Wednesday, March 18, 2009

બુફેની ડીશ


['જનકલ્યાણ' માંથી સાભાર.]

એનાથી એક પળ બનું ગાફેલ, નથી એને પસંદ,
ઊંઘ આવી છે, તો સ્વપ્નામાં જગાડ્યો છે મને.

‘આવો છો ને આ શનિવારે અમારી સાથે ?’ થોડા દિવસ જ થયા છે આ સંવાદને. મારા અંગત લેખક મિત્રે મને પૂછ્યું.
‘હા, આવું છું. કેટલા વાગ્યે નીકળવાનું છે ?’ મેં કાર્યક્રમનો નકશો માગ્યો. ‘સવારે ત્રણ વાગ્યે ઊઠવાનું છે. પાંચ વાગ્યે તો આપણે અમદાવાદ છોડીને નીકળી જવું પડશે. ત્રણસોએક કિલોમીટર જેટલું છેટે જવાનું છે. સાહિત્યનો કાર્યક્રમ છે. દિવસ આખો વાર્તામેળામાં વીતાવાનો છે અને રાત શાયરીના જામમાં ડૂબવાની છે પણ આ વખતે એક શરત છે. આવવાનું પાક્કું હોય તો જ “હા” પાડજો, બાકી દર વખતની જેમ છેલ્લી ક્ષણે ફસકી જતા નહીં.’ મિત્રે નકશાના બદલામાં મારી પાસે પાકી પહોંચ માગી. મેં આપી.

એમની વાત સાચી હતી. છેલ્લા એકાદ વર્ષની જ વાત કરું તોપણ લગભગ ચાર-પાંચ બહારગામના અને દસ-બાર સ્થાનિક સમારંભોમાં જવાનું છેક છેલ્લી ઘડીએ રદ કરવું પડ્યું હતું. એકવાર તો અમરેલી જવા માટે બેગ લઈને ગાડીમાં બેસવા જતો હતો અને ‘ઈમરજન્સી પેશન્ટ’ આવી જવાથી બેગ સહિત ઓપરેશન થિયેટરમાં કામે લાગી જવું પડ્યું હતું. આવું બને ત્યારે મને હતાશા ઘેરી વળે એ સ્વાભાવિક છે. હતાશા ચેપી હોય છે. મિત્રોને પણ એની અસર થાય છે. પણ આ વખતે હું મક્કમ હતો. મેં “હા” પાડ્યા પછી એમને વિશ્વાસ આપ્યો : ‘આ વખતે હું નરસિંહરાવની જેમ ઢચુપચુ નથી, સરદાર વલ્લભભાઈની જેમ દઢ છું. સવારે પાંચ વાગ્યે હું તમારી સાથે કારમાં હોઈશ. હું ભૂલી જઈશ કે હું ડૉક્ટર છું. ખુદ ઈન્દ્ર ભગવાન પણ એમની ઈન્દ્રાણીની સારવાર કરાવવા આવે તોયે ના પાડી દઈશ.’

મિત્રે મજાક કરી : ‘સારવારના બદલામાં ફી તરીકે ઈન્દ્રાસન આપે તો પણ ?’
‘ના. ઈન્દ્રાસન તો શી ચીજ છે, ખુદ ઈન્દ્રાણીને આપી દેવા તૈયાર થાય તો પણ નહીં. બોલો હવે કંઈ કહેવું છે ?’ હું મક્કમતાના શિખર પર હતો. મિત્ર પ્રસન્ન હતા. એ કેટલાયે વખતથી મને આગ્રહપૂર્વક બહારગામના સમારંભોમાં જવા માટે તૈયાર કરતા હતા. પણ હું મારા નર્સિંગ હોમને ગળે વળગાડીને ફરતો હતો. તબીબી જિંદગી મને પડછાયાની જેમ વળગેલી રહે છે, એવો પડછાયો જે અંધકારમાં પણ મારો સાથ નથી છોડતો. મારી વ્યસ્તતા મને ગમે છે એની ના નથી, પણ ક્યારેક એ જીવન મારી સાથે ક્રુર રમત રમે છે. મારી જિંદગી બુફેની ડીશ જેવી બની જાય છે. ડીશ નાની છે અને ભોજનની વિવિધતા મોટી છે. વાનગીઓના સ્વાદ એકબીજા સાથે ભેળસેળ થઈ જાય છે. પરિણામે ક્યારેક બે ઑપરેશનોની વચ્ચેના સમયમાં મારે લેખ લખવો પડે છે અને કોઈના ઘેર બેસવા ગયો હોઉં કે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હોઉં ત્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપવું પડે છે. એક મારો શોખ છે, બીજી મારી ફરજ છે. પણ જ્યારે ડીશમાં લીધેલી મીઠાઈના ચકતામાં ઊંધીયાનું તેલ લાગી જાય ત્યારે ભોજન બેસ્વાદ થઈ જાય છે.

પણ આ વખતે મેં પાક્કો નિર્ધાર કરી લીધો. એકવાર અમદાવાદ છોડીને બહાર નીકળી જાઉં એટલે મારા નામની આગળ લાગેલી ડૉક્ટર તરીકેની ઓળખને હું દાટી દઈશ. દુનિયામાં કંઈ હું એકમાત્ર તબીબ નથી. આપણે ત્યાં કોઈ દરજી કે સુથાર આપણને મળવા આવે કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કે કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા આવે તો એને એમ કહી શકાતું નથી કે, ‘ભઈલા, આવ્યો છે તો જરા આ ચાદર ઓટી આપ કે કલાક બેસી રહેવાને બદલે બાથરૂમમાં નહાતી વખતે બેસવાનો પાટલો બનાવી આપ.’ એક ડૉક્ટરી જ એવો વ્યવસાય છે કે જેમાં…! પણ હવે એ બધું પૂરું થઈ ગયું. મેં જાણે મારો ચહેરો નેપકીનથી લૂછીને કોરોકટ કરી નાખ્યો. ચહેરા પરથી ડૉક્ટરનું મહોરું ઉતરડીને ફેંકી દીધું. હવે હું ખુદ બીમાર પડું તોયે મારી સારવાર નહીં કરું. દુનિયામાં બીજા ડૉક્ટર્સ ક્યાં ઓછાં છે ?

શનિવારે સવારે પાંચ વાગ્યે જે શરૂ થઈ એને સફર ન કહેવાય, એને તો કાયાપલટ કહેવાય. હવે મારી આસપાસ દરદીઓ ન હતા, દવાઓ નહોતી, બીમારીઓ નહોતી. એને બદલે સાહિત્યની દુનિયા હતી, ગઝલોનું વિશ્વ હતું, લેખક મિત્રો હતા, શ્રેષ્ઠ રંગભરી વાતો હતી, મન્ટો અને ચેખોવ હતા, ગીતો હતા, રૂબાઈઓ હતી, જીવનદર્શન હતું. મનને પાંખો ફૂટી હતી. સતત અહેસાસ થયા કરતો હતો કે દુન્યવી ઓળખ ઓગળી ગયા પછીની આ જિંદગી હતી. એ જ સાચી જિંદગી હતી. મીરાંની રહી ગયેલી મહેંકને જીવની જેમ જતન કરી રહેલા લેખક મિત્ર પણ સાથે હતા. મને અચાનક પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, હમણાં થોડા દિવસ પહેલાં મને હર્પિસ થયેલું એને કારણે બરડાનો દુખાવો થઈ શકે ખરો ?’ મેં બહેરા માણસની જેમ એમની સામે જોયા કર્યું. એ હસી પડ્યા. સમજી ગયા કે મારી વિદ્યા કર્ણના રથના પૈડાની સાથે ધરતીમાં ગળી ગઈ છે.

જિંદગીના વિવિધ રંગોને બિલોરી કાચમાંથી નિહાળનાર લેખક મિત્ર પણ સાથે હતાં. માર્ગમાં લાઠી ગામ આવ્યું. એમણે પૂછ્યું : ‘આ કલાપીનું ગામ. જોવું છે ને ?’ અમે સૌએ ‘હા’ પાડી. લગભગ બે કલાકનો સમય અમે કલાપીના કેકારવમાં ઓગાળી દીધો. કલાપીનો મહેલ, દરબારગઢ, મહેમાનો માટેનો ભવ્ય આવાસ, કલાપીની સમાધિ, રમાબાના મહેલનું અધવચ્ચેથી અટકી ગયેલું બાંધકામ ! એક વખત અહીં કેવી ભવ્ય જાહોજલાલી હશે ? પણ અત્યારે તો તદ્દન બીસમાર હાલત હતી. એને જોઈને કોઈ એમ પણ ન કહી શકે કે ‘ખંડહર બતા રહા હૈ કી ઈમારત બુલંદ થી.’ કલાપીના સમાધિસ્થળની આસપાસ ચારેબાજુ વિષ્ટાના ઉકરડા ઠલવાયેલા હતા. આખા ગામના ખુલ્લા સંડાસની વચ્ચે મસ્તક પર કલગી ધારણ કરેલો એક વખતનો મત્ત મયૂર સૂતેલો છે એ જોઈને ધૂમકેતુ યાદ આવી ગયા. આને માટે વિનિપાત શબ્દ ટૂંકો પડે, ઘોર વિનિપાત કહીએ તો જ કંઈક ઠીક લાગે.

‘શું વિચારો છો ?’ મેં બિલોરી રંગના આ લેખક મિત્રને પૂછ્યું.
‘જે તમે વિચારો છો તે જ. મન આખું વિષાદયોગમાં ડૂબી જાય છે ને આ બધું જોઈને ? મને તો પેલો ઉર્દૂ શેર યાદ આવી જાય છે : જમીં ખા ગઈ આસમાં કૈસે કૈસે ? હુએ નામવર બેનિશાં કૈસે કૈસે ?’ સાંભળીને મનનો વિષાદ બેવડાઈ ગયો.
ફરી એકવાર પેલા મિત્ર મને પૂછવા લાગ્યા : ‘ડૉક્ટર, મારે બે દિવસ પછી ડાયાબિટિસની તપાસ કરાવવાની છે. તમે મને સમજાવશો કે એ તપાસ ક્યારે કરાવવી – જમ્યા પછી ?’ હું ફરીથી ફિલસૂફવત્ બની ગયો. એ સમજી ગયા કે આના ખોળિયામાંથી ડોક્ટરે વિદાય લઈ લીધી છે. હવે એ બીજાનાં તો શું પણ ખુદ કલાપીના ડાયાબિટિસની પણ સારવાર નહીં કરે ! મેં એમને સમજાવી દીધું કે હમણાં મારી બુફેની ડીશમાં હું ગુજરાતી સાહિત્યનું એક અતિ રોમેન્ટિક પ્રકરણ મૂકીને આરોગી રહ્યો છું. હું અત્યારે અહીં છું જ નહીં. આજથી સો વર્ષ પહેલાંની એ રંગીનીમાં ચાલ્યો ગયો છું. અહીં કલાપી બેસતા હશે, અહીં ગઝલો લખાતી હશે, અહીંથી એક સાથે કલાપીની બે-બે જાન ઊઘલી હશે, આ ભૂમિ પર મોંઘી વડારણ શોભનાબા બનીને મોરલાની ઢેલ બન્યા હશે, અહીં ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખ્યો હશે, અહીં આમ બન્યું હશે… અહીં તેમ બન્યંસ હશે…. અને આ ટપકાંઓની વચ્ચેના શૂન્યાવકાશમાં એક રાજવી કવિ ટહુકાઓ કરતો કરતો અચાનક શાંત થઈ ગયો હશે…. કે પછી એને શાંત કરી દેવામાં આવ્યો હશે ? બે કલાકને અંતે અમે લાઠી છોડ્યું. પણ આનંદની ક્યાં કમી હતી ? અમરેલીમાં લયનો કામાતૂર રાજવી રાજવી હતો, સોનલ કાવ્યોનો સોના જેવો સર્જક હતો, તો સાવરકુંડલા કે જ્યાં આ કાર્યક્રમ હતો ત્યાં તો જાણે કે સાહિત્યકારોનો મેળો હતો. બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી મહેફિલ જ્યારે અંતના આગોશમાં ઢળી ત્યારે ઘડિયાળમાં રાત્રિના અઢી વાગ્યા હતા. કવિઓ અને લેખકોનો મધપુડો હતો અને શ્રોતાઓ જાણે કે મધમાખો !

મહેફિલ ડૂબી ગઈ. આંખોમાં ઉજાગરો આંજીને અમે સૌ ઊભા થયા પણ હજુ આંખોને અને ઊંઘને બાર ગાઉનું છેટું હતું. વચ્ચે મુગ્ધ વાચકો પહાડની જેમ ઊભા હતા. બધાં જ ઓટોગ્રાફવાંચ્છુ ! હાથ થાકી જાય એટલાં ઓટોગ્રાફસ હું આપતો રહ્યો. આજે મારા કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચેથી બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે મારી સાહિત્યસાધના મને ક્યાં સુધી લઈ ગઈ છે ? દુશ્મનોને ઈર્ષ્યા થાય અને સાચા મિત્રોને પોરસ થાય એવી ભીડ હતી. દરેક પ્રશંસકને હું બે-ત્રણ લીટીઓનું પ્રસંગોચિત્ત લખાણ લખી આપતો હતો અને પછી નીચે મારી સહિ કરી આપતો હતો. એ પણ ખુશ હતા, હું પણ ! આ ‘ગ્લેમર’ હતું મારા માટે ! મારી લેખનશક્તિનો વાચકો દ્વારા થતો સ્વીકાર હતો આ ! મનના પાતાળકૂવામાંથી દર્પનું મવાણ ફૂટી નીકળે એ સ્વાભાવિક હતું. એની છાલક ચહેરા પરથી કળાઈ ન જાય એ માટે મારે મહેનત કરવી પડતી હતી.

એવામાં મારી સામે એક કોરો કાગળ ધરવામાં આવ્યો. મેં નજર ઉઠાવી. એ કોઈ કૉલેજ કન્યા નહોતી, એક વૃદ્ધ મારી સામે તગતગતી આંખે જોઈ રહ્યો હતો. એની આંખોમાં મારા પ્રત્યેના અહોભાવ ઉપરાંત કોઈ બીજી પણ લાગણી ડોકાતી હતી. કાગળનો છેક નીચેનો હિસ્સો બતાવીને એણે મને કહ્યું : ‘બેટા, તારા અક્ષર અહીં પાડી આપ.’ મેં મારી સહિ કરી. પછી એને પૂછ્યું : ‘બોલો કાકા ! ઉપરના કોરા ભાગમાં હું તમારા માટે શું લખી આપું તો તમને ગમશે ?’ મેં તો ખાલી પૂછવા ખાતર જ પૂછ્યું હતું. વાસ્તવમાં હું વિચારવા માટેનો સમય મેળવી રહ્યો હતો. પણ એમણે જાણે કે ગોખી રાખેલો હોય એમ જવાબ આપ્યો : ‘એમાં તું દવા લખી આપ, દીકરા…’

હું ઝાટકો ખાઈ ગયો. મારી બુફેની ડીશમાં ફરીવાર વાનગીઓની ભેળસેળ થઈ જતી હતી. મેં વિરોધ કરવા પ્રયત્ન કર્યો : ‘જુઓ કાકા, હું અહીં ડોક્ટર તરીકે નહીં, પણ…’
પણ એ વૃદ્ધના કંપતા સ્વરે મને રોક્યો : ‘બેટા, મારે એક જ દીકરો છે. એને પરણાવ્યે પાંચ વરસ થયાં. વહુને ત્રણ વાર સારા દિવસ રહ્યા અને ત્રણેય વાર કસુવાવડ થઈ ગઈ. દીકરા, આ બુઢ્ઢો તારો વાચક છે. તને મળવા અમદાવાદ સુધી આવવાનું તો મારાથી બને એમ નથી, પણ આજે ભગવાને જ તને અહીં મોકલી આપ્યો છે. હું બાજુના ગામડેથી એકલો આવ્યો છું. તું આવવાનો છે એની મને કાંઈ જ ખબર નહોતી, પણ તને જોયા પછી ખાધા-પીધા વગરનો બાર કલાકથી હું અહીં બેઠો છું. ક્યારે તું નવરો પડે ને ક્યારે તને મળું ? દરદીને તપાસ્યા વગર પણ તું દવા લખી આપ. ભગવાનને કરવું હશે તો તારા હાથમાં જશ આપશે ને મારા હાથમાં મારા દીકરાના દીકરાને ઘોડિયામાં હીંચકાવવાનું સુખ ! ક્યારે મારી આંખ મીંચાઈ જાય એ….!’

મેં ફરીથી પેનનું ઢાંકણ ખોલ્યું. મારી ડીશમાં મીઠાઈના ચકતા ઉપર લગભગ બધી જ વાનગીઓ ઢળી પડી હતી. પણ છતાંયે મીઠાઈ કોણ જાણે કેમ મીઠી જ લાગતી હતી !