Friday, July 9, 2010

ખરી તકલીફ વેઠીને ખુમારી શ્વાસમાં રાખી કરી પૂરી ફરજ મારી નજર આકાશમાં રાખી

‘હોદ્દો ભલે પ્રોફેસરનો રહ્યો પણ મૂળભૂત રીતે તો તું માસ્તર જ કહેવાય. વેદિયાવેડા તમારા લોહીમાં જ હોય.’ ડોક્ટર દીપક દેસાઇની જીભ કાતરની જેમ ચાલતી હતી. પ્રોફેસર પત્નીને ધમકાવતી વખતે કાતર વધુ ધારદાર બની જતી. દેવાંશી અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા હતી પરંતુ એની પરિપક્વતા અને સમજદારી એટલી સંગીન હતી કે પતિ ટોણા મારવાના મૂડમાં હોય ત્યારે એ શાંત રહેતી. દીપક પોતાનો બધો ઊભરો કાઢી લે ત્યાં સુધી શાંતિથી સાંભળ્યા પછી માત્ર બે કે ત્રણ વાક્યમાં જ એ એવો રણકતો જવાબ આપતી કે ડોક્ટરે કાન પકડવા પડતા. ડોક્ટરનું બોલવાનું હજુ ચાલુ હતું. ‘એ લોકો મીઠું મીઠું બોલીને મોટા ભા બનાવે એ સાંભળવાનું. હા એ હા કરવાની. પછી છેલ્લી ઘડીએ એવો આઇડિયા કરવાનો કે આપણો હાથ ઉપર રહે. મારા જેવા ચાર ઇ.એન.ટી. સર્જનને એમણે પકડ્યા હશે. એટલે મનમાં હરખશોક નહીં રાખવાનો.’ મીઠું હસીને દીપકે દેવાંશીને પૂછ્યું. ‘માસ્તરસાહેબ, સમજણ પડી?’

દેવાંશી કંઇ જવાબ આપે એ અગાઉ ફ્લેટની ડોરબેલ રણકી. ભરબપોરે આટલી ગરમીમાં કોણ હશે? દેવાંશીએ બારણું ખોલ્યું. લગભગ ચાલીસ-પિસ્તાલીસ વર્ષનો એક પુરુષ અને ચાલીસેક વર્ષની સ્ત્રી સહેજ સંકોચ સાથે બારણામાં ઊભાં હતાં. ‘સોરી સાહેબ, આરામના સમયે આપને તકલીફ આપી.’ પુરુષે વિવેકથી કહ્યું, ‘દસ-પંદર મિનિટનું કામ છે. વસતી ગણતરી માટે આવ્યાં છીએ.’

‘આવો...’ દીપક કંઇ આડોઅવળો જવાબ આપી દે એ અગાઉ દેવાંશીએ એ બંનેને અંદર આવવા કહ્યું. પુરુષના હાથમાં સૂટકેસની સાઇઝની કાળા રંગની પ્લાસ્ટિકની થેલી હતી.

એના ઉપર નાનકડા ગોળ સફેદ વર્તુળમાં વસતી ગણતરી ૨૦૧૧નો લોગો છપાયેલો હતો. સ્ત્રીના હાથમાં થેલી હતી. બંને પરસેવે રેબઝેબ હતાં. આ કામ માટે આવી ગરમીમાં એ લોકો રઝળતા હશે એ જોઇને દેવાંશીએ સહાનુભૂતિથી સોફા તરફ આંગળી ચિંધી. ‘બેસો...’ એ બંને બેઠાં. દેવાંશી કિચનમાં જઇને પાણીના બે ગ્લાસ લઇને આવી.

‘થેંક્યુ...’ પાણી પીધા પછી પુરુષે પોતાની ઓળખાણ આપી. ‘અનિલ સોલંકી.’ જોડેની સ્ત્રી તરફ આંગળી ચિંધીને એણે ઉમેર્યું. ‘મારી મિસિસ નિમિષા. મારે હેલ્થનો પ્રોબ્લેમ છે એટલે એને જોડે રાખવી પડે છે.’

અનિલે પોતાનો થેલો ખોળામાં મૂકીને નિમિષા સામે જોયું. ‘કાચું ફોર્મ આપ...’ નિમિષાએ એની થેલીમાંથી એક પાનાનું એક ફોર્મ કાઢીને અનિલને આપ્યું. થેલા ઉપર ફોર્મ મૂકીને અનિલ એ ભરવાનું શરૂ કરે એ અગાઉ એનો મોબાઇલ રણકયો. મોબાઇલમાં સામા છેડેથી જે કહેવાતું હતું એ સાંભળીને એનો ઘઉંવર્ણો ચહેરો ચિંતાતુર બની ગયો હતો. ‘ચિંતા ના કરતી. હું સીધો હોસ્પિટલ આવું છું.’ વાત પૂરી કરીને એણે નિમિષા સામે જોયું. ‘ખુશ્બૂનો ફોન હતો. બાપાને હાર્ટએટેક આવ્યો છે. મોટાભાઇ એમને હોસ્પિટલ લઇ ગયા છે.’

‘એક કામ કરો.’ એ બંને જે રીતે ગભરાયેલાં હતાં એ જોઇને દેવાંશીએ એમને સમજાવ્યું. ‘સીધા હોસ્પિટલ જવું હોય તો આ બધો સામાન અહીં મૂકીને જ જાવ. ત્યાં આ બધું ક્યાં જોડે ફેરવશો? મારે વેકેશન છે એટલે હું ઘેર જ હોઉં છું. જરાયે ચિંતા કર્યા વગર સીધા હોસ્પિટલ પહોંચી જાવ. બાઇક છે કે સ્કૂટર? જે વાહન હોય એ શાંતિથી ચલાવીને જજો.’

‘એમને ડાબા પગે પેરેલિસિસ છે. એટલે રિક્ષામાં જ જવાનું છે.’ ઝડપથી પગ ઉપાડતી વખતે નિમિષાએ જવાબ આપ્યો. ‘સોસાયટીના ગેટ પાસે જ રિક્ષાઓ ઊભી હશે.’ દેવાંશીએ છેલ્લી માહિતી આપી ત્યાં સુધીમાં તો એ બંને ફ્લેટની બહાર નીકળી ચૂક્યાં હતાં.

ત્રીજા દિવસે સવારે ડોક્ટર દીપક એના ક્લિનિક પર જવા રવાના થયા, એ પછી દસેક મિનિટ બાદ અનિલ એકલો આવ્યો. ત્રણ દિવસની દાઢી વધેલી હતી. ‘કેમ છે તમારા ફાધરને?’ દેવાંશીનો સ્વભાવ લાગણીશીલ હતો અને સમાજના છેવાડાના માણસો પ્રત્યે એના હૃદયમાં સાચી સંવેદના હતી એટલે અનિલ આવ્યો કે તરત એણે પૂછ્યું, ‘સારું છે. અડતાળીસ કલાક હેમખેમ વીતી ગયા એટલે વાંધો નહીં આવે... ઉપરવાળાની મહેરબાનીથી બચી ગયા.’

દેવાંશીએ અંદરના રૂમમાંથી લાવીને અનિલના બંને થેલા ટિપોઇ પર મૂક્યા. અનિલે એમાંથી માર્કરપેન બહાર કાઢીને ફ્લેટના બારણાં ઉપર વ.ગ.૨૦૧૧ લખ્યું પછી બ્લોક નંબર અને ઘર નંબર લખીને એ અંદર આવ્યો. થેલામાંથી ઝેરોક્સ કરેલું સાદું ફોર્મ લઇને એણે દેવાંશીને પૂછવાનું શરૂ કર્યું. ‘આ કાચું ફોર્મ અને પાકું ફોર્મ એટલે શું?’ પ્રાધ્યાપિકા તરીકે દેવાંશીએ જિજ્ઞાસાથી પૂછ્યું.

‘આ પાકા ફોર્મ...’ અનિલે મોટા થેલામાં સીધા રહી શકે એ રીતે મૂકેલા બે ફોર્મના નમૂના દેવાંશી તરફ લંબાવ્યા. ‘આ લાલ ફોર્મમાં ચૌદ કોલમ છે. એમાં ફેમિલીના એકેએક માણસની બધી વિગત લખવાની અને આ પીળા ફોર્મમાં ટોટલ પાંત્રીસ કોલમ છે. મારા બ્લોકમાં જેટલાં ઘર હોય એ દરેકની બધી વિગત એમાં ભરવાની.’

‘ઓહ ગોડ!’ બંને ફોર્મ ધ્યાનથી જોયાં પછી દેવાંશીએ આશ્ચર્યથી કહ્યું, ‘સરકાર આટલું ઝીણું કાંતે છે એ પહેલી વાર જોયું.’

‘આ ફોર્મમાં કોઇ ચેકચાક કે ભૂલ ના થવી જોઇએ.’ અનિલે સમજાવ્યું. ‘એટલે અમે લોકો અહીં કાચા ફોર્મમાં બધી વિગત લઇ લઇએ. પછી ઘેર શાંતિથી બેસીને પાકા ફોર્મ ભરવાનાં. બહુ કાળજીથી કામ કરવું પડે છે.’

‘રાધાબહેન,’ એ બોલતો હતો એ દરમિયાન દેવાંશીએ કામવાળા બહેનને ચા-નાસ્તો લાવવાની સૂચના આપી.

‘તમારે કુલ કેટલા ઘરમાં જવાનું?’

‘આમ તો સવાસો-દોઢસો ઘરનો નિયમ છે પણ મારું નસીબ નબળું એટલે સૌથી મોટો બ્લોક મળ્યો છે. લગભગ સાડા ત્રણસો ઘર ઉપરાંત રોડ ઉપરની ચાલીસ-પચાસ દુકાનો પણ લટકામાં!’

‘આજે તમારા મિસિસ જોડે નથી આવ્યાં?’

‘બાપા હજુ હોસ્પિટલમાં છે.’ અનિલે સમજાવ્યું. ‘કાલથી આવશે. આજે ધીમે ધીમે થાય એટલા ઘર કરીશ. મારાથી ચાલતાં ચાલતાં પડી જવાય છે. ડાબા પગે લકવો છે અને ચહેરાનો આ ડાબો હિસ્સો પણ સાવ જડ છે.’ અનિલે પોતાના હાથે ડાબા ગાલ ઉપર જોરથી થપ્પડ મારી. ‘અહીં બ્લેડ મારો તો પણ મને ખબર ના પડે.’

‘તોય તમને આવા કામમાં જોતરી દીધા? હેલ્થના ગ્રાઉન્ડ ઉપર આ લોકો નથી વિચારતા?’

‘એકચ્યુઅલી, મારા સાહેબને આ કામનો ઓર્ડર મળેલો. આ કામમાં ના પાડી ના શકાય. એમનાથી પહોંચી વળાય એવું નહોતું એટલે એમણે મને પૂછ્યું. તમે જ કહો બહેન, જે સાહેબ કાયમ આપણને સાચવતો હોય એને આવા કામમાં ના કઇ રીતે પડાય? મેં હા પાડી એટલે એમણે ઓર્ડર સુધરાવીને મારા નામનો કરાવી નાખ્યો.’

‘તમે શેમાં નોકરી કરો છો?’

‘ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. મારા બાપા રમણભાઇએ પૂરી નિષ્ઠાથી નોકરી કરેલી એટલે રોજમદાર તરીકે સાહેબોએ મને રાખી લીધેલો. પછી તો વર્કચાર્જ કારકૂન તરીકે કાયમી થઇ ગયો.’

‘તમારી મિસિસનો સ્વભાવ સારો છે. વસતી ગણતરીના કામમાં જોડે રહીને સારી મદદ કરે છે.’

‘એનાથી ડબલ ફાયદો થાય છે. સાડા ત્રણસો ઘરની ગણતરી એટલે સવારથી સાંજ સુધી ફર્યા વગર છુટકો નથી. એ જોડે હોય એટલે બપોરે પણ ફરી શકાય. હું એકલો હોઉં તો બપોરે કોઇના ઘેર ના જવાય.’

‘સાચી વાત છે.’ દેવાંશીને અનિલની વાતમાં રસ પડ્યો હતો. ‘એ કોઇ નોકરી કરે છે?’

‘જી... એ સિવાય આ પગારમાં કઇ રીતે પૂરું થાય? એક રાજસ્થાની જૈન શેઠાણીનો સાડીઓનો શોરૂમ છે. શેઠાણીનો સ્વભાવ સારો છે એટલે સાત વર્ષથી એમના શો રૂમમાં કામ કરે છે.’ અનિલે ઉમેર્યું. ‘નોકરી ઉપરાંત ખુશ્બૂ અને મહર્ષિને ભણાવવાની જવાબદારી પણ એ ઉઠાવે છે. મારી બા અંગૂઠાછાપ છે પણ એમની કોઠાસૂઝ બહુ ઊંચી. બધાં ભાઇ-બહેનોને પેટે પાટા બાંધીને ભણાવેલાં. એ અભણ પણ એમણે અમને એક જ વાત શીખવી કે મહેનત કરીને આગળ આવો. અને ક્યારેય હરામનો એક પૈસો પણ ખાવાની દાનત નહીં રાખવાની. આજે એમની તાલીમ અને આશીર્વાદથી બધાં સુખી છીએ.’

કામવાળા બહેન આવીને ચાનો ખાલી કપ લઇ ગયાં અને પાણીનો ગ્લાસ મૂકી ગયાં.

અનિલે કાચા ફોર્મના બધા સવાલ-જવાબ પૂરા કર્યા અને પછી ઊભા થઇને દેવાંશી સામે હાથ જોડ્યા. ‘બહેન, તમે પ્રોફેસર છો છતાં મારા જેવા નાના માણસ જોડે આ રીતે વાત કરી એ બહુ ગમ્યું. અમુક ઘરમાં તો બારણે ઊભા રહીને જ વાત કરવી પડે છે.’ અનિલે હસીને ઉમેર્યું. ‘જોકે એ પણ સાચું છે. બધે આ રીતે બેસીએ તો દોઢ વર્ષે પણ કામ ના પતે. આમ કડાકૂટિયું છે અને આ ગરમીનો ત્રાસ છે. એ છતાં જવાબદારી લીધી છે એટલે કોઇ પણ ભોગે પૂરી કરવાની. જે કામ કરવાનું જ છે એમાં કંટાળો લાવીને શું ફાયદો? પાકા ફોર્મ ભરવામાં રોજ રાત્રે બાર વાગે છે. એ છતાં એવી રીતે ચીવટથી કરવાનું કે એમાં એક પણ ભૂલ ના જાય. સરકારે ફરજ સોંપી એટલે દિલથી પૂરી કરવાની.’

અનિલે વિદાય લીધી. બપોરે દોઢ વાગ્યે દીપક આવ્યો એટલે બંને સાથે જમવા બેઠાં. જમવાનું ચાલુ હતું અને દીપકનો મોબાઇલ રણકયો. સ્ક્રીન ઉપરનું નામ જોઇને એણે એક સેકન્ડ માટે મોં કટાણું કર્યું. પછી હસીને ફોન ઉઠાવ્યો. ‘બોલો ગણાત્રાસાહેબ, મજામાં?’

રાજકોટના ગણાત્રાની એક સેવાભાવી સંસ્થા દર વર્ષે એ બાજુના ગ્રામ્યવિસ્તારમાં મેડિકલ કેમ્પનું મોટા પાયે આયોજન કરતી હતી. ચાર દિવસ અગાઉ એમણે બીજા ત્રણ-ચાર ઇ.એન.ટી. સર્જનની સાથે દીપકને પણ વાત કરીને બે દિવસ માટે એ કેમ્પમાં સેવા આપવાની વિનંતી કરી હતી. આવતી કાલે બપોરથી કેમ્પ શરૂ થવાનો હતો એટલે ફરીથી યાદ કરાવવા માટે એમણે ફોન કર્યો હતો. ‘તમારા જેવા સેવાભાવી ડોક્ટરોનો સાથ મળે એટલે આપણે મજા જ હોઇએ છે.’ ગણાત્રાએ પૂછ્યું. ‘કાલે સવારે તમે ડોક્ટર રાવલની સાથે જ કારમાં નીકળો છો ને?’

‘સો ટકા આવવાનું નક્કી હતું પણ અબ્બી હાલ કાર્યક્રમ બદલાઇ ગયો.’ ગણાત્રા સાથે વાત કરતી વખતે દીપકે દેવાંશી સામે આંખ મીચકારીને વાત ચાલુ રાખી. ‘મિસિસના મામા સવારની ફ્લાઇટમાં મુંબઇથી આવે છે. એમને કિડનીનો સિરિયસ પ્રોબ્લેમ છે એટલે એમની સાથે રહેવું પડશે. સોરી ગણાત્રાસાહેબ, ફરીથી ક્યારેક ચોક્કસ રાજકોટ આવીશું...’એ બોલતો હતો. દેવાંશી એના કલીનશેવ્ડ ગોરા ચહેરા સામે તાકી રહી.

(શીર્ષક પંક્તિ : લેખક)