Friday, July 10, 2009

નાવ કાગળની નસીબે ને નદી તરવી પડે, મૂંઝવણ તો થાય મરમી! ચાહ ચાતરવી પડે

સામેવાળા માણસો નપાવટ નીકળ્યા. બધુંય રાખી લીધું અને આ બાપડી હંસાડીને કાળી છે એમ કહીને ચાર મહિને કાઢી મૂકી! મૂવા રાક્ષસ જેવા માણસો!
‘સાંભળો છો? મનુભાઇ મિસ્ત્રી આવ્યા છે.’ મે મહિનાના પહેલા રવિવારે અમદાવાદની હવામાં ઉકળાટ હતો. સુધાકર પંડયા બધા અખબાર લઇને બેઠો હતો. દસ વાગ્યે બીજી વારની ચાનો કપ એના હાથમાં હતો અને સ્મિતાએ બૂમ પાડી એટલે એ ઊભો થઇને ડ્રોઇંગરૂમમાં આવ્યો. છ મહિના અગાઉ આ નવા ફલેટનું બધું ફર્નિચર મનુભાઇએ બનાવેલું. સુધાકર જે બેન્કમાં ઓફિસર હતો એ બેન્કની શાખાઓનું આધુનિકીકરણનું કામ મનુભાઇએ કરેલું. એ પછી બધા કર્મચારીઓના ઘરનું નાનું-મોટું કામ એમણે એકદમ વ્યાજબી ભાવે કરી આપેલું.
‘આવો મનુભાઇ,’ એમને આવકારીને સુધાકરે સ્મિતાને ચા માટે સૂચના આપી. ‘ચાની કોઇ જરૂર નથી સાહેબ,’ પચાસ વર્ષના મનુભાઇએ બે હાથ જોડીને ના પાડી. પાતળો લંબગોળ ચહેરો, મોટું કપાળ, ઊડી ઊતરી ગયેલી આંખો ઉપર જાડી ફ્રેમના ચશ્માં, અડધી બાંયનો ચોકડીવાળો ખૂલતો બુશર્ટ અને ઢીલું પેન્ટ. એ સોફા ઉપર ઊભડક જીવે બેઠા હતા. ચહેરા પરથી ચિંતા અને અવઢવ સ્પષ્ટ દેખાતી હતી. ‘આજે કેમ ભૂલા પડયા?’ સુધાકરે હસીને પૂછ્યું. ‘ભૂલો નથી પડયો. વખાનો માર્યોબે દિવસથી દોડાદોડી કરું છું. તકલીફ એવી છે કે જીભ ઉપડતી નથી.’
મનુભાઇએ ફરીથી બે હાથ જોડીને સુધાકર અને સ્મિતા સામે જોયું. ‘કંઇક શેડિયાઓના બંગલામાં ફર્નિચર બનાવ્યું છે પણ સોનાની જાળ પાણીમાં ના નખાય. સાહેબ, ફર્નિચરનું કામ હોય એટલે વીસ-પચીસ દિવસથી માંડીને ત્રણ મહિના સુધીના ધામા નાખવા પડે એ વખતે ત્યાં રોજ જે ચા પીવા મળે એના ઉપરથી પાર્ટીના મનનું માપ કાઢી લઇએ.’ એમણે સ્મિતા સામે જોયું. ‘બહેન, તમે તો સાક્ષાત અન્નપૂર્ણાની જેમ અમને સાચવેલા. ચામાંય કોઇ વેરોઆંતરો નહીં. સાહેબ માટે જેવી ચા બને એવી જ ચા અમને પીવડાવેલી. અમે કારીગર ખરા પણ અંતે તો માણસ છીએને? અમુક બંગલામાં એવી પાણી જેવી ચા આપે કે પીવાનું મન ના થાય. એના ઉપરથી માણસનું મન પારખી લઇએ.’
‘જરાયે સંકોચ વગર કામ બોલો.’ સુધાકરને અણસાર આવી ગયો એટલે એણે મનુભાઇને ધરપત આપી. પોતાની હાજરીથી એમને સંકોચ ના થાય એ સમજદારીથી સ્મિતા ઊભી થઇને રસોડામાં ગઇ.
‘સાહેબ, આખી જિંદગી રંધો માર્યો છે પણ છોકરાને ભણાવવો છે. બારમામાં એંશી ટકા લાવ્યો છે એટલે એન્જિનિયરિંગમાં એડમિશન તો મળી જશે પણ સેલ્ફ ફાઇનાન્સમાં ફી ભરવાનો પ્રોબ્લેમ છે. ગયા વર્ષે એની માને એટેક આવ્યો અને એન્જિયોપ્લાસ્ટી કરાવી એમાં આખી જિંદગીની બધી બચત સાફ થઇ ગઇ. ચંપલ ઘસાઇ ગઇ છે એ નવી લાવવાનોય વેત નથી. તમને પેટછૂટી વાત કહેવામાં વાંધો નથી.
પચાસ-સાઇઠ હજારની જોગવાઇ કયાંથી કરવી? બહુ વિચાર્યા પછી નક્કી કર્યું કે જે જે સારા સાહેબોને ત્યાં કામ કર્યું છે એમાંથી જે દિલાવર હોય એવા પાંચ સાહેબના પગ પકડી લેવાના. તમારા જેવા મોટા માણસ માટે પંદર-વીસ હજાર કંઇક મોટી વાત નથી ને મારો ભાર હળવો થઇ જશે.’ સુધાકરની નજર પોતાના ચહેરા સામે છે એ જોઇને એમણે ઉમેર્યું. ‘મહિના-બે મહિનામાં આપી દઇશ એવો ખોટો વાયદો નથી કરતો. નાનો ભાઇ દુબઇ છે એ ડિસેમ્બરમાં આવશે ત્યારે દૂધે ધોઇને પાછા આપી દઇશ. આ સાત-આઠ મહિનાનું બેંક જેટલું વ્યાજ પણ ચૂકવી આપીશ.’ એમણે ફરીથી હાથ જોડયા. ‘એમાંય તમે વીસ-પચીસનો ટેકો કરો તો બધે ફરીને કરગરવું ના પડે.’
એ બોલતા હતા ત્યારે સુધાકર વિચારતો હતો. મનુભાઇ કામ બહુ ચીવટથી કરતા હતા અને આર્થિક વ્યવહારમાં પણ સરળ માણસ હતા. છેલ્લી શેરબજારની તેજીમાં સુધાકરે કાગળિયાં કાઢીને સાત-આઠ લાખની કમાણી કરી હતી. ‘એક કામ કરો.’ સહેજ વિચારીને એણે મનુભાઇ સામે જોયું. ‘વીસની વ્યવસ્થા કરી આપું છું. કાલે બેંકમાં આવીને લઇ જજો. તમે ડિસેમ્બરમાં આપવાનું કહો છો એ વચન પાળજો.’
મનુભાઇએ ગળગળા થઇને સુધાકરનો જમણો હાથ પોતાના હાથમાં જકડી લીધો. બીજા દિવસે એ બેંકમાં આવ્યા ત્યારે સુધાકરે એમણે વીસ હજાર રૂપિયા રોકડા આપી દીધા.
...........
પતંગનો શોખ હોવાથી ઉત્તરાયણના બીજા દિવસે પણ સુધાકર અને સ્મિતા પોળમાં જૂના પાડોશીઓને ત્યાં ગયા હતા. રાત્રે ધેર આવ્યા પછી અચાનક સ્મિતાએ યાદ કરાવ્યું. ‘સાંભળો છો? તમારા પેલા મિસ્ત્રી ડિસેમ્બરમાં આવવાના હતા અને જાન્યુઆરી પણ અડધો પતી ગયો.’ ‘જોઇશ.’ સુધાકરે હળવાશથી કહ્યું. ‘જાન્યુઆરીના એન્ડ સુધી રાહ જોઇએ. એ પછી ઘરનું સરનામું તો ડાયરીમાં લખેલું જ છે. મોબાઇલ બદલાવ્યો હશે એટલે જોડાતો નથી.’
ફેબ્રુઆરીના પહેલા બંને રવિવારની સવારે સ્મિતાએ યાદ કરાવ્યું પણ સુધાકરે વાત ટાળી દીધી. પૈસા માગતી વખતે મનુભાઇના ચહેરા ઉપર જે લાચારી એણે જોઇ હતી એના ઉપરથી એને એટલી ખાતરી હતી કે એ બિચારાને હજુ કંઇક તકલીફ હશે. વીસ હજાર રૂપિયા માટે એ માણસના ધેર જઇને ઊભા રહેવું એ એને ગમતું નહોતું પણ સ્મિતાની ધીરજ ખૂટી હતી. ‘તમને ટાઇમ ના હોય તો રિક્ષા કરીને હું જઇ આવું.’ માર્ચના બીજા રવિવારે સ્મિતાએ આ ધમકી આપી એટલે સુધાકરે બાઇક સ્ટાર્ટ કર્યું.
ચાણકયપુરીમાં બેઠા ઘાટના નાનકડા રોહાઉસમાં મોટા ભાગના શ્રમજીવી પરિવારોની વસતી હતી. ઘરનું બારણું ખખડાવીને સુધાકર ઊભો રહ્યો. થોડીવાર પછી બારણું ખૂલ્યું. ચોવીસેક વર્ષની યુવતીએ બારણું ખોલ્યું. ચોકડીમાં બેસીને એ વાસણ માંજી રહી હતી. પાતળી-શામળી એ યુવતીનો ચહેરો સાવ નિસ્તેજ હતો. આખી દુનિયાની પીડા એના માથા ઉપર આવી પડી હોય એવી વેદના એની આંખોમાં તરવરતી હતી. ‘મનુભાઇ છે?’
‘બાપા તો કામે ગયા છે.’ એનો અવાજ ગરીબડો હતો.
‘તારી મમ્મી?’
‘મા?’ ગાય જેવી દયામણી આંખો પહોળી કરીને એ સુધાકર સામે તાકી રહી. ‘ખબર નથી? મા તો બે મહિના પહેલાં.’ એની આંખમાં ઝળઝળિયાં ઘસી આવ્યાં એટલે એ આગળ બોલી ના શકી. ઘરમાં પથરાયેલી દરિદ્રતા અને આ છોકરીની આવી દશા જોઇએ સુધાકરને આગળ કંઇ બોલવા જેવું ના લાગ્યું. ‘મનુભાઇ આવે તો કહેજે કે સુધાકરભાઇ આવ્યા હતા.’ આટલું કહીને એ સડસડાટ બહાર નીકળી ગયો.
બાજુના રોહાઉસના ઓટલા પર પચાસેક વર્ષની સ્ત્રી ચોખા વીણતી હતી. પંદરેક વર્ષની એક કિશોરી એમની બાજુમાં બેસીને ભરતકામ કરતી હતી. મનુભાઇના ઘરમાંથી સુધાકર નીકળ્યો એ દ્દશ્ય એ બંનેએ જોયેલું. સુધાકર અટકયો. ‘મનુભાઇ સાંજે કેટલા વાગ્યે આવશે?’ એણે એ સ્ત્રીને પૂછ્યું. ‘કેટલા પૈસા બાકી છે?’ એ સ્ત્રીએ ધડ દઇને પૂછ્યું એટલે સુધાકર સ્તબ્ધ થઇને તાકી રહ્યો. ‘દર અઠવાડિયે બે-ત્રણ ઉઘરાણીવાળા આવે છે.’ એ બહેને વગર માગ્યે માહિતી આપવાનું શરૂ કર્યું. ‘તમારા જેવા પંદર-વીસ ઓફિસરોને મિસ્ત્રીએ લપેટમાં લીધા પણ પછી ખરેખરનો ફસાયો છે.’
‘મારે એવી કોઇ ફરિયાદ નથી.’ એ પાડોશી બહેનને સુધાકરે સમજાવ્યું. ‘મિસ્ત્રીના દીકરાને સારી કોલેજમાં એડમિશન મળે એ માટે મદદ કરેલી.’
‘મિસ્ત્રીને વળી દીકરો કયાં છે?’ એ બહેને હળવેથી સમજાવ્યું. ‘એને બિચારાને જે ગણો એ આ એક દીકરી છે. એય બિચારી અભાગણી.’
‘કંઇ સમજાતું નથી.’ સુધાકરે હાર કબૂલીને એ બહેન સામે જોયું.
‘મનુભાઇ માણસ લાખ રૂપિયાનો પણ એવી પરિસ્થિતિમાં ફસાયો કે બધે ખોટું બોલ્યો. મોટા ઉપાડે દીકરીના લગન લીધેલા. સામેની પાર્ટી કરોડપતિ એટલે વાદેવાદે લાંબો લઇને ગજા બહારનો ખર્ચોકરી નાખ્યો. જેને જેને ત્યાં ફર્નિચરનું કામ કર્યું હતું એ બધાનું કરી નાખ્યું. દીકરીના લગનમાં ધામધૂમ કરવી છે એમ કહે તો કોઇ પૈસા ના આપે, બધા કરકસરની સલાહ આપે એટલે એણે દીકરો ઊભો કર્યોઅને વાર્તા બનાવી. સામેની પાર્ટી કરોડપતિ એટલે દીકરીનો બાપ શું કરે? ખોટું કહીને બધા પાસેથી પૈસા લીધા. આટલાં વર્ષમાં મહેનત-મજૂરી કરીને જે બચત કરેલી એનું સોનું લીધું અને તમારા બધાના પૈસે ધામધૂમ કરી પણ એમાંય નસીબ ફૂટેલું કે કુદરતે જોરદાર થપાટ મારી!’
એ બહેન બોલતાં હતાં. સુધાકર સાંભળતો હતો. ‘સામેવાળાની બરોબરી કરવા જતાં બધુંય આપીને બરબાદ થઇ ગયો. ધામધૂમથી જાનૈયાઓની એવી સરભરા કરી કે અમનેય નવાઇ લાગેલી. પણ સામેવાળા માણસો નપાવટ નીકળ્યા. બધુંય રાખી લીધું અને આ બાપડી હંસાડીને કાળી છે એમ કહીને ચાર મહિને કાઢી મૂકી! મૂવા રાક્ષસ જેવા માણસો! મનુભાઇ ભગવાનનો માણસ અને એ નાલાયકો સામે લડવાની એનામાં તાકાત નહીં.
આ આઘાત એવો લાગ્યો કે મિસ્ત્રીની વહુ મંગળા ઊકલી ગઇ! સાસરેથી પાછી આવેલી દીકરી ચોવીસેય કલાક રડયા કરે એ જોઇને માની દશા કેવી થાય? એટેક આવી ગયો! હવે ઘરમાં બાપ-દીકરી એકલાં. દીકરીની આંખ આખો દિવસ ભીની હોય એટલે આળા હૈયાનો મિસ્ત્રી સવારે આઠ વાગ્યે રોટલી-શાક લઇને નીકળી જાય અને છેક રાત્રે પાછો આવે. જયાં જે કામ મળે એ કરીને પૈસા ભેગા કરે છે.’
એ બહેન સહેજ અટકીને સુધાકર સામે જોયું. ‘આ વાતની તો અમનેય ખબર નહીં. વચ્ચે એક સાહેબે સવારે વહેલા આવીને ઝઘડો કરેલો ત્યારે રડી પડેલો. મહેનત મજૂરી કરીને બધાંની પાઇ-પાઇ ચૂકવી દેવાની એણે વાત કરેલી. એ વખતે અમને આ કથાની ખબર પડેલી. માણસ સો ટકા ખાનદાન પણ સંજોગોને લીધે માર ખાધેલો છે. વહેલા-મોડા બધાને ચૂકવી દેશે.’
સુધાકરે બાઇક સ્ટાર્ટ કરી. એની આંખ સામે મનુભાઇનો દયામણો ચહેરો તરવરતો હતો. શામળી છોકરીની પીડા પણ એણે સગી આંખે નિહાળી હતી. ‘શું થયું?’ એ બૂટ કાઢતો હતો ત્યારે સ્મિતાએ અધીરાઇથી પૂછ્યું.
‘ચીટર છે એક નંબરનો!’ ફરી વાર ઉઘરાણી માટે સ્મિતા ધક્કો ખવડાવે નહીં એ ગણતરીએ એણે શબ્દો ગોઠવ્યા. ‘ધેર તાળું છે. પાડોશીએ કહ્યું કે બધાનું કરી નાખીને દુબઇ ભાગી ગયો છે. હવે નસીબમાં હશે તો કમાઇને આવશે ત્યારે આપશે બાકી હરિઓમ!’ (શીર્ષક પંકિત : લેખક)

સાત દરિયા પાર તો ઊતરી ગયા, કોરા મૃગજળમાં અમે ડૂબી ગયા

લશ્કરનો મિજાજ, સરમુખત્યારની તુમાખી અને દુર્વાસામુનિનો ક્રોધ, આ ત્રણનો સંગમ એટલે ડો. બક્ષી. અહીં નોકરીમાં જોડાતાં પહેલાં બક્ષી સાહેબ ઇન્ડિયન આર્મીમાં હતા. ડો. બક્ષી ત્યારે કેપ્ટન બક્ષી હતા. લશ્કરમાં ડોકટરોને પણ આ પ્રકારનો દરજજો આપવામાં આવે છે. મારી કારકિર્દીની શરૂઆતમાં મને ડો. બક્ષીની સાથે થોડોક સમય કામ કરવાનું મળ્યું હતું. એ સમયની મારી, અંગત ડાયરીમાં મેં કરેલી નોંધ હજુ પણ મેં સાચવી રાખી છે. પ્રથમ મુલાકાત બાદ મેં લખ્યું હતું: ‘ડો. બક્ષી મેં જોયેલા અત્યંત વિચિત્ર માણસોમાં મોખરાના સ્થાને આવે છે. મને લાગે છે કે એમની સાથેના આ દિવસો મારી જિંદગીના કદાચ સૌથી ખરાબ દિવસો બની રહેશે.’
આવું લખવા માટેના મારી પાસે એક નહીં પણ હજાર કારણો હતા. પહેલા દિવસથી જ વાત કરું. ડો. બક્ષી સાહેબ સર્જિકલ વોર્ડમાં રાઉન્ડ પર હતા. હું પણ સાથે હતો. ચાર-પાંચ મેડિકલ ઓફિસરો પણ હતા અને બે નર્સોપણ.
ત્યાં મારી નજર બારીની બહારના દૃશ્ય પર પડી. વોર્ડની બહારની લોબીમાં ચહલ-પહલ હતી. અમારો વોર્ડબોય કાસમ દોડાદોડી કરી રાો હતો. કોઇ ડા"કટરની રૂમમાં જઇને રિવોલ્વિંગ ચેર ખેંચી લાવ્યો હતો અને એક પીઢ ઉમરના, ટાલવાળા, સંસ્કારી જણાતા મોભાદાર પુરુષને એ ખુરશીમાં બેસવા માટે આગ્રહ સાથેની વિનંતી કરી રહ્યો હતો. હું સમજી ગયો કે તે વ્યકિત એ નાનકડાં શહેરમાં મોટું સ્થાન શોભાવતી હશે.
સાહેબને સિંહાસનમાં સ્થાપી દીધા બાદ કાસમ દોડતો દોડતો વોર્ડમાં આવ્યો. ડો. બક્ષીને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ‘સર, રાઉન્ડ પછી પૂરો કરજો. પહેલાં એક પેશન્ટને તપાસવાના છે.
‘વ્હાય?’ બક્ષી ગર્જી ઊઠયા, ‘કોઇ ખાસ ઇમરજન્સી છે?’
‘ઇમરજન્સી નથી, પણ ખાસ તો છે, સર!’ કાસની આ પહેલી ભૂલ.
‘ડો. બક્ષીનું દિમાગ બોઇલરની જેમ ફાટયું, ‘કોણ છે?’
‘જજ સાહેબ આવ્યા છે, એમના વાઇફને લઇને.’ કાસમની બીજી ભૂલ.
‘તો શું થઇ ગયું? જા, એમને કહી દે કે આ અદાલત નથી અને અહીં બોસ હું છું, એ નહીં!’ કાસમ સલવાઇ ગયો. જો અહીં ઊભો રહે તો એનું ઓપરેશન થઇ જાય તેમ હતું અને ત્યાં જાય તો ફાંસી થાય તેમ હતું (કાસમને દારૂ પીવાની ‘સુટેવ’ હતી, એટલે પ્રોહિબિશનના કાયદા હેઠળ પકડાઇને છાશવારે એ જ જજ સાહેબની અદાલતમાં એણે જવું પડતું હતું. આ બધાં આદર-સત્કાર પાછળનું ખરું રહસ્ય એ જ હતું).
કાસમે વાત વાળી લેવાની કોશિશ કરી, ‘ભલે, સર! તમે રાઉન્ડ પતાવી લો, ત્યાં સુધી જજ સાહેબ રાહ જોશે. મેં એમને ખુરશીમાં બેસાડયા છે.’ બસ, પત્યું. કાસમની આ ત્રીજી ભૂલ.
ડો. બક્ષીની ભીતરમાં છુપાયેલો જવાળામુખી સક્રિય બનીને છલકાયો, ‘ખુરશી? કોને પૂછીને એને ખુરશી આપી? કયાંથી લાવીને આપી? આપણે જયારે કોર્ટમાં જઇએ છીએ ત્યારે કોઇ જજ આપણને એમની ખુરશીમાં બેસાડે છે? અરે, એ માણસ અત્યારે ફકત પેશન્ટના સગા તરીકે આવ્યો છે, સાહેબ તરીકે નહીં. ઊઠાડી મૂક એને ખુરશીમાંથી, નહીંતર તને નોકરીમાંથી રવાના કરી દઇશ.’
કાસમને લઘુશંકા માટે દોડી જવું પડયું અને જજ સાહેબ તો કયારનાયે રવાના થઇ ગયા હતા. મને એ ક્ષણે એવું લાગ્યું કે બક્ષી સાહેબે જે કર્યું તે ખોટું કર્યું હતું. આપણાં દેશમાં ન્યાયતંત્ર અને ન્યાયાધીશનો સર્વોરચ આદરને પાત્ર ગણાય છે. જજ સાહેબ ગમે ત્યારે અને ગમે ત્યાં મળી જાય, પણ દરેક નાગરિકે એમના હોદ્દાની ગરિમા જાળવવી જોઇએ. ડો. બક્ષીએ આર્મીને છોડી દીધા પછી પણ લશ્કરી મિજાજ છોડયો નથી એ વાતનો મને વસવસો થયો.
પછી તો વસવસાનો સિલસિલો ચાલુ થઇ ગયો. બે દિવસ માંડ થયા હશે, ત્યાં એક પી.આઇ. ઝપટમાં ચડી ગયા. પોલીસની જીપ ઘરઘરાટ કરતી હોસ્પિટલના મેદાનમાં પ્રવેશી. ખાખી વરદી, બ્રાઉન રંગનો પોલિશ કરેલો પટ્ટો, એ જ રંગના બૂટ, હાથમાં પોલીસ ઇન્સ્પેકટરની હેટ અને આંખો પર રે-બનનાં સનગ્લાસીસ, જીપ પૂરી ઊભી રહે તે પહેલાં તો ઇન્સ્પેકટર ઠેકડો મારીને કૂદી પડયા. સાથે ચાર હવાલદારો અને એક પી.એસ.આઇ. પણ હતા. પી.આઇ. જેઠવા સાહેબ ‘ઠક-ઠક’ અવાજે બૂટ પછાડતાં ડો. બક્ષીના કન્સિલ્ટંગ રૂમમાં દમામભેર ઘૂસી ગયા. નહીં કશો શિષ્ટાચાર, ન કશી નમ્રતા. જાણે ડા"કટરની ધરપકડ કરવા ન આવ્યા હોય! ‘યસ, વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?’ ડો. બક્ષીની આંખોમાં અણગમો અને અવાજમાં તીખાશ ઝલકતા હતા.
પી.આઇ.એ. ડોકટરના સવાલનો જવાબ આપવાને બદલે પી.એસ.આઇ. તરફ જોયું, ‘ચાવડા, અગિયાર હજારની પહોંચ ફાડો! ડા"કટરના નામની.’ ડો. બક્ષી ભડકયા, ‘વન મિનિટ! અગિયાર હજાર શેના આપવાના છે?’
‘દસ દિવસ પછી અહીંના ટાઉન હોલમાં અમારા ખાતા તરફથી એક કાર્યક્રમ રાખેલો છે. પોલીસ-પરિવારો માટે મનોરંજનનો કાર્યક્રમ. અમદાવાદથી પંચોતેર હજારવાળી મ્યુઝિકલ પાર્ટીને બોલાવવી છે. તમે ડોકટર છો. આટલો ફાળો તો તમારે આપવો જ પડશે!’ પી.આઇ. જેઠવાને આ બોલતી વખતે ખબર ન હતી કે તેઓની કારકિર્દી કેવા ગંભીર વળાંક ઉપર આવી ગઇ હતી!
‘આ ફાળો છે, કે ઊઘાડી લૂંટ?’ ડો. બક્ષીના અવાજે ધીમે-ધીમે ગરમી પકડવી શરૂ કરી, ‘આ આખી વરદી પહેરીને આખા ઇલાકામાં ડાકુ જેવો આતંક મચાવતા ફરો છો એનાથી તમારું પેટ નથી ભરાયું કે હજુ વધારે મનોરંજન જોઇએ છે? અને ફાળો ઊઘરાવવાની પણ એક રીતે હોય છે. ફોન કરીને સમય માગવો, આપેલા સમયે વિનમ્રતા ધારણ કરીને આવવું, કાર્યક્રમની વિગત જણાવવી અને પછી સામેવાળો એની ઇરછાથી જે આપે તે મસ્તક ઝૂકાવીને સ્વીકારી લેવું! તમે તો સીધી પહોંચ ફાડવાની વાત કરો છો!’
‘સો વ્હોટ?’ પી.આઇ. રૂઆબ ઝાડવા ગયા. પણ ડો. બક્ષીએ ત્રાડ નાખીને એમને ચૂપ કરી દીધા, ‘ખબરદાર, જો મને પડકાર્યોછે તો! હું લશ્કરમાં કામ કરીને આવ્યો છું. આમ્ર્ડ ફોસીર્સના કાયદાઓ જાણું છું. જો પહોંચ ફાડવાની વાત ફરીથી કરી છે, તો હું તારી વરદી ફાડી નાખીશ, સમજયો?’
‘પણ હું તો સારા કામ માટે પૈસા ઊઘરાવવા આવ્યો છું, મારો ગુનો કયો?’ પી.આઇ. ચોરની મુદ્રામાં આવી ગયો.
‘ગુનાનું પૂછે છે? અત્યારે તારી ફરજ બજાવવાનું પડતું મૂકીને ફાળો ઊઘરાવવા નીકળ્યો છે એમાં તને કશું ખોટું નથી લાગતું? તારું પૂરું નામ લખાવ મને, હું અત્યારે જ હોમ મિનિસ્ટ્રીમાં ફરિયાદ લખાવું છું.’ ડો. બક્ષીએ પેન હાથમાં લીધી, પણ તે પહેલાં તો જેઠવા, ચાવડા, જોષી ને પંડયા પોતપોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા હતા. ત્યાં પહોંરયા પછી કોને, કયારે, કેટલી વાર લઘુશંકા થઇ હશે એની મારી પાસે માહિતી નથી, પણ લઘુશંકા થઇ હશે એ વિશે મનમાં કોઇ શંકા નથી. એ દિવસે મને ખાતરી થઇ ગઇ કે ડો. બક્ષી પાસેથી શીખવા જેવું મને કશું જ મળવાનું નથી. આવા ફાટેલી ખોપરીના માણસે ડોકટર બનવું જ ન જોઇએ. આખો દિવસ એમને લોકોનું અપમાન કર્યા વિના ચેન ન પડતું. હોસ્પિટલનો ઓ.પી.ડી. સ્ટાફ, નર્સ બહેનો, દરદીઓના સગાંવહાલાં, બક્ષીની અડફેટમાંથી કોઇ બચે નહીં.
અઠવાડિયા પછીની વાત. ફરી એક વાર હોસ્પિટલની હવા ડો. બક્ષીની બૂમોથી કંપી ઊઠી. એ લોબીમાંથી પસાર થતા હતા ને એમની નજર એક ગામડિયા ઉપર પડી. બાંકડા પર બેઠો-બેઠો બાપડો રડતો હતો. ડો. બક્ષીએ બરાડો પાડયો, ‘કોણ મરી ગયું છે?’
‘મરી નથી ગયું, મારી બૈરીને દીકરો થયો છે.’
‘તારા જેવા રોતલ પુરુષના બીજથી બાળક ન જન્મે, નક્કી કો’ક બીજાનું હશે.’
‘સાયેબ, રોઉ છું એટલા માટે કે રાધાનું સિઝેરિયન કરવું પડયું છે. ડા"કટરે પૈસા જમા કરવાનું કીધું છે, પણ અડધા કલાક પે’લાં મારું પાકીટ ચોરાઇ ગયું! માંડ માંડ પૈસાનો જોગ કરેલો તે...’
બક્ષી સાહેબનું બોઇલર ફાટયું, ‘એલા, જો પૈસા ન હોય તો પૈણતા શું કામ હશો! ને ઉપરથી બરચાં શા માટે જણતાં હશો? મારું ચાલેને તો તને અત્યારે ને અત્યારે ફાંસીએ લટકાવી દઉ.’ પેલો પુરુષ લઘુશંકા માટે કયાં જવું એ શોધવા ફાંફાં મારી રાો. ત્યાં ડા". બક્ષીનો અવાજ જરા કૂણો પડયો, ‘જે હોય તે, પણ એમાં પેલા પંખૂડાનો શું વાંક છે! લે, આ બે હજાર રૂપિયા આપું છે તે રાખ! જેટલાં જમા કરાવવાના હોય તે કરાવી દે! બાકીના...’ પેલો ઝૂકી પડયો, ‘વચન આલું છું, સાયેબ, બાકીના વધશે ઇ તમને પાછા .’
‘ગધેડા! બદમાશ! મૂરખ! આ રૂપિયા મેં પાછા માગ્યા છે? તારી બૈરી... બિચારી તારા જેવા ગમારની સાથે પરણી છે... એને ઘીનો શીરો નહીં ખાવો હોય? અને વિટામિન્સની ગોળીઓ, બીજી દવાઓ, અને દૂધની જરૂર નહીં પડે? જા, ભાગ અહીંથી નહીંતર તારું ગળું દબાવી દઇશ...’
મને ખબર હતી કે એ દિવસોમાં સાહેબનો પગાર બત્રીસો રૂપિયા હતો! એમાંથી ગાળ સાથે અપાયેલા બે હજાર લઇને પેલો જે ભાગ્યો છે! ના, જે ગતિથી ઊડયો છે... પણ મને ખાતરી છે કે આટલો બધો ડરી ગયો હોવા છતાં પણ એ માણસ લઘુશંકા માટે તો નહીં જ અદૃશ્ય થયો હોય!‘ (શીર્ષક પંકિત: બાલુ પટેલ)