‘પરી !’ મારી આંખો આશ્ચર્યથી પહોળી થતી. પપ્પાએ મને મનગમતું રમકડું લાવી આપ્યું હોય એમ હું તેમને વળગી પડતો, ‘પરીની વાર્તા ! પરીની વાર્તા !’ અને પપ્પા પરીની વાર્તા શરૂ કરતા, ‘ઘણાં ઘણાં વરસો પહેલાંની વાત છે, એક રાજા હતો. ખૂબ જ ભલો રાજા !’
‘પપ્પા ! પરી કેવી હોય ?’ હું વચ્ચે ટપકી પડતો. પપ્પા મને ટોક્યા વિના કહેતા, ‘સુંદર ! સૌથી વધુ સુંદર !’ અને વાર્તા આગળ ધપાવતા, ‘રાજાને બે કુંવર. તારી જેવા જ. રૂપાળા ને ડાહ્યા. રાજા તો રાજકુમારોને ખૂબ લાડથી ઉછેરે. ને કુંવરોય દિવસે ન વધે એટલા રાતે વધે ને રાતે ન વધે એટલા દિવસે…….’
‘પરીને પાંખો હોય, પપ્પા ?’
‘હા, બેટા !’ પપ્પા હસીને જવાબ આપતા અને હું ફરી નવો પ્રશ્ન વિચારવા લાગતો.
‘સમય વીતતો ગયો. બંને રાજકુમારો યુવાન થયા. એવામાં એક દિવસ રાજાના મહેલમાં….’
‘….આકાશમાંથી એક પરી ઊડીને આવી, સાચું ને પપ્પા ?’
પપ્પા મારે માથે વ્હાલથી હાથ ફેરવતા અને મારી આંખોમાંથી છલકાતા કુતૂહલને ઝીલી લેતા, ‘રાજાના મહેલમાં….. આવ્યો એક….. ગરીબ બ્રાહ્મણ…..’
મારું કુતૂહલ અધીરાઈમાં પલટાતું. હું અકળાઈ ઊઠતો, ‘પપ્પા ! પરી ક્યારે આવશે ?’
પપ્પા મને ધીરજ બંધાવતા, ‘ધીરો થા, દીકરા ! ધીરો થા ! હમણાં આવશે !’ હું પપ્પાની વાતમાં વિશ્વાસ દાખવતાં વધુ ધ્યાનથી સાંભળતો.
‘રાજાએ બ્રાહ્મણની આગતા-સ્વાગતા કરી. બ્રાહ્મણને એક વાતનું ભારે દુ:ખ ! બ્રાહ્મણને એક દીકરી. જુવાન પણ કદરૂપી…..’ મારા ચહેરા પર અણગમો છવાતો. પપ્પા મારા પ્રશ્નની વાટે સહેજ અટકતા. પણ હું ચુપચાપ, એકીટશે તેમના ઉઘાડ-બંધ થતા હોઠને નિહાળતો રહેતો. જાણે હમણાં ત્યાંથી જ પેલી પરી બહાર આવવાની હોય !
‘બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નો’તું. રાજાએ બ્રાહ્મણને દુ:ખ દૂર કરવાનું વચન આપ્યું. બેય રાજકુમારોને બોલાવ્યા. બધી વાત કરી. બેમાંથી એક રાજકુમારને બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા આજ્ઞા કરી. મોટા રાજકુમારે તો કદરૂપી છોકરી વિશે સાંભળીને ના જ પાડી દીધી. પણ નાના રાજકુમારને તો પિતા પર બહુ પ્રેમ. તે તો પિતાની કોઈ વાત ન ટાળે. તેણે રાજાની આજ્ઞા માની. ને કદરૂપી બ્રાહ્મણપુત્રી સાથે લગ્ન કર્યાં.’ હું મારા ખૂટતાં જતાં વિશ્વાસ અને ધીરજને માંડમાંડ જાળવતો. પપ્પા મારી અકળામણ પારખી લેતાં. છતાં તેમનો ચહેરો મારી કસોટી કરતો હોય તેમ વધુ ગંભીર બનતો,
‘…..લગ્ન પછી પહેલીવાર રાજકુમાર એ કદરૂપી છોકરીને મળવા ગયો. તેની આંખોમાં રાજકુમાર માટે અપાર પ્રેમ હતો. તેણે રાજકુમાર તરફ એક હાથ લંબાવ્યો. રાજકુમારે તેના લંબાવેલા હાથને પોતાના હાથમાં લીધો અને…..’ પપ્પાના ચહેરાની ગંભીરતા અચાનક રંગ બદલતી. તેમના મુખ પર મને ખૂબ જ ગમતા આશ્ચર્ય અને ખુશીના ભાવ એકસાથે આવતા. પપ્પા મને કંઈ વિચારવાનો કે બોલવાનો સમય ન મળવા દેતા.
‘……અને ચમત્કાર થયો…. એ કદરૂપી છોકરી…. બની ગઈ એક પરી……’
હું ખડખડાટ હસી પડતો. તાળીઓ પાડી ઊઠતો અને પપ્પાના ગળે વળગી પડતો. પપ્પા સહેજ અટકી મને ખુશી વ્યક્ત કરવાનો પૂરો સમય આપતા. પછી હું પરીનું વર્ણન સાંભળવા તેમના ચહેરાની એકદમ નજીક મારો ચહેરો લઈ જતો.
‘….રૂપરૂપના અંબાર જેવી પરી…. ફૂલની પાંદડી જેવું કુમળું પરીનું શરીર…. ચાંદની જેવો ઊજળો રંગ… આકાશના તારલા જેવી ચમકતી આંખો….’
‘અને પાંખો કેવી, પપ્પા ?’ હું મારા બંને હાથ પહોળા કરી પાંખોની જેમ હલાવી પૂછતો.
‘પાંખો ? પાંખો તો વાદળ જેવી પોચી…’ વળી પપ્પા મારા અચરજને વધારતા જ રહેતા, ‘પરી હસે ત્યારે તેના મોંમાંથી ફૂલ ઝરે. પરી રડે ત્યારે તેની આંખોમાંથી આંસુને બદલે મોતી ખરે…..’
‘પપ્પા, પપ્પા ! પરી જાદુ કરી શકે ?’
‘કરી શકેને, બેટા ! પણ પરી જાદુથી કોઈનું બૂરું ન કરે, બધાંનું ભલું જ કરે. એટલે તો પરીના જાદુથી કોઈ ન બચી શકે. પરીનો જાદુ તો બધાં પર ચાલે……’ અને… બીજા કોઈ પર ચાલે ન ચાલે મારા પર પરીનો જાદુ છવાઈ જતો. મારી આંખો મીંચાઈ જતી. હું ખોવાઈ જતો પરીનાં શમણામાં………
હું મોટો થયો, વાર્તાના રાજકુમારની જેમ જ; પછી ન પપ્પા વાર્તા કહેતા, ન હું સાંભળતો. છતાં પણ ન તો હું એ પરીની વાર્તા ભૂલ્યો હતો કે ન તો પપ્પા એ પરીની વાર્તા ભૂલ્યા હતા. હા, ન તો મને એ યાદ હતું કે મેં પરીની વાર્તા કેટલીવાર સાંભળી છે, ન તો પપ્પાને યાદ હતું કે તેમણે પરીની વાર્તા કેટલીકવાર સંભળાવી છે. અને તોય મારા મન પરથી પરીનો જાદુ ઓસર્યો ન હતો.
પપ્પા જ્ઞાતિમાં તેમના ઓળખીતામાં મારા લગ્નની વાત ચલાવતા. ઘણી જગ્યાએ સામેથી પણ વાત આવતી. કન્યા જોવાનું ગોઠવાતું. મને કોઈ કન્યા પસંદ ન પડતી. કોઈ છોકરી મારી અપેક્ષાઓ પર ખરી ન ઊતરતી. કોઈ વખત હું સહેજ રસ દાખવું તો સામેના પક્ષેથી વાત આગળ ન વધતી. વરસો વીતતાં રહેતાં હતાં. મારી ઉંમર અને પપ્પાની ચિંતા વધતી જતી હતી. પણ પપ્પા મને તેમની ચિંતા દેખાવા ન દેતા. પપ્પા વાસ્તવિકતા સમજતા હતા. મારો આળસુ અને કલ્પનાશીલ સ્વભાવ જાણતા હતા કે જેને લીધે જ મેં જીવનમાં કંઈ ખાસ પ્રગતિ સાધી ન હતી. બી.એસ.સી. બી.એડ હોવા છતાં હું એક પ્રાથમિક શિક્ષકની નોકરી માંડ મેળવી શક્યો હતો. તેમાં પણ પહેલાં પાંચ વર્ષ માટે વિદ્યાસહાયક તરીકે રૂ. 2500ના ફિક્સ પગારમાં !
પપ્પા નિવૃત્ત થઈ ગયા પછી સગાસંબંધી અને ઓળખીતાંય ઓછાં ઠેકાણાં ચીંધતાં. પપ્પા મને પ્રેમથી સમજાવતા, ‘જે કામ સમયસર થાય એ જ શોભે !’
‘પણ કોઈ ઢંગનું પાત્ર તો મળવું જોઈએ ને !’ હું દલીલ કરતો.
‘કેમ શીલામાં શું વાંધો છે ?’
‘એ તો કાળી છે !’ હું મોં ફૂલાવી જવાબ આપતો. મારા ચહેરા પર અણગમાના ભાવ ઊપસતા. પપ્પા આશાભર્યા સ્વરે યાદ કરાવતા, ‘તો કાજલ ? એ તો ગોરી છે ને !’
‘….પણ પપ્પા ! કાજલ તો સાવ ઠીંગણી છે !’
‘…..પુષ્પા…. જાડી, ખ્યાતિ…. વધારે પડતી પાતળી, ગીતા…. બહુ ઓછું ભણેલી. પપ્પા એક પછી એક મેં જોઈને રિજેક્ટ કરેલી છોકરીઓનાં નામ લેતા જતાં અને હું તેમને રિજેક્ટ કરવાનાં કારણો આપતો જતો. ન તો હું પપ્પાની ઉતાવળનું કારણ સમજી શકતો, ન તો તેમના અવાજમાં ભળેલી નિરાશાને પામી શકતો. કેમ કે પપ્પા મજાકમાં કહેતા હોય તેમ બોલતા, ‘બેટા, આછું-ડોળું પાત્ર જોઈ પરણી જવાય ! આમ પણ લગ્નની ચોરીનો ધુમાડો ખાધા પછી કોઈપણ કન્યા રૂપાળી બની જાય છે…… પરી જેવી !’ મને તરત પરીની વાર્તા યાદ આવતી. પરીનું વર્ણન કરતો પપ્પાનો કરચલી વિનાનો ચહેરો મારી આંખો આગળ તરવરી ઊઠતો. અને હું પરીના જાદુમાંથી બહાર ન નીકળી શકતો.
પપ્પા ગયા. મને મા વિનાના દીકરાને એકલે હાથે મોટો કર્યો, નોકરીએ ચડાવ્યો, પરણાવ્યો અને સાવ અચાનક જ. ડૉક્ટર સાહેબે પપ્પાના અવસાનથી એકાદ મહિના પહેલાં જ નિદાન કર્યું હતું, ‘બ્લડ કેન્સર છે, હજી છ-સાત મહિના ખેંચી શકશે ! પણ વધુ…..’ હું સ્તબ્ધ થઈ ગયો હતો. પહેલીવાર મને સમયનું મહત્વ સમજાયું હતું. મને ઊંડો આઘાત લાગ્યો હતો. પણ હું જાણતો હતો કે પપ્પાની ખુશી માટે મારું ખુશ રહેવું જરૂરી હતું. મેં આંખો મીંચીને સુધા સાથે લગ્ન કરી લીધાં. જેને મેં પહેલાં જોઈ ત્યારે, ‘કાળીય છે ને જાડીયે છે….’ – કહી રિજેકટ કરી હતી. પરંતુ પપ્પાને તે ગમેલી. પપ્પા મને સ્હેજેય ફોર્સ કર્યા વિના, માત્ર તેમનું મંતવ્ય આપતા હોય તેમ બોલ્યા હતા, ‘સંસ્કારી છોકરી છે અને કુટુંબ પણ જાણીતું છે.’ મેં પપ્પાની બીમારીની વાત જાણ્યા બાદ, સુધા સાથે લગ્નનો નિર્ણય કર્યો ત્યારે પણ પપ્પાએ મને પાસે બેસાડી પૂછ્યું હતું :
‘બેટા, મારે માટે ઉતાવળ તો નથી કરતો ને ?’
‘ના પપ્પા ! એવું કંઈ નથી. આમ પણ તમે જ કહો છો ને કે ચોરીનો ધુમાડો ખાઈને કોઈપણ કન્યા રૂપાળી બની જાય છે, પરી જેવી !’ મેં પપ્પાની વાતને મજાકમાં ઉડાવવા પ્રયાસ કર્યો હતો. પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા અને પછી અમે બન્ને ઘણીવાર સુધી પરીવાળી વાર્તાની વાતો કરતા રહ્યા હતા. અંતે પપ્પાએ ધીમેથી કહ્યું હતું : ‘દીકરા, ધીરજ રાખજે !’
મારા લગ્નના દસ દિવસ પછી જ પપ્પાનો દેહાંત થયો હતો. મૃત્યુ સમયે પપ્પાના ચહેરા પર એવો જ સંતોષ હતો જેવો પરીની વાર્તા સંભળાવતી વખતે મને તાળીઓ પાડી ખુશ થતો જોઈને આવતો. પપ્પાના એ સંતોષભર્યા ચહેરાએ મને તેમના અવસાનનો આઘાત સહન કરવા માટે થોડું આશ્વાસન પૂરું પાડ્યું હતું. પપ્પા ગયા પછી સુધા સાથેનું મારું લગ્નજીવન માંડ થોડો સમય ચાલ્યું. બિચારી સુધાનો કંઈ વાંક ન હતો. છતાં મને સુધાનો ચહેરો જોઈને જ અણગમો થતો. પરીની વાર્તામાં પેલી બ્રાહ્મણની છોકરીની વાત સાંભળતી વખતે થતો તેવો અણગમો. જેમ સુધા મારો વધુ ને વધુ ખ્યાલ રાખતી તેમ હું સુધા તરફ વધુ ને વધુ ચિડાતો. હું સુધા સાથે અવાર-નવાર ઝઘડા કરતો. એક વખત નાની અમથી વાતમાંથી ખૂબ મોટો ઝઘડો કરી મેં સુધાને પિયર મોકલી દીધી. થોડા દિવસો પછી મેં ડિવોર્સ પેપર્સ મોકલ્યાં. તો તે પણ સુધાએ ચુપચાપ સહી કરી મને મોકલી આપ્યાં.
આ વાતને સાતેક મહિના થયા. અચાનક એક દિવસ સુધાના ભાઈનો ફોન આવ્યો, ‘સુધાને એક્સિડન્ટ થયો છે, કદાચ…..’
હું હૉસ્પિટલે પહોંચ્યો.
‘દાદર પરથી પગ લપસ્યો…..’ સુધાના ભાઈએ અત્યંત દુ:ખી સ્વરે જણાવ્યું અને તેના અવાજની વેદના ચરમસીમાએ પહોંચી, ‘….આઠમો મહિનો હતો…….’ મારા પગ તળેથી ધરતી સરકી ગઈ. ઘડીભર હું કંઈ બોલી ન શક્યો. મને જાત પ્રત્યે ઘૃણા ઊપજી. મેં આ ઘૃણા ઓછી કરવા નિરર્થક પ્રયાસ કર્યો, ‘…. મને જણાવ્યું પણ નહિ… અને…. સહી પણ….’
‘….અમે તો જાણ કરવા સમજાવ્યું હતું પણ સુધા તમને કોઈ બંધનોમાં બાંધવા નહોતી ઈચ્છતી….’ સુધાના ભાઈએ લાચારી દર્શાવી. મને પહેલીવાર સુધા પ્રત્યે પ્રેમ ઊપજ્યો. ઑપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. એક નર્સ બહાર આવી, ‘સુધાબેનના મિસ્ટર કોણ છે ?’
નર્સ મને અંદર લઈ ગઈ. ઓપરેશન બેડ પર સૂતેલી સુધાની આંખો જાણે મને જ તાકી રહી હતી. તેના ચહેરા પર વેદનાભર્યો સંતોષ પ્રસરી ગયો. તેનો એક હાથ મારી તરફ લંબાવ્યો હોય તેમ પથારીમાં પડ્યો. હું અધીરાઈભર્યા પગલે તેની પાસે પહોંચ્યો. મેં પથારીમાં પડેલો તેનો હાથ પ્રેમપૂર્વક મારા હાથમાં લીધો. તેનો હાથ મારા પ્રેમની ઉષ્મા ન અનુભવી શકે તેટલો ઠંડો પડી ચૂક્યો હતો. મેં રડવા ઈચ્છયું, પણ હું રડી ન શક્યો. પપ્પાના અવસાનના શોક કરતાંય આ દુ:ખ બમણું હોય તેમ મને લાગ્યું. મેં જ સુધાનો ભોગ લીધો હોય તેવી લાગણી થઈ. દીવાલમાં માથું પછાડવાનું મન થયું, પણ હું સુધાનો ઠંડો પડતો જતો હાથ પકડી બેસી રહ્યો.
અચાનક પાછળથી કોઈએ મારા ખભે હાથ મૂક્યો. મેં ફરીને પાછળ જોયું. તરત જ પાછળ ઊભેલી લાગણીભીની આંખોવાળી નર્સ ભારે હૈયે બોલી, ‘તેમની છેલ્લી નિશાની….’ અને તેના અનુભવી હાથ વડે બહુ કાળજીપૂર્વક ઊંચકેલી એક નવજાત બાળકી મારાં નિર્જીવ હાથમાં મૂકી, ‘આઠ જ માસ થયા’તા…. તોય સાવ તંદુરસ્ત છે… ચમત્કાર જ કહેવાય !’ પપ્પાનો વાર્તા કહેતો ચહેરો અને શબ્દો મારી આસપાસ ઘૂમરાવા લાગ્યા. ‘ફૂલની પાંદડી જેવું કુમળું શરીર…. ચાંદની જેવો ઊજળો રંગ…. આકાશના તારલા જેવી ચમકતી આંખો….’ એકાએક તેનામાં સળવળાટ થયો. તેના બેઉ હાથ બાજુમાં ફેલાયા. મારા કાનમાં મેં એકદમ નજીકથી જોયેલા પપ્પાના વાર્તા કહેતા મુખમાંથી નીકળતા શબ્દો અથડાયા, ‘પાંખો ? પાંખો તો વાદળ જેવી પોચી……’
તેના ગાલ પર એક અડધું સુકાયેલું આંસુ ચમકી રહ્યું હતું…. મોતીની જેમ. હું કોઈ જાદુઈ વિસ્મયથી ઘેરાતો ગયો. મેં તેની આંખોમાં જોયું. તેના બે હોઠ વચ્ચેથી એક ફૂલ ઝર્યું. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ, ‘પરી !’