‘આ ઓગસ્ટમાં આડત્રીસ પૂરા થશે. હવે તો કંઇક વિચાર. ઉમર હવે ઘટવાની નથી, વધતી જવાની છે એટલું સમજ.’ ડોકટર દિનેશ દેસાઇના અવાજમાં સાચી હમદર્દી હતી. સતીશ શુકલને એ પૂરેપૂરી ગંભીરતાથી સમજાવી રહ્યો હતો. ‘અત્યારે પ્રોફેસરની નોકરી છે, તંદુરસ્તી સારી છે એ બધું ઠીક પણ પછી શું? તબિયત લથડશે કે કયારેક આંખ-માથું દુ:ખશે ત્યારે તારું કોણ? હજુ સમય છે. પાછળથી પસ્તાવો થશે એ વખતે કોઇ ઉપાય નહીં હોય તારી પાસે.’
ડોકટર દિનેશ દેસાઇનો બેઠા ઘાટનો બંગલો વૃક્ષથી ધેરાયેલો હતો. બંગલાના ઓટલા પર બંને મિત્રો બેઠા હતા. દિનેશ આરામખુરશીમાં બેસીને બોલતો હતો. ભાવનગરથી આવેલો સતીશ હિંચકા પર નીચું જોઇને સાંભળતો હતો. ‘જમવાનું તૈયાર છે.’
દિનેશની પત્ની દીનાએ અંદરથી આવીને જણાવ્યું. ‘વાંધો ના હોય તો તમારી અધૂરી વાતો ડાઇનિંગ ટેબલ ઉપર ચાલુ રાખજો. સાડા નવ થવા આવ્યા છે.’ દીના કુશળ ગૃહિણી હતી. સતીશનો એને વિશેષ પરિચય નહોતો છતાં આગ્રહ કરીને એ પીરસતી હતી. ‘અમારી ગંભીર વાત ચાલતી હતી અને તેં જમવા માટે ઊભા કર્યા.’ દિનેશે હસીને પત્ની સામે જોયું. ‘આ મારા પ્રોફેસર મિત્ર ધૂની છે. વર્ષોપહેલાં એક એવી ચોટ ખાધી છે કે હજુ પરણવાનું નામ નથી લેતો. મેં તો એને એ પણ કહ્યું કે દીનાની માસીની એક છોકરી છે. બધી રીતે સુશીલ અને સુંદર છે. શરૂઆતમાં હા-ના કરવામાં રહી અને એમાંને એમાં પાંત્રીસ વર્ષની થઇ ગઇ. જો તારી ઇરછા હોય તો કાલે રોકાઇ જા. સાંજે તમારા બંનેની મુલાકાત ગોઠવીએ. બંનેની જિંદગી સુધરી જશે.’
‘સતીશભાઇ, ડોકટરની વાત સાચી છે.’ દીનાએ ઠાવકાઇથી કહ્યું. ‘કુસુમ મારી માસીની દીકરી છે. તમારા બંનેની જોડી પણ સરસ લાગશે.’
‘તમારી લાગણી સાચી છે પણ મારી કોઇ ઇરછા નથી.’ સતીશનો અવાજ ગળગળો થઇ ગયો.
‘સુકેશીને ભૂલવાનું કામ સહેલું નથી. એણે મારી સાથે આવું કેમ કર્યું એ સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી બીજા કોઇની સાથે રહેવાનું મારા માટે શકય નથી.’
‘કપાળ તારું!’ મિત્રભાવે દિનેશે એને ધમકાવ્યો.
‘આઠ દિવસ. ગણીને માત્ર આઠ દિવસનો તમારો પરિચય અને એમાં જિંદગીભર ઝૂરતો રહીશ?’ દિનેશે દીના સામે જોયું. ‘હવે આ ચર્ચા નીકળી જ છે તો તું પણ આ મૂરખની પ્રેમકહાણી સાંભળ.’ દિનેશે સતીશના ખભે હાથ મૂકયો. ‘દીનાને આખી વાત કહુ એમાં કોઇ વાંધો નથીને?’ સતીશે નાછૂટકે ડોકું હલાવીને સંમતિ આપી.
‘અત્યારે ભાવનગરનું વાતાવરણ કેવું છે એ ખબર નથી પણ એ સમયે દર પાંચ માણસે એક કવિનો રેશિયો હતો.’ દિનેશે હસીને વાત શરૂ કરી. ‘આ સતીશને પણ એનો ચેપ લાગેલો. દર અઠવાડિયે બધા કવિઓ ભેગા થાય અને એકબીજાની કવિતા સાંભળીને વાહ-વાહ કરે. એવામાં યુવાન કવિઓ માટે એક શિબિર ગોપનાથમાં ગોઠવાઇ. એમાં આ સતીશભાઇનો વટ. આઠ દિવસના એ શિબિરમાં અમદાવાદથી એક નાગર કન્યા આવેલી. સુકેશી વસાવડા એનું નામ. એને જોઇને સતીશ ચકરાઇ ગયો.
આઠ દિવસના એ પરિચયમાં એ બંને વચ્ચે એવા પ્રેમના અંકુર ફૂટયા કે પછી તો પત્રવ્યવહાર પણ ચાલ્યો. એ અમદાવાદમાં અને આ હીરો ભાવનગરમાં. પછી અચાનક પત્રો બંધ થઇ ગયા. સતીશ લાંબા-લાંબા કાગળો લખે પણ આ સરનામે કોઇ રહેતું નથી એવા રિમાર્ક સાથે ટપાલ પાછી આવે. હિંમત કરીને સતીશ અમદાવાદ પહોંરયો. સુકેશી અમદાવાદમાં એના મામાને ત્યાં રહેતી હતી. સતીશલાલે ત્યાં પહોંચીને તપાસ કરી તો એટલી ખબર પડી કે સુકેશીના મામા એમનો બિઝનેસ સમેટીને અમેરિકા જતા રહ્યા છે અને સુકેશી એના મમ્મી-પપ્પા પાસે જતી રહી.
એના મા-બાપ કયાં રહે છે એ જાણવા માટે સતીશ કરગર્યોપણ કોઇને કંઇ ખબર નહોતી અથવા તો માહિતી આપવી નહોતી એટલે સતીશને અમદાવાદનો ધરમધક્કો માથે પડયો! એ પછી એ દેવદાસની ઝેરોકસ કોપીની જેમ જીવે છે. સુકેશીને યાદ કરે છે અને દિવસો બરબાદ કરે છે. આ એની પ્રેમકહાણી!’ દિનેશે દીના સામે જોઇને ઉમેર્યું ‘તને આ વિગત જણાવવાનું એક કારણ એ કે તારી માસીની છોકરી માટે તું વિચારી શકે. આ મુરતિયામાં બીજી કોઇ ખામી નથી.’
‘જૂની હિંદી ફિલ્મોમાં જોયેલું અને વાર્તાઓમાં વાંચેલું પણ આંખ સામે આવો કિસ્સો પહેલીવાર જોયો.’ દીનાએ હસીને સતીશ સામે જોયું. ‘અરે સતીશભાઇ, શા માટે જિંદગી બરબાદ કરો છો? જે છોકરીને તમારા પત્રનો જવાબ આપવાની પણ પરવા નથી એની યાદમાં શા માટે રડવાનું? એની પાસે તો તમારું સરનામું હતું ને? એને થોડીક પણ લાગણી હોત તો એટલિસ્ટ તમને જવાબ આપી શકી હોત. બીજે લગ્ન કરીને એ જલસાથી જીવતી હશે અને તમે ગાંડાવેડા કરો છો.’
‘એ છોકરી એવી નથી.’ સતીશના અવાજનો રણકાર એના પ્રેમનો પડઘો પાડતો હોય એવો બુલંદ હતો. ‘એને મારા પર લાગણી હતી. સાવ સાચુકલી સો ટચના સોના જેવી લાગણી. ભાભી, અમે લગ્ન કરવાના હતા. આખી જિંદગીનો નકશો અમે સાથે મળીને બનાવ્યો હતો. સાચું કહું છું. મૃત્યુ સુધી પ્રત્યેક પળ સાથે રહેવાનું વચન આપેલું હતું અમે એકબીજાને... સુકેશીએ આવું કેમ કર્યું એ સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી બીજું કંઇ વિચારી નહીં શકું. જિંદગીના સફરમાં એ કયાંક કયારેક મળશે ત્યારે એને આ પ્રશ્ન પૂછીશ.’
‘એવી ભૂલ ના કરતા સતીશભાઇ.’ દીનાએ સમજાવ્યું.
‘અમુક સવાલો પૂછવાના ના હોય, એનો જવાબ મનમાં જ સમજી જવાનો હોય.’ એ પછી દીનાએ ઘણી વાતો કહી, સમજાવ્યું. અંતે, સતીશની આંખમાં ઝળઝળિયાં આવી ગયા ત્યારે આ ચર્ચાનો અંત આવ્યો. સતીશ એની જીદ પર મક્કમ હતો.
દીનેશનું કિલનીક પાલડી હતું. સવારે સતીશ પણ ભાવનગર જવા માટે પાલડીથી જ બસમાં બેસવાનો હતો. એટલે બેગ લઇને એ દિનેશની કારમાં બેસી ગયો. દિનેશે કાર સ્ટાર્ટ કરી. થોડી વારમાં એનો મોબાઇલ રણકયો. ‘ડોન્ટ વરી. પાંચ મિનિટમાં આવું છું.’ સામેની વાત સાંભળીને એણે જવાબ આપ્યો. ‘એક માજીનો ડાયાબિટીસ વધી ગયો છે. ઓન ધ વે એમનો બંગલો છે. કાયમી પેશન્ટ છે એટલે દસેક મિનિટ જવું પડશે.’
‘નો પ્રોબ્લેમ. તારો ધંધો એવો છે કે આમાં ના પડાય નહીં.’ દિનેશ કાર ચલાવતો હતો. ગઇકાલે જે ચર્ચા થઇ એ પછી સતીશ આખી રાત ઊઘી શકયો નહોતો. એની આંખ સામે સુકેશીનો ચહેરો સતત તરવરી રહ્યો હતો. સહેજ લંબગોળ ચહેરો, વિશાળ કપાળ ઉપર ઝૂલતી લટો, તીણું નાક, સામેના માણસને પરવશ કરી મૂકે એવી લાંબી પાંપણવાળી પારદર્શક આંખો.
એ આંખોમાં સતત ભીનાશ અને ઉદાસી જોઇને સતીશે કારણ પૂછેલું. ‘આંખમાં કોણ જાણે કેમ પાણી આવ્યા જ કરે છે.’ સુકેશીએ હસીને જવાબ આપ્યો હતો. ‘ઉદાસીના કારણમાં ફેમિલી પ્રોબ્લેમ્સ. પણ તારે એની ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન કરીશ ત્યારે એ પ્રોબ્લેમનું પોટલું પિયરમાં મૂકીને આવીશ. બસ?’ ખિલખિલાટ હસીને એણે વાત પૂરી કરી હતી.
દિનેશે કારને બ્રેક મારી અને સતીશ પાછો વર્તમાનમાં આવ્યો. વિશાળ બંગલાના ઓટલા ઉપર બે બહેનો ડોકટરની રાહ જોઇને જ ઊભી હતી. દિનેશ બેગ લઇને એમની સાથે અંદરના રૂમમાં ગયો. સતીશ ઓટલા પર ખુરસીમાં બેઠો અને ટિપોઇ પર પડેલું અખબાર હાથમાં લીધું.
‘ટીકુ, દાદીની તબિયત ઠીક નથી અને હમણાં તારો રિક્ષાવાળો આવશે. ફટાફટ દૂધ પીને સ્કૂલબેગ તૈયાર કર.’ ઑહ ગૉડ! બાજુના ઓરડામાંથી આવતો અવાજ સાંભળીને સતીશના રુંવાડા ઊભા થઇ ગયા. સુકેશીનો અવાજ એ કયારેય ભૂલ્યો નહોતો. કશું વિચાર્યા વગર એ વીજળીની ઝડપે ઊભો થયો અને બાજુની રૂમમાં પ્રવેશ્યો. રૂમની વચ્ચે ઊભેલી સુકેશીની પીઠ બારણાં તરફ હતી. એ જ સાગના સોટા જેવી પાતળી કાયા અને લાંબો ચોટલો. રૂમમાં બે ડગલાં ભરીને સતીશના પગ થંભી ગયા. ડાઇનિંગ ટેબલ પર સાત-આઠ વર્ષનો તંદુરસ્ત બાબો દૂધનો ગ્લાસ પકડીને બેઠો હતો. આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ સતીશ સામે તાકી રહ્યો. એની આંખો અને ચહેરાના અણસાર ઉપરથી એ સુકેશીનો દીકરો છે એ સમજવામાં સતીશને વાર ના લાગી.
‘કોણ?’ સુકેશીએ દીકરાને પૂછ્યું. ‘ટીકુ, કોણ છે?’
‘હું નથી ઓળખતો. કોઇ અંકલ છે.’ એ બાળકે જવાબ આપ્યો અને સુકેશી ગોળ ફરીને બારણાં સામે તાકી રહી. એ આગળ વધે એ અગાઉ પેલા બાળકે સફેદ અને લાલ રંગની ઘંટડીવાળી લાકડી એના હાથમાં આપી. ‘મમ્મી, સ્ટીક વગર ચાલીશ તો પાછી ભટકાઇ જઇશ.’
માથા પર વીજળી પડી હોય એમ સતીશ થીજી ગયો હતો. સુકેશી અંધ હતી. એની બંને નિસ્તેજ આંખો બારણાં તરફ જવાબની આશામાં તાકી રહી હતી.
‘સુકેશી!’ સતીશનો અવાજ તરડાઇ ગયો. ‘આઇ કાન્ટ બિલિવ. ડોકટર મિત્રની સાથે આવ્યો પણ આ રીતે તું મળી જઇશ એની કલ્પના નહોતી.’
‘કલ્પના ના હોય એવું આ દુનિયામાં ઘણું બને છે.’
સુકેશીની આંખો ગઇ હતી પણ એના મીઠા અવાજનો રણકાર હજુ અકબંધ હતો. ‘તને થતું હશે કે સુકેશીએ આવું શા માટે કર્યું? મારા ઉપર ગુસ્સો પણ હશે. પણ સાંભળ. આંખમાં પાણી આવવાનું વધી ગયું એ પછી ડોકટરને બતાવ્યું. જાત જાતના રિપોર્ટ પછી એમણે કહ્યું કે વધુમાં વધુ ત્રણ વર્ષ. ત્રણ વર્ષમાં જેટલી જોવાય એટલી દુનિયા જોઇ લો. સમજી ના શકાય એવા અઘરા રોગનું નામ આપીને એમણે કહ્યું કે લાખમાં એકાદ કમનસીબને આ રોગ થાય છે. ધીમે ધીમે વિઝન ઓછું થતું જશે અને એક દિવસ બધું અંધારું થઇ જશે. તું માનીશ?
એમની વાત સાંભળીને મને સૌથી પહેલો તારો વિચાર આવેલો. તારી જિંદગી એક આંધળી માટે બરબાદ કરે એમ નહોતી ઇરછતી. મારે કોઇનીયે દયા ઉપર નહોતું જીવવું એટલે તારાથી વિમુખ થઇ ગઇ. ગરીબ બિચારી આંધળી ઉપર તું દયાભાવ રાખે એ મારાથી સહન ના થાય એટલે છેડો ફાડી નાખ્યો. તને મારો અતોપતો ના મળે અને આ સમાચાર ના મળે એ રીતની ગોઠવણ કરેલી.’
એ બોલતી હતી અને એની દ્દષ્ટિ વગરની એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ‘કોઇના દયાદાન ઉપર મારે નહોતું જીવવું. મને લાચાર માનીને કોઇ મારો હાથ પકડે એ મારા સ્વમાનને ના પરવડે. બહુ ક્રૂર બનીને હૃદય ઉપર પથ્થર મૂકીને એ નિર્ણય કરેલો. તું જે રીતે મને ચાહતો હતો એ પરિસ્થિતિમાં તને બચાવવા માટે આવી ક્રૂરતા બતાવ્યા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો મારી પાસે. મારા અંધારા જીવનના બોજથી તારી જિંદગીના ઉજાસને નહોતો છિનવવો મારે. લગ્ન કરીને કોઇનાય માથે બોજ બનવા હું તૈયાર નહોતી.’ અચાનક સતીશના મગજમાં ચમકારો થયો. એણે પેલા બાળક સામે જોયું. ‘તો પછી આ ટીકુ?’
પારિજાતનું ઝાડ હલાવીએ અને એક સાથે ફૂલો વરસી પડે એમ સુકેશી હસી પડી. ‘આટલું કહ્યું તો પણ પુરુષ સહજ ઇર્ષા તેં બતાવી ખરી! અરે ભલા માણસ, આ ટીકુ મારો દીકરો છે. હું સંપૂર્ણ બ્લાઇન્ડ થઇ ગઇ એ પછી મેં લગ્ન કર્યાં. અનિકેત ઢેબર સાથે. એ જન્મથી જ અંધ છે અને સંગીતના મહારથી છે. અમે બંને અંધ એકબીજાના સહારે જીવીએ છીએ.’એ બોલતી હતી. સતીશ સ્તબ્ધ બનીને ઊભો હતો.
(શીર્ષક પંકિત : લેખક)
No comments:
Post a Comment