Friday, November 6, 2009

હોય શ્રદ્ધા તોય આવું થાય છે...

હોય શ્રદ્ધા તોય આવું થાય છે,

શાંત પાણીમાં વલય સર્જાય છે
મારું નામ લક્ષ્મી. અત્યારે સુખેથી જીવું છું. બે બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. આડત્રીસ વર્ષની ઉમરે તંદુરસ્તી પણ સરસ છે. લગ્ન અગાઉ મારી માના ખોળામાં અઢાર વર્ષ વિતાવેલાં. જાણે-અજાણે મારા વર્તનમાં એનું વર્તન જ પ્રતિબિંબિત થયા કરે છે.


મા અભણ હતી. હું સાત ચોપડી ભણી. અભણ જનેતાની કોઠાસૂઝ અને સહનશીલતા મારી રગેરગમાં ઊતરી છે. મારા પતિદેવનું નામ સ્નેહલ. એકદમ મજાના માણસ. બીડી, તમાકુ કે એવું કોઇ વ્યસન એમને નથી. ચોવીસ કલાક મહેનત કરે છે. સારી નોકરી છે અને એ ઉપરાંત અમારો જે પારિવારિક ધંધો છે એમાં પણ એ જ કર્તાહર્તા છે.


બે દિવસ અગાઉ બપોરે હું ઊંઘતી હતી અને સ્નેહલ એની ઓફિસના કોઇ વડીલ મિત્રની સાથે ઘરમાં આવ્યો. મારી સાસુએ એ બંનેને ચા-નાસ્તો આપ્યો અને એ પછી એ એમના કામમાં પરોવાઇ ગયા. સહેજ ખખડાટ થયો એટલે હું જાગી ગઇ.


સ્નેહલ પેલા ભાઇબંધની જોડે જે વાત કરતો હતો એ સાંભળીને મારા કાન ચમક્યા. સામાન્ય રીતે આ સમયે હું અમારી દુકાને હોઉ પણ એ દિવસે મારા દિયર અને દેરાણી દુકાને ગયા હતા એટલે હું ઘરમાં હતી. સ્નેહલ પણ એ ભ્રમમાં હતો કે હું ઘરમાં નથી. વીસ વર્ષના લગ્નજીવનમાં આ રીતે છૂપાઇને વાત સાંભળવાનો આ પહેલો પ્રસંગ હતો એટલે હૃદયના ધબકારા વધી ગયા હતા. પરદાની પાછળ સંતાઇને ઊભા રહીને આખી વાત સાંભળી.


સ્નેહલ જે કહેતો હતો એ આખી વાત એના જ શબ્દોમાં સાંભળો. છૂટક છૂટક એ જે બોલતો હતો એ બધું જાણે એ ખુદ સળંગ વાર્તારૂપે કહેતો હોય એમ વાંચો... અમારી જ્ઞાતિમાં ભણતર ઓછું. બધા ભાઇ-બહેનોમાં હું સૌથી મોટો. કોલેજનું પગથિયું ચઢનાર અમારા કુટુંબમાં હું પહેલો.


મારા બાપા એમના ચારેય ભાઇઓમાંથી સૌથી મોટા અને જ્ઞાતિમાં પણ મોટું માથું ગણાય. કંઇ પણ વાત હોય તો બધા ભાઇઓ બાપા પાસે આવે અને એમના આદેશ મુજબ કામ નીપટાવે. મારા બધા કાકાઓ બીડીના બંધાણી પણ મારા બાપાની હાજરીમાં કોઇ બીડી ના પી શકે એવો એમનો કડપ.


સ્કૂલમાં કોલેજ જેવું જ વાતાવરણ હતું. બાપાની બીકથી કોઇ છોકરીના ચક્કરમાં ના પડ્યો પણ સિગારેટ પીવાની ટેવ પડી ગયેલી. બી.કોમ. થવા નવગુજરાત કોલેજમાં પ્રવેશ લીધો. લાલ દરવાજાથી બસમાં બેસીને કોલેજ જવાનું. કોલેજની પાછળ એક ચાની કીટલી માફક આવી ગયેલી. ભણવાને બદલે મિત્રો સાથે બેસીને ચા અને સિગારેટના ધુમાડામાં પહેલું વરસ વીતી ગયું.


છેલ્લો એક મહિનો મહેનત કરીને સારા ટકા લાવવામાં પણ તકલીફ ના પડી. એ જે સર્કલ બન્યું એમાં એક માત્ર હું એકલો હતો. બાકીના બધા મિત્રોએ બહેનપણી શોધી લીધી હતી. મણિનગરથી ઊપડતી બસમાં મારો એક મિત્ર દીપક એની બહેનપણી દિશા સાથે આવે. હું લાલ દરવાજાથી એમની સાથે જોડાઇ જાઉ.


એક દિવસ દીપક નહોતો આવ્યો એટલે દિશાએ મને બોલાવ્યો. રસ્તામાં એણે મને પૂછ્યું કે તારી કોઇ ફ્રેન્ડ કેમ નથી? મારી આંખ સામે બાપાનો કરડો ચહેરો તરવરી ઊઠયો અને મેં હસીને વાત ઉડાડી દીધી. બીજા દિવસે પણ દીપક નહોતો અને દિશા સાથે એચ.કે.આર્ટ્સની એક છોકરી હતી. દિશાએ એની એ સખીનો પરિચય કરાવ્યો.


રચના પટેલ બસમાં મારી પાસે બેઠી ત્યારે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય એનું મને ભાન થયેલું. એ પછી તો અઠવાડિયામાં બે દિવસ એ મારી કોલેજ પર આવતી અને એકાદ દિવસ હું એની કોલેજ પર જતો. અમારી વરચે વિચારોની સમાનતાનો મેળ પડી ગયો અને સંબંધો આગળ વઘ્યા.


મારી સિગારેટની કુટેવ રચનાને પસંદ નહોતી. એણે અનેકવાર મને સમજાવેલો, મેં સ્પષ્ટતા કરેલી... મારી મિત્રતા છોડવી હોય તો છોડી શકે છે પણ હું સિગારેટ નહીં છોડું. એ બાપડીએ હાર કબૂલી લીધેલી. આખા ગ્રૂપના બધા છોકરાં-છોકરીઓ સાથે ફિલ્મ જોવા જતાં અને એકબીજાના ઘરે પણ જતાં.


કોલેજના છેલ્લા વર્ષના છેલ્લા છ મહિનામાં અમે અમારા સંબંધો વિશે ગંભીરતાપૂર્વક વિચારેલું. એ ગુજરાતી પટેલ અને મારું રાજસ્થાની બેકગ્રાઉન્ડ એટલે બેમાંથી એકેયના મા-બાપ અમારા સંબંધ માટે સંમતિ નહીં આપે એ હકીકત અમે બંને જાણતા હતા.


બી.કોમ. થઇને ક્યાંક સારી નોકરી મળે ત્યારે લગ્ન કરવા એવું નક્કી કર્યું. નસીબ અમારી તરફેણમાં હતું એટલે બી.કોમ. થયા પછી સાતેક મહિનામાં જ સરકારી નોકરી મળી ગઇ. વીસનગર પોસ્ટિંગ મળેલું અને શરૂઆતના ચાર-પાંચ વર્ષ ત્યાં જ રહેવું પડે એ પરિસ્થિતિ મેં રચનાને સમજાવી.


એ જ અરસામાં અમારું આખું કુટુંબ ખળભળી ઊઠ્યું. મારા સૌથી મોટા કાકા મારા બાપાથી એકાદ વર્ષ જ નાના હતા. એમનો મોટો દીકરો તદ્દન પછાત જ્ઞાતિની એક યુવતીના પ્રેમમાં પડ્યો અને ઘરમાં જણાવી દીધું કે એ આવતા મહિને લગ્ન કરવાનો છે. બધા કાકાઓ દોડીને અમારા ઘરે આવ્યા.


મારા બાપાએ કહી દીધું કે જીવતેજીવ પોતે આ સંબંધની મંજૂરી નહીં આપે. પેલો હીરો મક્કમ હતો. મારા બાપાને પણ એણે મોઢામોઢ કહી દીધું કે તમારે જે દાદાગીરી કરવી હોય એ તમારા સ્નેહલ ઉપર કરજો. બાપાના લમણાંની નસો ફાટફાટ થતી હતી. એમણે કાકાના ઘર સાથેના સંબંધો તોડી નાખ્યા.


પોતે જ્ઞાતિના વડા અને એમના જ પરિવારનો છોકરો આવું કરે એ વાત એમને માથાના ઘા જેવી લાગતી હતી. પણ એ હીરોએ નક્કી કરેલી તારીખે કોર્ટમાં લગ્ન કર્યા અને આશીર્વાદ લેવા માટે એ નવદંપતી અમારા ઘેર આવ્યું. બાપા એટલા બધા ઉશ્કેરાયેલા હતા કે એ વખતે એમને જોરદાર હાર્ટએટેક આવ્યો.


હું વીસનગર હતો. ટેક્સી કરીને હું પહોંચ્યો ત્યારે બાપા આઇ.સી.યુ.માં હતા. મને વચન આપ કે તું આવું કોઇ કાળે નહીં કરે. ધ્રૂજતા અવાજે એમણે હાથ લંબાવીને મારી પાસે વચન માગ્યું. આ વખતે કદાચ બચી જઇશ પણ તું આવું કરીશ એ ઘડીએ મારા શ્વાસ અટકી જશે.


કટોકટી ભરેલી દશામાં એ મારી સામે પલંગ પર હતા. આંખ સામે રચનાનો ચહેરો તરવરતો હતો. ભયાનક ધર્મસંકટમાં ગૂંચવાયો હતો હું. બા, નાની બહેનો અને નાનાભાઇનો પણ મનમાં વિચાર આવતો હતો. હૃદય ઉપર પથ્થર મૂકીને મેં એમના હાથમાં હાથ આપીને વચન આપી દીધું!


બાપા બચી ગયા પણ મારી હાલત કફોડી થઇ ગઇ હતી. રચનાને મળ્યો. બધી વાત એને કહી દીધા પછી એની સામે તાકી રહ્યો. નો પ્રોબ્લેમ. એ સમજદાર છોકરીએ ભીના અવાજે એટલું જ કહ્યું કે મિત્રતાની મર્યાદા જાળવીને આજ સુધી જે સંબંધ રહ્યો એ આપણું નસીબ.


હવે પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આંખમાં ઝળઝળિયાં સાથે એ ઊભી થઇને જતી રહી. ગાંઠ છૂટ્યાની વેળાએ એણે મારી પાસેથી માત્ર એક વચન માગેલું. સિગારેટ છોડવાનું. એ મેં સ્વીકારેલું.


મગજ અને હૃદય ઉપર રચનાનો જે પ્રભાવ હતો એમાંથી મુક્ત થઇને કન્યા પસંદ કરવાનું કામ સરળ નહોતું. એ જ વખતે એક સંબંધીને ત્યાં લક્ષ્મીને જોઇ. પહેલી જ નજરે એ ગમી ગઇ અને મેં ઘરે વાત કરી. છોકરી માત્ર સાત ધોરણ ભણી છે એવું બા-બાપાએ કહ્યું એ છતાં કોણ જાણે કેમ હું મક્કમ રહ્યો.


ધામધૂમથી લગ્ન થયા અને વીસનગરમાં ભાડાના મકાનમાં અમારા લગ્નજીવનનો આરંભ થયો. બે સંતાનના જન્મ પછી પણ ક્યારેક રચનાની સ્મૃતિ હૃદયમાં ઝળકી ઊઠતી. વીસનગરથી અમદાવાદ આવ્યો ત્યારે અમારા લગ્નને છ વર્ષ વીતી ગયા હતા.


એ પછી ત્રણેક વર્ષ બાદ સુખદ આશ્ચર્યના આંચકાની જેમ રચના અચાનક મારી ઓફિસે ટપકી પડી. દસેક વર્ષના અંતરાલ પછી એ મારી સામે ઊભી હતી. એની ગોરી ત્વચા વધુ ચમકદાર લાગતી હતી. મહામુશ્કેલીએ તને શોધી કાઢ્યો.


એણે હસીને માહિતી આપી. લગ્ન કરીને મારા પતિદેવ સાથે અમેરિકામાં જલસા કરું છું. બે બાળકો છે અને સાસરું વડોદરામાં છે. પરમ દિવસે પાછું ન્યૂ જર્સી જવાનું છે એટલે ખાસ તને મળવા માટે આજે અમદાવાદ આવી છું. એણે હળવેથી પૂછ્યું કે ઓફિસમાંથી રજા મળે એવું નથી?


મેં રજા મૂકી દીધી. અડધા કલાક પછી અમે બંને હોટલના રૂમમાં હતા. અંગારા ઉપર જામેલી રાખ ખંખેરાય ત્યારે ભીતરથી તો એ ધગધગતાં જ હોય છે એનો અનુભવ એ દિવસે થયો. હું હજુ તને ભૂલી નથી. એના ધ્રૂજતા અવાજમાં ઉશ્કેરાટ હતો.


અમેરિકાની સમૃદ્ધિ છોડીને તારી સાથે અમદાવાદ રહેવાની પૂરી તૈયારી છે. હું ડાઇવોર્સ લઉ. તું પણ છૂટાછેડા લઇ લે. આટલાં વર્ષોપછી ફરીથી નવા જીવનનો આરંભ કરીએ.


એ સમય વીતી ગયો. ઉન્માદથી બબડતી રચનાને મેં ઠંડકથી સમજાવી. તારી સાથે તારા બે બાળકો અને તારા પતિનું જીવન અને અહીં લક્ષ્મી અને અમારા બે બાળકોની જવાબદારી મારા ઉપર છે. એ છ જિંદગીને બરાબર કરવાનું પાપ આપણાથી ના થાય.


આજે આટલાં વર્ષોપછી મળ્યા અને આ રીતે હોટલમાં રહ્યા એ નાનકડું પાપ ઈશ્વર કદાચ માફ કરશે પણ મારા અને તારા ભરોસે રહેલી છ વ્યક્તિઓની આંતરડી કકળાવવાનું પાપ એ નહીં સાંખે. આપણો સમય હવે પૂરો થયો. બાળકોની સામે જોઇને બાકીની જિંદગી વિતાવી દેવાની.


એ ગઇ. એ વાતને પણ આજે અગિયાર વર્ષ વીતી ગયા છે. એ પછી એ અહીં આવી છે કે નહીં એની પણ મને ખબર નથી. મહિને-બે મહિને એકાદ વાર એ ફોન કરે છે. સળંગ એકાદ કલાક સુધી જૂની સ્મૃતિઓ યાદ કરીને અમે વાતો કરીએ છીએ. ડાઇવોર્સ ની વાત શરૂ કરે કે તરત હું વાત ટૂંકાવી દઉ છું. બિચારી લક્ષ્મી સાવ ભોળી છે. એને આ વાતનો અણસાર પણ નથી!


વાચક મિત્રો, મારા પતિદેવ સ્નેહલની આપવીતીના છેલ્લા બે વાક્ય વાંચીને તમારા હોઠ પર સ્મિત ફરક્યું હશે. એમના મનમાં એમ કે સાત ચોપડી ભણેલી લક્ષ્મીમાં વધારે અક્કલ નથી. લગ્નના વીસ વર્ષ પછી એમના મોઢેથી એમની આ પ્રેમકહાણી છૂપાઇને સાંભળી એ પછી સૌથી પહેલો ઈશ્વરનો આભાર માન્યો.


મારું અને બાળકોનું એ વિચારી શકે છે એ એમનું જમા પાસું છે. એમની આ સમજના બદલામાં એમની નાનકડી ભૂલને માફ કરવાની ઉદારતા મારામાં છે. પેલી વંતરી બે-ત્રણ મહિને એક વાર ફોન કરે એ વાત આમ તો ખૂંચે છે પણ એમાં સ્નેહલનો શું વાંક? એ સામેથી ફોન નથી કરતો એ મારા માટે બહુ મોટી વાત છે.


મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે મારા ઉપર મારી માનો બહુ પ્રભાવ છે. એની ઉદારતા અને સહનશીલતા મને વારસામાં મળી છે. મારા બાપાને દારૂ પીવાની ટેવ હતી. મા ખોળો પાથરીને કરગરે એટલે ચાર-પાંચ મહિના સુધી પીવે નહીં. પણ એ પછી એ એવા ગુમસૂમ બનીને બેસી રહે કે માને દયા આવે.


આખા ઘરના પૈસાનો વહીવટ માના હાથમાં રહેતો હતો. જાવ, ઢીંચી આવો. એમ બબડીને એ બાપાને પૈસા આપે. આ વાત એટલે યાદ આવી કે ધારું તો સ્નેહલને ધમકાવીને ટેલિફોનનું નાટક બંધ કરાવી શકું. પણ મારી માની જેમ દયા આવી જાય છે. મારું અને છોકરાંઓનું એ પૂરું ઘ્યાન રાખે છે.


ફોન ઉપર વાત કરીને એને નશા જેવો આનંદ મળતો હોય તો એમાં મારું કંઇ લૂંટાઇ નથી જતું. એના નશામાં આપણે શું કામ નડતરરૂપ બનવું?


(શીર્ષક પંક્તિ : લેખક)

No comments: