Friday, September 17, 2010

પીનારાને જામ ઓળખે, રાધિકાને શ્યામ ઓળખે

બેતાળીસ વરસનો સૂટેડ-બૂટેડ, સ્માર્ટ એન્ડ હેન્ડસમ સમંદર શાહ ઓફિસનું બારણું હડસેલીને અંદર ઘૂસી ગયો. ‘સન્ની એન્ટરપ્રાઇઝ’ના ચેરમેન મિ. આલોક લાકડાવાલાએ ગુસ્સાભરી નજરે આ અજાણ્યા આગંતુક સામે જોયું. પૂછ્યું, ‘તમને રીતભાતનું કંઇ ભાન છે ખરું? બહાર પટાવાળો ઊભો છે એની મારફતે તમારું વિઝિટિંગ કાર્ડ મોકલીને પછી જ્યારે હું સંમતિ આપું ત્યારે જ...’‘એ બધું સમજયા હવે!’ સમંદરે નફ્ફટાઇપૂર્વક હવામાં હાથ ઉલાળીને કહ્યું, પછી ટેબલ પાસે પડેલી ખુરશી ખેંચીને જાણે બાપના બગીચામાં બેસતો હોય એમ બેસી ગયો. ટેબલ ઉપર પડેલા આલોકના સિગારેટ-કેસમાંથી એક સિગારેટ ખેંચી કાઢી.


લાઇટર પણ આલોકનું જ. અને સિગારેટ સળગાવ્યા પછી જે પહેલા ‘કશ’નો ધુમાડો નીકળ્યો એ પણ આલોકના જ મોઢા ઉપર રવાના કર્યો.‘યુ મેનરલેસ ઇડિયટ! હાઉ કેન યુ બહિેવ લાઇક ધીસ?’ ત...ત...તમને ભાન છે કે હું ધારું તો હમણાં જ પોલીસને ફોન કરીને તમને...?’ આલોકનો અવાજ આવેગને લીધે ધ્રુજતો હતો.


સમંદર બેફિકરાઇપૂર્વક હસ્યો. ટેબલ ઉપર હાથ પછાડીને બોલ્યો, ‘ઉલ્લુના પઠ્ઠા! તારાથી કશું જ થાય તેમ નથી. બહુ મિજાજ બતાવીશ તો હમણાં હું જ તને ઉઠાવીને ઓફિસની બારીમાંથી બહાર ફેંકી દઇશ!’


આલોક પીળો પડી ગયો. સામે બેઠેલ પુરુષનો આત્મવિશ્વાસ જોઇને એ થડકી ગયો. બિઝનેસ વર્લ્ડમાં આલોક લાકડાવાલાનું બહુ મોટું નામ હતું. એના ગરમ મિજાજ વિશે શહેરમાં સેંકડો દંતકથાઓ પ્રસરેલી હતી. આવા આલોકને કોઇ અજાણ્યો આદમી એની પોતાની ઓફિસમાં ‘ઉલ્લુનો પઠ્ઠો’ કહી જાય!


ઉલ્લુનો પઠ્ઠો?! આલોક અતીતની કેડી ઉપર સરી પડ્યો. હા, યાદ આવ્યું. જ્યારે પોતે કોલેજમાં ભણતો હતો ત્યારે એક મિત્ર એને હંમેશાં ‘ઉલ્લુના પઠ્ઠા’ તરીકે સંબોધતો હતો. પણ એ તો કોલેજ પૂરી કર્યા પછી ક્યાંક અદ્રશ્ય થઇ ગયો હતો. ત્યારે આ સામે બેઠો છે કે કોણ? આલોકે ઝીણી નજર કરીને સામે બેઠેલા ‘બદમાશ’ને જોયા કર્યો. મેળ ન પડ્યો.


સમંદર હવે ખડખડાટ હસી પડ્યો, ‘સા..., આલોકિયા! તારી પાસે રૂપિયા આવ્યા પણ બુદ્ધિ ન આવી! તારા મિત્રને ન ઓળખી શક્યો? હું સમંદર શાહ.’


આલોક ઊછળી પડ્યો. ખુરશીમાંથી ઊભો થઇને દોસ્તને ભેટી પડ્યો. પણ હજુયે એના માનવામાં નહોતું આવતું કે આ સમંદર શાહ જ છે.


‘દોસ્ત, તું તો સાવ જ બદલાઇ ગયો! એ વખતે સાવ પાતળો હતો, એને બદલે અત્યારે પીપ જેવો દેખાય છે. તારા કાળા ઘૂંઘરાળા વાળ ક્યાં ગાયબ થઇ ગયા? અને તેજ પાણીદાર આંખો આગળ આ સોનેરી ફ્રેમના ચશ્માં...? સાચું કહું, યાર? તું નખશિખ બદલાઇ ગયો છે! તારાં મમ્મી-પપ્પા પણ તને પિછાણી ન શકે! લાગી શરત? સા..., તું નાટકિયો ખરો ને? કોલેજના દિવસોમાં નાટકો કરતો હતો ત્યારે નવા-નવા ગેટઅપમાં અમે તને ઓળખી શકતા ન હતા. લાગે છે કે આ પણ તારો એક તદ્દન નવો ગેટઅપ જ છે.’


સમંદરે સંતોષનો ઓડકાર ખાધો, ‘હા, આ પણ એક ગેટઅપ જ કહેવાય, દોસ્ત! કોલેજ ખતમ થઇ અને કિસ્મતે કરવટ બદલી. રંકના ઘરે જન્મેલા આ સમંદરના જીવન-નાટકનો પ્રથમ અંક પૂરો થયો અને બીજો અંક શરૂ થયો. મારું યુનિવર્સિટીની ડિગ્રીનું સર્ટિફિકેટ લઇને હું નોકરી માટે ‘ઇન્ટરવ્યૂ’ આપવા ગયો. મારી તેજિસ્વતા કંપનીના માલિકના મનમાં વસી ગઇ. એણે કહી દીધું,’ તને નોકરી નહીં આપું, પણ મારી છોકરી આપીશ! એ બુઢ્ઢો માલેતુજાર નીકળ્યો. સાઉથ આફ્રિકામાં એની હીરાની ખાણો હતી. બસ, હું ચટ્ટ મંગની, પટ્ટ બ્યાહ કરીને ઊપડી ગયો. આજે વીસ વરસ બાદ પહેલીવાર ભારતમાં આવ્યો છું.’


‘આટલાં વરસો પછી પણ તું મને ભૂલ્યો નથી?’


‘ના, અહીંથી પસાર થતો હતો ને બોર્ડ ઉપર તારું નામ વાંચ્યું કે તરત જ તને ઓળખી ગયો અને તું મને જોયા પછીયે ઓળખી ન શક્યો?’


‘તને કોઇ ન ઓળખી શકે. લાગી શરત? તને માનવામાં ન આવતું હોય તો આવતીકાલે આપણા જૂના મિત્રોની એક ડિનર-પાર્ટી ગોઠવીએ. જોઇએ એમાંથી કેટલા લોકો તને ઓળખી શકે છે!’ આલોકે તરત જ પાર્ટીમાં પૂરા બે કલાક સુધી એણે સમંદર શાહને વિદેશથી આવેલા મહેમાન તરીકે રજૂ કર્યો. કોઇ એને ઓળખી ન શક્યું. જ્યારે આલોકે ફોડ પાડ્યો, ત્યારે પાર્ટીમાં તહેલકો મચી ગયો.


બધાંના હોઠો ઉપર એક જ વાત હતી, ‘કોઇ માણસ આટલી હદે બદલાઇ જઇ શકે ખરું?’


અનિકેતે તો કહી જ નાખ્યું, ‘છોડો, યારો! આપણે બધા તો મિત્રો હતા, પણ મારી તો ચેલેન્જ છે કે જો સમંદર એની પ્રેમિકા તરસ ત્રિવેદીને આજે મળે ને, તો એ પણ આને ઓળખી ન શકે!’


બધાંએ તાળીઓ પાડીને અનિકેતની વાતને વધાવી લીધી. મોડી રાત્રે પાર્ટી પૂરી થઇ, મિત્ર છુટા પડ્યા, પણ સમંદરના દિમાગમાં એક વિચારનું વાવેતર કરતા ગયા. હોટેલમાં જતાં પહેલાં એણે આલોકને પૂછી જ લીધું, ‘તરસ ક્યાં છે એની તને જાણ છે...?’


‘છે ને! એના પપ્પાના ઘરે જ છે. એણે લગ્ન નથી કર્યા. મળવું છે એને? સરનામું યાદ છે કે ભૂલી ગયો? આપું હું?’


બીજો દિવસ. બપોરનો સમય. સમંદરના હાથની આંગળી તરસના ઘરના દ્વાર ઉપર ટકોરા મારી રહી હતી અને એના દિમાગમાં એક સવાલ સળવળતો હતો, ‘જોઉં તો ખરો કે તરસ મને ઓળખી શકે છે કે નહીં!’


તરસ પણ સમંદરને ઓળખી ન શકી. દ્વાર ઉઘાડીને એણે પૂછ્યું, ‘ઘરમાં કોઇ નથી, આપને કોનું કામ હતું?’


સમંદરે વાર્તા ઉપજાવી કાઢી, ‘હું તમારા પિતાશ્રીના મિત્રનો પુત્ર છું. વરસો પછી ઇન્ડિયા આવ્યો છું. મનમાં થયું કે લાવ, કાકાને મળું! ક્યાં છે દાસકાકા?’


પપ્પાનું નામ પડ્યું એટલે તરસે મહેમાનને ઘરમાં લીધા, ‘આવો ને, ચા-પાણી પીને જજો. પપ્પા તો સાતેક વરસ પહેલાં જ ગુજરી ગયા. ભાઇ નોકરી ઉપર ગયા છે, ભાભી પિયરમાં છે પ્રસંગ છે એટલે...’


સમંદર ઘરનું નિરીક્ષણ કરી રહ્યો. જૂના જમાનાની લાકડાની પાટ, એક નાનું ટી.વી., વ્હાઇટવોશનો મેકઅપ વાંછતી ભીંતો, જરી ગયેલા બારીના પડદા. તરસના ગોરા-ગોરા રૂપાળા દેહ ઉપર ફરી વળેલી ઉદાસી. સમંદરને લાગ્યું કે આ બધાંને માટે પોતે જ જવાબદાર છે. જો દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણની લાલચે એણે આ ભલી ને ભોળી પ્રેમિકાને દગો ન આપ્યો હોત તો આજે આ ઘરની દશા આવી ન હોત.


એ પંદર-વીસ મિનિટ માંડ બેઠો. ચા પીધી. પછી જવા માટે ઊભો થયો. ત્યાં તરસે એને વિનંતી કરી, ‘તમે પાંચેક મિનિટ માટે બેસશો? હું એક પત્ર લખી નાખું. તમે બહાર નીકળીને એને ટપાલપેટીમાં નાખી દેશો તો મારો એક ફેરો બચી જશે. આમ પણ છેલ્લાં વીસ વરસથી મને ઘરની બહાર જવું ગમતું નથી.’


સમંદરે હા પાડી. તરસે એક પત્ર લખીને પરબીડિયામાં બંધ કર્યો. પછી સમંદરે વિદાય લીધી. રસ્તા પર આવીને સમંદરે ટપાલપેટી શોધી કાઢી. ડબ્બામાં નાખવા માટે કવર બહાર કાઢયું. કુતૂહલવશ સરનામું વાંચ્યું. ડઘાઇ ગયો. પત્ર એના પોતાના નામે લખાયેલો હતો. પરબીડિયા ઉપર આવું લખેલું હતું. સમંદર શાહ, લક્ષ્મી ગલી, લાલચ સોસાયટી. લોભનગરી.


એણે અંદરથી પત્ર કાઢીને વાંચ્યો : ‘સમંદર, હું કેટલી દુ:ખી છું તે જોવા માટે આવ્યો હતો? કે તું કેટલો સુખી છે તે બતાવવા માટે...? તેં તારી સાચી ઓળખાણ છુપાવી? શા માટે? તને એમ કે હું તને પિછાણી નહીં શકું? પણ એટલું યાદ રાખજે, સમંદર, કે તારા મિત્રો ભલે તને ઓળખી ન શકે, પણ મેં તો ક્યારેક તને પ્રેમ કર્યો હતો. તારા માથા પર ભલે ટાલ હોય, પણ તોયે વાળમાં આંગળીઓ ફેરવવાની તારી આદત હજુ એની એ જ છે.


બોલવાનું શરૂ કરતાં પહેલાં નીચલો હોઠ દબાવવાની તારી ટેવ ઉંમર સાથે શી રીતે બદલાવાની છે? તારા ડાબા કાન ઉપર કાપો, ઘડિયાળ જમણા કાંડે બાંધવાની તારી આદત, તારા દરેક શર્ટ ઉપર ‘એસ’નું એમ્બ્રોઇડરી કરાવવાની તારી ઘેલછા! મને બધું યાદ છે. થાપ તો તંે આજે ખાધી છે. મેં તને ભાવતી લેમન ટી પીવડાવી તોયે તું સમજી ના શક્યો કે હું તને ઓળખી ગઇ છું? એક જ વિનંતી છે, હવે પછી ક્યારેક મને મળવા ન આવતો. તારી સ્મૃતિઓના કિલ્લામાં જીવી રહેલી આ કર્મભાગી નારીની એકાંત કોટડીમાં છીંડું પાડવાનું પાપ ફરી વાર ન કરીશ.’


(શીર્ષક પંક્તિ : મુસાફિર પાલનપુરી)

No comments: