જગતની રંગભૂમિ પર તમાશો જિંદગીનો છે,મજાનો ખેલ ઈશ્વરનો તને સમજાય તો સારું
લક્ષ્મીકાંત દલાલ શેરબજારમાં મોટું નામ હતું. કંપનીનું નામ સાંભળીને જ એના શેરનું મૂલ્ય એ સૂંઘી લેતા. એવું જ માણસની બાબતમાં પણ હતું. સાબરકાંઠાના ત્રીસેક હજારની વસતીવાળા એ શહેરમાં કોઇ પણ માણસનું તમે નામ આપો, એટલે લક્ષ્મીકાંત એનો બજારભાવ કહી આપે.
આવા લક્ષ્મીકાંત દલાલ આજે પોતાની જુવાન દીકરી ઊર્જસ્વી જોડે બાખડી પડયા. રાત્રે આઠ વાગ્યે નિત્યક્રમ પ્રમાણે જયારે તેઓ ઘરે આવ્યા અને એમનાં પત્ની વૈભવીબહેન પાણીનો ગ્લાસ લઇને આવ્યાં એ સાથે જ શેઠજીએ ત્રાડ નાખી. ‘તમારાં રાજકુંવરી કયાં છે?’
‘મારી એકલીની દીકરી થોડી છે? તમારીયે ખરી જ ને? અને એવું તે એણે શું કરી નાખ્યું છે કે બાપડીને અમથાં-અમથાં રાજકુંવરી કહીને બોલાવો છો?’ માએ દીકરીનો પક્ષ ખેંરયો.
‘મને હડકાયો કૂતરો નથી કરડયો. અમથે અમથું નથી કહેતો. કુંવરીબા પ્રેમમાં પડયાં છે!’ ‘હેં?! કોની સાથે?’
‘છે એક લફંગો. સાવ કડકો છે કડકો. પણ નામ રાખ્યું છે એણે યુવરાજ!’
‘યુવરાજ? વાહ, કેવું સુંદર મઝાનું નામ છે!’ વૈભવીબહેનને ભાવિ જમાઇરાજાનું નામ ગમી ગયું, ‘છોકરો કેવો દેખાય છે? યુવરાજ હોય એવો જ?’ ‘દેખાવમાં તો સારો છે, દેવરાજ ઇન્દ્ર જેવો. પણ લક્ષણો દાનવનાં છે.’ ‘હાય! હાય! તો આપણી ફૂલ જેવી દીકરીનું શું થશે?’ વૈભવીબહેન ગભરાઇ ગયાં. ‘અરે, શેનું શું થશે-શું થશે’ પૂછવા માંડી? આપણે એ રાક્ષસ જોડે ઊર્જસ્વીને પરણાવીએ તો સવાલ ઊભો થાય ને?’ લક્ષ્મીકાંતે છાસિયું કર્યું.
‘પણ ધારો કે ઊર્જસ્વીએ આપણું કહ્યું ન માન્યું અને ઘરેથી ભાગી જઇને એની જોડે લગ્ન કરી લીધાં... તો..?’
‘તો બીજું શું? જે હાલ છેલ્લી ત્રણ-ત્રણ પેઢીઓથી એ કુટુંબમાં સ્ત્રીઓનાં થતાં આવ્યાં છે એ જ આપણી કુંવરીનાં થશે.’ લક્ષ્મીકાંતના ચહેરા ઉપર કડવાશ પ્રસરી ગઇ. પત્નીએ કયારનો ધરી રાખેલો પાણીનો ગ્લાસ એમણે છેક હવે હાથમાં લીધો. પછી એકીશ્વાસે બધું પાણી ગટગટાવી ગયા. હવે લક્ષ્મીકાંત મૂડમાં આવ્યા. હવે પછીની વાત પણ મજેદાર હતી.
‘બેસ.’ એમણે પત્નીનો હાથ પકડીને એમની બાજુમાં બેસાડી. પછી અવાજ ઓરડાની બહાર ન જાય એટલા ધીમા સાદે એમણે યુવરાજના પરાક્રમી પૂર્વજોનો વહીવંચો ખોલવો શરૂ કર્યો, ‘આ યુવરાજના બાપનો દાદો બત્રીસ લક્ષણો હતો! ઘરમાં દોમ-દોમ સાહ્યબી હતી. પણ ભાઇ સાહેબ સ્ત્રી-શોખની બાબતમાં રાજા-મહારાજા જેવા હતા. ઘરમાં પદમણી જેવી પત્ની હોવા છતાં ત્રણ-ત્રણ સુંદરીઓને રખાત તરીકે રાખી હતી. ત્રણેયને જુદા જુદા મકાનો લઇ આપ્યાં હતાં.’ ‘પછી શું થયું?’
‘બીજું શું થાય! જે અંજામ રાજાઓનો આવ્યો એ જ એમનો પણ આવ્યો. પહેલાં ઇજજત ગઇ, પછી પૈસો ગયો, પત્નીએ આપઘાત કરી લીધો અને રખાતોએ મોં ફેરવી લીધાં.’
‘પણ બાપદાદો આવો નાલાયક પાકયો એમાં યુવરાજનો શો વાંક?’ વૈભવીબહેન જાણે હજુયે હાથમાં આવેલો જમાઇ ગુમાવવા માંગતાં ન હતાં!
‘અરે, પણ પૂરું સાંભળી તો લે, પછી એ રાક્ષસની વકીલાત કરજે.’ લક્ષ્મીકાંત ચિડાઇ ગયા, ‘એ યુવલાનો તો આખો વંશવેલો મૂળમાંથી જ સડેલો છે. એના બાપના દાદાનો ઇતિહાસ પૂરો થયો, હવે યુવરાજના પોતાના દાદાનો ઇતિહાસ સાંભળ. એ બાપડો ગરીબીમાં ઊછરીને મોટો થયો, દેવું માથે મૂકીને દુકાને બેઠો, પૂરાં પંદર વર્ષ પરસેવો પાડીને પાછી જૂની જાહોજલાલી એણે ઊભી કરી દીધી. પણ લોહીમાં લંપટતાનો વારસો મળેલો એ કંઇ થોડો એમને એમ બેસી રહે? એના ઘરમાં પણ સુંદર, સંસ્કારી ને સુશીલ પત્ની હતી, તેમ છતાં એણે બે બજારુ બાઇઓ સાથે લફરાં કર્યા. ખાલી થઇ ગયો.
એ જ હાલ એના દીકરાના એટલે કે યુવરાજના બાપના થયા. મારા બેટાઓ બધા હવસખોર પાકયા. સાંઢ જેવા! એક સ્ત્રીથી સંતોષ ન પામે એવા ભૂખાળવા. આ યુવરાજના બાપે તો આડો આંક વાળી નાખ્યો. વીસ વર્ષના લગ્નજીવનમાં બાર તો બચ્ચાં પેદા કરી નાખ્યાં. અને તોયે એનો બાપ ધરાયો નથી. શહેરમાં સાત-આઠ બદચલન ઔરતોની જોડે એનું નામ બોલાય છે. બોલ, તું જ કહે, આવા ઘરમાં દીકરીને પરણાવાય ખરી?’ લક્ષ્મીકાંતે કરેલું વર્ણન એવું ભયંકર અને અસરકારક હતું કે વૈભવીબહેન એમની વાત સાથે સંમત થઇ જ ગયાં.
‘કયાં છે ઊર્જસ્વી? બોલાવ એને મારી પાસે!’ લક્ષ્મીકાંતે ધીમા અવાજને ‘બાય-બાય’ કરી દીધું ને બરાડાને ફરી પાછું ‘વેલકમ’ કરી નાખ્યું.
વૈભવીબહેન બંગલાના ફસ્ર્ટ ફલોર પર જઇને ઊર્જસ્વીને એના બેડરૂમમાંથી ખેંચી લાવ્યાં. ઊર્જસ્વી એ વખતે સેલફોન ઉપર યુવરાજ જોડે જ ગપ્પાં મારી રહી હતી. પ્રેમાલાપ ઉપર એક નાનકડો નોન-કમર્શિયલ બ્રેક મૂકીને એ પપ્પાની અદાલતમાં હાજર થઇ.
‘બેટા, આ યુવરાજ કોણ છે?’ લક્ષ્મીકાંતે ખોપરીમાં ધખધખતા લાવારસને કત્રિમ રીતે દબાવી રાખીને પહેલો સવાલ શાંતિપૂર્વક પૂછ્યો. આ એમની શૈલી હતી. જયારે કોઇની કડક રીતે ઊલટતપાસ કરવાની હોય ત્યારે શરૂઆત એ હંમેશાં પ્રથમ ગીઅરમાં જ કરતા હતા.
‘યુવરાજ!? ડેડી, મને ખબર નથી... હું આ નામના કોઇ છોકરાને ઓળખતી નથી.’ ઊર્જસ્વીએ રીઢા ગુનેગારની જેમ હાથ અઘ્ધર કરી દીધા.
લક્ષ્મીકાંતના અવાજે ક્ષણના હજારમા ભાગમાં ‘પિક-અપ’ પકડી લીધું. ગાડી સીધી ચોથા ગીઅરમાં દોડવા માંડી, ‘એમ..? આવડી અંગૂઠા જેવડી થઇને બાપને મૂરખ બનાવવા નીકળી છો? તને ખબર નહીં હોય કે તારો બાપ આખા જગતની ખબર ધરાવે છે. શહેરના લોકો મને કૂતરો કહે છે કૂતરો! સી.બી.આઇ.ને જેની ગંધ ન આવે એવી વાત પણ હું સૂંઘી લઉ છું. હવે જો ખોટું બોલીશ, તો તારી બત્રીસી બહાર ખેંચી કાઢીશ સાચું બોલ, કોણ છે આ યુવરાજ?’
ઊર્જસ્વી ભયભીત થઇ ગઇ. રડવા માંડી, ‘કોલેજમાં મારી સાથે ભણે છે. ખૂબ સારો છોકરો છે. અમે... હું એને ... એ મને પ્રેમ કરે છે.’
‘કાલથી તમારી પ્રેમની દુકાનનું શટર પાડી દેજે! મારી સામે એક પણ દલીલ ન કરીશ. આવતી કાલથી કોલેજમાં જવાનું બંધ. પંદર દિવસમાં હું જે છોકરો શોધી લાવું એની સાથે માંડવામાં બેસી જજે! નહીંતર તને ચીરી નાખીશ!’ લક્ષ્મીકાંત તો ફેંસલો સંભળાવીને બીજા ઓરડામાં ચાલ્યા ગયા. પણ ઊર્જસ્વી માને વળગીને કયાંય સુધી રડતી રહી. ડૂસકાં ભરતાં-ભરતાં એ એક જ સવાલ પૂછતી હતી, ‘મમ્મી, યુવરાજ બધી રીતે સારો છે. તમે એને એક વાર મળો તો ખરાં! પપ્પાને એની સામે વાંધો શો છે?’
વૈભવીબહેનને સાચા કારણની જાણ હતી, છતાં પણ એ દીકરીને જણાવી શકે તેમ ન હતાં. મર્યાદાનો બંધ નડતો હતો. પતિએ યુવરાજના પૂર્વજો માટે વાપરેલું એક વિશેષણ એમના મનમાં બરાબર ચોંટી ગયું હતું, ‘સાંઢ છે સાંઢ! એક સ્ત્રીથી સંતોષ ન પામે તેવા ભૂખાળવા!’ વૈભવીબહેનનું પિયર ગામડામાં હતું એટલે ‘સાંઢ’ શબ્દનો અર્થ એમને પૂરેપૂરી રીતે સમજાઇ ગયો હતો.
ગાયોના આખા ધણ વચ્ચે એક જ નર જેને ધણખૂંટ પણ કહે છે એ જ સાંઢ. બાપ રે! યુવરાજ જો આવો હોય તો ઊર્જસ્વીની શી દશા થાય! અરે, બીજી સ્ત્રીઓની વાત જવા દઇએ તો પણ બાપડી ઊર્જસ્વીનું તો આવી જ બને ને!
એ આખી રાત વૈભવીબહેન ઊઘી ન શકયાં. એમની કલ્પનામાં એક કામી પુરુષ એમની દીકરીને રોજ રાતે પીંખી રહ્યો હોય એવાં જ દ્દશ્યો આવતાં રહ્યાં.
લક્ષ્મીકાંતે એમની ધમકી પાળી બતાવી. પંદર દિવસની અંદર જ દીકરીને પરણાવી દીધી. એમની જ જ્ઞાતિનો સુખી પરિવારનો લાયક મુરતિયો શોધી કાઢયો. જમાઇ સુંદર, ઘાટીલો, ગોરો ચટ્ટો અને નમણો હતો. એના ચારિત્ર્યનું કપડું વોશિંગ પાઉડરથી ધોયેલું હોય એવું ઊજળું હતું.
.............
ઊર્જસ્વીને સારા ઘરમાં વળાવ્યાં પછી લક્ષ્મીકાંત અને વૈભવીબહેનની ઊઘ બેવડાઇ ગઇ હતી. જાગરણ ભરેલી રાતો હવે ભૂતકાળ બની ગઇ હતી. ત્યાં એક મધરાતે ઊર્જસ્વીનો ફોન આવ્યો. માએ ‘રિસીવ’ કર્યો. દીકરી રડી રહી હતી, ‘મમ્મી, તમે આ શું કરી નાખ્યું?! તમારો જમાઇ ‘મર્દ’ નથી! મેં પંદર દિવસ રાહ જોઇ, પણ છેવટે... એણે જ કબૂલ કરી લીધું કે એનામાં પુરુષાતન નથી. મમ્મી, મારી તો જીવનભરની રાતો ખતમ થઇ ગઇ!!!’
વૈભવીબહેને જોયું તો પતિદેવ ઘસઘસાટ ઊઘી રહ્યા હતા. એમણે પોતાની રાતો સુધારી લીધી હતી. વૈભવીબહેન પણ રડી પડયાં, ‘હે ભગવાન! આ તે કેવું નસીબ! દીકરીને સાંઢથી બચાવવા ગયાં, તો એનાં ભાગ્યમાં બળદ ભટકાયો!’ (સત્ય ઘટના) (શીષર્ક પંકિત : બી.કે. રાઠોડ)
No comments:
Post a Comment