Wednesday, January 6, 2010

...છતાં પણ કૈંક મજિયારું રહ્યું

પપ્પા, દુકાનનું પગથિયું ચઢ્યા વગર આખી જિંદગી તમે બેઠાં બેઠાં ખાધું છે એટલે કાકાએ આ રમત કરી. એમને ખબર છે કે તમને હિસાબમાં કશી સમજ નથી પડતી એટલે ચાલાકી કરીને ત્રીસ લાખનો ચૂનો લગાડી દીધો...’’ ત્રીસ વર્ષનો મૃગેશ ઉગ્ર થઈને મણિભાઈને સમજાવી રહ્યો હતો.


‘‘ભાગ પાડવાની વાત આવી ત્યારે એમણે કહ્યું એ તમે માની લીધું અને જ્યાં કહ્યું ત્યાં સહીઓ કરી આપી. તે કાંડા કાપી આપ્યા એટલે મારે શું કરવાનું ?’’


‘‘કશું નહીં...’’ હીંચકા ઉપર બેઠેલા મણિભાઈએ શાંતિથી પુત્રને સમજાવ્યું. ‘‘મારી વાત સાંભળ. માધુપુરામાં શાંતિલાલ હરગોવનદાસની આપણી પેઢી એંશી વર્ષ જૂની છે. તારા દાદાએ મહેનત કરીને એ ઊભી કરેલી. એ ગુજરી ગયા એ પછી તારા ભીખાકાકાએ બધો ભાર સંભાળી લીધો.


કૂકરવાડાના બંને મકાન કાઢી નાખ્યા અને એના જે પૈસા આવ્યા એ બધા ધંધામાં નાખ્યાં. રાત દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને એણે પોળમાં જોડાજોડ બે મકાન લીધા. દુકાન ધમધોકાર ચાલતી હતી એટલે અક્કલ વાપરીને એણે એ ટાઈમે સસ્તા ભાવે નવરંગપુરામાં જમીન લઈ લીધી.


પાંચ વર્ષ પછી ત્યાં બે બંગલા બનાવ્યા અને પોળના મકાનોમાં વખાર બનાવી દીધી. આજે આપણા આ બંગલાની કિંમત કેટલી થાય એ વિચારી જો. ભીખાએ જરાય ભેદભાવ વગર એના બંગલા જેવો જ આપણો બંગલો બનાવી આપેલો.


આ બધુંય એણે દુકાનની કમાણીમાંથી ઊભું કર્યું છે. અઢાર અઢાર કલાક એ મહેનત કરતો હતો. મને તો પગનો વા છે એટલે દિવાળીએ ચોપડાપૂજન હોય ત્યારે દુકાન જતો હતો. દર વર્ષે કમાણીનો અર્ધોભાગ આપણને આપ્યો છે.


તારી બે બહેનોનાં અને તારા લગ્નમાં જે ધામધૂમ થઈ એ પણ એની મહેનતના હિસાબે તું જ કહે કે આખી જિંદગીમાં મેં શું કર્યું છે? ઘેર બેસીને આરામથી રોટલાં ખાધા છે. તમે બધા ભણ્યા અને પરણ્યા એ બધા તાગડધિન્ના તારા કાકાની ધંધાની સૂઝ અને મહેનત ઉપર...


બાકી અમારા બાપા ગુજરી ગયા એ જ વખતે ભીખાકાકાએ ભાગ પાડીને આપણો હિસ્સો આપી દીધો હોત તો અત્યારે તારે સાઇકલના પણ ફાંફાં હોત.... સમજ્યો?’’


મૃગેશ હજુ ગુસ્સામાં હતો. ‘‘છેલ્લા એક વર્ષથી તો હું રોજ દુકાને જતો હતો એટલે મને બધી ખબર છે. ગયા મહિને ભાગ પાડવાનું નક્કી કર્યું ત્યારે મારાથી મૂર્ખામી થઈ ગઈ. મને આ કરિયાણાના ધધામાં રસ નથી એટલે કહી દીધું કે દુકાન અને વખારની કિંમત ગણીને અડધો ભાગ અમને આપી દો...’’


‘‘તેં દુકાને જવાનું શરૂ કર્યું એ પછી જ આ બધી માથાકૂટ થઈ છે ? ભીખાનો છોકરો ભરત સરસ રીતે વહીવટ કરતો હતો. બારમું ભણીને એ દુકાને બેસી ગયો છે એટલે એનામાં ધંધાની સૂઝ છે અને ભીખાની જેમ કેડ વાળીને કામ કરવાની આવડત છે. તું લાટ સાહેબની જેમ દુકાનમાં રોફ જમાવે એ કોઈ રીતે ચાલે?...’’


મણિભાઈએ ધૂંધવાઈને કહ્યું. ‘‘ભીખાએ જે કર્યું એમાં હવે કોઈ મીનમેખ નહીં થાય. એ બાપ-દીકરો દુકાન ચલાવશે. આપણા ભાગમાંય ખાસ્સી રકમ આવી છે એમાંથી તારે જે ધંધો કરવો હોય એ કર. લાખના બાર હજાર ના થાય એનું ઘ્યાન રાખજે...’’


ચાર મહિના પછી મૃગેશ ભીખાકાકાને ત્યાં આમંત્રણ પત્રિકા આપવા ગયો. કાકાના હાથમાં કાર્ડ આપીને એણે કાકાનો ચરણસ્પર્શ કર્યો. ભીખાભાઈએ આખું કાર્ડ ઘ્યાનથી જોયું.


‘‘મારો સાળો પ્લાસ્ટિક એન્જિનિયર છે. એનું નોલેજ અને મારી મૂડી. એ કહેતો હતો કે ત્રણ વર્ષમાં ફેક્ટરી ધમધોકાર ચાલતી થઈ જશે. રાઉન્ડ ધ ક્લોક ત્રણેય પાળી ચલાવવી પડશે. ચાંગોદરમાં આ ફેક્ટરી પણ સસ્તા ભાવે મળી ગઈ છે.’’ મૃગેશે માહિતી આપી.


‘‘એક વાત કહું ?...’’ ભીખાલાલે મોં ખોલ્યું. ભરતે પિતાને આંખના ઈશારે રોકવાનો પ્રયત્ન કર્યો પણ ભીખાભાઈનો સ્વભાવ એવો કે હૈયે હોય એ તરત હોઠે આવી જાય. એમણે ભત્રીજાના ખભે હાથ મૂકીને સમજાવ્યું. ‘‘જો મૃગેશ, આપણી જીવનભરની મૂડી રોકવાની હોય ત્યારે આપણને થોડી ઘણી સૂઝ હોય એવા ધંધામાં રોકાય.


તું બધું નક્કી કરીને આવ્યો છે એટલે આશીર્વાદ આપું છું. બાકી, આ બે વાત હંમેશાં યાદ રાખવી....’’


‘‘નો પ્રોબ્લેમ...’’ મૃગેશના અવાજમાં આત્મવિશ્વાસ હતો. ભરત સામે તુચ્છકારથી જોઈને એણે ઉમેર્યું’’ બાપના કૂવામાં ડૂબવાની ઈચ્છા નથી. કંઈક નવુ કરીને કમાણી કરવી છે. વળી સગો સાળો છે એટલે બીજી કોઈ ચિંતા નથી.’’


ઉદ્ઘાટનના દિવસે ફેક્ટરી ઉપર ખાસ્સી ભીડ હતી. ફેક્ટરીની જગ્યા અને બધા મશીનો જોઈને ભીખાભાઈની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એમણે ઝડપથી મનોમન ગણતરી કરી લીધી કે ભાગ પેટે જે રકમ મળી એમાંથી આ તોસ્તાન ઊભું ના થઈ શકે.


એમણે એ વિશે મૃગેશને પૂછ્યું. ‘‘કાકા, બધું મોટા પાયે કર્યું છે. મજિયારો વહેંચીને તમે જે ભાગ આપ્યો એમાંથી તો અર્ધે સુધી પહોંચાયું પછી આપણી ક્રેડિટ ઉપર નેવું લાખની લોન આપી લીધી!...’’ ભીખાભાઈના હોઠ ફફડ્યા.


બાજુમાં ઊભેલા ભરતને બાપા શું બોલશે એ ખ્યાલ આવી ગયો એટલે એણે એમનો હાથ પકડીને દબાવ્યો અને બોલતા અટકાવ્યા.‘‘આ છોકરો દેવાળું કાઢશે...’’ ઘરે ગયા પછી ભીખાલાલે મનમાં ધરબાયેલા શબ્દો ઠાલવ્યા.


‘‘સાંધાની સૂઝ નથી એવા ધંધામાં આટલી ગંજાવર લોન લઈને વ્યાજના દરિયામાં એવો ડૂબશે કે ખો ભૂલી જશે...’’‘હવે એ ડૂબે તરે, આપણે કેટલા ટકા?...’’ ભરતે પિતાને શાંત પાડ્યા.’


સમયનો પ્રવાહ વહેતો રહ્યો. મૃગેશ રોજ કાર લઈને ચાંગોદર ફેક્ટરી પર જતો હતો. ભરત માધુપુરાની પેઢી સંભાળતો હતો. ભાગ પડ્યા પછી બંને ભાઈઓના મન ઊંચા થઈ ગયા હતા એટલે ભીખાલાલે મણિભાઈના ઘેર જવાનું બંધ કરી દીધું હતું.


સાડા ત્રણ વર્ષ પછી ભીખાલાલ સવારે છાપું વાંચતા હતા. એમની પાસે બેસીને ભરત ચા પીતો હતો ત્યારે મોહનભાઈ ઘરમાં ઘૂસી આવ્યા. ‘‘તમને કંઈ ખબર નથી?’’ એમણે ભીખાલાલને સીધું પૂછ્યું. ‘‘ગઈ રાત્રે મણિભાઈ અને મૃગેશ આખો બંગલો ખાલી કરીને જતાં રહ્યા.


છેક બોપલ બાજુ નાનકડો ફ્લેટ ભાડે લીધો છે એવું સાંભળ્યું છે. આજે બેન્કવાળા બંગલાનો કબજો લઈને સીલ મારવા આવવાના છે...’’


ભીખાલાલે છાપું બાજુ પર મૂકીને આશ્ચર્યથી મોહનભાઈ સામે જોયું. ભરતના હાથમાં ચાનો કપ થંભી ગયો હતો. ‘ફેક્ટરી તો ક્યારની બંધ થઈ ગઈ છે. વરસ થઈ ગયું એ વાતને. ત્યાંય બેન્કના સીલ વાગી ગયા છે. મૃગેશ ચાંગોદરની કોઈ ફેક્ટરીમાં નોકરી કરે છે એવા સમાચાર છે.’


‘‘હરિ ઇચ્છા !...’’ ભીખાલાલે નિરાશાથી માથું ધૂણાવ્યું. ‘‘મેં તો મૃગેશને બહુ સમજાવેલો પણ એને પોતાની ફેક્ટરી કરવી હતી એટલે ધરાહાર પેઢીમાંથી છૂટો થઈ ગયો. મણિલાલની ઇચ્છા નહોતી પણ દીકરાની જીદ સામે એ ઝૂકી ગયા.


એમણે આવીને મજિયારી પેઢીનો ભાગ માગ્યો કે તરત ભગવાન માથે રાખીને એમના ભાગે પડતી રકમ આપી દીધી... હવે આ આભ ફાટ્યું છે એમાં થીગડું મારવાની મારી કેપેસિટી નથી...’’


‘‘આજના જમાનામાં તમારા જેવું તો કોઈ ના કરી શકે. મણિભાઈએ દુકાનમાં પગ પણ નથી મૂક્યો તોય તમે એમને સાચવ્યા છે. તમારી મહેનત ઉપર આખી જિંદગી એમણે જલસા કર્યા. તમે તો બંગલો પણ બનાવી આપ્યો પણ મૃગેશે મેથી મારી...’’


‘‘ક્યાંકથી બોપલનું એડ્રેસ મળે તો લાવી દે જે...’’ ભીખાલાલે મોહનભાઈને સૂચના આપી. ‘‘સગો માજણ્યો ભાઈ છે એટલે એક વાર મળવા તો જવું પડશે ને ?’’ બીજા દિવસે ભરત દુકાનેથી આવ્યો. એણે જમી લીધું ત્યારે ભીખાલાલ કપડાં પહેરીને તૈયાર થઈને ઊભા હતા.


‘‘ગાડી સ્ટાર્ટ કર. બોપલ તારા મણિકાકાને મળી આવીએ.’’ એ બંને ફ્લેટ પર પહોંચ્યા ત્યારે મણિલાલ પાટ ઉપર બે હાથ વરચે માથું પકડીને બેઠાં હતા. એમની પત્ની અને મૃગેશની પત્ની રસોડામાં હતા. ‘‘મૃગેશ ઘરમાં નથી?’’ ભરતે પૂછ્યું એ બંને તરત બહાર આવ્યા.


‘‘એમની નોકરી એવી છે કે રોજ રાતે દસ વાગે છે...’’ મૃગેશની પત્નીના અવાજમાં વલોવી નાખે એવી પીડા હતી. ‘‘અલ્યા, આટલું બધું થઈ ગયું તોય વાત ના કરી ?’’ ભીખાલાલે અધિકારપૂર્વક પૂછ્યું.


‘‘કયા મોઢે કહેવું ?...’’ મણિલાલનો અવાજ, ધ્રુજતો હતો. ‘‘આખી જિંદગી તેં મારા ફેમિલીને સાચવ્યું અને આ કપાતરે ભાગ માગીને પાણી ફેરવી દીધું ! હું તો તેને સાક્ષાત ઈશ્વર માનું છુ પણ આ નાલાયક તો એ વખતે પણ કકળાટ કરતો હતો કે કાકાએ ત્રીસ લાખ ઓછા આપ્ય છે.’’


મણિલાલે કપાળ કૂટ્યું. ‘‘આવો પથરો પેટે પાક્યો એના કરતાં તો વાંઝિયા રહ્યા હોત તો વધુ સારું... તેં આટલું કર્યું એની કદર નહીં અને કહે કે કાકાએ ત્રીસ લાખનો ગફલો કર્યો!...’’


ભીખાલાલે નિખાલસતાથી કબૂલ કર્યું. ‘‘પૈસાના ગફલાની એની વાત સાવ સાચી. આજે નહીં તો કાલે આ દિવસ આવશે એવી ધારણા હતી એટલે તારા ભાગના પાંત્રીસ લાખ દબાવી રાખ્યા હતા. કાયદેસર રીતે પેઢીમાં તારા નામે જમા બતાવીને એન્ટ્રી લીધી છે.


આજની તારીખે એનો હિસાબ લેતો આવ્યો છું. વ્યાજ સાથે મળીને તું અડતાળીસ લાખનો આસામી છે...’’ બંને સ્ત્રીઓ અને મણિલાલ સામે જોઈને ભીખાલાલે પૂછ્યું. ‘‘હવે એનું શું કરવાનું છે એ કહો, તમે કહો તો દર મહિને રેગ્યુલર વ્યાજ મોકલાવી આપીશે.’’


ભીખાલાલે હસીને ઉમેર્યું. ‘‘ અને જો મૃગેશને નવો ધંધો કરવો હોય તો એક સાથે આપવામાં પણ મને કોઈ તકલીફ નથી.’’ ‘‘મૃગેશને આ વાતની ખબર પણ નથી પાડવાની...’’ ભાભીએ હાથ જોડીને દિયરને વિનંતીને કરી.’’ આશરો કહેવાય એવો નાનકડો ફ્લેટ એમાંથી અપાવી દો અને બાકીની રકમનું વ્યાજ અમને સાસુ-વહુને મળે એવી વ્યવસ્થા ગોઠવી આપો...’’


સાસુ-વહુની આંખમાં ઝળઝળિયાં હતાં. મણિલાલ પણ ભીની આંખે ભીખાલાલ સામે જોઈ રહ્યો હતો.

No comments: