Tuesday, November 16, 2010

બાપાય ગયા હોત તો…!

‘કેમ છો સોમભાઈ ? શું ચાલે છે ?’ પશાભાઈએ પડોસમાં રહેતા સોમભાઈને આદત પ્રમાણે સ્નેહભાવે પૂછ્યું.
‘પશાભાઈ, આપણે તો બીજું શું ચાલવાનું હોય ? રોજેરોજની એ જ ઘરેડ. મિલમાં મજૂરી અને ઘેર આવીને ઘરવાળાંને ટેકો.’
‘ચલો, મંદિરે જતા આવીએ અને શાક-બાક લેતા આવીએ.’
‘હા, ચાલો.’

પશાભાઈ અને સોમભાઈ આઠ-દસ વર્ષથી શહેર બહારના પરા વિસ્તારની એક જૂની ચાલીમાં રહે. બંનેનાં મન મળી ગયેલાં. એટલે નવરાશના સમયે વાતોચીતો કર્યા કરે. એકબીજાના કામમાંય આવે. પશાભાઈ સરકારી ખાતામાં નોકરી કરે. એક દિવસ પશાભાઈએ સોમભાઈને કહ્યું :
‘સોમભાઈ, આ સામેની ખુલ્લી જમીનમાં સસ્તા ભાવે ટેનામેન્ટની સ્કીમ મુકાઈ છે. હું બધી તપાસ કરી આવ્યો છું. આપણને પોસાય એમ છે. મેં તો એક ટેનામેન્ટ નક્કી કરી દીધું છે અને પડખેવાળું તમારા માટેય રાખવાનું કહ્યું છે.’
‘પશાભાઈ, તમને તો ખબર છે કે મારી આવક ટૂંકી, એમાંય મિલો એક પછી એક બંધ પડતી જાય છે. અમારી મિલે ય ક્યારે બંધ પડી જાય એ કહેવાય નહીં. પછી ?’
‘બધું થઈ પડશે. ચાલો જોઈ આવીએ અને કંકુના કરતા આવીએ.’

સ્નેહભાવે કરાયેલા પશાભાઈના આગ્રહને વશ થઈ સોમભાઈયે મેમ્બર બન્યા. થોડા વખત પછી બંને એમાં રહેવાય જતા રહ્યા. પણ સોમભાઈની મિલ ખરેખર બંધ થઈ ગઈ. હવે ? સોમભાઈ છૂટક મજૂરી કરી પરિવારના છેડા માંડ પૂરા કરતા. આ તરફ પશાભાઈ સરકારી નોકરી કરતાં-કરતાં ઘરે સાડીઓ અને બીજા કાપડનો ધંધો કરતા. એમના દીકરા મોટા થયા અને પશાભાઈ નિવૃત્ત. એમણે નજીકમાં દુકાન લીધી અને પોતાના જૂના ધંધાને આગળ વધાર્યા. છોકરાઓય ખંતીલા. દુકાન જામી પડી. પણ, સોમભાઈની સ્થિતિ દિવસે-દિવસે કથળવા લાગી. એમનેય બે દીકરા અને ત્રણ દીકરીઓ. મોટાં થયાં. માંડ-માંડ બધાંને પરણાવી દીધાં. એમના દીકરાઓ ઝાઝું ભણ્યા નહીં અને આળસુના પીર. ખાસ કંઈ કામધંધો કરે નહીં. પશાભાઈએ એમને ડાળ્યે વળગાડવાના પ્રયાસ કર્યા પણ ઉપરથી એમને જ નુકશાની વેઠવી પડી. તોય સોમભાઈ પ્રત્યેનો એમનો સ્નેહભાવ અકબંધ રહ્યો.

રોજ સાંજે મંદિરે લઈ જવાનું એ કદી ચૂકે નહીં. પહેલા પગે ચાલતા જતા. હવે પશાભાઈ સ્કૂટર લાવેલા એટલે સ્કૂટર પાછળ બેસાડીને લઈ જાય. પશાભાઈ એમને આ રીતે સધિયારો આપે. દારિદ્ર એક વખત ઘર કરી જાય પછી એ બહુ જલ્દીથી બહાર નીકળવાનું નામ ના લે. એમાંય આળસને એની સાથે બહુ સારો સંબંધ. બિચ્ચારા સોમભાઈ ! એકલા હાથે વ્યક્તિ કેટલું ઝઝૂમી શકે ? હરામ હાડકાંના છોકરાઓનો વસ્તારેય વધવા માંડ્યો. સોમભાઈનું શરીર ઘસાતું ચાલ્યું. કેટલું વેઠી શકે ? એક-બે મોટી માંદગીએ એમને સાવ પીંખી નાખ્યા….

અને…
એક દિવસ સાંજે….
નિત્યક્રમ પ્રમાણે પશાભાઈએ સોમભાઈને સાદ દીધો : ‘ચાલો સોમભાઈ, મંદિરે જતા આવીએ અને શાક-પાંદડું લેતા આવીએ….’ સોમભાઈ આંગણાના તૂટેલા ખાટલામાં ટૂંટિયું વાળીને પડ્યા હતા.
‘પશાભાઈ..! આજે કંઈ ઠીક નથી લાગતું…. તમતમારે જતા આવો.’
‘અરે ભઈ ચાલોને….. એ બહાને જરા મન હળવું થશે….’
‘પશાભાઈ, તમારી વાત હાચી છે. તમારી જોડે આવું છું ત્યારે મન થોડું હળવું થાય છે. તમે તો યાર ભગવાનના માણસ છો. બાકી આ જમાનામાં મારા જેવા જોડે કોણ સંબંધ જાળવી રાખે ? પંડ્યનાં ય હવે મને ખાડું ઢોર સમજી મારા મોતની રાહ જોઈને બેઠાં છે. હળાહળ કળિયુગ આવ્યો છે.’
‘સોમભાઈ, મનમાં ઓછું ના લાવશો. આનું નામ જ સંસાર. સમય સમયનું કામ કરે છે. આપણે તો એના હાથનાં રમકડાં. ચાલો, કંઈ વાંધો નહીં. પાછો આવીને તમને મળું છું…..’ એમ કહી પશાભાઈએ સ્કૂટર હાંકી મૂક્યું. અડધા કલાક પછી હો-હા મચી ગઈ. લોકો હાંફળા-ફાંફળા થઈ દોડાદોડ કરતા બોલતા’તા, ‘શહેરમાં બૉંબ ધડાકા થયા છે. બહુ માણસો મરી ગયા….’ થોડીવારમાં સમાચાર આવ્યા કે પશાભાઈ પણ જે લારી આગળ શાક લેવા ઊભા હતા ત્યાં બૉંબ ફૂટ્યો અને આખી સોસાયટીમાં હાહાકાર મચી ગયો. સોમભાઈને ખબર પડી તો એ મોંફાટ રડવા માંડ્યા, ‘અરેરે…. આ શું થઈ ગયું !’

બે-ત્રણ દિવસ પછી સરકાર તરફથી જાહેરાત થઈ કે બૉંબ ધડાકામાં માર્યા ગયેલાના કુટુંબના સભ્યોને સરકાર તરફથી સાડાનવ લાખની સહાયતા મળશે. સોમભાઈનેય આ વાતની ખબર પડી. બપોરે જમીને સોમભાઈ આંગણામાં ખાટલા ઉપર આડે પડખે થયેલા. પુત્રવધૂઓએ એમ માન્યું કે બાપા સૂઈ ગયા છે પણ એ પડખું ફેરવી આંસુ વહાવતા હતા. ત્યાં જ પુત્રવધૂઓ ધીમા સ્વરે વાતો કરતી’તી જે સોમભાઈના કાને પડી.
‘બાપાય પશાકાકા જોડે રોજની જેમ શાક લેવા ગયા હોત તો…..! આપણનેય…….!’
‘હાસ્તો, પશાકાકા બચારા બોલાવાય આયા’તા તોય કહ્યું કે મને ઠીક નથી અને પડ્યા રહ્યા….’
‘શા ઝટકા પડ્યા’તા એમને ? બપોરે તો રૂપાળી ચાર રોટલીને દાળભાત ઝાપટ્યાં’તાં. રોજના કરતાં એક રોટલી વધારે માગી તે આપવી પડી, મારા ભાગની !’
‘શું કરીએ ? આપણાં ભાગ્ય જ ફૂટેલાં. બચારા પશાકાકા મરતાં મરતાંય બધાને ન્યાલ કરતા ગ્યા ! સા..ડા….ન….વ….લા…….ખ !’

સોમભાઈએ આખો વાર્તાલાપ સાંભળ્યો. હૈયું હચમચી ગયું. આંસુનું પૂર વહેવા માંડ્યું. એકલા-એકલા બબડવા માંડ્યા, ‘હે ભગવાન ! તું આટલો બધો નઠોર કેવી રીતે બની શકે ? વહુઓ હાચું જ કહે છે. હવે આ શરીરમાં બળ્યું છેય શું. મને બાળવાનાં લાકડાનાં ખરચેય બચત અને મરતાં-મરતાં કુટુંબનું કલ્યાણ થાત….’ પણ એમનાં આંસુ કોણ લૂછે ?

No comments: