દેહોત્સર્ગ પૂર્વે ચિત્તવૃત્તિઓને અટકાવીને ધ્યાનસ્થ થયા હતા. ગાંધારીનો શાપ સાચો પડ્યો. જરા આવીને પગે પડી ગયો અને ક્ષમા યાચી. એના તરફ પણ યુગપુરુષને છાજે એવી ક્ષમા અને અમીભરી નજર નાખી કૃષ્ણપ્રભુ સ્વધામ પરત થયા. ભગવાન જન્મ્યા હતા ત્યારે જેમ ઋષિઓમુનિઓએ એમની સ્તુતિ કરી હતી એ જ રીતે એમના સ્વધામગમનને પણ દેવો, ગાંધર્વો અને ઋષિઓએ વધાવી લીધું. ઈન્દ્રનો આનંદ તો સમાતો ન હતો.
જગતને જેણે વર્ષો સુધી જીવંત અને ભર્યુંભર્યું રાખ્યું હતું તે ચૈતન્ય વિલાઈ ગયું. કૃષ્ણના કોઈપણ સ્વજનને માટે કૃષ્ણની કાયમી અનુપસ્થિતિનો વિચાર પણ હૃદય-વિદારક હતો. દ્વારકામાં ચારે બાજુ કલ્પાન્ત હતું. દ્વારકા નિરાધાર, નિસ્તેજ અને નિરાનંદ હતી. વસુદેવ જાણે કૃષ્ણના અભિન્ન સ્વરૂપ અર્જુનની પ્રતીક્ષા કરતા હતા. અર્જુન આવતાં જ એમના હૃદયના બંધ તૂટી ગયા. કૃષ્ણના વસુદેવને કહેવાયેલા છેલ્લા શબ્દો ‘य़ोडहं तं अर्जुनम बिद्धि, योडर्जुन: सोडहमेव तु ।’ નર-નારાયણ એક જ હતા. કૃષ્ણની સલાહ પ્રમાણે અવશિષ્ટ યાદવ પરિવારની જવાબદારી અર્જુનને સોંપી વસુદેવનો દેહ વિલય પામ્યો. અર્જુન માટે કૃષ્ણ વિનાની દ્વારકામાં રહેવું અસહ્ય અને અશક્ય હતું. એણે અવશિષ્ટ પરિવારને મળી સાતમા દિવસે ઈન્દ્રપ્રસ્થ જવાની વાત જાહેર કરી. વજ્ર નામના કૃષ્ણપુત્રને ઈન્દ્રપ્રસ્થની ગાદીએ બેસાડવાનું જાહેર થયું. અર્જુને સાતમા દિવસે સવારે દ્વારકા નગરી છોડી નીકળ્યો. નર-નારાયણનું દૈવત ન રહેતાં જે જે રસ્તે અર્જુન જતો હતો એ દ્વારકાના સામ્રાજ્ય ભાગને સમુદ્ર ડુબાડતો ગયો અને દૈવી નગરી દરિયામાં ડૂબી.
કાલની થપાટો એક પછી એક અવનવાં આશ્ચર્ય સર્જતી હતી. અર્જુન ભગવાન કૃષ્ણના અવશિષ્ટ પરિવાર, પટરાણીઓ અને ભગવાન કૃષ્ણ કે જેમણે અનેક નિર્વાસિત સ્ત્રીઓને વધૂપદનું ગૌરવ આપ્યું હતું તે બધાને લઈને ઈન્દ્રપ્રસ્થ જતાં સૌરાષ્ટ્રના ‘પંચનદ’ પથકમાં પ્રવેશ્યો. ત્યાંના આભીરો કે જેમને આપણી સંસ્કૃતિએ ‘કાબાઓ’ તરીકે ઓળખાવ્યા છે એમણે યાદવ સ્ત્રીઓને લૂંટી, કેટલીક સ્વેચ્છાએ ગઈ, કેટલીકનું અપહરણ થયું. વળાવિયા અર્જુનની શક્તિ જ જાણે હરાઈ ગઈ હતી. જે ગાંડીવથી અગિયાર અક્ષૌહિણી સેનાનો ખાત્મો બોલાવ્યો હતો એ દિવ્ય ગાંડીવ પણ નિર્વીર્ય બની રહ્યું. મહાભારતની કથાને આધારે આપણા સાહિત્યમાં જે કેટલીક કહેવતો અને બોધકવિતાઓ રચાઈ છે એમાંની એક બોધકથાનું ઉદાહરણ મળ્યું :
સમય સમય બલવાન હૈ, નહિ મનુષ્ય બલવાન.કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ.