સૌગાત બાથરૂમમાં નહાઇ રહી હતી. એનો પતિ પૈગામ પંડ્યા હમણાં જ ઊંઘમાંથી જાગીને બેડરૂમની સાથે જોડાયેલી બાલ્કનીમાં ઊભો હતો. પૈગામ જ્યાં ઊભો હતો ત્યાં બાથરૂમનું વેન્ટિલેટર પડતું હતું. એ ઊંચે હતું એટલે ઓડિયો સ્પષ્ટ સંભળાતો હતો. નળમાંથી પડતાં પાણીનો અવાજ, સૌગાતનાં રૂપાળા ગળામાંથી ઢોળાતા ફિલ્મીગીતનો મધમીઠો સ્વર, હાથની બંગડીનો ખણકાટ અને પગમાં પહેરેલી પાયલનો રણકાર.
પૈગામે કાનને જરાક વધારે સરવા કર્યા ત્યાં તો સૌગાતનાં સંગેમરમરી દેહ ઉપર ઘસાતા સાબુનો લસરકો પણ સંભળાવા લાગ્યો. જાગતી આંખનું સપનું બરાબર જામ્યું હતું ત્યાં જ બાથરૂમમાં મોબાઇલ ફોન વાગવાનો રિંગટોન સંભળાયો. અડધી-પોણી મિનિટમાં સૌગાતે ‘કોલ’ રિસીવ કર્યો. પૈગામ સમજી ગયો કે ભીના હાથ લૂછવામાં આટલી વાર તો લાગે જ.
એણે કાન સરવા કર્યા. ‘હાય, ડિયર! ગુડ મોર્નિંગ! આવા સમયે જ ફોન કરવાનો? હું અત્યારે નહાવા બેઠી છું. મને શરમ આવે છે. હા, જાણું છું કે વાત કરતી વખતે સામેવાળાને જોઇ પણ શકાય એવી સગવડ તારા સેલફોનમાં નથી... તો પણ... શરમ તો આવે ને..? આખરે તો હું સ્ત્રી છું. સુંદર અને યુવાન સ્ત્રી... ભીની અને વસ્ત્રવિહીન સ્ત્રી...’
બાલ્કનીમાં ઊભેલો પૈગામ સળગી ગયો. શરીરના તમામ છિદ્રોમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. પત્ની હોવા છતાં સૌગાતે આવી શૃંગારિક ભાષામાં એની સાથે ક્યારેય વાત કરી ન હતી. સામે છેડે કોણ હશે? જેવી પત્ની સ્નાન પતાવીને બહાર નીકળી, તેવી જ એને રિમાન્ડ ઉપર લેવાનું શરૂ કર્યું, ‘કોનો ફોન હતો? કોની સાથે આમ લળી-લળીને અને પલળી-પલળીને વાત કરતી હતી?’
‘કોઇની સાથે નહીં. તમને ભણકારા સંભળાતા લાગે છે. લો, જાતે જ ચેક કરીને ખાતરી કરી લો!’ ભીનાં વાળ ઝટકાવીને સૌગાતે સેલફોન પતિના હાથમાં સોંપી દીધો. ફોનમાં હવે શું હોય? સ્ક્રીન ખાલીખમ હતો. ધૂંધવાયેલો પૈગામ ત્યારે તો ચૂપ થઇ ગયો, પણ બપોરે ઓફિસમાં જવાને બદલે એ સીધો આલમના ઘરે પહોંચી ગયો.
આલમ આચાર્ય અને પૈગામ પંડ્યા કોલેજમાં સાથે ભણતા હતા. કોલેજ એક હતી, પણ વર્ગો જુદા હતા. આલમે બિઝનેસમાં પૈગામ કરતાંયે મોટું કાઠું કાઢ્યું હતું. વધારામાં એણે સમાજના તમામ વર્ગોમાં સંબંધો જમાવ્યા હતા. રાજ્યના ઉદ્યોગ પ્રધાનના ઘરે એ ભોજન માટે પણ જઇ શકે અને અંડરવર્લ્ડના ડોનના દીકરાના લગ્નમાં પણ હાજરી આપી શકે.
શહેરનો એક પણ સુપારી કિલર એવો ન હતો જે આલમ આચાર્યનું કામ પૈસા લીધા વગર ન કરી આપે, રાજ્યનો એક પણ પોલીસ ઓફિસર એવો ન હતો જે આલમ આચાર્યના એક જ ઇશારા પર એનું કામ કરી આપનાર સુપારીબાજને છોડી ન મૂકે. પૈગામ પંડ્યા આવા મોટા માથાના ચરણોમાં લાકડી બનીને લેટી ગયો, ‘કંઇક કર, દોસ્ત! મારી સૌગાત સાથે કોણ લફરુ ચલાવી રહ્યું છે એ શોધી કાઢ. નહીંતર હું...’
આલમે એને ઠંડો પાડ્યો, ચા પીવડાવી, ધીરજ અને શાંતિથી આખી વાત વિગતપૂર્વક જાણી લીધી. મામલો એને પણ ગંભીર લાગ્યો. એક કલાકની ચર્ચાના અંતે એણે પૂછી લીધું, ‘તું મને એટલું કહી દે કે મારે શું કરવાનું છે. અને તારા વાક્યમાં છેલ્લે તું જે બોલી ગયો કે ‘નહીંતર હું...’ એમાં મારે શું સમજવાનું છે એ પણ કહી નાખ.’
પૈગામ ઢીલો પડી ગયો, ‘દોસ્ત, હું બીજું તો શું કરી શકું તેમ છું? પણ એટલું નક્કી છે કે સૌગાતને હું એટલો બધો પ્રેમ કરું છું કે એના વગર હું જીવી નહીં શકું. એનું લફરુ ચાલુ રહેશે, તો મારા શ્વાસ બંધ થઇ જશે.’
આલમે એને આશ્વાસન આપ્યું, ‘મને વિશ્વાસ છે કે સૌગાત તારા સિવાય બીજા કોઇ પુરુષને ચાહી જ ન શકે. આ બધો તારા મનનો વહેમ છે. રૂપાળી સ્ત્રીનાં પતિની આ જ હાલત થતી હોય છે. પણ તેમ છતાં ભવિષ્યમાં આ વાત સાચી નીકળે તો તું વિના સંકોચે મારી પાસે આવી જજે. હું તમામ રીતે તને મદદ કરવા તૈયાર છું.’
પંદરેક દિવસમાં જ પૈગામ પાછો આલમની ઓફિસમાં આવી ચડ્યો, ‘દોસ્ત, એક નાનકડું કામ કર, મને ઝેર લાવી આપ. હવે હું જીવી નહીં શકું. મારી સૌગાત હવે મારી નથી રહી.’
‘સાબિતી આપ.’ આલમે ટેબલના ખાનામાંથી રિવોલ્વર કાઢીને પંપાળી. જવાબમાં પૈગામે એક પરબિડીયું ધરી દીધું. આલમે અંદરથી કાગળ કાઢીને વાંચવાનું શરૂ કર્યું, ‘પ્રિય સૌગાત, હવે ફોન કરવા ઉપર તો તે ‘સ્ટે ઓર્ડર’ મૂકી દીધો છે, માટે આ કાગળ લખવો પડે છે. તારો બળદિયો શું કરે છે?
મને તો એ જ સમજાતું નથી કે તું એની સાથે રહી શી રીતે શકે છે. આવતી કાલે આપણે મળીએ છીએ. આપણાં ગુપ્ત સ્થળ ઉપર આવી જજે. સમયની તને ખબર છે અને પેલા ડફોળને ખબર ન પડે એ માટે શું બહાનું કાઢવું એની પણ તને ખબર છે. લિ.તારા મિલન માટે તરસતો... માત્ર... તારો જ...’
આલમના કપાળ ઉપર ચોળાયેલી ચાદર જેવી કરચલીઓ ઉપસી આવી, ‘દોસ્ત, મામલો સાચ્ચે જ ગંભીર બનતો જાય છે. તે આ કાગળ વિશે સૌગાતને કંઇ પૂછ્યું ખરું? એણે જવાબમાં શું કહ્યું?’
‘શું કહે? એ તો સાવ જ છૂટી પડી. કહી દીધું કે કોઇએ હેરાન કરવા આ તરકટ રચ્યું લાગે છે.’
‘એ તો દરેક સ્ત્રી આવી ક્ષણે એમ જ કહે. પણ આપણે ચૂપ ન રહેવાય. તું મને પેલા પુરુષનું નામ લાવી આપ, પછી હું છું, એ છે અને આ રિવોલ્વર છે.’ ખાટલે મોટી ખોડ એ હતી કે પૈગામને એની પત્નીના પ્રેમીના નામ વિશે જાણકારી ન હતી. માહિતીને ગોળી મારો, એના વિશે શંકા સરખીયે ન હતી. આલમ ખૂન કરે તો પણ કોનું કરે?!
પંદર દિવસ પછી બપોરે ત્રણ વાગ્યે પૈગામ વાવંટોળ બનીને આલમની ઓફિસમાં ધસી આવ્યો. એનો ચહેરો તાજી જ રાંડેલી વિધવા સ્ત્રીના ચહેરા જેવો દેખાતો હતો. આલમે ઠઠ્ઠા કરી, ‘કોણ મરી ગયું?’
‘તારો મિત્ર. એટલે કે હું.’ પૈગામે હળવા પ્રશ્નનો ગંભીરતાથી ઉત્તર આપ્યો.
‘આમ જીવતે જીવ મરી જવા માટેનું કારણ?’
‘પત્નીની બેવફાઇ.’
‘પાછી એની એ જ રામાયણ? સબૂતના પાયા વગર ચણેલી શંકાની ઇમારત?’
‘આ વખતે સત્યની ઇમારત છે અને સાબિતીનો પાયો પણ છે. મજબૂત સાબિતી હું પોતે જ સાક્ષી છું. ગઇકાલે હું ઓફિસમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો, પણ પછી ઓફિસે જવાને બદલે મારા બંગલાથી થોડેક દૂરની ગલીમાં સંતાઇને બેસી રહ્યો.
પૂરા એક કલાક પછી સૌગાત બની-ઠનીને બહાર નીકળી, રિક્ષામાં બેઠી અને રિક્ષા શહેરથી બહાર દૂરના નિર્જન વિસ્તાર તરફ દોડવા લાગી. સલામત અંતરે હું પણ ગાડીમાં એનો પીછો કરતો રહ્યો. પાંત્રીસેક મિનિટ પછી રિક્ષા એક ભવ્ય બંગલા પાસે ઊભી રહી. સૌગાત ભાડું ચૂકવીને બંગલામાં ઓગળી ગઇ.’
‘બંગલો કોનો હતો?’ આલમે આંખો ઝીણી કરી.
‘એ શોધવાનું બાકી છે. હું છેક પાસે જઇ આવ્યો, પણ ઝાંપા આગળ ચાર-ચાર શિકારી કૂતરાઓ જોઇને પાછો વળી ગયો. બે કલાક સુધી ગાડીમાં બેસી રહ્યો, પણ સૌગાત બંગલામાંથી બહાર ન આવી. કંટાળીને પાછો ફરી ગયો. રાત્રે મેં ઉગ્ર ઝઘડો કર્યો, પણ સૌગાતે હોઠ સીવી દીધા.’
આલમે ટેબલના ખાનામાંથી રિવોલ્વર બહાર કાઢી. ‘શું કરવું છે?’ બોલી નાખ! તું કહેતો હોય તો એ માણસનું ખૂન હું જાતે કરી નાખું. નહીંતર કોઇ પ્રોફેશનલ કિલરને સોપારી આપી દઉ.’
પૈગામની આંખોમાં લુચ્ચાઇ તરવરી ઊઠી. એ કુટીલતાપૂર્વક મુસ્કુરાયો, ‘ના, મારે એ પુરુષને નથી મારવો. એનો વાંક નથી. મારી સૌગાત છે જ એટલી સુંદર કે કોઇ પણ પુરુષ એની તરફ આકર્ષાય. હું પણ એને ચાહું છું જ ને!’
‘તો શી ઇચ્છા છે?’
‘સૌગાતને ખતમ કરી નાખ, દોસ્ત’ પૈગામના મોંમાંથી ભયાનક શબ્દો સરી પડ્યા, ‘હું એ સ્ત્રીને એટલી તીવ્રતાથી ચાહું છું કે એને બીજા કોઇ પુરુષના બાહુપાશમાં કલ્પી પણ નહીં શકું. અને આ જગતમાં હું કેટલા પુરુષોને મારતો રહીશ? એના કરતાં ‘ન રહે બાંસ, ન બજે બાંસુરી.’
એના ગયા પછી આલમ આચાર્ય ક્યાંય સુધી વિચારમગ્ન બનીને બેસી રહ્યો. આખરે એણે પેન લઇને લખવાનું શરૂ કર્યું. અડધા કલાક પછી એણે ‘બેલ’ વગાડી. એનો વફાદાર માણસ અંદર દોડી આવ્યો. બીજા અડધા કલાક પછી પૈગામ એક પત્ર વાંચી રહ્યો હતો :
‘પૈગામ, છાતી છપ્પનની કરીને આ પત્ર વાંચજે. તારી પત્નીનાં પ્રેમીનું નામ તારે જાણવું છે ને? તો જાણી લે! એ હું જ છું. હું એટલે આલમ આચાર્ય પોતે. મેં કોઇ મિત્રદ્રોહ નથી કર્યો, કારણ કે આપણે ક્યારેય મિત્રો હતા જ નહીં. આપણે તો ખાલી એક કોલેજમાં ભણતા હતા. હું પણ સૌગાતને ચાહતો હતો, પણ મારા પ્રેમનો એની સમક્ષ ઇઝહાર કરું એ પહેલાં તો તું એને પરણી ગયો.
મોડે-મોડે પણ સૌગાતને મારી લાગણી વિશે જાણ થઇ અને અમે..! પછી તને ખબર પડી ગઇ. જ્યાં સુધી તું સૌગાતના પ્રેમીને ખોખરો કરવાની વાત કરતો હતો ત્યાં સુધી મને માત્ર હસવું આવતુ હતું.
જો તેં પોતે મરી જવાની વાત કરી હોત તો પણ હું ટસથી મસ થયો ન હોત. પણ આજે તેં સૌગાતને ખતમ કરી નાખવાની વાત કરી દીધી. પૈગામ, તું પુરુષ નથી, પિશાચ છે. હું સૌગાતને તારા કરતા હજારગણી વધારે ચાહું છું.
માટે જ તારા માર્ગમાંથી હટી જઉ છું. બહુ ઝડપથી હું આ શહેર છોડીને ચાલ્યો જઇશ. એ વચન સાથે કે મારી સૌગાતને ફરી ક્યારેય નહીં મળું, પણ એક શરત છે : સૌગાતને દુખી ન કરતો. નહીં તો હું ઝંઝાવાતની જેમ પાછો આવીશ. જો તે એને મેણાનો કે ઠપકાનો એક પણ શબ્દ કહ્યો છે તો સમજી લેજે કે આ આલમ આખી આલમ માથે લેશે. સૌગાત મુબારક હો!
(શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)