Tuesday, November 16, 2010

પોઝિટિવ થિકિંગ

પાય લાગુ ! દાદા સ્વામી !
દાદા સ્વામી ! તમને કદાચ ખબર હશે કે બે વરસથી હું આ સત્સંગમાં આવું છું. તમારાં પ્રવચનો સાંભળી, તમે કહો છો એમ, મારા જીવનના અંધકારમાં જ્ઞાનના દીવાનો પ્રકાશ ફેલાયો છે ! એમાંય ખાસ કરીને તમે જે પોઝિટિવ થિંકિંગનો ઉપદેશ આપો છો ને ? કેવી રીતે પોઝિટિવ થિંકિંગ કરવાથી માણસની લાઈફ બદલાઈ જાય છે અને માણસ સુખી થાય છે, એની મારા વિચારો પર ખૂબ જ ઊંડી અસર પડી છે. દાદા સ્વામી ! આજે શું બન્યું એ ખાસ તમને કહેવા હું આમ તમારી સામે બેઠો છું, ભલે મારું બોડી ભાંગી તૂટી લોહીલુહાણ થઈ ગયું હોય, મારો આત્મા તમારાં ચરણોમાં આવ્યો છે, એ ખાસ આજની વાત તમને કહેવા.

દાદા સ્વામી ! મારું નામ મુકેશ ચોવટિયા છે. હું અને મારી વાઈફ શિલ્પા – અમે પરામાં વન બીએચકેના ફલેટમાં રહીએ છીએ. શિલ્પા મારા કરતાં આઠ વરસ યંગ છે અને દેખાવમાં બ્યુટિફુલ કહી શકાય એવી છે ! અમારાં લગ્ન થયાં ત્યારે મારા બધા ફ્રેન્ડ બહુ જલી ગયા હતા ! કહે કે મુકેશિયાને તો લોટરી લાગી ! હું મોર્ડન પેથો-લેબમાં જોબ કરું છું. આ લેબમાં બ્લડ, યુરિન, સ્ટૂલ વગેરેનું ટેસ્ટિંગ થાય છે. મોટી લેબ છે. તમારે બ્લડ ટેસ્ટ કરાવવું હોય તો ફક્ત ફોન કરી દેવાનો, લેબમાંથી માણસ આવી બ્લડ કાઢી લઈ જાય ને બીજા દિવસે કુરિયરમાં તમને રિપોર્ટ મળી જાય ! મારું કામ આમ ઘરે ઘરે જઈ બ્લડ, યુરિન વગેરેનાં સેમ્પલ કલેકટ કરવાનું છે.

હું સત્સંગમાં આવતો થયો એ પહેલાં, જ્યારે મારું મન નેગેટિવ થિંકિંગ કરતું રહેતું ત્યારે મારા મનમાં એવા વિચારો આવતા રહેતા – કે હું સ્કૂટર પર જાઉં છું ને બ્લડથી ભરેલી કાચની વાયેલ જેમાં રાખી છે એ બેગ મેં ખભે ભરાવી છે ને ત્યાં કોઈ કારવાળો મારા સ્કૂટરને પાછળથી ઠોકે છે અને હું ઊડીને ફૂટપાથ પર પડું છું, બેગ નીચે ને હું ઉપર ! ને બધી વાયેલ ફૂટી જાય છે અને કાચ બધા મારી છાતીમાં ઘૂસી જાય છે ! અને બધું, એચઆઈવી પોઝિટિવ ને હેપેટાઈટિસ ને બધાવાળું લોહી મારા લોહીમાં ભળી જાય છે ને… એવું બધું ! આવા નેગેટિવ વિચારો મને આવતા રહેતા ! પણ હવે બધા પોઝિટિવ વિચારો આવે છે, જેમ કે મારા સ્કૂટરને કોઈ ગાડીએ ઠોક્યું ને હું પડી ગયો. પછી એવું બને છે કે ગાડીની પાછળની સીટમાંથી મારી ફેવરિટ ફિલ્મસ્ટાર ઊતરે છે, ને મને કંઈ વાગ્યું નથી તોય મને એની ગાડીમાં બેસાડી એના ઘરે લઈ જાય છે, અને અમે વાતો કરીએ છીએ, પછી મને ચાન્સ મળે એટલે હું એને કહી દઉં છું કે જે હીરો સાથે એ સંબંધ રાખે છે એ બદતમીઝ, અનએડ્યુકેટેડ છે. એણે એની કંપની છોડી દેવી જોઈએ ! એટલે એ તો રડી પડે છે ને કહે છે કે એને ડર લાગે છે કે એને છોડવાની વાત કરી છે તો આ હીરો એને મારશે, ને હેરાન હેરાન કરી મૂકશે. એટલે હું એને સમજાવું છું કે આ બધું નેગેટિવ થિંકિંગ છે. પાવર ઑફ પોઝિટિવ થિંકિંગવાળી વાત એને સમજાવું છું… જે તમે કહો છો એ જ બધું ! એની એના પર એવી તો અસર થાય છે કે એ સત્સંગમાં આવવા તૈયાર થઈ જાય છે. અને દર વખતે અમે બંને સાથે એની કારમાં બેસીને સત્સંગમાં પહોંચીએ છીએ ત્યારે બધા ગુસપુસ કરે છે કે આ મુકેશને સત્સંગ ફળ્યો, હોં !

આવું બધું… સરસ સરસ વિચારી મારું મન હવે ખુશ ખુશ રહે છે અને પાવર ઓફ પોઝિટિવ થિંકિંગવાળી વાત મનમાં એકદમ ચીપકી જાય છે ! માફ કરજો દાદા સ્વામી ! આજે શું બન્યું એ કહેવાને બદલે હું તો બીજે રવાડે ચડી ગયો, મારી આદત પ્રમાણે !

આજે સવારે ઊઠ્યો ત્યારે જરા સુસ્તી જેવું લાગતું હતું. બોડીઍક ને ફલુ જેવું. એટલે હું લેબ પર ફોન કરી સિક લીવ લેવાનો વિચાર કરતો હતો, ત્યાં શિલ્પા કહે, ‘ક્યાં તાવ છે ? એક ક્રોસિન લઈ લો ! ને ગરમ પાણીથી નાઈ લો. ફ્રેશ થઈ જશો. ઘરે હશો તો સૂઈ રહેશો ને વધારે લાઉઝી ફીલ થશે !’
કંઈ બોલવા જાઉં એ પહેલાં તો એણે તો લગભગ મને ધક્કો દઈ બાથરૂમમાં મોકલ્યો ! એક વાર તો આપણને વિચાર આવી જાય, નેગેટિવ થિંકિંગ કરીએ તો, કે લો ! તબિયતની ચિંતા નથી આને ? અને આમ તો રોજ એ સવારના આઠથી રાત્રે નવ વાગ્યા સુધી એકલી જ હોય છે ! તો ખુશ થવાને બદલે કેમ મને આમ કામે ધકેલે છે ? પણ પોઝિટિવ થિંકિંગ કરીએ તો લાગે કે એની વાત સાચી છે ! ઘેર પડ્યા પડ્યા કરવાનું શું ? આખો દિવસ ટી.વી. જોઈ જોઈ આમેય તબિયત ખરાબ થઈ જાય અને ઉપરથી એક લીવ વેસ્ટ જાય.

એટલે તૈયાર થઈને નીકળી ગયો. પહેલાં ઘરે ગયો ત્યાં કોઈ આઠ વરસની છોકરીનો મેનિનજાઈટિસનો કેસ હતો, એનું બ્લડ લીધું. અને ત્યાંથી નીકળી સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાં પાનનો ગલ્લો હતો ત્યાં ગુટકાનું પેકેટ લેવા ગયો. ગલ્લાવાળાને પૈસા આપતો હતો ત્યાં કોઈ પાછળથી આવી, મને ધક્કો મારી, ખસેડી, ત્યાં પબ્લિક ફોનનું ડબલું હતું ત્યાં જઈ ફોન કરવા લાગ્યો ! પહેલાં કોઈ આવું કરે તો આપણી તો હટી જાય. હું અહીંયા ઊભો છું તે શું જખ મારું છું ? પણ અત્યારે પોઝિટિવ થિંકિંગ કર્યું કે… એને કદાચ કંઈ અરજન્સી હશે. કે કંઈ ટેન્શન હશે… ઈટ્સ ઓકે !

પણ પછી હું એવો ચોંક્યો કે વાત ન પૂછો ! મારી નજર એની આંગળીઓ પર હતી, એમ જ, કેજ્યુઅલી. અને એણે જે નંબર લગાડ્યો એ કોણ જાણે કેમ મારા મગજમાં રજિસ્ટર થયો ! મારા જ ઘરનો નંબર ! હું તો બ્લેંક થઈ જોતો જ રહી ગયો ! નોટ પોસિબલ ! મેં એવું ઈમેજિન તો નથી કરી લીધુંને ? ત્યાં નંબર નહીં લાગ્યો હોય એટલે એણે ફરીથી નંબર લગાડ્યો ! આ વખતે મેં બરાબર માર્ક કર્યું ! મારો જ નંબર ! મેં એના તરફ જોયું… કોણ છે આ ? મેં એને ક્યારેય જોયો નથી. મારા ઘરનો ફોન કેમ લગાડે છે ? ઘરે તો શિલ્પા છે ! મારું કામ હશે એને ? કે પછી શિલ્પાનું કામ છે એને ? મને કંઈ અજબ પ્રકારનો મૂંઝારો થવા લાગ્યો. તાવ પાછો ચડવા લાગ્યો !
ત્યાં એનો ફોન લાગ્યો ! અને એ બે જ વાક્ય બોલ્યો, જે મારી ખોપરીની દીવાલ ચેક કરો તો ત્યાં કોતરાયેલાં મળશે : ‘હાય મિષ્ટુ ! બોલ, પ્રોગ્રામ કરવો છે ને ?’
હાય મિષ્ટુ ! બોલ, પ્રોગ્રામ કરવો છે ને ?! – મારા આખા શરીરમાં એક ખરાબ ધ્રુજારી પ્રસરી ગઈ. પછી એ મિષ્ટુ કંઈ કહેતી હતી એ સાંભળવા લાગ્યો. વચ્ચે ખડખડાટ હસતો ! એ શિલ્પા સાથે વાત કરતો હતો ? મારી શિલ્પા એ એની મિષ્ટુ હતી ? એને આની સાથે કાંઈ પ્રોગ્રામ કરવો હતો ? એટલે મને ઘરમાંથી કેવી રીતે ભગાડ્યો એ બધું કહેતી હતી જે સાંભળી આ હસતો હતો ? અને ઘરે બેસી બંને જણ કઈ જાતનો પ્રોગ્રામ કરવાના હતાં ?

ધ્રૂજતા હાથે મેં મોબાઈલ કાઢીને ઘરનો નંબર લગાડ્યો. એન્ગેજડ ! એની વાત ચાલુ હતી ! મેં ફરીથી લગાડ્યો ! ફરી એન્ગેજડ ! મારું માથું ભમવા લાગ્યું. કોઈએ મને પેટમાં જોરથી મુક્કો માર્યો હોય એમ મને ભયંકર શૂળ ઊપડ્યું. શ્વાસ રૂંધાવા લાગ્યો. મને થયું હું અહીં જ ફસડાઈ પડીશ.
એટલે મેં તરત પોઝિટિવ થિંકિંગ શરૂ કર્યું. એક તો – એણે મારા ઘરનો જ નંબર ડાયલ કર્યો છે એ ખાતરીપૂર્વક કહેવું – ઈટ વોઝ ડિફિકલ્ટ ! એક્ચ્યુલી નોટ પોસિબલ ! આંગળીઓ ઝડપથી કી-પેડ પર ફરે અને તમને લાગે કે પાંચ પ્રેસ કર્યા છે પણ આઠ પ્રેસ કર્યા હોય ! અને ઘરનો ફોન એન્ગેજડ આવે એ ક્યાં નવાઈનું છે. શિલ્પા તો ફોનને ચીટકેલી જ હોય છે ! અને મિષ્ટુ તો – એનો કઝિન – છોકરો પણ હોઈ શકે જે બંને પિક્ચરનો પ્રોગ્રામ બનાવતા હોય ! આવું પોઝિટિવ થિકિંગ !

મારું મન તરત શાંત થવા લાગ્યું. મેં ઊંડો શ્વાસ લીધો, વધારે સારું લાગ્યું ! પોતાને કહ્યું, ‘શિલ્પાએ કામે જવાનું જસ્ટ કહ્યું એમાં તો નેગેટિવ થિંકિંગનાં બી રોપાઈ ગયાં ને આવું ઝાડ થઈ ગયું ! So stupid I am !’ એટલે મન હજી વધારે હળવું થયું ! ત્યાં એણે ફોન મૂકી ગલ્લા પરથી કેડબરીની ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ લીધી, મોટી સાઈઝની.. અને પૈસા આપી નીકળી ગયો. મારી નજર એના પર ચોંટેલી હતી. એ યંગ હતો ! મારા કરતાં. લો-વૅસ્ટનું જીન્સ અને કાળું ટૂંકું ટી-શર્ટ. રિકી માર્ટિન કરીને સિંગર નથી ?…. અ…તમે દાદા સ્વામી ક્યાંથી ઓળખો રિકી માર્ટિનને ! એના જેવો લાગતો હતો ! આમ હેન્ડસમ ! મારા કરતાં !… હાથને રોકવા છતાં મારા હાથે મોબાઈલ પર ઘરનો નંબર લગાડ્યો. રિંગ વાગી. મેં કોલ કાપી નાખ્યો. મનને કહ્યું, ‘Think Positive ! શિલ્પાની પણ વાત પતી ગઈ હશે એટલે હવે ફોન ફ્રી છે ! Coincedence !’

નહોતું કરવું છતાં જઈને મેં પબ્લિક ફોન લગાડી રિ-ડાયલનું બટન દબાવ્યું. ફોનમાં બહુ ડિસ્ટર્બન્સ હતું. કોઈ છોકરીનો અવાજ સંભળાયો…હેલો !….હેલો !… મેં ફોન કાપી નાખ્યો. એ શિલ્પા નહોતી. હાશ ! રિકી માર્ટિન ફૂટપાથ પાસે રાખેલી એની બાઈક પાસે જઈ સોનેરી ટોપવાળી હેલ્મેટ પહેરવા લાગ્યો. બાઈક તદ્દન નવી, મોટી, ઝગારા મારતી હતી. Stardust model, જેની બહુ જાહેરાત ટીવી પર આવે છે. રિકી માર્ટિનની બાઈક સ્ટાર્ટ થઈ જ હતી. હું દોડ્યો અને સ્કૂટર લઈ એનો પીછો કરવા લાગ્યો. એક મન પૂછતું હતું, શા માટે પણ ? બીજું મન સાંભળવા તૈયાર ન હતું. એ મારા ઘરની દિશામાં જ જતો હતો, એમ તો હજારો vehicle મારા ઘરની દિશામાં જતાં હતાં ! યાદ નહોતું કરવું તોય મને યાદ આવ્યું, શિલ્પા મને કહ્યા કરે છે કે સ્કૂટર લઈને ફરો છો તે જરાય સારા નથી લાગતા ! કંપનીવાળાઓને કહોને કે બાઈક આપે ! મારું માથું ભમવા લાગ્યું. શિલ્પા કોની સાથે વાત કરતી હતી ? પબ્લિક ફોનમાં અવાજ શિલ્પાનો જ તો નહોતોને ? આ રિકી ક્યાં જાય છે ? એ બાઈક સ્પીડથી ભગાવતો હતો, હું જેમ તેમ કરી સ્કૂટર એની સાથે રાખતો હતો ! ત્યાં એક સિગ્નલ પર એક ટેમ્પોએ મારા સ્કૂટરને ઠોકી દીધું. પાછળનું પૈડું લગભગ બેવડ વળી ગયું. એની સાથે ઝઘડો કરવા માટે મારી પાસે જરાય એનર્જી બચી નહોતી ! ઊલટાની મેં એની લગભગ પગે પડીને માફી માગી. એને પણ આ બહુ વિચિત્ર લાગ્યું. પછી સ્કૂટરને ક્યાંય સુધી ઘસડી, કોઈક પાર્કિંગ લોટમાં રાખી, હું રિક્ષા કરીને ઘેર પહોંચ્યો !

લિફટમાં ચોથે માળે પહોંચી મારા ફલેટની બહાર ઊભો હું થીજી ગયો. અંદરથી કોઈના વાતો કરવાના ધીમા અવાજ આવતા હતા ! ભયંકર પ્રયત્ન છતાં મારી આંગળી બેલ સુધી ન પહોંચી. મને લગભગ તમ્મર આવી ગયાં. લિફટમાં બેસી નીચે આવી હું સોસાયટીના કંપાઉન્ડની એક બેંચ પર ફસડાઈ પડ્યો. હું કેટલી વાર સુધી ત્યાં બેઠો પડ્યો હતો, મને કંઈ આઈડિયા નથી. વોચમેને આવીને મને કહ્યું, ‘સાબ, કલ ચાર ઘંટા લાઈટ નહીં હૈ…’ ત્યારે મને હોશ આવ્યા.
કોણ જાણે કેમ લિફટ લેવાને બદલે હું દાદર ચઢવા લાગ્યો. બીજે માળે દાદર પર જ મને શિલ્પા મળી ગઈ. મને જોઈને એ શરૂ થઈ ગઈ : ‘તમે ક્યાં છો ? હું ક્યારની તમને શોધું છું. હાય, હાય, તમારી તબિયત બગડી કે શું ! મેં તમને ક્યાં કામે જવાનું કહ્યું ! વગેરે…. ઘરે પહોંચી એણે મને બેડમાં સૂવડાવી દીધો. એને ખરેખર મારી ચિંતા થઈ ગઈ હતી. એ બોલ્યે જતી હતી…., ‘કેતકીબહેને કહ્યું તમે આવીને પાછા ગયા. હું સિરિયલ જોતી હતી ત્યાં પેલી ત્રીજા માળવાળી પ્રવીણા છે ને મને ખેંચીને લઈ ગઈ હતી, એનું વોશિંગ મશીન બતાવવા ! ટી.વી. પણ ઓન રહી ગયું હતું.’

મેં એનો હાથ પકડી એની આંખોમાં જોયું. મારી આંખમાં પાણી આવી ગયાં. ‘આવું શું કરો છો ?’ કહી એ મને વળગી પડી. દર વખતની જેમ એણે એના ગાલ મારા ગાલ પર ઘસ્યા. મને શરમથી મરી જવાનું મન થયું. મારો પસીનો લૂછવા એ નેપ્કિન લેવા દોડી. મેં પડખું ફેરવ્યું ને મને પીઠમાં કંઈ વાગ્યું. જોઉં તો – ચોકલેટ. કેડબરી. ફ્રૂટ એન્ડ નટ્સ. મોટી ! હું સન્ન થઈ, ઊભો થઈ બાલ્કનીમાં આવી ગયો. નીચે નજર નાખી. નવી Stardust bike લઈ સોનેરી ટોપવાળું હેલ્મેટ પહેરેલું કોઈ ગેટની બહાર નીકળી રહ્યું હતું !
હાય મિષ્ટુ ! બોલ, પ્રોગ્રામ કરવો છે ને ?
મારા દિમાગમાં કાળો ધુમાડો ભરાઈ રહ્યો હતો. પૂરા ઝનૂનથી મેં બેટ શિલ્પાના માથા પર ફટકાર્યું ! – એવો વિચાર ફક્ત આવી ગયો ! પોઝિટિવ થિંકિંગની થોડી ઘણી અસર હેઠળ ખરેખર તો હું બાલ્કનીમાં જ ઊભો હતો. પણ….

દાદા સ્વામી ! આ મન તો નેગેટિવ વિચારોના કાદવનો દરિયો છે ! એના પર પોઝિટિવ થિંકિંગની કેટલી રેતી પાથરવી ? આ વિચારો જ નરક પેદા કરે છે ! સૌથી સારું પોઝિટિવ થિંકિંગ એ જ નહીં કે થિંકિંગ જ ન કરવું ? – મને આ વિચારોમાંથી મુક્તિ જોઈતી હતી ! હું બાલ્કનીની પાળી પર ચડ્યો. શિલ્પા અંદરથી કંઈ કહેતી આવી એના શબ્દો મારે કાને પડ્યા : ‘તમને ખબર છે, તમારા ફ્રેન્ડ રાહુલભાઈ છે ને એમણે એક જ SMS કર્યો હતો કોઈ ચેનલને, એમાં એમને Stardust bikeનું પ્રાઈઝ મળ્યું ! એમણે બધાને ચોકલેટ વહેંચી ! કેટબરીની ફ્રૂટ ઍન્ડ નટ્સ !……’ એના શબ્દો મારા કાન સુધી પહોંચ્યા.. રાહુલભાઈ-SMS-બાઈકનું પ્રાઈઝ-ચોકલેટ વહેંચી-ફ્રૂટ એન્ડ નટ્સ !… પણ એ શબ્દો કંઈ વિચારો જન્માવે એ પહેલાં હું કૂદી પડ્યો હતો, અને હવામાં તરવા લાગ્યો હતો, પક્ષીની જેમ ! મુક્ત ! વિચારોથી મુક્ત !

દાદા સ્વામી ! મારું બોડી અત્યારે પાણીની ટાંકી પર પડ્યું હશે ! લોહીલુહાણ ! પણ હું તમારી પાસે આ જે બન્યું એ કહેવા આવ્યો છું, કારણ કે મારે એક પ્રશ્ન પૂછવો છે ! તમને નહીં…. ઈશ્વરને ! પ્રભુને… જે આ બધું કરાવે છેને એને !…. કે…. પ્રભુ અમે તો પામર જીવ છીએ ! તમે આપેલું જીવતર જેમતેમ કરી જીવી લેવાની અમારી ફરજ બજાવીએ છીએ. તમે જ તો બધું કરાવો છો ! તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમે આવું કેમ કરાવો છો ? તમે કેમ આટલું નેગેટિવ વિચારો છો ? તમેય પોઝિટિવ થિંકિંગ કેમ નથી કરતા ?

No comments: