Tuesday, June 30, 2009

પુરુષાર્થ

સોફા પર બેઠેલા મહેશભાઈની નજર ટી.વી. પરથી આવતા એક કાર્યક્રમ પર તંકાઈ રહેલી. બહુ જ રસપૂર્વક એ આ કાર્યક્રમને નિહાળી રહ્યાં હતાં. સાંજની રસોઈ માટે તૈયારી કરતાં પત્ની હેમાબહેન ક્યારે શાક સમારવા એની બાજુમાં બેસી ગયાં એની પણ એને ખબર ન રહી. શાક સમારતાં સમારતાં હેમાબહેન પણ આ કાર્યક્રમ જોવામાં મશગૂલ થઈ ગયાં. કાર્યક્રમનું સંચાલન કરી રહેલા ભાઈ બહુ જ ગંભીર અને મૃદુ સ્વરમાં એક યુવતીની મુલાકાત લઈ રહ્યાં હતા. કેમેરો વારંવાર પ્રેક્ષક ગણમાં બેઠેલી સ્ત્રીવૃંદ પર ફરી રહ્યો હતો. યુવતીની બાજુમાં બેઠેલી એની માતાના હાવભાવ પણ એ વ્યક્ત કરતો જતો હતો.
યુવતી એની દાસ્તાં કહી રહી હતી : ‘…. મને એક અંધારા ઓરડામાં બે વર્ષ સુધી પૂરી રાખેલી. માત્ર મને જિવાડવા પૂરતું જ ખાવાનું અપાતું. મારા પતિને મળવા દેવાની મનાઈ મારા સાસુએ કરેલી એટલે એ ઓરડો ઉઘાડે જ શાને ? અહીં દિવસ-રાત એક હતા. ન કોઈનું મોં જોવા મળે કે ન કોઈની સાથે વાતચીત. જ્યારે ઓરડાના અધખુલ્લા બારણામાંથી ચાર દિવસની સૂકી વાસી રોટલી ને પાણી જેવા શાકની પ્યાલી અંદર હડસેલાતી ત્યારે હું ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી કે મને આ દોજખમાંથી બહાર કાઢો પણ એ કોઈને સંભળાય તો ને ? ક્યારેક બહુ બરાડતી ત્યારે મને કહેવામાં આવતું કે ઘરની બાદશાહી માણવી હોય તો કરિયાવર લઈ આવ…..’‘પરણાવતી વખતે કંઈ કરિયાવર થયેલો ખરો ?’‘હા, કપડાં, દાગીના ચડાવેલાં પણ પરણીને આ ઘરમાં આવી પછી મારાં સાસુએ મને કહ્યું કે તારા બાપને કહે કે તારા ધણીને સ્કૂટર લઈ દે….’‘એ આપ્યું ?’‘હા, પછી કહે કે તારા વરને ધંધા માટે દુકાન ખરીદવી છે. તારા પિયરેથી પૈસા લઈ આવ.. આમ માગણી વધતી ગઈ. એ માગણી ન સંતોષાતાં મારા આવા હાલ કર્યા. જુઓ, આ હાથે-પગે કપાળે, દીધેલા ધગધગતા ડામ….’
ઓડિયન્સમાં બેઠેલ સ્ત્રીવૃંદની આંખોમાં આંસુ હતાં. યુવતી રડી રહી હતી, એની બાજુમાં બેઠેલી માની આંખમાં પણ શ્રાવણ-ભાદરવો વરસી રહ્યાં હતાં.‘દહેજ કાનૂનન ગુનો ગણાય છે.’ સંચાલકે સામે બેઠેલી મહિલા-વકીલને પ્રશ્ન પૂછ્યો ‘આનો કોઈ ઉપાય ખરો ?’‘દહેજ આપવું એ ગુનો બને છે તો લેવું એ પણ ગુનો બને છે. અહીં કન્યાવિક્રય થયો ગણાય. લગ્ન તો આત્મીય સંબંધ છે. બે આત્મા એકબીજામાં ભળી જાય, લાગણીના તાણાવાણા એના પર વીંટળાય અને કુદરતે સર્જેલી આ સૃષ્ટિને પ્રસન્નતાથી આગળ વધારાય એ જ લગ્નનો મૂળ હેતુ છે જેને આપણે ‘મેડ ફોર ઈચ અધર’ કહીએ એવાં સ્ત્રી-પુરુષો એકબીજાના પૂરક પાત્રો બનતા હોવાથી એમાં કોઈએ કશું આપવાનું ન હોય કે ન કોઈએ લેવાનું હોય. એકલે હાથે જેમ તાળી પડતી નથી એમ કોઈ એક સ્ત્રી કે કોઈ એક પુરુષ સંસાર ચલાવી શકતો નથી એટલે….’ કેસ લડતી વખતે વકીલો જેમ જજ સામે ઓપનિંગ સ્ટેટમેન્ટ કરે એમ ઉપાય બતાવતા પહેલાં આ મહિલા વકીલે સંચાલક સમક્ષ લગ્નની ફિલસૂફી રજૂ કરી. મહેશભાઈએ પત્ની સામે જોયું અને હસીને બોલ્યા : ‘આ મહિલા વકીલ શું ઉપાય બતાવશે ? મારી પાસે આવો. ઉપાય હું બતાવું’ અને પછી સ્વગત વાક્ય ઉમેર્યું : ‘જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરવાની ?’
દહેજનાં દૂષણો આ પતિ-પત્ની જાણતાં હતાં એટલે એને આ કાર્યક્રમમાં ખાસ રસ રહ્યો નહિ. બંનેએ આ વૈતરણી પાર કરી લીધી હતી. લગ્નજીવનનાં ત્રીસ વર્ષ પહેલાં શું શું બનેલું એના વિતકોથી આ દંપતી વાકેફ હતાં. મહેશને બે મોટાભાઈઓ. બંનેએ લગ્ન કર્યા ત્યારે ભાભીઓ પિયરથી જે કંઈ લાવી હતી એ જોઈ એની માતા પુરીબહેન બહુ જ ખુશ હતાં. પાંચ વર્ષ ચાલે એટલાં કપડાં, દાગીના, લોખંડના કબાટ, ગાદલાં, રજાઈ, સ્ટેઈનલેસ સ્ટીલનાં વાસણો, હિંડોળો, સોફાસેટ વગેરેથી ઘર ઊભરાઈ ગયું હતું. દૂધવાળો માપ ભરીભરીને તપેલીમાં દૂધ ઠાલવે ત્યારે દૂધ લેતી ગૃહિણી જેમ પાવળું ઉમેરણ ઉમેરાવે એમ પુરીબહેને કરિયાવરમાં ચાર બેન્ડનો રેડિયો, ટિપોય, શાલ, કાંડાઘડિયાળ અને સાઈકલ પણ ઉપરથી પડાવી લીધાં હતાં.
એ પછી જ્યારે મહેશના લગ્નની વાત નીકળી ત્યારે પુરીબહેને બાકી રહેલી કસર પૂરી કરવા ઈચ્છયું. એણે ઘરમાં જાહેર પણ કરી દીધેલું કે આ વખતે તો વેવાઈ પાસેથી ઘર જ માગી લેવું છે. આ ઘર સાંકડું પડે છે. એની દીકરી સૂશે ક્યાં ? ફળીમાં ?આ સાંભળી મોટી અને નાની વહુએ હસીને કહ્યું : ‘ખાલી ઘરને શું કરશો બા ? પછી તો આ ઘરમાંથી ગાદલાં-ગોદડાં, વાસણ-કૂસણ બધુંય આલવું પડશે. અમે અમારે પિયરથી જે કંઈ લાવ્યાં તે મહેશભાઈ માટે નથી લાવ્યાં. હં વળી !’તુરત જ પુરીબહેને ચોપડાવ્યું : ‘વહુ, હું કંઈ ગાલાવેલી નથી કે આ ઘરમાંથી ચમચીય જવા દઉં. એ પણ દેશે આવનારીનો બાપ. તમે જોજોને, સજાવેલું ધજાવેલું ઘર પડાવું છું કે નહિ. તમારા સસરા સમઢિયાળાના કાનાભાઈની છોકરી જોડે વાતચીત ચલાવે જ છે….’‘આ કાનાભાઈ વળી કોણ ?’ મોટી વહુએ ઝીણી આંખ કરી પૂછ્યું.‘લે ભૂલી ગઈ ? તારી ફોઈ શાંતાના મામાનો સાળાનો સાળો જેણે એના ગામમાં મંદિર બંધાવી ધામધૂમ કરી હતી તે કાનાભાઈ….’‘એના છોકરાને તો વડોદરામાં ખાતરનો મોટો વેપાર છે.’‘બસ, એ જ.’‘એ તો ધૂમ કમાય છે. ગામમાં ચારચાર વાડીઓ છે ને વડોદરામાં અલકાપુરીમાંય બંગલો બંધાવ્યો છે.’‘તો તો બા, ઘરને બદલે બંગલો જ માગી લેજો.’ નાની વહુએ ચાવી ચડાવી, ‘આપણા મહેશભાઈ જેવો મુરતિયો તો બતાવો ન્યાતમાં. બબ્બે ડિગરીઓના માલિક છે.’‘ને છોકરીય ભણેલી છે ! સાંભળ્યું છે કે વડોદરાની કૉલેજમાં કંઈ રસોઈનું શીખે છે….’‘એને હોમસાયન્સ કહેવાય, ભાભુ’ નાની વહુએ જેઠાણીની ભૂલ સુધારી.‘એ જે હોય તો. એ જો આ ઘરમાં આવે તો હું રસોડામાં પગ જ નથી મૂકવાની ને…’
ઘરમાં થતી વાતચીતથી મહેશ માહિતગાર રહેતો. એના ગામથી ચૌદ કિલોમીટર દૂર આવેલી ને નવીસવી બનેલી કૉલેજમાં એ લેકચરર તરીકે હતો. વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રનો વિષય ભણાવતી વખતે ગ્રીક ફિલસૂફ પ્લેટોની એ આદર્શ સમાજરચનાની વાતો કહેતો, રસેલ બેરીના લગ્નસંબંધોના વિચારો સમજાવતો અને ભારતીય તત્વજ્ઞાનીઓને સમજાવેલી કુટુંબભાવનાઓનું રહસ્ય વ્યક્ત કરતો. પોતાના ઘરમાં પોતાના લગ્ન અંગે એની બા, ભાભીઓ, ભાઈઓ જે વિચારતાં એમાંથી એક વાત ફલિત થતી હતી કે આવનાર સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન આ ઘરમાં રહેનારી એક સ્ત્રી પાસેથી એનું ભાડું, ભરતપોષણ અને કપડાલત્તાં માગવામાં આવે છે. આ લગ્ન નથી, જવાબદારી સામે અસ્કયામત ઊભી કરાય છે. તો મારી કંઈ જવાબદારી નહિ ? સપ્તપદીના સૂત્રેસૂત્રે પત્નીની ખેવના અંગે અગ્નિદેવતાની સાક્ષીએ અપાતાં વચનોની કંઈ કિંમત નહિ ? જો એના ભાવિ સસરા જ એનું ઘર ભરી દેશે તો મારી શક્તિઓને હું કઈ રીતે સરાણે ચડાવીશ ? એક બાજુ એની થનારી પત્ની અંગે ઘરમાં વાતચીતો ચાલતી રહી અને બીજી બાજુ એ એના વિચારોનું દોહન કરતો ગયો.
છેવટે કાનાભાઈની પુત્રી હેમા જોડે એની વાત પાક્કી થઈ. એણે હેમાના ફોટાઓ જોયા, રૂબરૂમાં સૌ સંબંધીઓની હાજરીમાં એને નિહાળી અને પછી થોડું એકાંત મળતાં એણે હેમાને કહ્યું :‘આ સગાઈનું પાક્કું થાય એ પહેલાં મારે તમને અંગત રીતે એકાંતમાં મળવું છે, બોલો, ક્યાં અને કેવી રીતે ?’‘કંઈ ખાસ વાત છે ?’ હેમા થોડી ગભરાઈ. એ કૉલેજમાં અભ્યાસ કરતી હતી અને એને ભણાવતા યુવાન પ્રાધ્યાપકો કૉલેજની છોકરીઓ જોડે કઈ રીતે પ્રેમસંબંધ જોડી દેતા એનાથી એ માહિતગાર હતી. ભલું પૂછવું ને આ યુવાન પ્રાધ્યાપક પણ કૉલેજની કોઈ છોકરી કે પ્રાધ્યાપિકા જોડે પ્રેમસંબંધથી સંકળાયેલો હોય અને ઘરમાં કોઈને કહી શકતો નહિ હોય ને મારી પાસે, મારા દ્વાર આ સંબંધની ના કહેવરાવવા માગતો હોય. એણે કહ્યું :‘અત્યારે, અહીં કહેવાય એવું નથી ?’‘ના. રૂબરૂમાં લંબાણપૂર્વક કહેવું છે.’હેમાએ વિચારીને કહ્યું :‘તમે વડોદરાથી આવશો ?’‘હા. ક્યારે ?’‘શનિવારે રાખો. શનિવારે ત્રણ વાગ્યા પછી અમારે પ્રેક્ટિકલ હોય છે. જોકે એ બહુ ખાસ અગત્યના નથી હોતા.’‘કબૂલ. શનિવારે આવું, પણ ક્યાં ? બપોરે તડકો હોય એટલે કોઈ બાગ-બગીચામાં તો ન જવાય…’‘અમારી કેન્ટિનમાં આવો. બહુ મોટી જગા છે. ચારેય ફેકલ્ટીની સંયુક્ત કેન્ટીન છે અને ત્યાં મોકળાશ બહુ હોય છે. ત્યાં છોકરા-છોકરીઓ આખો દિવસ બેઠા જ હોય. તમે સુભાષ હૉલ પાસે ઊભા રહેજો. ત્યાંથી કેન્ટીનમાં જશું.’
શનિવારે બપોરે મહેશ હેમાને મળ્યો ત્યારે ચા-નાસ્તો કરતાં કરતાં એણે હેમાને પૂછ્યું :‘તમે મને પસંદ કરો છો ?’હેમાએ શરમાઈ પૂછ્યું :‘હું તમને પસંદ છું ?’‘સ્ત્રી સહજ પ્રકૃતિથી તમે એકરાર કરતા શરમાઓ છો એટલે સીધો જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછ્યો. જો કે તમારા ઘેરથી અમારે ઘેર વાત આવી જ ગઈ છે કે તમને આપણો સંબંધ મંજૂર છે. મને લાગે છે તમારા અભિપ્રાય પછી જ અમારે ઘેર આમ કહેવરાવ્યું હશે.’હેમાએ શરમાઈને હા પાડી.મહેશે કહ્યું : ‘તમે પણ મને પસંદ છો. તમારી પરીક્ષામાં હું પારંગત નીવડ્યો એટલે હું મારી જાતને અભિનંદન આપું છું. હવે રહી વાત આપણી સગાઈ અને લગ્નની. તમે ભણી રહો પછી….’‘હવે તમે મને ‘તમે’ કહેવાને બદલે ‘તું’ કહો તો ?’‘હજુ એક સ્ટેજ બાકી છે. એ ચર્ચાઈ જાય પછી આ બાબતે આગળ વધી શકીએ.’‘કઈ બાબત ?’‘દહેજ-કરિયાવરની.’‘એ તો આપણા વડીલોએ વિચાર્યું હશે ને ?’‘એમણે જે વિચાર્યું હોય, નક્કી કર્યું હોય તે, પણ મારી વાત જરા જુદી છે.’‘તમારે ફોરેન ભણવા જવું છે ?’ હેમાને થયું કે દહેજના ભાગરૂપે કદાચ એક વધુ શરત ઉમેરાવાની હશે – મારા દ્વારા.મહેશ હસ્યો અને હસીને પૂછ્યું : ‘તમારા ઘરમાં થતી વાતચીત તો તમે જાણતા જ હશો. બાય ધ વે, કરિયાવરમાં શું કરવા માંગો છો ?’‘મારી બા કહેતાં હતાં કે પચાસ તોલા સોનું, એકત્રીસ જોડ કપડાં, વાસણો, પલંગ, ગાદલાં….’‘બસ, બસ, બસ. મને પાંગળો બનાવવા આટલુંય ઘણું છે.’‘કંઈક ફલેટ આપવાની પણ વાત છે એટલો અછડતો ખ્યાલ છે.’ હેમાએ નીચી નજરે કહ્યું. લગ્નજીવનમાં આવી બધી વાતો હવે સામાન્ય હોય છે. અને દરેક કન્યા એ જાણતી જ હોય છે.
‘જો હેમા, આપણા વડીલો ગમે તે વિચારે પણ હું મારી જાતને અપાહિજ ગણતો નથી. આપણાં બાવડાંના બળે જે મેળવીએ તે આપણું. પારકા પૈસે પુરુષાર્થ ન થાય અને હું પુરુષ છું. આપણી મુશ્કેલીમાં વડીલો આપણાં પડખે ઊભાં રહે એ હૂંફ જ પૂરતી છે પણ પારકા તેજે પ્રકાશવાનું મને પસંદ નથી. તમે સમજ્યાં ?’‘મારા વડીલો રાજીખુશીથી આપવા માગતા હોય તો તમને વાંધો છે ?’‘રાજીખુશીથી તમારો હાથ મારા હાથમાં સોંપે, મારામાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખે એથી વિશેષ ખુશી મારે માટે બીજી કોઈ નથી.’‘તો ?’‘તો એટલું જ કે મારે તમને ખરીદવા નથી. મારામાં તમે સાકાકાર થઈ જાઓ એવી મારી દરખાસ્ત છે. હું દહેશ લઈશ નહિ. એક પણ પૈસો નહિ. તમે મારા આ વિચારો સાથે સહમત થાઓ એવી મારી અપેક્ષા…’‘પણ મારા અને તમારા સંબંધીઓ કુલડીમાં ગોળ ભાંગી લેશે એનું શું ?’‘આપણે કુલડી જ ભાંગી નાખીએ તો ?’‘એટલે ?’‘એટલે કે આપણે બંને એક યા બીજાં બહાનાં નીચે આપણા લગ્નને પાછા ઠેલતાં રહીએ…’‘તમારી ઈચ્છા શું છે એ મને સ્પષ્ટ કહો.’ હેમાએ મૂંઝાઈને કહ્યું.‘મારી ઈચ્છા છે કે હું ઘર ભાડે લઉં, થોડું વસાવું, તમે પરીક્ષા આપી દો અને પછી એક દિવસ આપણે ભાગી જઈને આપણે જ વિધિસર આપણાં લગ્ન કરી લઈએ. તમે તમારી પાંચ સખીઓને હાજર રાખજો, હું મારા પાંચ મિત્રોને. લગ્ન કરી આપણે આપણા ઘેર જઈશું. એ પછી સજોડે બધા સંબંધીઓને પગે લાગવા નીકળી પડશું…’ મહેશે એનો પ્લાન સમજાવ્યો. પોતાના ભાવિ ભરથાર સામે હેમા તાકતી જ રહી. મહેશે વાત પૂરી કરી પૂછ્યું :‘તમે સહમત છો ?’હેમાએ મહેશનો હાથ પકડી લીધો. કેન્ટીનના એક ખૂણે બેઠેલા આ જોડાની ક્રિયા પ્રત્યે ડોકિયું કરી રહેલાં બે-ત્રણ છોકરા-છોકરીઓ મૂછમાં હસ્યાં.હેમાએ કહ્યું : ‘હવે તમે મને ‘તું’ કહેશો ?’‘કબૂલ. તું પણ મને એ જ સંબોધન કરજે. બાય ધ વે, આ મારું સરનામું. મને એ સરનામે પત્ર લખજે અને તારું સરનામું ?’
ત્રીસ વર્ષનાં લગ્નજીવનને સુખેથી મહાલતાં આ દંપતીને ક્યારેય વસવસો રહ્યો નથી કે કુટુંબીજનોની આર્થિક મદદ ન લેવા બદલ ભૂલ કરી છે ! ઊલટાનું ગર્વભેર કહે છે કે આ ઘરની એકેએક ચીજવસ્તુ, દીવાલ પરની ખીલી સુદ્ધાં અમારી છે, અમારા પૈસાથી ખરીદાયેલી છે. મહેશભાઈએ એના પુત્રો પરણાવ્યા ત્યારે એ દંપતીએ ‘તુલસીના પાંદડે તમારી દીકરી હવે આ ઘરની વહુઆરુ બનશે’ એવા ઉચ્ચાર સાથે મીઠી બોલી કરી હતી.
ટી.વી. પરથી દહેજનો કાર્યક્રમ પૂરો થતાં જ મહેશભાઈ બોલી ઊઠ્યા :‘બદમાશો, શું જોઈને પરણવા નીકળતા હશે ?’ એનો સંકેત હતો ભાવિ મુરતિયાઓ તરફ, ‘તમારા બાવડાંમાં તાકાત નથી કે સસરાના ઘર તરફ લાળ કરી ? અરે દહેજ, કરિયાવર, પૈઠણ-જે કહો તે- આપવા તૈયાર હોય તોય પાછું કાઢીને કહેવાનું કે મારી શક્તિને હણી ન નાખો. તમારી છોકરીને મારી સાથે પરણાવ્યા બાદ પચ્ચીસ વર્ષ પછી મારે ઘેર આવજો અને અમારો વૈભવ જોજો. ખુદ તમે જ બોલી ઊઠશો કે પથ્થર પર લાત મારી પાણી કાઢે એવો જમાઈ મળ્યો છે… બદમાશો, ભિખારાઓ…. ત્યારે શું !’મહેશભાઈએ હેમા સામે જોયું અને કહ્યું : ‘કેમ કંઈ બોલી નહિ ?’‘બોલી તો હતી.’‘ક્યારે ?’‘તે દિવસે કેન્ટીનમાં તમારો હાથ પકડ્યો હતો ત્યારે….’

No comments: