‘અરિહંત, તું ખરેખર હેન્ડસમ છે.’ અનુત્તરાએ પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહેલા પતિને જોઈને પોતાનો અભિપ્રાય જાહેર કર્યો.‘તને આજે ખબર પડી?’ આછા બ્લુ રંગના શર્ટ ઉપર ડાર્ક નેવી બ્લુ કલરનું બ્લેઝર ચઢાવતાં અરિહંત હસી પડ્યો.‘ખબર તો ક્યારનીયે હતી, એટલે તો તારી સાથે લગ્ન કરવાની મેં હા પાડી હતી; પણ હમણાં-હમણાંથી એ વાતની ખાતરી થતી જાય છે.’ અનુત્તરા પણ તૈયાર થઈ રહી હતી. પોતાનાં શેમ્પૂ કરેલા રેશમી વાળમાં એ બ્રશ ફેરવી રહી હતી.
‘ખાતરી? હું હેન્ડસમ છું એ વાતની? એમાં બીજાને પૂછવાની શી જરૂર હતી? આ ડ્રેસિંગ ટેબલના દસ બાય દસની સાઈઝના મિરરને પૂછયું હોત તો પણ સાબિતી મળી જાત!’ અરહિંતે સંતરાની તીવ્ર સુગંધ ધરાવતું ઈટાલિયન પરફ્યૂમ પસંદ કરીને શર્ટ ઉપર ત્રણ-ચાર ફુવારા છાંટયા, પછી એક હળવો ફુવારો પત્નીનાં કેશમાં પણ મારી દીધો.
અનુત્તરા છેડાઈને જરા દૂર હટી ગઈ, ‘ઓહ નો, અરિ! યોર્સ ઈઝ એ મેન્સ પફ્યુંમ. એની સ્મેલ બહુ તેજ છે. પાર્ટીમાં બધાંને ખબર પડી જશે કે હું પુરુષો માટેનું પફ્યુંમ છાંટીને આવી છું.’
‘ગભરાવાની જરૂર નથી. તારે કહી દેવાનું કે ‘પફ્યુંમ મારા વરે છાંટ્યું છે, મેં તો ખાલી એને આલિંગન આપ્યું એમાં હું અરિહંત-અરિહંત થઈ ગઈ !’ આટલામાં બધા સમજી જશે.’
અનુત્તરા હજુ પૂરેપૂરી તૈયાર નહોતી થઈ. પણ પતિનો રોમેન્ટિક જવાબ સાંભળીને એ એટલી ઉન્મત્ત થઈ ઊઠી કે ફિફટી-ફિફટી વસ્ત્રોમાં જ એ અરિહંતને વળગી પડી, ‘અરિ! તું કેટલો સરસ છે! તું મને ખૂબ જ ગમે છે.’
અરહિંતે એના ખુલ્લા વાળમાં આંગળીઓ રમાડતાં માહિતી આપી. ‘ધીસ ઈઝ વેરી ડેન્જરસ, ડાર્લિંગ! પતિ જરૂર કરતાં વધારે સોહામણો હોય એ પત્નીને માટે ચિંતાનો વિષય કહેવાય.’
‘કેમ, એમાં ચિંતા શેની?’
‘જે પુરુષ એની પત્નીને હેન્ડસમ લાગતો હોય તે બીજી સ્રીઓને પણ લાગવાનો જ છે. એક ફૂલ અને સો ભમરાની ઉપમાઓ જુની થઈ ગઈ, હવે તો એક મોર ને હજાર ઢેલવાળો જમાનો ચાલે છે.’
અનુત્તરા જોરથી પતિને વળગી પડી, ‘એ બધી વાતો બીજા પુરુષોને લાગુ પડતી હશે, મેરા પતિ સિર્ફ મેરા હૈ. ભલે ને ગમે તેટલી ઢેલો એની સામે રૂમઝૂમ કરતી ફર્યા કરે, મારો મોર મારા સિવાય બીજી કોઈની આગળ કળા નથી જ કરવાનો એની મને ખાતરી છે.’
અનુત્તરાનો આત્મવિશ્વાસ તદ્દન સાચો હતો. એનાં અરિહંત સાથેના લગ્નજીવનના પાંચ વરસ પૂરા થવા આવ્યા હતા, આ દરમિયાન અરિહંત માટે આકર્ષણના, સ્ખલનના અને પરસ્રી સાથેની લફરાબાજીના અસંખ્ય પ્રસંગો આવ્યા હતા, પણ અરિહંતને લપસાવવામાં એક પણ તિતલી સફળ થઈ ન હતી.
એમાં પણ કોઈ સામાજિક પ્રસંગ હોય કે ખાનગી મેળાવડો હોય, ત્યાં તો કુંવારી-પરણેલી સ્રીઓ અરિહંત જેવા કામણગારા પુરુષને જોઈને રીતસરનાં આક્રમણો જ કરી બેસતી, પણ અરિહંત એના અંગે-અંગ ઉપર સંસ્કાર અને સંયમનું બખ્તર ચડાવી દેતો. જેનાથી કામદેવના તીક્ષ્ણમાં તીક્ષ્ણ તીરો પણ એને વીંધ્યા વગર હેઠા પડી જતાં હતા. અનુત્તરાને ખાતરી હતી કે આજની પાર્ટીમાં પણ આવું જ બનવાનું છે.
ખરેખર એવું જ બન્યું. અરિહંત જે કંપનીમાં એક્ઝિક્યુટીવ હતો એના માલિકના દીકરાની બર્થ-ડે પાર્ટી હતી. ગાડીમાંથી ઊતરીને જેવો અરિહંત-અનુત્તરાએ બંગલામાં પગ મૂક્યો, ત્યાં જ માલિકની ખૂબસૂરત યુવાન સાળી અરિહંતને રિસીવ કરવા માટે દોડી આવી. ‘હગ’ કરવાને બહાને ચસોચસ, સાંગોપાંગ એને વળગી જ પડી, ‘હાય હેન્ડસમ! મને વિશ્વાસ હતો કે તમે આવશો જ. હું તમારી જ વાટ જોતી હતી...’
અરહિંતે સાવ નકલી સ્મિત ફરકાવીને એને દૂર હડસેલી દીધી, ‘એક્સક્યુઝ મી, સૌથી પહેલાં મને બંટીને ‘વિશ’ કરી લેવા દો, આપણે પછી શાંતિથી વાત કરીએ.’
પણ શાંતિને બદલે સલોની ધસી આવી. અરિહંત માટે પણ એ ફટાકડો અજાણ્યો હતો. અનુત્તરા તો જોઈ જ રહી. ભયંકર હદે ખૂબસૂરત લાગતી એ યુવતીએ શરમ-સંકોચને દેશવટો આપીને પોતાનો મખમલી હાથ અરિહંતની સામે લંબાવી દીધો, ‘હાય! આઈ એમ સલોની! તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું.
ગયા મહિને કપૂર સાહેબની પાર્ટીમાં મેં તમને જોયા હતા. વિલ યુ બિલીવ મી? એ આખીયે રાત હું ઊંઘી શકી નહોતી. આજે તો હું નક્કી કરીને આવી છું - આઈ વિલ હેવ યુ ઇન માય લાઈફ એટ એની કોસ્ટ! મને શ્રદ્ધા છે કે તમારા વાઈફ આ બાબતે વિરોધ નહીં કરે...’
અરહિંતે બળપૂર્વક પોતાની હથેળી આ રેશમ ચૂડમાંથી સરકાવી લીધી. પછી કોરું ઔપચારિક સ્મિત ફેંકીને એણે આ રૂપાળા આક્રમણને ત્યાં જ રોકી દીધું, ‘વિરોધ મારી પત્નીને હોય કે ન હોય, પણ મને તો છે જ. આઈ એમ સોરી, મિસ સલોની, બટ લેટ મી ટેલ યુ... આઈ એમ હેપ્પીલી મેરીડ. હું પરણેલો છું, સુખી છું અને સંતુષ્ટ છું.’
પાર્ટી ચાલતી રહી, પતંગિયાઓના ચકરાવાઓ પણ ચાલતાં રહ્યાં અને અરિહંતનું બચાવકાર્ય પણ ચાલતું રહ્યું. અનુત્તરાની ખુશીનો પાર ન હતો. જગતનો સૌથી સંયમી પુરુષ એને પતિ તરીકે મળ્યો હતો એ વાતનો ગર્વ એની ખોપરીને ફાડી નાખતો હતો, હૃદયને ભરી દેતો હતો.
ત્યાં જ અરિહંતનો મોબાઈલ ફોન ગૂંજી ઊઠ્યો. અનુત્તરા ચમકી ઊઠી. મોબાઈલ ફોન વાગે એ કોઈ નવાઈની ઘટના ન હતી, પણ અત્યારે જે રિંગટોન સંભળાયો એ અવશ્ય વિશિષ્ટ હતો. અનુત્તરાને ખબર હતી કે અરિહંતને અલગ-અલગ વ્યક્તિઓ માટે વિવિધ પ્રકારના રિંગટોન રાખવા સામે નફરત હતી. એ ઓફિસમાં હોય ત્યારે અનુત્તરાનો ફોન આવે એનો રિંગટોન પણ એ જ હોય જે એના પટાવાળાનો ફોન આવે ત્યારે હોય !
અરહિંતે ઝડપથી સેલફોન હાથમાં લીધો. પછી અવળી દિશામાં મોં ફેરવીને દબાયેલા અવાજમાં એણે આટલું જ કહ્યું, ‘મારી વાઈફ બાજુમાં ઊભી છે. તું ફોન ‘કટ’ કરી નાખ ! હું હમણાં જ કરું છું.’
‘અરિ..! કોનો ફોન હતો?’ અનુત્તરાએ સહેજ શંકાશીલ બનીને પૂછયું.
‘કોઈનો નહીં... આઈ મીન,એક કસ્ટમરનો ફોન હતો. ખાસ કંઈ કામ ન હતું. અત્યારે પાર્ટી ચાલે છે એટલે મેં ફોન કાપી નાખ્યો. આવતી કાલે નિરાંતે વાત કરી લઈશ.’ અરિહંતના કપાળ ઉપર ઝાકળના ટીપાં જેવો પરસેવો ફૂટી નીકળ્યો. અનુત્તરાને વધારે આઘાત તો એ વાતનો લાગ્યો કે ‘આવતી કાલે નિરાંતે વાત કરવાની’ વાત કરનારો એનો સંયમી પતિ જાત ઉપર અડધી મિનિટ પૂરતોયે સંયમ જાળવી ન શક્યો. એ ધીરેથી બંગલાની બહાર સરકી ગયો.
બંગલાના બગીચાના દૂરના અંધારા ખૂણા પાસે પહોંચીને એણે મોબાઈલ ફોન પર એ અજાણ્યા ‘કસ્ટમર’ સાથે જરૂરી વાત કરી જ લીધી.અનુત્તરા આઘાતમાં સરી પડી. એના પાંચ વરસના દાંપત્યજીવનમાં આવું આજે પહેલીવાર બની રહ્યું હતું, પણ આવનારા સમયે એને કહી આપ્યું કે આવું ભલે પહેલી વાર બની રહ્યું હતું, પરંતુ છેલ્લી વાર નહીં.
દિવસમાં રોજ બે-ત્રણ વાર અરિહંતના સેલફોન ઉપર એ વિશિષ્ટ રિંગટોન વાગી ઊઠતો હતો. દરેક વખતે અરિહંત સાવધ થઈ જતો અને ફોન કાપી નાખતો; પછી બાથરૂમમાં ભરાઈને કે બીજા ઓરડામાં પૂરાઈને એ કોઈની સાથે વાત કરી લેતો હતો.
‘અરિહંત, તું કોઈનાં પ્રેમમાં છે?’ અનુત્તરાએ આખરે હિઁમત કરીને પૂછી લીધું.
‘સાચું કહું તો...ના! હું તારા સિવાય બીજી કોઈ સ્રીનાં પ્રેમમાં નથી.’
‘તો પછી આ શંકાસ્પદ ખાનગી ફોન કોલ્સ કોનાં આવે છે?’ અનુત્તરાનાં પ્રશ્નના જવાબમાં અરિહંત અનુત્તર બની રહ્યો. અનુત્તરાએ બહુ જીદ પકડી ત્યારે એ એટલું જ બોલ્યો, ‘હું સાચું બોલી નહીં શકું અને તારી આગળ જુઠું બોલવું મને ગમશે નહીં. હવે પછી કયારેય મને આ વિષે પૂછતી નહીં.’
અનુત્તરાએ પૂછપરછ બંધ કરી, પણ જાસૂસી શરૂ કરી દીધી. એક દિવસ એને તક મળી ગઈ. અરિહંત બાથરૂમમાં સ્નાન કરવા ગયો હતો અને એનો સેલફોન બેડરૂમમાં પડેલો હતો. અનુત્તરાએ ઝડપથી અરિહંતના નંબર ઉપર આવેલો એસ. એમ. એસ. વાંચવા માંડ્યો. એક નામ આગળ એની નજર ચોંટી ગઈ. કોઈ સનમ સોમાણી નામની છોકરી નિયમિતપણે અરિહંતને સંદેશાઓ પાઠવતી હતી.
એક મેસેજ તો ગઈ કાલે જ આવ્યો હતો. સનમ લખતી હતી : ‘ડિયર, આવતી કાલે મારો બર્થ-ડે છે. તમે આવશો ને? આપણે સાથે ડિનર લઈશું. માત્ર આપણે બે જ! ત્રીજું કોઈ નહીં. હું રાહ જોઈશ. બરાબર રાત્રે સાડા આઠ વાગ્યે. મારા ઘરે... તમારી જ સનમ.’અનુત્તરાએ યોજના વિચારી લીધી. જાણે કંઈ ન જાણતી હોય એ રીતે એણે પૂરો દિવસ પસાર કરી નાખ્યો.
સાંજે સાડા સાત વાગ્યે જેવો અરિહંત ગાડીમાં બેસીને બિઝનેસ મિટિંગના બહાને બહાર જવા માટે નીકળ્યો એવી જ અનુત્તરા પણ પોતાની કાર લઈને એની પાછળ-પાછળ નીકળી પડી. અરહિંતે સિવિલ હોસ્પિટલની બહાર આવેલા નિસઁગ કવાટર્સમાંના એકની પાસે જઈને ગાડી ઊભી રાખી દીધી. પછી એ એક ચોક્કસ ફલેટ જેવા મકાનમાં દાખલ થઈ ગયો.
અનુત્તરાએ થોડીક મિનિટો એમ જ પસાર થઈ જવા દીધી. પછી એણે ફલેટનું બારણું ખટખટાવ્યું. બારણું ખૂલ્યું તો સનમ નામની એક સાધારણ દેખાવની નર્સ ત્યાં ઊભી હતી. અંદર એક ખુરશી ઉપર અરિહંત બેઠો હતો. બાજુના ટેબલ ઉપર સાદાં ભોજન સાથેની બે થાળીઓ પડેલી હતી. ન કેક હતી, ન ભેટ હતી, ન સજાવટ હતી, ન કશી ભડકીલી ઊજવણી હતી.
અનુત્તરાને જોઈને અરિહંત કટુતાભર્યું હસ્યો, ‘મને વિશ્વાસ હતો કે તને મારામાં વિશ્વાસ હશે, પણ તું છેવટે સ્રી જ નીકળી!’‘અને તમે પુરુષ સાબિત થયા એનું કંઈ નહીં?’
‘બસ કર, અનુ ! તારી આંખ પર બાંધેલો પાટો ખોલી નાખ અને તું જે નથી જાણતી એ વાત જાણી લે. આપણાં લગ્ન પહેલાં મને જીવલેણ અકસ્માત નડ્યો હતો. હું લગભગ મરી જ ગયેલો. પણ આ સનમે હૂંફ અને પ્રેમથી મારી સારવાર કરી. હું પાછો આવ્યો એ ઘટનાને ડોક્ટરો પણ ચમત્કાર કહેતા હતા. હું સનમને ચાહતો નથી, પણ આ સ્રી મને એકતરફી પ્રેમ કરે છે. તું એટલું સમજી લે, અનુ, કે પુરુષ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સ્રી પાસે નથી જતો હોતો, ક્યારેક પોતાની જવાબદારી નિભાવવા માટે પણ એને જવું પડતું હોય છે.’ (શીર્ષક પંક્તિ : બેફામ)