‘આજનું પેપર બહુ અઘરું હતું. મને તો કંઇ જ ન આવડયું! આ ઇકોનોમિકસે તો મારી શૈયા ફેરવી નાખી!’ ધુમ્મસે આ વાકયો એવા તો મોટા ઉચ્ચારે કહ્યા કે આજુબાજુમાં ઊભેલા પચાસ છોકરા-છોકરીઓ સાંભળી શકે. ખાસ તો સામેથી ચાલી આવતી શૈયા શાહ.
શૈયાએ સાંભળ્યું. એ જતી હતી લેડીઝ રૂમ તરફ, પણ ફંટાઇને સીધી ધુમ્મસ ઊભો હતો એ તરફ જઇ પહોંચી. સુંદર, મોટી, કાળી આંખોમાંથી લાલચોળ અંગારા ખેરવ્યાં, ‘આજના પેપરે તારી શું ફેરવી નાખી? ફરીથી બોલ તો!’ ‘શૈયા... આઇ મીન... પથારી..! આજે તો મારી પથારી ફરી ગઇ.’
‘એક વાત સમજી લેજે, જે જગ્યાએ જે શબ્દ બંધ બેસતો હોય ને તે જ વપરાય! પથારીને શૈયા ન કહેવાય, સમજયો, ધુમાડા?’ અડધું શહેર સાંભળી શકે તેવા મોટા અવાજમાં આટલું બોલીને શૈયા એક ઝટકા સાથે પીઠ ફેરવી ગઇ. મિત્રો બધા હસી પડયા. છોકરીઓ પણ ખિખિયારા કરતી વેરાઇ ગઇ. ધુમ્મસની હાલત કાપો તોયે લોહી ન નીકળે તેવી થઇ ગઇ. ધુમાડો! પોતાને ધુમ્મસને બદલે એ ચાંપલી ધુમાડો કહીને ચાલી ગઇ!
ધુમ્મસના મનમાં ઝનૂન તો એવું ઊઠયું કે દોડીને પેલીનો ચોટલો ઝાલીને એનાં ગાલ ઉપર એક થપ્પડ ચોડી દે! પણ એટલી હિંમત કયાંથી લાવવી? શૈયા શાહનું બીજું નામ હંટરવાલી હતું. એનાં મિજાજમાં આગ હતી, જીભ ઉપર તેજાબ અને હૈયામાં હિંમતનું હંટર. એણે પહેરેલા સેન્ડલ ચાલવા કરતાં છોકરાઓને મારવાના કામમાં વધુ વપરાતા હતા. એટલે ના છુટકે ધુમ્મસે ધુમાડો બનીને વિખેરાઇ જવામાં ડહાપણ છે એ સત્ય સ્વીકારી લીધું.
પણ એ દિવસથી ધુમ્મસના મનમાં એક વિચાર ઘર કરી ગયો : જો પરણવું હોય તો આ છોકરીની સાથે જ! જાહેરમાં પોતાને ઉતારી પાડનાર, ઇંટનો જવાબ પથ્થરથી આપનાર, આ રૂપાળી અને તેજતરાર્ર યુવતીને વાજતે-ગાજતે એનાં ઘરે જઇને બા-કાયદા ઉઠાવી લાવીને, પત્નીરૂપે પોતાનાં શયનખંડમાં સ્થાપિત કરી દેવી. શૈયા નામની આ રૂપસુંદરીને પોતાની શૈયાસંગિની બનાવી દેવી અને પછી મધુરજનીની ક્ષણે એનાં જ મુખમાંથી નીકળેલું સંબોધન એને પાછું આપવું, ‘કેમ, બહુ અભિમાન હતું તે ઊતરી ગયું ને! જેને ધુમાડો કહેતી હતી એને જ તારે ગળે લગાડવો પડયો ને?’ અને પછી શું- શું થશે એની શંગારીક કલ્પનામાં ધુમ્મસ એવો તો ખોવાઇ જતો કે લેકચર કયારે પૂરું થઇ જતું એની પણ એને સૂધ ન રહેતી.
ધુમ્મસે સાંભળ્યું હતું કે મન હોય તો માળવે પણ જવાય. આ તો શૈયા હતી, એના જ શહેરમાં રહેતી એની પોતાની જ જ્ઞાતિની છોકરી. એણે છાનબીન શરૂ કરી દીધી. ધુમ્મસનો મિત્ર જે એનો કલાસમેટ પણ હતો એ પરંતપ પરીખ શૈયાની પડોશમાં રહેતો હતો. એણે શૈયાનાં કુટુંબનો પૂરો વહીવંચો ખુલ્લો કરી દીધો, ‘શૈયાનાં પપ્પા બલ્લુકાકા સાધારણ સ્થિતિના માણસ છે. શૈયાની મમ્મી તો એને જન્મ આપતાંની સાથે જ મરી ગઇ હતી. બલ્લુકાકા બીજી લઇ આવ્યા છે. એને બે દીકરા અને એક દીકરી થયાં છે. શૈયા આખોય દિવસ ઘરકામનો ઢસરડો કર્યા કરે છે. બલ્લુકાકા બધું સમજે છે પણ બૈરી આગળ એમનું કશું ઊપજતું નથી. બાપડા દિવસ-રાત એક જ ચિંતામાં જીવ્યા કરે છે : શૈયાનાં હાથ કયારે પીળા કરી નાખું..!’
પરંતપની છેલ્લી માહિતીથી તો ધુમ્મસ ઊછળી પડયો, ‘વાર રે મારા જેમ્સ બોન્ડ! તારી જાસૂસી ઉપર તો જાન કુરબાન છે! તારા બલ્લુકાકાને જણાવી દેજે કે દીકરીની હથેળીઓ તૈયાર રાખે! પીઠીનું પડીકું આવી રહ્યું છે!’
ધુમ્મસે ચક્રો ગતિમાન કર્યા. બંનેના વડીલો વચ્ચે વાતચીત થઇ ગઇ. સગાઇનું લગભગ પાકું થઇ ગયું. શૈયાએ પણ પોતાની સંમતિ આપી દીધી. પરીક્ષા પતે એ પછીના વેકેશનમાં વિધિ માટેનું મુહૂર્ત નક્કી કરી લેવામાં આવ્યું.
ધુમ્મસ માટે આ એના પુરુષ તરીકેના ‘ઇગો’ની જીત હતી. બીજા દિવસે એણે કોલેજમાં શૈયાને આંતરી. રિસેસનો સમય હતો. લોબીમાં સારી એવી અવરજવર હતી, એનાથી ઠીક-ઠીક દૂર એક ખૂણા પાસે ધુમ્મસે શૈયાને અટકાવી, ‘હાય! કેમ છો? સાંભળ્યું છે કે તને કોઇ છોકરો પસંદ પડી ગયો છે.’
શૈયા શરમાઇ ગઇ, ‘છોડો એ વાત. આપણી હવે સગાઇ થવાની છે. મને શરમ આવે છે.’ ‘શેની શરમ?’
શૈયાનાં ગાલ લાલઘૂમ બની ગયા, ‘કોઇ જોઇ જશે તો?’
‘તો શું? કહી દેજે કે એ તો ધુમાડો હતો.’
‘ધુમાડો હતો ત્યારે હતો, હવે તો ધુમ્મસ છે. એ બે વચ્ચે ફરક હોય છે, ધુમાડામાં આગ અને રાખ હોય છે, જયારે ધુમ્મસમાં ભીનાશ, ઠંડક અને આહ્લાદકતા હોય છે.’
‘તને ધુમ્મસ ગમે છે?’
‘હા, ગમે છે અને જીવનભર તમે મને ગમતાં રહેશો. તમારે જે સાંભળવું હતું તે સાંભળી લીધું ને? હવે મને જવા દો!’ શૈયા બાજુમાંથી સરકીને ચાલી ગઇ. ધુમ્મસ પોતાને ગમતી યુવતીનાં ગુલાબી હોઠો પરથી પોતાના માટે આવા વાકયો સાંભળીને ખુશીનો માર્યોપાગલ બની ગયો. એના હૃદયમાં સમંદરના મોજાં જેવો ઉછાળ આવ્યો કે એ શૈયાનો હાથ પકડી લે, એને રોકી લે અને કયાંય સુધી એનાં મીઠા વચનો માણતો રહે. પણ આટલું કરવા જેટલી એનામાં હિંમત કયાં હતી? એ જાણતો હતો કે શૈયા આગનું પડીકું હતી. એક ચોક્કસ હદથી એને વધુ ખેંચવામાં જોખમ હતું. એનાં સેન્ડલ પગ કરતાં હાથ માટે વધુ ઉપયોગમાં લેવાતા હતા!
પરીક્ષાઓ પતી ગઇ અને જિંદગીની પરીક્ષા શરૂ થઇ ગઇ. ધુમ્મસના પપ્પાએ દીકરાને કરપીણ સમાચાર આપ્યા, ‘બેટા, ગજબ થઇ ગયો. બલ્લુપ્રસાદે એમની દીકરીનો વિવાહ મુંબઇના એક છોકરા સાથે કરી નાખ્યો.’
‘હેં?! આપણને જાણ પણ ન કરી?’ ધુમ્મસ હેબતાઇ ગયો.
‘ના, આપણને જાણ પણ ન કરી, દીકરા! પણ ન્યાતમાંથી જાણવા મળ્યું કે બાપડો બલ્લુપ્રસાદ મજબૂર હતો. એની બીજી પત્ની માથાભારે છે એની હઠ આગળ એ હારી ગયો. શૈયાનો મંગેતર શૈયાની ઓરમાન માનો પિયરિયો થાય છે એટલે.’
ધુમ્મસ ભાંગી પડયો. વધુ માહિતી શૈયાની પડોશમાં રહેતા પરંતપે આપી, ‘શૈયાનો મંગેતર એનાં કરતાં પંદર વર્ષ મોટો છે. બીજવર છે. એની પ્રથમ પત્ની એની ઉપર નપુંસકતાનો આરોપ લગાવીને છૂટી થઇ ગઇ છે. શૈયાએ આ સંબંધ માટે ખૂબ વિરોધ કર્યો. ખૂબ રડી. માથા પછાડયાં. પણ એની મા ટસની મસ ન થઇ.’
‘મારે શૈયાને મળવું છે. તું મદદ કરી શકે?’ ધુમ્મસે મરતાં માણસની આખરી ઇરછા જેવો સવાલ કર્યો. પરંતપે હા પાડી. બીજા દિવસે સાંજના સમયે આથમતા સૂરજના ઓસરતા અજવાસમાં ઘરની પાછળની સૂની શેરીમાં ધુમ્મસ અને શૈયા મળ્યાં.
જીવતી લાશ જેવી શૈયાની આંખોમાં છેલ્લી વારની ચમક પ્રગટી, ‘ધુમ્મસ, હું તારી સાથે નાસી છૂટવા માટે તૈયાર છું. અત્યારે જ. આ જ ક્ષણે. તારામાં હિંમત છે?’
‘હિંમતનો સવાલ નથી, શૈયા, પણ... મારા પપ્પાને પૂછવું... આઇ મીન, મારે એમને જાણ તો કરવી પડે ને? હું હજુ કમાતો નથી, તને લઇ જઇને મારે મારા ઘરમાં જ રાખવી પડે. જો પપ્પા હા પાડે તો જ.’ ધુમ્મસની વાત ખોટી ન હતી, પણ શૈયાની તકલીફ મોટી હતી. ધુમ્મસને એ સાંજે એ છેલ્લી વાર મળવા માટે ઘરની બહાર નીકળી શકી હતી. વારંવાર એ શકય ન હતું. ઓરમાન માનો પહેરો પોલીસના જાપ્તા કરતાં પણ વધારે કડક હતો. એ ‘ગૂડ બાય, ધુમ્મસ’ કહીને પીઠ ફેરવી ગઇ. ધુમ્મસના દિમાગમાં જબરદસ્ત ઇરછા સળવળી ઊઠી કે એ શૈયાને રોકી લે, ભલે એ જ ક્ષણે એની સાથે ભાગી ન જઇ શકાય, તો પણ કાયમ માટે છૂટાં પડતાં પહેલાં એની સાથે બે-ચાર મીઠા વાકયોની આપ-લે કરી લે! પણ એ એમ કરી ન શકયો. શૈયાએ ઉચ્ચારેલા ‘ગૂડ બાય’માં લક્ષ્મણરેખા કરતાંયે મોટી અવરોધક શકિત છુપાયેલી હતી. ધુમ્મસ પાછો ફર્યો.
સમયની ગતિ સુપરસોનિક વિમાન કરતાંયે વધારે ઝડપી હોય છે. શૈયા અને ધુમ્મસના એ આખરી સંવાદ ઉપર વીસ-વીસ વર્ષના થર ચડી ગયા. ધુમ્મસ પણ પરણી ગયો અને શૈયા પણ. શૈયા તો લગ્નના છ જ મહિનામાં વિધવા થઇ ગઇ અને ધુમ્મસની દશા છતી પત્નીએ વિધૂરના જેવી હતી. એની પત્ની અતિશય ધાર્મિક વૃત્તિની નીકળી. બંને વચ્ચે કયારેય જાતિય સંવાદ રચાયો જ નહીં. ધુમ્મસે જીવદયા ખાતર પત્નીને નિભાવી લીધી, પણ એક સંતાન અને બે પ્રેમના બોલની ઝંખનામાં એ બબ્બે દાયકા સુધી શેકાતો રહ્યો. આ ઝંખના જ એક દિવસ ધુમ્મસને શૈયાનાં ઘર સુધી ખેંચી ગઇ.
આમ તો એ ધંધાના કામ અર્થે મુંબઇ ગયો હતો, પણ સાંજે કામ પતાવ્યા પછી એના પગ શૈયાનાં સરનામા તરફ વળી ગયા. એની પાસે પરંતપે આપેલું એડ્રેસ હતું. એ પહોંરયો, ત્યારે એક સાંકડી ચાલીની ગંદી ખોલીમાં શૈયા નામની આધેડ મહિલા એના ફાટેલા સાડલાને થીંગડું મારતી બેઠી હતી. ‘શૈયા, ઓળખાણ પડી? હું ધુમ્મસ...’ ધુમ્મસના અવાજમાં બે દાયકાઓ પૂર્વેનો રોમાન્સ ઘૂઘવતો હતો.
શૈયાએ ચશ્માં ઠીક કર્યા, પછી એટલું જ બોલી, ‘અરે, ભાઇ, તમે? એકલા જ આવ્યા છો? ભાભીને સાથે લઇને ન આવ્યા?’ ધુમ્મસ સમજી ગયો. શૈયા ભલે કોઇ કાળે એની પ્રેમિકા હતી, પણ એ અત્યારે ગંગા સ્વરૂપ હતી. એ ઘણું બધું બોલવા માગતો હતો, પણ બોલી ન શકયો. અત્યારે ભલે શૈયા આગનો ભડકો ન હતી, પણ એનાં શબ્દોમાં તાકાત હતી. ધુમાડામાં જો આગ હતી, ધુમ્મસમાં જો ભીનાશ હતી, તો ‘ભાઇ’ના શબ્દોચ્ચારમાં મર્યાદા હતી, ભલભલો મરદ પણ ઉલ્લંઘી ન શકે તેવી મજબૂત મર્યાદા. થોડીવાર બેસીને ધુમ્મસ પાછો વળી ગયો. (સત્ય ઘટના) (શીર્ષક પંકિત : મુકુલ ચોકસી)
No comments:
Post a Comment