Monday, July 6, 2009

મનની અટકળ છે, નજરનો વહેમ છે ભર વસંતે પાનખરનો વહેમ છે

‘નામ લખાવો પેશન્ટનું.’ મેં સ્ત્રીની સાથે આવેલાં ટોળાને પૂછ્યું. ચાર-પાંચ પુરુષો હતા, ત્રણ-ચાર બાઇઓ હતી. પેશન્ટ તરીકે આવેલી યુવતી તો સુવાવડના દરદને કારણે એટલી ચીસો પાડી રહી હતી કે મારે એને સીધી જ લેબર રૂમના ટેબલ પર સૂવડાવી લેવી પડી હતી. આમ તો આખુંયે ટોળું ગરીબીનું બહુવચન હોય તેવું દેખાતું હતું, પણ એમાંથી જે સૌથી વધુ ગરીબ લાગતો હતો એ પુરુષે નામ લખાયું, ‘શાંતિ.’ ‘પૂરું નામ લખાવો.’ ‘શાંતિ રમણ પટેલ.’ ‘તમે એનાં બાપ થાવ...?’ ‘ના, સાહેબ! શાંતિનો હહરો છું હું તો. ઇ મારી વહુ થાય છે.’
આટલું બોલતાંમાં તો એ આધેડ વયનો આદમી કરગરી પડયો. મેં એની તરફ ઘ્યાનથી જોયું. ઢીંચણ સુધીનું ધોતિયું. એ પણ મેલું ધેલું. એ પોતડીને ધોતિયું કહેવું એ ધોતિયાનું અપમાન ગણાય અને એને સફેદ કહેવું એ શ્વેતરંગનું અપમાન ગણાય. ઉપરના ભાગમાં એવી જ રજોટાયેલી બંડી. અને માથા ઉપર ઉનાળાની ગરમીથી બચવા માટે બાંધેલો જૂના, મેલાધેલા કાપડનો ટુકડો. જેવા કપડાં તેવો જ દીન-હીન ચહેરો. માફીસૂચક મુખભાવ. અને હાથ તો બંને નમસ્કારની મુદ્રામાં જોડાયેલા જ રહે.
‘તમે એનાં સસરા થાવ છો તો તમે કેમ સાથે આવ્યા છો? પહેલી સુવાવડ તો પિયરમાં થતી હોય છે ને!’ મેં પૂછ્યું, મારા દિમાગમાં શાંતિની કુમળી વય તરવરતી હતી. ચોક્કસ આ એની પ્રથમ પ્રસૂતિ હોવી જોઇએ. હું સાચો હતો. પણ તો પછી એનાં બાપને બદલે સાસરિયાં શા માટે એને લઇને આવ્યા હશે?
‘વહુનો બાપ તો મરી ગ્યો છે, સાયેબ! બચાડી દુખિયારી છે. ઇ જન્મી એની પહેલાં જ મારો વેવાઇ ગુજરી ગ્યો’તો. વિધવા માએ છોડીને ઊછેરીને મોટી કરી, પરણાવી. હવે આવામાં હું મારી વહુને સુવાવડ માટે કયાં એની ગરીબ માના ઘરે મોકલું?’
મને સહેજ હસવું આવી ગયું, જો કે એ કામ મેં મનમાં ને મનમાં પતાવી લીધું, ‘આ પોતે આવો ગરીબ છે, તો એની વેવાણ વળી કેટલી ગરીબ હશે? ‘તમારું નામ?’ ‘નાથો. રમણ મારો દીકરો. શાંતિનો વર.’ ‘સમજાઇ ગયું! તમે બહુ સારું કામ કર્યું, નાથાભાઇ! આપણાં દેશમાં રિવાજને નામે પુત્રવધૂઓ ઉપર જાત-જાતના અત્યાચારો થતાં હોય છે, ત્યારે તમે આટલી સમજદારી બતાવી એ આનંદ થાય તેવી વાત છે. તમે કેટલું ભણ્યા છો?’
‘હું તો મુદ્દલે ભણ્યો નથી. નિશાળમાં ગ્યો જ નથી ને! હમજણો થ્યો ત્યારથી ખેતરો જ ખૂંદ્યા કર્યા છે. હળ, ગાડું ને બળદ, અમારે લમણે ખેતમજૂરી સિવાય બીજું લખાયું જ હું હોય!’
‘સારું! તમે પેલી બારી પાસે જઇને કેસપેપર કઢાવો, હું શાંતિની સુવાવડ માટે ઉપર જાઉ છું. અને હા, કેસ કાઢનાર માણસ તમને પૈસા જમા કરાવવાનું કહે તો ન કરાવશો. મારું નામ દઇને કે’જો કે સાહેબે ના પાડી છે.’ હું ઊભો થઇને લેબર રૂમની દિશામાં ચાલવા માંડયો. મારા હાથ-પગ પોતાનું કામ કરી રહ્યા હતા અને મારું દિમાગ એનાં ખુદના વિચારોમાં વ્યસ્ત હતું. ગામડાંગામના આ ગરીબ, અભણ માણસની ખાનદાની મને સ્પર્શી ગઇ હતી. માણસ સંસ્કારથી અમીર હતો.
શાંતિની પ્રસૂતિ ધાર્યા કરતાં જટિલ નીકળી. જેટલું તીવ્ર એનું દરદ હતું એટલી ઝડપી એની પ્રગતિ ન હતી. ગર્ભાશયનું મુખ ખૂલવાની પ્રક્રિયા ખૂબ મંદ હતી. એને ખાસ પ્રકારના ઇન્જેકશનો આપવાં જરૂરી હતાં. મેં લેબર રૂમમાં જ એક પ્રિસ્ક્રિપ્શન લખ્યું અને નર્સને કહ્યું, ‘સિસ્ટર, બહાર આ પેશન્ટના સગાંઓ ઊભા છે. આ કાગળ પેશન્ટના સસરાને આપશો અથવા એના પતિને. કહેજો કે આ ઇન્જેકશનો બહારના મેડિકલ સ્ટોરમાંથી લઇ આવે. એ બહુ મોંઘા નથી, પણ જરૂરી તો છે જ...’ આટલું બોલ્યા પછી મારો વિચાર બદલાયો.
‘બિચારા નાથાભાઇ પાસે તો એટલા રૂપિયા પણ વધારે ગણાશે’ એવું વિચારતામાં જ મેં મારી સૂચના બદલી નાખી, ‘સિસ્ટર, એક કામ કરો, તમે જાતે આ પ્રિસ્ક્રિપ્શન લઇને આપણાં સ્ટોરકીપર મુકેશ પાસે જાવ! ગરીબ દર્દીઓ માટે આપણી હોસ્પિટલમાં મફત દવાઓ આપવાની જોગવાઇ છે. એને કહેજો કે ડો. ઠાકરે ભલામણ કરી છે.’ દસ જ મિનિટમાં ઇન્જેકશનોની વ્યવસ્થા થઇ ગઇ. શાંતિની સુવાવડની પ્રક્રિયામાં થોડીક ઝડપ આવી. સાંજ પડી ગઇ. હવે શાંતિની પરેશાનીઓ વધી રહી હતી. એનાં પેટમાં રહેલા બાળકના હૃદયના ધબકારા પણ અનિયમિત થતા જતા હતા.
મેં નિર્ણય કરી લીધો, ‘નાથાભાઇ, તમારી વહુનું સીઝેરીઅન કરવું પડશે. કયાં ગયો રમણ? હું કહું ત્યાં અંગૂઠો મારી આપો એટલે હું ઓપરેશનની તૈયારી શરૂ કરું.’ નાથાભાઇની આંખોમાં ચિંતાના વાદળો ઊમટયા, ‘મારી વહુનું પેટ ચીરવું પડશે, સાયેબ? મોટું ઓપરેશન કરવું પડશે? અઠવાડિયા સુધી આંઇ દવાખાનામાં રોકાવું પડશે?’ હું એની આંખોમાંથી ઊઠતી ચિંતાનું કારણ સમજી ગયો. એમાં કારણ હતું એના કરતાં વધું તો અર્થકારણ હતું. એના સવાલોના એક-એક શબ્દમાંથી રૂપિયાનો રણકાર ખરતો હતો. એ ખાનદાન આદમી ભલે પૈસાનું પૂછતો ન હતો, પણ હું એની નિસબત સમજી શકતો હતો. જે હોસ્પિટલમાં હું નોકરી કરતો હતો ત્યાં ગરીબ દરદીઓની આજ એક ‘સાધારણ’ સમસ્યા હતી. એમની પાસે પીડા હતી, પણ પૈસો ન હતો.
‘નાથાલાલ, ચિંતા કરવાનું છોડી દો!’ મેં હિંમત બંધાવી, ‘હું બેઠો છું ને! તમારી વહુને કશું જ નહીં થાય!’ ત્યાં જ લેબર રૂમની અંદરથી દીવાલોને ભેદતી એક ચીસ સંભળાઇ. હું અંદર દોડી ગયો.
શાંતિને ઓપરેશન ટેબલ ઉપર લીધી. ઓપરેશન શરૂ કર્યાની ત્રીજી મિનિટે નવજાત શિશુનો જન્મ થયો. હું બને એટલી ત્વરાથી મારું કામ કરતો રહ્યો. બધું પતી ગયા પછી હું થિયેટરમાંથી બહાર નીકળ્યો, ત્યારે એ જ ટોળું બારણાને અડીને ઊભું હતું. નેતાગીરી નાથાલાલની જ હતી, ‘સાયેબ, બધું બરાબર છે ને! તમે મને વચન આલ્યું હતું કે મારી શાંતિને કંઇ નહીં થાય!’ ‘હા, પણ તેમ છતાં શાંતિને કંઇક તો થયું છે!’ ‘શું? શું થયું છે...?’ ‘દીકરો!’ મેં ચહેરા પરની બનાવટી ગંભીરતા ખંખેરીને સમાચાર આપ્યા. એ સાથે જ ઉનાળાની બપોર આષાઢી સાંજમાં ફેરવાઇ ગઇ. છેલ્લા દસ કલાકમાં એ ક્ષણે પહેલી વાર મેં એ ગરીબ સસરાના ચહેરા ઉપર ખુશીનાં ગુલાબો ખીલતાં જોયાં, પણ મને ડર હતો કે એ ખુશી થોડી જ વારમાં વરાળની જેમ ઊડી જવાની છે. ગુલાબના ફૂલો કરમાઇ જવાનાં છે. કારણ?
કારણ એટલું જ કે અમારી હોસ્પિટલ ચેરિટેબલ હતી, પણ જો કોઇ દરદીનું ઓપરેશન થાય તો મોટા ભાગની દવાઓ બહારથી ખરીદીને જમા કરાવવી પડે એવો નિયમ હતો. ઓપરેશનનો ચાર્જ પણ લેવામાં આવતો હતો, અલબત્ત, એ ખાનગી નર્સિંગ હોમના ચાર્જ જેટલો ભારે ન હતો. પણ કોઇ ખાસ કેસના અપવાદને બાદ કરતાં ફી ભરવામાંથી સંપૂર્ણ મુકિત કોઇનેય આપવામાં આવતી ન હતી. મેં મનોમન આંકડો મૂકયો. શાંતિના સીઝેરીઅનમાં વપરાયેલા ઇન્જેકશનો, ટાંકાના દોરા અને ગ્લુકોઝના બાટલાઓ તથા બીજી પચાસ ચીજવસ્તુઓ કિંમતનો કુલ સરવાળો સાતસો-આઠસો રૂપિયા જેવો થઇ જતો હતો.
હું નાથાભાઇની મેલીધેલી પોતડીમાંથી ડોકિયાં કરતી એમની આર્થિક હાલત સમજી ન શકું એટલો અણઘડ ન હતો. મેં આ વખતે વોર્ડબોયને દોડાવ્યો, ‘વાલજી, જા સ્ટોરકીપર મુકેશ પાસે. એને કહેજે કે મારી ભલામણથી આ બધી જ દવાઓ હોસ્પિટલના ચોપડે ઉધારી દેવાની છે. દરદી ગરીબ છે.’
સાત દિવસ પસાર થઇ ગયા. શાંતિની સારવાર માટે એક પૈસાનોયે બોજ મેં એનાં સાસરિયાં ઉપર પડવા ન દીધો. અંતે એને રજા આપવાનો જયારે સમય આવ્યો. હોસ્પિટલમાં ટ્રસ્ટીમંડળના પ્રમુખશ્રીને સંબોધીને મેં એક ટૂંકી પણ લાગણીસભર ચિઠ્ઠી લખી, ‘આ યુવતીના પિતા મૃત્યુ પામ્યા છે એમાં આ છોકરીનો શો અપરાધ! અને એનાં સસરા ગરીબ છે એમાં કોનો વાંક? જો એનું બિલ તમે માફ ન કરી શકતા હો તો પહેલી તારીખે મારા પગારમાંથી એટલી રકમ કાપી લેવા માટે હું આપને છૂટ આપું છું. જો તમારા હૃદયમાં પણ એ જ માનવતાનું ઝરણું ફૂટતું હોય જે છેલ્લા સાત-સાત દિવસથી મારી છાતીમાં ઊમટી રહ્યું છે... તો મારી ફકત આટલી વિનંતી છે... સો ટકા બિલ-માફી.’ ટ્રસ્ટીઓ માનવી હતા, રાક્ષસ નહીં. શાંતિની સંપૂર્ણ સારવાર બદલ એક પણ પૈસાનું ખર્ચ ભોગવ્યા વગર એ લોકો પગથિયાં ઊતરી ગયા. જતી વખતે નાથાભાઇ મને મળવા આવ્યા. મેં કહ્યું, ‘નાથાલાલ! ખુશ છો ને? તમારા ગરીબ ઘરમાં સોનાનો સૂરજ ઊગ્યો. દીકરાના ઘરે દીકરો જન્મ્યો.’ ‘નાથાલાલ મૂંઝાઇ ગયા, ‘ગરીબના ઘરમાં? કેમ એવું બોલો છો, સાયેબ?’ ‘કેમ? તમારા આ મેલાં ધેલાં કપડાં...?’ ‘એ તો એમ જ હોય ને, સાયેબ? ખેતરકામ કંઇ કોટપેન્ટ ચડાવીને થોડું કરાય છે? અને અમને તમારા જેવા વરણાગિયાવેડા ન અરધે સાયેબ!’ ‘પણ તમારા આ હાલચાલ અને બોલવાની રીત?’ ‘ઇ તો અમે ગામડિયા ને અભણ ખરાં ને, એટલે દવાખાનું ભાળીને ઢીલા પડી જઇયે, સાયેબ! બાકી મારા ગામમાં આવો તો ખબર પડ કે મારો કેટલો વટ છે! ગામમાં બે માળનું પાક્કું ખોરડું છે ને સીમમાં એંશી વીઘાં જમીન છે મારી! ચારે જોડી બળદો છે ને બાર તો ભેંસો છે. વરસે દા’ડે ત્રણ-ત્રણ પાકમાંથી ત્રીસ લાખ રૂપિયાની કમાણી ઉતારી લઉ છું, સાયેબ! હું ગરીબ શેનો? આ તમારી હોસ્પિટલથીયે મોટી એવી તો મેં હાઇસ્કૂલ બંધાવીને ગામને દાનમાં આપી છે.’ નાથાલાલ એમની પોતડીમાંથી પૈસાનો ખણખણતો ખજાનો ખેરવતા રાા ને હું શૂન્યમનસ્ક બનીને સાંભળતો રહ્યો.‘ (શીર્ષક પંકિત: બાલુ પટેલ)

No comments: