Monday, March 29, 2010

ઓળખી લે ઝાંઝવાની જાત છે, હાથમાં વહેતી નદીની વાત છે

શહેરની એક પ્રતિષ્ઠિત, ખાનગી ક્લબ તરફથી ‘મેઇડ ફોર ઇચ અધર કપલ’ની સ્પર્ધા આયોજિત કરાઇ હતી. સેંકડો આમંત્રિતોની હાજરીમાં સુંદર, ચુલબુલી, સેક્સી યુવતી ‘માઇક’ ઉપર કાર્યક્રમનું સંચાલન કરતી હતી. એ કાર્યક્રમને તો સંભાળી શકતી હતી, પણ ઓડિયન્સમાં હાજર પુરુષોને સંભાળી શકતી ન હતી. શક્ય એટલા ટૂંકા ડ્રેસમાં તે શક્ય એટલો ઉત્તેજક અવાજ કાઢી રહી હતી.

‘લેડીઝ એન્ડ જેન્ટલમેન! ધી કોમ્પિટિશન ઇઝ રીચિંગ ઇટ્સ લાસ્ટ સ્ટેપ નાઉ. એકબીજા માટે સર્જાયેલાં યુગલોની આ સ્પર્ધાનાં ચોવીસ પતિ-પત્નીઓની કસોટી પૂરી થઇ છે. હવે છેલ્લું જોડું બાકી છે. આઇ વિલ નાઉ રિક્વેસ્ટ મિ. એન્ડ મિસિસ અંતાણી ટુ કમ અપ હીયર એન્ડ ફેસ અવર કવેશ્ચનેર. મિ. અંતરિક્ષ એન્ડ મિસિસ અમાનત...’

તાળીઓના વરસાદ વચ્ચે આગલી હરોળમાં બેઠેલું યુગલ ઊભું થયું. બિસ્કિટ કલરના બંધ ગળાના જોધપુરી સૂટમાં શોભતો સોહમણો અંતરિક્ષ કોઇ આઇ.એ.એસ. અફસર જેવો બુદ્ધિશાળી લાગતો હતો. એની સાથે મોરપીચ્છ રંગની કાંજીવરમ સાડીમાં જાજરમાન લાગતી અમાનત મોરની પાછળ ઢેલપગલા પાડતી નમણી, નાજુક, નારીરત્ન ભાસી રહી હતી. બંને સ્ટેજ ઉપર પહોંચ્યાં એની સાથે ‘એન્કર’ યુવતી પણ ખીલી ઊઠી, ‘વાઉ! વ્હોટ એ કપલ!

જો માત્ર દેખાવને ઘ્યાનમાં લઇને નિર્ણય લેવાનો હોય તો પરિણામ આ ક્ષણે જ નક્કી થાય છે. બટ આઇ એમ સોરી, મિ. એન્ડ મિસિસ અંતાણી! અહીં માત્ર તનમેળને જ ઘ્યાનમાં લેવાનો નથી આવતો, અહીં તો મનમેળને પણ ચકાસાય છે. સવાલો પાછળ એક જ આશય છે, પતિ-પત્ની એકમેક વિશે કેટલું જાણે છે. જે વધુ જાણે, તે જ વધુ ચાહે! તો તમે તૈયાર છો આ અટપટી પરીક્ષા માટે?’

‘અમારે તૈયારી કરવાની કશી જરૂર નથી. અડધી રાતેય અમારા બંનેમાંથી ગમે તે એકને જગાડીને અમને લગતા ગમે તેટલા સવાલો પૂછો, તો પણ અમારા જવાબો એના એ જ રહેશે.’ અમાનતે મીઠું હસીને પતિના નિવેદનને સમર્થન આપ્યું, ‘યસ, સ્વીટી! વી આર અનપ્રિપેર્ડ... બટ વી આર રેડી...!’

‘વાઉ! ધેટ્સ એમેઝિંગ! રીઅલ કોન્ફિડન્સ, યુ નો! વેલ, આઇ પ્રોસિડ વિથ ધી ફોર્મેટ...’ એન્કર સ્વીટીએ સ્પર્ધાનું માળખું સમજાવ્યું. અંતરિક્ષ અને અમાનતને એક-એક કાગળ પકડાવી દેવાયો. દસ મિનિટમાં બંનેએ માહિતી ભરીને ઉત્તરવહી સોંપી. એકમેકના પ્રશ્નો અને જવાબો વિશે બંને અંધારામાં હતાં. હવે મામલો સ્વીટીએ સંભાળ્યો. સ્વીટીએ હસીને શરૂઆત કરી, ‘લેડીઝ ફર્સ્ટ.’ ‘તમારા પતિનો ફેવરિટ એક્ટર કોણ છે?’

‘જૂનામાં રાજકપૂર અને નવામાં હૃતિક રોશન.’ ક્ષણનાયે વિલંબ વિના અમાનતે જવાબ આપ્યો. ‘તમારા હસબન્ડને શું વધારે પ્રિય છે? ચા કે કોફી?’ ‘ચા અને માત્ર ચા. એ પણ મારા હાથની જ. કોફી તો એમને મન દંભી, અને પોતાને બધાથી અલગ સમજતા જડસુઓનું પીણું છે.’

‘એક્ઝેક્ટલી આ જ શબ્દો મિ. અંતરિક્ષે પોતાના જવાબમાં લખ્યા છે. વ્હોટ એ મેચ!’ સ્વીટીએ પ્રશંસા કરી. સવાલો પુછાતા ગયા..પસંદગીનો રંગ, ગમતું પર્ફ્યૂમ, ભાવતી વાનગી, ગાઢ મિત્રનું નામ, પ્રિય લેખક, ગમતું ગીત, ડ્રેસિંગ સેન્સ અને સેન્સ ઓફ હ્યુમર...! તાજ્જુબ થવા જેવી વાત હતી કે અંતરિક્ષ વિશેના તમામ ઉત્તરો જે અમાનતે આપ્યા તે અંતરિક્ષે પોતે આપેલી જાણકારી સાથે ‘મેચ’ થતા હતા.

સફળતાની ટકાવારી સોનો આંકડો સ્પર્શી ગઇ હતી. ‘હવે તમારો વારો છે, અંતરિક્ષ. હવે અમારે એ જાણવું છે કે તમે તમારી પત્ની વિશે કેટલું જાણો છો. ‘તમારી પત્નીને માથું દુખે ત્યારે શું પસંદ કરે છે? બામ ઘસવાનું? પેઇન કિલર ટેબ્લેટ લેવાનું? કે પછી ઊંઘી જવાનું?’

‘આમાંનું એકેય નહીં.’ અંતરિક્ષ હસ્યો, ‘આમ તો મારી સાથેની જિંદગીમાં એને ક્યારેય માથું દુખતું જ નથી, પણ છ-બાર મહિને જ્યારે એકાદ વાર એને ‘હેડેક’ ઊપડે છે ત્યારે અમાનત મારા ખોળામાં માથું મૂકીને થોડીવાર ઊંઘી જાય છે. હું એના વાળમાં હાથ ફેરવું છું. દુ:ખ ગાયબ થઇ જાય છે.’

‘વાઉ! વ્હોટ એ સિમિલારિટી ઇન એન્સર્સ! નેક્સ્ટ ક્વેશ્ચન...’ ‘તમે ફિલ્મ જોવાનો કાર્યક્રમ વિચારી રહ્યા છો, તમે એ વિચાર તમારી પત્ની પાસે રજૂ કરો છો, તમને શી રીતે ખબર પડશે કે એમનો ‘મૂડ’ કેવો છે?’

‘એના પ્રતિભાવ પરથી.’ ‘જો એ ‘હા’ કહીને કિચનમાં ભોજનની તૈયારી કરવા જશે તો હું સમજી લઇશ કે આ ફિલ્મ જોવાની એની ઇચ્છા મારા જેટલી જ હતી. જો ‘હા ને બદલે માત્ર ‘હં’ જ બોલે, તો સમજી લેવાનું કે એની ઇચ્છા ફિલ્મ જોવાની છે જ નહીં, પણ માત્ર મારી પ્રત્યેના પ્રેમના કારણે એ તૈયાર થાય છે.’

‘અને જો ‘ના’ પાડે તો?’ ‘એ ના પાડે જ નહીં, કારણ કે એ મારી પત્ની છે અને પત્ની બન્યાં પછીય એ મારી પ્રેમિકા પણ છે.’ સ્વીટી અંતરિક્ષનો જવાબ સાંભળીને ગુલાબી-ગુલાબી બની ગઇ, ‘હાઉ રોમેન્ટિક, મિ. અંતરિક્ષ! તમે તો મને વિચારતી કરી દીધી. હવે હું લગ્ન કોની સાથે કરીશ? તમારા જેવો રોમેન્ટિક પુરુષ આ દુનિયામાં બીજો હોઇ શકે જ નહીં. અમાનત ઇઝ સો લક્કી!’

નિણાર્યકોની ટુકડી નિર્ણયો સરખાવવામાં ડૂબી ગઇ. જજ તરીકે સાત મહાનુભાવો હતા. તમામ અલગ ક્ષેત્રોના ટોચના અને આદરપાત્ર માણસો હતા. એમના નેતા તરીકે પટવા સાહેબ હતા. પટવા સાહેબ એક નેશનલાઇઝ્ડ બેન્કના બ્રાન્ચ મેનેજર હતા. જો છ સભ્યોમાં ત્રણ ત્રણ મતોની મડાગાંઠ ઊભી થાય તો પટવા સાહેબનો મત નિણાર્યક સાબિત થવાનો હતો. છ જણાંનો અભિપ્રાય છ જ મિનિટમાં આવી ગયો, ‘અમે સર્વાનુમતિ સાથે અંતાણી દંપતીને વિજેતા ઘોષિત કરીએ છીએ.’

ત્યાં જ પટવા સાહેબે નિણાર્યકોને આંચકો લાવે તેવો વિસ્ફોટ કર્યો, ‘સોરી, ફ્રેન્ડ્ઝ! આઇ કેન નોટ એગ્રી વિથ યોર ડિસિઝન. તમે આ યુગલને બાદ કરીને બીજા કોઇ પણ કપલને...’ ‘પણ એવું શા માટે, સર? આ પતિ-પત્ની એકબીજાને આટલું બધું ચાહે છે, છતાં એમની બાદબાકી શા માટે?’ કોરસમાં સવાલ ઊઠ્યો.

‘આઇ હેવ એ રિઝન ફ્રેન્ડ્ઝ! યસ, એ વેરી વેલિડ રિઝન. છ મહિના પહેલાં મિસિસ અમાનત મને મળવા આવી હતી. હું જે બ્રાન્ચમાં મેનેજર છું ત્યાં એ એકાઉન્ટ ખોલાવવા માગતી હતી. પણ એની એક શરત હતી. એણે મને આંસુભરી આંખે વિનંતી કરી હતી,’ સર, મારા આ ખાતા વિશેની માહિતી ખાનગી રાખવાની છે. મારા પતિને ખબર ન પડવી જોઇએ કે હું દર મહિને આ ગુપ્ત ખાતામાં થોડી અંગત બચત જમા કરાવતી રહું છું.

અચાનક ક્યારેક કોઇ વાતની તાકીદ માટે મારી જરૂર ઊભી થાય, તો પણ મારા ઘરના સરનામે કોઇ બેન્ક લેટર ન મોકલશો. મારા સેલફોન ઉપર જણાવશો તો હું તરત જ દોડી આવીશ.

મિત્રો, એ દિવસે મેં જરાક પૂછપરછ કરી તો ખબર પડી કે અમાનત અત્યંત દુ:ખી છે. આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં એણે નોકરી કરવી પડે છે. અંતરિક્ષ એની પત્નીનો પગાર પણ આંચકી લે છે. અંદર કી બાત હૈ! મિત્રો, પતિને ભીંડાનું શાક ભાવે છે કે નહીં એના પરથી સુખી દાંપત્યની વ્યાખ્યા નક્કી નથી થઇ જતી, કોઇ પણ યુગલ ખરેખર કેટલું સુખી છે તે જાણવું હોય તો સૌથી પહેલાં એ પત્નીની આર્થિક આઝાદી વિશે તપાસ કરો!

ભલભલા કરોડપતિઓ અને ચમરબંધીઓની પોલ ખૂલી જશે. પટવા સાહેબનું નિવેદન સાંભળીને છ નિણાર્યકો આઘાતમાં સરી પડ્યા. પટવા સાહેબ નિર્ણયની જાહેરાત કરવા મંચ ઉપર ગયા. માઇક હાથમાં લીધું. બસ, હવે એક મિનિટની વાર હતી. સામે બેઠેલા આમંત્રિતો પણ હવે આઘાતમાં સરી પડવાના હતા.

(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)