Friday, April 3, 2009

ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,અમસ્તા કંઇ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા!

ન્યૂ યોર્કથી અમદાવાદ પોતાના પિયરમાં આવેલી નિક્કીએ ઘરમાં પગ મૂકતાંવેંત ભાભીને કહી દીધું, ‘ભાભી, હું ત્રણ વીકસ માટે જ ઇન્ડિયામાં આવી છું. એમાંથી શરૂઆતના બે દિવસ જેટલેગ માટે અને છેલ્લા ચાર દિવસ લગેજના પેકગિં માટે બાજુ પર મૂકી દેવાના. બાકી રહ્યાં બે અઠવાડિયાં. એમાં પણ એક વીક માટે મારે રાજકોટ જવું પડશે. સાસુ-સસરાને મળવા માટે.’
‘ત્યારે તો અમારા માટે ફકત એક જ વીક?’ પ્રણોતીભાભીએ પૂછ્યું.
‘હા, એ સાત દિવસમાં મારે સાતસો કામ આટોપી લેવાનાં છે. રોકી અને ડોલીને અમદાવાદ બતાવવાનું છે. મારી પાંચ વર્ષ જૂની અંબાજીની બાધા ઉતારવાની છે. ગાંધીનગરનું અક્ષરધામ જોવાનું છે. મારા માટે સાડીઓ, સલવાર-કમીઝ અને નવરાત્રિ માટે ચણિયાચોળીનું શોપિંગ કરવાનું છે અને કેટલાક જૂના મિત્રોને મળવાનું પણ છે.’
પ્રણોતીભાભી સ્વસ્થતાપૂર્વક હસ્યાં, ‘બધું જ થઇ રહેશે. હરવા-ફરવાનું અને શોપિંગનું કામ તો આપણે પતાવી નાખીશું. મિત્રોને મળવા માટે તો હવે ઇન્ડિયામાં પણ તમારા અમેરિકાની જેવું થઇ ગયું છે. ફોન કરીને એમનો અનુકૂળ સમય મેળવીને પછી જ.’ ‘પણ મારી પાસે તો કોઇકના જ ફોન નંબર છે. જે મિત્રો મારી સાથે સંપર્કમાં છે એમના લેટેસ્ટ ફોન નંબર હું જાણું છું, પણ કેટલાક મિત્રો એવા પણ છે જેમની સાથે વીસ વર્ષથી મારો કશો જ સંપર્ક રહ્યો નથી. એમને કેવી રીતે શોધવા?’
‘એવા મિત્રોને મળવું પણ શા માટે જોઇએ, નિક્કીબે’ન? એમના વગર જો વીસ-વીસ વર્ષ નીકળી ગયાં, તો બાકીની જિંદગી પણ નીકળી જશે.’ પ્રણોતીભાભી આટલો મમરો મૂકીને ચૂપ થઇ ગયાં, નણંદબાના ચહેરા ઉપર આવતા ભાવપલટાને નિહાળી રહ્યાં.
‘ઓહ નો, ભાભી! યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ માય પેશન ફોર ધેમ! હું તમને કેમ કરીને સમજાવું કે..?’
‘બહુ વધારે સમજાવવાની જરૂર નથી, માત્ર એટલું કહી દો કે એવા મિત્રોની સંખ્યા એક છે કે એકથી વધારે?’ પ્રણોતીભાભીએ નિક્કીના મર્મ સ્થાન ઉપર નિશાન તાકયું.
‘વેલ, હું જૂઠ્ઠં નહીં બોલું, ભાભી. મારી પાસે જેનો ફોન નંબર નથી એવો એક જ મિત્ર છે અને એનું નામ છે...’
‘હું જાણું છું. એનું નામ છે શાંતનુ પટેલ.’ ‘ભાભી..! તમને એના નામની ખબર..?’
‘હું ફકત એનું નામ જ નહીં, પણ તમારા પ્રત્યેની એની લાગણી પણ જાણું છું. ભૂલી ગયાં, નિક્કીબે’ન? હું પણ તમારી જ કોલેજમાં ભણતી હતી.’
પ્રણોતીભાભીની વાત સાચી હતી. નિક્કીની ભાભી બનતાં પહેલાં પ્રણોતી એની સહાઘ્યાયીની હતી. એના કારણે તો એ નિક્કીના મોટાભાઇ સાથે પરિચયમાં આવી હતી. આજથી બે દાયકા પહેલાં આખી કોલેજમાં નિક્કીની ખૂબસૂરતી ચર્ચાનો વિષય ગણાતી હતી. સાથે-સાથે એનું ઘમંડીપણું એના વ્યકિતત્વમાં ચાટ મસાલાની ગરજ સારી આપતું હતું. કોલેજના છોકરાઓની એ કમજોરી હતી કે નિક્કીના રૂપ પાછળ પાગલ થવું. એ પછી નિક્કીને ‘આઇ લવ યુ’ કહેવું એ એમની મજબૂરી હતી અને એ પછી જે કંઇ બનતું હતું એ નિક્કીની શિરજોરી હતી. નિક્કીના સેન્ડલની છાપ પચાસેક છોકરાઓના ગાલ ઉપર પોતાનું નિશાન છોડી ગઇ હતી. અસંખ્યવાર કોલેજના પ્રાંગણમાં નિક્કીના કારણે ધમાલો થઇ હતી.
આખરે રસીક યુવાનોએ કોલેજના પ્રિન્સિપાલને મળીને જોરદાર રજૂઆત કરી હતી, ‘સાહેબ, અમારો વાંક શો છે? નિક્કી સુંદર છે. અમે એને રૂબરૂમાં મળીને અમારા દિલની વાત એની સમક્ષ વ્યકત કરીએ છીએ. અમે નથી કરતા એની છેડછાડ, નથી કરતાં શારીરિક સ્પર્શ, નથી કરતાં કોઇ અશ્લીલ હરકત, તો પછી એણે એમને સેન્ડલ ફટકારવાની શી જરૂર છે? કોઇને ‘આઇ લવ યુ’ કહેવું એ ગુનો છે? ઇન્ડિયન પીનલ કોડમાં એને માટે કોઇ સજાની જોગવાઇ છે? ભારતના બંધારણમાં આ વાકય બોલવાની મનાઇ ફરમાવેલી છે? તમે પોતે ભૂતકાળમાં કયારેય કોઇ રૂપાળી છોકરીને ‘આઇ લવ યુ’ નથી કહ્યું, સર?’
પ્રિન્સિપાલ પંડયા સાહેબનો હાથ અચાનક એમના ખુદના ગાલ ઉપર ફરવા માંડયો, ‘ઠીક છે, બૉયઝ! યુ ગો ટુ યોર કલાસરૂમ. હું નિકીતા સાથે વાત કરું છું.
અને ખરેખર પંડયા સાહેબે નિક્કીને પોતાની ઓફિસમાં બોલાવીને ખખડાવતા હોય એવા કડક અવાજમાં કહી દીધું, ‘નિકીતા, તું આ છોકરાઓને મારવાનું બંધ કરી દે. ડૉન્ટ બી ફિઝિકલ વિથ ધેમ. હકીકતમાં એ લોકો તારા સૌંદર્યની રિસીપ્ટ આપી રહ્યા છે. તને મંજૂર ન હોય તો સવિનય અસ્વીકાર કરી દે. આ રીતે કોઇને સેન્ડલ ફટકારવું એ બહુ ક્રૂર પગલું ગણાય. છોકરો વર્ષોપછી પણ આ મારને ભૂલી શકતો નથી.’ ફરીથી પંડયા સાહેબનો હાથ એમના ગાલ ઉપર ફરી રહ્યો.
નિક્કી હસી પડી. ‘ભલે સાહેબ!’ એટલું બોલીને એ ચાલી ગઇ. એ દિવસે જ ફરી પાછી એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. બપોરની રિસેસમાં શાંતનુ નામનો એક સામાન્ય છોકરો આવીને નિક્કીની સામે ઊભો રહી ગયો. શાંતનુ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવતો હતો. પટેલ હતો. હોસ્ટેલમાં રહીને ભણતો હતો. સામાન્ય દેખાવ, સામાન્ય કપડાં, નબળું અંગ્રેજી, દોષયુકત ઉચ્ચારો અને ટૂંકમાં બધું જ સામાન્ય, અસામાન્ય કહેવાય એવું કશું જ એનામાં ન હતું.
‘નિક્કી, હું... હું... હું...’ આટલું બોલતામાં શાંતનુ ધ્રૂજવા માંડયો. માંડ માંડ એણે વાકય પૂરું કર્યું, ‘હું તને ચાહું છું. તું મને ગમે છે. ના, હું છેડછાડ કરવા માટે નથી કહી રહ્યો. હું તો તું જો હા પાડે તો હું તારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું.’
નિક્કીનો હાથ પગમાં પહેરેલા સેન્ડલ તરફ જવા માટે તલસી રહ્યો, પણ એને પ્રિન્સિપાલ સાહેબે ફરમાવેલો મનાઇ હુકમ યાદ આવી ગયો. એટલે જે કામ સેન્ડલ પાસેથી લેવાનું હતું તે એણે શબ્દો પાસેથી લીધું, ‘ગમાર! તારી પાસે અરીસો છે? એમાં તારો ચહેરો જોયો છે? અરીસો ન હોય તો ગટરના પાણીમાં તારું પ્રતિબિંબ જોઇ આવ. ગામડિયા! રોંચા! ડોબા! તારી સાથે પરણવા માટે તો ભગરી ભેંસ પણ તૈયાર ન થાય. અને તને મારા જેવી પદમણી પામવાના કોડ જાગ્યા છે?!’
‘પણ હું..?’
‘શું હું, હેં!? તારા જેવો ભૂખડી બારસ મારા મેકઅપનો ખર્ચ પણ કાઢી ન શકે. તારી અને મારી હેસયિત વચ્ચેનું અંતર તો જો જરા! તારે પરણવું જ છે ને? તો, જા, કોલેજના ઝાંપાની સામે ફૂટપાથ પર બેસીને ભીખ માંગતી પેલી ભિખારણને પ્રપોઝ કર. એ દેખાવમાં પણ તારે લાયક છે અને આર્થિક રીતે પણ...’
શાંતનુ ચાલ્યો ગયો. નિક્કીનાં તિરસ્કારભર્યા વચનોથી દાઝીને એ દૂર થઇ ગયો. કોલેજના અભ્યાસનું એ અંતિમ વર્ષ હતું. એ પૂરું થયા પછી શાંતનુ કયાં ખોવાઇ ગયો એની કોઇને જાણ ન થઇ શકી. નિક્કી પણ ગાંભીર્ય નામના એક (એમ.બી.એ.) થયેલા યુવાન સાથે લગ્ન કરીને અમેરિકા ચાલી ગઇ. ગાંભીર્યનો પગાર મહિને પચાસ હજાર ડૉલર્સ હતો. નિક્કી જેવી ખૂબસૂરત સ્ત્રીના માલિક બનવા માટે આ પૂરતી લાયકાત હતી!
અને આજે વીસ વર્ષ પછી નિક્કી પહેલીવાર કોઇને પૂછી રહી હતી, ‘મારે શાંતનુને મળવું છે. પણ મારી પાસે એનો કોન્ટેકટ નંબર નથી. શું કરવું?’
પ્રણોતીભાભીએ ચક્કરો ચલાવવાનું શરૂ કર્યું. બહેનપણીની બહેનપણી, એનો ભાઇ, એની કઝિન, એનો હસબન્ડ, એમ કરતાં છેક પાંચમા દિવસે પત્તો લાગ્યો. શાંતનુ મુંબઇમાં ‘સેટલ’ થયો હતો એવી જાણકારી મળી. જેણે માહિતી આપી એનું છેલ્લું વાકય બહુ અગત્યનું હતું, ‘શાંતનુ સાથે મારે હમણાં જ ફોન પર વાત થઇ. એ હવે ખૂબ મોટો માણસ બની ગયો છે.
એનો ડાયમંડનો બિઝનેસ છે. અઠવાડિયામાં ત્રણ વાર તો એ એન્ટવર્પ જાય છે. પંચરત્નમાં એની પાંચ ઓફિસો છે. નાખી દેતાંય એની પાસે આઠ-દસ હજાર કરોડની સંપત્તિ હશે. એ આવતી કાલે અમદાવાદ આવી રહ્યો છે. તમને હું એનો મોબાઇલ નંબર આપું છું. આમ તો એ કોઇ ફાલતુ માણસોને મળતો નથી, પણ તમે નસીબદાર હશો તો કદાચ એ હા પાડેય ખરો!’
નિક્કી એટલા પૂરતી તો નસીબદાર સાબિત થઇ. શાંતનુ એ બીજે દિવસે બપોરે લંચ પછી એને પંદરેક મિનિટ જેટલો સમય આપ્યો. ફાઇવસ્ટાર હોટલના લકઝુરિયસ સ્યૂટમાં નિક્કી એને મળવા ગઇ. જોરદાર ઉમળકા સાથે એણે વાતની શરૂઆત તો કરી, પણ શાંતનુનો પ્રતિસાદ બરફ જેવો ઠંડો હતો, ‘એ બધું જવા દે, નિક્કી! મને ખબર છે કે તું શા માટે મને મળવા આવી છે! વિશ્વવ્યાપી મંદીની અસરમાં તારા પતિએ એની નોકરી ગુમાવી દીધી છે. એના શેઠે આખી કંપની વેચી કાઢી છે.
હવે ગાંભીર્ય નામના એક તેજસ્વી પુરુષને નોકરીમાં ચાલુ રાખવો કે એને બેકાર બનાવી મૂકવો એ કંપનીનો નવો માલિક નક્કી કરશે. મને ખબર છે કે તને ખબર છે, એ નવો માલિક શાંતનુ પટેલ છે. નિક્કી, જા તારું ભિખારણ જેવું આ સ્વરૂપ મને ફરીથી કયારેય ન બતાવીશ. અને એક વાત યાદ રાખજે, દેખાવ માત્ર સ્ત્રીઓનો જોવાનો હોય, પુરુષોનો નહીં! પુરુષોનો તો માત્ર પુરુષાર્થ જ મહત્ત્વનો હોય છે. ‘નિક્કી હતાશ પગલે રૂમની બહાર નીકળી ગઇ, એ પછી શાંતનુએ લોંગ ડિસ્ટન્સ કોલ જોડયો, ’ ડોન્ટ રિલીવ ગાંભીર્ય.

(શીર્ષક પંકિત : કાયમ હઝારી)

No comments: