ધંધૂકાની ગુલશન અને અમદાવાદનો શકીલ. પરિવારોની સંમતિથી બેયની મંગની પક્કી થઇ ગઇ. ગુલશનનું નાનકડું ઘર ખુશીથી ‘ઓવર ફલો’ થઇ ગયું. એની બહેનપણીઓ આવી આવીને એનાં કાનમાં ગણગણી ગઇ, ‘ગુલશન તૂ બડી કિસ્મતવાલી હૈ. શકીલ બો’ત દેખાવડા હૈ. બિલકુલ સલમાન જૈસા દિખતા હૈ.’
‘તો અપની ગુલ્લી ભી કમ હૈ કયા? વો ભી તો પરી જૈસી દિખ રહેલી હૈ.’ ગુલશનની અમ્મીજાને દીકરીના રૂપનાં સાચાં વખાણ કર્યાં. જો શકીલ પોતાના નામના અર્થ જેવો સુંદર હતો તો ગુલશન પણ યૌવન અને ખૂબસૂરતીનો મઘમઘતો બગીચો હતી. ગુલશનનાં ચાચી જેમણે આ સગાઇનું ગોઠવી આપ્યું હતું એમણે મુરતિયાની આવકનાં વખાણ કર્યાં, ‘લડકા અરછા મિલ ગયા. અમદાવાદમેં રિક્ષા ચલાતા હૈ. રોજ ચારસો-પાંચસો કી રોકડી કર લેતા હૈ. અપણે ધંધૂકે મેં ઐસા લડકા થોડા મિલતા?’
‘અરે, કમાણી કી બાત છોડો! રિક્ષાવાલે કી ઘરવાલી બનકર હમારી છોકરી રાજ કરેગી. શકીલ રોજ-રોજ ગુલી કો રિક્ષા મેં ઘુમાયેગા, સારા શહેર દિખાયેગા, હોટલ ઔર સિનેમા મેં લે જાયેગા. અમદાવાદ હૈ યે તો અમદાવાદ! અપણે જૈસા થોડા હૈ?’
અઢાર વર્ષની ગુલશન ભાવિ ખાવિંદનાં વખાણ સાંભળીને શરમાઇ રહી હતી અને લજજાના ‘મેકઅપ’ વડે પોતાની ખૂબસૂરતીને બમણી કરી રહી હતી. ગુલશન ખાસ કશું ભણેલી ન હતી. મદરેસામાં જઇને થોડું ઘણું લખતાં-વાંચતાં શીખી હતી. દુનિયાની આંટીઘૂંટી સમજવા માટે એ હજુ ઘણી નાની હતી. સગાઇ થઇ એ પછીના મહિને એના અને શકીલના નિકાહ પણ રચાઇ ગયા. શકીલ દુલ્હાના જોડામાં ખરેખર સોહામણો લાગતો હતો. એના મોઢામાં તમાકુવાળું પાન હતું અને એનું શરીર કાલુપુરમાં વેચાતા સસ્તા, તીવ્ર પફર્યૂમથી મઘમઘી રહ્યું હતું. એની બારાતમાં આવેલા એના યાર-દોસ્તો પણ શોખીન જીવડા લાગતા હતા. પાન-મસાલા, બીડી-સિગારેટ અને મસ્તીભરી છેડછાડથી શકીલના મિત્રોએ ગુલશનની બહેનપણીઓને આંજી મૂકી. તમામ લગ્નોત્સુક છોકરીઓ ગુલશનના કિસ્મતની ઇર્ષા અનુભવી રહી.
મિલનની રાતે ગુલશને પૂછી નાખ્યું, ‘આપ ભી સિગારેટ પીતે હૈ? આપકે દોસ્તોં કી તરહ?’
‘હા, રિક્ષા ચલાતા હું તો સિગારેટ પીની હી પડતી હૈ. સારા દિન સુબહ સે લેકે શામ તક ઘર સે બહાર ભટકના પડતા હૈ.’
‘અબ મેં જો આ ગઇ હૂં, તો પૂરા દિન ભટકને થોડા દૂંગી?’
શકીલ એની દુલ્હનની અદાઓ પર ઓવારી ગયો, ‘અરે, દિન કી બાત છોડો, હમ તો ઇન કાલે રેશમી બાલોં કી ભૂલભૂલૈયા મેં સારી ઉમ્ર ભટકતે રહેંગે.’ અને બત્તી બુઝાઇ ગઇ, મોહબ્બતની રોશની પ્રગટી ઊઠી.
થોડા જ દિવસમાં ગુલશને શકીલને પણ સંભાળી લીધો અને શકીલના ઘરને પણ. પતિની ઘણી બધી આદતો ગુલશને છોડાવી દીધી. એક રાતે શકીલે પોતાની બેગમનો ચાંદ જેવો ચહેરો હથેળીમાં ભરીને કહી દીધું, ‘તૂને તો મુજે પૂરા બદલ હી ડાલા. યે છોડ દો, વો છોડ દો! અબ છોડને કે લિયે મેરે પાસ સર્ફિ તૂ બચી હૈ. કયા તુજે ભી છોડ દૂં?’
જવાબમાં ‘હાય અલ્લાહ!’ કહીને ગુલશન શકીલના સીનામાં સમાઇ ગઇ. અડધો કલાક પ્રેમની ઉજવણીમાં ઓગળી ગયો. પછી બંને જણાં વાતો કરવા બેઠાં. ત્યારે શકીલે એક અંગત વાત જાહેર કરી નાખી, ‘મૈં સબકુછ બંદ કર સકતા હૂં. સર્ફિ એક ચીજ.’
‘વો ચીજ મૈં હૂં ના?’ ‘તૂ તો હૈ હી, ગુલશન, લૈકીન જીસ ચીજ કે બારે મેં બાત કર રહા હૂં વો તો પૂરી દુનિયા સે ભી જયાદા અહેમ હૈ. અલ્લાહ ના કરે મૈં તુમ્હેં છોડ દૂં, લૈકીન ઉસ ચીજ તો મૈં તેરી ખાતીર ભી ના...’
‘વો કયા હૈ?’ ગુલશનનો ગુલાબી ચહેરો ઊતરી ગયો.
‘ભડિયાદવાલા ઉર્સ!’ શકીલની આંખોમાં મઝહબી આસ્થાની ચમક અંજાઇ ગઇ, ‘મૈં છોટા થા તબ સે હર સાલ મૈં ભડિયાદ કે ઉર્સ મેં હાજરી પુરાતા આયા હૂં. રિક્ષા મેં યા બસ મેં કભી નહીં ગયા. હર બાર પૈદલ ચલકર જાતા હૂં. દાદાપીર કે ઉપર ઇતના ભરોસા હૈ કિ તૂ કહે તો મૈં જીના છોડ દૂં મગર ભડિયાદ જાના.’ શકીલનું વાકય અડધે રસ્તે અટકાવીને ગુલશને હથેળી વડે એનું મોં દબાવી દીધું, ‘અલ્લાહ કે વાસ્તે ઐસા મત બોલો, શકીલ મિયાં! વો દિન કભી ભી નહીં આયેગા કિ મૈં તુમકો ઉર્સ મેં જાનેસે રોકૂંગી. આમીન!’
બે મહિના પછી જ ઉર્સનો તહેવાર પડતો હતો. શકીલે પગપાળા ભડિયાદ જવાની તૈયારીઓ આરંભી. ગુલશને પણ એની સાથે જવાની ઇરછા વ્યકત કરી, પણ શકીલે ઘસીને ના પાડી દીધી, ‘તૂ પૈદલ ચલકર આયેગી મેરે સાથ?’ ‘હા, કયૂં નહીં આ સકતી?’
‘બિલકુલ નહીં. માર્કેટ મેં સે સબજી લાને કે લિયે દસ કદમ તો ચલ નહીં પાતી, વહાં સૌ કિ.મી ચલકર ભડિયાદ કૈસે જા પાયેગી?’
‘સબજી લાને કે લિયે મૈં કયું ચલૂં? રિક્ષાવાલે કી ઘરવાલી હૂં.’
ગુલશને ઘણાં ધમપછાડા કર્યા, મોં ચડાવ્યું, ગુસ્સો કર્યો, જૂઠમૂઠ અબોલા લીધા, પણ શકીલ એકનો બે ના થયો. એને વર્ષોનો અનુભવ હતો, સો કિ.મી. ચાલતા ત્રણ-સાડા ત્રણ દિવસ લાગી જતા હતા. પોતે મર્દ હોવા છતાં થાકી જતો હતો, ત્યારે નાજુક દેહની ઔરતજાત કયાંથી આટલો લાંબો પંથ ચાલીને કાપી શકે?
સંસારની સફર આનંદથી, સરળતાથી, હસતાં-રમતાં કપાતી જતી હતી. ત્યાં એક દિવસ અચાનક ગુલશનના જીવન સાથે વીજળી ત્રાટકી. એની પડોશણ ઝુલેખાએ એના કાનમાં એક અતિશય ગુપ્ત પણ આઘાત આપનારી માહિતી ઠાલવી, ‘ગુલશન, કલ મૈંને શકીલભાઇ કી રિક્ષા મેં એક ઔરત કો બૈઠેલી દેખી.’
‘વો તો પેસેન્જર હોગી.’
‘નહીં વો ઘરાક નહીં હૈ, મૈં અકસર દેખા કરતી હૂં. વો એક દવાખાને મેં નૌકરી કરતી હૈ ઔર અરછી બાઇ નહીં હૈ. શકીલભાઇ કા ઉસકે સાથ લફડા હૈ.’
‘ભાભી..! મેરા શકીલ ઐસા નહીં હૈ!’ ગુલશન ચીસ જેવું બોલી ગઇ.
‘પહલે યે તો તપાસ કર લે કિ તેરા શકીલ અબ તેરા હૈ કિ નહીં!’ ઝુલેખા આટલું બોલીને પોતાના ઘરમાં સરકી ગઇ. અહીં ગુલશનની તો ધરતી જ એના પગ નીચેથી સરકી રહી હતી.
ચાર-પાંચ દિવસની જાતતપાસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ગયું. પછી તો બીજા સાક્ષીઓ પણ મળી આવ્યા. ગુલશનની ભૂખ મરી ગઇ. એનો શકીલ બીજી કોઇ સ્ત્રીને પ્રેમ કરી શકે એવું તો એ સપનું પણ જોઇ શકતી ન હતી. આખરે કયામતની ઘડી આવી ગઇ. એક રાતે હિંમત એકઠી કરીને ગુલશને પૂછી લીધું, ‘તુમ એક પરાઇ ઔરત કે સાથ.’
‘તુમકો કિસને કહા?’ શકીલની આંખ ફાટી.
‘જૂઠ મત બોલો, શકીલ! મૈંને ખુદ અપની આંખો સે દેખા હૈ. કૌન હૈ વો ઔરત?’
શકીલ સમજી ગયો કે ગુલશન બધું જ જોઇ, જાણી ને સાંભળી ચૂકી છે. વધુ સમય બગાડવાને બદલે એણે કબૂલાત કરી લીધી, ‘વો જૂલી હૈ. મુજસે મહોબ્બત કરતી હૈ.’
‘ઔર તુમ?’ ‘મૈં ભી ઉસસે પ્યાર કરતા હૂં. ગુલશન, અરછા હુઆ જો તુજે પતા ચલ ગયા. મૈં જૂલી કો છોડ નહીં શકતા. તુજે ઇસ ઘર મેં રહેના હૈ તો ઠીક હૈ વર્ના.’
અને બે વર્ષના સ્વર્ગ જેવા સુખી લગ્નજીવન ઉપર જૂલી નામના જહન્નમનો પડછાયો પથરાઇ ગયો. સ્વમાની ગુલશન પહેરેલાં કપડે શકીલના ઘરમાંથી નીકળી ગઇ. ધંધૂકે પહોંચીને એણે જે ઠૂઠવો મૂકયો એ સાંભળીને ફળિયામાં ઊગેલા છોડવા પણ કરમાઇ ગયા. ગુલશનનો પિયરપક્ષ મોટો હતો. બધા ઉશ્કેરાઇ ગયા. બે-ચાર સગાંઓને મોકલીને શકીલને સમજાવવાની કોશિશ કરી જોઇ, પણ શકીલમિયાંના માથા પર મહોબ્બતનું ભૂત સવાર હતું. એણે બધાને તરછોડીને પાછા ધકેલ્યા. હવે એક જ રસ્તો બરયો હતો. કાયદાનો સહારો લઇને શકીલને પાઠ ભણાવવાનો.
ગુલશનના અબ્બાજાને વકીલ રોકયો. બેટીની ખાધાખોરાકી માટે કોર્ટમાં દાવો નોંધાવ્યો. અદાલતે ચુકાદો સંભળાવ્યો, ‘શકીલ અહેમદ રફીક એહમદ શેખને આદેશ આપવામાં આવે છે કે દર મહિને પંદરસો રૂપિયા એમની બીવી ગુલશન બાનુને ખાધાખોરાકી પેટે ચૂકવી દેવા. આમાં જો ચૂક થશે તો.’
ચૂક થશે તો શું? ચૂક થઇ જ. એક વાર નહીં, પણ સો વાર થઇ! અદાલતના આદેશને શકીલે રયૂઇંગ ગમની માફક ચાવીને થૂંકી નાખ્યો. એક રાતી પાઇ પણ ગુલશનને ન પરખાવી. બે વર્ષ પસાર થઇ ગયાં. ગુલશનના બાપને કયાંકથી જાણવા મળ્યું : ‘તુમ્હારા દામાદ અપની માશૂકા કો ઘર મેં બિઠાને કી સોચ રહેલા હૈ.’ બાપ ધૂંધવાયો. વકીલની સલાહ લીધી, પછી કોર્ટમાં ધા નાખી, ‘મેરા દામાદ દો સાલસે મેરી બેટી કી ખાધાખોરાકી કે પૈસે નહીં દે રહા હૈ.’ જજસાહેબે વોરંટ કાઢીને શકીલને જેલ ભેગો કરી દીધો. ગુલશનના હૈયે ગુલકંદના જેવી ટાઢક પ્રસરી ગઇ.
...............
દોઢેક મહિના પછીની વાત છે. ગુલશનના અબ્બાએ પૂછ્યું, ‘બેટી, ઉદાસ કયું હૈ?’
‘અબ્બુ, ભડિયાદ કા ઉર્સ નજીક આ રહા હૈ. એક મહિને કી દેરી હૈ.’ ‘તો કયા?’
‘સોચ રહી હૂં ઇસ બાર શકીલ ઉર્સ મેં હાજરી નહીં દે પાયેગા. મેરી વજહ સે. મૈં અલ્લાહતાલાકી ગુનહગાર બનૂંગી. અબ્બુ, મેરા એક કામ કરોગે? શકીલ કો રીહા કરા દો!’ ગુલશન રડી પડી. બાપે સમજાવી, માએ ધમકાવી, ભાઇઓએ મારવા લીધી, ગુલશન ન માની. વકીલે કહ્યું, ‘કાયદો એવું કહે છે કે શકીલને જેલમાંથી બહાર લાવવાનો એક જ રસ્તો છે, ગુલશને અદાલતમાં લખી આપવું પડશે કે મને બે વર્ષની ખાધાખોરાકી મળી ગઇ છે.’
ગુલશને લખી આપ્યું. એ જાણતી હતી કે એનો શકીલ ભડિયાદ જઇને પીર દાદા પાસે જૂલી સિવાય બીજું કશું જ માગવાનો નથી, છતાં એણે લખી આપ્યું. સાથે શરત પણ મૂકી, ‘કોઇ ભી ઉસે યે મત કહેના કિ ગુલશનને તુજે છુડવાયા હૈ.’ શકીલ છૂટી ગયો. ઉર્સના ચાર દિવસ પહેલાં પગે ચાલતો ચાલતો ભડિયાદના મારગે નીકળી પડયો. મન્નત માગીને પાછા વળતાં ધંધૂકા જઇ પહોંરયો.
ગુલશનના ઘરના બારણે જઇને ઊભો રહ્યો, ‘ગુલશન, ચલ, તુજે લેને કે લિયે આયા હૂં. તૂ કયા સમજતી હૈ, મુજે પતા નહીં ચલેગા? મગર નેકી કી ખુશ્બૂ હવાઓં પર લિખ જાતી હૈ. મેરે મકાન સે પીરદાદા કી મઝાર તક કા એક-એક ચપ્પા મુજે કહ રહા થા કિ શકીલ કો કિસને આઝાદ કરવાયા થા! ચલ ગુલશન, જો કપડેં પહેને હૈં ઉસી મેં નિકલ પડ, મેરે ઘર કી વિરાની કો ગુલશન કા ઇન્તેજાર હૈ.’ (શીર્ષક પંકિત : કુતુબ આઝાદ)
No comments:
Post a Comment