Friday, September 17, 2010

સ્વપ્નમાં આવી ચડે છે માતબર કન્યા સખી કેટલી ને ક્યાં સુધી જાળવવી આમન્યા સખી

‘બસ! હવે નહીં જીવી શકાય.’ વીસ વરસની જન્નત જોષીપુરાએ પૃથ્વીના વજન જેટલો ભારે ભરખમ નિસાસો નાખ્યો, ‘હવે તો મરવું એ જ એક માત્ર ઉપાય છે.’રવિવારનો દિવસ હતો. વરસાદી મોસમ હતી. આસમાન ઘેરાયેલું હતું અને જન્નત એના બેડરૂમની પથારીમાં વેરાયેલી હતી. ક્રીમ કલરના કાર્ગો થ્રી-ફોર્થ અને આછા લવંડર રંગના ટોપમાં અત્યારે એ વિશ્વસુંદરી નહીં, પણ બ્રહ્નાંડ સુંદરી લાગી રહી હતી. પણ એની મરી જવાની વાત સાંભળીને એને મળવા આવેલી એની સહેલીઓ ચિંતામાં પડી ગઇ.

‘પણ તું એક વાર એને મળીને વાત તો કર! શક્ય છે એ તારા પ્રેમનો સ્વીકાર કરે...’ પલકે જન્નતના ખુલ્લા કેશમાં આંગળીઓ ફેરવીને હૂંફ આપવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો.

નમિતાએ પોતાનો મત રજૂ કર્યો, ‘મને તો ખાતરી છે કે એ હા જ પાડશે. તારા જેવી અપ્સરા એને ત્રણ લોક અને ચૌદ ભુવનમાંય ન મળે.’

‘જો તારી હિંમત ન ચાલતી હોય તો અમને છુટ આપ, તારા દિલની વાત એ પથ્થરદિલને મળીને અમે...’ સંજનાએ ઉપાય બતાવ્યો.મોનાએ એ ઉપાયને ટૂંકો કરી દીધો, ‘તું કે’તી હોય તો હું એ જાલીમને અત્યારે જ ફોન કરું!’

જેટલી સહેલીઓ હતી એટલાં સૂચનો હતાં, સૂઝાવો હતા, ઉપાયો હતા. પણ જન્નતને ઘેરી વળેલી હતાશા એ બધાં કરતાં વધુ મોટી હતી. એ ઓશીકા ઉપર માથું ઢાળીને પડી હતી અને ટૂંકા-ટૂંકા શ્વાસ લઇને લાંબા-લાંબા નિસાસા મૂકી રહી હતી.

એની હતાશાનું કારણ અને એનાં આંસુઓનું સરનામું, એની સહેલીઓ દ્વારા ઉચ્ચારાયેલા પથ્થરદિલ અને જાલીમ જેવાં વિશેષણોનો માલિક આ બધું એક જ હતું. એ યુવાનનું નામ હતું મુકદ્દર મહેતા.

મુકદ્દર મહેતા અને જન્નત જોષીપુરા છેલ્લાં ત્રણ વરસથી એક જ કોલેજમાં એક જ કલાસમાં ભણતાં હતાં. જન્નત કોલેજની છોકરીઓ માટે આન, બાન અને શાન સમી હતી, તો મુકદ્દર છોકરાઓના ભગવાન સમો હતો. પણ અફસોસની વાત એ હતી કે આ બંને જણાં કાયમ એકબીજાની સાથે ટકરાતાં રહેતાં હતાં. બે ઉઘાડી તલવારોની જેમ એ બંનેની આંખો જ્યારે પણ ટકરાતી, એમાંથી નફરતના તણખા ઝરતા હતા.

અથડામણનો આરંભ કોલેજમાં યોજાયેલી ડિબેટથી થયો હતો. વિવાદનો વિષય હતો : જીવનસાથીની પસંદગીમાં બાહ્ય દેખાવનું મહત્વ હોવું જોઇએ કે નહીં?

પ્રારંભિક ચરણમાં એંશી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પણ ફાઇનલમાં માત્ર બે નામો પહોંચ્યાં હતાં. જન્નત અને મુકદ્દર.આશ્ચર્યની વાત એ હતી કે બંને અંતિમ સ્પર્ધકોએ બાહ્ય વ્યક્તિત્વના મહત્વનો અસ્વીકાર કર્યો હતો પણ બંનેની દલીલો વિરોધાભાસી હતી.

જન્નતે તર્કબદ્ધ રીતે પોતાની વાત મૂકી હતી, ‘પુરુષનું વ્યક્તિત્વ ન જોવાય, એના તો માત્ર ગુણો જોવાય. એનું મુખ્ય કાર્ય પૈસા કમાવાનું છે. એના માટે પુરુષમાં આવડત છે કે નહીં તે મહત્વનું છે. જગતમાં દેખાવ જોઇને કોઇ પુરુષને નોકરીમાં રાખતું નથી, પણ એની ડિગ્રી, આવડત, પ્રામાણિકતા અને સ્વભાવ જોઇને નોકરીમાં રાખે છે.’ પછી યુવતીઓની તાળીઓના ગડગડાટ વચ્ચે એણે ચર્ચાનું સમાપન કર્યું હતું,

‘વિશ્વભરના સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ કબૂલ કરે છે કે દેખાવડા અને સ્માર્ટ પુરુષો બધા જ ચારિત્રયહીન હોય છે. જેનો પતિ કામદેવ જેવો સોહામણો હોય એની પત્ની હંમેશાં આંસુઓથી ઓશીકું ભીંજવતી રહે છે. માટે મારી તો એક જ વિનંતી છે, બહેનો, તમે કાળા કે કદરૂપા પુરુષને તમારા પતિ તરીકે વધાવી લેજો, પણ દેખાવડા પુરુષની મોહજાળમાં ક્યારેય ન ફસાશો.’

છોકરીઓની ભયંકર ચિચિયારીઓ વચ્ચે મુકદ્દર બોલવા માટે ઊભો થયો, ‘હું મારી વાત ત્યાંથી શરૂ કરીશ જ્યાં આગળ મારી મૂર્ખ પ્રતિસ્પર્ધીએ ખતમ કરી છે. એણે કહ્યું કે સુંદર પુરુષો લફરાબાજ હોય છે. હું પૂછું છું કે આ વાત માટે એની પાસે કોઇ પુરાવો છે ખરો? સત્ય તો એ છે કે સુંદર સ્ત્રીઓ જ કાયમ લફરાબાજ હોય છે. કવિની આ પંક્તિઓ આ વાતની સાબિતી છે : હુશ્નવાલે કિસી કે યાર નહીં હોતે હૈ, અગર હોતે હૈ તો વફાદાર નહીં હોતે હૈ. આપણી ભાષામાં એક નાટક આવી ગયું જેનું નામ હતું: જેની રૂપાળી વહુ, એના ભાઇબંધ સહુ! મિત્રો, જે સ્ત્રીએ પૂરી જિંદગી ઘરના રસોડામાં ચૂલો ફૂંકતા રહેવાનું છે એ માધુરી દીક્ષિત હોય કે મંગુડી હોય એનાથી શો ફરક પડવાનો છે? જ્યારે પુરુષે તો ઘરની બહાર નીકળવાનું છે, દુનિયા જીતવાની છે, સામેવાળાને આંજી દેવાના છે, આ માટે જેટલી જરૂર આવડતની છે એટલી જ આવશ્યકતા સુંદર વ્યક્તિત્વની છે.’

જન્નત માટે જેટલી તાળીઓ પડી હતી એટલી જ મુકદ્દર માટે પણ પડી. નિર્ણાયકોએ ભારે ગડમથલ બાદ બંને જણાંને સંયુક્ત વિજેતા તરીકે જાહેર કર્યા. ટ્રોફી અને ઇનામ લેવા માટે મંચ ઉપર આવેલી જન્નતે ફરી પાછો ટોણો મારી લીધો, ‘હું આજીવન કુંવારી રહીશ,પણ કોઇ કામદેવને મારા પતિ તરીકે પસંદ નહીં કરું!’

જવાબમાં મુકદ્દરે પણ ચાબખો ફટકારી લીધો, ‘મારે માત્ર મારા માટે જ લગ્ન કરવાં છે, મારા પડોશીઓ માટે નહીં, માટે હું પણ કોઇ સામાન્ય દેખાવની યુવતી જોડે લગ્ન કરીશ. રતિ જેવી રૂપમતીને તો હું નોકરાણી પણ ન બનાવું!’

સામ સામે ફૂંફાડા મારીને બેય જણાં છુટાં પડ્યાં, પણ નફરતના પડદા ઉપર શરૂ થયેલી વેરઝેરની ધારાવાહિક ટી.વી. સિરિયલ પૂરા ત્રણ ત્રણ વરસ સુધી ચાલતી જ રહી, ચાલતી જ રહી.

અને આજે કોલેજનું અંતિમ વરસ પૂરું થઇ ગયું ત્યારે જન્નતને એ વાતનો અંદાજ આવ્યો કે આ બધું ઉપરછલ્લું હતું, પોકળ હતું, અભિનય હતો, દંભ હતો, હકીકત એ હતી કે મુકદ્દર એને ગમતો હતો. એના વગર રહેવું અઘરું હતું, જીવવું અશક્ય હતું, માટે મરવું એ જ હવે તો એક અને અંતિમ ઉપાય બચ્યો હતો.

સહેલીઓએ સહાયભૂત બનવાની ઘણી દરખાસ્તો કરી, પણ જન્નતનું અભિમાન આડે આવ્યું. એણે ના પાડી દીધી. ધીમે ધીમે બધી જ છોકરીઓ ચાલી ગઇ. જન્નતે આત્મહત્યા કરવાનો મક્કમ નિર્ધારકરી નાખ્યો. એ માટે સ્યૂસાઇડ નોટ પણ લખી નાખી. એ કાગળ ગડી વાળીને મમ્મીના હાથમાં આવે એમ એમની પથારીમાં ઓશીકા નીચે દબાવીને એ ઘરની બહાર નીકળી ગઇ. સાંજના પાંચ વાગ્યા હતા. વરસાદ ચાલુ થઇ ગયો હતો. જન્નત ચાલતી-ચાલતી શહેરથી દૂર આવેલા જળાશય પાસે પહોંચી ગઇ.

‘ગૂડ બાય, મુકદ્દર!’ એ પાળી ઉપર ઊભી રહીને બબડી, ‘હું જઇ રહી છું. શક્ય હશે તો આવતા ભવે મળીશું.’

મુકદ્દરના પપ્પા સનતભાઇ બહુ મોજીલા માણસ હતા. એમણે દીકરાને બોલાવ્યો અને વાત છેડી, ‘આવો, મારા રાજકુમાર! તમારું ભણવાનું પૂરું થયું. હવે શું કરવાનો વિચાર છે?’

‘પપ્પા, વિચારું છું કે આઇ.એ.એસ.ની તૈયારી શરૂ કરું...’

‘જે કરવું હોય એ પછી કરજે, પહેલાં છોકરી પસંદ કરી લે! અહીં એકાવન ફોટોગ્રાફ્સ તારા માટે તૈયાર રાખ્યા છે. તને ગમે તે આ ઘરની રાણી! જોજે, ગમે તે એક ને જ પસંદ કરવાની છે, એકાવનને નહીં!’

મુકદ્દર હસી પડ્યો, ‘પપ્પા, ગંજીફામાં તો બાવન પત્તાં હોય છે.’

પપ્પા સમજી ગયા, ‘છે કોઇ તારા ધ્યાનમાં? તો ઊતર્યું પાનું સવા લાખનું! નામ જણાવ!’

‘પણ પપ્પા...! જે છોકરી મને ગમે છે એ મને નફરત કરે છે.’

‘અરે, તું એનું નામ બોલી નાખ! હું એનું અપહરણ કરીને પણ તારી સાથે પરણાવી દઇશ. મને એનો ફોન નંબર આપ, હું અત્યારે જ એની સાથે વાત કરું!’ મુકદ્દરે નંબર આપ્યો, સનતભાઇએ લગાડ્યો.

જન્નત છલાંગ લગાવવાની તૈયારીમાં હતી ત્યાં જ એના સેલફોનની રિંગ વાગી. સામેથી કોઇ અજાણ્યો આધેડ પુરુષ એને ધમકી આપતો હોય એમ પૂછી રહ્યો હતો, ‘એય અભિમાની છોકરી! તારે મારા દીકરા મુકદ્દરની સાથે લગ્ન કરવા છે કે... પછી હું તને તળાવમાં ડુબાવીને મારી નાખું?’ આસમાન ખાંગુ થઇને વરસતું હતું. જન્નતે જવાબ પછી આપ્યો, પહેલાં તો તળાવની ભીની લપસણી પાળ ઉપરથી પગ પાછો ખેંચી લીધો. જિંદગી એને પોતાની રમ્ય બાહોમાં ખેંચી રહી હતી

ભીંજવું પાંપણની ભીનાશે તને,મારામાં વરસાદ દેખાશે તને

એમ.બી.બી.એસ. પાસ કર્યા પછી નૈષધ અને લક્ષ્યા બંને એક જ હોસ્પિટલમાં એક સાથે ઇન્ટર્નશીપ કરી રહ્યા હતા. બંને જણાં સાડા ચાર વરસથી સાથે જ ભણતા આવ્યા હતા. બંનેમાં ઘણી બધી બાબતો અંગે સમાનતા હતી. એમની સાથે ભણનારા અન્ય છોકરા-છોકરીઓને એ વાતની નવાઈ લાગતી હતી કે આ બેય જણાં એક-મેક માટે સર્જાયા હોવા છતાં પ્રેમમાં કેમ નથી પડતાં?! કદાચ આ સવાલનો જવાબ ‘મરીઝ’ સાહેબની આ પંક્તિમાં રહેલો હતો: ‘એ રહી ગયાં શરમમાં ને હું રહી ગયો વિવેકમાં’. હું પોતે એમની આ વાતનો સાક્ષી.

એક દિવસની વાત. સવારે આઠ વાગ્યે લક્ષ્યા માંકડ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને ડાબા હાથમાં એપ્રોન અને જમણાં હાથમાં સ્ટેથોસ્કોપ ઝૂલાવતી હોસ્પિટલમાં પ્રવેશી. બરાબર એ જ સમયે બીજી દિશામાંથી નૈષધે હોસ્પિટલના પ્રાંગણમાં પગ મૂક્યો.

‘હાય! ગૂડ મોર્નિંગ!’ લક્ષ્યા તરફ જોઈને નૈષધે ‘વિશ’ કર્યું. જવાબમાં લક્ષ્યાએ પણ ટહુકો કર્યો, ‘વેરી ગૂડ મોિનઁગ, નૈષધ! આજ-કાલ તારી ડ્યૂટી ક્યાં ચાલી રહી છે?’

‘સર્જીકલ વિભાગમાં. તું તો ગાયનેક વિભાગમાં કામ કરે છે ને?’

‘હા, પણ તારા હાથમાં શું છે?’ લક્ષ્યાએ પૂછ્યું. જવાબમાં નૈષધે ગુલાબનું તાજું ફૂલ એની સામે ધરી દીધું.

‘ક્યાંથી લાવ્યો? ફૂલવાળાની દુકાનેથી?’

‘ના, મારા ઘરના બગીચામાં મેં જાતે ગુલાબનો છોડ વાવ્યો હતો. આજે એના પર પહેલું ગુલાબ ખીલ્યું છે. એ તોડીને હું તારા માટે...’ નૈષધે ડાંડલી સહિતનું ગુલાબ ધર્યું.

લક્ષ્યાએ આનાકાની કરી, ‘ના, મારાથી એ ન લેવાય પહેલું ફૂલ તો ભગવાનને ધરવાનું હોય.’

‘હું એ જ તો કરી રહ્યો છું!’ નૈષધના હોઠ પરથી સહજ રીતે વાક્ય સરી પડ્યું. અચાનક અને અનાયાસ સાડા ચાર વરસથી છાતીમાં ધરબાઈને પડેલી લાગણી શબ્દોના વસ્ત્ર સજીને છલકાઈ પડી. ચકમકના બે પથ્થરો એકબીજાની સાથે ઘસાય અને જેમ તણખો ઝરે એવો જ ‘સ્પાર્ક’ આ બે હૈયાં ટકરાયા અને ઝરી પડ્યો.

લક્ષ્યાએ હાથ લંબાવ્યો અને ગુલાબનું ફૂલ લઈ લીધું. પ્રેમ વ્યક્ત કરવાની પુરુષ પાસે એક હજાર તરકીબો છે, તો પ્રેમનો સ્વીકાર કરવાની સ્ત્રી પાસે એક લાખ અદાઓ હોય છે. ડૉ.. નૈષધે વાત વાતમાં કહી દીધું કે લક્ષ્યા જ એને મન ભગવાન છે, તો બદલામાં ડૉ.. લક્ષ્યાએ એક શબ્દ પણ બોલ્યા વિના માત્ર ફૂલનો સ્વીકાર કરીને જણાવી દીધું કે અને નૈષધનો પ્રસ્તાવ મંજુર છે. એ બંનેને પ્રેમમાં પડેલા જોઈને અમને બધાને પણ ‘હાશ’ થઈ.

ગુલાબનું ફૂલ તો સાંજ પડતામાં કરમાઈ ગયું, પણ બે જુવાન દિલો વચ્ચે પાંગરેલા પ્રણયનું પુષ્પ કરમાવા માટે ખીલ્યું જ ન હતું. ડૉ.. નૈષધ અને ડૉ.. લક્ષ્યા એક જ જ્ઞાતિના હતા, બંને દેખાવમાં પણ આકર્ષક હતા. બંનેના પરિવારોની સામાજિક, આર્થિક સ્થિતિ પણ એક સરખી હતી. એટલે બંનેના લગ્ન આડે કંઈ વિઘ્ન આવે એવી એક પણ શક્યતા અમને દૂર દૂર ક્ષિતજિ સુધીએ દેખાતી નહોતી.

એક દિવસ કોફી રૂમમાં અમે ત્રણ જ જણાં બેઠા હતા. મેં વાત કાઢી, ‘તમે લોકો સગાઈ ક્યારે કરો છો? ઘરે વાત કરી કે નહીં?’ડૉ.. નૈષધે માથું હલાવ્યું, ‘હા અને ના. મમ્મી-પપ્પાને થોડી ઘણી વાત કરી દીધી છે, પણ...’

‘તો પછી અડચણ શેની છે? જન્માક્ષરો મેચ નથી થતાં?’

‘જન્માક્ષરો તો મળે છે, પણ...’ ડૉ.. નૈષધે વાક્ય અધૂરું મૂકર્યું તે ડૉ.. લક્ષ્યાએ પૂરું કર્યું, ‘સર, અમારે બીજી એક વાતનું મેચિંગ કરાવવું પડે તેમ છે.’

હું ચાનો કપ પકડીને થંભી ગયો. ડૉ.. લક્ષ્યા ધીમા, પડી ગયેલા અવાજે બોલી રહી હતી, ‘જન્માક્ષર મેળવવાનો રિવાજ જુનો થઈ ગયો, સર! અમારા માટે તો બ્લડના રિપોટ્ર્સ મેળવી જોવા પડે એ સમય આવી ગયો છે. નૈષધ થેલેસેમિયા માઈનોરનો શિકાર છે, સર! એની જીદ છે કે મારે પણ થેલેસેમિયાનો બ્લડ રિપોર્ટ કઢાવી લેવો. જો હું પણ થેલેસેમિયા માઈનોર હોઉં તો અમે લગ્ન ન કરી શકીએ. જો અમે લગ્ન કરીએ તો અમારું ભાવિ બાળક થેલેસેમિયા મેજર નામની બીમારી સાથે લઈને જન્મે. અમે ડોક્ટરો થઈને આવી ભૂલ કેવી રીતે કરી શકીએ, સર?’

એમની વાતમાં કેટલો તર્ક હતો અને કેટલું સત્ય હતું એ સાબિત કરવાનું હજુ વિજ્ઞાન માટે પણ બાકી છે. એક એવું પણ અનુમાન છે કે આવા જ કારણસર અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ લગ્નમાં પરિણમતાં રહી ગઈ.

‘તો હવે શું કરશો તમે?’ મારી ચા ઠંડી પડી ગઈ હતી અને હું પણ.ડૉ.. નૈષધે માહિતી આપી, ‘સર, લક્ષ્યાએ એના બ્લડનો નમૂનો લેબોરેટરીમાં મોકલાવી દીધો છે. હવે અમને એના રિપોર્ટની પ્રતીક્ષા છે.’

‘ધારો કે લક્ષ્યા પણ થેલેસેમિયા માઈનોર પોઝિટિવ છે એવો રિપોર્ટ આવ્યો, તો? તમે શું કરશો?’ મેં પડેલા ચહેરે પૂછ્યું.
મારા મનહૂસ પ્રશ્નનો કોઈ જ ઉત્તર એ ક્ષણે તો મને ન મળ્યો. પણ એ દિવસે સાંજે ડૉ.. લક્ષ્યા છાની-માની આવીને મને એક બંધ કવર આપી ગઈ. ‘શું છે આની અંદર?’ મારો પ્રશ્ન. એનો જવાબ, ‘મારું અને નૈષધનું ભવિષ્ય. હમણાં ન વાંચશો. મારો રિપોર્ટ આવી જાય, એ પછી જ આ પરબિડીયું ખોલજો. તમને મારા સમ છે.’

‘સમ આપવાની જરૂર નથી. તારા જેવી લાગણીશીલ છોકરીનો વિશ્વાસભર્યો શબ્દ જ પૂરતો હતો.’ મેં કવર ખિસ્સામાં મૂકી દીધું. એ રાત મેં બેચેનીમાં ગુજારી દીધી. બીજો દિવસ પણ ઉચાટ લઈને ઊગ્યો. આજે બપોર સુધીમાં ડૉ.. લક્ષ્યાનો બ્લડ રિપોર્ટ આવી જવાનો હતો.

ગાયનેકનો આઉટડોર પતાવીને લગભગ દોઢ વાગ્યે હું નવરો પડ્યો. આમ તો ડૉ.. લક્ષ્યા મારા જ વિભાગમાં કામ કરતી હતી, પણ આજે સવારથી જ એ ગાયબ હતી. કદાચ રિપોર્ટ લેવા માટે ગઈ હશે. મારી ચિંતા સહનશક્તિનો કાંઠો વટાવી જાય એ પહેલાં જ ડૉ.. લક્ષ્યા ઊછળતી-કૂદતી આવી ચડી. એની પાછળ જ વાવાઝોડા જેવો નૈષધ હતો. લક્ષ્યાનાં હાથમાં લેબોરેટરીનો કાગળ હતો.

‘સિંહ કે શિયાળ? મેં પૂછવા ખાતર પૂછ્યું, એ બંનેના હાવ-ભાવ કહી આપતા હતા કે રિપોર્ટમાં શું લખેલું હશે!

ડૉ..લક્ષ્યા ઊછળી રહી હતી, ‘થેન્ક ગોડ, સર! મારો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. હવે અમે લગ્ન કરી શકીશું. જો રિપોર્ટ ખરાબ આવ્યો હતો તો...? તો હું શું કરવાની હતી એ જાણવું છે, સર? મેં તમને જે કવર આપ્યું છે તે ઊઘાડૉ. તમે પણ વાંચો અને મારા નૈષધને પણ વંચાવો. એને ખબર તો પડે કે હું એને કેટલો પ્રેમ કરું છું!’

મેં ખિસ્સામાંથી કવર કાઢયું, અંદરથી કાગળ કાઢ્યો. ડૉ.. લક્ષ્યાએ લખ્યું હતું, ‘સર, મારો રિપોર્ટ ખરાબ આવ્યો છે. હું હવે નૈષધની સાથે લગ્ન નહીં કરી શકું. પણ એના વગર જીવવાની તો હું કલ્પના પણ નથી કરી શકતી. માટે હું મારી જિંદગીનો અંત લાવી રહી છું. સર, તમે નૈષધને સાચવી લેજો...’

હું અને નૈષધ આ પત્ર વાંચીને હસી પડ્યા. લક્ષ્યા પૂછી બેઠી, ‘તમે હસો છો શા માટે? શું તમને એવું લાગે છે કે મેં ખાલી અમથી મરવાની વાત લખી છે? હું સાચ્ચેજ નૈષધને પ્રેમ...’

મેં ખુલાસો કર્યો, ‘એવું નથી, બહેન! હકીકત એમ છે કે ગઈકાલે તારા ગયા પછી નૈષધ પણ મને એક કાગળ આપી ગયો હતો. જો, એણે લખ્યું છે કે લક્ષ્યાનો રિપોર્ટ ખરાબ આવશે તો પણ હું એની સાથે લગ્ન કરીશ જ! હું ક્યારેય બાળક પેદા નહીં કરું. મને વંશજ વગર ચાલશે, પણ મારી લક્ષ્યા વિના નહીં ચાલે! બોલ, લક્ષ્યા, હવે તું જ કહે, કોનો પ્રેમ ચડિયાતો?’ આજે એ ઘટનાને વરસો થઈ ગયા છે, પણ એ જુવાન યુગલ મને બહુ મોટી વાત શીખવી ગયું, ગુલાબનું ફૂલ આપવું અને સ્વીકારવું એ જ સાચો પ્રેમ નથી, પણ નિવઁશ જવાની તૈયારી સાથે પ્રેમિકાનો હાથ ઝાલવો એ સાચો પ્રેમ છે. (શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)

પીનારાને જામ ઓળખે, રાધિકાને શ્યામ ઓળખે

બેતાળીસ વરસનો સૂટેડ-બૂટેડ, સ્માર્ટ એન્ડ હેન્ડસમ સમંદર શાહ ઓફિસનું બારણું હડસેલીને અંદર ઘૂસી ગયો. ‘સન્ની એન્ટરપ્રાઇઝ’ના ચેરમેન મિ. આલોક લાકડાવાલાએ ગુસ્સાભરી નજરે આ અજાણ્યા આગંતુક સામે જોયું. પૂછ્યું, ‘તમને રીતભાતનું કંઇ ભાન છે ખરું? બહાર પટાવાળો ઊભો છે એની મારફતે તમારું વિઝિટિંગ કાર્ડ મોકલીને પછી જ્યારે હું સંમતિ આપું ત્યારે જ...’‘એ બધું સમજયા હવે!’ સમંદરે નફ્ફટાઇપૂર્વક હવામાં હાથ ઉલાળીને કહ્યું, પછી ટેબલ પાસે પડેલી ખુરશી ખેંચીને જાણે બાપના બગીચામાં બેસતો હોય એમ બેસી ગયો. ટેબલ ઉપર પડેલા આલોકના સિગારેટ-કેસમાંથી એક સિગારેટ ખેંચી કાઢી.


લાઇટર પણ આલોકનું જ. અને સિગારેટ સળગાવ્યા પછી જે પહેલા ‘કશ’નો ધુમાડો નીકળ્યો એ પણ આલોકના જ મોઢા ઉપર રવાના કર્યો.‘યુ મેનરલેસ ઇડિયટ! હાઉ કેન યુ બહિેવ લાઇક ધીસ?’ ત...ત...તમને ભાન છે કે હું ધારું તો હમણાં જ પોલીસને ફોન કરીને તમને...?’ આલોકનો અવાજ આવેગને લીધે ધ્રુજતો હતો.


સમંદર બેફિકરાઇપૂર્વક હસ્યો. ટેબલ ઉપર હાથ પછાડીને બોલ્યો, ‘ઉલ્લુના પઠ્ઠા! તારાથી કશું જ થાય તેમ નથી. બહુ મિજાજ બતાવીશ તો હમણાં હું જ તને ઉઠાવીને ઓફિસની બારીમાંથી બહાર ફેંકી દઇશ!’


આલોક પીળો પડી ગયો. સામે બેઠેલ પુરુષનો આત્મવિશ્વાસ જોઇને એ થડકી ગયો. બિઝનેસ વર્લ્ડમાં આલોક લાકડાવાલાનું બહુ મોટું નામ હતું. એના ગરમ મિજાજ વિશે શહેરમાં સેંકડો દંતકથાઓ પ્રસરેલી હતી. આવા આલોકને કોઇ અજાણ્યો આદમી એની પોતાની ઓફિસમાં ‘ઉલ્લુનો પઠ્ઠો’ કહી જાય!


ઉલ્લુનો પઠ્ઠો?! આલોક અતીતની કેડી ઉપર સરી પડ્યો. હા, યાદ આવ્યું. જ્યારે પોતે કોલેજમાં ભણતો હતો ત્યારે એક મિત્ર એને હંમેશાં ‘ઉલ્લુના પઠ્ઠા’ તરીકે સંબોધતો હતો. પણ એ તો કોલેજ પૂરી કર્યા પછી ક્યાંક અદ્રશ્ય થઇ ગયો હતો. ત્યારે આ સામે બેઠો છે કે કોણ? આલોકે ઝીણી નજર કરીને સામે બેઠેલા ‘બદમાશ’ને જોયા કર્યો. મેળ ન પડ્યો.


સમંદર હવે ખડખડાટ હસી પડ્યો, ‘સા..., આલોકિયા! તારી પાસે રૂપિયા આવ્યા પણ બુદ્ધિ ન આવી! તારા મિત્રને ન ઓળખી શક્યો? હું સમંદર શાહ.’


આલોક ઊછળી પડ્યો. ખુરશીમાંથી ઊભો થઇને દોસ્તને ભેટી પડ્યો. પણ હજુયે એના માનવામાં નહોતું આવતું કે આ સમંદર શાહ જ છે.


‘દોસ્ત, તું તો સાવ જ બદલાઇ ગયો! એ વખતે સાવ પાતળો હતો, એને બદલે અત્યારે પીપ જેવો દેખાય છે. તારા કાળા ઘૂંઘરાળા વાળ ક્યાં ગાયબ થઇ ગયા? અને તેજ પાણીદાર આંખો આગળ આ સોનેરી ફ્રેમના ચશ્માં...? સાચું કહું, યાર? તું નખશિખ બદલાઇ ગયો છે! તારાં મમ્મી-પપ્પા પણ તને પિછાણી ન શકે! લાગી શરત? સા..., તું નાટકિયો ખરો ને? કોલેજના દિવસોમાં નાટકો કરતો હતો ત્યારે નવા-નવા ગેટઅપમાં અમે તને ઓળખી શકતા ન હતા. લાગે છે કે આ પણ તારો એક તદ્દન નવો ગેટઅપ જ છે.’


સમંદરે સંતોષનો ઓડકાર ખાધો, ‘હા, આ પણ એક ગેટઅપ જ કહેવાય, દોસ્ત! કોલેજ ખતમ થઇ અને કિસ્મતે કરવટ બદલી. રંકના ઘરે જન્મેલા આ સમંદરના જીવન-નાટકનો પ્રથમ અંક પૂરો થયો અને બીજો અંક શરૂ થયો. મારું યુનિવર્સિટીની ડિગ્રીનું સર્ટિફિકેટ લઇને હું નોકરી માટે ‘ઇન્ટરવ્યૂ’ આપવા ગયો. મારી તેજિસ્વતા કંપનીના માલિકના મનમાં વસી ગઇ. એણે કહી દીધું,’ તને નોકરી નહીં આપું, પણ મારી છોકરી આપીશ! એ બુઢ્ઢો માલેતુજાર નીકળ્યો. સાઉથ આફ્રિકામાં એની હીરાની ખાણો હતી. બસ, હું ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ કરીને ઊપડી ગયો. આજે વીસ વરસ બાદ પહેલીવાર ભારતમાં આવ્યો છું.’


‘આટલાં વરસો પછી પણ તું મને ભૂલ્યો નથી?’


‘ના, અહીંથી પસાર થતો હતો ને બોર્ડ ઉપર તારું નામ વાંચ્યું કે તરત જ તને ઓળખી ગયો અને તું મને જોયા પછીયે ઓળખી ન શક્યો?’


‘તને કોઇ ન ઓળખી શકે. લાગી શરત? તને માનવામાં ન આવતું હોય તો આવતીકાલે આપણા જૂના મિત્રોની એક ડિનર-પાર્ટી ગોઠવીએ. જોઇએ એમાંથી કેટલા લોકો તને ઓળખી શકે છે!’ આલોકે તરત જ પાર્ટીમાં પૂરા બે કલાક સુધી એણે સમંદર શાહને વિદેશથી આવેલા મહેમાન તરીકે રજૂ કર્યો. કોઇ એને ઓળખી ન શક્યું. જ્યારે આલોકે ફોડ પાડ્યો, ત્યારે પાર્ટીમાં તહેલકો મચી ગયો.


બધાંના હોઠો ઉપર એક જ વાત હતી, ‘કોઇ માણસ આટલી હદે બદલાઇ જઇ શકે ખરું?’


અનિકેતે તો કહી જ નાખ્યું, ‘છોડો, યારો! આપણે બધા તો મિત્રો હતા, પણ મારી તો ચેલેન્જ છે કે જો સમંદર એની પ્રેમિકા તરસ ત્રિવેદીને આજે મળે ને, તો એ પણ આને ઓળખી ન શકે!’


બધાંએ તાળીઓ પાડીને અનિકેતની વાતને વધાવી લીધી. મોડી રાત્રે પાર્ટી પૂરી થઇ, મિત્ર છુટા પડ્યા, પણ સમંદરના દિમાગમાં એક વિચારનું વાવેતર કરતા ગયા. હોટેલમાં જતાં પહેલાં એણે આલોકને પૂછી જ લીધું, ‘તરસ ક્યાં છે એની તને જાણ છે...?’


‘છે ને! એના પપ્પાના ઘરે જ છે. એણે લગ્ન નથી કર્યા. મળવું છે એને? સરનામું યાદ છે કે ભૂલી ગયો? આપું હું?’


બીજો દિવસ. બપોરનો સમય. સમંદરના હાથની આંગળી તરસના ઘરના દ્વાર ઉપર ટકોરા મારી રહી હતી અને એના દિમાગમાં એક સવાલ સળવળતો હતો, ‘જોઉં તો ખરો કે તરસ મને ઓળખી શકે છે કે નહીં!’


તરસ પણ સમંદરને ઓળખી ન શકી. દ્વાર ઉઘાડીને એણે પૂછ્યું, ‘ઘરમાં કોઇ નથી, આપને કોનું કામ હતું?’


સમંદરે વાર્તા ઉપજાવી કાઢી, ‘હું તમારા પિતાશ્રીના મિત્રનો પુત્ર છું. વરસો પછી ઇન્ડિયા આવ્યો છું. મનમાં થયું કે લાવ, કાકાને મળું! ક્યાં છે દાસકાકા?’


પપ્પાનું નામ પડ્યું એટલે તરસે મહેમાનને ઘરમાં લીધા, ‘આવો ને, ચા-પાણી પીને જજો. પપ્પા તો સાતેક વરસ પહેલાં જ ગુજરી ગયા. ભાઇ નોકરી ઉપર ગયા છે, ભાભી પિયરમાં છે પ્રસંગ છે એટલે...’


સમંદર ઘરનું નિરીક્ષણ કરી રહ્યો. જૂના જમાનાની લાકડાની પાટ, એક નાનું ટી.વી., વ્હાઇટવોશનો મેકઅપ વાંછતી ભીંતો, જરી ગયેલા બારીના પડદા. તરસના ગોરા-ગોરા રૂપાળા દેહ ઉપર ફરી વળેલી ઉદાસી. સમંદરને લાગ્યું કે આ બધાંને માટે પોતે જ જવાબદાર છે. જો દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણની લાલચે એણે આ ભલી ને ભોળી પ્રેમિકાને દગો ન આપ્યો હોત તો આજે આ ઘરની દશા આવી ન હોત.


એ પંદર-વીસ મિનિટ માંડ બેઠો. ચા પીધી. પછી જવા માટે ઊભો થયો. ત્યાં તરસે એને વિનંતી કરી, ‘તમે પાંચેક મિનિટ માટે બેસશો? હું એક પત્ર લખી નાખું. તમે બહાર નીકળીને એને ટપાલપેટીમાં નાખી દેશો તો મારો એક ફેરો બચી જશે. આમ પણ છેલ્લાં વીસ વરસથી મને ઘરની બહાર જવું ગમતું નથી.’


સમંદરે હા પાડી. તરસે એક પત્ર લખીને પરબીડિયામાં બંધ કર્યો. પછી સમંદરે વિદાય લીધી. રસ્તા પર આવીને સમંદરે ટપાલપેટી શોધી કાઢી. ડબ્બામાં નાખવા માટે કવર બહાર કાઢયું. કુતૂહલવશ સરનામું વાંચ્યું. ડઘાઇ ગયો. પત્ર એના પોતાના નામે લખાયેલો હતો. પરબીડિયા ઉપર આવું લખેલું હતું. સમંદર શાહ, લક્ષ્મી ગલી, લાલચ સોસાયટી. લોભનગરી.


એણે અંદરથી પત્ર કાઢીને વાંચ્યો : ‘સમંદર, હું કેટલી દુ:ખી છું તે જોવા માટે આવ્યો હતો? કે તું કેટલો સુખી છે તે બતાવવા માટે...? તેં તારી સાચી ઓળખાણ છુપાવી? શા માટે? તને એમ કે હું તને પિછાણી નહીં શકું? પણ એટલું યાદ રાખજે, સમંદર, કે તારા મિત્રો ભલે તને ઓળખી ન શકે, પણ મેં તો ક્યારેક તને પ્રેમ કર્યો હતો. તારા માથા પર ભલે ટાલ હોય, પણ તોયે વાળમાં આંગળીઓ ફેરવવાની તારી આદત હજુ એની એ જ છે.


બોલવાનું શરૂ કરતાં પહેલાં નીચલો હોઠ દબાવવાની તારી ટેવ ઉંમર સાથે શી રીતે બદલાવાની છે? તારા ડાબા કાન ઉપર કાપો, ઘડિયાળ જમણા કાંડે બાંધવાની તારી આદત, તારા દરેક શર્ટ ઉપર ‘એસ’નું એમ્બ્રોઇડરી કરાવવાની તારી ઘેલછા! મને બધું યાદ છે. થાપ તો તંે આજે ખાધી છે. મેં તને ભાવતી લેમન ટી પીવડાવી તોયે તું સમજી ના શક્યો કે હું તને ઓળખી ગઇ છું? એક જ વિનંતી છે, હવે પછી ક્યારેક મને મળવા ન આવતો. તારી સ્મૃતિઓના કિલ્લામાં જીવી રહેલી આ કર્મભાગી નારીની એકાંત કોટડીમાં છીંડું પાડવાનું પાપ ફરી વાર ન કરીશ.’


(શીર્ષક પંક્તિ : મુસાફિર પાલનપુરી)