Tuesday, January 12, 2010

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને,
આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને

રવિ સાથે છ જ મહિનાનું લગ્નજીવન વિતાવીને શૈલુ પાછી પોતાનાં મા-બાપના ઘરે આવી ગઇ. ઘરનાં ઉંબરા પરથી જ એલાન કરી દીધું, ‘હવે હું સાસરે નથી જવાની. જો મને દબાણ કરશો તો હું આત્મહત્યા કરી નાખીશ.’ એનાં પપ્પા-મમ્મીને જબરદસ્ત આઘાત લાગ્યો, પણ તેઓ ચૂપ રહ્યાં.

આ સમય સાચવી લેવા જેવો હતો. અત્યારે જો ડહાપણ ડહોળવા બેસીએ તો બાજી બગડી જાય. પપ્પાએ હેતાળ આવકાર આપીને દીકરીને ઘરમાં લીધી, ‘આવ, બેટા, આવ! આ તારું જ ઘર છે. અમે તને વળાવી હતી, ઘરમાંથી કાઢી મૂકી નહોતી. હું તને એટલુંય નહીં પૂછું કે ત્યાં તને શું દુ:ખ હતું. આ તો ઠીક છે કે તું ચાલી આવી, નહીંતર મને ખબર પડી હોત કે મારી શૈલુને સાસરીમાં સોય જેટલુંય દુ:ખ છે તો હું જ સામે ચાલીને તને તેડી જાત!’

મમ્મીએ તો શૈલુને બાથમાં જ લઇ લીધી, ‘દીકરી, અમે એમ માનીશું કે તું પિયરમાં થોડાક દિવસ રહેવા માટે આવી છો. બે મહિના, ચાર મહિના, છ મહિના તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં લગી અમે તને રાખવા માટે તૈયાર છીએ. જમાઇ સામે ચાલીને તને લેવા માટે ન આવે ત્યાં સુધી તારે અહીંથી જવાનું જ નથી.’

‘મમ્મી!’ શૈલુએ હાથમાંની બેગ જમીન પર મૂકતાં માની ભૂલ સુધારી, ‘તારો જમાઇ ગુલાંટિયાં ખાતો-ખાતો આવે કે તારાં વેવાઇ-વેવણ પગમાં પડતાં આવે, હું પાછી નથી જવાની એટલે નથી જવાની. તને ભારે પડતી લાગું ત્યારે મને કહી દેજે. હું એકલી રહીને જીવી શકું એટલું તો કમાઇ લઇશ.’ વાત પૂરી થઇ ગઇ.

સમજાવટની સીમારેખા સમાપ્ત થઇ ગઇ. બે-ચાર દિવસ થયા ત્યાં વેવાઇનો ફોન આવ્યો, ‘સુભાષભાઇ, કેમ છો? હું રમેશચંદ્ર બોલું છું. ફોન એટલા માટે કર્યો છે કે તમારી દીકરી સાવ તણખલા જેવી વાતમાં રિસાઇને અહીંથી ચાલી ગઇ છે. બે-ચાર દિવસ અમે જાણી જોઇને પસાર થઇ જવા દીધા. હવે જો એનું મન શાંત પડ્યું હોય અને તમે હા પાડતાં હો અમે જાતે આવીને અમારી વહુને તેડી જઇએ.

શૈલુના પપ્પા સુભાષભાઇએ ગાળિયો પોતાના ગળામાંથી કાઢી નાખ્યો, ‘વેવાઇ, આ મામલામાં હું વચ્ચે પડવા નથી માગતો. મારી દીકરી સામે જ બેઠી છે. હું રિસીવર એને આપું છું. તમે એની સાથે જ વાત કરો.’

શૈલુએ રિસીવર હાથમાં લેતાવેંત ગોળીબાર શરૂ કર્યો, ‘કયા મોંઢે મને લેવા આવવાની વાત કરો છો? હું તો તમારા ઘરમાં આવેલી જ હતી ને? તમને સાચવતાં ન આવડ્યું. હવે પછી તમારી ડાયરીમાંથી આ ટેલિફોન નંબર જ છેકી નાખજો. ગુડ બાય!’

સાસરીમાં ખળભળાટ મચી ગયો. રવિ પણ ગુસ્સામાં હતો. આવી પત્નીની સાથે આખો જન્મારો જાય જ કેવી રીતે? નાના-મોટા વિવાદો કે ઝઘડાઓ કોના ઘરમાં નથી હોતા? અને છ મહિનામાં પડી પડીને શૈલુનાં શિર પર કેટલું કેટલું દુ:ખ તૂટી પડ્યું હશે!

આખરે લગ્નજીવન એ સમાધાનનું જ બીજું નામ હોય છે. તદ્દન અજાણ્યા કુટુંબમાં ભિન્ન સંસ્કારો વચ્ચે ઊછરેલાં પુરુષ અને સ્ત્રી જ્યારે અચાનક એક છત નીચે જીવવા લાગે ત્યારે અનુકૂળ થવામાં થોડોક સમય તો લાગે જ ને! પણ શૈલુ તો છ જ મહિનામાં ઘર છોડીને ચાલી ગઇ. આવી પત્નીને પાછી બોલાવીને પણ ફાયદો શો?

પુત્રવધૂના હાથે અપમાનિત થયેલા રમેશભાઇએ કહી દીધું, ‘હું ફરીવાર ક્યારેય એને ફોન નહીં કરું. હું તો મારા રવિને બીજી વાર ઘોડે ચડાવીને જંપીશ.’ પંદર દિવસ પછી રવિની મમ્મી રમાબહેને હિંમત કરી. વેવાઇના ઘરનો ફોન લગાડ્યો.

આ વખતે વહુએ એમની જોડે વાત પણ ન કરી. વેવાણે-વેવાણ સામસામે ટકરાયાં. શૈલુનાં મમ્મી સુરેખાબહેને રમાબહેનને સાત-સાત મણની ગાળો ચોપડાવી દીધી. પંદર દિવસ પહેલાં જે પ્રતિજ્ઞા રમેશભાઇએ લીધેલી એ જ પ્રતિજ્ઞા હવે રમાબહેને જાહેર કરી દીધી, ‘વકીલની નોટિસ મોકલાવો. મારે આ ઘરમાં એનો ટાંટિયો ન જોઇએ. મારો દીકરો રાજાનો કુંવર છે. એના માટે શૈલુને ટક્કર મારે એવી બીજી કન્યા લઇ આવીશ.’

મહિના પછી રવિએ ફોન કર્યો. એના પણ એ જ હાલ થયા. રાજાનો કુંવર ચપરાસી બની ગયો. પ્રતિજ્ઞા પાક્કી થતી ગઇ. બે મહિનામાં તો ‘રવિની પત્ની રિસામણે બેઠી છે’ એ વાત એસ.એમ.એસ.માં ફરતા જોકની પેઠે આખી જ્ઞાતિમાં ફેલાઇ ગઇ.

વાટાઘાટો અને સમજાવટનો સિલસિલો શરૂ થઇ ગયો. રવિના મામા મોહનલાલ એક શુભ દિવસે રવિની સાસરીમાં જઇ ચડ્યા. પૂછ્યું, ‘શૈલુ બેટા! તમને તકલીફ શી છે એટલું જણાવો તો એનો ઉપાય થાય.’

શૈલુ બેટાએ વડચકું ભરી લીધું, ‘કેટલી તકલીફો ગણાવું તમને? એક વાત હોય તો ઉપાય થાય, આખું કપડું ફાટે ત્યારે થીગડાં ક્યાં મારશો? ને કેટલાં મારશો?’ પછી વાંધા-વચકાની યાદી રજૂ કરી દીધી. ‘મને નોકરી કરવા નથી દેતા. હુંયે રવિની જેટલું જ ભણી છું. મારી વિદ્યા શું મારે પાણીમાં વહાવી દેવાની?

બેય ટંકની રસોઇ મારે જ રાંધવી પડે છે. રસોઇવાળી બાઇ લાવવી હતી તો દીકરાને પરણાવ્યો શા માટે? બપોરે મને અડધો કલાક આડે પડખે થવાનુંયે સુખ નથી મળતું. ઢગલો એક કપડાંને મારે જ ઇસ્ત્રી કરવી પડે છે.’ જેટલાં કામ હતાં, એટલી ફરિયાદો હતો.

મોહનમામા પાસે એક પણ વાતનો જવાબ ન હતો. સિવાય કે વિનંતી, ‘એક વાર તમે પાછાં આવી જાવ, ધીમે ધીમે બધું થાળે પડી જશે.’ ‘થાળે તો પડશે ત્યારે પડશે, અત્યારે તો થાળીઓ પડી ચૂકી છે. ચૂપચાપ જમી લો અને પછી માનભેર સિધાવો.

મહેમાન બનીને આવેલા છો એટલે વધારે કંઇ નથી કહેતી...’ મોહનલાલ મોહનથાળ જેવા બનીને પધાર્યા હતા, વાસી રોટલા જેવા બનીને પાછા ફર્યા.

પંદર દિવસ પછી રવિના ફુવા ફુલશંકર મેદાનમાં ઊતર્યા. એમનું નસીબ તો મોહનમામા કરતાં પણ ખરાબ સાબિત થયું. રવિના કાકા કનુકાકાની આખી ન્યાતમાં ધાક જામેલી હતી. પણ કનુકાકાનાય ભૂંડા હાલ થઇ ગયા.

હવે રવિના પપ્પા સમજી ગયા : ‘શૈલુ પાછી આવે તે વાતમાં માલ નથી. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’ અહીં પાર્થ એટલે વકીલ, બાણ એટલે છૂટાછેડાની નોટિસ અને યુદ્ધ એટલે અદાલતી કાર્યવાહી. નિર્ણય લેવાઇ ગયો. કાલે સવારે ઊઠીને પહેલું કામ વકીલને મળવાનું નક્કી થઇ ગયું.

પણ દરેક સવારની આડે એક રાત હોય છે. રવિ આખીયે રાત ઊંઘી ન શક્યો. એણે પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછ્યા : ‘શૈલુ મને ગમે છે કે નહીં? એની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય મારા માટે યોગ્ય હશે કે નહીં? એનાં વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને હું સુખી થઇ શકીશ એવું મને લાગે છે કે નહીં? શૈલુને હું ખરેખર ભૂલી શકીશ ખરો?’

પોતાનું કાઢેલું પ્રશ્નપેપર રવિએ જાતે જ લખ્યું અને જાતે જ તપાસ્યું. સોમાંથી સો માર્ક્સ આવ્યા. દરેક સવાલનો એક જ જવાબ હતો. રાત્રે ત્રણ વાગ્યે એણે પ્રેમપત્ર લખવાનું શરૂ કર્યું. પરોઢના પાંચ વાગ્યા સુધી લખતો રહ્યો, લખતો ગયો.

પત્રનો સાર કંઇક આવો હતો : ‘મારી અને માત્ર મારી શૈલુ, મારાં બધાં જ સગાંઓનું માનવું છે કે તું પાછી નહીં આવે. વાંધો નહીં. તું ન જ આવતી. હું તને મારા પ્રત્યેના ધિક્કારમાંથી પાછી નહીં વાળી શકું. પણ એટલું યાદ રાખજે કે તું પણ મને તારા પ્રત્યેના પ્રેમમાંથી પાછો નહીં વાળી શકે.

જિંદગીના આખરી શ્વાસ સુધી હું મારી શૈલુને જ પ્રેમ કરતો રહીશ. અને મૃત્યુ પછી પણ એ જ કામ ચાલુ રહેશે. આપણા ધર્મમાં ચોર્યાશી લાખ જન્મોની વાત આવે છે. આ એક ફેરો કોરો જાય તોયે શું? પ્રવાસ લાંબો છે, આશા અનંત છે અને ધીરજ અખૂટ છે.

તું ભલેને લાખ વાર પાણી મૂક કે પાછી નહીં આવે! હું કરોડ વાર તને કહીશ કે તું આવીશ જ. નદીના પ્રવાહમાં પડેલો પથ્થર પણ ભીનો થાય છે, તું તો શૈલુ છે. ક્યારેક તો ભીંજાઇશ જ. મને ખાતરી છે.’

એક પત્ર. બીજા દિવસે બીજો અને ત્રીજા દિવસે ત્રીજો પત્ર. સિલસિલો ચાલુ થઇ ગયો. પપ્પા રમેશભાઇને આ વાતની ખબર પડી. એમણે રવિને ખખડાવ્યો, ‘શા માટે તિજોરી ખાલી કરવા બેઠો છે? પોસ્ટલ ડિપાર્ટમેન્ટની દયા આવતી હોય તો પાંચસો ને એક રૂપિયાનું દાન જાહેર કર! આમ રોજ-રોજ એક એક પત્ર લખીને શા માટે પૈસાનું પાણી કરી રહ્યો છે?’

રવિએ કોઇની વાત ન માની, માત્ર પોતાના દિલની વાત માની લીધી. મહિનો ગયો. બે, ત્રણ, ચાર મહિના પસાર થઇ ગયા. શૈલુનાં સરનામે પ્રેમપત્રોનો અવિરત હુમલો જારી રહ્યો. શરૂઆતના પત્રો શૈલુએ ફોડ્યા પણ નહીં, પછી ઉત્સુકતાને વશ થઇને ખોલ્યા. પછી એ લખાણને બદલે લાગણી વાંચવા માંડી.

છ મહિના પછી હાલત એવી થઇ ગઇ કે ઘડિયાળના કાંટે એ ટપાલીના આગમનની વાટ જોવા માંડી. રવિના પત્રો હવે શૈલુ માટે આદત બની ગયા. કોઇ પણ સ્ત્રીને છેવટે પુરુષ પાસેથી શું જોઇતું હોય છે?! માત્ર પ્રેમ જ ને? તો એ વસ્તુ રવિ કરતાં વધારે બીજું કોણ આપી શકવાનું હતું!

શૈલુ પીગળી ગઇ, ‘પપ્પા, હું મારા સાસરે જવા માગું છું.’ એક દિવસ એણે એલાન કરી દીધું. એનાં પપ્પા-મમ્મીને તો આ નિર્ણય સામે વાંધો જ શા માટે હોય? છતાં એમણે દીકરીને સમજાવવા માટે નિકટનાં સગાંવહાલાંઓને ભેગાં કર્યા.

શૈલુના મામા મુકુન્દમામાએ મમરો મૂકયો, ‘ભાણી, એ લોકોને એમ લાગશે કે તું થાકી ગઇ. હજુ વરસ તો પૂરું થવા દે!’ ફાલ્ગુન ફુવાએ લાલચ આપી જોઇ, ‘શૈલુ, તારા માટે રવિ કરતાંયે વધુ હેન્ડસમ છોકરો હું શોધી કાઢીશ. ભૂલી જા એને!’

કિરીટકાકાએ કાયદો યાદ કરાવ્યો, ‘બેટી, તું એક અવાજ કર! હું એ બદમાશોને દહેજના કાયદામાં ફસાવીને જેલની અંદર ફિટ કરાવી દઉ! સમજે છે શું આપણને?’

જવાબમાં શૈલુ ઊભી થઇને બારી પાસે ગઇ. આષાઢનો પ્રથમ દિવસ હતો ને મોસમનો પહેલો વરસાદ પડવો શરૂ થયો હતો. રસ્તા પરના લોકોને વરસાદ ભીંજવતો હતો અને બારી પાસે ઊભેલી શૈલુને એના વરનો સાદ ભીંજવી રહ્યો હતો.

એ શરમાઇ રહી હતી અને એની હાલત જોઇને એનાં પરિવારજનો હસી રહ્યાં હતાં. છેવટે એણે આટલું જ કહ્યું, ‘હું ન જાઉ તો શું કરું? હું વધારે ખેંચીશ તો પપ્પાના ઘરમાં પત્રો સાચવવાની જગ્યા નહીં બચે!’



(શિર્ષક પંક્તિ: આકાશ ઠક્કર)

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે
સૂર્ય દેખાશે ગગનમાં ક્યાંક એવી રાત છે

‘અમદાવાદ આવી તો ગયો પણ લાગે છે કે ફેમિલી સાથે અહીં નહીં રહેવાય...’ નોકરીના ત્રીજા જ દિવસે આર. કે. ગુપ્તાએ સ્ટાફના મિત્રો પાસે બળાપો કાઢ્યો. સત્યાવીસ વર્ષનો રામ ખિલાવન ગુપ્તા યુ.પી.ના અંતરિયાળ ગામડામાંથી સીધો આવ્યો હતો. અહીં રહેતા દૂરના સગાએ બેન્કની નોકરીનું ફોર્મ ભરાવેલું એમાં ગુજરાતની પસંદગી કરેલી એમાં એ ભોળિયાનો નંબર લાગી ગયો હતો.

પહેલા બે દિવસ ઓફિસમાં ગૌરાંગ અને નીલાંગની સાથે રહ્યો એટલે આજે એણે હૈયું ખોલ્યું. ‘કાલે સાંજે છૂટીને મારા રિશ્તેદારની સાઇકલ લઈને કેટલાક એરિયામાં ફરી વળ્યો. બધે ફ્લેટનું ભાડું એટલું માગે છે કે બે ટાઇમ ફેમિલીને જમવા આપે તોય ના પરવડે...’

‘તું વારેઘડીએ ફેમિલી ફેમિલી કહે છે તો કુલ કેટલા માણસો છે તારા ફેમિલીમાં? ગૌરાંગે પૂછ્યું, ‘હું ને મારી મિસિસ હજુ એક વર્ષ પહેલાં લગ્ન થયા છે. પણ અમારા યુ.પીમાં ફેમિલી કહેવાનો રિવાજ છે..’

ગૌરાંગ અને નીલાંગ હસી પડ્યા.

‘આ રીતે સાઇકલ લઈને સાત દિવસ ફરીશ તોય મકાન ભાડે નહીં મળે...’ નીલાંગે એને સાચો રસ્તો બતાવ્યો. ‘રવિવારે છાપામાં ટચૂકડી જાહેરાતો આવે છે. એ જોઈને પ્રયત્ન કરવાનો. એમાંય સસ્તા ભાડા માટે દૂર જવું પડે... બોપલ પહોંચી જા...’

સોમવારે ઓફિસ આવીને એ નીલાંગ અને ગૌરાંગની સામે બેસી ગયો. ‘સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી રખડ્યો. ત્રણેક જગ્યાએ સારો રિસ્પોન્સ મળ્યો છે. કાલે દેશમાં જઈને ફેમિલીને લઈને શનિવારે આવી જઈશ.

રવિવારે ફેમિલી સાથે બોપલ જઈશ અને ફાઇનલ કરી નાખીશ.’ એ જેટલી વાર ફેમિલી બોલતો હતો એ વખતે ગૌરાંગ અને નીલાંગ એકબીજાની સામે જોઈને મોં મલકાવતા હતા.

‘હાશ! પતી ગયું!’ બીજા સોમવારે આવીને એણે વધામણી આપી. ‘એક બંગલામાં પાછળના બે રૂમ સસ્તામાં મળી ગયા. પહેલીવાર એકલો જોવા ગયો હતો ત્યારે જ ગમી ગયેલું પણ એ વખતે ડોસાએ હા નહોતી પાડી અને ભાડું પણ પાંચ હજાર માગેલું. કાલે ફેમિલી સાથે ગયો તો ડોસાએ તરત હા પાડી દીધી. બે હજાર રૂપિયામાં રાજી થઈ ગયો!’

નીલાંગ અને ગૌરાંગે એકબીજાની સામે માર્મિક સ્મિત કર્યું પણ રામખિલાવનનું એ તરફ ઘ્યાન નહોતું.

‘આખા સ્ટાફને કહીને લાંબુ નથી કરવાનું. અહીંના મારા રિશ્તેદાર અને તમે બે... શુક્રવારે સાંજે મારા ઘેર જમવા આવવાનું છે..’ રામખિલાવને આગ્રહ કરીને નિમંત્રણ આપ્યું.એ સાંજે ગૌરાંગ અને નીલાંગને આશ્ચર્ય થયું. આટલા ઓછા ભાડામાં આટલી સગવડ?

ચારસો વારની પ્લોટમાં સરસ મજાનો બંગલો હતો અને એમાં પાછળના બે રૂમ રામખિલાવનને ભાડે મળ્યા હતા. ખાસ્સી ખુલ્લી જગ્યા હતી. જમણવાર ત્યાં જ ગોઠવાયો હતો. રામખિલાવનના જે સગાંઓ હતા એ બધા સાવ સામાન્ય સ્થિતિના હોય એવું લાગતું હતું.

રામખિલાવનની પત્ની સવિતાને જોઈને બંનેનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. બાવીસેક વર્ષના એ ગ્રામ્ય યુવતીનું રૂપ કેટરિના કૈફને પણ ઝાંખી પાડી દે એવું હતું. લાંબી પાતળી ગરદન, સાગના સોટા જેવી ઘાટીલી કાયા, ઢીંચણ સુધીના ભરાવદાર વાળ, તીણું નાક અને એકદમ ભોળી આંખો.

રામખિલાવને એ બંનેનો પત્ની સાથે પરિચય કરાવ્યો. એ પછી થોડે દૂર બેઠેલા પાંસઠ વર્ષના પુરુષ પાસે લઈ ગયો. ‘આ અમારા મકાનમાલિક અરવિંદભાઈ.’ રામખિલાવને પરિચય કરાવ્યો એ વખતે અરવિંદભાઈનું જમવાનું ચાલુ હતું.

જમવાનું પતાવીને નીલાંગ અને ગૌરાંગ બહાર નીકળીને પાનના ગલ્લા પાસે ઊભા રહ્યા. ‘આનું નામ નસીબ!’ નીલાંગ બબડ્યો ‘આવા ડોબાને આવી સરસ બૈરી મળી અને મફતના ભાવમાં મકાન પણ મળી ગયું!’

‘રામખિલાવનને જોઈને ડોસાએ ભાવ નહોતો આપ્યો પણ સવિતાને જોઈને એના મનમાં સળવળાટ થયો હશે એટલે પાંચને બદલે દોઢ હજારમાં તૈયાર થઈ ગયો.’ ગૌરાંગે તરત કહ્યું ‘આપણે એને મળ્યા ત્યારે પહેલી જ નજરે લાગ્યું કે આ નમૂનો ઘટિયા કિસમકા ચાલુ આદમી જેવો છે.’

‘રામખિલાવનને ચેતવવો પડશે. ગામડાની ગૌરીને આ લખાડ લપટાવી દેશે.’

‘આવી વાતમાં કોઈને સલાહ-સૂચન ના અપાય. કદાચ ખોટું લાગી જાય.’ ગૌરાંગે વ્યવહારુ વાત કહી ‘કોઈ પ્રોબ્લેમ થાય અને એ સામેથી કહે તો મદદ કરવાની પણ અત્યારથી આવું ના કહેવાય.’

દોઢ મહિના પછી જ એવી નોબત આવી ગઈ. શનિવારે બેન્કમાંથી નીકળ્યા પછી રામખિલાવન એ બંનેને એક હોટેલમાં લઈ ગયો. ‘તમને બંનેને મારા મોટાભાઈ જેવા માનું છું એટલે દિલ ખોલીને વાત કરું છું.’ રામખિલાવનનો અવાજ ઢીલો હતો.

‘હું તો આખો દિવસ બેન્કમાં હોઉ છું પેલો ડોસો એના બંગલામાં એકલો હોય છે એટલે ફેમિલીને પ્રોબ્લેમ થાય છે.’

રામખિલાવનને હવે ખ્યાલ આવી ગયો હતો કે ફેમિલી શબ્દ સાંભળીને આ બંનેને હસવું આવે છે એટલે એણે તરત વાક્ય સુધાર્યું ‘સવિતા બંગલામાં એકલી હોય છે અને ડોસો પાછળ આંટા મારે છે. આમ તો સવિતા આખો દિવસ બારણાં બંધ કરીને રૂમમાં જ પૂરાઈ રહે છે પણ કપડાં ધોવા માટે કે વાસણ ઘસવા માટે તો બહાર ચોકડીમાં આવવું પડેને?

એ કપડાં વાસણ કરવા બેસે એ વખતે પેલો તરત બહાર આવી જાય. બંગલો એનો છે એટલે પાછળની જગ્યામાં એ આંટા મારે એમાં એને રોકવો કઈ રીતે? જાણે આંટા મારતો હોય અને કસરત કરતો હોય એમ હળવે હળવે ચાલે અને એ વખતે એની કોડા જેવી આંખો તો સવિતાની સામે જ ખોડાયેલી હોય!

એ બાપડીએ થોડાક દિવસ જોયું પછી કાલે રડીને મને વાત કરી... હવે તમે જ કહો કે મારે શું કરવું?’

‘મકાન ખાલી કરી નાખવાનું’ નીલાંગે તરત રસ્તો બતાવ્યો. ‘ક્યારેક કંઈક બની જાય એ પછી માથાકૂટ કરવી એના કરતાં રાજીખુશીથી બીજું મકાન શોધી કાઢવાનું.’

‘એવું ના કરાય’ ગૌરાંગે તરત કહ્યું એક કામ કર. તારા બે-ચાર સગાંવહાલાંને સાથે રાખીને એ ડોસાને મળ એને સમજાવ કે આ ઉંમરે આવા ધંધા નથી શોભતા એના ઘરમાં બીજું કોણ કોણ છે?’

‘કોઈ નથી’ દુ:ખી અવાજે રામખિલાવન બબડ્યો. ‘ડોસી મરી ગઈ છે અને બધા સંતાનો અમેરિકા છે એટલે હરાયા ઢોરની જેમ અહીં એકલો રહે છે. રહેવા ગયા પછી આ વાતની ખબર પડી.’ સહેજ અટકીને એણે પોતાની મુશ્કેલી વર્ણવી. ‘મારા સગામાંથી કોઈને આ વાત કહેવાય એવી નથી.

દૂરનો કાકો છે એ પાણીપૂરી વેચે છે. બે મામા છે એ પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. એમને વાત કરીએ તો સીધી લડાઈ કરવી પડે. એ લોકો ધારિયા અને ગુપ્તી લઈને આવી જાય અને પ્રોબ્લેમ મોટો થઈ જાય.’

એણે આશાભરી નજરે બંને સામે જોયું. તમારા જેવા સમજદાર માણસો મારી સાથે આવે તો કંઈક શાંતિથી વાત કરીને ઉપાય વિચારી શકાય.’

‘નો પ્રોબ્લેમ.. કાલે રવિવાર છે. બારેક વાગ્યે આવી જઈશું.’ બંને વતી ગૌરાંગે ખાતરી આપી.

રવિવારે બાર વાગ્યે બોપલની બધી સોસાયટીઓ સૂમસામ હતી. રસ્તા ઉપર પણ પાંખો ટ્રાફિક હતો. ગૌરાંગ અને નીલાંગ બંગલામાં પ્રવેશ્યા અને સીધા રામખિલાવનના રૂમમાં ગયા.

સવિતા નીચું જોઈને બેઠી હતી. એણે આ બંનેને ફરીથી આખી વાત કહી અને કહેતાં કહેતાં રડી પડી. ‘મૂવો આંખો ફાડીને તાકી રહે છે. મારે કપડાં-વાસણનો ટાઇમ થાય એ જ વખતે એને આંટા મારવાનું સૂઝે છે!’

‘ચિંતા ના કરો.’ ગૌરાંગે ઊભા થઈને કહ્યું ‘અમે વાત કરીએ છીએ.’ રામખિલાવન અને નીલાંગ પણ ઊભા થયા. ત્રણેય ધીમા પગલે આગળ વઘ્યા અને બંગલાના મુખ્ય દ્વારે પહોંચ્યાં.

‘વડીલ, આમ તો સાવ નાનકડી વાત છે પણ આ માણસ મૂંઝાયો છે એટલે અમારે આવવું પડ્યું.’ રામખિલાવન સામે હાથ લંબાવીને ગૌરાંગે અરવિંદભાઈ સામે જોઈને સીધી વાત શરૂ કરી.

‘એની મિસિસ ગામડાની છે પણ અમુક સૂઝ તો ઇશ્વરે દરેક સ્ત્રીને જન્મની સાથે જ આપેલી હોય છે. એ બહેન કપડાં-વાસણ કરતાં હોય એ સમયે તમે બહાર આંટા મારો છો એને લીધે એ બાપડીને મૂંઝવણ થાય છે. પ્લીઝ, એના મનના સમાધાન માટે તમારો કસરતનો સમય બદલો તો સારું.

તમારા મનમાં કંઈ હોય નહીં અને એ બિચારી ગેરસમજથી સતત ફફડતી રહે છે. તમારા જેવા વડીલ અને સમજદારને આનાથી વિશેષ કંઈ કહેવાની જરૂર નથી લાગતી.’

‘મારી વાત સાંભળશો?’ અરવિંદભાઈએ સામે બેઠેલા ત્રણેયની સામે જોઈને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘બે દીકરા અમેરિકા છે. પત્ની અવસાન પામી છે અને અહીં હું એકલો છું એટલે મારા વિશે આવી ગેરસમજ થાય એ સ્વાભાવિક છે.

હકીકત એ છે કે બે દીકરા ઉપરાંત મારી એક દીકરી પણ હતી. અમેરિકામાં એ ડોક્ટર હતી. ગયા વર્ષે કાર અકસ્માતમાં એ મૃત્યુ પામી ત્યારે આઘાતથી પાગલ થઈ ગયો હતો.

યુપીનો આ છોકરો મકાન ભાડે રાખવા આવ્યો ત્યારે ભાડે આપવાની ઇચ્છા નહોતી એટલે પાંચ હજાર ભાડું કહીને મેં એને ફૂટાડી દીધો હતો. બીજા અઠવાડિયે એ એની પત્નીને લઈને આવ્યો ત્યારે મારું મગજ ચકરાઈ ગયું. જાણે મારી દીકરી સાક્ષાત સ્વર્ગમાંથી ઊતરીને આવી હોય એવું મને લાગ્યું.

એજ નિર્દોષ ચહેરો અને એ જ ભોળી આંખો! ખરેખર કુદરત ક્યારેક કમાલ કરે છે. અદ્દલ મારી દીકરી જેવો ચહેરો જોઈને હું હચમચી ઊઠ્યો અને મફતના ભાવમાં બે રૂમ ભાડે આપી દીધા.’

સહેજ અટકીને એમણે ત્રણેયની સામે નજર કરી ‘બાપને દીકરીનો ચહેરો જોવાનું મન થાય એ તો લાગણીની વાત છે. આખો દિવસએ બિચારી ઘરમાં પૂરાઈ રહે છે એટલે માત્ર એ કપડાં-વાસણ કરતી હોય ત્યારે એના ભોળા ચહેરાના દર્શનની તક મળે છે. એ છતાં એને અને તમને તકલીફ પડતી હોય તો હવેથી બહાર આંટા નહીં મારું.. બસ?’

ત્રણેય શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળતા હતા એ જોઈને એમણે ઉમેર્યું ‘એક બાપને પોતાની સ્વર્ગવાસી દીકરીના ચહેરાની ઝલક જોવાથી જે સુખ મળતું હતું એ મારા નસીબમાં નથી એમ માનીશ તમે જરાય ચિંતા ના કરતા.’

હવે શું બોલવું એ ત્રણમાંથી એકેયને સૂઝતું નહોતું. એકબીજાની સામે જોઈને ત્રણેય ઊભા થયા અને ધીમા પગલે બહાર નીકળી ગયા.

ત્રીજા દિવસે સવારે રામખિલાવન ઓફિસે આવ્યો ત્યારે ગૌરાંગ અને નીલાંગ એની રાહ જોઈને જ બેઠા હતા.

‘એક કામ કર’ ગૌરાંગના અવાજમાં આદેશ હતો. ‘આપણા સ્ટાફમાં કાંતિકાકા છે એના ફ્લેટમાં એક રૂમ-રસોડું ખાલી છે. સાંજે એમની સાથે જઈને નક્કી કરી આવ અને શનિ-રવિમાં મકાન બદલી નાખ.’

‘કેમ? અચાનક વિચાર કેમ બદલાયો?’ રામખિલાવનના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘તારા ભલા માટે...’ નીલાંગે ખુલાસો કર્યો.

‘રવિવારે એ ડોસાની વાતથી પ્રભાવિત થઈ ગયા હતા પણ કાલે તારી સોસાયટીના એક ભાઈ મળી ગયા એને પૂછ્યું. એ ડોસો સાવ હરામી છે, લબાડ છે અને જુઠ્ઠો છે એને કોઈ દીકરી છે નહીં અને હતી પણ નહીં... આખી વાર્તા એ નાલાયકે ઉપજાવી કાઢી હતી.

છ મહિના અગાઉ તારા જેવા જ કપલને આવી જ રીતે ભાડે આપેલું અને ડોસો બપોરે એના રૂમમાં ઘૂસી ગયેલો. બહુ મોટી બબાલ થયેલી અને પેલાએ આ ડોસાને ઝૂડી નાખેલો. તોય હજુ સુધર્યોનથી!’

રામખિલાવનનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું હતું.

(શીર્ષક પંક્તિ - લેખક)

જૂઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુધી?, સાચનો પડદો પડે ના ત્યાં સુધી.

જૂઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુધી?
સાચનો પડદો પડે ના ત્યાં સુધી?

ભારતના શ્રેષ્ઠ ઓર્થોપેડીક સર્જન ડો.ધોળકિયા જયારે હયાત હતા ત્યારની વાત છે. ગુજરાતમાંથી એક પેશન્ટ હાડકાંના જટિલ ફ્રેક્ચરની સારવાર માટે મુંબઇ ગયા. ડો.ધોળકિયાએ એક્સ-રે જોઇને એક જ સવાલ પૂછ્યો, ‘કહાં સે આતે હો?’ દર્દીએ જવાબ આપ્યો, ‘ગુજરાતસે.’


ડો.ધોળકિયા તરત જ ગુજરાતીમાં આવી ગયા, ‘તો પછી મારી પાસે દોડી આવવાની શી જરૂર હતી? ત્યાં ડો.સી.એમ.શાહ છે ને? આવો કેસ ભારતમાં મારા સિવાય માત્ર એક જ ડોક્ટર ટ્રીટ કરી શકે છે, એ છે ડો.સી.એમ.શાહ.’


ડો.સી.એમ.શાહ અસ્થિતંત્રમાં જાદુગર કહી શકાય. સાચા અર્થમાં જિનિયસ. ખોપરીમાં બુદ્ધિ ઠાંસી-ઠાંસીને ભરેલી. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે આ ઉક્તિ સાંભળવા મળે : ‘અકસ્માત થયો છે? હાડકાં ભાંગ્યા છે? તો સી.એમ.શાહ પાસે જાઓ. હાડકાંના ભલેને ગમે તેટલા કટકા થયા હોય, અરે, ચૂરો થયેલો હશે તોય શાહ સાહેબ એમાંથી ફરી પાછું હાડકું બનાવી આપશે!’


બસ, ડો.શાહનો એક માત્ર સદગુણ એટલે એમની તબીબી કુશળતા. સદગુણોની સરહદ અહીં સમાપ્ત થાય છે અને અવગુણોની યાદી શરૂ થાય છે. આ યાદી એટલી લાંબી છે કે એને સમાવવા માટે પૃથ્વી તો શું, આસમાન પણ નાનું પડે!


ડો.શાહને ઓળખનારા તમામ માણસો એ વાત જાણે છે કે એમના માટે પૈસો એ જ એકમાત્ર પરમેશ્વર છે. એમના અંગત શિથિલ ચારિત્ર્યની વાત જવા દઇએ તો પણ આ ડોક્ટરે એના દર્દીઓને લૂંટવામાં કશુંય બાકી નથી રાખ્યું. એમની કન્સિલ્ટંગ ફી જ એક હજાર રૂપિયા છે.


ડોક્ટર ગમે તેટલો હોશિયાર હોય તો પણ દર્દીને તપાસવાના હજાર રૂપિયાના બદલામાં એ કેટલું વળતર આપી શકે તે માત્ર ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનો નહીં પણ નૈતિકતાનો પ્રશ્ન છે.
એક વાર બહારગામના દર્દીએ એના સગાને ફોન કર્યો, ‘મારે ડો.શાહ સાહેબને મારો ખભો બતાવવો છે.


એપોઇન્ટમેન્ટ લઇ રાખશો?’ દર્દીના સગાએ શહેરમાં રહેતા હતા. તેઓ એપોઇન્ટમેન્ટ લેવા ગયા. રિસેપ્શનિસ્ટે ચોપડો તપાસીને સમય આપ્યો, ‘અઢાર દિવસ પછીના ગુરુવારે બપોરે ચાર વાગ્યે. કન્સલ્ટિંગ ફીનાં એક હજાર રૂપિયા ભરી દેવા પડશે.’


ગરજવાનને બીજો વિકલ્પ નથી હોતો. હજાર રૂપિયા ભરી દીધા. નિર્ધારિત દિવસે દર્દી આવી તો ગયા પણ એક કલાક મોડા પડ્યા. રિસેપ્શનિસ્ટે કહી દીધું, ‘તમારા પૈસા ડૂબી ગયા. બીજી એપોઇન્ટમેન્ટ તમને બાવીસ દિવસ પછીની મળી શકશે. એના માટે પણ તમારે બીજા હજાર રૂપિયા ચૂકવવાના થશે.’


દર્દીઓની હકડેઠઠ્ઠ ભીડ. સવારે સાત વાગ્યાથી શરૂ થતી ઓ.પી.ડી. મોડી રાત સુધી ચાલ્યા કરે. એમાં રોજના ચાર-પાંચ દર્દીઓ તો લીધેલો સમય જ ચૂકી જ જાય. એટલે રોજના પાંચ હજાર રૂપિયા તો એમને એમ ડોક્ટરના ગલ્લાંમાં જમા થઇ જાય. મહિને દોઢ લાખ રૂપિયા તો દર્દીઓને નહીં તપાસવાના મળે!


અને દર્દીઓ કેવા? ગરીબ, મહેનતકશ, રોજની મહેનતનું રોજ ખાનારા, ખેડૂતો, મજૂરો, લારીવાળા, રિક્ષાવાળા, શિક્ષકો, પટાવાળા, હવાલદારો..! હાથ-પગ ભાંગે એટલે આવવું પડે. શરીર અટકી પડે તો કમાવું ક્યાંથી? એમ તો ડો.શાહનું નર્સિંગ હોમ ધનવાન દર્દીઓથી પણ ઊભરાતું રહે, પણ એ બધાંને તો નાણાંની રેલમછેલ હોય.


એમની સરખામણી ગરીબ દર્દીઓ સાથે શી રીતે કરી શકાય? દેશનાં મોટા ભાગનાં ડોક્ટરો (બધાં નહીં) એમના ગરીબ અને ધનવાન દર્દીઓ વચ્ચે પૈસાની બાબતમાં જુદા જુદા માપદંડો રાખતા હોય છે.


પણ ડો.શાહ પાસે તમામ વર્ગોને મૂંડવા માટે એક જ અસ્ત્રો હતો. એમણે પોતાનાં અંગત શબ્દકોશમાંથી માનવતા, દયા, કરુણા, લાગણી, સહૃદયતા અને સેવાભાવ જેવા શબ્દો છેકી નાખ્યા હતા.


શહેરના સમજુ નાગરિકો ઘણીવાર ડો.શાહની કમાણી વિશે ચર્ચા કરતાં. ‘કેટલું કમાયા હશે શાહ સાહેબ? એક-બે કલાક? કે વધારે?’ જવાબમાં કોઇ જાણભેદુ માહિતી આપતો, ‘કરોડોની નહીં, સાહેબ, અબજોમાં વાત કરો!


એમની પાસે આવતા દરેક દર્દીનું ન્યૂનતમ બિલ એક લાખ રૂપિયાનું બને છે. એમની પાસે સેન્ટ્રલી એરકન્ડિશન્ડ નર્સિંગ હોમ, વિશાળ બંગલાઓ, એકરોની એકરો જેટલી જમીન, હીરાનું ઝવેરાત અને ગ્રામ કે તોલામાં નહીં પણ કિલોગ્રામમાં આપી શકાય એટલું સોનું છે.’


‘સમાજે એમને આટલું બધું આપ્યું, એના બદલામાં ડો.શાહે સમાજને શું આપ્યું?’ પૂછનારે પૂછ્યું.


‘કશું જ નહીં. આટલી ધીકતી પ્રેકિટસ પછી પણ આ માણસે એક પણ પૈસો સામાજિક સેવાનાં કામમાં ખર્ચ્યો નથી. ક્યારેય કોઇ પણ મેડિકલ કેમ્પમાં એણે સેવા આપી નથી. કોઇ જાહેર ફંકશનમાં એણે હાજરી આપી નથી. શહેરનાં એક પણ પરિવાર સાથે એને ઊઠવા-બેસવાનો વહેવાર નથી.’ માહિતી આપનારે જવાબ આપ્યો.


માહિતી તદ્દન સાચી હતી. ડો.શાહનો સર્વ પ્રથમ સગો પૈસો હતો અને આખરી સગો પણ પૈસો હતો. એવું લાગતું હતું કે જાણે ઈશ્વરે જ એને એવો આદેશ આપીને પૃથ્વી ઉપર ફેંક્યો હોય કે ‘જા, બેટા! દીઘાર્યુષી બનજે અને જિંદગીની એક-એક ક્ષણનો ઉપયોગ ધન કમાવા માટે કરજે!


હું તને અલભ્ય ગણાય તેવી બુદ્ધિમતા આપું છું, તેનો ઉપયોગ તું ગરીબ, અભણ અને મજબૂર દર્દીઓને લૂંટવા માટે કરજે.’ કોઇના મનમાં પ્રશ્ન ઊઠશે કે ખરેખર જગતમાં કોઇ આવી વ્યક્તિ હોઇ શકે?! હા, હોઇ શકે નહીં, પણ છે! ડો.શાહને જાણનારા હજારો દર્દીઓ અને લાખો ત્રાહિત માણસો એકી અવાજે આ વિધાનમાં સંમત છે. એમના જ શહેરમાં પ્રેકિટસ કરી સેંકડો તબીબો પણ આવો જ મત ધરાવે છે. ત્યાંના ખ્યાતનામ અને વરિષ્ઠ તબીબનો અનુભવ તો ચોંકાવી મૂકે તેવો છે. એમણે એક વાર ફોન કર્યો. ડો.સી.એમ.શાહની રિસેપ્શનિસ્ટે ઉપાડયો, ‘શું કામ છે?’


‘તમારા સાહેબ સાથે વાત કરવી છે.’


‘સાહેબ ફોન ઉપર કોઇની સાથે વાત નથી કરતા.’ ‘પણ હું કોઇ નથી, હું પણ કન્સલ્ટન્ટ ડોક્ટર છું. મારું નામ...’


‘ઠીક છે! તમારે શાના વિશે વાત કરવી છે?’ ‘અરે, બહેન, મારે તો માત્ર તારા સાહેબને ‘વિશ’ કરવું છે. આજે એમનો બર્થ ડે છે ને! એટલા માટે ફોન કર્યો છે.’


ડોક્ટરનો ઉદ્દેશ જાણ્યા પછી રિસેપ્શનિસ્ટ પાસે હવે કોઇ દલીલ બચી ન હતી. એણે ડો.શાહને માહિતી આપી. ડો.શાહે છાશિયું કર્યું, ‘એને કહી દે કે મને ડિસ્ટર્બ ન કરે! હું છ દાયકા પહેલાં આજની તારીખે જન્મેલો એ એક બાયોલોજિકલ ઘટના હતી, આજે આટલા વર્ષો પછી એનું શું છે?


ફોન કાપી નાખ! મારા બેટા ડોક્ટરો પણ હાલી નીકળ્યા છે!!’ આ વાત પૂરા શહેરમાં ફેલાઇ ગઇ. તમામ ડોક્ટરોએ એ જ દિવસે ડો.સી.એમ.શાહના નામનું નાહી નાખ્યું.


માણસ ગમે તેટલો મેધાવી ભલેને હોય, પણ સમાજથી આટલો અલિપ્ત અને રુક્ષ બનીને કેવી રીતે જીવી શકે?!
………


ઉપરના સવાલનો જવાબ આપવા માટે જ જાણે એક ઘટના બની! ગામડાં ગામનો ગરીબ યુવાન. વાહનની ઠોકરમાં એનો પગ ભાંગ્યો. એક હજાર રૂપિયા ભરીને ડો.શાહ પાસે નિદાન કરાવ્યું. સાહેબે કહ્યું, ‘તારા ગોઠણની ઢાંકણીનું ફ્રેક્ચર છે. ઓપરેશન કરાવવું પડશે. સાડા ત્રણ લાખ લઇશ.’


બાપડા ખેતમજૂર માટે ચાલતાં થવું જરૂરી હતું. અડધું ખેતર વેચી નાખ્યું. ઓપરેશન કરાવી લીધું. પણ સારું ન થયું. ડોક્ટરે દિલાસો બંધાવ્યો, ‘થોડાં દિવસો જવા દો, પછી ચાલી શકાશે.’ થોડાંકને બદલે ઝાઝા દિવસો પસાર થઇ ગયા, પણ દર્દી પગભર ન થયો.


મહિનો, બે મહિના, ત્રણ મહિના ઊડી ગયા. ડો.શાહને પણ ખ્યાલ આવી ગયો કે ઓપરેશન સફળ નથી થયું. હવે તો એમની પાસે જવાબો પણ ખૂટયા હતા, એટલે એમણે એપોઇન્ટમેન્ટ આપવાનું જ બંધ કરી દીધું.દર્દીની ખોપરી હટી ગઇ.


ફોન ઉપર બનાવટી નામ આપીને એણે મુલાકાતનો સમય મેળવી લીધો. પછી એના એક હટ્ટા-કટ્ટા સગાને સાથે લઇને પહોંચી ગયો ડોક્ટરના કન્સિલ્ટંગ રૂમમાં. ચાલવા માટે ટેકા તરીકે બે હોકીની લાકડીઓ પણ લીધેલી હતી. બારણું અંદરથી બંધ કરીને એમણે ચૌદમું રતન ચખાડવાનું શરૂ કર્યું.


ડો.શાહને લોહીલુહાણ કરી નાખ્યા. જો રિસેપ્શનિસ્ટે પોલીસને ન બોલાવી લીધી હોત તો ડો.શાહ અવશ્ય નર્કસ્થ બની ચૂક્યા હોત! પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી. પેલાઓએ ભાગવાની કોશિશ પણ ન કરી. એમણે તો ડો.શાહની અસલિયત જગજાહેર કરવી હતી તે કરી દીધી.


ખુદ પોલીસ સ્ટેશનમાં હવાલદારે પણ પેલા દર્દીની પીઠ થાબડી, ‘ભાઇ, બહુ સુંદર કામ કર્યું. જે અમારે કરવા જેવું હતું તે કામ તમે કરી દીધું.’ શહેરની કુલ પાંચ-છ લાખની વસતીમાંથી એક પણ માણસ એવો નથી જે આ ઘટનાથી રાજી ન થયો હોય. ડોક્ટરો પણ ડો.શાહની સાથે નથી.


કોઇકે તો વળી નવતર જાતની હેલ્પલાઇન શરૂ કરી છે : ‘શહેરની જનતાને અમારી વિનંતી છે, શું તમે પણ ડો.સી.એમ.શાહની ઉઘાડી લૂંટનો ભોગ બનેલા છો? તો અમારો સંપર્ક કરો. અમે તમને ન્યાય અપાવીશું.’ડો.શાહ અત્યારે ભાંગી-તૂટી હાલતમાં અબજો રૂપિયાના ડુંગર પર બેસીને જિંદગીનું સરવૈયું તપાસી રહ્યા છે.


(સત્ય ઘટના. નામફેર સાથે)
શીર્ષક પંક્તિ: જયંત પાઠક

એક રિશ્તા બનાયા ઝમાને લગે,

એક રિશ્તા બનાયા ઝમાને લગે,
તોડને મેં ફક્ત કુછ બહાને લગે.


મેવાલાલની ચાલીના નાકા આગળ આવીને શેઠ મલકચંદ માલપાનીની બીએમડબલ્યૂ કાર ઊભી રહી ગઇ. શોફરે હાથ ઊંચા કરી દીધા, ‘શેઠ સાહેબ, ગાડી અહીંથી આગળ નહીં જાય. તમારે અહીંયા જ ઊતરી જવું પડશે.’


‘કેમ?’ પાછલી સીટ ઉપર યુવાન પુત્ર સંવનનની બાજુમાં બેઠેલા અને પોણી સીટમાં પથરાયેલા મલકચંદે પૂછી લીધું.


‘ચાલી સાંકડી છે અને આપણી ગાડી મોટી છે.’


‘તો પછી ગાડીને પાછી લઇ લો! આ શહેરમાં પગે ચાલવું એ મારી શાનની ખિલાફ છે. ગાડી પાછી વાળ!’


બાજુમાં બેઠેલો સંવનન ‘પપ્પા, પપ્પા’ કરતો રહ્યો અને શોફરે એક ખુલ્લી જગ્યા જોઇને ગાડીનું સ્ટીયિંરગ ઘુમાવી લીધું. દસ મિનિટ બાદ બાપ-દીકરો એમના પેલેસિયલ બંગલાના વાતાનુકૂલિત ખંડમાં ગરમગરમ અંગારા જેવી દલીલબાજી કરતા હતા.


‘પપ્પા, આ તમે શું કર્યું? આપણે છોકરીના ઘરે જઇ રહ્યા હતા. થોડુંક ચાલી નાખવામાં આપણું શું જતું હતું?’


‘શું જતું હતું? અરે મૂરખ, એમ પૂછે કે શું બાકી રહેતું હતું! આખું શહેર શેઠ મલકચંદની સંઘર્ષગાથા જાણે છે. ફૂટપાથ ઉપર રખડતો-ભટકતો મલકો કેવી રીતે કડકામાંથી કરોડપતિ બન્યો એનું દ્રષ્ટાંત હવે તો બિઝનેસ મેનેજમેન્ટના વર્ગખંડોમાં ભણાવાય છે.


આ માથા પરના નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું વાળ બપોરના તડકામાં શેકી-શેકીને કાળામાંથી ધોળા કરી નાખ્યા, ત્યારે મારી તિજોરીમાં ધોળામાંથી કાળાં થયેલાં નાણાં આવ્યાં છે.’


‘પણ આપણા ધનને અને કન્યાના ઘરને શો સંબંધ છે, પપ્પા?’


‘સંબંધ છે, કુંવર, સંબંધ છે. આજે આ શહેરમાં મારું નામ છે. રાજ્યના મોટા-મોટા પ્રધાનો આ શહેરમાં આવે છે ત્યારે હું એમને મળવા નથી જતો, એ લોકો લાલબત્તીવાળી ગાડીમાં બેસીને આપણા ઘરે આવે છે. એવો શેઠ મલકચંદ સામે ચાલીને એક સામાન્ય ચાલીમાં રહેતા ભૂખડી બારશ જેવા બાપના ઘરે જવા તૈયાર થયો.


શા માટે? માત્ર પોતાના દીકરાનું મન રાખવા માટે, સમજ્યો? પણ મને ખબર ન હતી કે એ છોકરી મને રોડ ઉપર લાવી દેશે. ના, મારાથી પગે ચાલીને એના ઘરે નહીં જઇ શકાય. હવે એક પણ શબ્દની દલીલ ન જોઇએ મારે.’


‘પણ પગે ચાલવાની વાત એમાં ક્યાં આવી? આપણે રિક્ષામાં બેસીને જઇ શકતા હતા ને?’


‘એમ તો ઊંધા માથે, શીર્ષાસન કરતાં કરતાં પણ જઇ શકાય છે... જો એટલી બધી ગરજ હોય તો!’ મલકચંદ શેઠની વાણી કટાક્ષમાં ઝબોળાયેલી હતી.


સંવનનને લાગ્યું કે આ સમય સાચવી લેવા જેવો હતો. બાપ નામનો બોમ્બ અત્યારે વિસ્ફોટના આરે આવી ઊભો હતો. એક વાર જો એ બોમ્બ ફાટ્યો તો પછી વાદ-વિવાદ કે સંવાદ માટે કોઇ જ અવકાશ બચતો ન હતો.


માંડમાંડ તો પોતે પપ્પાને પોતાની પ્રેમિકાના ઘરે જવા માટે રાજી કર્યા હતા. ત્યાં આ સાંકડી ચાલીના અપશુકન કાળી બિલાડીની પેઠે આડા ઊતર્યા. સંવનને હાલ પૂરતો યુદ્ધવિરામનો સફેદ ઝંડો ફરકાવી દીધો.


સંવનન પ્રેમમાં હતો. સિફત શ્રીમાળી નામની યુવતી કોઇ સામાન્ય કન્યા નહોતી, પણ કુદરતનો સર્વશ્રેષ્ઠ કરિશ્મા હતી. કોલેજમાં રોજ નવી-નવી કારમાં બેસીને આવતો મલકચંદ શેઠનો આ યુવરાજ પગે ચાલીને આવતી આ ચાલીની રાજકુંવરીનાં પ્રેમમાં પડી ગયો. આંખો બંધ કરીને આગળ-પાછળના કશા જ વિચારો કર્યા વગર એ ઊંધેકાંધ પ્રેમમાં પડ્યો.


સિફતે પહેલી જ મુલાકાતમાં સ્પષ્ટતા કરી દીધેલી, ‘સંવનન, હું ખૂબ ગરીબ ઘરની છોકરી છું. દસ-બાય-દસની એક જ ઓરડીમાં અમારો ચાર જણાનો પરિવાર જીવે છે. મારા ઘર કરતાં તો તારો બાથરૂમ મોટો હશે.’


‘તો શું થઇ ગયું! મારું દિલ મારા ઘર કરતાંયે મોટું છે. એમાં આવી દુન્યવી બાબતોને બાદ કર્યા પછી પણ તારે રહેવા માટે ઘણી બધી ખાલી જગ્યા છે. રૂપાળી છોકરીઓનો વર્તમાન દરિદ્ર હોઇ શકે, પણ એમનું ભવિષ્ય હંમેશાં સમૃદ્ધ હોય છે. તું ચિંતા ન કર. હું મારા પપ્પાને મનાવી લઇશ. પપ્પા જરાક ઘમંડી છે, પણ એ મને ચાહે છે. મને લાગે છે કે પપ્પા માની જશે.’


સંવનનની અડધી ધારણા સાચી પડી, અડધી ખોટી. થોડા દિવસો બાદ જ્યારે એણે પપ્પા આગળ સિફત સાથેના પ્રેમસંબંધ વિશે વાત રજૂ કરી, ત્યારે પહેલો સવાલ શેઠજીએ આ જ પૂછ્યો, ‘છોકરીનાં રૂપની વાત છોડ, એના કુળની વાત જણાવ.


એનો બાપ શું કરે છે? કેટલી ફેક્ટરીઓનો એ માલિક છે. એના બંગલાઓની સંખ્યા કેટલી છે અને એ ક્યાં-ક્યાં આવેલા છે? છોકરી કોલેજમાં કઇ ગાડીમાં બેસીને આવે છે, મર્સિડીઝમાં કે બીએમડબ્લ્યૂમાં?’


સંવનન નિરુત્તર હતો. એ વખતે તો ચર્ચા અધૂરી રહી. પણ થોડાક દિવસ બાદ લાગ જોઇને ફરીથી સંવનને વાત છેડી, ‘પપ્પા, તમે છોકરીના પૈસા વિશે કેમ પૂછ-પૂછ કરો છો? આપણી પાસે મબલક ધન છે, પછી એના બાપના પૈસાનું આપણે શું કામ છે? તમે એક વાર એના ઘરે જઇને એના પપ્પાને મળો તો ખરા! નહીંતર પછી આપણે એ લોકોને આપણા બંગલે બોલાવીએ.’


‘ના, એમાં તો આપણી આબરૂના ધજાગરા થાય. એના કરતાં આપણે જ એના ઘરે જઇ આવીશું.’ કહીને છેવટે શેઠ મલકચંદ સંમત થયા. પણ આખરે છેલ્લે ઘડીએ બધું ઊંધું વળી ગયું. ચાલીમાં દાખલ થવાનો સાંકડો માર્ગ અને શેઠજીની મોટી, લાંબી, પહોળી કાર, આ બે પરિબળોએ સંવનન-સિફતનો બંધાઇ રહેલો માળો વિખેરી નાખ્યો.


ફરી એક વાર સંવનન ગમ ખાઇ ગયો. ઈશ્વર નામના ન્યાયાધીશ પાસેથી જિંદગીની અદાલતમાં મહોબ્બતનો કેસ લડવા માટે ફરી એક વાર એણે મુદત માગી લીધી. પંદરેક દિવસ પસાર કરી નાખ્યા પછી સંવનને નિર્ધાર કરી નાખ્યો કે આજે તો કિસ્મતની ક્રિકેટ મેચની આખરી ઓવર રમી જ નાખવી.


બપોરના સમયે એ પિતાની ઓફિસમાં જઇ પહોંચ્યો. શેઠ મલકચંદ માલપાની લંચ પેટે પાંચ લાખનો ધંધો કરીને વામકુક્ષી કરતાં ખુરશીમાં બેઠા હતા. દીકરાને આવેલો જોઇને એમણે અધખુલ્લી આંખો સાથે પૂછ્યું, ‘બોલ, બેટા! કેટલા રૂપિયાની જરૂર પડી?


દસ-પંદર હજાર જેટલા પરચૂરણ માટે તો તારે મારા સુધી આવવું જ નહીં. બહાર બેઠેલા એકાઉન્ટન્ટ પાસેથી જ...’


‘હું પૈસા માટે નથી આવ્યો, પપ્પાજી! હું પૂછવા માટે આવ્યો છું કે આપણે સિફતના પપ્પાને મળવા ક્યારે જવાના છીએ!’ મલકચંદ ઢળેલા હતા એમાંથી સહેજ બેઠા થયા, ‘તું હજુ સુધી એ છોકરીને ભૂલ્યો નથી? મેં તો તારા માટે એક-એકથી ચડિયાતી કન્યાઓ શોધવાનું શરૂ પણ કરી દીધું છે.’


‘તો એ કામ બંધ કરી દો, પપ્પા! તમારો સંવનન જો લગ્ન કરશે તો માત્ર સિફત સાથે. મેં એને પ્રેમ કર્યો છે, રમત નહીં. અમારો પ્રેમ સાચો છે. એને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે દોલત જોડે જરા પણ નિસ્બત નથી.’


‘મતલબ? જેની શેરીમાં તારી ગાડી ન જઇ શકે ત્યાં તું પોતે..?’


‘મારી ગાડી ન કહો, પપ્પા! એ તમારી ગાડી છે. અને તમને જો તમારી ગાડી વિશે આટલો બધો અહંકાર હોય તો બેસી રહો એને બાથ ભરીને... જિંદગીભર... દીકરા વગર... એકલા...’


‘એટલે તું કહેવા શું માગે છે? તારા બાપની મનાઇની ઉપરવટ જઇને પણ તું એ જ છોકરીની સાથે લગ્ન કરવાનો છે?’ પપ્પા ત્રાડૂક્યા.


‘હા, મેં નિર્ણય કરી નાખ્યો છે. તમે મારા પિતા છો તો એ મારી પ્રેમિકા છે. અડધી જિંદગી મેં તમારી સાથે પસાર કરી, હવે પછીની જિંદગી હું એની સાથે ગુજારીશ.’ સંવનનની જીભ પરથી ખુમારી ટપકતી હતી.


‘ઘર છોડતાં પહેલાં ફરી એક વાર વિચારી લેજે, બાપની મિલકતમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે!’ શેઠ મલકચંદ માલપાનીએ માલપાણીની લાલચ દેખાડી.
‘જોઇતી પણ નથી.


હું જાઉ છું, પપ્પા! તમારી દૌલત તમને મુબારક. હું દુનિયાને બતાવી આપીશ કે પ્રેમ પાત્ર જોઇને થાય છે, પૈસો જોઇને નહીં.’ સંવનન પગ પછાડતો નીકળી ગયો. પાછું વળીને જોવા પૂરતોય ન રોકાયો. મહોબ્બતની ઝૂંપડી આગળ મલકચંદનો મહેલ ઝાંખો પડી ગયો.


બે કલાક પછી સંવનન એની પ્રેમિકાની સાથે એક બગીચામાં બેઠો હતો, ‘સિફત, આખરે હું આવી ગયો છું... તારી પાસે... બધું છોડીને... પપ્પા, પૈસા, પ્રતિષ્ઠાનો દંભ બધું ત્યાગીને! લગ્નપછી આપણે બંને જણાં કામકરીશું, સંઘર્ષ કરીશું, એક-એક તણખલું ભેગું કરીને આપણો સંસાર સજાવીશું.’


એક આંચકા સાથે સિફતે એના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો, શું?! તું તારા બાપની તમામ સંપત્તિને ઠોકર મારીને આવ્યો છે? આપણે લગ્ન કરીને એ મોટા બંગલામાં નથી જવાનું? ભાડાનું ઘર? બે-અઢી હજારની નોકરી? પ્રેમના નામ પર જુવાનીના બે-ત્રણ દાયકાનું બલિદાન?


ઓહ નો! સંવનન, આઇ એમ સોરી! હું આવા મુફલીસીભર્યા પ્રેમમાં તસુભાર પણ વિશ્વાસ ધરાવતી નથી. આવા મુરતિયા તો મારી ચાલીમાંથીયે મળી રહે છે. સંવનન મારું સૌંદર્ય સંઘર્ષ માટે નથી સર્જાયું. એ તો સર્જાયું છે સોદાબાજી માટે. મારું રૂપ અને સામેવાળાના રૂપિયા. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? બાય, સી યુ નેવર ઇન ધીસ લાઇફટાઇમ..!


અને સિફત ઊડી ગઇ. સૌંદર્યને સંકોરતી, સ્વાર્થને વિખેરતી, રસ્તા પર આવી ગયેલા પ્રેમીને ઊભો રાખીને, કોઇ મહેલમાં બેઠેલા માલદાર મુરતિયાની તલાશમાં એ સિફતપૂર્વક ઊપડી ગઇ.


(શીર્ષક પંક્તિ : કિશન સ્વરૂપ)