Monday, May 18, 2009

છાની છાની શકિત કોઇ છાનો છાનો ન્યાય કરે છે,છાના છાના પાપ કરો તો છાનો છાનો માર પડે છે

શહેરના શ્રેષ્ઠ ઔધોગિક એકમના અધિષ્ઠાત્રી ગં.સ્વ.સુનંદાબહેન આંટાવાલા આજે બહુ ગુસ્સામાં હતાં. જયારથી એમનાં સેલ્સ મેનેજર અસીમે અદબપૂર્વક ઝૂકીને અચકાતાં અચકાતાં એક માત્ર પુત્ર વિશે માહિતી આપેલી, ત્યારથી જ સુનંદાબહેન સ્ત્રી મટીને સળગતી ભઠ્ઠી બની ગયાં હતાં.
‘મેડમ, આઇ એમ વેરી સોરી. આપનું ઘ્યાન દોરતાં મને ખૂબ જ સંકોચ થાય છે, પણ હું કહ્યા વગર રહી શકતો નથી.’
‘તો પછી કહી નાખને! અગત્યની વાત કહેવામાં તું ભલે સંકોચાતો હોય, પણ પાછળથી જો મને એ વાતની ખબર પડશે તો તને હાંકી કાઢતાં હું નહીં સંકોચાઉ.’ સુનંદાબહેનના મનમાં એવું હતું કે અસીમ એમની કંપનીના કોઇ કર્મચારી વિશે વાત કરવા આવ્યો હશે. પણ જયારે અસીમે માહિતી બોંબ ફોડયો ત્યારે એ સ્તબ્ધ થઇ ગયાં. ‘મેડમ, આપનો સુપુત્ર... અંતર્ગતને મેં ગઇકાલે ગેલેકસી સિનેમાની પાછલી હરોળમાં... કોર્નર પરની ખુરશીમાં.’
‘હા, બોલને! શું કરતો હતો મારો અંતર્ગત? ફિલ્મ જોઇ રહ્યો હતો ને?’
‘ના, ફિલ્મ કરી રહ્યો હતો! જોઇ તો અમે રહ્યાં હતાં! એની સાથે હિરોઇન પણ હતી.’ ‘શટ અપ! સિનેમાની ભાષામાં વાત કરવાનું બંધ કર! સીધે સીધું ભસી નાખ કે એ કોણ હતી?’ સુનંદાબહેનની દિમાગી કમાન છટકી.
‘છોકરી આમ તો ખૂબ જ સુંદર હતી, મેડમ! પહેલાં તો મને થયું કે તમારી પાસે આવીને વધામણી ખાઉ. ભવિષ્યમાં એ છોકરી તમારાં ખાનદાનની કૂળવધૂ બને તો એ વાતનો પહેલો જશ મને ખાટવા મળે.’
‘મુદ્દાની વાત કર, અસીમ, નહીંતર તને ખાટો કરી નાખીશ. કોણ હતી એ છોકરી?’ ‘માફ કરજો, મેડમ! મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે એની મા એક ચાલીમાં રહે છે અને પારકા ઘરનાં કપડાં-વાસણ કરે છે. સંતાનમાં એને દીકરો નથી, કુલ પાંચ દીકરીઓ જ છે. તમારી પુત્રવધૂ બનવાની છે એ કન્યા સૌથી મોટી.’ ‘અસીમ! બોલવામાં જરા બ્રેક માર! એ છોકરી મારી વહુ બનવાની છે એવું તને કોણે કહ્યું?’ ‘કહ્યું તો કોઇએ નથી, પણ સિનેમા હોલના અંધારા ખૂણામાં અંતર્ગત એની સાથે જે દ્દશ્યો ભજવતો હતો એ જોઇને મને લાગ્યું કે ગમે તે ક્ષણે તમે મને બોલાવીને કંકોતરી છપાવવાનો હુકમ...’
‘એની પહેલાં તો હું તને નોકરીમાંથી હાંકી કાઢવાનો હુકમ સંભળાવી દઇશ! છોકરીનો બાપ કોણ છે?’ ‘ખબર નથી, મેડમ! પાંચેય દીકરીઓનાં પપ્પાઓ અલગ-અલગ છે એવી લોકવાયકા છે. તમારાં ભાવિ વેવાણનું નામ મંદા કામવાળી છે. સાંભળ્યું છે કે ભૂતકાળમાં એ પણ ખૂબ રૂપાળાં હતાં.’
‘શટ અપ, ગધેડા! તું એના ભૂતકાળની વાત બંધ કર, નહીંતર તારો ભવિષ્યકાળ હું બગાડી નાખીશ! જા, તારું કામ કર. અને સાંભળ, આ વાત બીજો કોઇને કરતો નહીં. હું મારા દીકરાને સમજાવી લઇશ. આજે રાતે જ એની સાથે ચર્ચા કરી લઇશ. યુ કેન ગો નાઉ.’ સુનંદાબહેને અસીમને તો ઓફિસની બહાર કાઢી મૂકયો, પણ મગજમાં ધમાસણ મચાવી રહેલાં વિચારોને એવું ન કહી શકયાં કે યુ કેન ગો નાઉ!’ સવાલો અનેક હતા, જવાબ એક પણ ન હતો. કોણ હશે એ છોકરી? અંતર્ગત એને કયાં, કયારે મળ્યો હશે? શું એને આ છોકરીનાં ખાનદાન વિશે કશી જ ખબર નહીં હોય? છોકરીએ એને અંધારામાં રાખ્યો હશે? શું એ છોકરી એટલી બધી ખૂબસૂરત હશે કે અંતર્ગત એનાં વિશે બધું જાણવા છતાં આંધળો ભીત બની ગયો હશે? આ તમામ સવાલોના જવાબો માત્ર એક જ વ્યકિત પાસેથી મળી શકે તેમ હતા, એનું નામ હતું : અંતર્ગત. સુનંદાબહેન ભભૂકતી સગડી જેવાં બનીને સાંજ પડે એ ક્ષણનો ઇંતેજાર કરી રહ્યાં.
સાંજે દીકરો ઘરે આવ્યો ત્યારે માએ દિવસભરની મહેનત પછી તૈયાર કરેલું પ્રશ્નપત્ર એની સામે એક જ વાકયમાં ધરી દીધું, ‘બેટા, ગઇકાલે તું કોની સાથે ‘ગેલેકસી’ ટોકિઝમાં પિકચર જોવા માટે ગયો હતો?’
અંતર્ગત જરા પણ ચોંકયા વગર હસીને બોલ્યો, ‘આવત્તિની સાથે. તને કોણે કહ્યું, મમ્મી?’ ‘કોણે નથી કહ્યું એમ પૂછ! થિયેટરમાં તમારા બે સિવાય પણ બીજા પાંચસો જણા હાજર હતા.’ સુનંદાબહેને દાઢમાં કહ્યું.
‘હશે!’ અંતર્ગતે ખભા ઉલાળ્યા, ‘અહીં કોને પડી છે? અમે તો અમારી દુનિયમાં માત્ર બે જ હતાં.’ ‘કોણ છે આવૃત્તિ? એનું ખાનદાન કેવું છે? એની મા, એનો બાપ? તારો એ છોકરી સાથે કયો સંબંધ છે?’
‘ઓ.કે.! ઓ.કે.! કુલ ડાઉન, મોમ! હું તને બધું જ કહી દઉ છું. એ એક ગરીબ ઘરની છોકરી છે. પિત્ઝા શોપમાં નોકરી કરે છે. હું પિત્ઝા ખાવા ગયો હતો, ત્યાં એની સાથે મારી ઓળખાણ થઇ અને હવે અમે એકબીજાના પ્રેમમાં છીએ. શી ઇઝ સો બ્યુટિફૂલ, મોમ, તું પણ એને જોઇશ તો એનાં પ્રેમમાં પડી જઇશ. મમ્મી, હું એની સાથે લગ્ન કરવા માગું છું. તું હા પાડીશ ને?’
‘માય ફૂટ! મૂર્ખ તું છે, હું નહીં. મને તો એટલું ભાન છે કે પિત્ઝાની શોપમાંથી માત્ર પિત્ઝા જ લેવાય, પત્ની નહીં. એ છોકરીની મા શું કરે છે?’
‘સમજયો. મને પૂછતાં પહેલાં તમે એનાં વિશે પૂરેપૂરી જાસૂસી કરાવી ચૂકયાં છો. પણ એક વાત સમજી લેજો, મોમ! મારે એ છોકરીની સાથે લગ્ન કરવા છે, એની મમ્મીની સાથે નહીં. એ ગરીબ છે એ એનાં કિસ્મતનો વાંક છે. પણ એની પાસે રૂપની જે દોલત છે એ તો કોઇ રાજરાણી પાસે પણ નહીં હોય.’
‘બેટા, રૂપ જોઇને આંધળો ન થા. કન્યાનાં ગુણ પણ જોવા પડે.’
‘આવત્તિ એક સંસ્કારી છોકરી છે, મમ્મી.’
દલીલો ખૂટી રહી હતી અને સુનંદાબહેનની ધીરજ પણ, ‘અંતર્ગત! એ છોકરી ભલે ઇન્દ્રની અપ્સરા જેવી રૂપાળી હોય, ભલે એ સીતા જેવી ચારિત્ર્યવાન હોય, ભલે એ સર્વગુણ સંપન્ન હોય, પણ મારો દીકરો એવી ઊકરડામાંથી આવતી છોકરી સાથે કયારેય પરણી નહીં શકે!’ ‘અને કદાચ પરણે તો?’
‘તો એ મારો દીકરો નહીં રહે.’ સુનંદાબહેનનાં જડબાં ભીંસાયાં, ‘તારા માટે આ બંગલાના, આ ઇન્ડસ્ટ્રીનાં અને આપણી સ્થાવર-જંગમ સંપત્તિના બધા જ દ્વારો બંધ થઇ જશે.’ ‘ભલે, મમ્મી! તમારો ફેંસલો માથે ચડાવું છું. હું કાલે જ એની સાથે મેરેજ કરી લઇશ. આવૃત્તિ નામનાં ખજાના સામે આ દોલતનો ખજાનો તુરછ છે. ગુડ નાઇટ એન્ડ ગુડ બાય!’ છેલ્લી વાર જીભ પર આવેલો શબ્દ ‘મમ્મી’ ગળી જઇને અંતર્ગત પહેરેલા કપડે બંગલાની બહાર નીકળી ગયો.
બીજા દિવસે અંતર્ગત અને આવૃત્તિ પરણી ગયા. એક નાનકડી ખોલીમાં એમનો સંસાર શરૂ થયો. એ ઓરડી અંતર્ગતના મિત્રની હતી. બીજા મિત્રોએ એક મહિનાના અનાજ અને તેલ-મસાલા ભરી આપ્યા. અંતર્ગતે પણ ત્રણેક હજારના પગારવાળી નોકરી શોધી કાઢી. ગરીબી, અછત અને અભાવોનું છીછરું જળ હતું, અપેક્ષાઓનો વજનદાર માલસામાન હતો અને દામ્પત્યની નૌકા હતી. કયારેય ખતમ ન થાય એવી સફર હતી જે માત્ર પ્રેમના હલેસા મારી-મારીને ખેડતાં રહેવાની હતી.
એક વર્ષ વીતી ગયું. શરીરનો પ્રારંભિક નશો ઊતરી રહ્યો હતો. સંતાનનું આગમન પરવડે તેવું ન હતું. આવૃત્તિ અને અંતર્ગત સવારના વહેલા ઊઠીને નોકરી પર પહોંચવા માટે રઘવાયા બની જતાં હતાં, સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં પ્રેમ તો શું એકબીજાની સાથે વાત કરવાના હોશ પણ એમનામાં બચતાં ન હતાં.
એક દિવસ અંતર્ગત કામ પરથી વહેલો છૂટી ગયો. એને થયું કે ચાલ, આવૃત્તિને લઇને કયાંક ફરવા નીકળી પડું! જયારે એ આવૃત્તિનાં કામનાં સ્થળે પહોંરયો ત્યારે એને જાણવા મળ્યુ કે આવત્તિ તો એનાં હસબન્ડ સાથે પિકચર જોવા ગઇ છે!
એ રાત્રે બંને વચ્ચે ભયંકર ઝઘડો થયો. અંતર્ગતે પૂછ્યું, ‘કોની સાથે ફિલ્મ જોવા ગઇ હતી? મારા સિવાય બીજા કેટલા પતિઓ છે તારા? તારો પ્રેમ એ માત્ર નાટક હતું? બોલ, તું ખામોશ કેમ છે?’ આવૃત્તિએ આખરે કહી નાખ્યું, ‘મારો પ્રેમ ખોટો ન હતો, અંતર્ગત! પણ સાચું કહું? હું આ અભાવગ્રસ્ત જિંદગીથી થાકી ગઇ છું. બે જોડી કપડાં, ફાટેલા ચંપલ અને સિટીબસની મુસાફરી કયાં સુધી સહન કર્યા કરું? તું એને મારી કમજોરી ગણે કે પછી લોહીનાં સંસ્કાર. મેં એક માલદાર પુરુષ શોધી લીધો છે. સ્ત્રીઓ કદાચ બે પ્રકારની હોતી હશે, એક એવી જે પ્રેમ ખાતર આખું જીવન અને એ જીવનમાં તમામ સુખો કુરબાન કરી શકે! બીજી સ્ત્રી એવી કે જે પ્રેમના નામ ઉપર એક વાર ભૂલથી બધું ઓવારી તો બેસે છે, પણ બહુ ઝડપથી એને એવું લાગવા માંડે છે કે એણે બહુ મોટી ભૂલ કરી નાખી! હું આ બીજા પ્રકારની સ્ત્રી નીકળી. કાલથી આપણે છૂટા પડીએ છીએ. શકય હોય તો મને માફ કરજે!’ (સત્ય ઘટના આધારે) (શીર્ષક પંકિત : કુતુબ આઝાદ)