Tuesday, August 11, 2009

જો જો હસતાં નહીં

છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’
મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’
***********
પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
***********
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’
***********
એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’
ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?
’***********
એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.
શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’
શેઠ : ‘દાદા’
મિત્ર : ‘એટલે ?’
શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’
***********
પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’
મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’
***********
એક કેદી બીજાને :‘તને કેટલા વર્ષની સજા થઈ છે ?’‘અઢાર વર્ષની…. અને તને ?’‘
મને પંદર વર્ષની….’‘
તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’
***********
એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.
પતિનું મગજ ફાટ્યું.‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’
બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.
પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’
ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’
***********
છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’
મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’
***********
સંસ્કૃતના ટીચરે પૂછ્યું :‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’
સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’
***********
પોલીસ ઈન્સ્પેક્ટર (હવાલદારને) : ‘ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મીનીસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી ?’
હવાલદાર : ‘કારણ કે બહાર બોર્ડ મારેલું હતું – પરવાનગી વિના અંદર આવવું નહિ.
’***********
પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે.’
પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’
***********
પ્રથમ સૈનિક : ‘તું કેમ આર્મીમાં જોડાયો ?’
બીજો સૈનિક : ‘મારી પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું ?’
પ્રથમ સૈનિક : ‘મારે પત્ની છે પણ મને શાંતિ ગમે છે.’
***********
કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’
***********
યમરાજ ધરતી પર આવીને બાર બાટલી પી ગયા. આશ્ચર્યથી વેઈટરે એમને પૂછ્યું :‘તમને નશો ચઢ્યો નહિ ?’
યમરાજ : ‘ના. કારણ કે હું ભગવાન છું.’
વેઈટર મનોમન બબડ્યો : ‘હવે એને ચઢી ગઈ લાગે છે !’
***********
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’
***********
સંતાસિંહ જંગલમાંથી પસાર થતો હતો. એક ઝાડ પરથી મોટો અજગર લટકતો જોઈને સંતાસિંહ બોલ્યો : ‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’
***********
એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’
હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’
ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’
***********
એક કંજૂસ મરણપથારીએ બૂમો પાડવા લાગ્યો :‘મારો પુત્ર, પુત્રી ક્યાં છે ?’
દીકરો અને દીકરી બોલ્યાં : ‘અમે અહીંયા જ છીએ, પપ્પા !’‘
તમારી મમ્મી ક્યાં છે ?’
એની પત્ની બોલી : ‘હું પણ અહીં તમારી પાસે જ છું.’
‘નાનોભાઈ અને ભાભી ક્યાં છે ?’
તેઓ બોલ્યા : ‘અમે અહીં તમારી બાજુમાં જ બેઠા છે.’
કંજૂસ બોલ્યો : ‘ડફોળો ! તમે બધા અહીં બેઠા છો તો અંદરના રૂમમાં પંખો કેમ ચાલુ છે ?’
***********
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
***********
રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’
અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’
***********
એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.
***********
ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’
દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’
’***********
દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.
દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.’

ઈશ્વર પ્રત્યેની આસ્થા

ચોક્કસપણે યાદ નથી કે એ કયું વર્ષ હતું, પણ એટલી ખબર છે કે એ દિવસે અમદાવાદમાં એક રાતમાં બાર ઈંચ વરસાદ પડ્યો હતો. સમી સાંજથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને પછી તો આખી રાત ચાલ્યા કર્યો હતો. બપોર પછીના સૂરજને વાદળે ઢાંકી દીધો હતો, સાંજને બદલે સીધી રાત જ પડી હતી. લગભગ આખું અમદાવાદ ઊંઘતું હતું, માત્ર હું જાગતો હતો અને મારે ત્યાં સુવાવડ માટે દાખલ થયેલી એક નવજુવાન સ્ત્રી અને એમના સગાંસંબંધી અને…. ધર્મેશ શાહ !

ધર્મેશ મારો મિત્ર હતો, ડૉક્ટર હતો, નવો સવો જ ડિગ્રી લઈને બહાર પડ્યો હતો, ઉત્સાહી હતો. મારે ત્યાં કોઈ ઓપરેશન હોય તો ‘આસીસ્ટ’ કરવા દોડી આવતો. મને પણ એની કંપની ગમતી. અમારે જમવાનું બાકી હતું અને બાકી જ રહી ગયું. પેલી સ્ત્રીને નોર્મલ ડિલિવરી માટે ‘ટ્રાયલ’ આપવામાં જ રાતના સાડા અગિયાર વાગી ગયા. છેવટે નાછૂટકે સિઝેરિયનનો નિર્ણય લેવો પડ્યો. કદાચ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે આવી જ મેઘલી રાત હશે. ઓપરેશન થિયેટરની કાચની બંધ બારી ઉપર પાણી રમઝટ બોલાવી રહ્યું હતું. એનેસ્થેટિસ્ટ ડૉક્ટર આવ્યા તે પણ પાણી નીતરતાં, સારું હતું કે એણે રેઈનકોટ પહેર્યો હતો, પણ તેમ છતાં ગોઠણથી નીચેનું પેન્ટ તો જાણે હમણાં જ પાણીની ડોલમાં ઝબકોળીને બહાર કાઢ્યું હોય એવું નીતરતું હતું.

અમે રાત્રે બાર વાગ્યે ઓપરેશન શરૂ કર્યું. આખું ઓપરેશન તો યાદ નથી રહ્યું અને રહેવાની શક્યતા પણ નથી હોતી. ત્યાર પછી છેલ્લાં સાત વર્ષમાં બીજા એવાં જ ઓપરેશનો એટલાં બધાં કર્યાં છે કે એ એક ક્રમ જેવું થઈ ગયું છે. પણ, અમને ડૉક્ટર્સને કોઈ કોઈ ઓપરેશન યાદ રહી જતાં હોય છે એ કરતી વખતે ઊભી થયેલી કોઈ કટોકટીને કારણે ! આમાં પણ એવું જ બનેલું; ગર્ભાશયમાંથી બાળક કાઢતી વખતે એના વિશાળ કદને કારણે ગર્ભાશય પર મૂકેલો ચીરો બંને બાજુએ ખેંચાઈને પહોળો થઈ ગયો અને એમાં રહેલી રક્તવાહિનીઓમાંથી લોહીના ફુવારા ઊડવા માંડેલા ! આવે સમયે જો કોઈ ડોક્ટર એમ કહેતો હોય કે એ ચોપડીમાં વાંચેલા ‘સ્ટેપ્સ’ પ્રમાણે વિચારી વિચારીને નિર્ણય લેતો હોય છે તો મારે કહેવું પડશે કે એ ગીતામાં વર્ણવાયેલો સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જ હશે ! મોટા ભાગે તો આવે સમયે ડૉક્ટર અંદરથી ઊઠતાં કોઈ આવેગને વશ થઈને જ કામ કરતો હોય છે. અલબત્ત, એણે મેળવેલું જ્ઞાન એને અવશ્ય કામમાં આવે છે. પણ સમય સાથે હોડ બકવાનું ઝનૂન વધુ મહત્વનું પુરવાર થતું હોય છે.

લોહીના તળાવની વચ્ચે ક્યારે, કેવી રીતે, કેટલાં ટાંકા લેવાઈ ગયા એ માલિક જાણે, પણ એ પછી ક્ષણ માત્રમાં જ રક્તસ્ત્રાવ કાબૂમાં આવી ગયો એ અમે જોયું. યુવતી સલામત હતી, બાળકનું રડવું આખી હોસ્પિટલને ગજવી રહ્યું હતું અને આકાશ ગડગડાટી સાથે એને આવકારી રહ્યું હતું. ‘મોત અહીં આટલામાં જ ક્યાંક હોવું જોઈએ નહીં ?’ ધર્મેશે મૌનનો સન્નાટો તોડતાં પૂછ્યું : ‘કેટલું નજીકથી એ પસાર થઈ ગયું ? બ્લિડિંગ બંધ થતાં માત્ર થોડીક જ વધારે વાર લાગી હોત, તો…તો…!’ આગળ અમે વિચારી શકીએ એમ નહોતાં. અત્યારે આવી ઘનઘોર વરસાદી રાતે બ્લડટ્રાન્સફ્યુઝનની વ્યવસ્થા અમે કેવી રીતે કરી શક્યા હોત ? મેં જોયું કે ધર્મેશ ખળભળી ગયો હતો. એના ચહેરા પરનો આતંક હળવો કરવાના આશયથી મેં રમૂજ કરી :
‘ડૉ. ધર્મેશ, મહામૃત્યુંજય જાપ જપી રહ્યા છો ?’
એ પરાણે હસ્યો. મેં કહ્યું : ‘આવી બાબતમાં ઈશ્વરને વચ્ચે નહીં લાવવાનો, સમજ્યા ?’
‘કેમ ? તમે ઈશ્વરમાં નથી માનતા ?’
‘હું તો માનું છું કે મારો ઈશ્વર એ મારી અતિશય અંગત બાબત છે. જ્યાં માણસની આત્મવિશ્વાસની સરહદ પૂરી થાય છે, ત્યાં એની ઈશ્વર પ્રત્યેની આસ્થાની હદ શરૂ થાય છે. એક ડૉક્ટર તરીકે આપણાં જીવનમાં મૃત્યુનો સામનો કરવાના અનેક પ્રસંગો આવતા જ રહેવાના, અને પરિસ્થિતિનો તબીબી કૌશલ્યથી સામનો કરવાની આવડત જ આપણને એમાંથી વિજેતા બનાવીને બહાર લાવતી રહેવાની ! આઈ વીલ થેન્ક માયસેલ્ફ ફર્સ્ટ એન્ડ ધેન ધેટ ઓલ્ડ મેન !’

ઓપરેશન પૂરું થયું અને અમને ખબર પડી કે હવે ભૂખ લાગી છે. રાતનું જમણ અમે લીધું જ ન હતું. ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું કે આજે રસોયણ બાઈ રાંધવા માટે આવી જ નહોતી. સવારનું વધ્યું ઘટ્યું જ…! અમારી ભૂખ હવે તીવ્ર બની હતી. ઘડિયાળમાં જોયું. રાતનો સવા વાગ્યો હતો. અત્યારે નાસ્તો પણ ક્યાંથી મળે ? મેં ટેલિફોન ડિરેક્ટરી કાઢી. શહેરની જાણીતી બે-ચાર રેસ્ટોરન્ટમાં ફોન કર્યાં. બધેથી નિરાશા સાંપડી. આખરે આશ્રમરોડની એક અતિશય જાણીતી રેસ્ટોરાંમાંથી ‘હા’ આવી : ‘આવી જાવ, પણ માત્ર પંદર જ મિનિટની અંદર ! પછી અમે પણ દુકાન બંધ કરીએ છીએ.’ મેં વિનંતી કરી. આખી પરિસ્થિતિ સમજાવી. છેક આટલે દૂરથી આવા વરસાદમાં આવવાનું, રાતનો સમય, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોય તો ગાડી પાછી પણ વાળવી પડે…! પંદર મિનિટ તો ઓછી કહેવાય ! રેસ્ટોરાંવાળો ભલો નીકળ્યો : ‘સાહેબ, તમે નિરાંતે આવો. હું તમે નહીં આવો ત્યાં સુધી રાહ જોઈને બેઠો છું. ફક્ત એક કામ કરો, તમે ઓર્ડર લખાવી દો, એટલે હું ગરમાગરમ વાનગી ઉતારીને તૈયાર રાખું.’ ધર્મેશે ઓર્ડર નોંધાવ્યો. અમારા મોંમાં પાણી આવી ગયું.

બહાર તો જાણે પાણીનું જ સામ્રાજ્ય હતું જ ! ગાડીમાં બેસવા જઈએ એટલી વારમાં પણ અમે તરબોળ બની ગયા. મેં ગાડી ચાલુ કરી. ધર્મેશ મારી બાજુમાં જ બેઠો હતો. અમે નાસ્તો લઈને પાછાં ફરીએ ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ મારા નર્સિંગ હોમમાં જ બેસવાનો હતો. મેં મારા રોજના માર્ગે ગાડી લીધી, પણ માત્ર થોડાં કદમ આગળ જઈને જ ગાડી પાછી વાળવી પડી. રસ્તાની વચ્ચો-વચ્ચ નદીની જેમ પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો હતો. બીજે રસ્તે પણ એ જ દશા હતી. સામાન્ય સંજોગોમાં અમે કદાચ જવાનું જ મુલત્વી રાખ્યું હોત, પણ બુભુક્ષિત: કિમ ન કરોતિ….? છેવટે એક લાંબા રૂટ પરથી ચકરાવો કરીને પણ જવું તો ખરું જ એમ અમે નક્કી કર્યું. અને એ મુજબ મેં ગાડી ઘુમાવી. થોડે સુધી તો બધું બરાબર ચાલ્યું. ઉપર આકાશમાંથી સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો હતો. નીચેથી ગટરો ઊભરાઈ રહી હતી. જમીનની પાણી સમાવવાની શક્તિ ‘સેચ્યુરેટ’ થઈ ગઈ હતી. ગાડીના ‘વ્હીલ્સ’ પાણીમાં ડૂબી રહ્યા હતા અને અચાનક અમે ‘દો રાહા’ પર આવી ઊભાં. આદતવશ મેં ગાડી જમણા માર્ગે લીધી. સામે કશું દેખાતું હતું જ નહીં, પણ એવાં અંધકારમાં પણ મને પાણીનો ઘૂઘવાટ સંભળાયો. કોઈ અગમ્ય આદેશને વશ થઈને મેં ગાડી પાછી વાળી. આ ક્ષણ મને બરાબર યાદ છે. ધર્મેશે પૂછ્યું પણ ખરું : ‘કેમ ગાડી પાછી વાળી ? રસ્તો તો સાફ છે, જવા દો ને !’
‘ના, આગળ જતાં જોખમ જેવું લાગે છે મને ! એના કરતાં ડાબા રસ્તે થઈને…..’ જે જગ્યાએથી મેં ગાડી રીવર્સ લીધી અને પછી ડાબી તરફના માર્ગે આગળ ધપાવી, ત્યાં એક ગેરેજ હતું. એક ઘરડો મુસ્લિમ ચાચો પતરાંના ‘શેઈડ’ નીચે બેઠો બેઠો બીડી ચૂસી રહ્યો હતો. એણે પણ ધ્યાનપૂર્વક અમારી હરકત જોયા કરી. અને અમે પસાર થઈ ગયા.

રાત્રે લગભગ પોણા બે વાગ્યે જ્યારે અમે આશ્રમરોડ પહોંચ્યા, ત્યારે રેસ્ટોરાં પર માંડ ચારેક ઘરાક હતાં. એમાંથી બે પોલીસવાળા હતા અને બે ભિખારીઓ ! હું હસ્યો. ધર્મેશે પૃચ્છક નજરે મારી સામે જોયું. મેં ધીમેથી એના કાનમાં કહ્યું : ‘આ બધામાં દુકાનદારે કમાવાનું તો ફક્ત આપણી પાસેથી જ ને ?’ અમે હસતાં રહ્યાં અને કંદોઈએ અમને નાસ્તાનાં પડીકાં બાંધી આપ્યા. અમે પૈસા ચૂકવીને એનો આભાર માન્યો. અમારી ‘રીટર્ન જર્ની’ શરૂ થઈ. વરસાદ હજુ પણ અટક્યા વગર વરસી જ રહ્યો હતો. જમીન ઉપર પાણીની ઊંડાઈ વધતી જતી હતી. પણ અમને ખબર હતી કે અમારો માર્ગ કયો છે ! ક્યાંયથી પણ પાછા વળવું પડે એવું નહોતું. વીસેક મિનિટ પછી અમે ફરીથી પેલા ‘દો રાહા’ પાસે આવી પહોંચ્યા.

અનાયાસ અમારી નજર એ જગ્યા પર પડી, જ્યાંથી મેં ગાડી પાછી વાળી હતી. હું કબૂલ કરું છું કે જિંદગીમાં આટલી હદે ક્યારેય હું થથર્યો નથી. એ જગ્યાએ જમીનમાં મોટું ગાબડું પડ્યું હતું અને એક ટ્રક આખ્ખે આખ્ખો એ ગાબડામાં ઊતરી પડ્યો હતો. મેં ગેરેજના પતરાં નીચે બેઠેલા મુસ્લિમ ચાચાને પૂછ્યું : ‘ક્યારે બન્યું આ ?’ એણે બીડીનો છેલ્લો કશ લીધો : ‘સા’બ, તુમ્હારી ગાડી નીકલ ચૂકી, ઉસકે બાદ પૂરી એક મિનિટ કે બાદ ! યે ટ્રક તો બાદ મેં આયા ! આપ બચ ગયે, સા’બ !’ મેં જોયું કે જો હું પાછા ફરવામાં માત્ર એક મિનિટ મોડો પડ્યો હોત, તો અમારી ગાડી સીતામાતાની જેમ ધરતીમાં સમાઈ ગઈ હોત ! રસ્તાના આછા પડની નીચે શહેરી ઘોરી ગટરલાઈન વહી રહી હતી, જે છેક અમને વાસણા કે સુએઝ ફાર્મ સુધી ખેંચી ગઈ હોત !

હું અને ધર્મેશ ચૂપ હતાં. મારા કન્સલ્ટિંગ રૂમમાં બેસીને નાસ્તો કરતી વખતે પણ અમારા બંનેના મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો : ‘કોણે અમને બચાવ્યા ? ઈશ્વરે ? જે ઉપર આકાશમાં બેઠો છે એમ મનાય છે ? આકાશ ફાટી પડ્યું. એણે તો આ હોનારત સર્જી હતી ? કોઈ એવી અગમ્ય શક્તિએ અમને પ્રેર્યા જેને હજુ સુધી આપણું વિજ્ઞાન કે અધ્યાત્મ પણ સમજાવી નથી શક્યું ? કે પછી આ બધો માત્ર જોગાનુજોગ હતો ?’ લગભગ સાત વરસ થવા આવ્યાં છે આ વાતને ! ઘણું બધું ભૂલાઈ ગયું છે આજે પણ એક વાત નથી ભૂલી શકાઈ ! મોત એ રાત્રે અમારી ખૂબ જ નજીકમાં, ક્યાંક આસપાસમાં જ હતું. બે વાર તો અમને સ્પર્શીને પસાર થઈ ગયું; એક વાર ઓપરેશન થિયેટરની અંદર અને બીજી વાર ઓપરેશન થિયેટરની બહાર….. !