Monday, February 1, 2010

લાગણી મારે છે પોતું, ઝંખના ઝાડુ અને,

લાગણી મારે છે પોતું, ઝંખના ઝાડુ અને,
આંસુઓ પાણી ભરે છે, પાંચ રૂપિયા રોજ પર

એણે પ્રોફેસરને પૂછ્યું, ‘સર, મે આઈ કમ ઈન?’ એટલામાં તો વર્ગખંડમાં બેઠાં હતાં એ બધાં જ છોકરા-છોકરીઓ હસી પડ્યાં. એ સહેજ મોડો પડ્યો હતો એટલે પ્રવેશવાની પરવાનગી માગતો બારણાં વચ્ચે ઊભો હતો. જે કારણે વિદ્યાર્થીઓને હસવું આવ્યું હતું એ જ કારણથી પ્રોફેસરને ગુસ્સો આવ્યો.


એમણે અવાજમાં કટાક્ષ ભેળવીને પૂછ્યું, ‘આવો, મહાશય! આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં?’ વિદ્યાર્થીના શરીર ઉપરનાં વસ્ત્રો ખરેખર બીજા બધાના કપડાં કરતાં અલગ પડી જતાં હતાં. પહોળી મોરીનો પાયજામો, ચોળાયેલો સફેદ લેંઘો, ઊભી લીટી જેવું શરીર, માથા પર ઝાડી-ઝાંખરાં ઊગ્યાં હોય તેવા દેખાતા વાળ, પગમાં સસ્તામાં સસ્તા કાળી પટ્ટીના ચંપલ અને ખભે ટીંગાતો ખાદીનો બગલથેલો.


દેશભરની તમામ ભાષાઓના તમામ કવિઓને લાગુ પડી શકે તેવો આ ડ્રેસકોડ હતો. ફક્ત ગળામાં એક પાટિયું લટકાવવાનું બાકી રાખ્યું હતું કે ‘હું કવિ છું.’


સાહેબનો પ્રશ્ન ‘આપ કોલેજમાં પધાર્યા છો કે કવિ સંમેલનમાં?’ના જવાબમાં વિદ્યાર્થીએ દિમાગનો ચમકારો બતાવ્યો, ‘કવિ છું અને કોલેજમાં આવ્યો છું.’


‘નામ?’ પ્રોફેસરે દાઢમાં પૂછ્યું.


‘જાલીમ જેતપુરી.’


પ્રોફેસરે માથું ધુણાવ્યું ‘આવાં નામ તે હોતાં હશે? લાવ, તારું આઈકાર્ડ બતાવ!’ છોકરાએ બગલથેલામાંથી કાર્ડ શોધી કાઢ્યું, સાહેબના હાથમાં આપ્યું. પ્રોફેસરે બરાડો પાડ્યો, ‘આમાં તો માલવ સોની લખેલું છે.’


‘એ મારું મૂળ નામ છે, જાલીમ જેતપુરી મારું તખલ્લુસ છે. હું જેતપુરનો છું એટલે જેતપુરી અને કવિતાઓ જાલીમ જેવી લખું છું એટલે....’ બધાંને મઝા પડી ગઈ, આ નમૂનો આખું વર્ષ મોજ કરાવશે એ વાતની ખાતરી થઈ ગઈ.


એમની ધારણા ખોટી ન પડી. માલવના રંગઢંગ તો હાસ્યપ્રેરક હતા જ, એનાં વાણીવર્તન પણ અજીબો-ગરીબ હતાં. એ મન ફાવે ત્યારે કોલેજમાં આવતો, મન ફાવે ત્યારે ચાલ્યો જતો. ઝભ્ભો-લેંધો- બગલથેલો એ એનો કાયમી પોશાક. કવિરાજ જાલીમસિંહ મોટા ભાગનો સમય ક્લાસરૂમને બદલે કોલેજના બગીચામાં પડ્યા-પાથર્યા રહે.


લીલા ઘાસની જાજમ ઉપર ઊંધા પડીને કાગળ ઉપર કવિતા અવતાર્યા કરે. દસ-પંદર કવિતાઓ ફાડીને ફેંકી દીધા પછી માંડ એકાદ કવિતાથી એમને સંતોષ થાય. એ પછીના બુધવારે કોલેજના વોલમેગેઝિનમાં એ કવિતા વાંચવા મળે. કવિ હંમેશાં ગઝલો ઉપર જ હાથ અજમાવતા.


જાલીમ જેતપુરીને જશ આપવા માટે એક વાત કબૂલ કરવી પડે, એમની ગઝલો જાનદાર જોવા મળતી હતી. દીવાલ પરના નોટિસ બોર્ડ જેવા કાચના બારણાથી બંધ થયેલા વોલમેગેઝિનમાં જાલીમની ગઝલ વાંચવા માટે સતત પંદર-પંદર દિવસ લગી ભીડ જામેલી રહેતી. આ ભીડમાં છોકરાઓ જેટલી જ સંખ્યા છોકરીઓની પણ જોવા મળી હતી.


આ છોકરીઓમાં એક હતી તસવ્વુર ઝવેરી. તસવ્વુરને છોકરી ન કહેવાય, એને તો ‘સુંદરી’ કહેવી પડે. તસવ્વુર એની પાંચ બાય દસની હાઇટને કારણે બીજી તમામ છોકરીઓથી અલગ તરી આવતી હતી. એનું ફિગર આંતરરાષ્ટ્રીય સ્તર પ્રમાણે પરફેક્ટ ટેન માર્કાવાળું હતું.


વર્ષો સુધી એના મમ્મી-પપ્પા આફ્રિકામાં હતાં. હવે ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયાં હતાં. આને કારણે તસવ્વુરનું અંગ્રેજી કોઇ અંગ્રેજ કરતાં પણ વધારે તેજ હતું. એના શાનદાર વ્યક્તિત્વ આગળ તમામ છોકરા - છોકરીઓ ઝાંખાં પડી જતાં .


આવી તસવ્વુર એકવાર ભીંતપત્ર લખાયેલી એક તરોતાજા ગઝલ વાંચતી હતી, ત્યાં પાછળથી કોઇનો અવાજ સંભળાયો, કેવી લાગી ગઝલ ? ખાલી વાંચો જ છો કે પછી સમજી પણ શકો છો ?


તસવ્વુરે વાળની પોની ટેઇલ ઉછાળીને પાછળ જોયું તો માલવ સોની ઉર્ફે શાયર જાલીમ જેતપુરી સ્વયં જોવા મળ્યા. તસવ્વુરે ઇંગ્લિશ મીડિયમવાળી છોકરીઓ ઉછાળે એ રીતે ખભા ઉછાળ્યા, વેલ, ગુજરાતી ઇઝ માય મધર ટંગ.


એ પણ તમારે અંગ્રેજીમાં બોલવું પડે છે ? માલવે કટાક્ષ કર્યો. તસવ્વુર હસી પડી, તમે માણસ તો દિલચસ્પ છો. લખો છો પણ ખૂબ સરસ. પણ એક વાત સમજાતી નથી, તમે આવું વિચિત્ર તખલ્લુસ કેમ પસંદ કર્યું છે? જાલીમ જેતપુરી ! એવું લાગે છે જાણે તમે કવિને બદલે કોઇ અંડરવર્લ્ડના માણસ ન હો !’’


માલવ ખડખડાટ હસી પડ્યો. આમ જોવા જાવ તો એ બેય વચ્ચે કશો તફાવત પણ ક્યાં છે ? અંડરવર્લ્ડનો માણસ તમને ગોળીથી ઘાયલ કરે છે, અમે કવિઓ તમને ગઝલથી મારીએ છીએ. બાય ધી વે મારું સાચું નામ માલવ સોની છે. તમારું?


આઇ એમ તસવ્વુર. આટલું કહીને અપ્સરાએ પોતાનો જમણો હાથ લાંબો કર્યો. તસવ્વુર ઝવેરી. નાઇસ ટુ મીટ યુ.


માલવે બેહોશીની અવસ્થામાં આ શબ્દો સાંભળ્યા, કોમાની હાલતમાં એ સંગેમરમરી હાથની માખણ જેવી લીસ્સી હથેળી પોતાના હાથમાં પકડી અને પછી મરતો માણસ જિંદગીના આખરી શબ્દો બોલતો હોય એવી રીતે બબડી ગયો, ‘તસવ્વુર, તમે ઝવેરી ખાનદાનની કન્યા નથી લાગતાં પણ કોઇ મોટા ઝવેરીના ભવ્ય શો રૂમનું જાજરમાન ઝવેરાત લાગો છો. હું... હું... હું... તમને...’


મરતો માણસ મરી જાય પછી શું બોલી શકે ! માલવ પણ આગળ કંઇ બોલી ન શક્યો. એ ચીસો પાડીને કહેવા માગતો હતો, તસવ્વુર તને ખબર નથી કે હું તારી જ જ્ઞાતિનો છું. ન્યાતના એક મેળાવડામાં મેં તને જોઇ હતી, એ પછી જ મેં કવિતા લખવાની શરૂ કરી. મારી જે ગઝલો તને આટલી બધી પ્રિય છે એ તને ઉદ્દેશીને જ લખાયેલી છે.


તારા રોજ દર્શન કરવાના આશયથી તો હું વિજ્ઞાન પ્રવાહ છોડીને આ કોલેજમાં ભણવા આવ્યો છું. આ મારાં કપડાં, આ ઝભ્ભો-લેંઘો અને બગલથેલો એ મારો દેવદાસ જેવો ગેટઅપ નથી, પણ તને પામવા માટેની બાધા છે.


જ્યારે તને હું મેળવીશ, એ પછી જ હું પેન્ટ-શર્ટનો પોશાક ધારણ કરીશ. અને મારી ગઝલો... ! તસવ્વુર, મારામાં એટલી હિંમત નથી કે હું તને ખાનગીમાં એક નાનો, સીધોસાધો પ્રેમપત્ર લખી શકું, માટે જ જાહેરમાં મારે આ ગઝલો લખવી પડે છે. તસવ્વુર હું હું... તને...’


વિશ્વના અગણિત પ્રેમીઓની જેમ માલવ પણ હૈયાની વાતને હોઠ ઉપર લાવી ન શક્યો. પ્રેમનો પ્રવાસ કાપવા માટે હિંમતનાં હલ્લેસાં હોવા જરૂરી હોય છે, જે એની પાસે ન હતાં. અચાનક એને ખબર પડી કે આવાં હલ્લેસાં કો’કની પાસે હતાં.


ત્રીજા વર્ષમાં ભણતા અંગાર પાટડિયા નામના એક માથાભારે યુવાને એક દિવસ તસવ્વુરને મોં ઉપર કહી દીધું, ‘તું મને ગમે છે. મારા પપ્પા અત્યારે તારા ડેડી સાથે ફોન પર વાત કરીને મારા માટે તારો હાથ માગી રહ્યા હશે. મને વિશ્વાસ છે કે તારા ડેડી તને પૂછ્યા વગર લગ્નનો નિર્ણય નહીં જ લે.’’


‘તો?’ તસવ્વુરે અભિમાનમાં ડોક મરોડીને પૂછ્યું.


‘તારા ડેડી તને પૂછે એ પહેલાં મને થયું કે હું જ તને પૂછી લઉ.’’ આમ કહીને અંગાર ઝૂક્યો. રિસેસનો સમય હતો. સેંકડો વિદ્યાર્થીઓની હાજરી હતી. એણે તસવ્વુરનો જમણો હાથ પકડીને મસ્તક નમાવી દીધું, પછી સ્પષ્ટ અવાજે પૂછી નાખ્યું, ‘વિલ યુ મેરી વિથ મી’ અને એ વેકેશનમાં મિસ તસવ્વુર ઝવેરી મિસિસ તસવ્વુર પાટડિયા બની ગઈ.


- - - - -


પાંત્રીસ વર્ષ એ કંઈ ઓછો સમય ન ગણાય. પણ પસાર થઈ ગયાં. ચોળાયેલો ઝભ્ભો-લેંઘો પહેરીને માલવ સોની નામનો એક પંચાવન વર્ષનો પુરુષ રવિવારનું છાપુ વાંચતો બેઠો હતો ત્યાં એનો ફોન રણકી ઊઠ્યો. સામા છેડે કોઈ સ્ત્રીનો અવાજ હતો, પૂછી રહી હતી, ‘કોણ માલવ? કહી શકે છે કે હું કોણ બોલી રહી છું.’


અડધી ક્ષણનાયે વિલંબ વગર માલવે એને ઓળખી કાઢી, ‘તસવ્વુર! તું ક્યાંથી? તું અને અંગાર તો લગ્ન પછી ક્યાંક પરદેશ ચાલ્યાં ગયાં હતાં ને!’


‘ઓસ્ટ્રેલિયામાં. અત્યારે પણ ત્યાં જ છીએ. માલવ, મારે તને મળવું છે. હું અત્યારે તારા શહેરમાં આવી છું. આજે બપોરે ત્રણ વાગ્યે ‘હોટલ હેવનબ્લૂ’ના રૂમ નંબર પાંચસો આઠમાં આવી શકીશ? જો આવે તો પંચાવનને બદલે ફરી પાછો વીસ વર્ષનો બનીને આવજે અને તારા જેટલા ગઝલસંગ્રહો બહાર પડ્યા હોય તે સાથે લઈને આવજે. તસવ્વુર વિલ બી ડેસ્પરેટલી વેઇટિંગ ટુ સી યુ.’


ત્રણના ટકોરે માલવ તસવ્વુરના કમરામાં હાજર હતો. હાથમાં માત્ર એક જ ગઝલસંગ્રહ હતો, ‘આ તારા માટે છે, તસવ્વુર! ગઝલ લખવાનું મેં વરસોથી છોડી દીધું છે.’


‘કેમ? હું અંગારને પરણી ગઈ એટલે?’ તસવ્વુરે ધારદાર નજરે જોયું. માલવે આંખો ઢાળી દીધી. તસવ્વુર બોલી રહી હતી, ‘તું મને ચાહતો હતો એ વાતની જાણ મને કોણે કરી એ તારે જાણવું છે? મારા પતિએ કરી. હમણાં એકાદ મહિના પહેલાં. એને મારામાં જરા પણ રસ નથી રહ્યો. ઓસ્ટ્રેલિયા જઈને એ ખૂબ કમાયો છે. હવે જાડો, ઢોલ જેવો થઈ ગયો છે.


આખી રાત દારૂ ઢીંચ્યા કરે છે. એક રાતે દારૂના નશામાં જ એ બબડી ગયો. ‘તું તો પેલા કવિને જ લાયક હતી. હું તને ખાલી અમથો ઉપાડી લાવ્યો. સાલ્લો, જાલીમડો તારું રૂપ જોઈ-જોઈને શાયરી લખતો હતો.’ ત્યારે મને ખબર પડી. માલવ, જિંદગીમાં પહેલી વાર તને આમ બંધ કમરામાં મળી રહી છું. કદાચ છેલ્લી વાર પણ હોઈ શકે.


શરીરનાં તોફાનો તો હવે શમી ગયાં છે, પણ મનની ભૂખ હજુ ભાંગી નથી. એક વિનંતી છે : મારી સાથે એક પથારીમાં મને આલિંગીને સૂતાં-સૂતાં તારી બધી જ ગઝલો તું મને સંભળાવીશ? ના ન પાડીશ, માલવ, પ્લીઝ...!


બંધ બારણાં હતાં, બંધ બારીઓ હતી. પડદાઓ પડેલા હતા. આથમતી બપોરના ઊઘડતા અજવાસમાં બે જૂના પ્રેમીજનો શબ્દનું હનિમૂન માણી રહ્યાં હતાં. કલાકો સુધી ચત્તિપાટ સૂતેલી તસવ્વુરના સંગેમરમરી પેટ ઉપર માથું ઢાળીને માલવ પડી રહ્યો. સાંજે ડિનર માણ્યા પછી બંને છૂટાં પડ્યાં, તસવ્વુરે પૂછ્યું, ‘હું તો આજે ધન્ય થઈ ગઈ, માલવ, તને કેવું લાગ્યું?’


‘કોઈપણ ભાષાના કોઈ પણ કવિ કરતાં હું વધુ નસીબદાર છું. જે સ્ત્રીને માટે મેં આ બધી ગઝલો લખી હતી, એનું પઠન એ જ સ્ત્રીના શરીરને વળગીને કરવાનું સદ્ભાગ્ય આ જગતમાં બીજા કેટલા કવિઓને મળ્યું હશે? હવે મને કોઈ અબળખા નથી, તસવ્વુર, બીજી વાર તને મળવાની અબળખા પણ નહીં. થેંક્સ ફોર એવરીથિંગ!’ માલવ ચાલ્યો ગયો.


બીજા દિવસે એને ઓળખનારા તમામ લોકો એક જ ચર્ચા કરતા હતા, ‘પેલા માલવ વિશે સાંભળ્યું? એણે ઝભ્ભો-લેંઘો છોડીને પેન્ટ-શર્ટ શરૂ કરી દીધા. લાગે છે કે કોઇ બાધા પૂરી થઇ હશે.’


(શીર્ષક પંક્તિ : ચંદ્રેશ મકવાણા)

ફળે છે બધી ક્યાં દુવાઓ નિરંતર

ફળે છે બધી ક્યાં દુવાઓ નિરંતર
સતાવે બધા શ્રાપ ડંખે નિરંતર


‘ખોખાણી સાહેબ, આવું?...’


‘યસ... પ્લીઝ...’ બેંકના મેનેજરે બારણાં સામે નજર કરી. ત્રીસેક વર્ષનો યુવાન સહેજ સંકોચ સાથે ઊભો હતો. એમણે આવવાની રજા આપી એટલે એ અંદર આવ્યો. ચેમ્બરમાં ટેબલની સામે મુલાકાતીઓ માટેની જે ખુરશીઓ હતી એની પાસે આવીને એ ઊભો રહ્યો.


‘બેસો...’ પોતે બેસવાનું નહીં કહે ત્યાં સુધી એ થાંભલાની જેમ ઊભો જ રહેશે એવું લાગ્યું એટલે ખોખાણીએ હોઠ પર સ્મિત ફરકાવીને એને આદેશ આપ્યો.


‘એક અંગત કામ હતું...’ ખુરશી પર ઉભડક બેસીને એણે પોતાના હાથમાં હતી એ પાતળી ફાઇલ ટેબલ પર મૂકી અને ધીમા અવાજે બોલ્યો. ‘એમાં આપની સલાહ લેવાની છે.’


‘જો દોસ્ત, એક વાત સમજી લે...’ મામલો સહેજ વિચિત્ર લાગ્યો એટલે ખોખાણીએ સ્પષ્ટતા કરી. કોઈની અંગત વાતમાં સલાહ આપવાનું મારું કામ નથી. બેંકને લગતું કંઈ કામ હોય તો બોલો...


‘કામ તો એવું જ છે...’ એ યુવાને ફાઇલ ખોલી. એમાંથી ફિક્સ ડિપોઝિટની રસીદ કાઢીને ખોખાણી સામે લંબાવી. ખોખાણીએ રસીદ ચકાસી. આવતા મહિને એ ડિપોઝિટ પાકતી હતી. હેમંત જોશી અને ભારતી જોશી બંને પતિ-પત્નીના નામે સંયુક્ત ડિપોઝિટ હતી.


‘આવતા મહિનાની સોળમી તારીખે પૈસા મળી જશે...’ ખોખાણીએ એની સામે જોઈને કહ્યું : ‘પૂરા બાવન હજાર રૂપિયા મળશે...’ તમારું ને તમારા મિસિસનું જોઇન્ટ એકાઉન્ટ તો છેને?


‘એની જ આખી રામાયણ છે...’ હેમંત મૂળ વાત પર આવ્યો. ‘આ એફ.ડી. કરાવી ત્યારે તમારી બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ હતું. ગયા વર્ષે જ બંધ કરાવી દીધું...’ હેમંતના ચહેરા ઉપર વેદનાની ઝલક તરવરી ઊઠી.


‘જીવતરના ખાતા જ અલગ થઈ ગયા પછી બેંકમાં ભેગું ખાતું રાખીને શું ફાયદો? આઠ મહિના પહેલાં જ છૂટાછેડા થઈ ગયા! હવે તમે સલાહ આપો કે આમાં શું કરવું? એ બાઈએ મને ચૂસી લીધો છે. મારા આખા ફેમિલીને બરબાદ કરી નાખ્યું છે....’


‘મારી વાત સાંભળ...’ એને અટકાવીને બેંકના મેનેજર તરીકે ખોખાણીએ સમજાવ્યું. ‘ડિપોઝિટનું ફોર્મ ભર્યું હશે ત્યારે એમાં ચોખ્ખું લખ્યું હશે કે પાકતી મુદતે પૈસા કોને મળે? એ વખતે તમે જે નક્કી કર્યું હશે એમાં અત્યારે મારાથી કોઈ ફેરફાર ના થઈ શકે. સમજાય છે મારી વાત?’


‘એ બધી કાયદા-કાનૂનની કથા કરો એ પહેલાં પાંચ મિનિટ મારી વાત સાંભળશો? પ્લીઝ...’


ગઈકાલે જ ત્રિમાસિક ક્લોઝિંગ પતી ગયું હતું એટલે ખોખાણીને આજે થોડી હળવાશ હતી. હેમંતના દયામણા ચહેરા સામે જોઈને એમણે આંખોથી જ સંમતિ આપી.


‘કપડવંજ પાસેના ગામડાનો બ્રાહ્મણ છું. ઘરડા મા-બાપ છે અને એક મોટો ભાઈ છે. જિંદગીભરની બચત રોકીને બાપાએ બાપુનગરમાં એક નાનકડો ફ્લેટ લીધેલો એમાં અમે ચારેય રહેતા હતા. મોટો ભાઈ બારમું ધોરણ પાસ અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.


એને એક મરાઠી છોકરી જોડે પ્રેમ થઈ ગયો પણ બા-બાપાએ ચોખ્ખું કહી દીધું કે અમારા જીવતેજીવ બીજી જ્ઞાતિની કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરવાના. મોટા ભાઈનો પગાર ટૂંકો અને હિંમત પણ ઓછી એટલે એણે બા-બાપાની વાત માની લીધી. જુદું ઘર વસાવીને પોતાનો સંસાર શરૂ કરવાની એની આર્થિક કે માનસિક તાકાત નહોતી....’


‘પ્લીઝ...’ ખોખાણીને લાગ્યું કે આ રીતે તો રાત્રે આઠ વાગ્યા સુધી એની કથા ચાલશે... સહેજ ટૂંકમાં...


‘સોરી...’ મોટો ભાઈ આજની તારીખે પણ કુંવારો છે. એણે બીજી કોઈ કન્યા સાથે લગ્ન ના કર્યા. હવે બાની ઉંમર થઈ હતી અને ઘરકામમાં તકલીફ પડતી હતી. એટલે એમણે મારા માટે કન્યાની શોધ શરૂ કરી દીધી. બી.કોમ. થયા પછી તરત મને એ.ઇ.સી.માં નોકરી મળી ગઈ હતી એટલે પરિવારની આર્થિક સ્થિતિ ઠીક ઠીક હતી.


એ જ અરસામાં મારો પરિચય વૈશાલી સાથે થયો. બસમાં સાથે અપ-ડાઉન કરતી વખતે અમારો પરિચય પ્રેમમાં પલટાયો. વૈશાલી પટેલ હતી એ છતાં મને વિશ્વાસ હતો કે મોટાભાઈના અનુભવ પછી બા-બાપા એને સ્વીકારશે, પણ મારી ધારણા સાવ ખોટી પડી.


એક સાથે આટલું બોલીને જાણે થાક લાગ્યો હોય એમ હેમંત અટક્યો. ખોખાણીના ટેબલ
પર પડેલો પાણીનો ગ્લાસ લઈને એણે એક ઘૂંટડે ખાલી કર્યો.


‘બા-બાપાએ વૈશાલી માટે ના પાડી એ પછી બીજા જ દિવસે મેં વૈશાલીને આખી પરિસ્થિતિ સમજાવી. એ ભોળી છોકરી ભીની આંખે મારાથી છૂટી પડી એ પછી ઘેરજઈને મેં બા-બાપાને કહી દીધું કે હવે તમે જ્યાં કહેશો ત્યાં પરણી જઈશ... એમણે બીજા જ મહિને અમારા ગામડાની બાજુના ગામની કન્યા પસંદ કરી લીધી અને આ રીતે ભારતી સાથે આર્યસમાજમાં સાદાઈથી મારા લગ્ન થયા.


લગ્ન પછી ગણીને દસ દિવસ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહ્યું. એ પછી રોજ સવાર સાંજ મહાભારત સર્જાવા લાગ્યું. ભારતી આઠમું ધોરણ પાસ પણ મિજાજ બાર ખાંડીનો. મા-બાપની એકની એક દીકરી એટલે મોઢે ચડાવેલી. ટૂંકમાં ગામડા ગામનું રોંચુ મારા ગળે વળગાડવામાં આવ્યું હતું.


રોજ નોકરી પરથી ઘેર આવું ત્યારે ઘરમાં ભારેલા અગ્નિ જેવી દશા હોય. બા-બાપા ડઘાયેલી હાલતમાં ગુમસૂમ બેઠા હોય અને ભારતી તોબરો ચઢાવીને સોફા ઉપર પલાંઠી મારીને બેઠી હોય. ગમે તે એક પક્ષને કંઈક પૂછું એટલે તરત તૂ-તૂ-મેં-મેં શરૂ થઈ જાય અને રાતની રસોઈનું પણ ઠેકાણું ના પડે...’


હેમંતે સહેજ અટકીને ખોખાણી સામે જોયું. એ ઘ્યાનથી સાંભળતા હતા.


‘ભારતીની ગણતરી બહુ પાકી હતી. છ મહિનામાં એણે એવો ત્રાસ વરતાવ્યો કે બા-બાપાએ ઘર છોડ્યું. ગામડે અમારું ઘર હતું એટલી ઈશ્વરની મહેરબાની. મને દુ:ખ તો થયું પણ રોજ રોજના કંકાસ કરતાં એમને ત્યાં શાંતિથી જીવવા મળશે એમ માનીને મન મનાવ્યું.


બા-બાપાને પણ ભારતીની પસંદગી બદલ પસ્તાવો થતો હતો પણ એ નિર્ણય એમનો પોતાનો જ હતો એટલે શું કરે? બા-બાપાનું જીવન સાવ સાદું હતું એટલે દર મહિને હું જે રકમ મોકલું એમાંથી એ રોડવી લેતા હતા...’


ભારતીનો હવે પછીનો શિકાર મોટાભાઈ હતા. આ વાંઢાની નજર મેલી છે... બા-બાપાની વિદાય પછી ભારતીએ નવા દાવની શરૂઆત કરી... રોજ રાત્રે મારું લોહી પીવાનો આરંભ કર્યો... એ વાંઢો મારી સામે વિચિત્ર નજરે તાકી રહે છે. તમે એ હલકટને કહી દો કે ઘરમાં રહેવું હોય તો સીધી રીતે સજ્જનની જેમ રહે નહીં તો મારો હાથ ઉપડી જશે...


ભારતીના શબ્દો સાંભળીને હું હેબતાઈ ગયો. એ આટલી હલકી બાઈ હશે એની મને કલ્પના નહોતી. ઓફિસેથી એક વાર સહેજ મોડો ઘેર આવ્યો ત્યારે ઘરમાં આખું ટોળું અને ભારતી રણચંડી બનીને જેમ ફાવે એમ બોલતી હતી. મોટાભાઈના ચારિત્ર્ય ઉપર મનઘડંત આક્ષેપો મૂકતી હતી. હું ઘરમાં પ્રવેશ્યો એ પછી પાંચ જ મિનિટમાં મોટાભાઈ એમની બેગ લઈને નીકળી ગયા!


બંને હાથની કોણી ટેબલ પર મૂકીને હેમંતે એના ઉપર માથું ઢાળી દીધું. ‘બા-બાપાને આ કથાની ખબર પડી એટલે એમણે મને ઓફિસના સરનામે કાગળ લખીને જણાવ્યું કે જે થયું એ થયું પણ હવે એ તારી સાથે શાંતિથી રહે અને તને સુખેથી જીવવા દે તોય ઘણું...’


અર્ધી મિનિટના વિશ્રામ પછી હેમંતે આગળની કથા શરૂ કરી. ‘એ પછી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને આ બાજુ ગામડે બાને લકવો થઈ ગયો. ભારતી પિયર હતી એટલે થોડો સમય ગામડેથી અપ-ડાઉન કરીને મેં બાની ચાકરી કરી. ત્રણ મહિના પછી ભારતી પુત્રને લઈને પિયરથી પાછી આવી ત્યારે એ પોતાની જાતને મહારાણી સમજતી હતી.


બા સાવ પથારીવશ થઈ ગયા. બા પાસે રહીને ચાકરી કરે એ માટે હું ભારતીને કરગર્યો પણ એણે નફ્ફટાઈથી કહી દીધું કે ચૂલામાં જાય તમારી બા...એ મરે કે જીવે મારે કેટલા ટકા?’


હેમંતે સહેજ અટકીને નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘હવે આનાથી વધારે સહન કરવાની મારી તૈયારી નહોતી. આવી નાગણ જેવી સ્ત્રી સાથે આખી જિંદગી કઈ રીતે વિતાવી શકાય? છૂટાછેડાની અરજી કરી. એણે વધુ ચાલાક વકીલો રાખ્યા એટલે ફ્લેટ વેચીને ભાડે રહેવાના દિવસો આવ્યા છે.


રોકડા ત્રણ લાખ ભારતીના બાપાને આપવા પડ્યા અને હવે દર મહિને મારા પગારમાંથી ભરણપોષણની રકમ આપવી પડે છે અને એ બાઈમાં સ્ત્રી સહજ કોમળતા કે માતૃત્વની લાગણી પણ નથી. એક વર્ષનો દીકરો અમને સોંપીને એ જતી રહી છે.


બા પથારીવશ છે. ઘરડો બાપ રસોઈ બનાવે છે અને મારા દીકરાને રાખે છે. મોટાભાઈ સાથે બોલવાનો પણ સંબંધ નથી રહ્યો. ભાડાના ઘરમાં રહીને હું નોકરી કરું છું અને ભારતી માટે એનો બાપો બીજો મુરતિયો શોધે છે!’


હેમંતે ખોખાણીની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. ‘સાહેબ, હવે તમે જ કહો. આ ડિપોઝિટની રકમમાંથી એને કંઈ આપવાનું મન થાય ખરું? મેનેજર તરીકે નહીં પણ એક સારા માણસ તરીકે સાચો રસ્તો બતાવો... એટલો વિશ્વાસ રાખજો કે એને આ ડિપોઝિટનું કંઈ યાદ નથી એટલે એને ક્યારેય કશી ખબર પડવાની નથી...’


ખોખાણી સાહેબનું મગજ ચકરાઈ ગયું હતું. એમણે ડિપોઝિટ નંબર લેપટોપમાં નાખીને ચકાસ્યું. સ્ક્રીન સામે તાકીને બે મિનિટ વિચાર્યુ અને પછી એમના હોઠ ફફડ્યા.


‘જો દોસ્ત, આ કેબિનમાં બેસીને આવી સલાહ ના અપાય એ છતાં તારી વાત સાંભળીને એક રસ્તો સૂઝે છે...’ મનમાં ભાવના અને કર્તવ્ય વચ્ચેના ઢાંઢાયુદ્ધમાં એમણે એક મિનિટ માટે કર્તવ્યને કોરાણે મૂક્યું.


‘આ ડિપોઝિટની પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાવીને તમારી બંનેની સહી જોઈશે. શુદ્ધ ગુજરાતીમાં લખી નાખવાનું કે આ રકમનો ચેક મારા પતિ હેમંત જોશીના નામનો મળે એવી વિનંતી. એટલું લખીને રેવન્યુ સ્ટેમ્પ ઉપર તારી સહીની નીચે ભાવનાની સહી કરી નાખવાની! એની સહીનો નમૂનો તો તારી પાસે હશે ને?...’


અહીં આવ્યા પછી પહેલી વાર હેમંતના ચહેરા પર લગીર હળવાશ ઝળકી. એ આભારવશ નજરે ખોખાણી સામે તાકી રહ્યો. ખોખાણી હજુ કંઈક વિચારતા હતા.


‘મારી એક વાતનો જવાબ આપ...’ થોડું વિચાર્યા પછી એમણે હેમંત સામે જોયું. ‘શક્ય હોય ત્યાં સુધી સાચો જવાબ આપજે. તારી આ વાત ખરેખર સાચી હોય તો તારી દયા આવે છે. ઈશ્વર આવી ઉપાધિ કોઈને કેમ આપતો હશે એ સમજાતું નથી... એક સાથે આટલું મોડું પીડાનું પોટલું તારા માથે જ કેમ મૂકી દીધું એણે?’


‘એમાં ઈશ્વરનો નહીં, મારો વાંક છે...’ હેમંતનો અવાજ ધ્રૂજતો હતો. ‘કોઈની કકળતી આંતરડીના નિ:સાસા લાગ્યા અને આખી જિંદગી બરબાદ થઈ ગઈ... ખરેખર મારી જ ભૂલની સજા ભોગવું છું. વૈશાલી પટેલ મને ખરા હૃદયથી ચાહતી હતી. મને પણ એટલી જ લાગણી હતી એના ઉપર.


બા-બાપાનું મન રાખવા માટે એને ના પાડી ત્યારે એ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી એ દ્રશ્ય હજુય મારી આંખ સામે તરવરે છે...’ હેમંતના ધ્રૂજતા અવાજમાં ભીનાશ ભળી. ‘મારી સામે કોઈ ફરિયાદ કર્યા વગર એણે ઘેરજઈને ઊધઈની દવા પી લીધી... આત્મહત્યા કરતાં અગાઉ એ નિષ્પાપ છોકરીએ કેવા નિ:સાસા નાખ્યા હશે? સાહેબ, મારા એ પાપની સજા ભોગવું છું...’


એ બોલતો હતો. ખોખાણી સ્તબ્ધ બનીને સાંભળતા હતા.