અમદાવાદના ડો. શાહ ઉપર નાઇજીરિયાથી એક મહિલાનો ફોન આવ્યો, ‘હેલ્લો ડોક! આઇ એમ રોઝી. તમારી વેબસાઇટ પરથી મને જાણવા મળ્યું કે તમે મેડિકલ ટૂરિઝમનું કામ પણ કરો છો. શું એ સાચું છે?’
‘હા, સાચું છે.’ ડો. શરદ શાહે જવાબ આપ્યો. ‘તમે મને મદદ કરી શકશો?’
‘તમારી તકલીફ જણાવો. મદદ જરૂર મળશે.’ ડો. શાહના અવાજમાં એક જબરદસ્ત આશ્વાસન હતું. ‘ડોકટર, હું પાંત્રીસ વર્ષની યુવતી છું. મને આંખોની તકલીફ છે. મારા ચશ્માંના કાચ બાટલીના કાચ જેટલા જાડા છે. એનાથી મારો દેખાવ ખરાબ લાગે છે.’
‘તો આંખોના નંબર ઊતરાવી લો ને! ચશ્માં પહેરવાની જરૂર જ નહીં રહે.’ ‘એના માટે તો તમારી સલાહ લઇ રહી છું. અહીં નાઇજીરિયામાં કોઇ સારા ડોકટર નથી અને આંખના નંબર ઉતારી આપે એવા મશીનો પણ નથી.
જો યુરોપ કે અમેરિકામાં જાઉ તો લાખોનો ખર્ચ થઇ જાય. તમારા ઇન્ડિયામાં પરિસ્થિતિ કેવી છે?’ ‘મેરા ભારત મહાન. અહીં જગતભરના શ્રેષ્ઠ ડોકટરો છે અને દુનિયામાં કયાંય ન હોય એટલી સસ્તી સારવાર છે.’
‘તમે શું કરો છો? આઇ મીન, તમે શેના નિષ્ણાત...?’
‘હું સોનોલોજિસ્ટ છું. છેલ્લાં પચીસ વર્ષથી અમદાવાદમાં ખાનગી પ્રેકિટસ કરી રહ્યો છું. સંતોષ થાય એટલી કમાણી છે .’
‘તો પછી આ મેડિકલ ટૂરિઝમનું કામ કરવાનો મકસદ?’
‘પૈસા કમાવાનો તો નહીં જ. અલબત્ત, હું મારી કન્સિલ્ટંગ ફી અવશ્ય લઉ છું, બાકી ખરો આશય પરદેશના દર્દીઓને સાચું માર્ગદર્શન અને સર્વોત્તમ સારવાર પૂરી પાડવાનો છે. પૈસાની લેતી-દેતીમાં હું વચ્ચે પડતો નથી. દર્દીને જો તકલીફ પડે તો વચ્ચે હું જ ઊભેલો હોઉ છું.
ડો. શરદ શાહે બહુ ઓછાં વાકયોમાં ખૂબ મોટી વાત કહી નાખી. નાઇજીરિયન રોઝીને એમની વાત ગમી ગઇ. એણે ઇન્ડિયા આવવાની તારીખ નક્કી કરી નાખી. પછી ફરીથી ડો. શરદ શાહનો ફોન લગાડયો, ‘ડોકટર, હું આવી રહી છું. મારા માટે કોઇ સારી હોટલનો સિંગલ બેડવાળો રૂમ બુક કરાવી રાખશો?’
‘કેમ સિંગલ બેડનો કમરો? તારી સાથે બીજું કોઇ નથી આવતું? એની રિલેટિવ્ઝ? એની ફેમિલી મેમ્બર?’
‘ના, તમે છો ને? પછી મારે બીજા કોઇની શી જરૂર છે? અને હું એકલી જીવવા અને ફરવા માટે ટેવાયેલી છું, ડોકટર. આઇ એમ અનમેરિડ. હું વ્યવસાયે વકીલ છું. આઇ એમ કમિંગ, ઓ.કે.?’ રોઝીએ ફોન કાપી નાખ્યો.
‘થોડાં દિવસ પછી રોઝી ખરેખર અમદાવાદના આંગણે ઊતરી પડી.
ડો. શરદ શાહ અને એમના પત્ની મીનુબહેન એરપોર્ટ પર એને ‘રીસવિ’ કરવા માટે ગયા. એને લઇ આવ્યા અને હોટલમાં ગોઠવી પણ દીધી. રોઝી કાળી હતી, નાઇજીરિઅન હબસી હતી, પણ નમણી અને પાતળી હતી. બસ એક માત્ર તકલીફ ચશ્માંની હતી.
એ જો નીકળી જાય તો રોઝી ખરેખર રોઝ જેવી સુંદર લાગવા માંડે. બીજા દિવસ ડો. શરદ શાહ રોઝીને લઇને આંખના નિષ્ણાત ડોકટર પાસે ગયા. એની તપાસ કરાવી. બીજા બે ડોકટરોનો અભિપ્રાય પણ મેળવી લીધો. કસીને ભાવ-તાલ નક્કી કર્યો. પછી લેસર ટેકિનક દ્વારા રોઝીની આંખોના નંબરો દૂર કરવાની સારવાર શરૂ કરી. બહુ ઝડપથી ખૂબ સારું પરિણામ મળી ગયું. રોઝીનાં ચશ્માં ગયા. એની ખુશાલીને કોઇ સીમા ન રહી.
આટલા દિવસમાં તો રોઝી અને ડો. શાહના પત્ની પાક્કી બહેનપણીઓ જેવાં બની ગયાં. હોટલનો કમરો તો નામ પૂરતો રહ્યો, બાકી રોઝી તો આખો દિવસ મીનુભાભીની સાથે જ ફરતી હોય. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને પછી દિવસભરનું શોપિંગ.
રાતનું ભોજન પતાવીને પછી જ એ હોટલભેગી થાય. આખા ઘર સાથે એને માયા બંધાઇ ગઇ. એક સાંજની વાત. રોઝી અને મીનુબહેન બંગલાના કમ્પાઉન્ડમાં બગીચાના હીંચકા ઉપર બેસીને અલક-મલકની વાતો કરતાં હતાં, ત્યાં અચાનક રોઝી બોલી પડી, ‘મીનુભાભી, આઇ વોન્ટ ટુ બિકમ મમ્મા! મારે એક બાળક જોઇએ છે.’
મીનુબહેન સ્તબ્ધ, ‘બાળક? પણ તું તો કુંવારી છે. પહેલાં તારે લગ્ન કરવું પડે, પછી...’ ‘નો! નો! આઇ ડોન્ટ વોન્ટ ટુ મેરી. મને લગ્નના નામ માત્રથી નફરત છે. પણ મને બાળકો ગમે છે.’
‘તો પછી દત્તક...’ ‘ના, દત્તક પણ નહીં, મારે તો પ્રેગ્નન્ટ થવું છે, નવ મહિનાની ગર્ભાવસ્થાનું સુખ માણવું છે, પ્રસિૂતની પીડા વેઠવી છે અને પછી મારી કૂખમાંથી અવતરેલાં સંતાનને ફિડિંગ કરાવવું છે.’ રોઝીની આંખમાં પાગલપન હતું અને શબ્દોમાં ઝંખના.
‘મને તો લાગે છે કે તું ગાંડી થઇ ગઇ છે, પણ વાંધો નહીં, આપણે મારા પતિને વાત કરી જોઇએ.’ મીનુબહેનને મૂંઝવણમાંથી માર્ગ કાઢયો. રોઝી શરમાઇ ગઇ. ‘ભાભી, તમે જ વાત કરી લો ને! ડો. શાહ મારા વિશે શું ધારશે?’
બીજા દિવસે સવારે બંને સ્ત્રીઓ ડરતી, શરમાતી, સંકોચાતી ડો. શરદ શાહને મળી. નાસ્તાના ટેબલ પર વાત થઇ. ડો. શાહ હસી પડયા, ‘અમારા દેશ માટે આ વાત આંચકાજનક મનાય છે, પણ તારો દેશ જુદો, તારો વેશ જુદો અને તારી માન્યતાઓ જુદી. પણ તું નાઇજીરિયા પાછી જઇને કોઇ પુરુષ કેમ શોધી નથી લેતી?’ ‘ના, મારે ઇન્ડિયન પુરુષનું બેબી જોઇએ છે. તમે કાયદાની ગૂંચ વિશે ચિંતા ન કરશો. હું વકીલ છું અને અમારા દેશનો કાયદો જાણું છું. સ્ત્રી કુંવારી હોય તો પણ જો ધારે તો મા બની શકે છે.’ રોઝીની આંખોમાં ભારતીય બાળકની મા બનવાનો દ્દઢ સંકલ્પ તરવરતો હતો.
‘રોઝી, હું તને બીજી કોઇ રીતે તો મદદ નહીં કરી શકું, પણ મારી પાસે વિજ્ઞાને આપેલો ઉપાય મોજૂદ છે. હું તને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જઇ શકું. એ તને કોઇ અજાણ્યા વીર્યદાતાના શુક્રાણુની મદદથી ગર્ભવતી બનાવી શકે. અમે એને કત્રિમ વીર્યદાન કહીએ છીએ. તું જો રાજી હોય તો...’ રોઝી રાજી હતી. ડો. શરદ શાહે એને પૂરો એક મહિનો અમદાવાદમાં રાખી. સોનોગ્રાફીની મદદ વડે રોઝીનું અંડબીજ કયા દિવસે છૂટું પડે તે જાણ્યું. પછી ગાયનેકોલોજિસ્ટ મિત્રને ત્યાં જઇને એને આર્ટિફિશિઅલ ઇન્સેમિનેશનની સારવાર અપાવી દીધી.
અપેક્ષિત પરિણામ મેળવ્યા બાદ રોઝી નાઇજીરિયા જવા માટે રવાના થઇ. એરપોર્ટ પર મૂકવા ગયેલા મીનુબહેને રોઝીને પૂછી લીધું, ‘અલી, સાચું કહેજે, તેં શા માટે નાઇજીરિઅન પુરુષને બદલે ઇન્ડિયન પુરુષના બીજ ઉપર પસંદ ઊતારી?’
‘હું જુઠ્ઠું નહીં બોલું, ભાભી! હકીકત એ છે કે અમારા નાઇજીરિયાના પુરુષો તદ્દન બદમાશ હોય છે, જયારે ઇન્ડિયન પુરુષો... બધાં જ સંસ્કારી, સારા અને સ્ત્રીઓને મદદ કરવાની ભાવનાવાળા હોય છે. મારા શરદભાઇ જેવા!’ રોઝીએ ભીની-ભીની આંખે ડો. શાહ સામે જોયું. ડો. શરદ શાહ હસ્યા, ‘ચાલ, હવે બહુ નજર ન બગાડ! તારી દેહલતા ઉપર અમે કલમ કરી આપી છે, હવે ગુજરાતી આંબો નાઇજીરિયામાં પણ ઊગવાનો જ છે. કેરી આવે ત્યારે અમને જાણ કરવાનું ભૂલતી નહીં. ગૂડ લક!’‘ (શીર્ષક પંકિત: ‘બાબુ’)
No comments:
Post a Comment