Monday, August 15, 2011

એક સાવ અજાણી આંખથી પણ અથડાઇ જવામાં લિજ્જત છે

‘બેટા, પ્રહર! તને હવે ચક્ષેત્રીસમું વરસ બેઠું, તારે લગ્ન માટે વિચારવું જોઇએ.’ અઠ્ઠાવન વરસના અવિનાશભાઇએ મોટા દીકરાને બીતાં-બીતાં સમજાવવાની હિંમત કરી.

‘પપ્પા, મારી ઇચ્છા લગ્ન કરવાની નથી. શા માટે, એનું કારણ તમે જાણો છો. આજ પછી ક્યારેય આ વાત મારી સમક્ષ કરશો નહીં.’ પ્રહર જમતો હતો ત્યાંથી ઊભો થઇ ગયો. હાથ-મોં ધોઇ નાખ્યાં. તૈયાર તો થયેલો જ હતો. બૂટમાં પગ નાખ્યાં, ન નાખ્યાં અને ઘરની બહાર નીકળી ગયો. સીધો ઓફિસમાં એની કેબિનમાં જઇને બેસી ગયો.

‘કેમ, પંડ્યા, આજ-કાલ ઓફિસમાં વહેલા આવવા મંડ્યા?’ બોસે હળવા અંદાજમાં એની ફિરકી લેવાનું શરૂ કર્યું, ‘હું એનું કારણ જાણું છું. તમે હજુ સુધી પરણ્યા નથી ને માટે! તમને બાદ કરતાં આ ઓફિસનો એક પણ કર્મચારી સમયસર આવે છે ખરો? નથી જ આવતો, કારણ કે બધા જ પરણેલા છે. હું તો કહું છું તમે પણ હવે શહીદ થઇ જાવ. લગ્નના પવિત્ર દિવસે નારી નામના છરા વડે પુરુષ નામે બકરાને હલાલ કરી નાખો.’

બોસ હતા એટલે ગુસ્સો તો ન કરાય, પણ તેમ છતાં પ્રહરે મોઢું ગંભીર રાખીને આટલું તો સંભળાવી જ દીધું, ‘સર, મેરેજ કરવા કે ન કરવા તે મારો અંગત પ્રશ્ન છે. તમને મારા ઓફિસના કામમાં કંઇ વાંધો હોય તો તમે મને કહી શકો છો, બાકી...’ પ્રહરના અધૂરા વાક્યમાં ‘માઇન્ડ યોર ઓન બિઝનેસ’ વગર બોલાયે પણ સ્પષ્ટ સાંભળી શકાતું હતું. બોસ એના કામથી અત્યંત ખુશ હતા, એટલે અપમાન ગળી ગયા અને પોતાની ચેમ્બરમાં ઘૂસી ગયા.

આવું કંઇ આજે પહેલીવાર નહોતું બની રહ્યું. જ્યારે-જ્યારે કોઇ લગ્ન કરી લેવાની સલાહ આપતું, ત્યારે ત્યારે પ્રહર ખિજાઇ ઊઠતો હતો. ઘર પાસેથી કો’કનો વરઘોડો પસાર થતો હોય અને વાજાં વાગતાં સંભળાય તો પણ પ્રહર બારીઓ બંધ કરી દેતો ને કાનમાં આંગળી ખોસી દેતો હતો. એને ‘લગ્ન’ નામના શબ્દથી નફરત થઇ ગઇ હતી. આ નફરતનું કારણ કંઇ ખાસ છુપું-ગુપ્ત ન હતું, હજારો લોકો એ કારણ જાણતા હતા.

લગભગ આઠેક વરસ પહેલાં પ્રહરની જિંદગીમાં એક દુ:ખદ ઘટના બની ગઇ હતી. એ ગ્રેજ્યુએટ થઇને નોકરીમાં જોડાયો એ વાતને ચારેક વરસ થઇ ગયાં હતાં. એના પિતાએ સુરતમાં રહેતા એમની જ જ્ઞાતિના એક સંપન્ન પરિવારની સુંદર કન્યા સાથે પ્રહરનો સંબંધ નક્કી કર્યો હતો. એ કોઇ પ્રેમસંબંધ ન હતો. બંને પરિવારો તરફથી ગોઠવાયેલો સંબંધ હતો. શુભ દિવસ જોઇને બંનેની સગાઇ પણ ઊજવાઇ ગઇ હતી. છોકરીનું નામ પૂર્વજા હતું. સગાઇ અને લગ્ન વચ્ચે ચારેક મહિનાનો ગાળો રહેતો હતો, એ દરમિયાન પ્રહર અને પૂર્વજા વચ્ચે લગભગ રોજ ફોન પર વાતચીત ચાલતી રહેતી હતી. અઠવાડિયે એક વાર પત્રવ્યવહાર પણ થતો રહેતો હતો.

પૂર્વજાના પપ્પા ફોન ઉપર આમંત્રણ આપતા હતા, ‘પ્રહર! એક વાર સુરત પધારો! આ વખતે ઉત્તરાયણ અમારા ઘરે માણો.’

પ્રહર વિનમ્રતાપૂર્વક સાચું કારણ ધરી દેતો હતો, ‘આમંત્રણ બદલ આભાર! પણ ક્યાં રાજકોટ અને ક્યાં તમારું સુરત! એક દિવસની મજા માટે મારે ત્રણ દિવસની રજા લેવી પડે. ઓફિસમાં કામ એટલું બધું હોય છે કે રજાઓ મળવી મુશ્કેલ છે.’ વળતા વાટકી-વહેવાર રૂપે પ્રહરના પપ્પા અવિનાશભાઇ સુરત ફોન કરીને વેવાઇને આગ્રહ કરતા, ‘આ વખતે મહાશિવરાત્રિ અમારા ઘરે ઊજવો. બધાંથી આવી ન શકાય તો પૂર્વજાને તો જરૂર મોકલો જ. અમારું રાજકોટ રિળયામણું શહેર છે. તમારી દીકરીને ગમી જશે.’ ન પ્રહરથી સુરત જઇ શકાયું, ન પૂર્વજાથી રાજકોટ આવી શકાયું. સમય નામનું સુપરસોનિક વિમાન આંખનો પલકારો મારતાંમાં ચાર મહિનાનું અંતર વટાવી ગયું. લગ્નનો દિવસ આવી પહોંચ્યો.

અવિનાશભાઇને બે દીકરાઓ હતા. નાનો જોય મોટા પ્રહરથી છ વરસે નાનો હતો. એટલે આખું કુટુંબ આ લગ્નની ઉજવણી માટે થનગનતું હતું. વસ્ત્રોની ખરીદી, ઘરેણાંની પસંદગી, જાન માટેની બસ, રિસેપ્શન માટેનો પાર્ટીપ્લોટ, બેન્ડથી લઇને કેટરર અને ગોરમહારાજથી માંડીને લગ્નગીતોની પસંદગી સુધી બધું ધમધમતું રહ્યું. શહેરની સર્વોત્તમ શોપમાંથી શ્રેષ્ઠ ડિઝાઈનની કંકોતરી પસંદ કરવામાં આવી. રાતોની રાતો જાગીને, એક-એક સગાં, સંબંધી, મિત્ર, પાડોશી બધાને યાદ કરી-કરીને કંકોતરી ઉપર સરનામાં લખાવામાં આવ્યાં અને છેલ્લે ન બનવા જેવું બની ગયું. જાન સુરત શહેરની હદથી માંડ પાંચેક કિલોમીટરના અંતર પર હતી, ત્યારે વેવાઇનો ફોન આવ્યો, ‘અવિનાશભાઇ, તમે ક્યાં સુધી પહોંચ્યા છો?’

‘કેમ, શું થયું?’

‘ગજબ થઇ ગયો! મારી દીકરી પૂર્વજા કોઇની સાથે નાસી ગઇ. છેક સુધી એણે અમને અંધારામાં જ રાખ્યા. બ્યુટપિાર્લરમાં તૈયાર થવા ગઇ અને પછી ત્યાંથી જ બારોબાર...! ભાઇ સા’બ, અમારો આમાં કોઇ દોષ નથી. આબરૂ તમારી ગઇ તેમ અમારીયે ગઇ...’ વેવાઇ બોલતા રહ્યા પણ અવિનાશભાઇના કાન બધિર બની ગયા હતા. દિમાગમાં શૂન્યતા વ્યાપી ગઇ હતી. શું કરવું તે જ સમજાતું ન હતું. જાન પાછી વળી ગઇ. બસ, તે દિવસ અને આજની ઘડી. પ્રહરને ‘લગ્ન’ નામના શબ્દથી નફરત થઇ ગઇ. શરૂઆતના બે-ત્રણ મહિના સુધી એ આ જ સવાલ પૂછતો રહ્યો, ‘આ છોકરીઓ આવું શા માટે કરતી હશે? માન્યું કે પ્રેમ કરવો એ કોઇ અપરાધ નથી. મા-બાપ બતાવે એ છોકરાની સાથે પરણી જવું તે ફરજિયાત નથી.

ઘરમાંથી ચૂપચાપ પહેરેલા કપડે નાસી જવું એને પણ માફીને પાત્ર ભૂલ ગણી શકાય. પણ એક નિર્દોષ યુવાનને વગર વાંકે આ રીતે જલીલ કરવો એ ક્યાંની રીત છે? છેક તમારા ગામને પાદર જાન આવીને ઊભી રહે ત્યાં સુધી તમે એને છેતર્યા કરો છો? આ અપરાધ માટે આખી સ્ત્રી જાતિ નફરતને લાયક છે.’ બે-ત્રણ મહિના પછી પ્રહરે આ ફરિયાદ કરવાનુંયે બંધ કરી દીધું. પણ નારીજગત માટેની એની નફરત દિવસે ને દિવસે પ્રબળ બનતી ગઇ. ઓફિસમાં નવી-સવી જોડાયેલી અક્ષરા ખાસ એને મળવા માટે અને વાતો કરવા માટે એની કેબિનમાં આઠ-દસ વાર ડોકિયાં કરી જતી હતી, તો પણ પ્રહર એની તરફ ધ્યાન આપતો ન હતો.

એક વાર તો અક્ષરાએ એની પાસે આવીને શરમાતાં-શરમાતાં એને પૂછ્યુંએ ખરંુ, ‘સર, મારે તમારી સાથે ખાનગી, અંગત વાત કરવી છે.’

પ્રહરના દિમાગમાં ખતરાની ઘંટી બજવા માંડી, ‘સોરી, અક્ષરા! મારી પાસે એવી ફાલતુ વાતો માટે સમય નથી.’

‘પ્રેમને તમે ફાલતુ ચીજ ગણો છો?’

‘હા, ફાલતુથીયે ફાલતુ. હું એને જગતની સૌથી વાહિયાત વસ્તુ સમજું છું. કવિઓને કવિતા માટે કશાક આધારની જરૂર હતી. લેખકોને પ્રેમકથા માટે કોઇક કથાબીજની ગરજ હતી. ફિલ્મ સર્જકોને સફળ ચલચિત્રો માટે પ્રણયત્રિકોણની અછત હતી. ચિત્રકારોને કેન્વાસ ઉપર જોવા ગમે તેવા રૂપાળા ચહેરાની તલાશ હતી. આ બધી જરૂરિયાતોમાંથી ‘પ્રેમ’ નામના શબ્દની ઉત્પત્તિ થઇ છે. પછી એમાંથી આવી પ્રેમિકા. સુંદર સ્ત્રી. એનાં નાઝ-નખરાં અને પછી દગો, બેવફાઇ, છળકપટ અને છેતરપિંડી. પુરુષોની પીઠમાં ખંજર ભોંકવાની પરંપરા...’

અક્ષરા ચાલી ગઇ. ભાંગેલું હૃદય અને ઉદાસ આંખો લઇને ચાલી ગઇ. થોડાક દિવસ પછી પ્રહરને જાણવા મળ્યું કે અક્ષરાની સગાઇ થઇ ગઇ છે. એના પપ્પાએ મુરતિયો શોધી કાઢ્યો છે. ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ જેવો મામલો છે. આવતી દસમી તારીખે તો એનાં લગ્ન લેવાયાં છે.

પ્રહરને શો ફરક પડવાનો હતો? એ તો પોતાના કામમાં વ્યસ્ત હતો અને મસ્ત હતો. દસમી તારીખ ક્યારે આવી ગઇ એનીયે એને ખબર ન રહી.

દસમી તારીખે સાંજે છ વાગ્યે પ્રહર ઓફિસમાંથી છુટીને ઘેર આવ્યો, ત્યારે મમ્મી-પપ્પા મંદિરે ગયાં હતાં. નાનો ભાઇ ફરવા ગયો હતો. ઘરમાં એ એકલો જ હતો ત્યાં રિક્ષા આવીને બારણા પાસે ઊભી રહી ગઇ. અંદરથી પાનેતર પહેરેલી, હાથમાં મેંદીનો રંગ ચડાવેલી, દુલ્હનના તમામ શણગાર સજેલી એક રૂપયાૈવના નીચે ઊતરી. પ્રહર ડઘાઇ ગયો, ‘અક્ષરા, તું?!?’

‘હા, બ્યુટિપાર્લરના પાછલા બારણેથી ભાગીને આવી છું. મને સ્વીકારતાં હો તો ઘરમાં લઇ લો, નહીંતર આ જ વેશમાં કૂવામાં પડીશ.’

‘પણ આમ તે કંઇ અવાતું હશે? તારા ઘરના ઉંબરે જાન આવીને ઊભી હોય, ત્યારે છેક છેલ્લી મિનિટે...? પેલા વરરાજાનો જરાક વિચાર તો કરવો જોઇએ ને! આ બધું પહેલાં નક્કી નથી થઇ શકતું?’ અક્ષરા રડી પડી, ‘થઇ શકતું હતું, પણ તમે મારી વાત સાંભળવા જ ક્યાં તૈયાર હતા? અને મારામાં પણ આજના જેવી હિંમત ત્યારે ક્યાં હતી? બોલો, શો નિર્ણય લો છો તમે?’ (શીર્ષક પંક્તિ: અમૃત ‘ઘાયલ’)