Thursday, March 19, 2009

શૉ મસ્ટ ગો ઑન


[ શ્રી શાહબુદ્દીન રાઠોડના હાસ્યરસમાં ‘વનેચંદ’ નામનું પાત્ર હોય જ. આ વનેચંદ હકીકતમાં શ્રી શાહબુદ્દીન રાઠોડના એક મિત્ર હતા જેઓ થાનગઢમાં રહેતા હતા. તાજેતરમાં એ શ્રી વનેચંદભાઈનું અવસાન થયું છે પરંતુ પાત્ર સ્વરૂપે તેઓ હજી પણ આપણી વચ્ચે છે. પ્રસ્તુત છે તેમને અંજલિ સ્વરૂપે આ લેખ, ‘ફીલિંગ્સ’ સામાયિક દીપોત્સવી 2006 માંથી સાભાર. ]

હું, વનેચંદ, નટુ, રતિલાલ, પ્રાણલાલ, પ્રવીણ, જશવંત, સુલેમાન, થોભણ અને મથુર સરકસ જોવા સુરેન્દ્રનગર ગયા. મથુરે આ પહેલાં સરકસ ક્યારેય જોયું ન હતું. તેના પિતાએ ધોળા દિવસે માત્ર ‘ટાઢું સરકસ’ બતાવેલું. ટિકિટના પૈસા ખર્ચી રાત્રિ સમયે કાર્યરત સરકસ નહીં.

અમે ઉમંગભેર ગૅલરીની ટિકિટ લઈ સૌથી ઊંચેની બેઠકો પર, સમય કરતાં વહેલાં જઈ ગોઠવાઈ ગયા. મ્યુઝિશિયનોનો મંચ, વચ્ચેનું ગ્રાઉન્ડ, તંબૂના મથાળે દોરડાથી બાંધેલા ઝૂલા, ઝૂલાનો ખેલ કરતાં કોઈ પડી જાય તો નીચે ઝીલી લેવા મોટી જાળી. કલાકારોને પ્રવેશવા માટે મોટુ પ્રવેશદ્વાર, જિજ્ઞાસાના ભાવો સાથે સરકસ જોવા આવી રહેલા પ્રેક્ષકો. આ બધું અમે ઉપર બેઠાં બેઠાં ઝીણી નજરે જોઈ રહ્યા હતા. એમાં અમારા ગામના ઉત્તમચંદ શેઠ તેમનાં કુટુંબીજનો અને સંબંધીઓને પણ અમે પ્રવેશતા જોયા. ઉત્તમચંદ શેઠ અમારા ગામના શ્રીમંત વેપારી, શેઠની ઊંચાઈ પૂરતી હતી, પરંતુ શરીરની જાડાઈને હિસાબે જણાતી નહોતી. શેઠનું શરીર એવું જાડું હતું કે એક વાર બે-ત્રણ નાનાં બાળકો ઉનાળાના તાપમાં શેઠની પાછળ પાછળ આવતાં હતાં. શેઠ કહે, ‘એય મારી પાછળ કેમ આવો છો ?’
બાળકો કહે, ‘તમારી છાંયામાં ચાલીએ છીએ, તડકો બહુ છે ને એટલે.’

ઉત્તમચંદ શેઠને હૃદયની બીમારીને લીધે રાજકોટ લઈ જવા પડેલા. શેઠના પરિવાર સાથેના સંબંધને લઈ અમારા શિક્ષકમિત્ર જે.સી.દવે પણ સાથે ગયેલા. ડૉ. મુકુલભાઈ ટોળિયાએ શેઠનું બી.પી. લીધું, કાર્ડિયોગ્રામ કાઢ્યો, અન્ય તપાસ પૂરી કરી. જે.સી.દવેએ પૂછ્યું, ‘ડૉકટર સાહેબ, શેઠને શી તકલીફ થઈ છે ?’
ડૉ. મુકુલભાઈ કહે : ‘તેમનું હાર્ટ પહોળું થઈ ગયું છે.’
જે.સી.દવે કહે, ‘શેઠ પહેલેથી જ ઉદાર સ્વભાવના છે. ગર્લ્સ સ્કૂલમાં એકવીસ હજારનું દાન કર્યું છે. સત્સંગ ભવન માટે અગિયાર હજાર આપ્યા છે. તેમનું હૃદય પ્રથમથી જ વિશાળ છે.’
ડૉકટર કહે, ‘માસ્તર, એ વિશાળ હૃદય અને આમાં ઘણો ફેર, આમાં તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે.’

નજરેં બદલ ગઈ…


જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.

જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.

થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે ?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?’

યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’
જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.

આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.

વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : ‘થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.’ હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.

મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?

પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘એલા, શું સપનું જોતો હતો ?’
મથુર કહે : ‘તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.’
મેં કહ્યું : ‘હાલ ફરવા.’
મથુર કહે : ‘ના, મારે નથી ફરવું. તું જઈ આવ.’ આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.

હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.’ દા.ત. વ્યાયામ. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.’ દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.’
You can make your living by what you earn,
But you can make your life by what you give.
‘જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.’

આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. ‘જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.’ ‘ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.’ આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, ‘ચાલો ભિખુ, ચાલો.’

હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.

હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, ‘ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?’ મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, ‘સંઘર્ષ શક્ય નથી.’
પાછળ કાકીએ મને કહ્યું, ‘ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.’ મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : ‘અજ્ઞાનીના ઓરતા ન હોય.’

હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?

ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.

જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, ‘સાહેબ, એક અડધી ચા પાવ.’ હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : ‘ચા સાથે નાસ્તો કરશો ?’

એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?

હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, ‘મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.’ ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, ‘ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.’
ભિક્ષુક કહે, ‘સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.’
મેં કહ્યું, ‘ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.’
ભિક્ષુક કહે, ‘કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?’
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, ‘જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?’

શિક્ષકોનું બહારવટું


[‘મારે ક્યાં લખવું હતું ?’ પુસ્તકમાંથી સાભાર.]

એક વાર શિક્ષક-મિત્રો સૌ ચર્ચાએ ચડ્યા. સર્વશ્રી શાહ, શુક્લ અને સાકરિયા, દોશી, દક્ષિણી અને દવે-જોષી, જાની અને મુલતાની – રાઠોડ, રાણા, ચૌહાણ અને પઠાણ તેમ જ અન્ય શિક્ષક-મિત્રો, જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો સૌ એવા ચર્ચાએ ચઢ્યા કે બપોરના ભોજન માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ મંચ છોડતા નહોતા.

દોશીસાહેબે કહ્યું : ‘ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. દેશના ભાવિ નાગરિકોને ઘડવાનું દુષ્કર કાર્ય આપણે કરી રહ્યા છીએ, છતાં સમાજમાં આપણું જોઈએ તેવું માન નથી, સન્માન નથી, સ્થાન નથી. આપણે નીકળીએ ત્યારે વાલીઓ અદબથી ઊભા નથી થઈ જતાં. આ પરિસ્થિતિ શોચનીય છે, વિચારણીય છે.’ શ્રી સાકરિયા સાહેબે કહ્યું : ‘સન્માન એ વ્યક્તિની યોગ્યતા પ્રમાણે આપોઆપ પ્રાપ્ત થાય છે કે એ મેળવી લેવું પડે છે ? આ મુદ્દો સ્પષ્ટ થાય તો વધુ સારું.’ તરત જ શિક્ષકો બે વિભાગોમાં વહેંચાઈ ગયા. એક વર્ગે કહ્યું : ‘જો આપણામાં લાયકાત હશે તો સન્માન આપોઆપ મળી જશે. “માનવતાનું કાર્ય કરતાં કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે.” આવું ડૉક્ટર આલ્બર્ટ સ્વાઈટ્ઝર કહેતા.’ જ્યારે બીજા વર્ગની એવી દલીલ હતી, ‘માગ્યા વગર મા પણ પીરસતી નથી, માટે સમાજ સન્માન આપશે એવી વ્યર્થ આશામાં જીવવા કરતાં કર્મવીરની જેમ મેળવી લેવા પ્રબળ પુરુષાર્થ કરવો.’

શ્રી ઠાકરસાહેબે કહ્યું : ‘પ્રયત્ન કરવા છતાં પણ જો સન્માન ન મળે તો ? તો શું કરવું ?’ અને અચાનક ઊભા થઈ શ્રી રાણાસાહેબે કહ્યું : ‘બહારવટે ચડવું.’ રાણાસાહેબના ચહેરા ફરતું તેમનું વર્તુળ જોવા સૌ પ્રયાસ કરવા માંડ્યા. આવેશમાં અને વીરરસના સંચારને લઈ રાણાસાહેબનું અંગ ધ્રૂજવા લાગ્યું. તેમણે કહ્યું : ‘બહારવટે ચડવું ! પ્રાચીન કાળમાં જ્યારે સ્વમાનનો ભંગ થતો ત્યારે વીર પુરુષો બહાર રહી વટ રાખતા, જેથી બહારવટિયા કહેવાતા. આપણે પણ આપણા માનને ખાતર, સ્થાનને ખાતર બહારવટે ચડવું.’ સમગ્ર શિક્ષણજગત માટે આ વિચાર ક્રાંતિકારી હતો, જલદ હતો, પોતાની અને સમાજની ઊંઘ ઉડાડી દે તેવો હતો. નવી ભરતી થઈ હોય તેવા યુવાન શિક્ષકો પોતાનું શૌર્ય અને પરાક્રમ દાખવવા થનગની ઊઠ્યા. અમુકે શોર મચાવ્યો, ‘બહારવટે ચડવું ! બહારવટે ચડવું !’ અમુક ખંધા અનુભવી શિક્ષકોએ બહારવટે ચડી, લૂંટ ચલાવી, જો માત્ર સંપત્તિ જ પ્રાપ્ત કરવી હોય તો તે બહારવટે ચડ્યા વગર પણ કઈ-કઈ રીતે સહેલાઈથી મેળવી શકાય તેવા ટૂંકા રસ્તા સૂચવ્યા, પરંતુ એ માન્ય રહ્યા નહિ. પરંતુ નિષ્ઠાવાન, બુદ્ધિમાન ગણાતા દવેસાહેબ જેવાની વાત વિચારવામાં આવી. દવેસાહેબે કહ્યું : ‘હક્ક-રજાઓ વ્યર્થ જાય તે પહેલાં મેળવી લ્યો. પ્રાયોગિક ધોરણે બહારવટાનો પ્રાથમિક અનુભવ પ્રાપ્ત કરો અને એમાં જો સફળતા મળે તો જ કાયમી ધોરણે બહારવટું અપનાવવું, નહિતર નહિ.’ શ્રી દવેસાહેબની વાત સૌને વાજબી લાગી. જેને જે પ્રકારની રજા પ્રાપ્ત હોય તે પ્રમાણે રજા-રિપોર્ટો ભરવાનું નક્કી થયું અને પ્રથમ બહારવટાનો અનુભવ મેળવી પછી જ અંતિમ નિર્ણય લેવો એવું સર્વાનુમતે નક્કી થયું.

બીજે દિવસે સૌએ ગૌરવભેર શાળામાં પ્રવેશ કર્યો, વિધિસર રજા-રિપોર્ટો રજૂ કર્યા અને શાળાનો ત્યાગ કરી સૌ ચાલી નીકળ્યા અને પહોંચ્યા બજારમાં. બજારમાંથી પ્રાથમિક ખરીદીનું મહત્વનું કાર્ય સૌ પ્રથમ પૂર્ણ કરવાનું હતું તેનો પ્રારંભ કરવામાં આવ્યો. શાહીના બ્લ્યુ, લાલ અને લીલા રંગના ખડિયા ખરીદ્યા. મહત્વની બાબત હોય તો જ લાલ શાહીનો ઉપયોગ કરવો અને જે મંજૂર કરવામાં આવે ત્યાં લીલી શાહીથી લખવું – આમ નક્કી થયું. પચીસ ઘા કાગળની ખરીદી થઈ. ઉપરાંત ફૂટપટ્ટીઓ, પેન્સિલો, રબ્બરો, પેનો અને બોલપેનો, ફાઈલો અને થોડાં પુસ્તકો ખરીદવામાં આવ્યાં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈના ‘સોરઠી બહારવટિયા’ અને ‘ દરિયાપારના બહારવટિયા’ વગેરે પુસ્તકો જે મળ્યાં તે લેવામાં આવ્યાં. અસલ કાઠિયાવાડી દોહાસંગ્રહ અને શૌર્યગીતોના સંગ્રહો વસાવવામાં આવ્યા. આટલી સામગ્રીથી સજ્જ થઈ અર્ધી-અર્ધી ચા પીને સૌએ વનવગડાની વાટ લીધી. ‘ચાલ્યો ઘોર રજનીમાં ચાલ્યો, માર્ગ જ્યોતિ અનુપમ ઝાલ્યો’ – આવું ગુજરાતીના શિક્ષક શ્રી બાબરિયાએ ગાયું. બાંડિયાવેલીના રસ્તે પ્રયાણ કરતાં સૌ માંડવામાં આવી પહોંચ્યા. મહાનદીના કાંઠે ભેખડો જોઈ આચાર્ય શ્રી રાઠોડે કહ્યું : ‘બહારવટિયાને રહેવાને અનુકૂળ એવા ભયાનક સ્થાનમાં આપણે આવી પહોંચ્યા છીએ.’ એટલે નદીના કાંઠે બગલા બેસે એમ શ્વેત વસ્ત્રોમાં શોભતો શિક્ષક-સમુદાય બેસી ગયો.

ચોકસાઈ એ જીવનમાં સ્વીકારવા જેવો સદગુણ છે, માટે આપણે પ્રત્યેક કાર્ય ચોકસાઈપૂર્વક કરવું – આમ વિચારી કાર્યના પ્રારંભમાં બે-ત્રણ ઘા કાગળ વાપરી નાખવામાં આવ્યા. અનેક પ્રકારનાં પત્રકો બનાવવામાં આવ્યાં. ઉદાહરણ રૂપે એક પત્રક નંબર ‘અ’ – એક અનુક્રમ નંબર, ઘટનાસ્થળ, લૂંટમાં મેળવેલ માલ – ‘આ’ ખાનાનાં પાછાં બે પેટા ખાનાં – રોકડ અને દાગીના, લૂંટમાં બતાવેલ પરાક્રમ, લૂંટનો માલ ખરીદનારની સહી, લૂંટનો માલ વેચનારની સહી અને છેલ્લું ખાનું રિમાર્કનું. કોઈએ સૂચન કર્યું, ‘ત્રણ ઠેકાણેથી ટેન્ડર લઈ કોઈ પણ કાર્ય કરવું, જેથી ઑડિટ ઓબ્જેક્શનની તકલીફ ન રહે.’

પત્રકોનું કાર્ય પૂર્ણતાએ પહોંચ્યા પછી જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી. સૌ પ્રથમ શસ્ત્ર-સમિતિનું નિર્માણ થયું. તેના પ્રમુખ અને મંત્રી નિમાઈ ગયા. સાથે નોંધ કરવામાં આવી : ‘હાલ તુરત આપણે દંડા, સોટીઓ, લાઠીઓ, ચાકુ તેમ જ ગડદિયાથી કામ ચલાવવું, પરંતુ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં જાનહાનિ કરી શકાય એ કક્ષાનાં હિંસક શસ્ત્રો પણ વસાવી લેવાં, જેનો ઉપયોગ સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા પછી પ્રમુખશ્રીની મંજૂરી પછી થશે.’ ત્યાર બાદ અન્વેષણ-સમિતિની નિમણૂક થઈ, જેનું કાર્યક્ષેત્ર હતું ક્યાં-ક્યાં લૂંટ કરવા જેવી છે, ક્યાં ધાડ પાડવામાં ઓછું જોખમ રહેલું છે તેની તપાસ કરવી અને અહેવાલ કારોબારીમાં રજૂ કરવો. તેના હોદ્દેદારો પણ નિમાઈ ચૂક્યા. હવે રચના થઈ લલકાર-સમિતિની, જે યુદ્ધ જેવા પ્રસંગો આવી પડે તો શૌર્યગીતો ગાઈ, વીરરસના દુહાઓ રજૂ કરી, સૌમાં જોમ અને જુસ્સો જગાવે. આ સમિતિનું કાર્ય અને હોદ્દેદારોની નિમણૂકની કાર્યવાહી પૂરી થઈ. વ્યાયામ-શિક્ષક શ્રી પઠાણના સૂચનથી એક શિસ્ત-સમિતિની રચના કરવામાં આવી. સમગ્ર યુદ્ધનું સંચાલન શિસ્તબદ્ધ રીતે થાય તેની જવાબદારી તેમને અને શ્રી મોથલિયાને સોંપવામાં આવી. યુદ્ધપ્રસંગે શિક્ષકગણની આગેવાનીનું સુકાન આચાર્ય શ્રી રાઠોડે સંભાળવું અને તેમને અચાનક ક્યાંક કાર્યક્રમ નિમિત્તે જવાનું થાય તો આગેવાની શ્રી મુલતાનીએ લેવી તેમ નક્કી થયું. જો કે યુદ્ધના સમયમાં કોઈએ રજા લેવી નહીં એવું પણ સાથે નક્કી થયું, છતાં જરૂરિયાત ઊભી થાય તો ધોરણોસરની કાર્યવાહી કરવી એવી જોગવાઈ પણ કરવામાં આવી. ઉતારા અને ભોજન-સમિતિઓની પણ રચના થઈ અને આવા કપરા કાળમાં તેમણે પણ પોતાનાં સ્થાનો સંભાળી લીધા.

અન્વેષણ-સમિતિના કન્વીનર શ્રી સી.બી. ઠાકરે સમાચાર આપ્યા કે અહીંથી એક જાન પસાર થવાની છે. તેમની પાસે કેટલી સંપત્તિ અને આભૂષણો છે તે અન્વેષણનાં પૂરતાં સાધનો પ્રાપ્ત નહિ હોવાથી જાણી શકાયું નથી, છતાં આપણી અપેક્ષાઓથી વધુ જરૂર હશે એવું કહ્યા વગર હું રહી શકું તેમ નથી. અન્વેષણ-સમિતિના રિપોર્ટ પર ગંભીરતાથી ચર્ચાવિચારણા થઈ. જાન પર ધાડ પાડવાનો અને લૂંટ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ સમિતિઓ કાર્યરત બની ગઈ. વ્યાયામ-શિક્ષક પઠાણે યુદ્ધની પૂર્વતૈયારી રૂપે જે કવાયત કરાવી તેમાં જ મોટા ભાગના શિક્ષક-મિત્રો થાકી રહ્યા, છતાં ફરજમાં અડગ રહ્યા. શ્રી બાબરિયાએ બુલંદ અવાજે ‘સૌ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ આગે’ ગીત લલકાર્યું. આચાર્યશ્રી શાહબુદ્દીન રાઠોડે શિક્ષકગણનું સેનાપતિપદ સંભાળ્યું અને સૌ નીકળી પડ્યા. આ તરફથી શિક્ષક-સમાજ અને સામેથી આવતી જાન સામસામાં આવી ગયાં. આચાર્યશ્રીએ બુલંદ અવાજે પડકાર કર્યો : ‘ખબરદાર, જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો. અહીં ભીષણ રક્તપાત થશે, સ્ત્રીઓના આક્રંદ અને બાળકોનાં રુદનથી વાતાવરણ કરુણ બની જશે. આ સ્થિતિ સહી લેવી એ અમારા માટે અસહ્ય હોવાથી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ સમસ્યાનું નિરાકરણ મંત્રણાના મેજ પર થાય. આ હત્યાકાંડ રોકવા શાંતિભર્યા માર્ગો પણ છે જ. વાટાઘાટોનાં દ્વાર પણ ખુલ્લાં છે જ, પરંતુ આ બધું આપના સાનુકૂળ પ્રતિભાવ પર આધાર રાખે છે.’

જાનવાળા આચાર્યશ્રીના નિરર્થક લંબાણભર્યા પ્રવચનમાં કંઈ સમજ્યા નહિ – માત્ર આટલું જ સમજ્યા કે ‘આ છે કોઈ ફંડફાળો ઉઘરાવવાવાળા, પણ આમ વગડામાં દુ:ખી કેમ થાય છે તે સમજાતું નથી.’ જાનવાળાની વાતો સાંભળી આચાર્યશ્રીએ કાયમની ટેવ પ્રમાણે કહ્યું : ‘બંધ કરો અવાજ અને શાંતિપૂર્વક હું પૂછું તે પ્રશ્નો સાંભળી તેના પ્રત્યુત્તર આપો’

પ્રશ્ન પહેલો : તમારી સાથે સામનો કરી શકે તેવા હથિયારધારી વોળાવિયા કેટલા ?
પ્રશ્ન બીજો : તમે ક્યાંથી નીકળ્યા છો ?
પ્રશ્ન ત્રીજો : તમે ક્યાં જવાના છો ?
પ્રશ્ન ચોથો : તમારી પાસે રોકડ અને દાગીના કેટલાં છે ?
પ્રશ્ન પાંચમો : તમે કુલ કેટલાં માણસો છો ?

જાનવાળા કહે, ‘કોક નાટક કંપનીવાળા રમતે ચડી ગયા લાગે છે.’ સામતુભાબાપુએ બંદૂક કાઢી, કાર્ટિસ ચડાવ્યા અને પડકાર કર્યો : ‘અલ્યા કોણ છો ?’ જવાબમાં સૌ સમિતિના હોદ્દેદારોનાં રાજીનામાં આવી ગયાં. આચાર્યશ્રીએ ગૌરવભેર કહ્યું : ‘હાલ તુરત આપણે માનભેર આ અભિયાન મુલતવી રાખીએ છીએ.’ શ્રી પઠાણે આદેશ આપ્યો : ‘પીછે મુડેગા… પીછે મુડ..’ સૌ ફરી ગયા અને પાછા તળાવને કાંઠે આવી પહોંચ્યા. તાત્કાલિક સામાન્ય સભાની મિટિંગ યોજવામાં આવી અને આચાર્યશ્રી રાઠોડે રજૂઆત કરી : ‘આ સમગ્ર વ્યવસાયનું નિરીક્ષણ કરી, પૃથક્કરણ કરી, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી, વિશ્લેષણ કર્યા બાદ એવું જણાય છે કે આ વ્યવસાય આપણી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હોવાથી ત્યાજ્ય છે.’ સ્ટેશનરી સૌએ વહેંચી લીધી અને પુસ્તકો શાળાની લાઈબ્રેરીમાં ભેટ આપી સૌ રજા-રિપોર્ટ કૅન્સલ કરી, શિક્ષણ-કાર્યમાં લાગી ગયા.