Wednesday, January 6, 2010

વાત જો ગમતી નથી તો સાંભળવી નથી

વાત જો ગમતી નથી તો સાંભળવી નથી,
આ કાન માત્ર કાન છે, કોઇની થૂંકદાની નથી

લાભશંકર શાસ્ત્રીએ ત્રીજી વાર ટીપણું વાંચ્યું. આઠમી વાર આંખો બંધ કરી. વીસમી વાર વેઢા ગણ્યા. છેલ્લા અડધા કલાકની અંદર નવ્વાણુમી વાર નિ:સાસો નાખ્યો. પછી માથું હલાવીને આખા બ્રહ્માંડમાં સંભળાય એટલા મોટેથી નાદ ઉચ્ચાર્યો, ‘હરી ઓ...મ્..! હરી ઓ...મ્..!’

એમના સિવાય એ ઓરડામાં બીજા છ જણાં હાજર હતા. બધાંની મીટ લાભશંકર શાસ્ત્રીની ઉપર ખોડાયેલી હતી. શાસ્ત્રીજી ખાલી આટલું બોલ્યા, ‘તમારે લગ્ન કરવા જ છે ને? તો કરો, હું આડી જીભ નહીં ઘાલું.’

શાસ્ત્રીજીની સામે બે જૂથમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓ બેઠેલી હતી. જમણી તરફ છોકરી અને એનાં મમ્મી-પપ્પા હતાં, ડાબી તરફ છોકરો એના મમ્મી-પપ્પાની સાથે બેઠો હતો. છોકરાનું નામ તપોવન ભટ્ટ હતું અને છોકરીનું નામ હતું ટ્રેસી ક્રિશ્વિયન.

છોકરાના પપ્પા મયંકભાઇએ મૌન તોડ્યું, ‘શાસ્ત્રીજી, લગ્ન તો કરવાના જ છે. એ માટે તો તમારું માર્ગદર્શન મેળવવા આવ્યા છીએ. આડી નહીં તો ઊભી, પણ જીભ તો તમારે ઘાલવી જ પડશે. છોકરા-છોકરીનાં જન્માક્ષરો મળતાં ન હોય તો ખુલાસો કરો, તમારી પાસે એનુંય નિવારણ તો હશે જ ને?’

એક વિષાદપૂર્ણ નજર સામે પડેલા ટીપણા તરફ અને બાજુમાં પડેલા બે જન્માક્ષરો તરફ જોઇ લીધું. પછી આંખો ઉઘાડી નાખી, ‘લાભશંકર શાસ્ત્રી ત્રિકાળજ્ઞાની ખરો, પણ ત્રિકાળ-નિયંતા નથી જ નથી. હું ભૂતકાળને વાંચી શકું છું, પણ એને ભૂંસી શકતો નથી અને ભવિષ્યના કાગળ પર લખાયેલા લેખ ઉકેલી શકું છું, પણ એને બદલી શકતો નથી.

જો આ બંને જાતકો મા-બાપની સંમતિથી ગોઠવાયેલા લગ્ન કરવા ઇચ્છતા હોત તો મારી સલાહ કંઇક જુદી જ હોત. પણ એ બંને તો પ્રેમમાં પડીને, એકબીજાંની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધા પછી માત્ર ઔપચારિકતા ખાતર મારી પાસે જન્માક્ષરો વંચાવવા આવ્યા છે. જ્યાં મારા વચનનું વજન ન હોય ત્યાં શબ્દોને થૂંકવાનું મને પસંદ નથી. જાવ, મારા આશીર્વાદ છે : કુર્યાત સદા મંગલમ્ ’

શાસ્ત્રીજીએ પાછા હોઠ સીવી લીધા. સામે બેઠેલા બંને જૂથો મૂંઝવણમાં પડી ગયા. આ શાસ્ત્રીજીએ તો ભારે કરી નાખી! શહેરભરમાં શાસ્ત્રીજીની ભારે મોટી પ્રતિષ્ઠા હતી એટલે એમની સાથે તોછડું વર્તન કરી શકાય તેમ ન હતું. ઉપરાંત મયંકભાઇ એ વાત જાણતા હતા કે લાભશંકર શાસ્ત્રીની આ ખાસિયત હતી, ટૂંકા ટૂંકા વાક્યો બોલવાની.

એમનું ભવિષ્યકથન સચોટ હતું, અફર હતું, પણ એ ક્યારેય એકી ઝાટકે જ હોય તે બધું કહી દેતા નહીં. નાનાં-નાનાં વાક્યોની બનેલી અધૂરી રેખાઓને જોડીને તમારે એક સંપૂર્ણ ચિત્ર બનાવી લેવું પડે. અત્યારે પણ શાસ્ત્રીજી એવું જ કરી રહ્યા હતા.

ટ્રેસીનાં પપ્પા ડેનિયલભાઇ જરા ઊંચા અવાજમાં બોલી ગયા, ‘જે હોય તે ખુલ્લે ખુલ્લું બોલી નાખો, શાસ્ત્રીજી! લગ્ન તો પાક્કાં જ છે અને અમારામાં તો જન્માક્ષર જોવાનો રિવાજ જ નથી હોતો. પણ મયંકભાઇ આવા બધામાં ખૂબ માને છે એટલે અમે પણ પછી ના ન પાડી. તમે ભલે ને ગમે તે કહો, અમારા ઉપર કશી જ અસર નહીં થાય. માટે જે હોય તે બોલી નાખો!’

ડેનિયલભાઇની વાત સાવ સાચી હતી. એ લોકો ખ્રિસ્તી હતા. લાભશંકર શાસ્ત્રીને જન્માક્ષર ને કુંડળીના મેચીંગનો સ્કોર એ બધાં સાથે એમને શું સંબંધ?! જોકે ટ્રેસી અને તપોવન પ્રેમમાં પડ્યા એ વાત સાથે પણ એમને નિસબત ન હતી. આ તો બે જુવાન હૈયાઓનો ખેલ હતો, જે પાછળથી મા-બાપોની અદાલતમાં દાખલ થયો હતો.

છોકરો બ્રાહ્મણ હતો અને છોકરી ખ્રિસ્તી. એટલે વડીલો તરફથી વિરોધ થવો તદ્દન સ્વાભાવિક હતો. પણ આખરે ટ્રેસીની મક્કમતા અને તપોવનની જીદ આગળ ચારેય વડીલોએ નમતું જોખવું જ પડ્યું. ડેનિયલ અને માર્થા સામે ચાલીને છોકરાવાળા પક્ષ પાસે જવાનું વિચારતા જ હતા, ત્યાં તો મયંકભાઇ અને મીનાબહેન એમના ઘરે જઇ પહોંચ્યા.

આવતા ડિસેમ્બરમાં જ શુભ મુહૂર્ત જોવડાવીને બંને ધર્મની બેવડી વિધિ અનુસાર લગ્ન ઊજવવાનું નક્કી પણ થઇ ગયું. વાત-વાતમાં મયંકભાઇએ સહેજ અમથો વસવસો વ્યક્ત કરી નાખ્યો, ‘અમે તો જન્માક્ષરો મેળવવામાં ખૂબ વિશ્વાસ ધરાવીએ પણ હવે...’

ડેનિયલભાઇએ તરત જ ભાવિ વેવાઇનો બોલ ઝીલી લીધો, ‘અમે ભલે એમાં ન માનતા હોઇએ, પણ જો તમને શ્રદ્ધા હોય તો ભલે જન્માક્ષરો મેળવો! અમને શો વાંધો હોય?’ મયંકભાઇનો ચહેરો ખીલી ઊઠ્યો. એમણે ટ્રેસીનાં જન્માક્ષર માગ્યા.

ડેનિયલભાઇ હસી પડ્યા, અમારી પાસે ફક્ત ટ્રેસીની જન્મતારીખ અને જન્મનો સમય છે. તમે એના આધારે જન્મકુંડળી બનાવડાવી લો તો અમને વાંધો નથી.’ કુંડળી તૈયાર કરાવી. ફળાદેશ કઢાવ્યું.

પછી ટ્રેસી અને તપોવન બંનેની કુંડળીઓ લઇને શહેરના જાણીતા ને માનીતા ભવિષ્યવંતા લાભશંકર શાસ્ત્રીના શરણમાં પહોંચી ગયા, ‘શાસ્ત્રીજી, આ પ્રેમલગ્નનો મામલો છે. અમારે તો માત્ર આશીર્વાદ જ આપી દેવાના છે. એના માર્ગમાં કોઇ નાનો-મોટો અવરોધ તો નથી દેખાતો ને? જો એવું કંઇ લાગતું હોય તો એને દૂર કરાવવા માટે જરૂરી વિધિ...’

ડેનિયલભાઇએ જ્યારે શાસ્ત્રીને ઉશ્કેર્યા, ત્યારે એમની પાસે સ્પષ્ટતા કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નહીં. ‘ભયંકર!!’ શાસ્ત્રીજીએ વિશાળ નેત્રોને વધુ વિશાળ કર્યા, ‘ભયંકર અનર્થ સર્જાવાનો યોગ મને સાફ-સાફ દેખાઇ રહ્યો છે.’

મયંકભાઇ ગભરાઇ ગયા, પણ ડેનિયલભાઇ હસવા માંડ્યા. બોલ્યા, ‘ભયંકર અનર્થમાં થઇ-થઇને શું થવાનું છે એ કહો ને! વરઘોડાના સમયે સળગતું રોકેટ વેવાઇના પેન્ટમાં ઘૂસી જવાનું છે?’ બધાં હસી પડ્યા, પણ ન હસ્યા લાભશંકર શાસ્ત્રી, ‘સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે લગ્નના માત્ર બે જ મહિનાની અંદર...’

‘બે મહિનાની અંદર? શું થવાનું છે?’

‘આ કન્યારત્નનું મત્યુ થઇ જશે. આ બે કુંડળીઓનો મેળાપ કરતાં એવું કારમું ભાવિ...’ શાસ્ત્રીજી જાણે સામેની દીવાલ ઉપર લખાયેલું અદ્રશ્ય લખાણ વાંચતા હોય એમ બોલ્યે જતા હતા અને ઓરડામાં હાજર છ વ્યક્તિઓમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ ઊઠી રહી હતી.

મયંકભાઇ જે અત્યાર સુધી સખત તણાવમાં દેખાતા હતા એમને જરાક ‘હાશ’ વરતાઇ રહી હતી. એમના પત્ની મીનાબહેને બાજુમાં બેઠેલા દીકરા સામે જોઇને જરાક હસી દીધું. મનમાં બબડ્યા પણ ખરાં, ‘હાશ! મારા તપોવનના માથા પર તો મોતની ઘાત નથી ને!’

તપોવન પ્રેમિકાનાં મોતની કલ્પના માત્રથી હાલક ડોલક થઇ ઊઠ્યો. પણ સૌથી ધેરા પ્રત્યાઘાતો સામેના જૂથમાંથી ઊઠ્યા. ડેનિયલભાઇના મોં ઉપરથી હાસ્ય ઊડી ગયું. માર્થાબહેન રડમસ થઇ ગયાં. ટ્રેસીની આંખોમાં યમરાજાનો પાડો જોઇ લીધો હોય એવો ભય ડોકાવા માંડ્યો.

‘શાસ્ત્રીજી.’ ડેનિયલભાઇએ મુદ્દાનો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘તમારું ભવિષ્યકથન જો ખોટું સાબિત થયું તો..?’

શાસ્ત્રીજી હસ્યા, ‘તો શું? હું ખોટો પડીશ તો સૌથી વધારે આનંદ મને થશે.’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘પણ જિંદગીમાં ક્યારેય હું ખોટો પડ્યો નથી.’ બધાં ઊભા થઇને બહાર નીકળ્યા. ડેનિયલભાઇની શકલ-સૂરત બદલાઇ ચૂકી હતી, ‘માફ કરજો, મયંકભાઇ! આ લગ્ન નહીં થઇ શકે. હું મારી દીકરીનાં જીવનું જોખમ ન લઇ શકું.’

તપોવને થોડી-ઘણી દલીલો કરી જોઇ, પરંતુ એ જેને ચાહતો હતો એનાં મૃત્યુની આગાહી સાંભળીને એ પણ ભાંગી પડ્યો હતો. ન થઇ શકેલા વેવાઇ-વેવાણોએ ક્ષમાયાચના કરી લીધી. તપોવન-ટ્રેસીએ છેલ્લી વાર એકબીજાને સ્નેહભરી નજરે નિહાળી લીધાં. પછી સૌ પોત-પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.

ટ્રેસી એક ખ્રિસ્તી છોકરા સાથે પરણી ગઇ. તપોવને પણ મમ્મી-પપ્પાએ પસંદ કરેલી યુવતી સાથે સંસાર વસાવી લીધો.

પ્રેમ-વિચ્છેદનો જખમ સમયના મલમથી રુઝાઇ ગયો. આજે તો એ ઘટનાને વર્ષો નહીં પણ દાયકાઓ થઇ ગયા છે. વડીલો હવે સ્વર્ગવાસી બની ગયા છે અને તપોવન અને ટ્રેસી પોતાનાં જીવનસાથીઓ સહિત હવે વડીલોની પંગતમાં બેસી ચૂક્યા છે.

તપોવનનો દીકરો યુવાન થઇ ગયો. એ પણ એક વિધર્મી યુવતીનાં પ્રેમમાં પડ્યો છે. નસરીન રૂપાળી છે, આધુનિક છે અને ભણેલી છે. તપોવનનો દીકરો તથાગત બે વરસથી એને જાણે છે અને ચાહે છે.

છોકરાં નથી જ માનવાનાં એ વાતની ખાતરી થયા પછી તપોવને વાત મૂકી, ‘દીકરા, લગ્ન ભલે કર, પણ નસરીનની જન્મતારીખ અને જન્મનો સમય જાણતો આવજે. એ લોકોમાં ભલે જન્માક્ષર ને કુંડળીની પ્રથા ન હોય, પણ આપણે તો એમાં માનીએ છીએ.’

તથાગત બીજા જ દિવસે બેય વિગતો જાણી લાવ્યો. એ લઇને તપોવનભાઇ જન્માક્ષર -બનાવી આપનાર એક વયોવૃદ્ધ જાણકાર પાસે ગયા.

જાણકારે હસીને આવકાર આપ્યો, ‘પધારો, જજમાન! તમે તો સ્વર્ગસ્થ મયંકભાઇ ભટ્ટના સુપુત્ર છો ને? તમારાં લગ્ન સમયે પેલી કન્યાની જન્મકુંડળી મેં જ બનાવી આપી હતી. પેલી ખ્રિસ્તી છોકરીની. તમારો દીકરો પણ વિધર્મી કન્યાનાં પ્રેમમાં પડ્યો છે?

સમજી ગયો, જજમાન! તમે પણ તમારા પિતાશ્રીની જેમ... હા, હા! સમજી ગયો. કન્યાની બનાવટી કુંડળી એવી ભયંકર બનાવી આપું કે ગમે તેવો શાસ્ત્રી પણ આ લગ્નને મંજૂરી ન આપે. મયંકભાઇએ મને ખાસ વિનંતી કરી હતી અને દક્ષિણા પણ સારી એવી આપી હતી...’

પેલો બોલ્યે જતો હતો, પણ તપોવનભાઇ ક્યાં સાંભળતા હતા? એ તો પચીસ વરસ પહેલાંના એ દિવસોમાં પહોંચી ગયા હતા, જ્યારે હૃદયમાં તાજા ઊઘડેલા ગુલાબની ખુશ્બૂ હતી અને ઉપર ટ્રેસીનાં સાચા પ્યારનો હળવો સ્પર્શ હતો.

પિતા મયંકભાઇની વિધર્મી યુવતી માટેની નારાજગી, જન્માક્ષર બનાવી આપનાર આ લેભાગુની બદમાશી અને પોતાની હથેળીમાંથી એકાએક ભૂંસાઇ ગયેલું એક ખૂબસૂરત નામ! તપોવનભાઇની છાતીમાંથી કાળી ચીસ જેવો ચિત્કાર ઊઠ્યો, ‘જાલીમ છે આ દુનિયા! રણમાં ગુલાબ ખીલે એ પહેલાં જ અહીંની ગરમ-ગરમ રેતી એને મુરઝાવી નાખે છે.’

No comments: