Friday, June 26, 2009

બહુ રંગીન ગફલત થઇ ગઇ છે,પરસ્પર આજ મસલત થઇ ગઇ છે

ભાનુભાઇ ભોજક મિમિક્રી આર્ટિસ્ટ. સ્ટેજ શો માટે મુંબઇ આવેલા હતા. ગઇકાલે રાત્રે ષણ્મુખાનંદ હોલમાં ચિક્કાર ઓડિયન્સ સામે સફળ કાર્યક્રમ આપીને ‘હોટલ આતિથ્ય’માં એમના કમરામાં પાછા આવ્યા, ત્યારે રાતનાં બે વાગી ચૂકયા હતા. કપડાં બદલીને પથારી ભેગા થતામાં અઢી અને ઊઘ આવતા સુધીમાં ત્રણ વાગી ગયા. પછી સવારે ઊઠવામાં મોડું જ થાય ને?સાડા નવે જાગ્યા. પરવારીને દસ વાગ્યે ઇન્ટરકોમ ઉપર ઓર્ડર આપ્યો : ‘રૂમ નંબર દસમાં એક કીટલી ભરીને ચા મોકલાવો. કડક-મીઠી. ખાંડ ખોબો ભરીને ધાબેડજો. મને ડાયાબિટીસ થાય એની ચિંતા ન કરતા અને સાથે ગરમાગરમ ગાંડિયા બે ડીશ ભરીને મોકલો તો રંગ રહી જાય. હારે સો ગ્રામ તળેલા મરચાં મોકલવાનું ના ભૂલાય!’સવા દસે દસ નંબરના રૂમના બારણે ટકોરા પડયા. વેઇટર ઓર્ડર મુજબની વાનગીઓ સાથે અંદર આવ્યો. સાથે એક ગડી વાળેલો કાગળ પણ હતો.ભાનુ ભોજક ભડકી ઊઠયા, ‘આ શું? હોટલ ખાલી કરતાં પહેલાં જ બિલ?!’વેઇટર હસી પડયો, ‘બિલ નથી, સાહેબ! સામેના કમરામાં ઊતરેલા સાહેબે ચિઠ્ઠી મોકલાવી છે. ગઇકાલનો તમારો કાર્યક્રમ જોઇને એ ભાઇ ખુશ થઇ ગયા છે. તમારા ફેન બની ગયા છે. સવારના છ વાગ્યાથી આ ચિઠ્ઠી લખીને તમે ઊઠો એની વાટ જોઇ રહ્યા છે. મને કીધું છે કે ભાનુભાઇ ભોજક શું જવાબ આપે છે એ મને કહી જજે.’ભાનુ ભોજક હસી પડયા, ‘મારો વાલીડો! બે દિવસથી મારી હામેના રૂમમાં ગુડાણો છે! પણ બોલે ઇ બે ખાય! વિવેક ખાતર હાથ ઊચો કરતાંયે નથી શિખ્યો. જયારે ખબર પડી કે આ તો કલાકારના પેટનો છે, એટલે પંખો થઇ ગ્યો! ફેન બની ગ્યો, વાહ ભાઇ, વાહ!’કાગળમાં લખ્યું હતું, ‘નમસ્કાર, ભાનુભાઇ! તમે તો હદ કરી નાખી! ત્રણ કલાક પેટ પકડીને હસાવ્યા. એમાંય તે રમેશ મહેતાની મિમિક્રી કરવામાં તો તમને કોઇ ન પહોંચે. ખુદ રમેશ મહેતા પણ નહીં! જોની વોકરથી માંડીને જહોની લિવર સુધીના હાસ્ય કલાકારોની તમે આબાદ નકલ કરી દેખાડી. હું તો ઠીક, પણ મારી પત્ની પણ તમારા અભિનય ઉપર ફિદા થઇ ગઇ છે. એક કપા ન કરો? આજનું લંચ અમારી સાથે લેશો તો ખૂબ આનંદ થશે, મને પણ અને મારી પત્નીને પણ.’ભાનુ ભોજક મનોમન હસ્યા, ‘મારા હાળા ગોલકીનાએ શું કાગળ લખ્યો છે! કલમમાં શાહીને બદલે ગોળનું પાણી ભરીને લખ્યા હોય એવાં તો શબ્દો છે!’પછી પ્રગટપણે સામે ઊભેલા વેઇટરને સૂચના આપી, ‘ઇ જામનગરના જામસાહેબને કે’જે કે ભાનુ ભોજકને ચા-ગાંડિયા મળી ગ્યા એટલે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બધુંયે પતી ગયું! કે’જે કે સાથે જમવાની જીદ ન કરે, બાકી હું નાહી-ધોઇને બારેક વાગ્યે એમના રૂમમાં પધરામણી કરવા પોગી જઇશ. હવે તું જઇ શકે છે. પણ અલ્યા, જાતાં પહેલાં એટલું તો કે’તો જા કે શું નામ રાખ્યા છે?’‘સંભાજી પાટિલ.’ વેઇટરે પોતાનું નામ જણાવ્યું.‘એ ગુંગણીના! હું તારું નામ નથી પૂછતો. ઇવડા ઇ સાહેબનું પૂછું છું.’વેઇટરને પણ મજા આવતી હતી, એણે હસીને માહિતી આપી, ‘સાહેબનું નામ મિરાત શાહ છે. અમદાવાદના બહુ મોટા વેપારી છે. પૈસાદાર છે. દેખાવમાં પણ હીરો જેવા છે.’‘હા, ભઇ, હા! દેખાવમાં તો મેં જોયેલો જ છે ને એને! ઓઢા જામના અવતાર જેવો લાગે છે! પણ એની હોથલ પદમણીને જોવાની બાકી છે. બાર વાગ્યે એય તે જોવાઇ જશે. તું હવે હાલતીનો થા! ગાંડિયાને અને મારે હવે છેટું પડી રહ્યું છે.’સંભાજી સંદેશો લઇને ગયો. સામેના કમરામાં જઇને ટપાલની જેમ પહોંચાડી આપ્યો. પતિ-પત્ની રાજી-રાજી થઇ ગયા. આવા સરસ કલાકાર સાથે અંગત ઓળખાણ થશે એ વાતનો રોમાંચ બંનેના ચહેરા ઉપર ફરી વળ્યો. આ બાજુ ભાનુ ભોજક ગાંઠીયાવાડમાં ભૂલા પડયા હોય એમ ભટકી રહ્યા હતા. બંને ડીશો અને એક કીટલી સફાચટ કરી ગયા. પછી છાપું વાંચવા બેઠા. અંદરના પાને એમના ગઇકાલના કાર્યક્રમને સુંદર રીતે આવરી લેતી નોંધ પણ છપાયેલી હતી. ભાનુ ભોજક પ્રસન્ન થઇ ગયા. પછી ઊભા થઇને સ્નાન માટે ગયા. ‘એ તારી માને બજરનું બંધાણ.’ ગીત ગણગણતાં શોવર નીચે ઊભા રહીને સ્નાન કર્યું. અડધો-પોણો કલાક બાથરૂમમાં ગાળ્યા પછી બહાર નીકળ્યા. ચોળણી-ઝભ્ભો ધારણ કરીને બરાબર બારના ટકોરે રૂમની બહાર પડયા. સીધા સામા બારણે. ડોરબેલ દબાવી. બારણું ઊઘડયું. સામે જ ત્રીસ-પાંત્રીસનો હેન્ડસમ, સુખી, ધનવાન ઉધોગપતિ ઊભો હતો.‘લાખો ફુલાણી હાજર છે?’ કહેતાં ભાનુભાઇ કમરામાં દાખલ થયા. એ નખશિખ રમેશ મહેતાના પાઠમાં જ હતા.‘આવો, આવો, સાહેબ, પધારો! અમને તો કલ્પનાયે નહોતી કે અમારી સામે ઊતર્યા છે એ આટલા જાણીતા કલાકાર હશે. તમારા વિશે અમદાવાદમાં સાંભળ્યું તો ખૂબ હતું, પણ કયારેય તમારો ફોટો સરખોય જોયેલો નહીં. એટલે બે દિવસથી સામ-સામે હોવા છતાં પણ તમને ઓળખી ન શકયા. પધારો, સાહેબ.’ભાનુ ભોજક રાજા ભોજની અદાથી પધાર્યા, પણ અંદરની સજાવટ જોઇને દંગ થઇ ગયા. પોતે ઊતર્યા હતા એ તો પાંચસો રૂપિયાના ભાડાનો સિંગલબેડવાળો કમરો હતો, પણ આ તો કમરાને બદલે જાણે આખું ઘર જ હતું! વિશાળ ડ્રોઇંગરૂમ, મોંઘોદાટ સોફાસેટ, ટી.વી., રેફ્રીજરેટર, વોલ ટુ વોલ કાર્પેટ, મ્યુઝિક સસ્ટિમ! સામેની દીવાલમાં પડતું બારણું અને એમાંથી ડોકાતો લકઝુરિયસ બેડરૂમ. સમગ્ર વાતાવરણ શંગારસભર હતું.પણ આ તો હજુ કંઇ જ ન હતું. ભાનુ ભોજક સોફામાં બેઠા ન બેઠા, ત્યાં જ પાછા અડધા ઊભા થઇ ગયા! સામેના શયનખંડના બારણામાંથી આછો અર્ધપારદર્શક ગુલાબી ગાઉન પહેરેલી ખુલ્લા, કાળા, રેશમી વાળ ઝાટકતી એક ખૂબસૂરત યુવતી પ્રગટ થઇ. ‘નમસ્તે’ કરતીકને સામે આવીને ઊભી રહી ગઇ.‘ઓ...હો...હો...હો..!’ ભાનુભાઇના કંઠમાંથી રમેશ મહેતા ટપકયા! પછી અવશપણે એમનાથી પૂછાઇ ગયું, ‘શું નામ રાખ્યાં છે?’યુવતી હસી પડી, ‘મારું નામ મિત્રા. મેં પણ તમને ગઇકાલના કાર્યક્રમમાં જોયા. ગજબના કલાકાર છો તમે! આ બધું કયાંથી આવે છે?’‘ઓ...હો...હો...હો..! મારેય તમને આ જ સવાલ પૂછવો છે.’ ભાનુભાઇ પ્રશંસાયુકત નજરે મિત્રાનાં બદન સામે તાકી રહ્યા, ‘આ બધું કયાંથી આવે છે?’મિત્રા શરમાઇ ગઇ, સામેના સિંગલ સોફામાં બેસીને, ગરદનને એક નમણો ઝટકો મારીને બોલી, ‘રૂપ તો વારસાગત હોય છે. મારી મમ્મી બહુ રૂપાળી હતી.’‘હોવા જ જોઇએ. કાગડીની કૂખે હંસલી ન પાકે, ગોરી! અમારું કલાકારોનું પણ એવું જ છે. કલાકારો બનતા નથી, પણ જન્મે છે. અમારી એકોતેર પેઢી આમાં જ ગુજરી છે. જમાનો બદલાય, એની સાથે કલાનું રૂપ બદલાયા કરે. બાકી અંદરનો આત્મા એનો એ જ રહે. મારા દાદા ભવાઇનો વેશ ભજવતા હતા. મારા બાપા દેશી નાટક સમાજમાં કામ કરતા અને હું આજે મિમિક્રી કરું છું. બેઠક બરાબર જામી. મિરાત અને મિત્રા મુગ્ધ પ્રશંસક બનીને સાંભળતા રહ્યા અને ભાનુભાઇ ભોજક બે કલાક સુધી સતત એમને હસાવતા રહ્યા. એમના બાપાના જીવનના યાદગાર અનુભવો કહી-કહીને એમણે મોજ કરાવી દીધી. એકવાર લગ્નગાળામાં ગોર મહારાજો ખૂટી પડેલા. ત્યારે બાપા બ્રાહ્મણના વેશમાં જઇને લગ્નવિધિ કરાવી આવેલા! મંત્રો તો એમને કયાંથી આવડે? એટલે ગુજરાતી કવિતા ગગડાવી આવેલા.અલબત્ત, મંત્રોચ્ચારની શૈલીમાં જ! એક વખત પૈસાની ભીડ પડી, તો પોલીસના વેશમાં જઇને ચાર રસ્તા વચાળે ઊભા રહી ગયા’તા. એક કલાકમાં વાહનચાલકોને ખંખેરીને બસો-અઢીસોની રોકડી કરી નાખી! એ જમાનામાં! વાતોનો ખજાનો હતો. લૂંટાવનાર કલાકાર હતો. લૂંટનારા પતિ-પત્ની હતાં. પછી શું બાકી રહે? મિરાત અને મિત્રા ‘આફરીન’ પોકારી ગયા : ‘ખરા કલાકાર! અસલી કલાકાર! લોહીમાં ઊતરેલો ગુણ! વારસાગત વિધા! વાહ!’...........બરાબર પંદર દિવસ પછીની ઘટના. ભાનુભાઇ ભોજકને સામાજિક પ્રસંગે અમદાવાદ જવાનું થયું. પ્રસંગમાં હાજરી આપ્યા પછી એ સાંજના સમયે એમની પિતરાઇ બહેનને મળવા માટે ગયા. બહેન પરણાવેલી હતી. સરનામું હતું એટલે એનો ફલેટ શોધવામાં તકલીફ ન પડી. પણ ચાર દાદરા ચડીને ઉપર ગયા, ત્યાં ફલેટના બારણે તાળું! હવે શું કરવું? કંઇ સૂઝ ન પડી, એટલે એમણે બાજુવાળા ફલેટની ડોરબેલ દબાવી. અંદરથી એક મેલોધેલો લેંઘો પહેરેલો સળેકડી જેવો કઢંગો પુરુષ પ્રગટ થયો : ‘કોનું કામ છે?’‘હું ભાનુ ભોજક... અહીં તમારી બાજુમાં મારી બહેન રહે છે એને મળવા માટે... પણ બહેન તો ઘરમાં નથી... એને મેસેજ આપજો કે...’‘અરે, એ શું બોલ્યા? શાંતાબહેન નથી તો શું થયું? અમે તો છીએ ને. આવો પાણી-બાણી પીઓ, એટલી વારમાં એ આવતાં જ હશે.’ સળેકડીએ આવકાર આપ્યો. પછી રસોડા તરફ જોઇને બૂમ મારી, ‘મીના, બે ગ્લાસ પાણી લાવજે!’મીના આવી. ભાનુભાઇ સડક થઇ ગયા! મીના પણ સ્તબ્ધ! ‘તમે?’ બંનેના હોઠો ઉપર એક સરખો સવાલ હતો અને હાડપિંજર જેવો પતિ હસીને ઓળખાણ આપી રહ્યો હતો, ‘આ મારી વાઇફ છે મીના. હું તો કાયમનો માંદો રહું છું. એ જ કમાઇને આખા ઘરને ખવડાવે છે. બહુ સારા શેઠ મળ્યા છે એને. મીરાત શાહ. તમે નામ સાંભળ્યું હશે. મીના ઉપર પૂરો ભરોસો! બિઝનેસ માટે બહારગામ જવાનું થાય તો પણ મીનાને જ મોકલી આપે. શેઠને તો એટલો સમય જ કયાં છે? પણ મારી મીના ભારે હોશિયાર, હોં!’ભાનુ ભોજક સ્વગત બોલી ઊઠયા, ‘અસલી કલાકાર! કદાચ લોહીમાં ઊતરેલો ગુણ હશે! અમે તો રાખ અભિનય કરીએ છીએ? ખરો અભિનય તો આમનો કહેવાય! વાહ!’

No comments: