Wednesday, September 2, 2009

નોકરી

મધુકરભાઈ આજે વિચારમાં હતા. વિચારમાં ને વિચારમાં ક્યારે સ્કૂટર પર ફેક્ટરીના ગેટ પાસે આવી ગયા, તેની તેમને પોતાને પણ ખબર પડી નહીં. ગેટ પાસે તેમના જેવા બીજા ઘણા કર્મચારી ઊભા હતા. ગેટ બંધ હતો. તેના પર નોટિસ મૂકેલી હતી. સૂચના : ‘આજથી ફેક્ટરી બંધ કરવામાં આવે છે. કર્મચારીઓને વિનંતી કે તેમને ત્રણ મહિનાનો નોટિસ પે સહિત પી.એફ. અને બીજું જે કંઈ હશે તે પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે, જેની નોંધ લેવી. બે દિવસ પછી પૈસા ચૂકવવાની શરૂઆત કરવામાં આવશે.
મધુકરભાઈએ નોટિસ વાંચી અને તેમના મોતિયા મરી ગયા. આખરે જેનો ડર હતો તે વાત બનીને જ રહી. આમ તો કેટલાય મહિનાથી બધા જાણતા જ હતા. ફૅક્ટરીના મૂળ માલિકનું મૃત્યુ થયું હતું. તેનો દીકરો પરદેશ હતો. તેને ફૅક્ટરીમાં કોઈ રસ નહોતો. તેણે ખોટ કરતી ફૅક્ટરી બીજી પાર્ટીને વેચી દીધી હતી. નવો માલિક ફૅક્ટરીની વિશાળ જગ્યામાં ફાઈવસ્ટાર હોટલ બનાવવા માંગતો હતો, તેથી તેણે ફૅક્ટરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જાણતા હોવા છતાં જ્યારે ખરેખર ફૅક્ટરી બંધ થઈ, ત્યારે ઘણાં વર્ષોથી અહીં કામ કરીને રોટલો રળતા કર્મચારીઓ બિચારા આઘાતના માર્યા અડધા થઈ ગયા. કેટલાકની તો વીસ બાવીસ વર્ષની નોકરી થઈ ગઈ હતી. આટલી અડધી ઉંમરે અચાનક આજીવિકાનું સાધન જતું રહે તો…. બીજી નોકરી પણ આજકાલ ક્યાં મળે છે ? અને મળે તો પણ આટલો પગાર કોણ આપે છે ?
પણ નવા માલિકને શું લેવાદેવા ? બધા કર્મચારી મોં વકાસીને એકબીજા સામે જોતા હતા, અંદર અંદર વાત કરતા હતા. યુનિયનના લીડરોને પૈસા આપીને નવા માલિકે શાંત કરી દીધા હતા. અમસ્તા અમસ્તા તે માઈક હાથમાં લઈને કર્મચારીઓને દિલાસો આપતા હતા. મધુકરભાઈ ટોળાના એક ખૂણે ઊભા હતા. ચૂપચાપ, યંત્રવત. કર્મચારીઓને તેમનો હક આપવાના લીડરના વચનનો એક પણ શબ્દ તેમના કાનમાં જતો નહોતો. તેમની સામે સમસ્યાઓનો ઢગલો હતો. કાળઝાળ મોંઘવારી અને મોંઘું ભણતર. રોજ ઊઠીને નોટ, પેન્સિલ, પેન, ચોપડી-જાતજાતની વસ્તુઓની માંગણી થતી. નજીકમાં બીજી શાળા હોવા છતાં શહેરની સારી શાળામાં મૂકવાનો નિર્ણય કરવા પાછળ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુ હતો. શાળા દૂર હતી તેથી રિક્ષામાં મોકલવા પડતાં. રિક્ષાખર્ચ, નાસ્તાખર્ચ, ઘરખર્ચ, વળી ઘરડાં મા-બાપની અવારનવાર આવતી માંદગીનો ખર્ચ – મધુકરભાઈનો પગાર તો ક્યાં વપરાઈ જતો તેની ખબર પડતી નહિ. ગીતા જેમ તેમ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતી હતી. બૅન્ક બેલેન્સ તો કંઈ હતું જ નહિ. પૈસા વગર હવે શું ? વિચાર આવતા તે કંપી ઊઠતા હતા. બાજુમાં તેમનો મિત્ર રમેશ હળવોફૂલ થઈને ઊભો હતો. જાણે કંઈ બન્યું જ નહોતું ! ‘યાર, આમ દિવેલીયું ડાચું કરીને શું ઊભો છે ! આપણે જાણતા જ હતા. ફૅકટરી આજ બંધ થશે, કાલે બંધ થશે. બીજી નોકરી શોધી લઈશું, ચિંતા શું કરે છે ?’… પણ મધુકરભાઈને ખબર હતી. બોલવું સહેલું છે. પણ નોકરી મળવી સહેલી નથી. મૂંઝાતા મૂંઝાતા તે બધા સાથે ઊભા હતા. આઘાત, હતાશા, નિરાશા, દુ:ખનાં વાદળો જાણે ઘેરાઈ ગયાં હતાં. એક વંટોળ ઊભો થયો હતો, ઘૂમરીઓ લેતો હતો. મધુકરભાઈ નિ:સહાય બનીને જોઈ રહ્યા હતા.
ઘરે પહોંચ્યા, તો તેમને વહેલા પાછા આવેલા જોઈ ગીતા હાંફળીફાંફળી થઈ ગઈ. ‘શું થયું ? તબિયત તો સારી છે ને ?’ કહેતી તે તેમની પાસે બેઠી. મધુકરભાઈ સોફામાં ઢગલો થઈને પડ્યા હતા. ગીતાને નોકરીની વાત કરવી કે નહીં તેની અવઢવમાં હતા. પરાણે સ્મિત કરીને તેમણે કહ્યું : ‘જરા સારું નથી લાગતું. ચા મૂક. તારા હાથની ચા પીશ એટલે સારું લાગશે.’ ગીતા ઝટપટ ચા બનાવી લાવી. ચા પીતાં પીતાં તેમણે પત્નીની સામે જોયું. ઘણા દિવસથી જ્યારથી ફૅક્ટરી બંધ થાઉં થાઉં થતી હતી ત્યારથી તેમને મનમાં જે પસ્તાવો થતો હતો તે ફરી પાછો સવારી પર આવી ગયો.
લગ્ન સમયે આજથી લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં ગીતા નોકરી કરતી હતી. પણ લગ્ન પછી સ્ત્રી, નોકરી કરતી સ્ત્રી ઘર બરાબર સંભાળી શકતી નથી એવું તે માનતો હતો. (એવું તે કેમ માનતો હતો તેની તેને પોતાને પણ ખબર નહોતી.) પતિની આવક એકંદરે સારી હતી અને તેની અનિચ્છા તથા ઘરમાં સાસુ-સસરાનો પણ તે નોકરી છોડી ઘર સંભાળે એવો આગ્રહ જોઈ ગીતાએ મનમારીને પોતાની નોકરી છોડી દીધી હતી. નોકરી છોડતી વખતે ગીતાને ઘણું મનદુ:ખ થયું હતું. તેણે થોડી દલીલ પણ કરી હતી પણ પછી તેણે પોતાના સંસારમાં પતિ-બાળકો-સાસુ-સસરાની સેવામાં મન પરોવી દીધું હતું. મધુકરભાઈને રહી રહીને છેલ્લા કેટલાય દિવસથી વિચાર આવતો હતો કે ગીતાને નોકરી ન છોડાવી હોત તો અત્યારે આવા કપરા સમયે તેના પગારથી ઘરને ટેકો મળી રહેત. ગીતાની બહેન લતા પણ નોકરી કરતી હતી અને લગ્ન પછી ઘર અને બાળકોને સંભાળીને તે આજે પણ નોકરી કરતી હતી. ખાસ્સી બાર હજારની પગારદાર હતી. ગીતા પણ નોકરીમાં હોત તો આટલા તો મળતા જ હોત. પણ પોતે તોરમાં ને તોરમાં ‘તારી કમાણી આવશે તો જ ઘર ચાલશે એમ ન માનતી. હું ઑફિસેથી આવું, બાળકો ઘરે આવે ત્યારે તું ઘરમાં ન હોય, એ મને ન ગમે…’ કહીને તેને ઘરમાં બેસાડી દીધી હતી.
તેમને થયું, આજે જ્યારે પોતાની નોકરી છૂટ્યાની વાત સાંભળશે તો તે તરત જ કહેશે કે, ‘હું નોકરી કરતી હોત તો અત્યારે તમને જે ચિંતા થાય છે તે ન થતી હોત. બધી સ્ત્રીઓ બહાર નોકરી કરવા જાય છે, તો શું તેમનાં પતિ-બાળકોની સંભાળ નથી રાખતી ? હું પણ તમારાં બધાંની સંભાળ રાખીને નોકરી કરી શકું એમ હતી પણ તમે….’ મધુકરભાઈના મનમાં ગીતા સાથેના આવા કાલ્પનિક સંવાદ રચાવા લાગ્યા….મધુકર : ‘પણ આપણને એવી ખબર થોડી હોય કે અચાનક…. આમ સાવ અચાનક મારી નોકરી છૂટી જશે અને હું રસ્તા પર આવી જઈશ ?’ગીતા : ‘દુનિયામાં બધું જ બની શકે છે. કંઈ જ અશક્ય નથી.’મધુકર : ‘પણ આમ ફૅક્ટરી બંધ થઈ જાય તે તો મેં કદી સ્વપ્નમાં પણ તે વખતે ધાર્યું નહોતું.’ગીતા : ‘આપણા ધારવા પ્રમાણે દુનિયામાં બધું બનતું નથી. ક્યારે શું બને તે કેવી રીતે કહી શકાય ? મેં તમને ઘણું સમજાવ્યા હતા કે હું નોકરી કરીશ તો આપણા ઘરમાં જ પૈસા આવવાના છે. જવાબદારી વધશે ત્યારે મોંઘવારીમાં સારું પડશે. પણ તમે તો ‘તારા પૈસાની કોઈ જરૂર નથી’ એમ કહી મને ઉતારી પાડી હતી… તેનો અવાજ ઢીલો થઈ ગયો…’મધુકર : ‘હા, પણ અત્યારે મને એવું લાગે છે ખરું, કે તને નોકરી છોડાવીને મેં મોટી ભૂલ કરી હતી.’ગીતા : ‘મોટી ભૂલ નહિ, બહુ મોટી ભૂલ. પણ અત્યારે એનું શું છે ?’
‘પપ્પા, લો, મમ્મીએ ગરમાગરમ ભજિયાં બનાવ્યાં છે તે ખાઓ…’ ભૂમિકાનો અવાજ સાંભળી તે કાલ્પનિક સંવાદની દુનિયામાંથી બહાર આવ્યા. જોયું તો દીકરી ભૂમિકાએ ટિપાય પર ભજિયાંની પ્લેટ અને પાણીનો ગ્લાસ મૂક્યાં હતાં. તે ખુશખુશાલ થઈ શાળાએ જવાની તૈયારી કરતી હતી. ખૂણામાં પડેલા ટેબલ ખુરશી પર બેસીને નાનો દીકરો ભાવિન લેસન કરતો હતો. દરરોજ ધીંગામસ્તી કરી આખા ઘરને માથે લેતો ભાવિન ડાહ્યોડમરો બનીને લેસન કરતો હતો. મધુકરભાઈએ અમસ્તું જ પૂછ્યું :‘બેટા, તું બહુ શાંત થઈ ગયો છે. ટીચરે બહુ લેસન આપ્યું છે ?’‘લેસન તો આપ્યું છે પણ મમ્મીએ કહ્યું છે કે તોફાન નહિ કરવાનું. પપ્પાને ઠીક નથી.’ તેમને નવાઈ લાગી. ગીતાને ખબર છે કે પોતાના મનનું કંઈ ઠેકાણું નથી. તે કંઈ બોલ્યા નહિ. તે જ વખતે બહાર રિક્ષાનું હોર્ન વાગ્યું. ‘મમ્મી અમે જઈએ છીએ…’ કહી ભાવિન અને ભૂમિકા ગયાં. મધુકરભાઈ બંનેને જતાં જોઈ રહ્યા.
ગીતા અંદરથી નૅપ્કિનથી હાથ લૂછતી લૂછતી આવી. સ્મિત મઢ્યા ચહેરે પૂછવા લાગી, ‘કેમ, તમે આજે ઉદાસ લાગો છો ?’ મધુકરભાઈ જોઈ રહ્યા. આને નોકરી છૂટ્યાની વાત કરવી જ જોઈએ. છુપાવી છુપાવીને કેટલા દિવસ છુપાવાશે ? એકને એક દિવસ ખબર પડવાની જ છે ને ! તેને આઘાત તો ખૂબ લાગશે. કદાચ છે ને રડી પણ પડે. આમેય તે ઢીલી છે. તેમણે જેમ તેમ શબ્દો ગોઠવ્યા.‘ગીતા, મારે તને એક વાત કરવાની છે.’‘બોલો…’ ગીતા પાસે બેસી ગઈ.‘મારી નોકરી…. વાત જાણે એમ છે કે મારી નોકરી….’ તે કેમેય કરીને વાક્ય પૂરું કરી શકતા નહિ. પણ તેમના આશ્ચર્ય વચ્ચે ગીતાએ કહ્યું :‘નોકરી છૂટી ગઈ છે ને ? મને ખબર છે !’‘હેં, તને કોણે કહ્યું ?’‘કહે કોણ, તમારા મિત્ર રમેશભાઈએ જ તો. તે હમણાં જ અહીંથી પસાર થયા. બહારથી જ ઊભા ઊભા તેમણે તમારી ફૅક્ટરી બંધ થવાના સમાચાર આપ્યા અને કહ્યું કે મધુકરભાઈનું ધ્યાન રાખજો. જરા ઢીલા થઈ ગયા છે.’ મધુકરભાઈ જોઈ રહ્યા. નોકરી છૂટ્યાની વાતની ગીતા પર કોઈ અસર થઈ લાગતી નથી. તે વિસ્મિત બનીને જોઈ રહ્યા.‘તમે, ક્યારના આવ્યા છો પણ ભલા માણસ, મને આ વાત કહેતા નથી ?’‘તને નાહકનું દુ:ખ થાય એમ માનીને નહોતું કહ્યું.’‘દુ:ખ તો થાય. પણ જિંદગી છે. તેમાં ઉતાર-ચઢાવ તો આવે. એમાં ઢીલા થયે ન ચાલે. તમારો તો એટલો બધો અનુભવ છે કે તમને તો બીજી નોકરી મળી જશે. તમે કોઈ દિવસ રજા લેતા નથી. બીજી નોકરી મળે ત્યાં સુધી આરામ કરજો. એમ માનજો કે ભગવાને તમને આરામ કરવાનો સમય આપ્યો છે.’‘પણ ગીતા, નોકરી એમ રસ્તામાં નથી પડી. તેના વગર પગાર નહિ આવે તો….’‘તેની ચિંતા તમે ન કરશો. તમે મને ઘરખર્ચ માટે જે પૈસા આપતા હતા એમાંથી બચાવીને હું પોસ્ટના સર્ટિફિકેટ લેતી હતી. દર મહિને તે પૈસા વધીને આવશે. વળી તમે જો હા પાડો તો મારી પાસે ડિગ્રી છે અને બે વર્ષ પર મેં કમ્પ્યૂટરનો કોર્સ સમય પસાર કરવા કર્યો હતો તેથી મને તરત નોકરી મળે એમ છે. તમારી હા હોય તો હું નોકરી કરીશ. તમને નોકરી મળે ત્યારે હું છોડી દઈશ.’
ઓહ ! પોતે કેવું કેવું વિચારતા હતા ! દલીલ કરતી, દુ:ખી થતી, રડતી, કકળતી, ટોણા મારતી ગીતાને બદલે અહીં તો તેજસ્વી, આશાભરી, સધિયારો આપતી ઉત્સાહી ગીતા હતી. મધુકરભાઈ ગીતાનું આ ઓજસ્વીરૂપ જોઈ રહ્યા. હૃદયમાં ઊંડે ઊંડે કંઈક થવા લાગ્યું. ઝપાટાબંધ કંઈક થવા લાગ્યું. નિરાશા અને દુ:ખનાં વાદળો વીખરાઈ ગયાં હતાં. જીવન પ્રત્યેની તેમની દષ્ટિ બદલાઈ ગઈ. તેમને મૌન જોઈને ગીતા બોલી :‘શું વિચારો છો ?’‘વિચારું છું, વર્ષો પહેલાં મેં તારી નોકરી છોડાવી ન હોત તો અત્યારે તારે, નવી નોકરી શોધવા જવું ન પડત. તે વખતે….’‘બસ બસ. તે વખતે આપણને જેમ ઠીક લાગ્યું તેમ કર્યું. આપણે આનંદથી જીવ્યાં છીએ. અત્યારે પણ આપણને ઠીક લાગે તેમ કરવાનું છે અને આનંદથી જીવવાનું છે.’ બહુ જ સહજતાથી તે બોલતી હતી. દરેક વસ્તુને તે સહજતાથી લેતી હતી.
ઓહ ! પોતે કેવું કેવું માનતા હતા ! ગીતા માટે મોકો હતો, પતિને ઉતારી પાડવાનો. પણ અહીં તો અત્યારે તેમણે તેનું એક નવું સ્વરૂપ જોયું. ખૂબ ઊંડેથી આનંદનો એક ઝરો ફૂટ્યો અને તેમની જિંદગીમાં વહી નીકળ્યો અને મધુકરભાઈ તેમાં આખા ને આખા ડૂબી ગયા.