Wednesday, June 10, 2009
આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય, એક કાગળની બની હોડી તરે વરસાદમાં
‘ ડૉ. શરદ ઠાકર‘ઓયે યાર..., સન્ડે કો મૈંને એક ડિબેટ મેં જાણા હૈ. કોઇ મૈનું કુછ આઇડિયા દો ના! કયા બોલણા, કયા નહીં બોલણા?’ તાજો જ એમ.બી.બી.એસ. થયેલો શીખ મિત્ર અમારી પાસેથી ‘ટિપ્સ’ માગી રહ્યો હતો. અમે ત્રણેય મિત્રો હસી પડયા. એક હું, બીજો મહિધર ઠક્કર અને ત્રીજો ઇમરોઝ શેખ. સરદાર મિત્રનું નામ હતું. ડો. કપિલસિંહ બહારા. અમારી ચારેય વચ્ચેનો લઘુત્તમ સાધારણ અવયવ એ હતો કે અમે બધાં ત્રેવીસ વર્ષના હતા અને ઇન્ર્ટનશીપ કરતા હતા. અમારી જિંદગીનો એક સુવર્ણયુગ હતો. ન ભણવાનો ભાર, ન પરીક્ષાની ચિંતા, મરજી પડે એટલું જ કામ કરવાનું, બાકી મજા જ મજા. ‘વાદ-વિવાદનો વિષય શું છે?’ ડૉ. મહિધરે પૂછ્યું. ‘ભગવાન: એક સત્ય? યા કલ્પના?’ કપિલે માહિતી આપી. એ સાથે જ અમે નિષ્ણાતોની જેમ તૂટી પડયા. ‘ઇશ્વર એ નર્યું તૂત છે. કથા નહીં, પણ દંતકથા છે. અંધશ્રદ્ધાળુઓએ ઊપજાવી કાઢેલું ટાઇમપાસ માટેનું બહાનું છે. અખિલ બ્રહ્માંડમાં સત્ય માત્ર વિજ્ઞાન છે. ઇશ્વર એટલે કલ્પના, કલ્પના અને ફકત કલ્પના.’ મહિધર એવી છટાદાર શૈલીમાં બોલી ગયો કે હું અને ઇમરોઝ તાળીઓ પાડી ઉઠયા. કપિલનું જડબું લબડી પડયું, ‘વાહ બાદશાહો! કયા ઓપનિંગ દિલા દી હૈ! મૈં તો સપણે મેં ખો ગયા જી! મૈં સ્ટેજ પે બોલ રહા હૂં ઔર લોગ તાલિયાં બજા રહે હૈં!’ એ ઉમર જ એવી હતી. અમે પૂરી દુનિયાના શહેનશાહો હતા. ખોપરીમાં દિમાગ કરતાંયે વધુ તો હવા ભરાયેલી હતી. ચંદ્રગુપ્ત, સકિંદર અને નેપોલિયન જેવા તો અમારે ત્યાં નોકરો હતા. ઇશ્વર નામનો શબ્દ અમારા શબ્દકોષમાંથી તડીપાર હતો. અમે મૃતદેહોની ચીરફાડ કરીને શરીરના ગુપ્તમય રહસ્યો ઊકેલી ચૂકયા હતા. અમે જાણતા હતા કે હૃદય કેવી રીતે ધબકે છે અને શ્વાસની આવન-જાવન કયારે અટકે છે. સૌથી મહત્ત્વની વાત કે અમને એ ખબર હતી કે રાત-દિવસ ચાલતી આ જીવન-મરણની ઘટમાળમાં ઇશ્વર નામનાં કાલ્પનિક શખ્સનું કશું જ યોગદાન ન હતું. ‘મારા તરફથી આ મુદ્દો ખાસ રજૂ કરજે, ઇશ્વરે માણસને પેદા નથી કર્યો, પણ માણસે ઇશ્વરને પેદા કર્યોછે.’ મેં એમ.બી.બી.એસ.ની ડિગ્રીને નિચોવી અને એમાંથી જે બે ટીપાં નીચે પડયાં તે કપિલના ખોબામાં ઠાલવ્યા, ‘આ એક જ વાકયનો વિચાર વિસ્તાર કરીશ એટલે તારી દલીલનો મઘ્યભાગ તૈયાર થઇ જશે.’ કપિલ ઝૂમી ઉઠયો. એને ખાતરી થઇ ગઇ કે રવિવારે શ્રોતાઓ પણ આમ જ ઝૂમી ઉઠવાના છે. ‘ઇમરોઝ, તુ કેમ ખામોશ છે? ફતવાનો ડર લાગે છે કે શું?’ ‘અરે, ભાઇ! ફતવે સે તો સલમાન રશદી ભી ડરતા હૈ ઔર તસ્લીમા નસરીન ભી. અગર કોઇ નહીં ડરતા, તો શાયર! સૂના હૈ તુમ્હારે ‘મરીઝ’ને લિખા હૈ...’ ઇમરોઝ યાદ કરી રહ્યો. મેં મદદ કરી: ‘એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’, બહાર તો પથ્થર મળ્યાં મસ્જિદ અને મંદિરને.’ અને પછી અમે ચારેય મિત્રો હસી પડયા.બીજા દિવસે સવારે અમે ટહેલવા માટે નીકળ્યા હોઇએ એમ વોર્ડમાં રાઉન્ડ લેવા માટે હાજર થયા. આર.એમ.ઓ. ડૉ. ત્રિવેદીએ અમને રિમાન્ડ ઉપર લીધા. ‘કયાં રખડો છો? કાલે રવિવારે કેમ દેખાયા નહીં?’ ‘રવિવાર હતો ને એટલે.’ અમારા ગળામાંથી નફફટ જવાબ નીકળી ગયો. ‘એમ? બીમારી રવિવારની રજા પાળે છે? કાલે આખો દિવસ અમે ચૌદ મેડિકલ ઓફિસરો પગ વાળીને બેસી શકયા નથી. બેંતાલીસ દર્દીઓ ‘એડમિટ’ થયા છે.’ ડો. ત્રિવેદીનો થાક એમના ચહેરા પર હતો અને ઊજાગરો આંખોમાં. ‘કોઇ અકસ્માત થયો હતો? આટલા બધા ઇમરજન્સી પેશન્ટ્સ એક સાથે...?’ મારા પ્રશ્નમાં અમારા ચારેયની સંમતિ હતી. ‘ના, એકિસડેન્ટ નથી થયો. કમળો ફાટી નીકળ્યો છે. સૌથી વધુ ભોગ બાળકોનો લેવાય છે. મોટી ઉંમરના તો બચી જશે, પણ બાળકોનો રેઝિસ્ટન્સ પાવર સૌથી ઓછો હોય છે. મારો આદેશ છે: તમારે આજથી ચિલ્ડ્રન વોર્ડમાં કામ કરવાનું છે. યુ વીલ બી ઓન ડયુટી ફોર ટ્વેન્ટી ફોર અવર્સ! ખાવા-પીવા અને આરામ માટેના કલાકો અંદરોઅંદર વહેંચી લેજો. જો સહેજ પણ ચૂક થઇ તો તમારું ‘ડયુટી કમ્પ્લીશન સર્ટિફિકેટ’ અટકાવી દેવામાં આવશે, અંડરસ્ટેન્ડ?’ આ જગતમાં દીવેલ કરતાંયે અધિક રેચક પદાર્થ ધમકી હોય છે. અમે એ જ સમયે બાળકોનાં વોર્ડ તરફ ગતિ કરી ગયા. પહેલા ચોવીસ કલાકમાં જ અમને ખબર પડી ગઇ કે હિપેટાઇટીસના વાઇરસ ઉપર અમારો કોઇ અંકુશ નથી. કમળો કાં તો એની પોતાની મરજીથી મટે છે, કાં દર્દીએ હટી જવું પડે છે. વોર્ડમાં તમામ ખાટલાઓ જોન્ડિસના બાળદર્દીઓથી ભરાયેલા હતા. જમીન ઉપર ત્રીસ જેટલી પથારીઓ આપવી પડી હતી. જાણે પીઠી ચોપડી હોય એવા પીળા રંગના હાડપીંજરો મૃત્યુની વાટ જોતાં સૂતેલાં હતા. પ્રથમ ચોવીસ કલાકમાં ચાર વિકેટો પડી ગઇ. દર્દીઓનાં મા-બાપોનાં આક્રંદથી વાતાવરણ પણ રડી ઊઠયું. અમે એક ક્ષણ માટેય ઊધ્યા ન હતા અને હવે અમારામાં જાગવાની જરા પણ શકિત બચી ન હતી. ‘આવું નહીં ચાલે, મિત્રો’ મેં ચાર જણાની શિખર મંત્રણામાં એલાન કર્યું, ‘આ કમળો આપણા કાબૂમાં નથી. એ માટે આપણે બહુ-બહુ તો ગ્લુકોઝના બાટલા ચડાવી શકીએ છીએ. સરકારી દવાખાનામાં બીજું હોય પણ શું? એક કામ કરીએ, આપણે ઊઘવા માટે ચાર-ચાર કલાકના વારા કાઢીએ...’ હજુ તો મેં મૂકેલો ઠરાવ સર્વ સંમતિથી પસાર થાય, તે પહેલાં જ વોર્ડમાંથી એક ચીસ ઊઠી. મહિધર બબડયો, ‘આજે પંચક બેઠાં લાગે છે!’ ચીસનો છેડો પકડીને એક બાપ અમારી પાસે દોડી આવ્યો, ‘સાહેબ, મારો ધર્મેશ... જરા જુઓને! એને કંઇ સારું નથી લાગતું...! હે ભગવાન...’અમે જરા પણ ઉત્સાહ વિના ધર્મેશના ખાટલા તરફ ધસી ગયા. મેં એની પલ્સ ઉપર આંગળીઓ મૂકી, મહિધરે એના સરિમ બિલિરૂબીનના રિપોર્ટ પર નજર નાખી, ઇમરોઝનો હાથ બાળકના પેટ ઉપર હતો અને એના લીવરને ફંફોસી રહ્યો હતો અને કપિલ ગ્લુકોઝના બાટલ સાથે ગડમથલ કરી રહ્યો હતો. ધર્મેશની મા માથાં પછાડી રહી હતી અને એનો બાપ અમારા પગમાં આળોટીને એકની એક વાત રિપિટ કરી રહ્યો હતો: ‘સાહેબો, મારા ધર્માને બચાવી લો, મારી ચાર દીકરીઓ વચ્ચે એકનો એક ભાઇ છે. એ નહીં હોય, તો મારી છોકરીઓ રાખડી કોના હાથે બાંધશે! મારા રાંકના રતનને બચાવી લો, મારા ભગવાન!’ અમે જાણતા હતા કે ધર્મેશ બચી શકવાનો ન હતો અને અમે એ પણ જાણતા હતા કે બરાબર સાત દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. આ વરસે અધિક માસને કારણે શ્રાવણ મહિનો સપ્ટેમ્બરમાં પડતો હતો. અમે એકબીજાની આંખોમાં જોયું અને...! અમે ચારેય મિત્રો થાક, ભૂખ અને ઊઘને બાય-બાય કરીને મચી પડયા. હું મેડિસનિની બૂકસના પૃષ્ઠો ઊથલાવી રહ્યો. કમળાના રોગમાં દર્દીને ટકાવી રાખવા માટે બીજું શું-શું થઇ શકે તે શોધી રહ્યો. મહિધર એની જ્ઞાતિના સુખી વેપારીઓ પાસે જઇને દાન ઉઘરાવવાના અઘરા કામમાં પરોવાઇ ગયો. ઇમરોઝ અને કપિલ મારી સૂચનામાંથી ટપકતાં તબીબી પ્રયોગોને અમલમાં મૂકી રહ્યા. પૂરા બોંતેર કલાકની આકરી મહેનત પછી બેભાન ધર્મેશે આંખો ખોલી, ત્યાં સુધીમાં અમે ચારેય જણાં લગભગ બેહોશીની બોર્ડર લાઇન સુધી પહોંચી ગયા હતા, પણ અમને એક વાતનો સંતોષ હતો, સરકારી હોસ્પિટલમાં અમે ચાર તાલીમાર્થી યુવાન ડૉકટરો ભેગાં થઇને કોઇના લાડકવાયાને વિદેશની મેયો કિલનિકના સ્તરની સારવાર આપવામાં સફળ થયા હતા. રક્ષાબંધનની સવારે ધર્મેશના કાંડા પર જયારે ચાર-ચાર બહેનો હરખધેલી બનીને એક પછી એક રાખડી બાંઘ્યે જતી હતી, ત્યારે ડૉ. ત્રિવેદી સર અમને શાબાશી આપી રહ્યા હતા, ‘વેલડન માય બોયઝ! તમારી ચંડાળ ચોકડીએ એ ચમત્કાર કરી બતાવ્યો છે, જે અમે ચૌદ ડૉકટરો ન કરી શકયા. બોલો, હું તમને ઇનામમાં શું આપું?’ થોડી વાર ખામોશી પથરાઇ ગઇ. અમારામાંથી દરેક જણને કંઇક માગવું હતું, પણ જાહેર કરવામાં સંકોચ નડતો હતો. છેવટે મહિધરે પહેલ કરી, ‘સર, મારે બે દિવસ માટે છુટ્ટી જોઇએ છે. મારા અંકલ વીરપુરમાં રહે છે એમને મળવા જવું છે.’ ઇમરોઝને અજમેર જવું હતું, એણે ચાર દિવસની રજા માગી. કપિલના મામાનું ઘર અમદાવાદમાં ગુરુદ્વારાની પાસે હતું. ત્રણ દિવસ એણે માગ્યા.‘શરદ, વ્હાય આર યુ સાયલન્ટ? હાઉ મેની ડેયઝ ડૂ યુ વોન્ટ?’ ડૉ. ત્રિવેદીએ મારી સામે જોયું. ‘સર, આ ત્રણેય જણાં જૂઠ્ઠા છે. કોઇ એમના કાકા, મામા કે મા-બાપને મળવા નથી જઇ રહ્યા. આ ઠક્કરીયો વીરપુરના જલાબાપાના પગમાં પડવા જવા માગે છે, આ ઇમરોઝે અજમેરના ખ્વાજાની માનતા રાખી છે, અને આ સરદાર છેવટે પાક્કો શીખ જ નીકળ્યો, સાહેબ! એણે અમદાવાદના ગુરુદ્વારાની મન્નત...’ ‘તુ તારું બોલી નાખ ને! તારે કોઇ ભગવાન નથી?’ ‘છે ને, સર! મારે બે દિવસ જોઇએ છે, જૂનાગઢ જઇને ભવનાથ અને ભૂતનાથ મહાદેવનો આભાર માનીને પાછાં આવતાં એટલું તો થાય જ ને, સર! આખરે આ બધાંએ તો અમારા ધર્મેશને બચાવવામાં મદદ કરી છે...’ મેં ઠરાવ જાહેર કર્યોજે સર્વે સંમતિ સાથે પસાર થઇ ગયો.‘(સત્ય ઘટના, શીર્ષક પંકિત: રમેશ પારેખ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment