ગુલાબ જિસ્મકા યૂં હી નહીં ખિલા હોગા,
હવાને પહેલે તુઝે, ફિર મુઝે છુઆ હોગા
સવારે તો હજુ અશરફીનાં ગરીબ પિતાએ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને ફરિયાદ કરી હતી, ‘હે પ્રભુ! આ દુનિયાના લોકો તને દયાળુ અને પરમકપાળુ કેમ કહે છે એ જ મને તો સમજાતું નથી. મારી રતન જેવી દીકરી માટે પથ્થર જેવા મુરતિયા જ શા માટે મોકલે છે!? હું ભલે ગરીબ રહ્યો, પણ મારી દીકરી તો રાજાની કુંવરી જેવી છે ને! એનાં માટે ફલેટ અને એપાર્ટમેન્ટના સરનામા શા માટે ચીંધે છે? રાજમહેલ બતાવ તો હું માનું કે તું ભગવાન છે!’
વાત ભગવાનના અસ્તિત્વના પુરાવા સુધી જઇ પહોંચી હતી. ઈશ્વરને ય લાગ્યું હશે કે એમની હયાતી જોખમમાં છે. હવે કંઇક કરવું પડશે. એ જ દિવસે બપોરે કોઇ અજાણ્યો માણસ અંબાલાલ જાનીના ઘરે આવીને કાનમાં કહી ગયો, ‘તમારી દીકરીને જોવા માટે આજે સાંજે એક મુરતિયો આવવાનો છે. કરોડપતિ બાપનો એકનો એક દીકરો છે. જો મામલો જામી ગયો તો સમજી લેજો કે તમારી અશરફીનો ઉદ્ધાર થઇ ગયો! સાચવી લેજો... આજે સાંજે... બરાબર છ વાગ્યે...’
અંબાલાલ જાની ગરીબ હતા પણ સાવ ભિખારી જેવા ન હતા. એક ઓરડો અને એક રસોડું હતું. જિંદગી આખી ખાનગી પેઢીમાં કારકુની કરી હતી. ત્રણ દીકરીઓ, એક નાનો દીકરો અને પતિ-પત્ની એમ બે જણાં પોતે. છસો રૂપિયાની આવક અને છ જણાંના પેટ ભરવાના. કોઇના પણ મોંમાંથી સરી પડે કે ‘બહોત નાઇન્સાફી હૈ યે.’ પણ આ નાઇન્સાફી જેવું ત્યાં સુધી જ લાગે જયાં સુધી તમારી નજર અંબાલાલ જાનીની મોટી પુત્રી અશરફીનાં યૌવન છલકતાં દેહ ઉપર નથી પડી. અંબાલાલની જિંદગીના તમામ અભાવોનું સાટું સર્જનહારે અશરફીનું શરીર ઘડતી વખતે વાળી આપ્યું હતું. એનાં રૂપનું વર્ણન કરવા માટે વધારે વાકયો વેડફવાની જરૂર નથી, એટલું જ કહેવું પૂરતું છે કે અશરફીએ આજ સુધીની એક પણ વલ્ર્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ નહોતો લીધો, એ વાત સુસ્મિતા, ઐશ્વર્યા, લારા અને પ્રિયંકા માટે ફાયદેમંદ હતી!
હવે અશરફી યુવાન બની ચૂકી હતી. રૂપની પ્રતિમા લગ્નના દ્વાર પર ટકોરા મારી રહી હતી. પણ અંબાલાલ જાનીના ઉબરે જે માગાં આવે એ બધાં કેવા હોય? કોઇ પટાવાળો હોય તો કો’ક વળી હાથલારી ચલાવતો હોય. બે દિવસ પહેલાં જે મુરતિયો અશરફીને જોવા માટે આવ્યો હતો એ રેલવે સ્ટેશન પર ચોથા વર્ગનો કર્મચારી હતો.
અશરફી તો એવી ચિડાઇ ગઇ કે એને મોંઢામોંઢ સંભળાવી દીધું, ‘શું જોઇને મારો હાથ માગવા આવ્યા છો? કામ ફોર્થ કલાસ જેવું અને શોખ ફસ્ર્ટ કલાસના? આવડત મેમુ ચલાવવા જેટલીયે નથી અને સપનાં શતાબ્દી ચલાવવાનાં? ફરી વાર આ તરફ નજર ફેંકવાની હિંમત ન કરતા!’
જે વાત અશરફીએ મુરતિયાને સંભળાવી દીધી એ જ વાત, એ જ ફરિયાદ, એનાં બાપ અંબાલાલે બે દિવસ પછી ભગવાનના કાનમાં નાખી દીધી. બાપ-દીકરીનાં આક્રોશનો જવાબ આપવા માટે જ હોય એમ એ જ દિવસે બપોરના સમયે માણસ આવીને કહી ગયો, ‘તમારી દીકરીને જોવા માટે આજે સાંજે એક મુરતિયો આવવાનો છે.’
નાનકડાં ઘરમાં મોટી ધમાલ મચી ગઇ. આટલા ઓછા સમયમાં બીજું તો શું થઇ શકે, પણ મા અને ત્રણેય દીકરીઓએ ભેગાં મળીને આ નાના ઘરને સુઘડ તો બનાવી દીધું. એક ઓરડાના બનેલા મકાનની ચારે ય દીવાલોને ચમકાવી દીધી, ચારે ય ખૂણાઓને અજવાળી મૂકયા. કાથીનો ખાટલો અને ડગુમગુ થતી ખુરશીઓ હટાવી લીધી અને પડોશીને ત્યાંથી માગી લાવેલો સોફાસેટ ગોઠવી દીધો. બે ફોલ્ડિંગ ચેર્સ પણ મૂકી દીધી. બીજા પડોશીના ઘરેથી કાચની ક્રોકરી લઇ આવ્યા. દીકરાને સમજાવી દીધું, ‘તને ઇશારો કરીએ એટલે દોડતો જઇને શેરીના નાકેથી ગરમા ગરમ સમોસા અને સ્વીટ માર્ટમાંથી કાજુકતરી લઇ આવજે. અને જોજે પાછો..., એ બધાં પડીકા લઇને ઘરનાં મુખ્ય બારણેથી ન આવતો. રસોડાવાળા પાછલા બારણેથી...’ આટલું પ્રગટપણે બોલ્યા પછી અંબાલાલ જાની આ વાકયો સ્વગત બબડી ગયા, ‘કરવું પડે, ભાઇ, આવું બધું કરવું પડે! ધનવાન જમાઇ મેળવવો હોય તો આટલી બનાવટ કરવી પડે!’
સાંજે બરાબર છ વાગ્યા અને અંબાલાલ જાનીના ઘરનાં આંગણામાં એક લાંબી, ઝગારા મારતી કાર આવીને ઊભી રહી ગઇ. ડ્રાઇવરે બારણું ખોલ્યું ત્યાં તો આખી શેરીમાં સન્નાટો પ્રસરી ગયો. બોલ્યા વગર જ બધાં બોલી ઊઠયા, ‘વાહ! આપણી અશરફીને વરવા માટે સ્વયં મહારાજ ઇન્દ્ર પધાર્યા છે.’ એ સાથે જ મોંઘાદાટ વસ્ત્રો અને ચકમકતા બૂટ ધારણ કરેલો દૈવી વ્યકિતત્વ ધરાવતો એક સોહામણો યુવાન ચહેરા પરથી સ્મિત છલકાવતો બે હાથ ‘નમસ્તે’ની મુદ્રામાં જોડીને ત્યાં ઊભેલા તમામની સામે વશીકરણ રેલાવતો અંબાલાલની ‘ઝૂંપડી’ તરફ આગળ વઘ્યો.
‘નમસ્તે, વડીલ! હું અંબાર પંડયા. માફ કરજો, હું એકલો જ આવ્યો છું, પણ મારા મધર-ફાધર અમેરિકામાં છે અને...’ એણે વિનમ્રતાસૂચક વાકયોથી શરૂઆત કરી.
‘અરે, એમાં માફી શેની માગવાની? આવો! આવો! અંદર પધારો! અમારા જેવા સુદામાની ઝૂંપડીમાં તમ જેવા...’ અંબાલાલ તો ગાડી જોઇને જ એવા અંજાઇ ગયા કે રડી પડવાની અણી ઉપર આવી ગયા.
અંબાર પંડયાએ ગૃહપ્રવેશ કર્યો. પછી અંબાલાલે ચીંધેલા સોફાસેટ તરફ નજર ફેંકી. ચહેરા ઉપર પ્રગટેલા અણગમાના ભાવને તત્કાળ દબાવી દીધો. જાણે કોઇ ચાની કીટલી પાસેના લાકડાંના બાંકડા ઉપર બેસતાં હોય એમ બેઠા. પછી એમને યાદ આવ્યું કે રડમસ થઇ ગયેલા અંબાલાલના છેલ્લા વાકયોનો જવાબ તો પોતે હજુ આપ્યો જ ન હતો.
અંબારે અર્થસૂચક સ્મિત ફરકાવ્યું, ‘એવું ન બોલશો, વડીલ! ગરીબ તમે નથી, ગરીબ તો આખું જગત છે. અમારા જેવા પાંચ-પંદર લોકો પાસે મોટા-મોટા બંગલાઓ ભલે ને હોય, જામેલા ધંધાઓ ભલે ને હોય, મસમોટી ગાડીઓ અને બેંકોના ખાતાંઓમાં કરોડો-અબજો રૂપિયા ભલે ને હોય, પણ ખરા ધનવાન અમે નહીં, તમે કહેવાઓ.’
‘હેં!?!’ અંબાલાલના જડબા ખૂલી ગયા અને પછી ખુલ્લાં જ રહી ગયા.
‘હા, ધનવાન તો તમે જ છો, વડીલ! કારણ કે તમારા ઘરમાં એવી રૂપવતી કન્યા છે કે જેને જોયા પછી અપ્સરાને આપઘાત કરવાનું મન થઇ આવે. હું તમારી મોટી દીકરી અશરફીનાં વખાણ સાંભળીને એને જોવા માટે આવ્યો છું.’
અંબારના વચનો સાંભળીને આખું કુટુંબ દોડતું થઇ ગયું. વચલી દીકરી કાચના ગ્લાસમાં પાણી લઇ આવી. અંબારે બૂમ મારી, ‘ડ્રાઇવર, જરા પાણીની બોટલ લાવજે તો.’ એ સાથે જ ડ્રાઇવરે કારની ડીકીમાંથી મિનરલ વોટરની બોટલોનું આખું બોકસ જ લાવીને મૂકી દીધું. અંબારે રસોડાના બારણાં પાછળ સંતાયેલી અશરફી તરફ જોઇને કહી દીધું, ‘આજ પછી અશરફી કાયમ મિનરલ વોટર જ પીશે. રોજ સવારે મારો માણસ આવીને એક ડઝન બોટલ્સ મૂકી જશે. થોડાંક જ દિવસની તો વાત છે. પછી તો એ મારા ઘરમાં જ આવી જવાની છે ને! જો તમારા આશીર્વાદ હશે તો...’
અંબાલાલના ખુલ્લા જડબાં જો ઉઘાડ -બંધ થઇ શકતા હોત તો એમાંથી અવશ્ય એ જ વખતે આશીર્વાદના વાકયો નીકળી પડયા હોત. નાના ભાઇને સમોસા માટે દોડાવવાનો અર્થ જ ન રહ્યો. અંબારના ડ્રાઇવરે અન્નકૂટનો ડુંગર ખડકી દીધો. શહેરના જાણીતા કંદોઇની દુકાનેથી ખરીદેલી મોંઘી મીઠાઇઓ, સેન્ડવીચીઝ. પ્લાસ્ટિકના પેકેટ્સમાં હવામુકત રીતે બંધ કરાયેલા ફરસાણો. અને ઘરનાં દરેક સભ્ય માટે આણેલી કમિંતી ભેટસોગાદો. અડધા કલાકમાં જ લગ્નની વાત નક્કી કરીને અંબારકુમાર સધિાવી ગયા.
જતાં-જતાં અંબાલાલના કાનમાં ફૂંકતા ગયા, ‘જરા ઉતાવળ કરજો. કોઇ ઈર્ષાળુ આત્મા જો અમેરિકામાં બેઠેલા મારા મમ્મી-પપ્પાના કાનભંભેરણી કરશે કે તમારો દીકરો ગરીબ ઘરની કન્યા સાથે પરણવાનો છે તો મમ્મી-પપ્પા કદાચ..! હું તો એમની ગેરહાજરીમાં જ લગ્ન આટોપી લેવા માગું છું.’ અંબાલાલ પણ આ શુભ કાર્યમાં કોઇ પથરો ફેંકાય એની તરફેણમાં ન હતા.
જતાં જતાં અંબારે અશરફીનાં હાથમાં એક ઝવેરાતનું બોકસ મૂકયું, ‘અંદર સોનાની વીંટી છે. પચીસ હજારનો ડાયમંડ જડેલી વીંટી. ઉતાવળમાં ખરીદેલી છે. ખિસ્સામાં એટલું જ પરચુરણ હતું માટે સસ્તી જ.’
અઠવાડિયામાં તો લગ્ન થઇ ગયા. અંબાર ઉપાઘ્યાય શ્રીમતી અશરફી ઉપાઘ્યાયને લઇને ‘હનીમૂન’ માટે મસૂરી ઉપડી ગયા. દસ દિવસે પાછા ફર્યા. રસ્તામાં અશરફીએ પોતાનાં અંતરની વાત પતિ સાથે વ્યકત કરી, ‘સાચું કહું? મને તો તમારા જેવો જ પતિ જોઇતો હતો. કેટલું બધું સુખ આપ્યું તમે મને! આ દસ જ દિવસમાં મને આખી જિંદગીનો સંતોષ આપી દીધો. હવે પછી જેટલાં વર્ષોતમારી સાથે જીવી શકાય એને હું બોનસ જેવા સમજીશ.’
અંબારને લાગ્યું કે આ સમય થયો છે સાચી વાત કરી દેવાનો, એણે ફોડ પાડી દીધો, ‘હવે પછીના વર્ષોશા માટે, અશરફી? આ જે દસ દિવસ મેં તને સુખમાં રાખી છે ને એને જ બોનસ ગણી લેજે.’
‘હું સમજી નહીં કે તમે શું કહેવા માગો છો!’
‘હું એ કહેવા માગું છું કે...’ અંબારે ઊડો શ્વાસ ભરીને બનાવટનો બુરખો ઊતારી નાખ્યો, ‘હું કોઇ ધનવાન-બનવાન નથી. હું તો મહિને આઠ હજાર કમાતો એક સ્ટ્રગલર છું. તને જોઇને તને પામવા માટે પાગલ થઇ ઊઠેલો તારો સાચો પ્રેમી છું. આ ગાડી, કપડાં, શૂઝ બધું મિત્રોની ઉદારતાભરી ઉધારી છે. મીઠાઇઓ, મીનરલ વોટર, સોનાની વીંટી અને હનીમૂનનો ખર્ચોકુલ મળીને એક-દોઢ લાખમાં પડયું છે. ધીમે ધીમે હપ્તા દ્વારા ભરાઇ જશે.પણ સોનાની શુદ્ધ અશરફી જેવી પત્નીને પામવી હોય તો આટલું મૂડીરોકાણ તો કરવું પડે! આને માર્કેટિંગ કહેવાય, છેતરપિંડી નહીં. અને કદાચ આ છેતરપિંડી હોય તો પણ પેલી કહેવત તો તેં સાંભળી જ હશે ને! એવરીથિંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર!’
આટલું કહીને જવાબની રાહ જોયા વગર જ અંબાર એની સુવર્ણમુદ્રા ઉપર ઝૂકયો. (શીર્ષક પંકિત : શહરયાર)
No comments:
Post a Comment