Wednesday, June 10, 2009

આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય, એક કાગળની બની હોડી તરે વરસાદમાં

‘ ડૉ. શરદ ઠાકર‘ઓયે યાર..., સન્ડે કો મૈંને એક ડિબેટ મેં જાણા હૈ. કોઇ મૈનું કુછ આઇડિયા દો ના! કયા બોલણા, કયા નહીં બોલણા?’ તાજો જ એમ.બી.બી.એસ. થયેલો શીખ મિત્ર અમારી પાસેથી ‘ટિપ્સ’ માગી રહ્યો હતો. અમે ત્રણેય મિત્રો હસી પડયા. એક હું, બીજો મહિધર ઠક્કર અને ત્રીજો ઇમરોઝ શેખ. સરદાર મિત્રનું નામ હતું. ડો. કપિલસિંહ બહારા. અમારી ચારેય વચ્ચેનો લઘુત્તમ સાધારણ અવયવ એ હતો કે અમે બધાં ત્રેવીસ વર્ષના હતા અને ઇન્ર્ટનશીપ કરતા હતા. અમારી જિંદગીનો એક સુવર્ણયુગ હતો. ન ભણવાનો ભાર, ન પરીક્ષાની ચિંતા, મરજી પડે એટલું જ કામ કરવાનું, બાકી મજા જ મજા. ‘વાદ-વિવાદનો વિષય શું છે?’ ડૉ. મહિધરે પૂછ્યું. ‘ભગવાન: એક સત્ય? યા કલ્પના?’ કપિલે માહિતી આપી. એ સાથે જ અમે નિષ્ણાતોની જેમ તૂટી પડયા. ‘ઇશ્વર એ નર્યું તૂત છે. કથા નહીં, પણ દંતકથા છે. અંધશ્રદ્ધાળુઓએ ઊપજાવી કાઢેલું ટાઇમપાસ માટેનું બહાનું છે. અખિલ બ્રહ્માંડમાં સત્ય માત્ર વિજ્ઞાન છે. ઇશ્વર એટલે કલ્પના, કલ્પના અને ફકત કલ્પના.’ મહિધર એવી છટાદાર શૈલીમાં બોલી ગયો કે હું અને ઇમરોઝ તાળીઓ પાડી ઉઠયા. કપિલનું જડબું લબડી પડયું, ‘વાહ બાદશાહો! કયા ઓપનિંગ દિલા દી હૈ! મૈં તો સપણે મેં ખો ગયા જી! મૈં સ્ટેજ પે બોલ રહા હૂં ઔર લોગ તાલિયાં બજા રહે હૈં!’ એ ઉમર જ એવી હતી. અમે પૂરી દુનિયાના શહેનશાહો હતા. ખોપરીમાં દિમાગ કરતાંયે વધુ તો હવા ભરાયેલી હતી. ચંદ્રગુપ્ત, સકિંદર અને નેપોલિયન જેવા તો અમારે ત્યાં નોકરો હતા. ઇશ્વર નામનો શબ્દ અમારા શબ્દકોષમાંથી તડીપાર હતો. અમે મૃતદેહોની ચીરફાડ કરીને શરીરના ગુપ્તમય રહસ્યો ઊકેલી ચૂકયા હતા. અમે જાણતા હતા કે હૃદય કેવી રીતે ધબકે છે અને શ્વાસની આવન-જાવન કયારે અટકે છે. સૌથી મહત્ત્વની વાત કે અમને એ ખબર હતી કે રાત-દિવસ ચાલતી આ જીવન-મરણની ઘટમાળમાં ઇશ્વર નામનાં કાલ્પનિક શખ્સનું કશું જ યોગદાન ન હતું. ‘મારા તરફથી આ મુદ્દો ખાસ રજૂ કરજે, ઇશ્વરે માણસને પેદા નથી કર્યો, પણ માણસે ઇશ્વરને પેદા કર્યોછે.’ મેં એમ.બી.બી.એસ.ની ડિગ્રીને નિચોવી અને એમાંથી જે બે ટીપાં નીચે પડયાં તે કપિલના ખોબામાં ઠાલવ્યા, ‘આ એક જ વાકયનો વિચાર વિસ્તાર કરીશ એટલે તારી દલીલનો મઘ્યભાગ તૈયાર થઇ જશે.’ કપિલ ઝૂમી ઉઠયો. એને ખાતરી થઇ ગઇ કે રવિવારે શ્રોતાઓ પણ આમ જ ઝૂમી ઉઠવાના છે. ‘ઇમરોઝ, તુ કેમ ખામોશ છે? ફતવાનો ડર લાગે છે કે શું?’ ‘અરે, ભાઇ! ફતવે સે તો સલમાન રશદી ભી ડરતા હૈ ઔર તસ્લીમા નસરીન ભી. અગર કોઇ નહીં ડરતા, તો શાયર! સૂના હૈ તુમ્હારે ‘મરીઝ’ને લિખા હૈ...’ ઇમરોઝ યાદ કરી રહ્યો. મેં મદદ કરી: ‘એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’, બહાર તો પથ્થર મળ્યાં મસ્જિદ અને મંદિરને.’ અને પછી અમે ચારેય મિત્રો હસી પડયા.બીજા દિવસે સવારે અમે ટહેલવા માટે નીકળ્યા હોઇએ એમ વોર્ડમાં રાઉન્ડ લેવા માટે હાજર થયા. આર.એમ.ઓ. ડૉ. ત્રિવેદીએ અમને રિમાન્ડ ઉપર લીધા. ‘કયાં રખડો છો? કાલે રવિવારે કેમ દેખાયા નહીં?’ ‘રવિવાર હતો ને એટલે.’ અમારા ગળામાંથી નફફટ જવાબ નીકળી ગયો. ‘એમ? બીમારી રવિવારની રજા પાળે છે? કાલે આખો દિવસ અમે ચૌદ મેડિકલ ઓફિસરો પગ વાળીને બેસી શકયા નથી. બેંતાલીસ દર્દીઓ ‘એડમિટ’ થયા છે.’ ડો. ત્રિવેદીનો થાક એમના ચહેરા પર હતો અને ઊજાગરો આંખોમાં. ‘કોઇ અકસ્માત થયો હતો? આટલા બધા ઇમરજન્સી પેશન્ટ્સ એક સાથે...?’ મારા પ્રશ્નમાં અમારા ચારેયની સંમતિ હતી. ‘ના, એકિસડેન્ટ નથી થયો. કમળો ફાટી નીકળ્યો છે. સૌથી વધુ ભોગ બાળકોનો લેવાય છે. મોટી ઉંમરના તો બચી જશે, પણ બાળકોનો રેઝિસ્ટન્સ પાવર સૌથી ઓછો હોય છે. મારો આદેશ છે: તમારે આજથી ચિલ્ડ્રન વોર્ડમાં કામ કરવાનું છે. યુ વીલ બી ઓન ડયુટી ફોર ટ્વેન્ટી ફોર અવર્સ! ખાવા-પીવા અને આરામ માટેના કલાકો અંદરોઅંદર વહેંચી લેજો. જો સહેજ પણ ચૂક થઇ તો તમારું ‘ડયુટી કમ્પ્લીશન સર્ટિફિકેટ’ અટકાવી દેવામાં આવશે, અંડરસ્ટેન્ડ?’ આ જગતમાં દીવેલ કરતાંયે અધિક રેચક પદાર્થ ધમકી હોય છે. અમે એ જ સમયે બાળકોનાં વોર્ડ તરફ ગતિ કરી ગયા. પહેલા ચોવીસ કલાકમાં જ અમને ખબર પડી ગઇ કે હિપેટાઇટીસના વાઇરસ ઉપર અમારો કોઇ અંકુશ નથી. કમળો કાં તો એની પોતાની મરજીથી મટે છે, કાં દર્દીએ હટી જવું પડે છે. વોર્ડમાં તમામ ખાટલાઓ જોન્ડિસના બાળદર્દીઓથી ભરાયેલા હતા. જમીન ઉપર ત્રીસ જેટલી પથારીઓ આપવી પડી હતી. જાણે પીઠી ચોપડી હોય એવા પીળા રંગના હાડપીંજરો મૃત્યુની વાટ જોતાં સૂતેલાં હતા. પ્રથમ ચોવીસ કલાકમાં ચાર વિકેટો પડી ગઇ. દર્દીઓનાં મા-બાપોનાં આક્રંદથી વાતાવરણ પણ રડી ઊઠયું. અમે એક ક્ષણ માટેય ઊધ્યા ન હતા અને હવે અમારામાં જાગવાની જરા પણ શકિત બચી ન હતી. ‘આવું નહીં ચાલે, મિત્રો’ મેં ચાર જણાની શિખર મંત્રણામાં એલાન કર્યું, ‘આ કમળો આપણા કાબૂમાં નથી. એ માટે આપણે બહુ-બહુ તો ગ્લુકોઝના બાટલા ચડાવી શકીએ છીએ. સરકારી દવાખાનામાં બીજું હોય પણ શું? એક કામ કરીએ, આપણે ઊઘવા માટે ચાર-ચાર કલાકના વારા કાઢીએ...’ હજુ તો મેં મૂકેલો ઠરાવ સર્વ સંમતિથી પસાર થાય, તે પહેલાં જ વોર્ડમાંથી એક ચીસ ઊઠી. મહિધર બબડયો, ‘આજે પંચક બેઠાં લાગે છે!’ ચીસનો છેડો પકડીને એક બાપ અમારી પાસે દોડી આવ્યો, ‘સાહેબ, મારો ધર્મેશ... જરા જુઓને! એને કંઇ સારું નથી લાગતું...! હે ભગવાન...’અમે જરા પણ ઉત્સાહ વિના ધર્મેશના ખાટલા તરફ ધસી ગયા. મેં એની પલ્સ ઉપર આંગળીઓ મૂકી, મહિધરે એના સરિમ બિલિરૂબીનના રિપોર્ટ પર નજર નાખી, ઇમરોઝનો હાથ બાળકના પેટ ઉપર હતો અને એના લીવરને ફંફોસી રહ્યો હતો અને કપિલ ગ્લુકોઝના બાટલ સાથે ગડમથલ કરી રહ્યો હતો. ધર્મેશની મા માથાં પછાડી રહી હતી અને એનો બાપ અમારા પગમાં આળોટીને એકની એક વાત રિપિટ કરી રહ્યો હતો: ‘સાહેબો, મારા ધર્માને બચાવી લો, મારી ચાર દીકરીઓ વચ્ચે એકનો એક ભાઇ છે. એ નહીં હોય, તો મારી છોકરીઓ રાખડી કોના હાથે બાંધશે! મારા રાંકના રતનને બચાવી લો, મારા ભગવાન!’ અમે જાણતા હતા કે ધર્મેશ બચી શકવાનો ન હતો અને અમે એ પણ જાણતા હતા કે બરાબર સાત દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. આ વરસે અધિક માસને કારણે શ્રાવણ મહિનો સપ્ટેમ્બરમાં પડતો હતો. અમે એકબીજાની આંખોમાં જોયું અને...! અમે ચારેય મિત્રો થાક, ભૂખ અને ઊઘને બાય-બાય કરીને મચી પડયા. હું મેડિસનિની બૂકસના પૃષ્ઠો ઊથલાવી રહ્યો. કમળાના રોગમાં દર્દીને ટકાવી રાખવા માટે બીજું શું-શું થઇ શકે તે શોધી રહ્યો. મહિધર એની જ્ઞાતિના સુખી વેપારીઓ પાસે જઇને દાન ઉઘરાવવાના અઘરા કામમાં પરોવાઇ ગયો. ઇમરોઝ અને કપિલ મારી સૂચનામાંથી ટપકતાં તબીબી પ્રયોગોને અમલમાં મૂકી રહ્યા. પૂરા બોંતેર કલાકની આકરી મહેનત પછી બેભાન ધર્મેશે આંખો ખોલી, ત્યાં સુધીમાં અમે ચારેય જણાં લગભગ બેહોશીની બોર્ડર લાઇન સુધી પહોંચી ગયા હતા, પણ અમને એક વાતનો સંતોષ હતો, સરકારી હોસ્પિટલમાં અમે ચાર તાલીમાર્થી યુવાન ડૉકટરો ભેગાં થઇને કોઇના લાડકવાયાને વિદેશની મેયો કિલનિકના સ્તરની સારવાર આપવામાં સફળ થયા હતા. રક્ષાબંધનની સવારે ધર્મેશના કાંડા પર જયારે ચાર-ચાર બહેનો હરખધેલી બનીને એક પછી એક રાખડી બાંઘ્યે જતી હતી, ત્યારે ડૉ. ત્રિવેદી સર અમને શાબાશી આપી રહ્યા હતા, ‘વેલડન માય બોયઝ! તમારી ચંડાળ ચોકડીએ એ ચમત્કાર કરી બતાવ્યો છે, જે અમે ચૌદ ડૉકટરો ન કરી શકયા. બોલો, હું તમને ઇનામમાં શું આપું?’ થોડી વાર ખામોશી પથરાઇ ગઇ. અમારામાંથી દરેક જણને કંઇક માગવું હતું, પણ જાહેર કરવામાં સંકોચ નડતો હતો. છેવટે મહિધરે પહેલ કરી, ‘સર, મારે બે દિવસ માટે છુટ્ટી જોઇએ છે. મારા અંકલ વીરપુરમાં રહે છે એમને મળવા જવું છે.’ ઇમરોઝને અજમેર જવું હતું, એણે ચાર દિવસની રજા માગી. કપિલના મામાનું ઘર અમદાવાદમાં ગુરુદ્વારાની પાસે હતું. ત્રણ દિવસ એણે માગ્યા.‘શરદ, વ્હાય આર યુ સાયલન્ટ? હાઉ મેની ડેયઝ ડૂ યુ વોન્ટ?’ ડૉ. ત્રિવેદીએ મારી સામે જોયું. ‘સર, આ ત્રણેય જણાં જૂઠ્ઠા છે. કોઇ એમના કાકા, મામા કે મા-બાપને મળવા નથી જઇ રહ્યા. આ ઠક્કરીયો વીરપુરના જલાબાપાના પગમાં પડવા જવા માગે છે, આ ઇમરોઝે અજમેરના ખ્વાજાની માનતા રાખી છે, અને આ સરદાર છેવટે પાક્કો શીખ જ નીકળ્યો, સાહેબ! એણે અમદાવાદના ગુરુદ્વારાની મન્નત...’ ‘તુ તારું બોલી નાખ ને! તારે કોઇ ભગવાન નથી?’ ‘છે ને, સર! મારે બે દિવસ જોઇએ છે, જૂનાગઢ જઇને ભવનાથ અને ભૂતનાથ મહાદેવનો આભાર માનીને પાછાં આવતાં એટલું તો થાય જ ને, સર! આખરે આ બધાંએ તો અમારા ધર્મેશને બચાવવામાં મદદ કરી છે...’ મેં ઠરાવ જાહેર કર્યોજે સર્વે સંમતિ સાથે પસાર થઇ ગયો.‘(સત્ય ઘટના, શીર્ષક પંકિત: રમેશ પારેખ)

કેટલાં ચૂંટયાં, ઉગાડયાં તેં ગુલાબો?માગશે મૌસમ, પળેપળના હિસાબો

પ્રિન્સિપાલ કક્કલભાઇ મહેતાએ અકળાઇને ખાદીના શર્ટના ખિસ્સામાંથી ખાદીનો હાથરૂમાલ કાઢીને પોતાનો ખાદી જેવો ચહેરો લૂછ્યો, ‘ઊફફ! આજનો દિવસ જ અશુભ લાગે છે. શિક્ષિકા માટેના ઇન્ટરર્વ્યૂમાં એક પણ ચહેરો જોવો ગમે તેવો નથી આવ્યો. પાંચ-પાંચ ઉમેદવારોને પતાવી નાખ્યા, પણ આંખોને ઠંડક ન વળી! બે પચાસ-પચાસ વરસની રાંડેલી, બે પિસ્તાળીસ-પિસ્તાળીસની છાંડેલી ને એક વળી ડામરનો મેક-અપ કરીને આવી હોય એવી કાળી! એવીને શું નોકરીમાં રાખે? સાલું..! આજ-કાલનાં અઘ્યાપન મંદિરોએ અપ્સરાઓ બહાર પાડવાનું બંધ જ કરી દીધું છે કે શું?!’ કક્કલભાઇનું મનોગત પૂરું થયું ત્યાં પટાવાળાનું બરાડવું શરૂ થઇ ગયું, ‘સાહેબ, હજુ એક બહેન બાકી છે. અંદર મોકલું?’
‘હા, મોકલી આપ, પણ તું જરા ધીમેથી બોલવાની ટેવ પાડ! આમાં અજાણ્યાને એવું લાગે છે કે તું પ્રિન્સિપાલ છે ને હું પટાવાળો!’
‘એ ભલે સાહેબ! હવે ધીમેથી બોલીશ..!’ એ સાથે જ છેલ્લી ઉમેદવાર યુવતીએ આચાર્યની ઓફિસમાં પ્રવેશ કર્યો. વીસેક વર્ષની સંધેડાઉતાર કાયા. માખણમાંથી કંડારેલા શિલ્પ જેવો દેહ. લજજા, સંકોચ અને ભયથી વધુ સુંદર બની ગયેલી આકર્ષક આંખો. મુગ્ધ ચહેરો. ચીવટપૂર્વક પહેરેલી સાદી, સસ્તી સાડી અને છતાં સૌંદર્ય એવું અઢળક કે જોનાર પાગલ થઇ ઊઠે. કક્કલભાઇ પણ પુરુષ હતા, પાગલ થઇ ઊઠયા.
‘નમસ્તે, સર! હું પ્રસાદી પંડયા.’ શિલ્પના ગળામાંથી રણકાર ખર્યો.
‘હેં! હા..! હા..! આવો ને! બેસો! સામેની ખુરશીમાં બેસો!’ આચાર્ય સાહેબે વધુ પડતો આવકાર આપી દીધો હોય એવું એમને પોતાને પણ લાગ્યું.
‘શિક્ષિકાની નોકરી માટે આવ્યાં છો?’ કક્કલભાઇએ શરૂઆત કરી.
‘હા, સર! આ મારા ઇન્ટરર્વ્યૂમાં કોલ લેટર છે અને આ ફાઇલમાં મારાં સટિર્ફિકેટ્સ.’
‘તમારે બીજાં કાગળિયાઓની જરૂર જ કયાં છે? તમારું વ્યકિતત્વ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. કક્કલભાઇએ જીભને લપસવાની છૂટ આપી દીધી. એમની નજર તો કયારનીયે યુવતીના સુંદર શરીર ઉપર અડપલાં કરવા માંડી હતી.
‘આભાર, સાહેબ, પણ માત્ર વ્યકિતત્વને લીધે આજના જમાનામાં નોકરી થોડી મળી જાય છે? જુઓ, આ ફાઇલમાં બધા જ પુરાવા છે. સર, એસ.એસ.સી.માં મારા પંચાશી ટકા માકર્સ આવ્યા હતા. આ તો મારા પપ્પા એ વખતે બીમાર હતા એટલે હું સાયન્સમાં ન જઇ શકી. બાકી મારે તો કોલેજ કરવી હતી.’ યુવતીએ એસ.એસ.સી.ની માર્કશીટ બતાવતાં કહ્યું.
‘પપ્પા... આઇ મીન, તમારા પપ્પા હજુ પણ બીમાર છે?’
‘નથી. પપ્પા હવે આ દુનિયામાં નથી. હું પી.ટી.સી. ના બીજા વર્ષમાં હતી ત્યારે પપ્પા મને નિરાધાર મૂકીને ચાલ્યા ગયા.’ યુવતીની રૂપાળી આંખો આંસુઓથી છલકાઇ ઊઠી.
‘નિરાધાર શા માટે? તમારા જેવી જુવાન અને રૂપાળી છોકરી સાવ નિરાધાર બની જ કેવી રીતે શકે! હું બેઠો છું ને! તમારો આધાર બનવા માટે!’ કક્કલભાઇ એમની ઉમરને ન છાજે એવા બેફામ બની રહ્યા હતા.
‘સર, પી.ટી.સી.નાં બંને વર્ષોમાં પણ મારો દેખાવ ઉત્તમ રહ્યો હતો. જુઓ, આ સર્ટિફિકેટ્સ.’‘તમારો દેખાવ હંમેશાં ઉત્તમ જ રહેવાનો! હું કહું છું ને! એમાં ફાઇલ ફેંદવાની જરૂર જ કયાં છે!’ કક્કલભાઇના બોલવામાં થૂંક ઊડી રહ્યું હતું. એમના દિમાગમાં વાસનાનો જવાળામુખી ઊમટી રહ્યો હતો. એમનું મન ઝડપભેર પ્રપંચના મણકાઓ ગોઠવવા માંડયું. આ છોકરી એકલી છે, નિરાધાર છે, બાપ વગરની છે માટે ગરીબ પણ હશે જ. આ શહેરમાં આ એક માત્ર શાળા એવી છે જે સરકારી ગ્રાન્ટ સ્વીકારતી ન હોવા છતાં પણ સારી નામના ધરાવે છે. એના એક માત્ર કર્તા-હર્તા, સર્વ સત્તાધીશ એટલે એ પોતે જ છે. આ છોકરીને નોકરીની ગરજ છે અને પોતાને છોકરીની જરૂર છે. બરાબર મેળ બેસી જાય તેમ છે. બસ, એક જ વાતની ખોટ છે, આ છોકરી લાગે છે ભોળી અને સીધી-સાદી. એને જરા લપેટમાં લેવી પડશે.
આચાર્ય જયારે આવું બધું વિચારી રહ્યા હતા, ત્યારે પ્રસાદી એની લાયકાત પુરવાર કરવાના પ્રયત્નોમાં મશગૂલ હતી, ‘સર, રમતગમતમાં પણ મને ઘણા બધા ચંદ્રકો મળેલા છે. ખો-ખો, કબી, બેડમિંગ્ટન.’‘શું વાત કરો છો! તમે આવી બધી રમતોમાં પણ ભાગ લીધેલો છે! એમાં તો તમે સાડી પહેરીને.’ પ્રસાદી શરમાઇ ગઇ, સર! જુઓ, આ ફોટોગ્રાફમાં હું શિક્ષણમંત્રીના હસ્તે ટ્રોફી સ્વીકારી રહી છું.’
કક્કલભાઇ આંખો પહોળી કરીને એ તસવીરમાં ઝિલાયેલું પ્રસાદીનું સૌંદર્ય પી રહ્યા. સામે બેઠેલી પ્રસાદી પણ સમજી ગઇ કે આચાર્ય સાહેબની આંખો ટ્રોફીને બદલે એનાં ખુલ્લા પગ ઉપર વધારે ચોંટેલી હતી.
‘બ્યુટીફુલ! વેરી સેકસી!’
‘સર..! સેકસી?!’
‘અં... અં.., હું આ ટ્રોફીની વાત કરી રહ્યો છું. ઇટ્સ વેરી બ્યુટીફુલ! રિઅલી!’
‘સર, સાચું કહું? મને નોકરીની સખત જરૂર છે. મા ઘરકામ કરે છે. બે નાની બહેનો અને એક નાનો ભાઇ છે, જેમના અભ્યાસનો ખર્ચ કાઢવાનો છે. મને ખબર છે કે તમે એક કડક આચાર્ય સાહેબ છો. કોઇનીયે શેહશરમ રાખતા નથી. મોટા પ્રધાનોની ભલામણ પણ તમે ચલાવતા નથી. પણ સર, હું એક એવી વ્યકિતની ભલામણ-ચિઠ્ઠી સાથે લઇને આવી છું કે એ વાંચીને તમે મને...’
‘એક મિનિટ! તમારી વાત પૂરી કરતાં પહેલાં મારી વાત સાંભળી લો! એ વાત સાવ સાચી કે હું કયારેય કોઇની લાગવગ ચલાવતો નથી, પણ તમારી બાબતમાં જો સાવ નિખાલસતાપૂર્વક કહું તો... તમારે કોઇની ભલામણની જરૂર જ નથી.’ આટલું બોલી લીધા પછી કક્કલભાઇ થોડુંક અટકયા. પછી આંખોમાં બેશરમી છલકાવીને ઉમેર્યું, ‘તમારી સૌથી મોટી ભલામણ-ચિઠ્ઠી તો તમારું રૂપાળું શરીર છે.’
અત્યાર સુધી ભોળી અને અણસમજુ દેખાઇ રહેલી પ્રસાદીને હવે લાગ્યું કે દાળમાં કંઇક કાળું છે. એની આંખો ફરી ગઇ, ‘સાહેબ, આપ કહેવા શું માગો છો? સહેજ સ્પષ્ટતા કરશો?’
‘અવશ્ય. છાશ લેવા જવું અને દોણી સંતાડવી? જો, છોકરી, એક વાત સમજી લે! મારી ઘરવાળી મરી ગઇ એ વાતને પાંચ વર્ષ થઇ ગયાં. એક દીકરી છે તે સાસરીમાં છે. દીકરો અમેરિકામાં છે. અહીં હું એકલો જ છું. માણસ માત્ર ભૂખને પાત્ર! આટલામાં સમજી જા! તારે નોકરીની જરૂર છે, મારે તારા જેવી...’
‘બસ! બસ! હું શું ધારીને તમારી પાસે આવી હતી! અને તમે કેવા નીકળ્યા! આ મારો ત્રીસમો ઇન્ટરવ્યૂ છે. બધે ઠેકાણે આ જ માગણી છે. હું હજી બીજાં બે વર્ષ સુધી ભટકતી રહીશ, પણ આવું સમાધાન તો કયારેય નહીં સ્વીકારું. હું જાઉ છું.’ કહીને પ્રસાદીએ ટેબલ પર પડેલી ફાઇલ ઉઠાવી લીધી અને જવા માટે પીઠ ફેરવી, ત્યાં જ ફાઇલની અંદરથી એક પરબીડિયું સરકી પડયું. આચાર્યથી બોલાઇ ગયું, ‘તમારું સર્ટિફિકેટ પડી ગયું લાગે છે.’ પ્રસાદીએ પાછળ ફરીને નજર ફેંકી, પરબીડિયું જોયું, પણ એને ઉઠાવ્યું નહીં.એક ધારદાર નજર આચાર્ય તરફ ફેંકીને એ બોલી ગઇ, ‘એ પત્ર તમારા માટે છે. મારા માટે કોઇએ લખેલો ભલામણનો પત્ર. મારે હવે એનું કામ નથી.’ અને એ સડસડાટ ચાલી ગઇ.
કક્કલભાઇ મગરની જેમ જાડી ચામડીના જીવ હતા. ‘એક નહીં તો બીજી મળી જશે’ એવું માનવાવાળા ‘પુરુષ’ હતા. એમણે કુતૂહલવશ પેલું પરબીડિયું ઉઠાવ્યું. અંદરથી પત્ર કાઢયો. અક્ષરો જોઇને જ એ ચોંકી ગયા! પત્ર બોલતો હતો : ‘વહાલા પપ્પા, કેમ છો? આ ચિઠ્ઠી લઇને આવે છે તે મારી બહેનપણી છે. ગરીબ છે પણ સંસ્કારી છે. મારા દિયરની પ્રેમિકા છે. ભવિષ્યમાં હું એને મારી દેરાણી બનાવવાની છું. તમે જાણો છો કે આજકાલ જમાનો કેવો ખરાબ છે! પ્રસાદી જેવી રૂપાળી યુવતી માટે તમારી શાળા જેવું સલામત સ્થળ બીજે કયાં મળી શકે? પ્રસાદીને તમારી દીકરી ગણીને નોકરીમાં રાખી લેજો! પછી ફોન કરીને મને જાણ કરજો એટલે એની પાસેથી ‘પાર્ટી’ માગવાની મને ખબર પડે!’ -લિ.તમારી નમિતા.’ (શીર્ષક પંકિત : ભગવતીકુમાર શર્મા)