Friday, November 6, 2009

જા ગુના તારા કર્યા છે માફ દિલથી, પણ ક્ષમાની...

જા ગુના તારા કર્યા છે માફ દિલથી, પણ ક્ષમાની એક સીમા હોય છે

‘મારો ડાહ્યો દીકો ખોટી જીદ ના કર.’ મા તરીકે છ વર્ષના પીન્ટુને કઇ રીતે સમજાવવો એ આવડત મંજુમાં હતી. ‘તું તો હવે મોટો થઇ ગયો. આ રમકડું તો સાવ નાનાં ટેણિયાંઓ માટે છે. સમજ્યો?’

પીન્ટુને એટલું સમજાયું કે એકવાર ના પાડી એટલે મમ્મી હવે નહીં જ અપાવે. ચુપચાપ મંજુનો હાથ પકડીને એ એને લપાઇને ચાલવા લાગ્યો.

બંને ઘરે પહોંચ્યાં ત્યારે બાજુવાળી કાશીડોસી બારણાંમાં ઊભી હતી. ‘મા-દીકરો શાક લઇને આવી ગયા?’ એમણે હસીને પૂછ્યું. એક રૂમ-રસોડાના હાઉસિંગના આ ફ્લેટમાં કોઇનું કશું અંગત નહોતું.

દરેકના ઘરમાં શું ચાલે છે એની આખા બ્લોકમાં બધાને ખબર હોય. ‘છૂટકો છે?’ ફ્લેટનું બારણું ખોલતાં મંજુએ ઉભરો ઠાલવ્યો. ‘ભીંડા-તુરિયાથી માંડીને ડુંગળી-બટાકા સુધી બધાના ભાવ એવા છે કે લેવાનો જીવ ના ચાલે પણ શું થાય?’

‘તારે દોઢ માણસમાં આવો હાયકારો નીકળે છે તો અમારે પાંચ માણસમાં શું થતું હશે?’ બે દીકરા અને બે વહુઓ સાથે કાશીડોસી એક રૂમ-રસોડાના ફ્લેટમાં રહેતા હતા.

‘પહેલાં એ સુખ હતું કે શાકભાજી બહુ મોંઘા હોય ત્યારે દાળથી રોડવી લેતા હતા પણ હવે તો એના ભાવ સાંભળીને ભડકી જવાય છે. આ દિવાળી આવીને ગઇ પણ આપણા એકેય ઘરમાં રોનક દેખાણી? માંડ માંડ પૂરું થતું હોય એટલે હોળી ને દિવાળી બધું સરખું. તારે ક્યાં સુધી વેકેશન છે?’

‘પચીસમી સુધી. છવ્વીસમી પાછી એ દોડાદોડી શરૂ. ટૂંકો પગાર આપીને સરકાર તેલ કાઢે છે.’

‘તોય એટલો આશરો છે એ સારું છે.’ કાશીડોસીએ હળવેથી સમજાવ્યું. ‘આ નોકરીનો આધાર ના હોત તો તારું ને તારા છોકરાનું શું થાત? એ નપાવટ તો પેલી નખરાળીને લપેટમાં આવીને ભાગી ગયો પણ તારે આ છોકરાના મોં સામે જોઇને જીવવાનું છે.’

મંજુ શામળી અને બેઠી દડીની હતી. એની સામે એનો પતિ બળવંત ફિલ્મી હીરો જેવો સ્ટાઇલીશ હતો. બળવંત રિક્ષા ચલાવતો હતો. એ પોતે અપટુડેટ રહેતો અને રિક્ષાને પણ નવીનવેલી દુલ્હનની જેમ ટનાટન રાખતો.

બીજી રિક્ષા ખરીદીને એણે માસિક ભાડેથી કોઇને ચલાવવા આપી હતી. મંજુ અને બળવંતના લગ્ન આઠ વર્ષ અગાઉ થયા હતા. સારા કપડાં પહેરીને હીરો જેવા દેખાવા સિવાય બળવંતને બીજું કોઇ વ્યસન નહોતું એટલે બંને રિક્ષાની કમાણીમાંથી એણે સારી એવી બચત કરેલી હતી.બે વર્ષ અગાઉ એમના સુખી જીવન પર વાવાઝોડું ત્રાટક્યું. એક રૂપાળી નર્સ બળવંતની રિક્ષામાં એક વાર બેઠી અને એમાંથી પરિચય વઘ્યો. એ સંબંધ એ કક્ષાએ પહોંચ્યો કે બળવંત મંજુને ભૂલી ગયો.

નાનકડા પીન્ટુનું પણ એને ભાન ન રહ્યું. બધી બચત અને મંજુના બધા દાગીના સહિત આખું ઘર સાફ કરીને એ પેલી નર્સની સાથે રહેવા જતો રહ્યો!

મંજુએ પી.ટી.સી. કરેલું હતું એટલે પીન્ટુ એક વર્ષનો થયો ત્યારથી એ નોકરી માટે પ્રયત્ન કરતી હતી. બહારગામ જવાની એની તૈયારી નહોતી.

મહામુશ્કેલીએ શિક્ષિકા સહાયક તરીકે નોકરી મળી એના બીજા જ મહિને બળવંતે આ ધડાકો કર્યો. મંજુ જરાયે રૂપાળી નહોતી પણ સમજદાર અને સ્વાભિમાની હતી. બળવંત જતો રહ્યો પછી ગામડેથી બળવંતના અને મંજુના મા-બાપ દોડી આવ્યા.

મંજુએ એમને બે હાથ જોડીને કહી દીધું કે બળવંતને શોધવાની કે મનાવીને પાછો બોલાવવાની કોઇ જરૂર નથી. જે માણસ આવી બેજવાબદાર રીતે પત્ની અને બાળકને છોડીને જતો રહ્યો હોય એને કરગરવાની મારે કોઇ ગરજ નથી. મારું ને મારા દીકરાનું હું ફોડી લઇશ. ખત્તા ખાઇને એક દિવસ એની જાતે પાછો આવશે.

એ વાતને બે વર્ષ વીતી ગયા હતા. મંજુ નોકરીમાં સેટ થઇ ગઇ હતી. નાલાયક પતિના પનારે પડેલી મંજુ માટે કાશીડોસીને પૂરી સહાનુભૂતિ હતી એટલે એ પીન્ટુનું ઘ્યાન રાખતા હતા.

આ બે વર્ષમાં મંજુએ બળવંતનું નામ પણ નહોતું ઉચ્ચાર્યું. કયારેક કોઇ સ્ત્રી પંચાત કરે ત્યારે મંજુ રોકડો જવાબ આપતી કે મેં તો એના નામનું નાહી નાખ્યું છે!

વેકેશનનો પૂરો સમય મંજુ પીન્ટુની સાથે એ રીતે વીતાવતી કે એને બાપની ખોટ ના લાગે. એની ઉમરના પ્રમાણમાં પીન્ટુ સમજદાર હતો એટલે મા-દીકરાને કોઇ તકલીફ નહોતી.

દેવદિવાળીના બીજા દિવસે સવારમાં રવિવાર હતો અને આખા બ્લોકમાં હોહા મચી ગઇ. બાર-બાર ફ્લેટના છ બ્લોકની વચ્ચે મોટું મેદાન હતું. છોકરાંઓ ક્રિકેટ રમતા હતા અને રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી બળવંત નીચે ઊતર્યો.

સવા બે વર્ષ પછી એને આ રીતે આવેલો જોઇને જે મોટાં છોકરાંઓ એને ઓળખતાં હતાં એમણે દોડીને ફ્લેટમાં બધાને કહ્યું. રિક્ષા રવાના થાય ત્યાં સુધીમાં તો આખું ટોળું ભેગું થઇ ગયું. પીન્ટુની આંગળી પકડીને મંજુ પણ દોડતી આવી પહોંચી હતી.

આખા ટોળાંની વચ્ચે બળવંત નીચું જોઇને ઊભો હતો. ત્રણ-ચાર દિવસની વધેલી દાઢી, મેલાં કપડાં અને મ્લાન ચહેરે એ ગુનેગારની જેમ ઊભો હતો. શરીર પણ ખાસ્સું ઓગળી ગયું હતું. આંખો ઊડી ઊતરી ગઇ હતી.

એકીટશે એની સામે તાકી રહેલી મંજુના નસકોરાં ફૂલી ગયા. પીન્ટુનો હાથ કાશીડોસીના હાથમાં પકડાવીને એ ધીમા પણ મક્કમ પગલે આગળ વધી. હવે આખા ટોળાની નજર મંજુ સામે હતી.

‘ધરાઇ ગયો એ રૂપસુંદરીથી?’ મંજુ દાંત ભીંસીને બોલતી હતી. નીચું જોઇને ઊભેલા બળવંતની હડપચીમાં જમણા હાથની બે આંગળીઓ ખોસીને એણે બળવંતનું મોં ઊચું કરીને ધારદાર અવાજે પૂછ્યું.

‘કે પછી ખિસ્સાં ખાલી થઇ ગયા એટલે એ રાં... કાઢી મૂક્યો તને?’ બે વર્ષથી મનમાં ધરબાઇ રહેલો ગુસ્સો લાવારસ બનીને ધસી આવ્યો હતો.

મંજુનો જે આક્રમક મિજાજ હતો એ જોઇને બીજા કોઇની તો એને રોકવાની હિંમત નહોતી પણ કાશીડોસીએ આગળ આવીને મંજુને અટકાવી. ‘હવે બધા ઘેર જાવ.’ ડોસીએ ટોળાં સામે જોઇને ઘાંટો પાડ્યો.

‘એનું મગજ ફટકી ગયું હતું એટલે જતો રહ્યો હતો ને હવે અક્કલ આવી એટલે પાછો આવ્યો છે. ઘેર જાવ બધા...’ ડોસીએ આગળ વધીને બળવંતનો કાન પકડીને ખેંચ્યો. ‘બહુ મોટું પરાક્રમ કરીને આવ્યો હોય એમ કેમ ઊભો છે? છાનોમાનો ઘરમાં જા અને બે હાથ જોડીને બૈરીની માફી માગી લે.’

ટોળું વિખેરાયું. કાશીડોસી, મંજુ અને પીન્ટુ આગળ ચાલતા હતા એમની પાછળ ભાંગેલા પગે બળવંત જાણે ઢસડાતો હતો. કાશીડોસી અત્યંત સમજદાર હતી. બળવંત ઘરની વચ્ચોવચ નીચું જોઇને બેસી રહ્યો હતો. એની સામે નજર કર્યા વગર મંજુ ઘરના નાના-મોટા કામમાં પરોવાયેલી હતી.

મંજુએ રસોઇ બનાવી અને થાળી બળવંત પાસે મૂકી. એક શબ્દ પણ બોલ્યા વગર એણે જે રીતે થાળી પછાડીને મૂકી એ જોઇને કાશીડોસીએ આંખના ઇશારાથી મંજુને ઠપકો આપ્યો. કશું બોલ્યા વગર બળવંતે નીચું જોઇને જમી લીધું.

‘હવે ઠરીને ઘરમાં રહેવાનું છે કે નવા ઉધામા કરવાના છે?’ એકાદ કલાક પછી ડોસીએ બળવંતને ધમકાવીને પૂછ્યું. ‘તારા કાનમાં જે કંઇ હોય એ ચોખ્ખું કહી દે. ભગવાને આવો રૂડોરૂપાળો દીકરો આપ્યો છે એની સામે તો જો.

તારો ખેલ હવે પતી ગયો. આ છોકરામાં જીવ પરોવીને સીધી રીતે જીવતાં શીખ.’ ડોસીના અવાજમાં કડકાઇ ભળી. ‘તારા દેદાર તો જો. હિંદી પિક્ચરના હીરો જેવો હતો અને ભિખારો થઇને પાછો આવ્યો છે. તારી બેઉ રિક્ષાઓ ક્યાં છે? છે કે વેચી ખાધી? એ વંતરીના જાદુમાં બધું વેચી માર્યું?’

ડોસી અધિકારથી પૂછતી હતી. બળવંત શું જવાબ આપે છે એ સાંભળવા માટે મંજુ પણ રસોડાના બારણામાં ઊભી હતી. ‘બધું ગયું.’ બળવંતે પહેલી વાર મોં ખોલ્યું.

‘બધું ખોઇને પણ બહુ મોટો પાઠ શીખવા મળ્યો. હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. મહેનત કરીને બધું નવેસરથી ઊભું કરીશ.’

‘રોયા નખ્ખોદિયા.’ મંજુ દાંત ભીંસીને ચુપચાપ સાંભળતી હતી પણ ડોસીએ ગુસ્સો ઠાલવ્યો. ‘બૈરીના દાગીનાં અને બે રિક્ષા- બધુંય ઉડાડી માર્યા પછી અક્કલ આવી?’

નીચું જોઇને બેઠેલો બળવંત ઝંખવાયેલો હતો. પારાવાર પીડા લઇને મંજુ ચૂપચાપ ઊભી હતી. મંજુનો પક્ષ લઇને ડોસી બળવંતને ધમકાવતી હતી.

રાત્રે નવ વાગ્યે ડોસી એના ઘરે ગઇ. આખો દિવસ રમીને થાકેલો પીન્ટુ ઊઘી ગયો હતો. ‘ઘેર આવ્યા જ છો તો મારી વાત સાંભળી લો.’ ઓરડાનું બારણું અંદરથી બંધ કરીને મંજુએ બાળી નાખે એવી નજરે બળવંત સામે જોયું.

‘ઝઘડો કરીને લોહીઉકાળા નથી કરવા એટલે લોકલાજે તમને ઘરમાં ઘૂસવા દીધા છે એ મારી મહેરબાની. આપણી વચ્ચે જો સંબંધ હતો એ તો તમે અમને મૂકીને ગયા એ જ દિવસે પૂરો થઇ ગયો એટલે મારી પાસેથી કોઇ આશા રાખ્યા વગર ઘરમાં પડ્યા રહેજો.

આ છોકરાના બાપ છો એટલે કંઇ નવાજૂની કર્યા વગર શાંતિથી જીવશો ત્યાં સુધી ઘરમાં રહેવા દઇશ. મને વતાવવાની કોઇ કોશિશ ક્યારેય ના કરતા. મને ને મારા છોકરાને શાંતિથી જીવવા દેજો.’

‘બહુ મોટી ભૂલ કરી નાખી છે. મેં... બહુ મોટો ગુનો કરી નાખ્યો છે મેં.’ બળવંતનો અવાજ ધ્રૂજતો હતો. રૂમમાં લોખંડનો એક ઊચો પલંગ હતો. એના ઉપર પીન્ટુ સૂતો હતો અને મંજુ એની પાસે બેઠી હતી.

નીચે ભોંય પર બેઠેલો બળવંત પશ્ચાતાપ ભરેલી નજરે મંજુ સામે તાકી રહ્યો હતો. ‘એ કભારજાએ બરબાદ કરી નાખ્યો મને. નિચોવી નાખ્યો અને પછી એક શેઠિયાને પકડ્યો.’

‘મારે એ કથા નથી સાંભળવી.’ મંજુના અવાજમાં તીખાશ હતી. ‘ તમે જેવા ધંધા કરો એવું ફળ મળે.’

‘મારી વાત તો સાંભળ.’ કરગરતી વખતે બળવંતનો અવાજ ધ્રૂજતો હતો. ‘એ રાં... ને પણ એવું જ ફળ આપીને આવ્યો છું. તારી પાસે ગુનો કબૂલ નહીં કરું ત્યાં સુધી ઊઘમાં પણ એ જ દેખાશે. સાંભળ.’

બળવંતનો કંપતો અવાજ સાવ ધીમો થઇ ગયો. એના કપાળ પર પરસેવો વળી ગયો હતો. ‘પહેલાં તારા દાગીના વેચીને અમે ફરવા ગયા. એ પછી એક રિક્ષા વેચીને એના પૈસા એને આપ્યા. એ પછી વરસ પછી બીજી રિક્ષા પણ વેચી નાખવી પડી.

એ પછી એણે મને ધુત્કારવાનું શરૂ કર્યું. એના ઘરમાં હું રહું એ પણ એને નહોતું ગમતું. વાતેવાતે અપમાન કરતી હતી એટલે મને શંકા પડી. કાલે રાત્રે તો એણે મને એના ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યો.

મારી નસેનસમાં ખુન્નસ ઉભરાતું હતું. રાત્રે લપાઇને ઊભો રહ્યો. થોડીવાર પછી એનો નવો ગાડીવાળો ભાઇબંધ ઘરમાં ઘૂસ્યો. પરોઢિયે એ હીરો રવાના થયો એ પછી હું એના ઘરમાં ગયો. એની બોચી ઝાલીને પૂછ્યું કે એ કોણ હતો?

એણે નફફટ થઇને મને ભિખારો કહ્યો એ પછી મારી કમાન છટકી. મગજ ઉપર કાળ સવાર થઇ ગયો. એની ગરદન ઉપર ભીંસ વધી અને એ કંઇ ચીસ પાડે એ અગાઉ મેં એટલી તાકાત વાપરી કે એના ડોળાં બહાર આવી ગયાં.’

‘હાય રામ! પછી?’

‘એ મરી ગઇ છે એવી ખબર પડી એટલે ગભરાઇ ગયો. એની લાશને ઢસડીને એના બાથરૂમમાં મૂકી દીધી અને સીધો અહીં આવી ગયો.’

બળવંતે મંજુ સામે બે હાથ જોડ્યા. ‘મને બચાવવાનું તારા હાથમાં છે. પોલીસ તપાસમાં મારું નામ આવે તો તારે કહી દેવાનું કે હું તો અહીંયા જ હતો. આમ તો એ છિનાળના ધંધા એવા હતા એટલે કોઇને કંઇ ખબર પણ નહીં પડે.

એ છતાં કંઇક થાય તો મને બચાવી લેજે. તને બહુ દુભવી છે પણ હવે મને ઉગારી લેજે.’ એની વાતનો કંઇ જવાબ આપ્યા વગર મંજુએ પીન્ટુને બાથમાં લીધો અને ઊઘી ગઇ.

‘ઘરનું ઘ્યાન રાખજો. મારે નિશાળનું મોડું થાય છે.’

સવારે દસ વાગ્યે મંજુ ઘરની બહાર નીકળી. બસ સ્ટોપ સુધી ચાલતી વખતે એના મગજમાં વિચારોના આટાપાટા ઘૂમરાતા હતા. બીજી જ મિનિટે એ ઊભી રહી ગઇ. ‘રિક્ષા...’ એણે બૂમ પાડીને રિક્ષાને ઊભી રાખી.

આવા માણસની છાયામાં મારે મારા છોકરાંને ઉછેરવો નથી. એણે અંતિમ નિર્ણય લીધો. પોલીસ સ્ટેશનમાં એ ઇન્સ્પેકટરની સામે આખી કથા આક્રોશથી વર્ણવી રહી હતી. ઇન્સ્પેકટર સ્તબ્ધ બનીને સાંભળતો હતો.‘

(શીર્ષક પંકિત : લેખક)

No comments: