Monday, April 5, 2010

હું તમારા બોલવા હસવામાં અટવાતો રહું, પ્રેમ છે તમને તો કેવો પ્રેમ છે સાબિત કરો

મહાશંકર પંડ્યાના ઘરમાં દીકરીનો જન્મ થયો એ દિવસે આખાયે ગામમાં વાત ફેલાઇ ગઇ. સૌના હોઠો પર આ જ વાક્યો હતાં, ‘અહોહો...! શું રૂપ લઇને આવી છે દીકરી! જાણે માણસનો આકાર ધરીને મોગરાનું ફૂલ ન જન્મ્યું હોય!’


છોકરીની જનેતા જશુ ગોરાણી ખુદ પોતાના ખોળામાં પોઢેલી અપ્સરાને જોઇને ક્યારેક અફસોસનાં વેણ ઉચ્ચારી બેસતાં હતાં, ‘ગાંડી રે ગાંડી! શું જોઇને અમારા ખાલી ઘરમાં જન્મ લીધો? કો’ક કરોડપતિના ઘરે જવું હતું ને!’


મહાશંકર છીંકણી સૂંઘતાં જવાબ આપતા, ‘દીકરી બધી બાજુનો વિચાર કરીને પછી જ આપણા ઘરમાં આવી હશે. એનેય ખબર હશે કે પોતે જો રૂપાળી નહીં હોય તો કોઇ મુરતિયો હાથ નહીં ઝાલે. મારા જેવા ગરીબ બ્રાહ્મણ પાસે દીકરીની સાથે આપવા જેવું બીજુ શું હોય! પણ હવે મને લેશ માત્ર ચિંતા નથી. મારી દીકરીને વરવા માટે માનવપુત્રો તો બાજુ પર રહ્યા, સ્વર્ગમાંથી દેવકુમારો ધરતી ઉપર હેઠા ઊતરશે અને પહેરેલાં કપડાંમાં મારી કુંવરીને લઇ જશે.’


દીકરીનું નામ પાડ્યું મિસરી. ખરેખર મિસરી ખાંડની મીઠાશને ફિક્કી સાબિત કરી આપે એવી મીઠડી હતી. એ જેમ જેમ મોટી થતી ગઇ, તેમ તેમ રૂપના કેન્વાસ ઉપર જોબનની પીંછી ફરતી રહી અને સત્તરમાં વરસના ઊંબર ઉપર તો મિસરીની મિસાલ એ ગામમાં જ નહીં, પણ આજુબાજુનાં પંદર-પંદર ગામોમાં દંતકથા બનીને પ્રસરી ગઇ.


બોર્ડની પરીક્ષામાં મિસરી ખૂબ સારા ગુણ સાથે ઉત્તિર્ણ થઇ. આડોશી-પાડોશીએ આવીને સલાહ આપી ગયા, ‘મિસરીને કોલેજમાં મોકલો. ડોક્ટર બનાવો. એ આપણા ગામનું નામ ઉજાળશે.’


મહાશંકરે માથું ધુણાવ્યું, ‘ના, બાપા, ના! દીકરી ભલે તેજસ્વી છે, પણ આ બાપ કંગાળ છે એનું શું? આપણને શહેરની કોલેજના ભારે ખર્ચાઓ પોસાય નહીં.’


મિસરીના શિક્ષકે આવીને સલાહ આપી એ મહાશંકરના ગળે કડક મીઠી ચાના ઘૂંટડાની જેમ ઊતરી ગઇ, ‘મારું માનો તો મિસરીને પી.ટી.સી. કોલેજમાં મોકલી આપો. ઓછામાં ઓછો ખર્ચ આવશે ને બે વરસ પછી તો એ શિક્ષિકા બની જશે. પછી કોઇ માસ્તર શોધીને એના હાથ પીળા કરી નાખજો. જિંદગીભરની નિરાંત!’


શિક્ષકે આપેલી સલાહ મહાશંકરને ગમી ગઇ. મિસરીને પ્રાઇમરી ટીચર્સ કોલેજમાં બે વરસની તાલીમ માટે મોકલી આપી. બે વરસ ઝડપથી પસાર થઇ ગયાં. અંતિમ પરીક્ષામાં મિસરી અવ્વલ નંબર લઇ આવી. બીજા જ મહિને એને બીજા એક ગામડામાં સરકારી શાળામાં નોકરી મળી ગઇ.


જે શાળામાં એને નોકરી મળી તે શાળાના આચાર્ય પીઢ અને ભદ્ર પુરુષ હતા. પ્રથમ દિવસે જ એમણે આ નવી શિક્ષિકાને જોઇને કહી દીધું, ‘બેટા, પાંત્રીસ વરસથી હું આ જ શાળામાં નોકરી કરું છું માટે દાવા સાથે કહું છું કે આ મકાને આજ લગી આવું રૂપ દીઠું નથી. બીજું તો શું કહું? તારી જાતને સાચવજે.


મિસરી રોજ પોતાના ગામથી બસમાં બેસીને નોકરીના સ્થળે આવ-જા કરતી હતી. પ્રથમ દિવસના અનુભવે એને કહી આપ્યું કે પીઢ આચાર્યની વાત કેટલી સાચી હતી. બસમાં ટિકિટ આપતો કન્ડક્ટર, બાજુમાં બેઠેલો સહપ્રવાસી, સાથે નોકરી કરતા શિક્ષકો, એના જ હાથ નીચે ભણતાં કેટલાંક બદમાશ વિદ્યાર્થીઓ, પાનના ગલ્લા પાસે કે ચાની લારી આગળ ઊભેલા જુવાનિયાઓ, આ તમામ પુરુષો મિસરીને જોતા અને જોઇને તરત પુરુષ મટીને ભ્રમર બની જતા હતા.


કિશોરથી માંડીને ડોસા સુધીની પુરુષજાત જ્યારે મિસરીને જોઇને લાળ ટપકાવી રહી હતી, ત્યારે મહાશંકર પંડ્યા પોતાની સુકન્યા માટે સુ-વર શોધી રહ્યા હતા.


એક સાંજે એમણે થાકેલી દીકરી પાસે વાત મૂકી, ‘મિસરી! બેટા, હવે ગમે તે સમયે આપણા ફળિયામાં માંડવો રોપાશે. મેં તારા માટે મુરતિયોઓ શોધવાનું શરૂ કરી દીધું છે.’


‘ભલે બાપુ!’ મિસરીને લજ્જાથી પાંપણો ઢાળી દીધી.


‘પણ એક વાતની તકલીફ છે, દીકરી! આપણું આ મકાન સાવ જર્જરિત થઇ ગયું છે. એનું સમારકામ કરાવવું પડશે અને રંગરોગાન પણ.’ બાપે મુદ્દાની વાત કરી, ‘આ બધા માટે નાણાંની જરૂર પડશે. તું તો જાણે છે કે અમારી પાસે બચત નથી. અને બેંકમાં લોન લેવા જઇએ તો બે જામીન રજૂ કરવા પડે. મારા જેવા ગરીબ માણસનો જામીન કોણ થાય?’


‘આવડી અમથી વાતમાં ઢીલા શું પડી ગયા, બાપુ! હવે તો મને સરકારી નોકરી મળી ગઇ છે. તમે કે’તા હો તો હું સરકારી લોન...’


‘હા, બેટા! એ જ ઠીક રહેશે. મોટી રકમની જરૂર નથી. ફક્ત પચીસ હજાર રૂપિયા મળી જાય તો આપણું મકાન નવું બની જાય.’
મિસરીએ લોન માટે અરજી મૂકી દીધી. એક મહિનામાં એને નાણાં મળી ગયાં. બીજા એક મહિનામાં એનાં મકાનનો જીર્ણોદ્ધાર થઇ ગયો.


મહાશંકરભાઇએ પૂછ્યું પણ ખરું, ‘મિસરી, આ તો ચમત્કાર થયો કહેવાય. સરકાર આટલી ઝડપથી તને લોન આપી દે એ વાત માન્યામાં નથી આવતી.’


‘આ ચમત્કાર નથી, બાપુ, પણ મારી સાથે નોકરી કરતા એક જુવાન શિક્ષકે મને આપેલો સાથ અને સહકાર છે. એનું નામ ઉપાસક છે. એ મારાથી ત્રણેક વરસ સિનિયર છે. પણ એનો સ્વભાવ સારો હોવાથી શાળામાં અને અમારી શિક્ષણખાતાની ઓફિસમાં એની ખૂબ સારી ઓળખાણો છે. મેં તો માત્ર કાગળ ઉપર અરજી લખીને હાથ ખંખેરી નાખ્યા, બાકીની બધી દોડાદોડી ઉપાસકે જ કરી છે.’


મહાશંકર શાંતિપૂર્વક દીકરીને સાંભળતા રહ્યા. છેવટે આ વાક્ય સાથે એમણે પૂર્ણવિરામ મૂક્યું, ‘સારું, બેટા ક્યારેક એ ભલા માણસને આપણા ઘરે ચા-પાણી માટે બોલાવજે.’


પણ ઉપાસક મિસરીના ઘરે ચા-પાણી પીવા માટે પધારે એ પહેલાં જ એક ન ધારેલી ઘટના બની ગઇ. મહાશંકરભાઇના મસિયાઇ ભાઇ આવીને એન.આર.આઇ. મુરતિયાનું માગું નાખી ગયા, ‘ભાઇ, છોકરો આપણી જ ન્યાતનો છે. લોસ એન્જેલસમાં રહે છે. ચાર-ચાર મોટેલોનો માલિક છે. આપણા તો નસીબ ઊઘડી ગયા. મિસરી ડોલરના દરિયામાં ધુબાકા મારશે.


કાલે છોકરો મિસરીને જોવા માટે આવશે. જોજો, કૃપાળ ધોવા ન જતા. લક્ષ્મીના હાથે ચાંલ્લો કરાવી લેજો.’ બીજા દિવસે અમેરિકન મુરતિયો સર્કસના જોકર જેવાં કપડાં પહેરીને આવ્યો અને નાટકના વિદૂષકની જેવું વર્તન કરતો મિસરી જોડે વાતચીત કરવા માંડ્યો.


‘હાય! આઇ એમ રોકી. આમ તો મારું રિયલ નેઇમ રાકેશ હતું, પણ ત્યાં સ્ટેટ્સમાં બધા મને રોકી કહીને બોલાવે, યુ નો! એવરીબડી...!
તારે પણ નામ તો ચેન્જ કરવું જ પડશે. નો મિસરી, યુ નો? આઇ વિલ કોલ યુ એઝ મેસ્સી. તું આ નેઇમ લાઇક કરે છે ને?’


મિસરીને કહેવું હતું, નામની વાત રહેવા દે, પહેલાં એ પૂછ કે હું તને લાઇક કરું છું કે નહીં! પણ ગરીબ મા-બાપની દીકરીઓને એન.આર.આઇ. મુરતિયાઓ વિશે એક પણ વિરોધી શબ્દ ઉચ્ચારવાની મનાઇ હોય છે. પદ્મિની જેવી ખૂબસૂરત મિસરીએ મન મારીને આ પરદેશી વાંદરાને હા પાડી દેવી પડી.


ચાર દિવસ પછી લગ્ન થઇ ગયાં. ઝટપટ હનિમૂન પતાવીને રોકી પાછો અમેરિકા ભેગો થઇ ગયો. છએક મહિના પછી એનો ફોન આવ્યો, ‘હાય, હની! તારું અહીં આવવાનું નક્કી થઇ ગયું છે. વિઝા માટે મુંબઇ જઇ આવજે. અને...’


‘એક મિનિટ!’ મિસરીએ પતિને અધવચ્ચે અટકાવ્યાં ‘આમ તો બધું જ તૈયાર છે, પણ એક નાની અડચણ છે. મેં મકાનના રિપેરિંગ માટે સરકારમાંથી લોન લીધી હતી. એ રકમ ચૂકવવાની બાકી છે. જ્યાં સુધી સરકારી દેવું ભરપાઇ ન થાય ત્યાં સુધી મને આ દેશ છોડવાની અને નોકરી છોડવાની પરવાનગી ન મળી શકે.’


રોકી બગડ્યો, ‘એમાં હું શું કરું? લોન તો તારા ડેડીના હાઉસ માટે લીધી હતી ને? એ પણ બિફોર મેરેજ! તો એ તારા ડેડીએ પે કરવી જોઇએ.’


‘તમારી વાત સાચી, પણ બાપુ પાસે જો પચીસ હજાર રૂપિયા હોત તો મારે લોન શા માટે..?’


‘ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ.’ રોકીએ ફોન કાપી નાખ્યો. મિસરી રડી પડી. ત્યાં ઉપાસક આવી ચડ્યો. રડવાનું કારણ જાણ્યું. કલાકની અંદર એ પચીસ હજાર રૂપિયા લઇ આવ્યો. મિસરીના હાથમાં મૂકી દીધાં, ‘હવે રડવાનું બંધ કર. આ રકમ જમા કરી દે અને ઊપડી જા તારા વર પાસે.’


‘પણ આ રૂપિયા હું તને પાછા ક્યારે અને કેવી રીતે આપી શકીશ?’


‘ધેટ ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. જતાં જતાં એક વાર મારી તરફ મીઠી નજર નાખતી જજે. હું માની લઇશ કે મને પચીસ હજાર મળી ગયા.’


એ રાત્રે મિસરીએ હિંમત કરીને બાપુને કહી નાખ્યું, ‘બાપુ, મારે રોકી પાસે નથી જવું. મારે છૂટાછેડા લઇને ઉપાસકની સાથે લગ્ન કરવા છે. એ અમેરિકન કસાઇને બદલે તમારી મિસરી એના દેશી પૂજારીના ઘરમાં વધારે સુખી થશે.’


(સત્ય ઘટના)
(શીર્ષક : ખલીલ ધનતેજવી)