Tuesday, January 12, 2010

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે

સાંભળો તો એમ લાગે સાવ સાચી વાત છે
સૂર્ય દેખાશે ગગનમાં ક્યાંક એવી રાત છે

‘અમદાવાદ આવી તો ગયો પણ લાગે છે કે ફેમિલી સાથે અહીં નહીં રહેવાય...’ નોકરીના ત્રીજા જ દિવસે આર. કે. ગુપ્તાએ સ્ટાફના મિત્રો પાસે બળાપો કાઢ્યો. સત્યાવીસ વર્ષનો રામ ખિલાવન ગુપ્તા યુ.પી.ના અંતરિયાળ ગામડામાંથી સીધો આવ્યો હતો. અહીં રહેતા દૂરના સગાએ બેન્કની નોકરીનું ફોર્મ ભરાવેલું એમાં ગુજરાતની પસંદગી કરેલી એમાં એ ભોળિયાનો નંબર લાગી ગયો હતો.

પહેલા બે દિવસ ઓફિસમાં ગૌરાંગ અને નીલાંગની સાથે રહ્યો એટલે આજે એણે હૈયું ખોલ્યું. ‘કાલે સાંજે છૂટીને મારા રિશ્તેદારની સાઇકલ લઈને કેટલાક એરિયામાં ફરી વળ્યો. બધે ફ્લેટનું ભાડું એટલું માગે છે કે બે ટાઇમ ફેમિલીને જમવા આપે તોય ના પરવડે...’

‘તું વારેઘડીએ ફેમિલી ફેમિલી કહે છે તો કુલ કેટલા માણસો છે તારા ફેમિલીમાં? ગૌરાંગે પૂછ્યું, ‘હું ને મારી મિસિસ હજુ એક વર્ષ પહેલાં લગ્ન થયા છે. પણ અમારા યુ.પીમાં ફેમિલી કહેવાનો રિવાજ છે..’

ગૌરાંગ અને નીલાંગ હસી પડ્યા.

‘આ રીતે સાઇકલ લઈને સાત દિવસ ફરીશ તોય મકાન ભાડે નહીં મળે...’ નીલાંગે એને સાચો રસ્તો બતાવ્યો. ‘રવિવારે છાપામાં ટચૂકડી જાહેરાતો આવે છે. એ જોઈને પ્રયત્ન કરવાનો. એમાંય સસ્તા ભાડા માટે દૂર જવું પડે... બોપલ પહોંચી જા...’

સોમવારે ઓફિસ આવીને એ નીલાંગ અને ગૌરાંગની સામે બેસી ગયો. ‘સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી રખડ્યો. ત્રણેક જગ્યાએ સારો રિસ્પોન્સ મળ્યો છે. કાલે દેશમાં જઈને ફેમિલીને લઈને શનિવારે આવી જઈશ.

રવિવારે ફેમિલી સાથે બોપલ જઈશ અને ફાઇનલ કરી નાખીશ.’ એ જેટલી વાર ફેમિલી બોલતો હતો એ વખતે ગૌરાંગ અને નીલાંગ એકબીજાની સામે જોઈને મોં મલકાવતા હતા.

‘હાશ! પતી ગયું!’ બીજા સોમવારે આવીને એણે વધામણી આપી. ‘એક બંગલામાં પાછળના બે રૂમ સસ્તામાં મળી ગયા. પહેલીવાર એકલો જોવા ગયો હતો ત્યારે જ ગમી ગયેલું પણ એ વખતે ડોસાએ હા નહોતી પાડી અને ભાડું પણ પાંચ હજાર માગેલું. કાલે ફેમિલી સાથે ગયો તો ડોસાએ તરત હા પાડી દીધી. બે હજાર રૂપિયામાં રાજી થઈ ગયો!’

નીલાંગ અને ગૌરાંગે એકબીજાની સામે માર્મિક સ્મિત કર્યું પણ રામખિલાવનનું એ તરફ ઘ્યાન નહોતું.

‘આખા સ્ટાફને કહીને લાંબુ નથી કરવાનું. અહીંના મારા રિશ્તેદાર અને તમે બે... શુક્રવારે સાંજે મારા ઘેર જમવા આવવાનું છે..’ રામખિલાવને આગ્રહ કરીને નિમંત્રણ આપ્યું.એ સાંજે ગૌરાંગ અને નીલાંગને આશ્ચર્ય થયું. આટલા ઓછા ભાડામાં આટલી સગવડ?

ચારસો વારની પ્લોટમાં સરસ મજાનો બંગલો હતો અને એમાં પાછળના બે રૂમ રામખિલાવનને ભાડે મળ્યા હતા. ખાસ્સી ખુલ્લી જગ્યા હતી. જમણવાર ત્યાં જ ગોઠવાયો હતો. રામખિલાવનના જે સગાંઓ હતા એ બધા સાવ સામાન્ય સ્થિતિના હોય એવું લાગતું હતું.

રામખિલાવનની પત્ની સવિતાને જોઈને બંનેનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. બાવીસેક વર્ષના એ ગ્રામ્ય યુવતીનું રૂપ કેટરિના કૈફને પણ ઝાંખી પાડી દે એવું હતું. લાંબી પાતળી ગરદન, સાગના સોટા જેવી ઘાટીલી કાયા, ઢીંચણ સુધીના ભરાવદાર વાળ, તીણું નાક અને એકદમ ભોળી આંખો.

રામખિલાવને એ બંનેનો પત્ની સાથે પરિચય કરાવ્યો. એ પછી થોડે દૂર બેઠેલા પાંસઠ વર્ષના પુરુષ પાસે લઈ ગયો. ‘આ અમારા મકાનમાલિક અરવિંદભાઈ.’ રામખિલાવને પરિચય કરાવ્યો એ વખતે અરવિંદભાઈનું જમવાનું ચાલુ હતું.

જમવાનું પતાવીને નીલાંગ અને ગૌરાંગ બહાર નીકળીને પાનના ગલ્લા પાસે ઊભા રહ્યા. ‘આનું નામ નસીબ!’ નીલાંગ બબડ્યો ‘આવા ડોબાને આવી સરસ બૈરી મળી અને મફતના ભાવમાં મકાન પણ મળી ગયું!’

‘રામખિલાવનને જોઈને ડોસાએ ભાવ નહોતો આપ્યો પણ સવિતાને જોઈને એના મનમાં સળવળાટ થયો હશે એટલે પાંચને બદલે દોઢ હજારમાં તૈયાર થઈ ગયો.’ ગૌરાંગે તરત કહ્યું ‘આપણે એને મળ્યા ત્યારે પહેલી જ નજરે લાગ્યું કે આ નમૂનો ઘટિયા કિસમકા ચાલુ આદમી જેવો છે.’

‘રામખિલાવનને ચેતવવો પડશે. ગામડાની ગૌરીને આ લખાડ લપટાવી દેશે.’

‘આવી વાતમાં કોઈને સલાહ-સૂચન ના અપાય. કદાચ ખોટું લાગી જાય.’ ગૌરાંગે વ્યવહારુ વાત કહી ‘કોઈ પ્રોબ્લેમ થાય અને એ સામેથી કહે તો મદદ કરવાની પણ અત્યારથી આવું ના કહેવાય.’

દોઢ મહિના પછી જ એવી નોબત આવી ગઈ. શનિવારે બેન્કમાંથી નીકળ્યા પછી રામખિલાવન એ બંનેને એક હોટેલમાં લઈ ગયો. ‘તમને બંનેને મારા મોટાભાઈ જેવા માનું છું એટલે દિલ ખોલીને વાત કરું છું.’ રામખિલાવનનો અવાજ ઢીલો હતો.

‘હું તો આખો દિવસ બેન્કમાં હોઉ છું પેલો ડોસો એના બંગલામાં એકલો હોય છે એટલે ફેમિલીને પ્રોબ્લેમ થાય છે.’

રામખિલાવનને હવે ખ્યાલ આવી ગયો હતો કે ફેમિલી શબ્દ સાંભળીને આ બંનેને હસવું આવે છે એટલે એણે તરત વાક્ય સુધાર્યું ‘સવિતા બંગલામાં એકલી હોય છે અને ડોસો પાછળ આંટા મારે છે. આમ તો સવિતા આખો દિવસ બારણાં બંધ કરીને રૂમમાં જ પૂરાઈ રહે છે પણ કપડાં ધોવા માટે કે વાસણ ઘસવા માટે તો બહાર ચોકડીમાં આવવું પડેને?

એ કપડાં વાસણ કરવા બેસે એ વખતે પેલો તરત બહાર આવી જાય. બંગલો એનો છે એટલે પાછળની જગ્યામાં એ આંટા મારે એમાં એને રોકવો કઈ રીતે? જાણે આંટા મારતો હોય અને કસરત કરતો હોય એમ હળવે હળવે ચાલે અને એ વખતે એની કોડા જેવી આંખો તો સવિતાની સામે જ ખોડાયેલી હોય!

એ બાપડીએ થોડાક દિવસ જોયું પછી કાલે રડીને મને વાત કરી... હવે તમે જ કહો કે મારે શું કરવું?’

‘મકાન ખાલી કરી નાખવાનું’ નીલાંગે તરત રસ્તો બતાવ્યો. ‘ક્યારેક કંઈક બની જાય એ પછી માથાકૂટ કરવી એના કરતાં રાજીખુશીથી બીજું મકાન શોધી કાઢવાનું.’

‘એવું ના કરાય’ ગૌરાંગે તરત કહ્યું એક કામ કર. તારા બે-ચાર સગાંવહાલાંને સાથે રાખીને એ ડોસાને મળ એને સમજાવ કે આ ઉંમરે આવા ધંધા નથી શોભતા એના ઘરમાં બીજું કોણ કોણ છે?’

‘કોઈ નથી’ દુ:ખી અવાજે રામખિલાવન બબડ્યો. ‘ડોસી મરી ગઈ છે અને બધા સંતાનો અમેરિકા છે એટલે હરાયા ઢોરની જેમ અહીં એકલો રહે છે. રહેવા ગયા પછી આ વાતની ખબર પડી.’ સહેજ અટકીને એણે પોતાની મુશ્કેલી વર્ણવી. ‘મારા સગામાંથી કોઈને આ વાત કહેવાય એવી નથી.

દૂરનો કાકો છે એ પાણીપૂરી વેચે છે. બે મામા છે એ પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. એમને વાત કરીએ તો સીધી લડાઈ કરવી પડે. એ લોકો ધારિયા અને ગુપ્તી લઈને આવી જાય અને પ્રોબ્લેમ મોટો થઈ જાય.’

એણે આશાભરી નજરે બંને સામે જોયું. તમારા જેવા સમજદાર માણસો મારી સાથે આવે તો કંઈક શાંતિથી વાત કરીને ઉપાય વિચારી શકાય.’

‘નો પ્રોબ્લેમ.. કાલે રવિવાર છે. બારેક વાગ્યે આવી જઈશું.’ બંને વતી ગૌરાંગે ખાતરી આપી.

રવિવારે બાર વાગ્યે બોપલની બધી સોસાયટીઓ સૂમસામ હતી. રસ્તા ઉપર પણ પાંખો ટ્રાફિક હતો. ગૌરાંગ અને નીલાંગ બંગલામાં પ્રવેશ્યા અને સીધા રામખિલાવનના રૂમમાં ગયા.

સવિતા નીચું જોઈને બેઠી હતી. એણે આ બંનેને ફરીથી આખી વાત કહી અને કહેતાં કહેતાં રડી પડી. ‘મૂવો આંખો ફાડીને તાકી રહે છે. મારે કપડાં-વાસણનો ટાઇમ થાય એ જ વખતે એને આંટા મારવાનું સૂઝે છે!’

‘ચિંતા ના કરો.’ ગૌરાંગે ઊભા થઈને કહ્યું ‘અમે વાત કરીએ છીએ.’ રામખિલાવન અને નીલાંગ પણ ઊભા થયા. ત્રણેય ધીમા પગલે આગળ વઘ્યા અને બંગલાના મુખ્ય દ્વારે પહોંચ્યાં.

‘વડીલ, આમ તો સાવ નાનકડી વાત છે પણ આ માણસ મૂંઝાયો છે એટલે અમારે આવવું પડ્યું.’ રામખિલાવન સામે હાથ લંબાવીને ગૌરાંગે અરવિંદભાઈ સામે જોઈને સીધી વાત શરૂ કરી.

‘એની મિસિસ ગામડાની છે પણ અમુક સૂઝ તો ઇશ્વરે દરેક સ્ત્રીને જન્મની સાથે જ આપેલી હોય છે. એ બહેન કપડાં-વાસણ કરતાં હોય એ સમયે તમે બહાર આંટા મારો છો એને લીધે એ બાપડીને મૂંઝવણ થાય છે. પ્લીઝ, એના મનના સમાધાન માટે તમારો કસરતનો સમય બદલો તો સારું.

તમારા મનમાં કંઈ હોય નહીં અને એ બિચારી ગેરસમજથી સતત ફફડતી રહે છે. તમારા જેવા વડીલ અને સમજદારને આનાથી વિશેષ કંઈ કહેવાની જરૂર નથી લાગતી.’

‘મારી વાત સાંભળશો?’ અરવિંદભાઈએ સામે બેઠેલા ત્રણેયની સામે જોઈને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. ‘બે દીકરા અમેરિકા છે. પત્ની અવસાન પામી છે અને અહીં હું એકલો છું એટલે મારા વિશે આવી ગેરસમજ થાય એ સ્વાભાવિક છે.

હકીકત એ છે કે બે દીકરા ઉપરાંત મારી એક દીકરી પણ હતી. અમેરિકામાં એ ડોક્ટર હતી. ગયા વર્ષે કાર અકસ્માતમાં એ મૃત્યુ પામી ત્યારે આઘાતથી પાગલ થઈ ગયો હતો.

યુપીનો આ છોકરો મકાન ભાડે રાખવા આવ્યો ત્યારે ભાડે આપવાની ઇચ્છા નહોતી એટલે પાંચ હજાર ભાડું કહીને મેં એને ફૂટાડી દીધો હતો. બીજા અઠવાડિયે એ એની પત્નીને લઈને આવ્યો ત્યારે મારું મગજ ચકરાઈ ગયું. જાણે મારી દીકરી સાક્ષાત સ્વર્ગમાંથી ઊતરીને આવી હોય એવું મને લાગ્યું.

એજ નિર્દોષ ચહેરો અને એ જ ભોળી આંખો! ખરેખર કુદરત ક્યારેક કમાલ કરે છે. અદ્દલ મારી દીકરી જેવો ચહેરો જોઈને હું હચમચી ઊઠ્યો અને મફતના ભાવમાં બે રૂમ ભાડે આપી દીધા.’

સહેજ અટકીને એમણે ત્રણેયની સામે નજર કરી ‘બાપને દીકરીનો ચહેરો જોવાનું મન થાય એ તો લાગણીની વાત છે. આખો દિવસએ બિચારી ઘરમાં પૂરાઈ રહે છે એટલે માત્ર એ કપડાં-વાસણ કરતી હોય ત્યારે એના ભોળા ચહેરાના દર્શનની તક મળે છે. એ છતાં એને અને તમને તકલીફ પડતી હોય તો હવેથી બહાર આંટા નહીં મારું.. બસ?’

ત્રણેય શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળતા હતા એ જોઈને એમણે ઉમેર્યું ‘એક બાપને પોતાની સ્વર્ગવાસી દીકરીના ચહેરાની ઝલક જોવાથી જે સુખ મળતું હતું એ મારા નસીબમાં નથી એમ માનીશ તમે જરાય ચિંતા ના કરતા.’

હવે શું બોલવું એ ત્રણમાંથી એકેયને સૂઝતું નહોતું. એકબીજાની સામે જોઈને ત્રણેય ઊભા થયા અને ધીમા પગલે બહાર નીકળી ગયા.

ત્રીજા દિવસે સવારે રામખિલાવન ઓફિસે આવ્યો ત્યારે ગૌરાંગ અને નીલાંગ એની રાહ જોઈને જ બેઠા હતા.

‘એક કામ કર’ ગૌરાંગના અવાજમાં આદેશ હતો. ‘આપણા સ્ટાફમાં કાંતિકાકા છે એના ફ્લેટમાં એક રૂમ-રસોડું ખાલી છે. સાંજે એમની સાથે જઈને નક્કી કરી આવ અને શનિ-રવિમાં મકાન બદલી નાખ.’

‘કેમ? અચાનક વિચાર કેમ બદલાયો?’ રામખિલાવનના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘તારા ભલા માટે...’ નીલાંગે ખુલાસો કર્યો.

‘રવિવારે એ ડોસાની વાતથી પ્રભાવિત થઈ ગયા હતા પણ કાલે તારી સોસાયટીના એક ભાઈ મળી ગયા એને પૂછ્યું. એ ડોસો સાવ હરામી છે, લબાડ છે અને જુઠ્ઠો છે એને કોઈ દીકરી છે નહીં અને હતી પણ નહીં... આખી વાર્તા એ નાલાયકે ઉપજાવી કાઢી હતી.

છ મહિના અગાઉ તારા જેવા જ કપલને આવી જ રીતે ભાડે આપેલું અને ડોસો બપોરે એના રૂમમાં ઘૂસી ગયેલો. બહુ મોટી બબાલ થયેલી અને પેલાએ આ ડોસાને ઝૂડી નાખેલો. તોય હજુ સુધર્યોનથી!’

રામખિલાવનનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું હતું.

(શીર્ષક પંક્તિ - લેખક)

No comments: