એક અફવા છે ભયંકર શહેરમાં,
અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં
સાબ, અબ મૈં આપકો કૈસે સમઝાઉ કિ...’ આટલું બોલતાંમાં તો મિ. કપૂરના કપાળમાં પૃથ્વીના ગોળા પરનાં અક્ષાંશ-રેખાંશ જેવા લીટાઓ પડી ગયા. થોડી વાર સુધી શૂન્યમાં તાકી રહ્યા પછી એમણે વાક્ય પૂરું કર્યું, ‘મૈં આપકો કૈસે સમઝાઉ કિ મૈં અપની વાઇફસે કિતના પ્યાર કરતા હૂં? આપકે લિયે તો વો સિર્ફ એક મરીઝ હૈ, લૈકિન મેરે લિયે તો વો મેરી ઝિન્દગી હૈ. આપ ઉસે બચા લો, સા’બ, બચા લો...’
મારી કમનસીબી એ હતી કે હું જાણતો હતો કે મિસિસ કપૂરનાં પ્રાણ બચી શકે તેમ નથી. એમને ગર્ભાશયના મુખનું કેન્સર થયું હતુ, જે અંતિમ તબક્કામાં હતું. આ હકીકત અમને ડોક્ટરોને હતાશ કરી મૂકે તેવી હોય છે.
દરદીની જિંદગી ખતમ થવાની કગાર ઉપર છે એવું જાણતા હોવા છતાં અમારે યંત્રવત્ એની સારવાર કરતા રહેવું પડે છે પણ આ ખાસ કિસ્સામાં રોમાંચક વાત એ હતી કે મિ.કપૂર એમની પત્નીને અનહદપણે ચાહતા હતા. દરેક પતિએ મરી ગયેલી મુમતાઝ પાછળ તાજમહેલ બંધાવવો જરૂર નથી, જીવતેજીવ પત્નીની સારવાર કરાવવી એ ઘણી વાર શાહજહાં કરતાંયે વધુ મહાન કામ બની જતું હોય છે.
મારી ઉમર ત્યારે ચોવીસ વર્ષની હતી. હું અમદાવાદની વી.એસ. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. વિશ્વભરમાં પ્રખ્યાત એવા ડો.નાડકર્ણી સાહેબના યુનિટમાં હું રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. એ જમાનામાં ‘ચિનાઇ મેટરનિટી વિભાગ’માં કામનો બોજો અને દરદીઓનો ધસારો આજના કરતાં અનેક ગણો વધારે રહેતો હતો.
ગાયનેક વોર્ડની બહાર એક નાનકડા ઓરડામાં કેન્સરના દરદીઓને રાખવામાં આવતાં હતાં. જો હું ભૂલતો ન હોઉ તો ચાર-પાંચ દરદીઓને સમાવી શકાય એટલી જ સગવડ હતી. કેન્સરની સારવાર પણ આજના જેવી આધુનિક ન હતી. કીમોથેરાપીની શોધ હજુ કાગળ ઉપર હતી.
ઘણી બધી બહેનોને રેડિયમ મૂકવાની વાત તો મને પણ યાદ છે. મિસિસ કપૂર આ જ વોર્ડમાં દાખલ થયેલાં એક મરણોન્મુખ મરીઝ હતાં. એમનું પોતાનું નામ વાસંતીદેવી. મિ. કપૂરને કાયમ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સામે ફરિયાદો રહ્યા કરતી હતી. એમને થયા કરતું હતું કે અમે વાસંતીદેવીની સારવાર જે રીતે કરવી જોઇએ એ રીતે કરી રહ્યા ન હતા. એટલે એમનું મોં હંમેશા દિવેલ પીધું હોય એવું જ જોવા મળતું હતું.
એ મહેતરની શિકાયત વોર્ડબોય આગળ રજૂ કરતા, ‘દેખો ના ભૈયા, આજ વો મંગુબાઇને સંડાસ ઠીક તરહસે સાફ નહીં કિયા. અબ ઇન્સાન જાયેં તો જાયે ભી કૈસે? તુમ લોગોકો ક્યા પડી હૈ? મરીઝ સિર્ફ મરીઝ હોતા હૈ. લૈકિન મેરી તોં વો બીવી હૈ. અબ મૈં કૈસે સમઝાઉ કિ મૈં અપની વાઇફસે કિતના પ્યાર કરતા હૂં!’
પછી એ જ વોર્ડબોયની વિરુદ્ધમાં ફરિયાદ લઇને મિ. કપૂર નર્સની પાસે પહોંચી જતા, ‘ગુડ મોર્નિંગ, સિસ્ટર! દરઅસલ બાત યે હૈ કિ વો ચંપકને આજ...’
બપોરે દોઢ વાગ્યે મિ.કપૂર મને પકડતા, ‘ગુડ આફ્ટર નૂન, ડોક્ટરસા’બ! ખાના ખા લિયા ક્યા?’
‘નહીં, અભી બાકીં હૈ.’ હું નવા એડમિશનોના કેસપેપર ભરતો હોઉ, એટલે માથું ઊચું કર્યા વગર જ ટૂંકાણમાં પતાવી દઉ. પણ મિ. કપૂરની તો હજુ શરૂઆત હોય, ‘સા’બ ઇસ ડિપાર્ટમેન્ટમેં આપ અકેલે હૈ જો કામ કરતે હૈ. બાકી સબ મુફ્તકા પગાર ખાતે હૈ.’
‘કપૂર સા’બ, ઐસા નહીં હૈ, સબસે જ્યાદા કામ તો હમારી નર્સ બહનેં કરતી હૈં...’
‘અજી છોડીયે, સા’બ! વો જો મંજુલા નર્સ હૈ ના, વો જીસકો આપને સુબહ દસ બજે મેરી વાઇફ કો ઇન્જેક્શન દેનેકે લિયે બોલા થા...’ પછી ડાચા ઉપર દિવેલનો છંટકાવ કરીને વાક્ય પૂરું કરે, ‘ઉસને અબ તક ઇન્જેક્શન નહીં દિયા હૈ. અબ ઉસકે લિયે તો વો સિર્ફ એક મરીઝ હૈ, લૈકીન મેરી તો... અને પછી રોજિંદો તકિયા કલામ ટપકે:’ ‘મૈં આપકો કૈસે સમઝાઉ કિ મૈં અપની વાઇફસે કિતના પ્યાર કરતા હૂં!’
એ માણસની પ્રકૃતિ જ ફરિયાદ કરવાની હતી. ક્યારેક મને વિચાર આવતો કે મિ. કપૂર મારી વિરુદ્ધમાં પણ ફરિયાદ કરતા હશે કે નહીં! આ સવાલનો જવાબ એક દિવસ મળી ગયો. સવારના રાઉન્ડ માટે ડો.નાડકર્ણી સાહેબ આવ્યા ત્યારે ધીમા અવાજમાં મને સૂચના આપતાં કહ્યું, ‘શરદ, ધેર ઇઝ એ પેશન્ટ ઇન કેન્સર વોર્ડ. હર નેઇમ ઇન્ડ મિસિસ કપૂર. ઇઝ શી અન્ડર યોર કેર?’
‘યસ, સર.’ ‘આઇ વોર્ન યુ.’ સાહેબે ટૂંકમાં પતાવ્યું, ‘યુ ટેક પ્રોપર કેર ઓફ ધેટ પેશન્ટ. હર હસબન્ડ મે ક્રિએટ પ્રોબ્લેમ્સ ફોર યુ.’
હું વિચારમાં પડી ગયો. ડો.નાડકર્ણી સાહેબ મારા ‘બોસ’ હતા, મને બરાબર ઓળખતા હતા. ક્યારેય કામની બાબતમાં મારા વિશે કોઇ દરદી તરફથી ફરિયાદ એમણે સાંભળી ન હતી. આજે પહેલીવાર એમણે મને ચેતવણી આપી હતી કે મિ. કપૂરથી મારે સાવચેત રહેવું, નહીતર એ માણસ મને મુશ્કેલીમાં મૂકી શકે છે.
હું રક્ષણાત્મક મુદ્રામાં આવી ગયો, ‘સર, તમે એ પેશન્ટનો કેસપેપર જોઇ શકો છો. રોજ કમ-સે-કમ બે વાર હું વાસંતી કપૂરને એટેન્ડ કરું જ છું. વાત રહી એનાં સાજા થવાની. એમાં તો તમે પણ જાણો છો કે આપણે ગમે તેટલું કરીએ, તો પણ એ લાંબું ખેંચશે નહીં.’
‘હું જાણું છું. માટે તો તારો ખુલાસો નથી પૂછતો. ફક્ત એટલું જણાવું છું કે...’ ડો.નાડકર્ણી સાહેબને અંગ્રેજીમાં બોલવાનો શોખ હતો, ‘મિ.કપૂર ઇઝ એ હાઇલી ઇન્ફ્લુઅંશિઅલ પર્સન એન્ડ હી ઇઝ વેરી ક્રેઝી ટૂ...! જસ્ટ બિવેર ઓફ હિમ.’
હું સચેત થઇ ગયો. વાસંતીદેવીનાં ખાટલાની મુલાકાતો વધારી દીધી. જેટલીવાર ગાયનેક વોર્ડમાં કોઇ પણ દરદીને જોવા જઉ એ દરેક વખતે કેન્સર વોર્ડમાં ડોકિયું કરતો આવું. વાસંતીદેવી ભલી સ્ત્રી હતી. એ પોતાનાં અંતને સૂંઘી ગઇ હતી. ક્ષીણ કાયા અને કેન્સરની અસહ્ય યાતના લઇને એ પથારીમાં પડી રહેતી હતી.
હું એમની ‘પલ્સ’ તપાસતાં પૂછી લઉ, ‘કૈસા લગતા હૈ આપકો? કોઇ શિકાયત હૈ? કોઇ પરેશાની? સબ લોગ આપકી સારવાર તો ઠીક ઢંગસે કરતે હૈં ના?’ જવાબમાં એ ફિક્કી નિસ્તેજ આંખોમાંથી હતાશાભર્યું સ્મિત ફેંકીને જવાબ આપતી, ‘સબ ઠીક હૈ. કિસીસે કોઇ શિકાયત નહીં.
આપ પાંચ-સાત બાર યહાં આનેકી તકલીફ કયોં ઊઠાતે હૈ, ડોક્ટરસા’બ? સિર્ફ એક બાર આયેંગે તો ભી ચલેગા.’ આ સંવાદ ચાલતો હોય ત્યારે મિ.કપૂર લુચ્ચું શિયાળ બનીને ખાટલાની બીજી બાજુએ ઊભેલા હોય. એમનો ચહેરો કહી આપે કે એમની અપેક્ષા હજુ પણ વધારે છે.
એક-બે વાર એ બબડી પણ ગયેલા, ‘ઇસમેં ઐસા હૈ કિ કેન્સર કે મરીઝ કો દેખને કે લિયે એક ખાસ ડોક્ટર હોના ચાહિયે. ઐસા ડોક્ટર જો ચૌબીસો ઘંટે મરીઝ કે પાસ બૈઠા રહે. મૈં આપકો કૈસે સમઝાઉ કિ મૈં અપની વાઇફસે કિતના...?’
હદ તો ત્યારે આવી ગઇ જ્યારે આ શિકાયત-સમ્રાટે ડો.નાડકર્ણી સાહેબને પણ છોડ્યા નહીં. એક સાંજે સાહેબનો મારા પર ફોન આવ્યો, ‘શરદ, યે આદમી ઇન્સાન હૈ યા...? ઉસને મેરે ખિલાફ કમ્પ્લેન્ટ કી હૈ. મૈં દિનમેં સિર્ફ એક હી બાર વી.એસ. મેં આતા હૂં...ઔર મિસિસ કપૂરકો સિર્ફ એક મિનટમેં દેખકર ચલા જાતા હૂં....ઐસી કઇ બાતેં ઉસને મેરે ખિલાફ મેન્શન કિ હૈ. ઉસકો સમઝાઓ કિ મૈં ફૂલ ટાઇમર નહીં હૂં... મૈં સિર્ફ ઓનરરી હૂં...’
હકીકત એમ હતી કે મિ. કપૂર એક રાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ અધિકારી હતા. એમની વગ ભારે હતી. એટલે એ સતત બીજા લોકોને દબાવવાની પેરવીમાં જ રહેતા હતા. એમની પત્ની કેન્સરગ્રસ્ત હતી એ ઘટનાનો પણ તેઓ દુરુપયોગ કરી રહ્યા હતા. મને ખબર નથી કે નાડકર્ણી સાહેબે સત્તાવાળાઓ સમક્ષ શો ખુલાસો રજૂ કર્યો હશે, પણ મિ. કપૂરની હેરાનગતી ચાલુ જ રહી.
હવે એણે ડો.નાડકર્ણી સરનાં ભદ્ર ખાતેના પ્રાઇવેટ ક્લિનિક ઉપર પહોંચી જવાનું શરૂ કર્યું. આટલા મોટા વિશ્વસ્તરના ગાયનેકોલોજિસ્ટ આગળ ‘નર્સ મારી વાઇફને સ્પંજિંગ નથી કરતી’ કે ‘રાત્રે દસ વાગ્યે આપવાની ગોળી અગિયાર વાગ્યે આપી’ આવી ક્ષુલ્લક ફરિયાદો લઇને જવામાં મિ.કપૂરને જરા પણ શરમ નહીં આવતી હોય?!
ધીમે ધીમે નાડકર્ણી સાહેબને એના માટે નફરત થઇ ગઇ, એમણે કર્મચારીને સૂચના આપી દીધી, ‘મિ. કપૂરકો મેરે કમરે મેં આને મત દેના. ઉસે કહ દો કિ અગર મુજસે મિલના હો, તો વી.એસ. મેં મિલે, મેરે પ્રાઇવેટ ક્લિનિક મેં નહીં.’ આવું વર્તન સમજી શકાય તેમ હતું. સાહેબના ખાનગી નર્સિંગ હોમમાં દરદીઓની ભીડ જામેલી હોય, સાહેબ એમને તપાસે કે મિ. કપૂર સાથે માથાફોડ કરે?
પણ મિ.કપૂરે આનોયે રસ્તો ખોળી કાઢ્યો, એણે ટેલિગ્રામ કરવાનું શરૂ કર્યું. એ જમાનામાં મોબાઇલ ફોન તો હતા નહીં, એટલે મિ.કપૂર પોસ્ટ ઓફિસમાં જઇને લાંબા-લચક લખાણોવાળા તાર રવાના કરે.
તાર ઓફિસ પણ લાલ દરવાજા વિસ્તારમાં જ આવેલી હતી ને સાહેબનું ક્લિનિક પણ ભદ્ર વિસ્તારમાં: નાડકર્ણી સાહેબ ત્રાસી ગયા, ‘શરદ, યે આદમી સનકી હૈ. મૈં તો તંગ આ ચૂકા હૂં. ઉસે કૌન સમઝાયે કિ હમ અપની તરફસે બહેતરીન કોશિશ કર રહે હૈં, અગર ઇસસે બહેતર સારવાર ચાહિયે તો વો અપની વાઇફકો બમ્બઇ ક્યું નહીં લે જાતા?’
અને એક દિવસ વાસંતીદેવીએ દેહ છોડી દીધો. એમની અંતિમ ક્ષણોમાં અમારું આખું યુનિટ ખડેપગે એમની પાસે હાજર હતું. ઓક્સિજન, બ્લ્ડ ટ્રાન્સફ્યુઝન, પ્રાણરક્ષક ઇન્જેક્શનો વગેરેમાંથી કશું જ અમે બાકી રાખ્યું ન હતું. એ સાત્ત્વિક સ્ત્રીએ સંતોષ અને શાંતિપૂર્વક વિદાય લીધી.
પણ આશ્ચર્યની વાત એ હતી કે એનાં પતિ મિ. કપૂર ક્યાંય દેખાતા ન હતા. નાડકર્ણી સાહેબે પૂછ્યું ત્યારે ત્યાં હાજર એમની પુત્રીએ કડવાશભરી રીતે માહિતી આપી, ‘ડેડી તો અપની રખૈલકે પાસ બૈઠે હોંગે. અબ મૈં આપકો કૈસે સમઝાઉ કિ ડેડી મેરી મમ્મીકો જરા સા ભી પ્યાર નહીં કરતે થે! વે તો સિર્ફ દિખાવેકે લિયે આતે થે ઔર આપ સબકે લિયે હંગામા કરકે ચલે જાતે થે.’
સાહેબે કહ્યું, ‘બેટી, મરીઝ કા મૃતદેહ હમ કિસકો સૌપેંગે? તુમ્હારે પાસ અગર મિ. કપૂરકી ગર્લફ્રેન્ડકા ફોન નંબર હો તો...’ છોકરીએ ના પાડી. એની પાસે સરનામું હતું, ફોન નંબર ન હતો. મારાથી ધીમા અવાજમાં બોલી જવાયું, ‘સર, હમ મિ. કપૂર જહાં બૈઠે હૈ, ઉસ એડ્રેસ પર ટેલિગ્રામ કર સકતે હૈ..!’
(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)