Wednesday, July 1, 2009

બારણે તોરણ અગર તાળું હશેઉબરે આવી અમે ઊભા રહ્યાં

‘અઢી મહિના થયા આવ્યા. મોટીબહેન, હવે કંટાળ્યો છું. આખો દિવસ પરવશ થઇને પડયા રહેવાનું નથી ગમતું.’ સત્યાવીસ વર્ષના સુકેતુએ નિરાશાથી માથું ધુણાવ્યું.’ અમદાવાદ હોત તો ટાઇમ પસાર થઇ જાય. અહીં તમારા એર્નાકુલમમાં કોઇ ભાઇબંધ કયાંથી આવે?’ ‘અરે ગાંડા, હવે પંદર દિવસનો સવાલ છે. ધીરજ રાખ. તું હરવા-ફરવા માટે અહીં આવ્યો અને બાઇકનો એકિસડન્ટ થયો ને બેઉ પગે ફ્રેકચર થયું એમાં કોઇ શું કરે? બચી ગયો એ ઈશ્વરની મહેરબાની.’ મોટી બહેન સુધાએ એને આશ્વાસન આપ્યું. ‘તારા બનેવી આજે ટિકિટની તપાસ કરીને આવશે. છેક અમદાવાદ મૂકવા આવશે એટલે ચિંતા ના કરતો.’
સાંજની રસોઇની તૈયારી કરવા સુધા રસોડામાં ગઇ. પલંગમાં સૂતેલા સુકેતુના બંને પગ પ્લાસ્ટરમાં હતા અને લોખંડની ફ્રેમના આધારે ઊચે લટકતા હતા. સુકેતિની સંભાળ રાખવા માટે સુધાએ પંદરેક વર્ષના એક કેરાલિયન છોકરાને રાખ્યો હતો. એ ગરીબડો કિશોર ખૂણામાં બેસીને મલયાલમ છાપું વાંચી રહ્યો હતો. બહાર વરસાદ ચાલુ હતો.
સુકેતુએ છત ઉપર ફરતા પંખા સામે નજર સ્થિર કરી. ત્રણ મહિનાથી એ એર્નાકુલમમાં ફસાયો હતો. આ સમય દરમિયાન અમદાવાદ મમ્મી-પપ્પા જોડે દર અઠવાડિયે વાત થતી હતી. એ વાતમાં પોતે જેનો ઉલ્લેખ પણ નહોતો કરી શકયો એ સુજાતાનો વિચાર મનમાં ઝબકયો અને સુકેતુને પોતાની જાત પર શરમ આવી. જોકે વાત એવી હતી કે રૂબરૂ જ કહી શકાય. અમદાવાદ પહોંચીને બીજા જ દિવસે મમ્મી-પપ્પા પાસે બેસીને સુજાતા વિશે વાત કરવાનો એણે દ્દઢ નિર્ધાર કર્યો. છત ઉપર ફરતા પંખામાં સુજાતાનો નિર્દોષ ચહેરો એની આંખ સામે તરવરી રહ્યો. ગાય જેવી નિષ્પાપ અને ભોળી આંખો પહોળી કરીને એ જાણે પોતાની સામે તાકી રહી હોય એવું સુકેતુને લાગ્યું. અહીં આવ્યો એના દસેક દિવસ અગાઉના એ દ્દશ્યો ફરીથી આંખ સામે સજીવન થઇ ઊઠયા.
‘હું ને ઉમાશંકર કેશવપુરની નિશાળમાં સાથે ભણેલા. ગરીબીને લીધે એ ભણી શકયો નહીં ને ગામડે જ રહ્યો. બાળપણનો મિત્ર છે એટલે એનું માન રાખવા માટે પણ એની દીકરી સુજાતાને જોવા જવું પડશે.’ પપ્પા બોલતાં હતાં એ મમ્મીને ગમતું નહોતું. મોં કટાણું કરીને એણે સૂચના આપી. ‘મારા એકના એક દીકરા માટે ગામડાની સાત ચોપડી ભણેલી એ ગમાર છોકરીને પસંદ કરવાનું ના વિચારતા. તમે કહી રાખ્યું છે એટલે જઇ આવો, પણ કોઇ વચન આપીને ના આવતા. સુકેતુ માટે શહેરની ઘણી છોકરીઓ પડી છે.’
‘ઉમાશંકરની દીકરી એટલે સંસ્કાર અને આવડતમાં કોઇ ખામી નહીં હોય, એ છતાં વચન નહીં આપું. બસ?’
રવિવારે સવારે પપ્પા અને સુકેતુ અમદાવાદથી ટ્રેનમાં હડાળા પહોંરયા. કેશવપુર એટલે હડાળાથી છ કિલોમીટર દૂરનું અંતરિયાળ ગામડું. એસ.ટી.ની સગવડ ત્યાં નહોતી પહોંચી. કોઇ ખેડૂતનું બળદગાડું લઇને ઉમાશંકર સ્ટેશન પર આવેલા. આજુબાજુ ભાલની ઉજજડ જમીન વચ્ચે ઉબડખાબડ રસ્તે ગાડું આગળ વઘ્યું.
ઉમાશંકરનું ઘર ખાસ્સું મોટું હતું. ફળિયા વચ્ચે તુલસી કયારો. સુકેતુ ઉમાશંકર અને એમની પત્નીને પગે લાગ્યો ત્યારે એ વૃદ્ધ દંપતીના મોં પર જે આનંદ પથરાયો એનું શબ્દોમાં વર્ણન શકય નથી. ઓસરીમાં ઢાળેલા ખાટલા ઉપર પપ્પાની પાસે સુકેતુ બેઠો. આખા ગામની બધી સ્ત્રીઓ વારાફરતી આવીને સુકેતુને જોઇ ગઇ. સુજાતા હજુ સુધી જોવા નહોતી મળી. જમ્યા પછી બધા નિરાંતે બેઠા. ઉમાશંકરે પાણીની તકલીફની વાત કરી. ઘરમાં હેન્ડપંપથી પાણી ખેંચવું પડે છે પણ એ સાવ ખારું છે. પીવા માટેનું મીઠું પાણી તો બે કિલોમીટર દૂરના કૂવેથી લાવવું પડે છે. વગેરે વગેરે. સુકેતુ મનમાં અકળાતો હતો.
‘તમે આ ઓરડામાં આવો.’ થોડી વાર પછી ઉમાશંકરે સુકેતુને સૂચના આપી. ઓરડાની વચ્ચે લાકડાની ખુરસી હતી. બાજુમાં શેતરંજી પાથરેલી હતી. સુકેતુ ખુરસીમાં બેઠો. બધા વડીલો બીજા ઓરડામાં ગયા.
દબાતા પગલે પાંપણ ઢાળીને સુજાતા ઓરડામાં આવીને સુકેતુના પગ પાસે શેતરંજી પર બેઠી. સુકેતુ સ્તબ્ધ બની ગયો.
ગામડાગામની આ છોકરીના આવા રૂપની એણે કલ્પના નહોતી કરી. એ નીચું જોઇને બેઠી હતી અને એના વાળ છેક શેતરંજી પર પથરાતા હતા. એની ગોરી પાતળી આંગળીઓ ભોંય ખોતરતી હતી. સાદી સુતરાઉ સાડીમાં લગીરેય મેકઅપ વગરની આ છોકરીનું રૂપ જોઇને એ ચકરાઇ ગયો હતો. એ પાંપણ ઢાળીને બેઠી હતી.
‘તમે આગળ અભ્યાસ કેમ ના કર્યો ?’ સુકેતુએ હળવેથી પૂછ્યું. ‘અહીં કેશવપુરામાં સાત ધોરણ સુધીની જ સગવડ છે. આગળ ભણવું હોય તો સાઇકલ લઇને હડાળા જવું પડે. બાપુજીની ઇરછા નહોતી.’ એના અવાજમાં તળપદી રણકાની મીઠાશ હતી. નાના નાના પ્રશ્નોના જવાબ ઉપરથી સુકેતુને માહિતી મળી કે સુજાતાનો એક માત્ર શોખ રેડિયો સાંભળવાનો છે. ઘરમાં ટીવી નથી. એકવીસ વર્ષની ઉમરમાં એ કયારેય ગામ છોડીને બહાર નથી નીકળી! આવી ગભરુ અને નિષ્પાપ છોકરી માત્ર ફિલ્મોમાં જોવા મળે. સુકેતુએ વિચાર્યું. એ એકીટશે સુજાતાના નમણા ચહેરા સામે તાકી રહ્યો. સુજાતા પણ એની સામે જોઇ રહી હતી.
અચાનક સુજાતા ઊભી થઇ અને આગળ વધી. સુકેતુના બંને પગ એણે પોતાના હાથમાં જકડી લીધા. ‘તમે મને પરણશોને? મને શહેરમાં લઇ જશોને? આટલાં વર્ષથી પાણીના ત્રાસથી કંટાળી ગઇ છું. બોલો, તમે હા પાડશો ને?’ આટલું બોલતાં બોલતાં તો એને ડૂમો ભરાઇ આવ્યો. એની લાંબી પાંપણે ઝળઝળિયાંનું તોરણ બંધાઇ ગયું હતું. સુજાતાનું આ વર્તન એની ધારણા બહારનું હતું. એણે હળવે રહીને ઢીંચણ પાસેથી સુજાતાના હાથ ખસેડયા. એ બાપડી ભીની આંખે હજુ એની સામે દયામણી નજરે તાકી રહી હતી. સુજાતાએ જે રીતે પોતાના પગ ઢીંચણ પાસેથી પકડી લીધા હતા અને જે કાકલૂદી કરી હતી એને લીધે એની વિચારવાની શકિત ઓગળી ગઇ હતી. એણે હળવેથી હકારમાં માથું હલાવ્યું. સાડીના પાલવથી આંખ લૂછીને સુજાતા ધીમા પગલે બહાર નીકળી ગઇ.
સુજાતાનો એ દયામણો ચહેરો અત્યારે સુકેતુની આંખ સામે તરવરી રહ્યો હતો. પેલા કેરાલિયન કિશોરે ઘડિયાળમાં જોઇને સુકેતુને દવા આપી. બહાર વરસાદ હજુ ચાલુ હતો.
સુકેતુએ ફરીથી છત સામે જોયું અને ભૂતકાળમાં ખોવાઇ ગયો. કેશવપુરાથી આવ્યા પછી મમ્મીએ કંઇ પૂછ્યું નહોતું. ઉમાશંકરની અભણ જેવી દીકરી માટે એની અનિરછા હતી. એ પછીના ચોથા દિવસે મનોજની મમ્મીની તબિયત અચાનક બગડી હતી. મનોજ એની પોળમાં જ રહેતો હતો. આર્થિક રીતે અને સ્વભાવથી સાવ ગરીબડો હતો. હોસ્પિટલમાં મનોજ અને એના બાપા સાવ ઢીલા થઇ ગયા હતા. સુકેતુએ હોસ્પિટલનો આર્થિક વ્યવહાર સંભાળી લીધો હતો. પાંચ-છ દિવસ હોસ્પિટલની દોડાદોડી પછી પણ મનોજની મમ્મી બચી નહીં. કમળામાંથી કમળી થઇ ગઇ હતી. મનોજ એની જ્ઞાતિનો જ હતો એટલે એની મમ્મીની બધી અંતિમ વિધિમાં પણ સુકેતુએ એને મદદ કરી. એ બાપ-દીકરો તો સાવ ઓશિયાળાં બની ગયા હતા. બેમાંથી એકેયને સરખી ચા બનાવતા પણ આવડતું નહોતું. ગામડેથી દૂરના ફૈબાએ આવીને ઘરનો વહીવટ સંભાળી લીધો હતો. એ પછી ચાર-પાંચ દિવસમાં સુકેતુ એર્નાકુલમ માટે નીકળી ગયો હતો. ત્યાંથી પાછા આવવાને બે દિવસ બાકી હતા ત્યાં જ અકસ્માત થયો અને રોકાઇ જવું પડયું હતું.
સાંજે સુકેતુના બનેવી આવ્યા. ડૉકટર પણ એમની સાથે આવ્યા હતા. પંદર દિવસ પછી મુસાફરી કરવામાં કોઇ તકલીફ નહીં પડે એવું ડોકટરે કહ્યું એ પછી બનેવીએ ટિકિટ બુક કરાવી દીધી. એમને રજાનો પ્રશ્ન હતો એટલે સુકેતુએ એકલા અમદાવાદ જવાનું હતું.
કુલ ચાર મહિના પછી સુકેતુએ રવિવારે અમદાવાદમાં પગ મૂકયો. પપ્પા સ્ટેશને લેવા આવ્યા હતા. એમને બહુ ચિંતા થતી હતી. સુકેતુને હજુ ચાલવામાં સહેજ તકલીફ પડતી હતી. બપોરે જમીને એ ઊઘી ગયો. ચારેક વાગ્યે ઊઠીને એ પોળના નાકે પાનના ગલ્લે ગયો. એનો મિત્ર સુધાંશુ સ્કૂટર લઇને ઊભો હતો. બધા મિત્રોના ખબરઅંતર પૂછતી વખતે મનોજને નોકરી મળી ગઇ, પોળનું મકાન વેચીને એ લોકો બોપલ ગયા અને મનોજે લગ્ન કર્યા. એક સાથે આ બધા સમાચાર જાણીને સુકેતુને આનંદ થયો. સુધાંશુને બોપલ તરફ કામ હતું એટલે એણે સુકેતુને પાછળ બેસાડી દીધો. મનોજના ફલેટ પાસે એને ઉતારીને એ જતો રહ્યો.
‘અરે.’ મનોજ અને એના પપ્પા ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. અચાનક આવી ચઢેલા સુકેતુને જોઇને એ બંનેના ચહેરા આનંદથી ખીલી ઊઠયા.’ તમે લોકો માણસ છો?’ સુકેતુએ એમને પ્રેમથી ધમકાવ્યા. ‘નોકરી મળી ગઇ, નવું ઘર લીધું અને લગ્ન કર્યા એ એકેય પ્રસંગે ભાઇબંધની યાદ ના આવી?’ મનોજના બરડામાં ધબ્બો મારીને સુકેતુએ પૂછ્યું. ‘લગ્ન કયારે કર્યા?’
‘દસ દિવસ પહેલાં.’ મનોજના અવાજમાં ભીનાશ હતી. ‘બાનું અવસાન થયું પછીના મહિને નોકરી મળી અને પોળના મકાનનો સોદો પત્યો. એ પૈસામાંથી આ ફલેટ લીધો. અમારા બંનેમાંથી કોઇને રસોઇ આવડતી નથી એટલે યુદ્ધના ધોરણે કન્યા શોધી કાઢી. શોક હતો એટલે એકદમ સાદાઇથી આર્યસમાજમાં લગ્ન કરી લીધા.’ એણે રસોડા તરફ જોઇને બૂમ પાડી. ‘બહાર તો આવ. જો કોણ આવ્યું છે?’
સુકેતુ રસોડા તરફ તાકી રહ્યો. સુજાતા હાથમાં પાણીનો ગ્લાસ લઇને એની પાસે આવી! આખી પૃથ્વી અને બ્રહ્માંડ ગોળ ગોળ ફરતું હોય એવું સુકેતુને લાગ્યું. એ સુજાતા સામે તાકી રહ્યો. પાંપણો ઢાળેલી રાખેલી સુજાતા ઊભી હતી. એણે બે હાથ જોડીને સુકેતુને વંદન કર્યા. ‘એમ નહીં.’ મનોજે હસીને સૂચના આપી. ‘એનો ચરણસ્પર્શ કર. આ સુકેતુ તો મારા મોટાભાઇથી યે વિશેષ છે.’ ઢળેલી પાંપણે જ વાંકા વળીને સુજાતાએ સુકેતુના ચરણને સ્પર્શ કર્યો. ફરી એક વાર સુકેતુ કંપી ઊઠયો. ‘સુખી થાવ. ખૂબ સુખી થાવ.’
સુજાતા નીચું જોઇને રસોડામાં સરકી ગઇ. ‘તને જોઇને શરમાય છે. ગામડાની છે ને એટલે.’ મનોજે હસીને ખુલાસો કર્યો.
સુકેતુ સ્તબ્ધ બનીને બેઠો હતો. બાપ-દીકરો વારાફરતી બોલી રહ્યા હતા પણ એ શું બોલે છે એનું એને ભાન નહોતું. ચા-નાસ્તો પતાવીને એ ઊભો થયો. મનોજ સ્કૂટર લઇને એને બસ સ્ટોપ પર મૂકવાં આવ્યો. ‘અલ્યા મનોજ, તું આ પરી કયાંથી ઉઠાવી લાવ્યો?’ સુકેતુએ હસીને પૂછ્યું. બસ સ્ટોપ પર બંને મિત્રો બેઠા હતા. ‘આ વાત કહેવા માટે તો હું અહીં આવ્યો.’ મનોજે તરત કહ્યું ‘સર્કલમાં તારા સિવાય બીજા કોઇને આવી વાત ના કહેવાય.’ મનોજ બોલતો હતો.
‘હડાળાથી કેશવપુર ગયા. ઓરડામાં હું ખુરશી પર બેઠો હતો. આ બિચારી નીચે બેઠી હતી. એ બિચારીએ એના ગામ સિવાય બીજું કંઇ જોયું જ નહોતું. તું માનીશ? એકદમ ઊભા થઇને બેય હાથે એણે ઢીંચણ પાસેથી મારા પગ પકડી લીધા. રડતી રડતી પૂછે કે મને હા પાડશો ને? પરણીને શહેરમાં લઇ જશોને? સુકા, એ વખતની એની આંખો. તું માની નહીં શકે કે ગામડાની કોઇ છોકરી આટલી હિંમત કરી શકે. આંખમાં આંસુ અને એક જ વિનંતી. મને પરણીને શહેરમાં લઇ જશો ને? બસ, એ સ્પર્શથી પીગળી ગયો.
બહાર નીકળીને તરત બાપાને હા પાડી દીધી અને દસ દિવસમાં લગ્ન કરી નાખ્યા. સુકા, અગાઉ ત્રણ-ચાર છોકરી જોયેલી પણ આ જે બન્યું એવું તો કયારેય નહોતું બન્યું.’ મનોજે એના ખભે હાથ મૂકીને પૂછ્યું. ‘હેં સુકા, તેંય ઘણી છોકરીઓ જોઇ છે. બોલ, કોઇ છોકરીએ આટલી હિંમતથી તને સ્પર્શ કર્યો છે?’
મનોજ બોલતો હતો. ફરતી પૃથ્વી અને ફરતા બ્રહ્માંડની વચ્ચે સ્થિર રહેવાના પ્રયત્નોની સાથે સુકેતુ સ્તબ્ધ બનીને સાંભળતો હતો. (શીર્ષક પંકિત : લેખક)