Friday, July 10, 2009

સાત દરિયા પાર તો ઊતરી ગયા, કોરા મૃગજળમાં અમે ડૂબી ગયા

લશ્કરનો મિજાજ, સરમુખત્યારની તુમાખી અને દુર્વાસામુનિનો ક્રોધ, આ ત્રણનો સંગમ એટલે ડો. બક્ષી. અહીં નોકરીમાં જોડાતાં પહેલાં બક્ષી સાહેબ ઇન્ડિયન આર્મીમાં હતા. ડો. બક્ષી ત્યારે કેપ્ટન બક્ષી હતા. લશ્કરમાં ડોકટરોને પણ આ પ્રકારનો દરજજો આપવામાં આવે છે. મારી કારકિર્દીની શરૂઆતમાં મને ડો. બક્ષીની સાથે થોડોક સમય કામ કરવાનું મળ્યું હતું. એ સમયની મારી, અંગત ડાયરીમાં મેં કરેલી નોંધ હજુ પણ મેં સાચવી રાખી છે. પ્રથમ મુલાકાત બાદ મેં લખ્યું હતું: ‘ડો. બક્ષી મેં જોયેલા અત્યંત વિચિત્ર માણસોમાં મોખરાના સ્થાને આવે છે. મને લાગે છે કે એમની સાથેના આ દિવસો મારી જિંદગીના કદાચ સૌથી ખરાબ દિવસો બની રહેશે.’
આવું લખવા માટેના મારી પાસે એક નહીં પણ હજાર કારણો હતા. પહેલા દિવસથી જ વાત કરું. ડો. બક્ષી સાહેબ સર્જિકલ વોર્ડમાં રાઉન્ડ પર હતા. હું પણ સાથે હતો. ચાર-પાંચ મેડિકલ ઓફિસરો પણ હતા અને બે નર્સોપણ.
ત્યાં મારી નજર બારીની બહારના દૃશ્ય પર પડી. વોર્ડની બહારની લોબીમાં ચહલ-પહલ હતી. અમારો વોર્ડબોય કાસમ દોડાદોડી કરી રાો હતો. કોઇ ડા"કટરની રૂમમાં જઇને રિવોલ્વિંગ ચેર ખેંચી લાવ્યો હતો અને એક પીઢ ઉમરના, ટાલવાળા, સંસ્કારી જણાતા મોભાદાર પુરુષને એ ખુરશીમાં બેસવા માટે આગ્રહ સાથેની વિનંતી કરી રહ્યો હતો. હું સમજી ગયો કે તે વ્યકિત એ નાનકડાં શહેરમાં મોટું સ્થાન શોભાવતી હશે.
સાહેબને સિંહાસનમાં સ્થાપી દીધા બાદ કાસમ દોડતો દોડતો વોર્ડમાં આવ્યો. ડો. બક્ષીને ઉદ્દેશીને કહેવા લાગ્યો, ‘સર, રાઉન્ડ પછી પૂરો કરજો. પહેલાં એક પેશન્ટને તપાસવાના છે.
‘વ્હાય?’ બક્ષી ગર્જી ઊઠયા, ‘કોઇ ખાસ ઇમરજન્સી છે?’
‘ઇમરજન્સી નથી, પણ ખાસ તો છે, સર!’ કાસની આ પહેલી ભૂલ.
‘ડો. બક્ષીનું દિમાગ બોઇલરની જેમ ફાટયું, ‘કોણ છે?’
‘જજ સાહેબ આવ્યા છે, એમના વાઇફને લઇને.’ કાસમની બીજી ભૂલ.
‘તો શું થઇ ગયું? જા, એમને કહી દે કે આ અદાલત નથી અને અહીં બોસ હું છું, એ નહીં!’ કાસમ સલવાઇ ગયો. જો અહીં ઊભો રહે તો એનું ઓપરેશન થઇ જાય તેમ હતું અને ત્યાં જાય તો ફાંસી થાય તેમ હતું (કાસમને દારૂ પીવાની ‘સુટેવ’ હતી, એટલે પ્રોહિબિશનના કાયદા હેઠળ પકડાઇને છાશવારે એ જ જજ સાહેબની અદાલતમાં એણે જવું પડતું હતું. આ બધાં આદર-સત્કાર પાછળનું ખરું રહસ્ય એ જ હતું).
કાસમે વાત વાળી લેવાની કોશિશ કરી, ‘ભલે, સર! તમે રાઉન્ડ પતાવી લો, ત્યાં સુધી જજ સાહેબ રાહ જોશે. મેં એમને ખુરશીમાં બેસાડયા છે.’ બસ, પત્યું. કાસમની આ ત્રીજી ભૂલ.
ડો. બક્ષીની ભીતરમાં છુપાયેલો જવાળામુખી સક્રિય બનીને છલકાયો, ‘ખુરશી? કોને પૂછીને એને ખુરશી આપી? કયાંથી લાવીને આપી? આપણે જયારે કોર્ટમાં જઇએ છીએ ત્યારે કોઇ જજ આપણને એમની ખુરશીમાં બેસાડે છે? અરે, એ માણસ અત્યારે ફકત પેશન્ટના સગા તરીકે આવ્યો છે, સાહેબ તરીકે નહીં. ઊઠાડી મૂક એને ખુરશીમાંથી, નહીંતર તને નોકરીમાંથી રવાના કરી દઇશ.’
કાસમને લઘુશંકા માટે દોડી જવું પડયું અને જજ સાહેબ તો કયારનાયે રવાના થઇ ગયા હતા. મને એ ક્ષણે એવું લાગ્યું કે બક્ષી સાહેબે જે કર્યું તે ખોટું કર્યું હતું. આપણાં દેશમાં ન્યાયતંત્ર અને ન્યાયાધીશનો સર્વોરચ આદરને પાત્ર ગણાય છે. જજ સાહેબ ગમે ત્યારે અને ગમે ત્યાં મળી જાય, પણ દરેક નાગરિકે એમના હોદ્દાની ગરિમા જાળવવી જોઇએ. ડો. બક્ષીએ આર્મીને છોડી દીધા પછી પણ લશ્કરી મિજાજ છોડયો નથી એ વાતનો મને વસવસો થયો.
પછી તો વસવસાનો સિલસિલો ચાલુ થઇ ગયો. બે દિવસ માંડ થયા હશે, ત્યાં એક પી.આઇ. ઝપટમાં ચડી ગયા. પોલીસની જીપ ઘરઘરાટ કરતી હોસ્પિટલના મેદાનમાં પ્રવેશી. ખાખી વરદી, બ્રાઉન રંગનો પોલિશ કરેલો પટ્ટો, એ જ રંગના બૂટ, હાથમાં પોલીસ ઇન્સ્પેકટરની હેટ અને આંખો પર રે-બનનાં સનગ્લાસીસ, જીપ પૂરી ઊભી રહે તે પહેલાં તો ઇન્સ્પેકટર ઠેકડો મારીને કૂદી પડયા. સાથે ચાર હવાલદારો અને એક પી.એસ.આઇ. પણ હતા. પી.આઇ. જેઠવા સાહેબ ‘ઠક-ઠક’ અવાજે બૂટ પછાડતાં ડો. બક્ષીના કન્સિલ્ટંગ રૂમમાં દમામભેર ઘૂસી ગયા. નહીં કશો શિષ્ટાચાર, ન કશી નમ્રતા. જાણે ડા"કટરની ધરપકડ કરવા ન આવ્યા હોય! ‘યસ, વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?’ ડો. બક્ષીની આંખોમાં અણગમો અને અવાજમાં તીખાશ ઝલકતા હતા.
પી.આઇ.એ. ડોકટરના સવાલનો જવાબ આપવાને બદલે પી.એસ.આઇ. તરફ જોયું, ‘ચાવડા, અગિયાર હજારની પહોંચ ફાડો! ડા"કટરના નામની.’ ડો. બક્ષી ભડકયા, ‘વન મિનિટ! અગિયાર હજાર શેના આપવાના છે?’
‘દસ દિવસ પછી અહીંના ટાઉન હોલમાં અમારા ખાતા તરફથી એક કાર્યક્રમ રાખેલો છે. પોલીસ-પરિવારો માટે મનોરંજનનો કાર્યક્રમ. અમદાવાદથી પંચોતેર હજારવાળી મ્યુઝિકલ પાર્ટીને બોલાવવી છે. તમે ડોકટર છો. આટલો ફાળો તો તમારે આપવો જ પડશે!’ પી.આઇ. જેઠવાને આ બોલતી વખતે ખબર ન હતી કે તેઓની કારકિર્દી કેવા ગંભીર વળાંક ઉપર આવી ગઇ હતી!
‘આ ફાળો છે, કે ઊઘાડી લૂંટ?’ ડો. બક્ષીના અવાજે ધીમે-ધીમે ગરમી પકડવી શરૂ કરી, ‘આ આખી વરદી પહેરીને આખા ઇલાકામાં ડાકુ જેવો આતંક મચાવતા ફરો છો એનાથી તમારું પેટ નથી ભરાયું કે હજુ વધારે મનોરંજન જોઇએ છે? અને ફાળો ઊઘરાવવાની પણ એક રીતે હોય છે. ફોન કરીને સમય માગવો, આપેલા સમયે વિનમ્રતા ધારણ કરીને આવવું, કાર્યક્રમની વિગત જણાવવી અને પછી સામેવાળો એની ઇરછાથી જે આપે તે મસ્તક ઝૂકાવીને સ્વીકારી લેવું! તમે તો સીધી પહોંચ ફાડવાની વાત કરો છો!’
‘સો વ્હોટ?’ પી.આઇ. રૂઆબ ઝાડવા ગયા. પણ ડો. બક્ષીએ ત્રાડ નાખીને એમને ચૂપ કરી દીધા, ‘ખબરદાર, જો મને પડકાર્યોછે તો! હું લશ્કરમાં કામ કરીને આવ્યો છું. આમ્ર્ડ ફોસીર્સના કાયદાઓ જાણું છું. જો પહોંચ ફાડવાની વાત ફરીથી કરી છે, તો હું તારી વરદી ફાડી નાખીશ, સમજયો?’
‘પણ હું તો સારા કામ માટે પૈસા ઊઘરાવવા આવ્યો છું, મારો ગુનો કયો?’ પી.આઇ. ચોરની મુદ્રામાં આવી ગયો.
‘ગુનાનું પૂછે છે? અત્યારે તારી ફરજ બજાવવાનું પડતું મૂકીને ફાળો ઊઘરાવવા નીકળ્યો છે એમાં તને કશું ખોટું નથી લાગતું? તારું પૂરું નામ લખાવ મને, હું અત્યારે જ હોમ મિનિસ્ટ્રીમાં ફરિયાદ લખાવું છું.’ ડો. બક્ષીએ પેન હાથમાં લીધી, પણ તે પહેલાં તો જેઠવા, ચાવડા, જોષી ને પંડયા પોતપોતાની ફરજ ઉપર હાજર થઇ ગયા હતા. ત્યાં પહોંરયા પછી કોને, કયારે, કેટલી વાર લઘુશંકા થઇ હશે એની મારી પાસે માહિતી નથી, પણ લઘુશંકા થઇ હશે એ વિશે મનમાં કોઇ શંકા નથી. એ દિવસે મને ખાતરી થઇ ગઇ કે ડો. બક્ષી પાસેથી શીખવા જેવું મને કશું જ મળવાનું નથી. આવા ફાટેલી ખોપરીના માણસે ડોકટર બનવું જ ન જોઇએ. આખો દિવસ એમને લોકોનું અપમાન કર્યા વિના ચેન ન પડતું. હોસ્પિટલનો ઓ.પી.ડી. સ્ટાફ, નર્સ બહેનો, દરદીઓના સગાંવહાલાં, બક્ષીની અડફેટમાંથી કોઇ બચે નહીં.
અઠવાડિયા પછીની વાત. ફરી એક વાર હોસ્પિટલની હવા ડો. બક્ષીની બૂમોથી કંપી ઊઠી. એ લોબીમાંથી પસાર થતા હતા ને એમની નજર એક ગામડિયા ઉપર પડી. બાંકડા પર બેઠો-બેઠો બાપડો રડતો હતો. ડો. બક્ષીએ બરાડો પાડયો, ‘કોણ મરી ગયું છે?’
‘મરી નથી ગયું, મારી બૈરીને દીકરો થયો છે.’
‘તારા જેવા રોતલ પુરુષના બીજથી બાળક ન જન્મે, નક્કી કો’ક બીજાનું હશે.’
‘સાયેબ, રોઉ છું એટલા માટે કે રાધાનું સિઝેરિયન કરવું પડયું છે. ડા"કટરે પૈસા જમા કરવાનું કીધું છે, પણ અડધા કલાક પે’લાં મારું પાકીટ ચોરાઇ ગયું! માંડ માંડ પૈસાનો જોગ કરેલો તે...’
બક્ષી સાહેબનું બોઇલર ફાટયું, ‘એલા, જો પૈસા ન હોય તો પૈણતા શું કામ હશો! ને ઉપરથી બરચાં શા માટે જણતાં હશો? મારું ચાલેને તો તને અત્યારે ને અત્યારે ફાંસીએ લટકાવી દઉ.’ પેલો પુરુષ લઘુશંકા માટે કયાં જવું એ શોધવા ફાંફાં મારી રાો. ત્યાં ડા". બક્ષીનો અવાજ જરા કૂણો પડયો, ‘જે હોય તે, પણ એમાં પેલા પંખૂડાનો શું વાંક છે! લે, આ બે હજાર રૂપિયા આપું છે તે રાખ! જેટલાં જમા કરાવવાના હોય તે કરાવી દે! બાકીના...’ પેલો ઝૂકી પડયો, ‘વચન આલું છું, સાયેબ, બાકીના વધશે ઇ તમને પાછા .’
‘ગધેડા! બદમાશ! મૂરખ! આ રૂપિયા મેં પાછા માગ્યા છે? તારી બૈરી... બિચારી તારા જેવા ગમારની સાથે પરણી છે... એને ઘીનો શીરો નહીં ખાવો હોય? અને વિટામિન્સની ગોળીઓ, બીજી દવાઓ, અને દૂધની જરૂર નહીં પડે? જા, ભાગ અહીંથી નહીંતર તારું ગળું દબાવી દઇશ...’
મને ખબર હતી કે એ દિવસોમાં સાહેબનો પગાર બત્રીસો રૂપિયા હતો! એમાંથી ગાળ સાથે અપાયેલા બે હજાર લઇને પેલો જે ભાગ્યો છે! ના, જે ગતિથી ઊડયો છે... પણ મને ખાતરી છે કે આટલો બધો ડરી ગયો હોવા છતાં પણ એ માણસ લઘુશંકા માટે તો નહીં જ અદૃશ્ય થયો હોય!‘ (શીર્ષક પંકિત: બાલુ પટેલ)

No comments: