તમે કાચી-કુંવારી યુવતી છો? હું બીજવર છું. છતાં પણ તમે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયાં?’ નિપુણે અંગત મુલાકાતમાં બહુ સ્વાભાવિક પ્રશ્નથી વાતચીતની શરૂઆત કરી.
નિસીમાનાં જવાબમાં વિચારશક્તિની નિર્ણાયકતા ઝબકતી હતી, ‘હા, કારણ કે મેં તમને જોયા છે, તમારું બીજવરપણું નથી જોયું અને જે મુરતિયા પ્રથમ વાર પરણતા હોય છે એમના ખાનગી ખેલ કોણ જાણતું હોય છે? મારે સારો અને સંસ્કારી પતિ જોઇએ છે, પછી તે પંથવર હોય કે બીજવર.’, ‘પણ મારે તો બે બાળકો છે...’
‘જાણું છું. એક દીકરો જે ચાર વર્ષનો છે અને બીજી દીકરી જે હજુ ત્રણ જ મહિનાની છે. એ પણ જાણું છું કે આ બીજી પ્રસૂતિમાં જ તમારા પત્નીએ જીવ ખોયો. મને તમારા બાળકોની મા બનવાનું મંજૂર છે.’, ‘મારી ઉંમર ત્રીસ વર્ષ...’
‘વધારે ન કહેવાય. સારા મુરતિયાની તલાશમાં હું પણ અઠ્ઠાવીસની થઇ ચૂકી છું અને સૌથી મહત્વની વાત એ છે કે ગદ્ધાપચીસીમાં જીવતા અપરપિકવ અને ઊછાંછળા જુવાનિયાઓ કરતાં મને જિંદગીના આઘાતો વડે ઘડાયેલો પુખ્ત વિચારો ધરાવતો તમારા જેવો પુરુષ વધુ ગમશે.’
નિપુણ પણ બીજી વારનું લગ્ન કરતાં પહેલાં નિસીમાને નાણી રહ્યો હતો.
સત્ય એ હતું કે નિપુણ દેખાવડો હતો, સ્માર્ટ હતો, ખૂબ સારી રીતે ધંધામાં સ્થિર થઇ ચૂકેલો હતો અને એક સુંદર બંગલાનો અને બે ગાડીનો માલિક હતો. આ કાળઝાળ મોંઘવારી અને મારી નાખે એવી બેકારીના જમાનામાં આવો સુપાત્ર યુવાન મળે ક્યાંથી? કોઇ પણ યુવતી એની સાથે પરણવા માટે રાજી થઇ જ જાય. અકાળે વિધૂર થયેલા નિપુણને પોતાનેય એ વાતની ખાતરી હતી કે લગ્નના બજારમાં એનો રૂપિયો રમતો મુકાશે એ ભેગો જ એ વટાવાઇ જવાનો છે. જો આશ્ચર્ય હોય તો એ એક જ વાતનું હતું કે નિસીમા એક આદર્શ યુવતી હતી. કોઇ કુંવારા યુવાનને પણ જો એ મળી જાય તો તેને નસીબદાર ગણવો પડે.
નિસીમા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી. એનું સૌંદર્ય દાહક નહીં, પણ મોહક હતું. એ સાયન્સ ગ્રેજ્યુએટ હતી અને એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લેકચરર હતી. શિક્ષિત હતી એના કરતાં વધારે સંસ્કારી હતી. યુવાનીમાં પગ મૂક્યો ત્યારથી એનાં દિમાગમાં આદર્શ પતિનો એક આકાર ઘડાવા માંડયોહતો અને જ્યારે એનાં પપ્પાએ મુરતિયાઓ બતાવવાના શરૂ કર્યા, ત્યારે દરેક મુરતિયાની સરખામણી અભાનપણે એ પોતાનાં કલ્પનાપુરુષની સાથે કરવા લાગી. કલ્પનાનો પુરુષ એવરેસ્ટ જેટલો ઊંચો સાબિત થતો હતો અને પેલા મુરતિયાઓ દરેક ગામની બહાર જોવા મળતી ટેકરીઓ જેવા નીકળતા હતા.
નિસીમાએ નિર્ધારકરી લીધો હતો, ‘ભલે કુંવારાં રહેવું પડે, પણ આ ટેકરીઓ સાથે તો હું જિંદગી નહીં જ જોડું!’ એમાં ને એમાં એ અઠ્ઠાવીસની થઇ ગઇ. આવા ટાણે એવરેસ્ટનું માગું આવ્યું. એની એવરેસ્ટ જેવી ઊંચાઇ ફકત એક જ બાબતમાં ખંડિત થતી હતી. એ બીજવર હતો, બે બાળકોનો બાપ હતો, પણ નિસીમા ટસની મસ ન થઇ. ભાવિ પતિની આકરી તાવણીમાંથી એ સો પ્રતશિત ગુણ મેળવીને ઉત્તીર્ણ થઇ ગઇ.
બંનેની સગાઇ જાહેર થઇ ગઇ. સગાઇ પછીની પ્રથમ મુલાકાત નિપુણે શહેરથી દૂર એક નિર્જન જગ્યાએ ગોઠવી. ‘બેસ! આ શીલા જાણે આપણાં માટે જ કોઇએ ગોઠવી હોય તેવી લાગે છે!’ આટલું કહીને નિપુણે પીપળાના વૃક્ષ નીચે પડેલા મોટા લંબચોરસ પથ્થર ઉપર એનો હાથરૂમાલ બિછાવી દીધો. એના પર નિસીમાને બેસાડી. એ પોતે થોડુંક અંતર રાખીને એ જ શીલાના બીજા છેડા પર ગોઠવાઇ ગયો. નિસીમાને આ સંયમી પુરુષ ગમ્યો. આવું પાગલ કરી મૂકે તેવું એકાંત અને સગાઇ જેવું કાચું લાઇસન્સ ધરાવતો હોવા છતાં આ પુરુષ એની સાથે કોઇ જ પ્રકારની છુટછાટ લેવાની બદમાશી નહોતો કરી રહ્યો! નિસીમા રાજી થઇ.
‘ખૂબ પ્રેમ કરતા હતા તમે તમારી પ્રથમ પત્નીને?’ નિસીમાએ નાજુક વાત ઊખેળી.
‘હા, લક્ષ્યા મારી પત્ની ન હતી, પણ મારો શ્ચાસ-પ્રાણ હતી. એ હયાત નથી માટે હું તને ચાહવાનું વચન આપી શકું છું, જો એ જીવતી હોત તો મેં તારી સામે ધ્યાનથી નિરખવાનીય પરવા ન કરી હોત. હું આશા રાખું છું કે મારી વાત સાંભળીને તને ખરાબ નહીં લાગે.’
‘ના, ઊલટું હું તમારા વિશે ગૌરવ અનુભવી રહી છું. મને એક એવો પુરુષ મળ્યો છે કે જે પોતાની મૃત પત્ની પ્રત્યે આટલો વફાદાર અને ભાવિ પત્ની માટે આટલો નિખાલસ રહી શકે છે. તમે જરા પણ સંકોચ રાખ્યા વગર તમારા ભૂતકાળ વિશે મને વાત કરી શકો છો.’
નિપુણ ક્યાંક ખોવાઇ ગયો, ‘અમારા પ્રેમલગ્ન હતા. લક્ષ્યા દેવરાજ ઇન્દ્રનુંયે મન લોભાવે તેવી આકર્ષક હતી અને એનાં સમગ્ર પ્રેમનું એક માત્ર સરનામું હું જ હતો. એણે મારું ઘર રોશન કર્યું, મારું પડખું સેવ્યું, મને બબ્બે સંતાનો આપ્યાં અને આ બધાં કરતાંયે વધુ મહત્વની વાત એ છે કે એણે મને પ્રેમનો મર્મ સમજાવી આપ્યો.’
‘પ્રેમ તો બધાં પતિ-પત્ની કરતાં જ હશે ને?’ નિસીમાએ પૂછ્યું.
‘કદાચ હા. પણ પ્રેમની અંતિમ હદ સુધી કેટલાં યુગલો પહોંચી શકતા હશે? પ્રેમની કક્ષા કેવી છે એની જાણ મળવાથી નહીં, પણ વિખૂટા પડતી વખતના વર્તનથી થાય છે.’ નિપુણનો જવાબ કહી આપતો હતો કે એમાં ઘણું બધું કહેવાનું બાકી રહી જાય છે.
‘હું સમજી નહીં કે તમે શું કહેવા માગો છો...’
‘સમજાવું. તમે જાણતાં જ હશો કે મારી પત્ની લક્ષ્યા પ્રસૂતિના કારણે મૃત્યુ પામી હતી. એ બીજી વારની સુવાવડ હતી. છેક છેલ્લે સુધી બધું બરાબર હતું. સુવાવડ પણ નોર્મલ રહી. બાળકી તંદુરસ્ત હતી. લેડી ડોક્ટરે લક્ષ્યાને કહ્યું પણ ખરું કે તારી દીકરી અદ્દલ તારા પર પડી છે. લક્ષ્યા ખુશ થઇ, હસી પડી. પછી અચાનક એને બ્લીડિઁગ થવા માંડ્યું. એ રકતસ્ત્રાવ નહોતો, પણ રકતનો રેલો હતો. ડોક્ટરે દોડધામ કરી મૂકી. ચાર સહાયકોને બોલાવી લીધા. છ બાટલા લોહીના ચડાવ્યા. પણ લોહીનો એ ધોધ બંધ ન થયો. મારી લક્ષ્યા એ લાલ પ્રવાહમાં તણાઇ ગઇ.’ નિપુણ જાણે એ ઘટના અત્યારે જ બની રહી હોય એમ સૂનમૂન થઇ ગયો!
‘તમારે એમની સાથે છેલ્લી વાત પણ ન થઇ શકી?’
‘થઇ ને! ડોક્ટરને જ્યારે લાગ્યું કે હવે દદીg બચી નહીં શકે ત્યારે એણે મને અંદર બોલાવી લીધો. લક્ષ્યાની આંખોમાં મને જોઇને એક ચમક ઊઠી અને તરત બુઝાઇ ગઇ. એ ફિક્કા વદને મારી સામે જોઇને બોલી ગઇ.’ આપણી દીકરીને જીવાડવી હોય તો બીજાં લગ્ન કરી લેજો! ‘આ એનાં છેલ્લા શબ્દો. મેં એનો હાથ મારા હાથમાં જકડી લીધો, પણ હું એને જતાં અટકાવી ન શક્યો. નિસીમા, આને પ્રેમ કહેવાય! એ સ્ત્રી મરતાં-મરતાંય દીકરીનાં જતનનાં બહાને મારી બાકી બચેલી જિંદગીનો વિચાર કરતી ગઇ. આ એકવીસમી સદીમાં કેટલી પત્નીઓ પોતાનાં પતિઓ માટે આવું વિચારતી હશે?’
‘પછી શું થયું?’ નિસીમાને ભાવિ પતિની ભૂતપૂર્વ પત્નીની વાતોમાં રસ પડી રહ્યો હતો.
‘બીજું શું થાય? લક્ષ્યાની અંતિમક્રિયા એ મારે મન ઢોળાયેલા દૂધ ઉપર પોતું ફેરવવા જેવી ઘટના હતી. ડાઘુઓએ એની નનામી બાંધી. મારી મા મારા સંતાનોને ખોળામાં છુપાવીને બેઠી હતી. સગાં-સંબંધીઓ, અડોશી-પડોશીઓ આક્રંદી રહ્યા હતા. લક્ષ્યાની લાશને કાઢી જવાનો સમય આવ્યો ત્યારે મારે જાહેર કરવું પડ્યું કે મારાથી સ્મશાને નહીં જઇ શકાય.’
‘કેમ એવું કરવું પડ્યું?’
‘અમારી ન્યાતમાં એવો રિવાજ છે. જેની પત્ની મૃત્યુ પામી હોય એનો ધણી જો પુન:લગ્ન કરવાનો હોય તો એણે ઘરમાં જ રહેવું પડે. એનાથી પત્નીની સ્મશાનયાત્રામાં સામેલ ન થઇ શકાય. મેં કહ્યું ત્યારે બધાંને ખબર પડી કે લક્ષ્યા પોતે જ મને બીજી વાર પરણી જવાનું સૂચન કરીને ગઇ હતી. માટે હું કહું છું, નિસીમા, કે સ્ત્રીનો પ્રેમ મિલનમાંથી નહીં પણ જુદાઇના સમયે એનાં વર્તનમાંથી પરખાતો હોય છે.’ આટલું કહીને નિપુણ ગર્વિષ્ઠ નજરે નિસીમાને તાકી રહ્યો.
નિસીમા ‘સડપ’ કરતીકને ઊભી થઇ ગઇ, ‘અને પુરુષનો પ્રેમ પણ આવી જ ક્ષણે પકડાઇ જતો હોય છે! તમને શરમ નથી આવતી, નિપુણ? જે સ્ત્રીએ તમને સ્નેહ આપ્યો, શરીર આપ્યું, બે રૂપાળા સંતાનો આપ્યાં, એને આખરી વાર ‘આવજે’ એટલું કહેવાનું સૌજન્ય પણ તમે દાખવી ન શક્યા? રિવાજ, પરંપરા, ન્યાત અને સમાજના નામે ક્યાં સુધી તમે નારીની ગરિમાને ઠોકરે ચડાવતા રહેશો? બીજી વાર પરણવાની લાલચે તમે ઘરે બેસી રહ્યા એ વાત માત્રથી તમે મારી નજરમાંથી ઊતરી ગયા છો. હું આજીવન કુંવારી રહેવાનું પસંદ કરીશ, પણ તમારા જેવા દંભી, રૂઢિપૂજક અને અહંકારી પુરુષ સાથે મારી જિંદગી જોડવાની ભૂલ હું ક્યારેય નહીં કરું! તમે લક્ષ્યાને તો સ્મશાન સુધી મૂકવા માટે ન જઇ શક્યા, પણ.... ઊઠો, ચાલો, મને મારાં ઘર સુધી મૂકવા માટે તો આવવું જ પડશે.’
(શીર્ષક પંક્તિ : મુસાફિર પાલનપુરી)