Friday, January 15, 2010

સત્ય કે દુ:સ્વપ્ન

ફફડતે હૈયે ઊર્મિએ ઘરમાં પ્રવેશ કર્યો. ઝડપથી ચાલવાને લીધે એને શ્વાસ ભરાઈ ગયો હતો. ઉદયનો ઑફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો પણ એને સદભાગ્યે એ ઘેર પહોંચ્યો ન હતો ! ‘હાશ, હજી આવ્યા નથી.’ કહી એ રસોડામાં ગઈ. હાથ-મોં ધોઈ, કપડાં બદલી ધીમા ગેસ પર ચાનું પાણી મૂકી એ બાલ્કનીમાં આવી ઊભી રહી. રસ્તા પર ઝડપથી દોડતી મોટર, ટેકસી અને બસ વચ્ચેથી અનેક માનવીઓ પોતાનો રસ્તો કાપી રહ્યા હતા.

વર્ષાની મેઘલી સંધ્યાએ આકાશને અવનવા રંગોથી સજાવી દીધું હતું. સામેના ગુલમહોરના ઝાડ પરથી એક પંખી ઊડ્યું અને ઊંચે ઊડી પંખીઓની ઊડતી કતારમાં ભળી ગયું…. આકાશમાં ઊડતા મુક્ત પંખીઓને એ જોઈ રહી. પંખીઓને પાંખ હતી એટલે તેઓ અસીમ અને અનંત અવકાશમાં સ્વેચ્છાએ મુક્તપણે વિહરી શકતાં હતાં. એમાં માદાઓ પણ હશે જ ને ? એના મનમાં પ્રશ્ન થયો અને એના મોં પર સ્મિત પથરાયું. ‘અરે ગાંડી ! એ તો પક્ષી કહેવાય. એમાં નર શું અને માદા શું ? પોતે તો મનુષ્ય છે. એક સ્ત્રી છે.’

બધા અવતારોમાં શ્રેષ્ઠ ગણાતો માનવ અવતાર એને સાંપડ્યો હતો. વિચાર કરવા માટે પ્રભુએ એને બુદ્ધિ આપી હતી. સુખ-દુ:ખ, સ્નેહ, માયા, મમતા અનુભવવા માટેનું દીલ હતું. મુલાયમ સંવેદનશીલ હૃદય હતું. સશક્ત કમનીય કાયા હતી, અને એ બધાં ઉપરાંત આત્મા હતો, પણ પ્રભુએ એની કેવી વિડંબના કરી હતી ! મનુષ્ય કોટિમાં જન્મ આપ્યો પણ દેહ નારીનો આપ્યો ! એ નારી હતી માટે તો આટઆટલાં બંધનોમાં હતી ! એના મનની પાંખોને જન્મથી જ કાપી લેવામાં આવી હતી કે જેથી એ ઈચ્છાનુસાર ઊંચે ઊડે નહીં. એની બુદ્ધિને જ એવી રીતે ઘડી કાઢવામાં આવી હતી કે એ સ્વતંત્ર રીતે વિચારી જ ન શકે. એના મનને એવી રીતે મચડીને વાળવામાં આવ્યું હતું કે સદાયે બીજાને આધીન રહે, પરવશ રહે, એમાં જ એનું શ્રેય હતું. એ જ એનો ધર્મ અને કર્તવ્ય હતું. એમાં જ એનું સુખ અને સલામતી હતા.

આયુષ્યની લગભગ અર્ધી સદીએ પહોંચવા છતાં અને ત્રણ ત્રણ દાયકાનું પરિણીત જીવન હોવા છતાં એના હૈયામાં ફફડાટ હતો. મનમાં ડર હતો. આમ જોઈએ તો એ તો સદાય હરિણીની માફક કંપતી ફફડતી જ રહી હતી. ઉદય ઑફિસથી ઘેર આવી ગયો હશે તો ? તો એનો ગુસ્સાભર્યો ચહેરો એને જોવો પડશે. એના આકરા શબ્દો સાંભળવા પડશે. ‘હું સાંજે ઘેર આવું ત્યારે મારી પત્નીએ ઘરમાં હાજર રહેવું જ જોઈએ. આટલે વર્ષે પણ તને ખબર નથી પડતી ? તારે એવું તે શું કામ હોય છે કે વહેલા ઘેર નથી આવી જવાતું !’ આ જાતના શબ્દો એણે પહેલાં પણ સાંભળ્યા છે….. ‘ક્યારેક બહાર ગઈ હોઉં, કોઈક બહેનપણી કે સગાસંબંધીમાં ગઈ હોઉં કે ઘરના કામ માટે બહાર ગઈ હોઉં તો ક્યારેક મોડું પણ થાય એમાં શું થયું ?’ એને ઉદયને તડને ફડ સંભળાવી દેવાનું મન થતું, શબ્દો હોઠ પર આવતા પણ એનો મિજાશ અને ગુસ્સાભર્યો ચહેરો જોતાં શબ્દો ઊર્મિના ગળામાં જ રહી જતા અને બને ત્યાં સુધી એ ઘરમાં જ રહેતી….

એક સમયે એને પણ સંગીતનો શોખ હતો. મધુર કંઠ હતો અને હલક પણ સારી હતી. લગ્ન પછી સંગીતનો અભ્યાસ આગળ ચાલુ રાખવાની એની ઈચ્છા હતી. ઘરમાં કામકાજ કરતી વખતે મંદ અવાજે કંઈક ગણગણવાની એને ટેવ હતી તે પણ એને છોડી દેવી પડી, કારણ કે, એની સાસુને એ પસંદ નહોતું. સારા ઘરની વહુવારુઓ માટે એ શોભાસ્પદ એમને નહોતું લાગતું અને પછી તો એક પછી એક ત્રણ બાળકોને ઉછેરવામાં મોટા કરવામાં એક મોટા કુટુંબમાં ઘરના અને કુટુંબના અનેકવિધ કામ વચ્ચે દિવસો વીતવા લાગ્યાં. કંઈ કેટલીયે વર્ષા અને વસંતઋતુ આવી અને ગઈ અને ઊર્મિનું જીવન એ ઘરેડમાં વીતતું ગયું. તારે આમ કરવાનું છે, ઊર્મિ આ નથી કરવાનું. ઊર્મિ લગ્નમાં જવાનું છે, તૈયાર થઈ રહેજે. તારા બાપુજી માંદા છે તે ચાર દિવસ એમને મળી આવ. પાંચમે દહાડે પાછી આવી જજે. બહુ રોકાઈ ન જતી સમજી. ઘેર મહેમાન આવ્યા હોય અથવા કોઈ પ્રસંગે કે વાર-તહેવારે શું રસોઈ કરવી એ એને કહી દેવામાં આવે છે. કોઈ સતત એને શું કરવાનું છે તે કહે છે અને ઝાઝો વિચાર કર્યા વગર નિશ્ચલ ભાવે એ કરતી રહે છે. સાસરિયાઓ એના વખાણ કરે છે. સાસુ-સસરા કહેતા, ‘વહુ બહુ ડાહી છે. ઘરની લક્ષ્મી છે. ગૃહલક્ષ્મી છે.’ પતિને પણ એનો શાંત, કહ્યાગરો, બીનઉપદ્રવી સ્વભાવ અનુકૂળ આવતો. પતિ ખુશ થઈ વાર-તહેવારે નવાં કપડાં ઘરેણાં એને ખરીદી આપતો. ઊર્મિનો સંસાર આમ વર્ષો સુધી ચાલ્યો હતો.

સામો પ્રશ્ન કરવાની, ધડ દઈને ના કહી દેવાની એને આદત જ નહોતી પડી. ઉદયના ગુસ્સાથી એ અંતરમાં ડરતી. એને સહેજ પણ નાખુશ કરવાની એનામાં હિંમત ન હતી. દીકરા-દીકરી હવે તો મોટાં થઈ ગયાં હતાં પણ તેઓને મન માની ઈચ્છાની, એના અભિપ્રાયની, એના ગમા-અણગમાની કોઈ કિંમત નહોતી. એટલે જ જ્યારે રોજ સાંજે એણે ગાર્ડનમાં, પાડોશમાં, બહેનપણીને ઘેર અને વનિતાસમાજમાં જવા માંડ્યું ત્યારે ઉદયને જ નહિ એની દીકરીઓને અને દીકરાની વહુને પણ નવાઈ લાગી.
‘મમ્મી, તમે હવે સાંજે બહુ મોડા આવો છો ! તમે હવે ખરેખર મોર્ડન થઈ ગયાં છો.’ દીકરાએ જમતી વખતે ટકોર કરી.
‘મમ્મી, આજે તમે વનિતા સમાજ પર નહીં જતાં. અમારે બહાર જવાનું છે. બાબાને તમારી પાસે મૂકીને જવાના છીએ.’ પુત્રવધૂ અંકિતાએ કહ્યું.
‘તમારે પહેલાં મને પૂછવું તો જોઈએ ને ? આજે મારે ગયા વગર ચાલે તેમ નથી.’ જેમ તેમ હિંમત પકડી ઊર્મિએ વહુને કહી દીધું.
‘અમને શું ખબર કે હવે તમે પણ રોજ બહાર જવાના છો !’ વહુએ છણકો કરતાં કહ્યું. ગયા વગર ન જ ચાલે એવું અગત્યનું કામ તો એને હતું જ નહિ પણ આજે એણે મનોમન નક્કી કર્યું હતું – પોતાને માટે પણ પોતાનો સમય છે. એને પણ પોતાનું કામ પોતાની ઈચ્છા હોઈ શકે અને સતત બીજાં પોતાનું ધાર્યું એની પાસે નહિ કરાવી શકે. Others cannot take her for granted ! એને પણ પોતાની મરજી-નામરજી હોઈ શકે. બીજાનાં દોરીસંચારથી ચાલતી એ કઠપૂતળી નહીં બની રહે.

એટલે જ જ્યારે બીજે દિવસે સૂતી વખતે ઉદયે કહ્યું : ‘ઊર્મિ ! તૈયારી કરજે. ટિકિટ આવી ગઈ છે. આ શનિવારે હું દિલ્હી જાઉં છું, તારે સાથે આવવાનું છે. દિલ્હીથી હરિદ્વાર-ઋષિકેશ થઈ પાછા આવીશું.’ ત્યારે એણે મક્કમતાથી કહી દીધું, ‘મને ફાવે તેમ નથી. મારી બહેન સુમિતા માંદી છે. હું એને મળવા વડોદરા જવા માગું છું. તમે દિલ્હી જઈ આવો.’
‘પણ મારે જવું છે તેનું શું ?’ ઉદયે મોટેથી ઘાંટો પાડ્યો.
‘એ તમારી મરજી. તમને જવાની હું ક્યાં ના પાડું છું !’
‘આજે તને થયું છે શું ? મારી સામે બોલે છે ! આટલી તારામાં હિંમત ક્યાંથી આવી ? હું એ નહિ ચલાવી લઉં. દિલ્હી તારે આવવું જ પડશે.’ ઉદયે ત્રાડ પાડતાં કહ્યું. ગુસ્સાથી એનું મોં લાલચોળ થઈ ગયું. ઊર્મિ તો આ સાંભળતી જ ન હોય તેમ નિર્વિકારભાવે બેસી રહી. થોડીવારે ઉદય કંઈક શાંત થયો. ઊર્મિનું આવું મક્કમ નિશ્ચય દઢસ્વરૂપ એણે ક્યારે જોયું નહોતું. સદાય અનુકૂળ, શાંત, ગંભીર, આજ્ઞાંકિત એનો પડ્યો બોલ ઝીલતી ઊર્મિને આજે અચાનક શું થઈ ગયું ? એનું આ નવું સ્વરૂપ જોઈ એ હેબતાઈ જ ગયો.
‘ઊર્મિ !’ સ્વરમાં બને તેટલી નરમાશ અને મૃદુતા લાવતા એણે કહ્યું, ‘તને શું જોઈએ છે ? તને થયું છે શું ? મારી કંઈ ભૂલ ? તું જ કહે.’ એણે ઊર્મિને મનાવતાં પૂછ્યું.
‘ભૂલ તમારી નથી. મારી છે. મેં જ આટલા વર્ષો ભૂલ કરી હતી. મારે એ સુધારવી છે. બીજાની મુઠ્ઠીમાં મારું સમગ્ર અસ્તિત્વ બંધ રહ્યું છે. મારે એમાંથી છૂટી જવું છે. મને મોકળાશ જોઈએ છે. મારે મુક્ત હવાનો શ્વાસ લેવો છે. હું ગુંગળાઈ ગઈ છું !’
‘હું કંઈ સમજ્યો નહિ. તને દુ:ખ શું છે ? ઘર છે, છોકરાં છે, સારો પૈસો છે. હું છું.’ ઊર્મિની નજીક બેસતાં ઉદયે પૂછ્યું.

‘નાની હતી ત્યારે માબાપની મુઠ્ઠીમાં રહેવું પડ્યું. એમણે કહ્યું તેમ કર્યું. ખવડાવ્યું તે ખાધું અને આપ્યાં તે કપડાં પહેર્યાં. આમ નથી કરવાનું અને તેમ નથી કરવાનું એમ જ સતત સાંભળ્યું છે. શબ્દો અને ભાવ એક જ રહ્યો છે. માત્ર બોલનારાં બદલાયાં છે. કપડાં સીવવા આપતી વખતે બા કહેતી, ‘જરા લંબાઈ વધારે રખાવજે. બહુ ખુલ્લું ગળું ન રખાવતી…’ બહેનપણીને ઘરેથી આવતાં મોડું થતું તો બા-બાપુજી ગુસ્સે થઈ જતાં ‘દીકરીની જાત… અમને કેટલી ફિકર થાય ?’ મેટ્રિક પાસ થઈ, કૉલેજ ગઈ. કૉલેજમાં એક વર્ષ પૂરું થયું ત્યાં તો એમને મારાં લગ્નની ચિંતા થવા લાગી. અમારી પાડોશમાં રહેતો અને મારી કૉલેજમાં અભ્યાસ કરતો રવિ અમારા ઘર પાસેથી જતો હતો. મેં એને ઘરમાં બોલાવ્યો. થોડી એની સાથે વાતો કરી. ફોઈએ એ જોઈને બાને કહ્યું, ‘ઊર્મિ મોટી થઈ ગઈ છે. એને માટે કોઈ સારું ઘર શોધી કાઢો અને પછી તો તમે જ ક્યાં નથી જાણતા ? એમણે મારે માટે વર અને ઘર શોધી કાઢ્યાં. એમના મત પ્રમાણે એ જ મારે માટે શ્રેષ્ઠ હતું. ‘બાપુજી, મારે મારો અભ્યાસ પૂરો કરવો છે.’ મેં નમ્રતાપૂર્વક કહ્યું હતું. ‘બહેન, તારે ક્યાં નોકરી કરવા જવું છે ? આટલું ભણ્યાં હોઈએ તો સારો છોકરો મળે. અમે જે કંઈ કરીશું તે તારા હિતમાં જ કરીશું ને ?’ મુગ્ધ હૈયામાં સહેજ પાંગરવા માંડેલું પ્રીતનું અંકુર ત્યાં જ મૂરઝાઈ ગયું.’

‘અઢાર વર્ષે આ ઘરમાં આવી ત્યારથી એનું એ જ સાંભળું છું. ઊર્મિ ! આમ કર અને તેમ કર ! તમે જ નહિ પણ છોકરાંઓ સુદ્ધાં એમ માને છે કે મારે એમની મરજી પ્રમાણે જીવવાનું છે. હવે હું મારું જીવન-મારું મન-મારો આત્મા અને મારું અસ્તિત્વ કોઈની મુઠ્ઠીમાં રહેવા દેવા માંગતી નથી. મારે મુક્તિ જોઈએ છે. મારે મારી રીતે પણ જીવવું છે. મારું પોતાનું અસ્તિત્વ મારે જોઈએ છે.’
‘ઊર્મિ ! મેં તને પ્રેમ કર્યો છે. તારા સુખ-સગવડનો મેં હંમેશાં વિચાર કર્યો છે.’
‘હા, ઉદય ! તમે કર્યો છે, પણ તમારી દષ્ટિએ. તમે સારા વસ્ત્રો આપ્યાં, ઘરેણાં આપ્યાં પણ એ બધું તમારી પસંદગીનું હતું. મારે શું જોઈએ છે, મને શું ગમે છે એનો વિચાર તમે ભાગ્યે જ કર્યો છે ! તમને એની જરૂર પણ નથી લાગી.’
‘તને શું દુ:ખ છે આ ઘરમાં ?’ ઉદયે અકળાઈને પૂછ્યું, ‘તું આ શું કહે છે ? મને તો સમજાતું નથી.’
‘દુ:ખ તમને નહિ સમજાય.’ ઊર્મિ મક્કમતાથી બોલી, ‘ઘરના સોનેરી પિંજરામાં મારો જીવ ગભરાય છે. મારા પ્રાણ-મારી સમગ્ર ચેતના રૂંધાય છે. તમારા બધાંની મુઠ્ઠી ખોલી હું ઊડી જવા માગું છું….. મારું મન, મારું શરીર, મારો આત્મા મારે પાછો જોઈએ છે.’ આજે પરણ્યાં પછી પહેલી જ વખત ઊર્મિ આટલું બોલી હતી, ‘સેંકડો વર્ષો પહેલાં અયોધ્યાના રાજમહેલમાં વસતી ઊર્મિલાને એના પતિ લક્ષ્મણે કે બીજા કોઈએ વનવાસમાં જતી વખતે પૂછ્યું ન હતું. એની અનુમતિ કે અનુજ્ઞા લેવાની કોઈને કશી જરૂર લાગી નહોતી. એ અબોલ ઊર્મિલાએ ચૌદ ચૌદ વર્ષ કેમ વીતાવ્યાં હશે ? કોઈને એ ખબર નથી ! મારું પણ એવું જ થયું છે. મારે માત્ર પત્ની કે મા તરીકે નહિ પણ જીવતા, જાગતા ધબકતાં માનવી તરીકે જીવવું છે. ક્યારેય કોઈની મુઠ્ઠીમાં નહિ.’

ઉદય ઊર્મિને સાંભળી રહ્યો. એને સમજ ન પડી કે આ બોલતી હતી તે જ સ્ત્રી એની પત્ની ઊર્મિ હતી ? આ સત્ય હતું કે દુ:સ્વપ્ન !

શ્રદ્ધાને શરણે

ડૉ. રે બંગાળી હતા. આમ સજ્જન પણ સ્વભાવે ઉગ્ર હતા. સમયપાલનના જબરજસ્ત આગ્રહી. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા. સવારે આઠ વાગ્યે એમનું લેકચર શરૂ થયું. બરાબર ત્રીસ સેકન્ડ પછી મેં પ્રવેશ કર્યો.
‘મેં આઈ કમ ઈન સર ?’
‘નો, યુ કાન્ટ !’ ડૉ. રેની નજર એમની કાંડા ઘડિયાળ પર પડી : ‘યુ. આર. લેઈટ બાય હાફ એ મિનિટ. ગેટ આઉટ !’
‘બટ, સર….! આઈ હેવ ગોટ એ વેલીડ રીઝન ટુ બી લેઈટ.’ મેં દલીલ કરી : ‘કૉલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી. એનો પગ ભાંગી ગયો. આમ તો હું લેકચર માટે ખાસ્સો વહેલો હતો. પણ એને આપણી જ ગવર્નમેન્ટ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી ‘શિફટ’ કરાવવામાં મોડું થઈ ગયું.’
‘યસ. ધૅટ ઈઝ એન આર્ગ્યુમેન્ટ. પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો, એમને ઊંચકીને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડબોયનું છે, ડૉક્ટરનું નહીં. આઈ કાન્ટ જસ્ટિફાય યોર એકશન. નાઉ, ગેટ લોસ્ટ…..’

હું જાણતો હતો કે ડૉ. રે ‘ગેટ આઉટ’ કહે અને ‘ગેટ લોસ્ટ’ કહે એ બે વચ્ચે મોટું અંતર હતું. પહેલામાં સૂચન હતું, બીજામાં આદેશ હતો. સૂચન સામે દલીલ થઈ શકે, હુકમ સામે નહીં. પણ મેં દલીલ કરવાની ગુસ્તાખી કરી, કારણ કે હું પ્રમાણિકપણે માનતો હતો કે મેં કંઈ ખોટું નથી કર્યું. હું મેડિકલ કૉલેજમાં ભણવા માટે આવતો હતો, મોંઘીદાટ ફી ભરીને આવતો હતો, એક ધરાશાયી થયેલી ગરીબ ડોશીને મદદ કરીને મેં ઈન્ડિયન પીનલ કોડની એક પણ કલમનો ભંગ નહોતો કર્યો અને આટલું બધું કરવા છતાં પણ હું માત્ર અડધી મિનિટ જ મોડો હતો ! એ વખતે મારાથી સહેજ ઊંચા અવાજે કહેવાઈ ગયું :
‘યસ, સર ! આઈ એમ ગેટિંગ લોસ્ટ; બટ વીલ યુ પ્લીઝ ટેલ મી વન થીંગ ? આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત, સિવાય કે હું, તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત, જે રીતે અત્યારે કાઢી રહ્યા છો ?’
ડૉ.રે બરાડ્યા : ‘સ્ટૉપ ઈટ ! વન મોર વર્ડ એન્ડ યુ વીલ બી સસ્પેન્ડેડ ફોર ધી હોલ વીક…..’ એ હજી પણ કંઈક બોલવા જતા હતાં, પણ મેં તક ન આપી. હું ત્યાંથી પાછો વળી ગયો. એ આખો દિવસ મારો જીવ ચચરતો રહ્યો. કેન્ટિનમાં પણ કંઈ મન ન લાગ્યું. સાચું કહું તો હું કંઈ સંત નથી. પવિત્ર હોવાનો દાવો પણ કરતો નથી, પણ એ ક્ષણે હું સો ટકા સાચો હતો અને છતાં નિ:સહાય, નિરૂપાય હતો.

અને એ દિવસ બપોરે સાડા ત્રણ વાગ્યે હું જમીને હૉસ્ટેલમાં મારી રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો, ત્યાં બારણે ટકોરા પડ્યા.
‘યસ પાર્ટનર ! કમ ઈન……!’ મેં પથારીમાં પડ્યા પડ્યા જ બૂમ મારી. ‘પાર્ટનર’ એ અમારી મેડિકલ હૉસ્ટેલમાં રહેતા જાણીતા-અજાણ્યા કોઈ પણ સ્ટુડન્ટને માટે વપરાશમાં લેવાતું રોજિંદુ સંબોધન હતું. દરવાજો મેં અમથો જ વાસેલો હતો. બારણું ખૂલ્યું અને….. આ શું ? ડૉ. રે ત્યાં બારણાની ફ્રેમમાં મઢેલી તસવીરની જેમ ઊભા હતા : ‘મે આઈ કમ ઈન, જેન્ટલમેન ?’
હું હડબડાઈને બેઠો થઈ ગયો. રૂમ અસ્તવ્યસ્ત હતો. ચોપડીઓ, મેગેઝિનો, ચાની તપેલી, કપ, રકાબી, જ્યાં ત્યાં ફેંકી દીધેલાં કપડાં…..! ડૉ. રેને ક્યાં બેસાડવા ? હું ખુરશી ખેંચવા ગયો, પણ એમણે મને અટકાવ્યો. ખિસ્સામાંથી એક ટેલિગ્રામ કાઢીને મારા હાથમાં મૂક્યો :
‘શું છે સર ?’ મને સમજાતું નહોતું કે એ શું કરી રહ્યા હતા.
‘માય મધર ડાઈડ યસ્ટર ડે. કલકત્તાના સબર્બમાં અમારું ઘર છે. સાંજે શાકભાજી ખરીદીને આવી રહ્યા હતા. ઘરની પાછળના ઘાસવાળા મેદાનમાં આખલાએ શિંગડું માર્યું. મારી મા ઊછળી પડી. આખલો એમના શરીર પર થઈને ચાલ્યો ગયો. દુર્ભાગ્યે એ વખતે ત્યાં કોઈ જ હાજર નહોતું. તું પણ નહીં. પૂરો એક કલાક તરફડીને કાઢ્યો હશે. મદદ પહોંચી ત્યારે સ્મશાનમાં જ શિફટ કરવી પડી.’ ડૉ. રેની આંખમાં આંસુ હતાં.
‘આઈ એમ વેરી સોરી, સર…..! પણ મારો ઈરાદો…..’ હું થોથવાયો.
‘નેવર માઈન્ડ. તારો કોઈ જ દોષ નથી. તું તો આજે સવારે એ વાક્ય બોલ્યો હતો અને આ બન્યું ગઈ સાંજે. પણ હું તારી માફી માગવા અહીં સુધી આવ્યો છું. આજે રાતની ફલાઈટમાં જ કલકત્તા જવા નીકળું છું. કદાચ પાછો ન પણ આવું. હવે ત્યાં જ રહીશ. પણ એક વાત હંમેશા યાદ રાખજે; ગમે તેટલી આંતરડી કકળે, તો પણ જિંદગીમાં ક્યારેય આવા શબ્દો ન કાઢીશ. એ શબ્દો નથી હોતા, શાપ હોય છે.’ અને એ પીઠ ફેરવીને જતા રહ્યા. હું જડવત ઊભો રહ્યો.

આમ કેમ બન્યું ? આજ સુધી મને એનું રહસ્ય સમજાયું નથી. હું ચીલાચાલુ વહેમ કે અંધશ્રદ્ધામાં માનતો નથી. પૂરો એક દાયકો રેશનાલિસ્ટ મિત્રો સાથે વીતાવ્યો છે. ઈશ્વરના ઈન્કાર વિષે એમની પોકળ દલીલો બહુ નિકટથી તપાસી છે. પણ સરવાળે સમજ્યો છું કે ઈશ્વર છે. અને એટલે જ ઈશ્વરી ન્યાય જેવું પણ કશુંક છે. નાસ્તિકો કહે છે કે ઈશ્વર છે એ વાતનો કોઈ પુરાવો નથી. ભલે કહેતા ! ઈશ્વર નથી એ વાતની પણ એમની પાસે કોઈ સાબિતી નથી. ઉપર લખી છે એ વાતને તદ્દન જોગાનુજોગ માનવા માટે હું તૈયાર નથી. એમાં કોઈક વૈજ્ઞાનિક તથ્ય હશે તો એ ભાવિ નક્કી કરશે. પણ ત્યાં સુધી મારે મન તો તુલસીદાસ જ સાચા છે : ‘તુલસી હાય ગરીબ કી કબુ ન ખાલી જાય…..’ હું માનું છું કે ‘ગરીબ’ એટલે અન્યાયનો ભોગ બનનાર કોઈ પણ સાચો માનવી.

અન્યાયનો માર ખાધેલ આવો જ એક મિત્ર હતો ડૉ. જાડેજા. જાતનો રજપૂત પણ ભણી-ગણીને ડૉક્ટર બન્યા પછી તલવારની ધાર જેવું એનું વ્યક્તિત્વ રબ્બર જેવું નરમ બની ગયું હતું. એકવાર મારા પર એનો ફોન આવ્યો : ‘એક ડિલિવરીનો કેસ છે. તકલીવાળો મામલો છે. જલદી આવી જા.’ હું દોડી ગયો. અમારા બંનેનું નિદાન એક સરખું જ થયું. સ્ત્રીનો જીવ જોખમમાં હતો. પેટ ચીરીને સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ હતું. લાંબા સમય સુધીની ‘ટ્રાયલ લેબર’ આપ્યા પછી પણ પ્રસવ ન થયો. ત્યારે નાછૂટકે ઑપરેશન કર્યું. માતા અને બાળક બંનેની તબિયત સારી હતી. પૂરા એક અઠવાડિયા પછી દર્દીને રજા આપવાનો સમય થયો. ડૉ. જાડેજાએ આગલા દિવસે જ મને ફોન પર એના દિલની ઈચ્છા જાણવી હતી : ‘પેશન્ટની આર્થિક હાલત સારી નથી. આજે ટાંકા કાઢું છું. આવતીકાલે ડિસ્ચાર્જ આપીશ. પણ બીલના પૈસા બહુ વધારે લેવાની ઈચ્છા થતી નથી. જરૂરત કરતાં વધારે તો આમ હું કોઈના લેતો નથી. પણ આની પાસેથી તો સાવ મામૂલી ખાલી ટોકન રકમ લેવાનો વિચાર છે. તું શું કહે છે ?’
‘હું શું કહું ? કોઈ સારું કામ કરતું હોય તો આપણે તો એના પાછળ જ ઊભા હોઈએ ને ? આવા કામમાં આડા થોડું ઊભા રહેવાય ?’ પણ બીજે દિવસે ખબર પડી કે ડૉ. જાડેજા સાથે ભયંકર છેતરપિંડી થઈ છે. ટાંકા નીકળી ગયા એ પછી દર્દી અને એના પતિ બાળકને લઈને ચૂપચાપ દવાખાનું છોડી ગયા હતા. ડૉ. જાડેજાને કહેવા પણ રોકાયા નહીં. ઑપરેશનની પૂરેપૂરી ફી ડૂબી ગઈ. દર્દીનું સરનામું લેવાનું પણ જાડેજા ચૂકી ગયા હતા. બીજે દિવસે હું એમને મળ્યો, ત્યારે એ ભયંકર વ્યથિત હતા. હતાશમાં માત્ર એટલું જ બોલ્યા : ‘ભગવાન એના લેખા લેશે. મેં એમનું શું બગાડ્યું હતું ?’ હું સમજી ગયો. આ શબ્દો ન હતા પણ શાપ હતો.

અને સાત દિવસ પછી એ પતિ-પત્ની રડતાં કકળતાં ડૉ. જાડેજાના ટેબલ પર ચાર હજાર રૂપિયા મૂકી ગયા : ‘દાગતર સા’બ…. માફ કરો….. અમારો છોકરો ઊડી ગયો છે. તમારા બીલના પૈસા સ્વીકારી લો…..’ ડૉ. જાડેજાના અફસોસનો પાર ન હતો : ‘હવે મારાથી પૈસા ન લેવાય. બીલની વસૂલાત કરનાર હું કોણ ? એ તો ઉપરવાળાએ કરી લીધી. પણ સાચું કહું છું, હું જ્યારે પેલા શબ્દો બોલ્યો ત્યારે મારી એ ઈચ્છા નહોતી કે તારી સાથે સાવ આવું બને…….’ હું આ વાતનો સાક્ષી છું. બે-ચાર હજાર રૂપિયા માટે કોઈ ગરીબનો દીકરો ભગવાન ઊઠાવી લે એવી બદદુઆ તો કોઈ શૈતાન પણ ન કરે. પણ એક નબળી ક્ષણે ઘવાયેલા હૃદયમાંથી જે મૂંગી ચીસ ઊઠી હતી એ કમાનમાંથી છૂટેલા તીર જેવી હોય છે અને એ તીર પાછું નથી વળતું હોતું.

શરૂમાં ડૉ. રે સાહેબની વાત કરી એમને હાજરાહજૂર રાખીને જિંદગી જીવતો આવ્યો છું. ઘણીવાર માન-અપમાન, નફો-નુકશાન, ન્યાય-અન્યાય માણતો અને સહેતો રહ્યો છું. જીભની કમાન પરથી શબ્દોના તીર છૂટી ન જાય એ માટે સતત કાળજી સેવતો આવ્યો છું અને થોડા સમય પહેલાં જ ન બનવા જેવો બનાવ બની ગયો. નાની-મોટી જાહેર કે ખાનગી અનેક સંસ્થાઓમાં સક્રિય રહેવાનું મને સદભાગ્ય મળ્યા કરે છે. આવી જ એક સંસ્થાના પાંસઠેક વરસના એક કારોબારીના સભ્ય સાથે અન્યાયની બાબતમાં ઘર્ષણમાં ઉતરવાનું બન્યું. એ સજ્જન વડીલ હોવાનો ગેરફાયદો ઉઠાવ્યે જતા હતા. હું એટલો વિનય અને સ્વસ્થતા જાળવીને વાત કરતો હતો. છેવટે શિશુપાલના સો અપરાધ પૂરા થવા આવ્યા, ત્યારે મારાથી બોલાઈ ગયું : ‘માફ કરજો, નરેશભાઈ, તમે ગ્રામોફોનની રેકર્ડમાં ફસાઈ ગયેલી પીનની જેમ એકને એક જ વાત કર્યા કરો છો. હું સહન કરી લઉં છું કારણ કે તમે મારા પિતાની ઉંમરના છો, પણ તમે વગર વાંકે મને ક્રુસિફાય કરી રહ્યા છો, ભગવાન ન કરે ને તમારા પુત્રને……’
અને હું અટકી ગયો. આગળ બોલી ન શક્યો. બોલવું મને ઠીક ન લાગ્યું. પણ મનની અંદર મૂંગી ચીસ ઊઠી એ અશબ્દપણે પણ પૂરી તો થઈ જ ! મેં જાતને ઘણી વારી લીધી. પણ આ ઊઠેલા અંતરની રાવ હતી. બદનમાં પૂરજોશથી વહી રહેલું ખૂન જાણે ઈશ્વર આગળ મને થયેલા અન્યાયની ફરિયાદ કરવા દોડી રહ્યું હતું. એક ક્ષણ હતી જે બહુ ખરાબ હતી. શબ્દો મારા મનમાં જ પૂરા થયા : ‘કોઈ તમારા પુત્રને પણ મારી જેમ જ ક્રુસિફાય કરે તો તમને કેવું થાય ?’

ડૉ. રે સાહેબ સાચા હતા. આવા શબ્દો એક વાર બોલી જવાય, અરે, વિચારી જવાય તો પણ પછી શાપ બની જતા હોય છે. મને પૂરા એક મહિના પછી સમાચાર મળ્યા કે એ સજ્જનના એકના એક જુવાનજોધ દીકરાને કેન્સર થયું છે. એ સજ્જન એટલા સમૃદ્ધ અને સુખી હતા કે હું એમનું કશું જ બગાડી શકું એમ ન હતો. શું એટલે જ એમનો ન્યાય ઈશ્વરે પોતાના હાથમાં લીધો હશે !? – આ પણ કદાચ જોગાનુજોગ જ હશે. હું સંત નથી, પવિત્રતાનો મારો કોઈ દાવો નથી. ઈશ્વર જોડે મારું નિકટનું એવું કોઈ અનુસંધાન નથી. હું મેલી વિદ્યાનો સાધક નથી. જો હું આમાનું કશું પણ હોત તો ઈશ્વરને ફોન કરીને કહી દેત : ‘ભગવાન, મેં આવું કદી ઈચ્છયું નહોતું. તું પણ જબરો ન્યાયાધીશ છે, જ્યાં ટપલી મારવાની હોય ત્યાં તલવાર શા માટે મારે છે ? એ છોકરાને બચાવી લે.’

જિંદગીમાં અવારનવાર આપણને બધાને આવા અનુભવો થતા જ રહે છે. આમાં સાચું શું છે એ કદાચ ભવિષ્યમાં વિજ્ઞાન સાબિત કરી બતાવશે. પણ સાયન્સ જ્યાં સુધી કશું સિદ્ધ ન કરે ત્યાં સુધી આપણે તો શ્રદ્ધાને શરણે જ જવાનું ને ?

Shekhar

પ્રથમ તાસ પૂરો થવાનો બેલ વાગતાંની સાથે જ વર્ગશિક્ષક ચાવડાએ કલાસમાંથી વિદાય લીધી. આ સાથે જ વર્ગ 12-અમાં વિદ્યાર્થીઓનો શોરબકોર શરૂ થયો. હવે પછીનો તાસ રસિકલાલ જે. તુરખિયાનો હતો. તુરખિયા કલાસમાં લગભગ બે-ચાર મિનિટ મોડા જ આવતા. દૂર લૉબીમાં તુરખિયા આવતા દેખાયા, પરંતુ કોઈ જ વિદ્યાર્થીનું ધ્યાન તેમના ઉપર નહોતું. તુરખિયા કલાસના દરવાજે આવીને ઊભા રહ્યા તોય વિદ્યાર્થીઓનો શોરબકોર ચાલુ જ હતો.

બેઠી દડીનો ઘાટ, અદોદળી ફાંદ અને આંખ ઉપર બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં પહેરી રાખનારા તુરખિયા ક્યારેય ઈન-શર્ટ કર્યા વિના શાળામાં ન આવતા. અચાનક જ વિદ્યાર્થી-ગણગણાટમાં પરિવર્તન થયું અને ત્યાર બાદ નીરવ શાંતિ છવાઈ ગઈ. બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપાર તુરખિયાની આંખો ગુસ્સાથી ફાટી ગયેલી લાગતી હતી. જોકે આમ પણ બિલોરી કાચને લીધે તેમની આંખો મોટી તો લાગતી જ હતી, પણ આ વખતે આંખોનું કદ જરા વધારે વિસ્તરેલું લાગતું હતું.

નીરવ શાંતિ વચ્ચે કોલ્હાપુરી ચપ્પલના ચરડ-ચરડ અવાજ સાથે તુરખિયાએ વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને આદેશાત્મક ભાવ તેમ જ અવાજ સાથે બોલ્યા, ‘અવરોધકતા એટલે શું ? તે શેની ઉપર આધાર રાખે છે ? તેની વ્યાખ્યા અને એકમ જણાવો.’ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક રસિકલાલ જે. તુરખિયાના આ સવાલથી વર્ગખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની 80 આંખો અન્યમનસ્ક ચહેરે જાડાં બિલોરી કાચ જેવાં ચશ્માંને તાકી રહી. પોતાના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન મળતાં તુરખિયાનો ચહેરો લાલઘૂમ થયો અને એક ત્રાડ પડી, ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’

એમ કહી તુરખિયા કલાસ-ટીચરની ખુરશી ખેંચીને તેના ઉપર બેઠા. તુરખિયા બેસી જાય એટલે તેમનું ભાષણ પૂરું થઈ ગયું એવું ક્યારેય ન બનતું. વળી પાછું તેમણે ચલાવ્યું, ‘વિદ્યાર્થી મહેનત કેવી રીતે કરે ઈ જોવું હોય તો મારા શેખરને જુઓ. સેંટ ઝેવિયર્સમાં ભણે છે. પહેલી ટેસ્ટમાં 89 પર્સન્ટેજ આવ્યા અને ઈ પણ બાર સાયન્સમાં ! હા, ટકા ઓછા કહેવાય, બટ હી વૉઝ ફર્સ્ટ ઈન હિઝ કલાસ.’

તુરખિયાની આ એક અજબ વિશેષતા હતી. જ્યારે પણ ભણવાની, હોશિયારીની કે પછી બ્રિલિયન્ટ કરિયરની વાત આવે ત્યારે તેઓ તેમના દીકરા શેખરના નામનો અચૂક ઉલ્લેખ કરતા. તેમના મતે શેખર વિશ્વનો આદર્શ વિદ્યાર્થી તેમ જ પુત્ર હતો. આજ્ઞાંકિત પિતાની તમામ પ્રકારે સંભાળ લેનારો, રસિકલાલ જે. તુરખિયાનો એકમાત્ર વંશજ શેખર આર. તુરખિયા. તુરખિયા શેખરની વાતો વર્ગમાં એવી રીતે કરતા કે જાણે શેખર સેંટ ઝેવિયર્સનો નહીં પણ આ જ માધ્યમિક શાળાના વર્ગ 12-અમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય. તુરખિયા દ્વારા કરવામાં આવેલા શેખરના પાત્ર-નિરૂપણથી અંજાઈને વર્ગના બે-ચાર વિદ્યાર્થીઓ તો શેખર જેવા જ બનવાનો પ્રયત્ન કરવા લાગી પડ્યા હતા. શેખર બનવાનો પ્રયત્ન કરનારા વિદ્યાર્થીઓમાં એક ચિરાગ પણ હતો. જ્યારે પણ તુરખિયાના મોંમાંથી ‘શેખર’ નામનો શબ્દ સરી પડે એટલે તરત જ ચિરાગના કાન સરવા થઈ જતા. શેખર વિશેની તમામ વાતો ચિરાગ ધ્યાનપૂર્વક સાંભળતો. શેખર વિશેની વાતો સાંભળ્યા બાદ તેને સતત એવું લાગ્યા કરતું કે તેના અને શેખરમાં કંઈ વધારે ફેર નથી. પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં તુરખિયા ચિરાગને ખાસ મચક ન આપતા. તેમને મન બસ શેખર જ સર્વસ્વ હતો.

હાથની મુઠ્ઠીમાંથી રેત સરકે તેમ સમય સરકતો રહ્યો. દિવાળીનું વૅકેશન ક્યાં પૂરું થઈ ગયું તેની ખબર ન રહી અને 12 સાયન્સની પ્રીલિમિનરી પરીક્ષા માથે ઝળૂંબવા લાગી. આ વખતે ચિરાગે મનોમન નક્કી કરી લીધું હતું કે તુરખિયા સરના શેખર કરતાં તે એક માર્ક વધારે લાવીને બતાવશે. ચિરાગે પરીક્ષામાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી. ભૌતિકવિજ્ઞાનનું પેપર લખવા વિદ્યાર્થીઓ બેઠા હતા, પણ આ શું ? પેપર વાંચતાંની સાથે જ પરીક્ષાખંડમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓના મોતિયા મરી ગયા. વિદ્યાર્થીઓના ભાલપ્રદેશ ઉપર પ્રસ્વેદબિંદુઓ તગતગી રહ્યાં હતાં. ધવલ અને રીના જેવાં સંવેદનશીલ વિદ્યાર્થીઓ તો બેભાન થઈને પરીક્ષાખંડમાં જ ઢળી પડ્યાં. ચિરાગ પણ ખાસ્સો અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ તેણે મન મનાવી લીધું. ‘આટલું અઘરું પેપર બૉર્ડમાં પુછાય તો નહીં જ. પણ પુછાશે તો ?! તો આ જ પ્રકારના પેપરની પ્રેક્ટિસ કાલથી ચાલુ કરી દઈશું. હજી તો બૉર્ડની પરીક્ષા માર્ચ 2008માં છે. પૂરા બે મહિનાની વાર છે ને ?’ એમ માનીને ચિરાગે પેપર લખવાની શરૂઆત કરી. પરિણામ અપેક્ષિત જ હતું. માધ્યમિક શાળાની ભૌતિકવિજ્ઞાનની પ્રીલિમિનરી પરીક્ષામાં 12-અના 40માંથી 39 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એકમાત્ર ચિરાગ પાસ થયો હતો અને તે પણ 100માંથી 37 માર્કસ સાથે. કલાસમાં પેપર બતાવતી વખતે તુરખિયાએ ફરી એક વખત શેખરની વાતનો ઉલ્લેખ કર્યો : ‘શેખરિયાએ તો આપણી સ્કૂલનું પેપર જોઈને ફેંકી દીધું હો ! મને કહે, સાવ ફોફા જેવું પેપર છે. આવાં પેપર સોલ્વ કરવામાં હું મારો સમય ન બગાડું !’ ફરી એક વખત આખા કલાસનું મોં ખસિયાણું પડી ગયું. ફિઝિક્સમાં માત્ર 37 માર્કસ આવવાને કારણે ચિરાગનો મૂડ બગડી ગયો હતો, એટલે શેખર સાથે સ્પર્ધા કરવાનું તેણે બોર્ડની પરીક્ષા ઉપર ઠેલ્યું.

હવે માર્ચ 2008ની બોર્ડની પરીક્ષા ચિરાગ માટે શેખર સાથે સ્પર્ધા કરવાનો આખરી મોકો હતી. જો આ મોકો હાથમાંથી નીકળી જાય તો ખલાસ. શેખર આજીવન તુરખિયાના હૃદયમાં ‘હીરો’ બનીને રહી જાય તેમ હતું. તેને ખબર હતી કે એક બાપ તેના દીકરા કરતાં વિશેષ બીજા કોઈનેય પ્રેમ ન કરી શકે. જોકે ચિરાગને તુરખિયાના હૃદયમાં ક્યારેય સ્થાન લેવું નહોતું. તેણે તો માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે શેખર કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં ભણે છે અને તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ તો તેના પિતાજી એટલે કે રસિકલાલ જે. તુરખિયાના હાથ નીચે જ ભણે છે !

અચાનક એક દિવસ શાળામાં નોટિસ નીકળી. નોટિસ પિકનિક માટેની હતી. એમાં શરત એટલી જ હતી કે જો સાયન્સના વિદ્યાર્થીઓ પિકનિકમાં જોડાશે તો તેમને રીડિંગ વૅકેશન બૉર્ડની પરીક્ષાના એક સપ્તાહ પહેલાં જ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શાળાએ આવવાનું રહેશે. જોકે આ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ મૌખિક જણાવવાનો હતો. ધવલ પંડ્યાને આ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. વળી, તેની નેતૃત્વ-શૈલી પણ સારી હોવાને કારણે તેણે આખાય કલાસને પિકનિક માટે ‘પટાવી’ લીધો. ચિરાગની ઈચ્છા પિકનિકમાં જવાની બિલકુલ નહોતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેના પિતાએ પણ તેને પરવાનગી આપી અને ચિરાગે પણ મનમાં વિચાર્યું કે ‘એક મહિનાના રીડિંગ વૅકેશનને શું ધોઈ પીવાનું છે ? પિકનિક પૂરી થયા બાદ સ્કૂલમાં આવીને રીવિઝન કરીશું.’

હંમેશની આદત મુજબ તુરખિયાને પિકનિક સામે મોટો વાંધો હતો. એક વાર લાઈબ્રેરી પાસેની લૉબીમાં ચિરાગ ઊભો હતો ત્યારે તુરખિયાએ કહ્યું હતું કે ‘તમારે મન પિકનિકનું આટલું બધું શું મહત્વ છે ? ભણો, કારકિર્દી બનાવો. તમે આઠમા-નવમામાં નથી કે પિકનિકમાં જાઓ છો. આપણી સ્કૂલનું મૅનેજમેન્ટ પણ સાવ બુડથલ છે. તમારા કલાસની જવાબદારી મને સોંપી છે એટલે મારે કમને પણ પિકનિકમાં આવવું જ પડશે. તું તારી કરિયરને ગંભીરતાથી લે. આ તો મને તારામાં જરા સ્પાર્ક દેખાય છે એટલે કહું છું.’ તુરખિયા પોતાને એક સારો વિદ્યાર્થી માને છે તે જાણીને ચિરાગને હાશકારો થયો. પિકનિકના દિવસે તુરખિયાનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ તેમને આટલા બધા મૂડમાં ક્યારેય જોયા નહોતા. બસમાં સીડી પ્લેયર વાગ્યું કે તરત જ તુરખિયાના પગ થનગની ઊઠ્યા. બેઠી દડીના અને અદોદળી ફાંદ સાથે પણ તુરખિયાએ ડાન્સ કર્યો. આ ઘટનાને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ તેમ જ કિકિયારીઓ સાથે વધાવી લીધી.

ગલતેશ્વરના નદીકિનારે એકાંતની પળોમાં ચિરાગે તુરખિયાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. શેખરની વાત સિવાય બીજી એવી કોઈ વાત નહોતી કે જે તુરખિયા અને ચિરાગ વચ્ચેનો સંવાદ શરૂ કરાવી શકે. ડરતાં-ડરતાં ચિરાગે પૂછ્યું : ‘સર, શેખરને પિકનિકમાં લઈ આવ્યા હોત તો સારું હતું.’
મજાકમાં હસી કાઢતા હોય તેમ તુરખિયાએ કહ્યું, ‘ભાઈ, શેખર તમારી જેમ ઉછાંછળો નથી. અત્યારે હું બહાર છું, પણ ઘરે જઈશ એટલે એણે તમામ વિષયનાં પેપર લખીને રાખ્યાં હશે. એનું ધ્યેય મેડિકલ લાઈન સિવાય બીજે ક્યાંય નથી. અમારા બેય વચ્ચે અત્યારથી જ ડીલ થઈ ગઈ છે કે જો એ મેડિકલમાં એડમિશન લે તો મારે તેને 55,000નું બાઈક અપાવવાનું અને જો તેનો બોર્ડમાં નંબર આવે તો 75,000નું બાઈક અપાવવાનું.’ હવે હદ થઈ ગઈ હોય તેમ ચિરાગથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો :
‘સર, હું શેખર કરતાં વધારે માર્કસ લાવીને બતાવું તો !’
ચિરાગના સવાલથી તુરખિયા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચિરાગની નજીક આવ્યા અને બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં ઉતારીને ચૂંચી આંખો સાથે ચશ્માં સાફ કરતાં બોલ્યા : ‘પ્રયત્ન કરવા સિવાય તારી પાસે બીજી કોઈ જ આવડત નથી, દોસ્ત !’

આ વખતે તો શેખરિયાનું આવી જ બન્યું, એમ વિચારીને ચિરાગે બૉર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી. સદનસીબે પ્રશ્નપત્રો પણ ચિરાગના ધાર્યા કરતાં ઘણાં સહેલાં નીકળ્યાં. પ્રૅક્ટિકલ પણ ખાસ અઘરા નહોતા. આખા વૅકેશન દરમિયાન ચિરાગ તેના રિઝલ્ટની રાહ જોતો રહ્યો. રિઝલ્ટ કરતાં શેખરની સરખામણીએ તેના કેટલા માર્કસ આવશે તે જાણવાની તાલાવેલી તેને વિશેષ હતી.
અંતે પરિણામ જાહેર થયું.
ચિરાગ 94 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ અને બોર્ડમાં ચોથો આવ્યો હતો. માર્કશિટ લઈને ચિરાગ સીધો સ્ટાફરૂમમાં ગયો, પણ તુરખિયા શાળામાં હાજર નહોતા. ઓહ ! આજે તો શેખરનું પણ રિઝલ્ટ છે ને, એટલે સર ઘરે જ હશે – તેમ વિચારી ચાવડા સર પાસેથી તુરખિયાનું સરનામું લઈને તે તુરખિયાના ઘરે જવા નીકળ્યો. તુરખિયાના ઘરે પહોંચતાં જ ચિરાગને ફાળ પડી. ઘરના આંગણામાં રૂપિયા 75,000ની કિંમતનું ચકચકિત, નવુંનક્કોર એક બાઈક પડ્યું હતું.

‘હવે એ જોવાનું છે કે શેખર બૉર્ડમાં પહેલો, બીજો, ત્રીજો કે પાંચમો ?’ એમ વિચારીને ચિરાગે દરવાજો ખખડાવ્યો. તુરખિયાએ દરવાજો ખોલ્યો. અસ્તવ્યસ્ત વસ્તુઓથી ભરેલા તુરખિયાના ડ્રૉઈંગ રૂમમાં તે દાખલ થયો.
‘આવ-આવ, શું નામ તારું ? હું ભૂલી ગયો…..’ તુરખિયાએ રુક્ષ સ્વરે પૂછ્યું.
ચિરાગે નમ્રપણે જવાબ આપ્યો : ‘ચિરાગ શાહ.’
‘હં…. શું રિઝલ્ટ આવ્યું ?’
‘જી, 94 ટકા, સર ! સ્કૂલમાં ફર્સ્ટ અને બૉર્ડમાં ફોર્થ……’
‘સરસ, શેમાં જવું છે ? મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ?’
‘મેડિકલમાં, સર !’
‘સારું, બેસ. હું તારા માટે આઈસક્રીમ મગાવું.’
એમ કહીને તુરખિયા ઊભા થયા. પરંતુ ચિરાગની અધીરાઈની કોઈ સીમા નહોતી. તે તરત જ બોલી ઊઠ્યો :
‘સર, શેખર….. શેખરનું રીઝલ્ટ શું આવ્યું ?’
આ વાક્ય સાંભળીને તુરખિયાના પગ થંભી ગયા. હળવેકથી તેઓ ચિરાગ તરફ મોં કરીને વળ્યા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં, જે બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપારથી વાસ્તવમાં ‘બોર-બોર’ જેવડાં મોટાં લાગતાં હતાં. મંથર ગતિએ ચાલતા-ચાલતા તેઓ કબાટ પાસે આવ્યા. કબાટ ખોલીને તેમણે એક મીડિયમ સાઈઝનો લેમિનેટેડ ફ્રેમ કરેલો ફોટો કાઢીને ચિરાગ તરફ ફેરવ્યો.

આશરે સોળ-સત્તર વર્ષના એક રૂપકડા છોકરાના ફોટા નીચે લખ્યું હતું : શેખર આર. તુરખિયા : જન્મતારીખ : 12-2-1980, સ્વર્ગવાસ તારીખ : 21-1-1996. ચિરાગ દિગ્મૂઢ ચહેરે તુરખિયાની સામે જોઈ રહ્યો અને તુરખિયાએ વહેતી અશ્રુધારા સાથે બાઈકની ચાવી ચિરાગ સામે ધરી.

આખુંય વન મહેંકતું રહેશે પછી સદા,

આખુંય વન મહેંકતું રહેશે પછી સદા,
વૃક્ષોનાં થડમાં નામ લીલું કોતરી જઈશ

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો.


ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.


ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ‘ચેક અપ’ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!’


ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.


દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?


આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું.


શૂ-મેકરે કીધું ‘બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.‘પાંચ હજાર રૂપિયા.’ માણસે સપાટ ચહેરે કહી દીધું ‘પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.’


અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.


પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા ‘બેન આના પગમાં કંઈક ખોડ છે?’


સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બંને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી - ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.’


જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.


શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.


રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું ‘નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ...’


‘ના ભ’ઈસા’બ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.


પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી. શું કરવું? ક્યાં જવું?


કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!’


અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.


કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.


સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’


‘દીકરો છે?’


‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બે’ન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’


‘પણ જોજો હં, કામ બગડે નહીં...’


મોચી હસ્યો, ‘બે’ન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.


એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!’


ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.’


પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું ‘ના, બે’ન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ.... ના... ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું - આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’


‘કેમ?’


‘બીજું કંઈ કામ નથી, બે’ન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!’ બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!


મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.


અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.


યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા... પણ તમે નિરાશ ન થશો, બે’ન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.’


અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ ‘નવાં’ બની ગયા હતા.


અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’


‘એક પણ નહીં.’ યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું ‘દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!


ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે. ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!


(સત્ય ઘટના)
(શીર્ષક પંક્તિ : મનોજ ખંડેરિયા)